સ્વાધ્યાયલોક—૧/નક્ષત્ર

From Ekatra Wiki
Revision as of 17:39, 23 March 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘નક્ષત્ર’ — ગુર્જર ભારતવાસીઓનું}} {{Poem2Open}} આપણી દેશના બે ઉત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘નક્ષત્ર’ — ગુર્જર ભારતવાસીઓનું

આપણી દેશના બે ઉત્તમ કવિઓને એક જ સ્થળે આ જ સમયે એકસાથે જોવા-સાંભળવાનું થાય — અને તે પણ અત્યંત આત્મીયતા અને અનૌપચારિકતાપૂર્વક — એ એક લહાવો છે. વળી આ જ દિવસે બે વાર જોવા-સાંભળવાનું — સવારે પ્રવચન અને સાંજે કાવ્યપઠન કરતા જોવા-સાંભળવાનું થાય એ એક અદકો લહાવો છે. હમણાં અમદાવાદમાં ઉમાશંકર જોશીના પ્રમુખપદે અજ્ઞેયજીએ ‘નક્ષત્ર’નું ઉદ્ઘાટન કર્યું ત્યારે આવો લહાવો અનેક કવિતારસિકોના સદ્ભાગ્યમાં હતો. ‘નક્ષત્ર’ એક સાહિત્યિક-શૈક્ષણિક-સાંસ્કૃતિક ટ્રસ્ટ છે. એનાં ટ્રસ્ટીમંડળના સભ્યો છે સર્વશ્રી હરિવલ્લભ ભાયાણી (પ્રમુખ), નિરંજન ભગત (ઉપ-પ્રમુખ), રઘુવીર ચૌધરી (કાર્યવાહી ટ્રસ્ટી). ભોળાભાઈ પટેલ અને ચન્દ્રકાન્ત શેઠ. એનો મુખ્ય ઉદ્દેશ છે ભારતીય ભાષાઓના સાહિત્યનો અભ્યાસ અને આસ્વાદ. ટ્રસ્ટ વર્ષમાં એક વાર કોઈ પણ એક ભારતીય ભાષાના બે સાહિત્યકારોને આમંત્રણ આપશે, એક-બે દિવસના કાર્યક્રમના કેન્દ્રમાં આ સાહિત્યકારોનાં પોતાની સર્જનપ્રક્રિયા વિશેનાં વ્યાખ્યાનો અને એમના સ્વમુખે એમની સાહિત્યકૃતિઓમાંથી પઠન યોજશે અને એની આસપાસ એમની સાહિત્યકૃતિઓ અંગે અને એમની ભાષાના સાહિત્ય અંગે પણ વ્યાખ્યાનો યોજશે. આમ, ગુજરાતના સાહિત્યરસિકો અને અભ્યાસીઓને અન્ય ભારતીય ભાષાઓના સાહિત્યકારોના સાનિધ્યમાં જ એમના સાહિત્યનો આત્મીય અને અનૌપચારિક અભ્યાસ અને આસ્વાદ કરવાનો સુયોગ પ્રાપ્ત થશે. ટ્રસ્ટ ‘નગીનદાસ પારેખ કાવ્યશાસ્ત્ર વ્યાખ્યાનમાળા’ પણ યોજશે. એમાં ટ્રસ્ટ વર્ષમાં આ વાર કાવ્યશાસ્ત્રના એક વિદ્વાનને કાવ્યશાસ્ત્ર વિશે વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ આપશે અને એ વ્યાખ્યાનનું પ્રકાશન કરશે. ઉપરાંત ટ્રસ્ટ એક સામયિક પણ પ્રગટ કરશે. ‘નક્ષત્ર’એ એના ઉદ્ઘાટન પ્રસંગે હિન્દી ભાષાના બે કવિઓ — અજ્ઞેય (સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન) અને રામદરશ મિશ્ર — ને આમંત્રણ આપ્યું હતું. આ માસની ૯મીએ સવારે અમદાવાદમાં ભારતીય પ્રાચ્યવિદ્યા મંદિરના સુન્દર મકાનમાં આહ્લાદક વાતાવરણમાં ઉમાશંકર જોશીના પ્રમુખપદે અજ્ઞેયજીએ ‘નક્ષત્ર’નું ઔપચારિક ઉદ્ઘાટન અનૌપચારીકપણે કર્યું. આ પ્રસંગે ગુજરાતી-હિન્દી-મરાઠી-ઉર્દૂ-અંગ્રેજી- પર્શિયન-સંસ્કૃત આદિ ભાષા-સાહિત્યના અભ્યાસીઓ અને સર્જકો હાજર હતા. અજ્ઞેયજીને એકાદ કાવ્યપંક્તિ રચીને ઉદ્ઘાટન કરવાની વિનંતી કરવામાં આવી હતી. એમણે આ કાવ્યપંક્તિ રચી હતી :

અવતરિત હુઆ સંગીત
સ્વયંભૂ,
નિઃશેષ પ્રભામય.

અને એનું પઠન કર્યું હતું. આમ ઉદ્ઘાટન વાચ્યાર્થમાં કાવ્યમય હતું. આ પ્રસંગે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. એમાં ચાર વ્યાખ્યાન-નિબંધો રજૂ થયા હતા : ‘અજ્ઞેયજીકે સંદર્ભમેં હિન્દી કવિતા’ — ભોળાભાઈ પટેલ, ‘મૈં ઔર મેરે સમય કી કવિતા’ — રામદરશ મિશ્ર, ‘ઉમાશંકરના સંદર્ભમાં ગુજરાતી કવિતા’ — ચંદ્રકાંત શેઠ, ‘મારી પોતાની કવિતા અને સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા — અંગત દૃષ્ટિએ’ — નિરંજન ભગત. સાંજે અટિરાના સભાગૃહમાં લગભગ એકાદ કલાક લગી અજ્ઞેયજી, નિરંજન ભગત, રામદરશ મિશ્ર અને ઉમાશંકર જોશીએ પોતાનાં કાવ્યોનું પઠન કર્યું હતું. પછી સંગીત-નાટકનો કાર્યક્રમ પણ રજૂ થયો હતો. સભાગૃહમાં ભાગ્યે જ કોઈ ખુરશી ખાલી હતી. ઊંચો દેહ, દૃઢ બાંધો, ગોળ મોં, ભાવભીની આંખો, શ્વેત વસ્ત્રો — લેંઘો, ઝભ્ભો અને જવાહર જાકીટ — એમાં અજ્ઞેયજીનું વિશિષ્ટ બાહ્યવ્યક્તિત્વ તથા સ્વસ્થતા અને સંયમ, મૃદુ-મિતભાષિતા અને અલ્પાતિઅલ્પ હલનચલન — એમાં એમનું વિશિષ્ટ આંતરવ્યક્તિત્વ પ્રગટ થતું હતું. અજ્ઞેયજીના વ્યક્તિત્વમાં સૌથી વિશેષ આસ્વાદ્ય અને આકર્ષક કશુંક હોય તો તે એમની એક સાચા વિશ્વનાગરિકની સુજનતા અને સંસ્કારિતા એક સાચા કવિની આત્મનિષ્ઠા અને આત્મશ્રદ્ધા, એક સાચા મનુષ્યની વીરતા અને વિનમ્રતા. અજ્ઞેયજીએ એમના વ્યાખ્યાનમાં એમની કવિતાની વિશિષ્ટ ભૂમિકાનો પરિચય આપ્યો — ભાષા હિન્દી, અનુભવ ભારતીય અને સંવેદના વૈશ્વિક. ભારતના કોઈ પણ પ્રદેશની કોઈ પણ ભાષાનો સાચો કવિ એ માત્ર એ પ્રદેશનો કે એ ભાષાનો જ કવિ નથી પણ એ ભારતીય કવિ, અને વિશ્વકવિ પણ છે. આ એમની પ્રતીતિ હતી. ભારતની બેતૃતીયાંશ પ્રજા નિરક્ષર છે, પણ અશિક્ષિત નથી. એનામાં સમજ છે, કવિતાની સમજ પણ છે. કવિતા કાનની કળા છે એથી આમેય એનું પઠન થવું જરૂરી છે પણ ભારતની પ્રજાના આ વિશિષ્ટ સંદર્ભમાં તો કવિતાનું મુદ્રણ માત્ર જ નહિ, પઠન અનિવાર્ય છે. આ એમની અન્ય પ્રતીતિ હતી. ભારતીય ચિંતન અને દર્શનની પરંપરાના સંદર્ભમાં અંગત અનુભવોને આધારે અને લૉરેન્સ સ્ટર્નની નવલકથા ‘ટ્રિસ્ટ્રામ સૅન્ડી’ના ઉદાહરણ દ્વારા એમણે ઐતિહાસિક કાળ અને ચૈતસિક કાળ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો અને એ દ્વારા કલા-જગતનું, કલ્પના-જગતનું એક ગહન સત્ય, સર્જન-પ્રક્રિયાનું એક માર્મિક રહસ્ય પ્રગટ કર્યું. એક કવિ તરીકે, સર્જક-કલાકાર તરીકે એમની એકબે અંગત વાત અત્યંત સૂચક અને વેધક હતી. દેશવિદેશની કવિતાની અનેક અસરો એમની કવિતામાં આત્મસાત્ છે. એટલું એમનું ખુલ્લું મગજ અને ઉદાર હૃદય છે. એથી કૃતક-રાષ્ટ્રપ્રેમી હિન્દીભાષીઓ એમને અહિન્દી અને અભારતીય ગણે છે, અસ્પૃશ્ય અને અસ્વીકાર્ય માને છે. એમણે એકસાથે નમ્રતા અને ગૌરવથી કહ્યું કે પોતે રોજ પોતાની ભાષા શીખે છે. આ એક સાચા કવિનો ઉદ્ગાર હતો. એમણે આમ કહ્યું ત્યારે મને કાર્લ ક્રાઉસના પ્રસિદ્ધ ઉદ્ગારનું સ્મરણ થયું, ‘ભાષા તો છે વિશ્વવધૂ, મારે એને કાયાકલ્પથી કરવી રહી કુમારિકા.’ આ કાયાકલ્પ અર્થે એ રોજ પોતાની ભાષા શીખે છે, નવેસરથી શીખે છે, જાણે પૂર્વે કદી ન શીખ્યા હોય એમ શીખે છે, જાણે પહેલી વાર શીખે છે. અસંખ્ય મનુષ્યો અસંખ્ય શબ્દોને રોજ રોજ ભ્રષ્ટ કરે છે, કવિ એમને રોજ રોજ પવિત્ર કરે છે. સમાજના શબ્દોમાંથી કવિ પોતાનો શબ્દ, કવિનો શબ્દ શોધે છે. એ અર્થમાં એ રોજ પોતાની ભાષા શીખે છે. વળી એમણે કહ્યું કે પોતે જ્યારે જ્યારે વિદેશ ગયા છે ત્યારે ત્યારે વધુ ભારતીય થયા છે. આ એક સાચા ભારતીયનો ઉદ્ગાર હતો. ઉમાશંકર જોશીએ પણ પ્રમુખપદેથી અજ્ઞેયજીનાં; વિધાનોનું સમર્થન કર્યું હતું અને અનુસંધાનમાં ઉમેર્યું હતું કે કવિ શબ્દ શોધે છે, કવિનો શબ્દ શોધે છે, કાવ્યનો શબ્દ શોધે છે. શબ્દ સમાજની સરજત છે. એ જ શબ્દની મર્યાદા છે અને મહત્તા છે. એથી શબ્દમાં કેટકેટલા અકાવ્યમય સંદર્ભો છે. તો સાથે સાથે શબ્દમાં કેટકેટલા કાવ્યમય સંદર્ભો પણ છે. એથી કવિ સમકાલીન સમાજ અને અનુકાલીન સમાજ સાથે અવગમન કરી શકે છે. ભાવકના વાચને વાચને કાવ્યનો અને એથી કવિનો પણ પુનર્જન્મ થાય છે. એ જ કવિતાની અને કવિની પણ અમરતા છે. એમણે એ પણ ઉમેર્યું હતું કે પાંચમા દાયકાથી ભારતની સૌ ભાષાઓની કવિતામાં એક અનિવાર્ય પરિવર્તન આવ્યું છે. એ કવિતા પૂર્વવત્ હોય જ નહિ. એ કવિતા આધુનિક કવિતા છે. જગતની સૌ પ્રજાઓ અને ભાષાઓ ત્વરિત સંદેશા અને વાહનવ્યવહારનાં સાધનો અને અનુવાદો દ્વારા એકમેકની વધુ ને વધુ નિકટ આવી છે. એથી જગતમાં કોઈ પણ એક પ્રદેશની એક ભાષાની કવિતામાં વૈશ્વિક સંવેદના છે. એથી ભારતની કોઈ એક ભાષાની કવિતા ભલે એક પ્રદેશની કે એક ભાષાની કવિતા હોય પણ એ જો સાચી કવિતા હશે તો અંતે એ વિશ્વકવિતા છે. આપણી દેશના આ બે ઉત્તમ કવિઓએ ‘નક્ષત્ર’ શુભેચ્છા અર્પી હતી કે ભારતના પ્રત્યેક પ્રદેશમાં અને એની ભાષામાં આવું ‘નક્ષત્ર’ પ્રગટ થજો! અહીં પણ ‘નક્ષત્ર’ને એ જ શુભેચ્છા કે આ ગુર્જર ‘નક્ષત્ર’નો ભારતીય સાહિત્યનો અને એ ભારતીય — ગુર્જર સમેત — ‘મહાનક્ષત્ર’નો વિશ્વસાહિત્યનો અભ્યાસ અને આસ્વાદ વધુ ને વધુ આત્મીય હજો! (નક્ષત્ર ટ્રસ્ટ, અમદાવાદના ઉપક્રમે કવિતા વિશેના પરિસંવાદ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે વકતવ્ય. ૨૧ ઑક્ટોબર ૧૯૭૭)

*