મનોહર ત્રિવેદીનાં કાવ્યો

From Ekatra Wiki
Revision as of 12:08, 26 April 2022 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search
7 Manohar Trivedi Kavya Title.jpg


મનોહર ત્રિવેદીનાં કાવ્યો

સંપાદક: વિપુલ પુરોહિત




ઠેશ

જમુનાને ઘાટ હું તે પાણીડાં ગૈ’તી ન્યાં
વાગી ગૈ એક મુને ઠેશ!
ગોધણ લઈ આવતા મોહનની બંસીનો
સૂર મુને આંહીં પરખાણો,
ઇમાં તે બૈ! હું તો ભાન ભૂલી ગૈ,
મારા પગમાં અટવાણો એક પાણો;
નંદવાણી ચૂડિયું ને તૂટી ગ્યું બેડું, મારાં
ભીંજવાયાં રુદિયું ને વેશ! — જમુનાને
ઈ ચિત્તડાના ચોર મારી પડખેથી સરક્યો
ને બોલ્યો ના એક્કે તે વેણ,
મૂંગાં મલકાટમાં પૂર્યા’તાં ઈણે તો
કૈ કૈયે લાખેણાં કેણ;
દલડાનો તઇં ભારો ચંદર ઊગ્યો ને
ઓલી સંધ્યા પે ઢળતી’તી મેશ! – જમુનાને

મોં – સૂઝણું

એક કૂબાની બ્હાર રેલાતા કોડિયાનો અજવાસ રે ઝાંખો!
વાયરો સારી રાત વિંઝાયો; તો ય પેલી એ
દીપ–શિખાએ પ્રસન્ન ચ્હેરે આદર્યો જાણે નાચ!
‘અહીં કૂબાની માંહ્ય છે કેવો દીપ, કે જે – હું –
વગડા કેરી બીક કશી ના લાગતી વળી આંચ?
સપન છે કે સતની લીલા?’

દ્વારનો કરી હાથ હલાવે, ચોળતો જાણે નિજની આંખો! –
એક કૂબાની બ્હાર રેલાતો કોડિયાનો અજવાસ રે ઝાંખો!

આવી રહી મોં સૂઝણી જ્યંહી વેળ
પ્રભંજન ભાન ભૂલીને ફૂંકતો બેઠો;
(નિર્મળા ને સ્વચ્છ ઝરાને બેઉં કિનારે
બાઝતો જતો લીલ ભરેલો મેલ.)

ત્યાં જ ક્ષિતિજે સુરખી રેલી, ફૂટતી હતી સુનલમુખી રેખ,
અણમાનુષ વાયરે માર્યું ઝાપટુ, આખર તેજ રેલાવી
હોલવાયો એ દીવડો નાનો, મેલતો ગયો સ્મિત આછેરું એક
(પ્રકૃતિની ગોદમાં એની ઝાંય જાણે કે નીતરી રહી છેક!)
સાંકડી કોઈ નીડમાં સારી રાત ગોંધાએલ આજ પારેવાં
મોકળે મને, ચાંચમાં પ્રોવી ચાંચ ને ઊડ્યાં
          પ્રસરાવી ને આભમાં પાંખો!
એ જ કૂબાની બ્હાર બધેબધ
          કોડિયાં જલે આજ શું લાખો?

ઑય મા મુંને –

ઑય મા, મુંને પગમાં કાંટો લવકે છે કંઈ
ઑય મા, જેવું આંખ્યમાં કણું ખટકે છે કંઈ...

નેળ્યને કેડે આમ તો સખિ
હોય શું કહે : હોય ગાડેતી જણ, બીજું શું ધૂળ?
ધ્યાન બા’રી લગરીક થઈ ત્યાં
‘ઝમ’ શારાની ગઈ ભોંકાઈ પગમાં બાવળશૂળ
ઑય મા, મુઝાઈ મરતી એવું સાંસમાં લીલું ચટકે છે કંઈ...
ઑય મા, મુંને પગમાં કાંટા લવકે છે કંઈ....

કોઈ દિ’ રાતું ફાળિયું ભાળી અમથું અમથું
બોલવું નહીં ચાલવું નહીં કાઈ દિ’ સામે મળવું નહીં, નીમ
કોઈ દિ બાઈ, કારણ વગર દેખવું નહીં દાઝવું નહીં
લાજવું નહીં કોઈ વાતે પણ ચળવું નહીં, નીમ

ઑય મા રે, સંભારણા પેઠે જામરો મારી પાનીએ મૂવો
સળકે છે કંઈ....

ઑય મા, મને પગમાં કાંટો લવકે છે કંઈ....
ઑય મા, જેવું આંખ્યમાં કણું ખટકે છે કંઈ....

તમે ભલે ઘર છોડી ચાલ્યાં–

તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં.....
તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં....

હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણીએ
ટાંકા લેતી આંગળિયું કંઈ તરવરતી તોરણિયે
બારસાખ આંખો ઢાળીને જોઈ રહે ઉંબરમાં....

નથી રોટલે ભાત્ય તમારી હથેળિયુંની પડતી
નથી રોટલે ભાત્ય – યાદ એ વળી વળી ઉપસતી
નથી તમે–ની સરત રહે ના કેાઈ અવરજવરમાં....

આળીપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ
પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે મુરઝાઈ
ગીત વગરનું ગીત ટપકતું ફરી ફરી ભીતરમાં....

તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં....
તમે ભલે સુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં....

લંબાતા દંનનું ગીત

આમ હવાની ફૂંક વાગે ને ધૂળને ફૂટે પાંખ
આમ આઘેની ટેકરીના ગુલમૉરની ખૂલે આંખ

થાય બપોરી વેળ ને ભીનો ધોરિયો પોરો ખાય
૨ે પછી ધોરિયો પોરો ખાય
ભથવારીના હોઠની પેઠે ભાથની છૂટે ગાંઠ
ને દોણી છાશની ઊણી થાય
પીંપળા હેઠે થાકની આંખો જાય ઘેરાતી જાય ઘેરાતી જાય
કાંઈ નવાણે કાંઈ નવાણે
કાંઈ ધુબાકા ખાય હવે આ ચૈતર ને વૈશાખ....

પંથને ફૂટે કેડીયું એવી કેડીયું જેવા
સીમમાં લાંબા દંન ઊગે રે દંન
આવશે ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે
સાંજનાં શીળાં વંન કે શીળાં વંન
ખોરડાં મેલી ગામથી આઘા
જાય ઠેલાતા જાય લીલા આષાઢ અને શ્રાવણ
આભ વિના કેઈ આભ ના બીજે ક્યાંય
ના કાળુભારમાં વહે નીર કે વડે આભ....
આમ હવાની ફૂંક વાગે ને ધૂળને ફૂટે પાંખ
આમ આઘેની ટેકરીના ગુલમૉરની ખૂલે આંખ

‘ગામમુખીનાં ત્રણગીત’ માંથી ૩

મુખી સત્તરવાર, તે કાળુભારને ધૂને
ધોમખપોરે જઈ ને શું ધૂબકા લગાવાય નંઈ?–

રાતના ભેરુબંધની હારે
હીરપરાની વાડ્યને છીંડે ગરકી પછી
મનને ફાવે એટલાં લાગઠ ઝીંઝરાં ચારાય નંઈ? -

ગામને સાડીસાત વખત ખપ હોય તા રાખે
આપણે ક્યાં જલમીને મુખીપદને લાવ્યા ’તા?
ગામઉતારે જઈ ને ક્યાં સરપંચ – તલાટી અથવા તો
કોઈ માનતા માની દેવ મનાવ્યા ’તા?

વાઢ ફરે ત્યાં ઠાવકા થઈ બેસવું મોભાસર :
ઠામુકાં ગીત-સળુકા કાંઈ રે ગવાય નંઈ–

છોકરા સાથે રમીએ જો નવકૂકરી ત્યાં તો
લેક કે’તું કે જોઈ લ્યો મુખીસાબ્યની છોકરમત
મુંજી થઈ બેસવું, કાં તો કોઈની વાદાકોદમાં
માથું મારવું – આને જીત કહું કે મત?

ઘોડા મારે શિંગડાં, એવી ભોયની આ
પટલાઈ મળી કે ડેલીએ ઊભા રઈ
નિરાંતે રેવડી ખવાય નંઈ –

રુંઝ્યું વળવાની વેળ

અને ઊડે છે સાંજ મારે ફળિયેથી....
જાંબુડિયો રંગ જાય ઘૂંટાતો બીડમાં
સુક્કી એકાદ ઘાસ સળિયેથી....
ધણની વચ્ચેથી બે’ક ઊઠે છે વાંભ
પણે સીમ માથે ઊડ્યો ગુલાલ
ખરીઓની છાલકથી વાટ ચડી હેલારે
ગામ ભણી તરતા આ આ ઢાળ
તરતા આ ઢાળના વળાંકમાંથી છેલ્લેરા
છૂટ્યા રે સૂર વાંસળીએથી....
લીંમડાની ડાળખીએ ટાંગેલી ઠીબમાંથી
અંધારે ચાંચને ઝબોળી
ઘરની પછવાડે રાતરાણીનાં ફૂલોએ
હોઠભીની વાત કૈંક ખોલી
આખ્ખુંયે ગામ જાણે હુક્કાનો ડાયરો :
છલકે સોડમ ગલી-ગલીએથી....
રુંઝ્યું વળવાની વેળ ઓસરતી જાય
આમ કોલાહલ નીતરતો શેરીએ
ખેતરનો થાક પછી હળવેથી ચુપચાપ
વાળુ કરીને ચડે મેડીએ
હવે, ઓરડામાં (ચણિયાનાં આભલાંમાં આભ બીજું)
કોડિયાંઓ ઝલમલતાં ચણિયેથી....
અને ઊડી ગઈ સાંજ મારે ફળિયેથી...

દરિયાની વાત કાંક દરિયો જાણે —

દરિયાની વાત કાંક દરિયો જાણે ને કાંક જાણે છે નીતરતી આંખો
તૂટતાં મોજાંની પીડ ભેખડ જાણે ને કાંક જાણે છે ભીતરનો કાંઠો
હો ભાઈઓ, દરિયાની વાત

રેતીમાં ભરતીની રેખા લંબાય એવી જમણા તે હાથમાં રેખાતી
ડૂસકાંનાં મોજાંમાં ઘુમરાતી જાય પછી છલતી ઊછળતી આ છાતી
હલ્લેસાં મારીને થાકે છે શ્વાસ : પડે સૂરજનો પડછાયેા ઝાંખો
હો ભાઈઓ, દરિયાની વાત

એવા નિઃશ્વાસ કદી તળિયેથી ઊઠતા કે પળમાં ડૂબે છે કૈંક સદીઓ
દરિયાની જેમ છતાં ફેલાવો હાથ એમાં સળવળશે સંબંધની નદીઓ
શ્રાવણની ધૂપ સમા હળવા થઈ ઊડીએજી પ્હેરીને પાણીની પાંખો
હો ભાઈઓ
દરિયાની વાત કાંક દરિયેા જાણે ને કાંક જાણે છે નીતરતી આંખો
તૂટતાં મોજાંની પીડ ભેખડ જાણે ને કાંક જાણે છે ભીતરનો કાંઠો,

શિખરિણી

         ચરણ સરતા જાય મિતવા...
ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા....

અને સામે કૅલેન્ડર ઉપરથી સૂર્ય ખરતો
સવારે તક્તામાં કુમકુમ મુખે શો છલકતો
હવામાં મીરાંનાં પદ ટપકતાં જાય મિતવા....
         ચરણ સરતા જાય મિતવા....

વળાંકો છાયા નભ પથ અને ઢાળ નમણાં
કરે ઊંચા બાહુ હરખવશ, આ ઘાસ-તરણાં
મને ભીની ભીની લહર ધરતાં જાય મિતવા....
         ચરણ સરતા જાય મિતવા....

પ્રવેશું ઝાંપામાં અઢળક અહો, વ્હાલ વરસે
ભર્યાં એકાન્તોમાં મખમલ સમી દૃષ્ટિ પરસે
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા....
         ચરણ સરતા જાય મિતવા....

આંગણમાં આવીને... (પાંચ વર્ષાગીતમાંથી -૨)

                  આંગણમાં આવીને
કોનો અણસાર સખિ, નેવાંની હેઠ મને ખેંચે છે ઘરમાંથી લાવીને

તડકા જો હોત તો તો સમજ્યાં કે
જાળીથી વાયરાઓ લાવે છે લૂ
ખાંગા થૈ ચોમાસાં વરસે છે રાતના
ને પળે પળે દાઝું છું હું

હૈયું છે હૈયું, એ છોકરું નથી કે એને ચપટીમાં રાખીએ મનાવીને

આભેથી ઝીલીને ભોંય પછી મેલે છે
સીમ ભણી ખળખળતાં વ્હેણ
સુક્કાં તે પાંદડાંના છૂટશે તરાપા
પણ કૈ કૈ પા મોકલવાં ક્હેણ

એટલીયે સમજણ આ મનને નથી ને આમ જાગે છે નીંદર સજાવીને
આંગણમાં આવીને

નદીએ ના’વાને હું તો એક વાર ગૈતી (બાયું : ચાર ગીત માંથી -૨)

બાઈ
નદીએ ના’વાને હું તો એક વાર ગૈ’તી ત્યાં રામ જાણે ગઈ ક્યાં અટવાઈ!

કંચવો ઉતારીને પાણીમાં ગઈ
એમાં એવી તે ભૂલ કઈ કીધી?
ઝાડવાની આડશમાં આંખો માંડીને
એણે પાણીની જેમ મને પીધી
લૂગડાં નીચોવીને વળગણીએ સૂકવ્યાં ને એમ અમે ચાલ્યાં સુકાઈ

પોપચાં મીંચીને સ્હેજ પડખાભર થૈ’તી
ત્યાં નદી થઈ વ્હેતી પરસાળ
મેં જોયુંઃ અંબોડો છૂટતાં તણાઈ ગયો
એક મારો સોનેરી વાળ
સાંજુકા, વાળ અને કુંવરીની વાત માંડી ઠૉળ કરે વચલી ભોજાઈ

ગોધૂલિવેળા

થઈ ગોધૂલિવેળા
ફૂલ તિમિરનાં સ્હેજ ઊઘડતાં વહ્યા ગંધના રેલા

ફળિયામાં કલશોર : લીંમડે
લચી ઊઠતા માળા
બોઘરણે ઝિલાય ગાયના
આંચળથી અજવાળાં

ગાડામાંથી સીમ ઊતરતાં મળ્યા ઊલટના મેળા

ઘરમાં ઝીણી બોલાશુંની
આળેખાતી ભાત
જાળી પાસે નમી ડાળખી
સાંભળવાને વાત

છતમાંથી ચાંદરણાં ઊતર્યા : ભળ્યા વાયરા ભેળા

નભનાં મોતી ચરવા જ્યારે
હંસો થાય પસાર
ઝણણણ ઝાલરમાં ઝળકે છે
દીપશિખાની ધાર

તંબૂરનાં જળ મંદ હલકથી ઠારે કાંઈ ઝળેળા
થઈ ગોધૂલિ વેળા

મશ

મશ આંજી’તી મશ
ઈરખા કરી નીરખે મને વ્રજની દશેદશ

એટલે તો વંકાઈને ચાલ્યાં જમનાજીનાં જળ
ફૂલનાં યે મોં ઝંખવાયાં તે જાય ઊડી ઝાકળ

રીંસમાં રાધા કદમ્બની ત્યાં લૈ ઊભી આડશ

કોઈકે લોચન ફેરવ્યાં : કીધાં કોઈકે વાંકાં વેણ
એવડી તે શી ભૂલ કે પવન લાવતો નથી ક્હેણ?

મારગે મળે કા’ન તો બધી વાત માંડીને ક’શ

પોપચે પ્હેરી પાંખ ને પછી પગમાં મૂકી ઠેક
ઊઠતી મારા પંડ્યમાંથી કાં કોઈ અજાણી મ્હેક?

આજ તો એવું થાય કે જાણે હું ય ના મારે વશ
મશ આંજી’તી મશ

વ્રજગીત

મૈં ભોરી બ્રિજ–નાર
પલ પલ હિય મેં હરખ લેઈકે ગઈ જસોદા-દ્વાર

સુનકે મેરે પાંવ કે ઘુંઘરું બૈઠ ગયો મુખ મોરી
લગી રિઝાવત મધુર બાની મૈં લૈ ઝૂલે કી ડોરી

નિંદિયારીં અંખિયન – સોં ઓરિ તૂટન લાગ્યો તાર

મૈં હૂં તોરી મુગધ રાધિકા, મૈં હૂં કદમ્બ-ડારી
મૈં હી ગોધૂરિ બ્રિજ-બન કી, મૈં કાલિન્દી કારી

શ્યામ મનોહર ઐસો રિઝ્યો બરસ્યો અનરાધાર
મૈં ભોરી બ્રિજ-નાર

મોસમનો પહેલો વરસાદ

મોસમનો પહેલો વરસાદ પડ્યો, હેય હેય!—
          આળસ મરડી ફટાક છાપરાનાં નળિયેથી
                   દરિયો ફળિયામાં દડ્યો, હેય હેય!–

હેય હેય! નેવાંનાં પાણી–સમેત
          વહે અંધારું રે ઝાકમઝોળ
નદીએ તો ઠીક, અહીં છાતીમાં ઊઠે છે
          પ્હેલવ્હેલ્લો કોઈ હિલ્લોળ

ગોખેથી સ્હેજસાજ સૂરજ દેખાય : ભીનો
          ઘરને ઉજાસ જડ્યો, હેય હેય – !

હેય હેય! વહેલી સવારે લખમીજીનાં
          લીલાં પગલાંની જોઉં ભાત
પાંદડીએ પાંદડીએ ઝિલાતી જાય
          એની ઘૂઘરીઓ તૂટ્યા–ની વાત

જાસૂદનાં ફૂલ જેમ તારીયે આંખોમાં
                   કેવો ઉન્માદ ચડ્યો, હેય હેય – !

એય...ને કાળુભાર

ચાલતી રહે એ...યને ઠુમકદાર બે કાંઠે મ્હાલતી રહે એય...ને કાળુભાર!
લૂનાં પીળાં ઝૂમખાઓ ખંખોળિયું ખાવા આવતાં એને હળવે રે હુલાવતી રહે
                  એય...ને કાળુભાર!

રેતના ઘાસલ થૂમડે બેસી કાળિયો કોશી ભરબપ્પોરે સૂર રેલાવે મોકળે મને અડવાણે પગ સોંસરી વીંધી સીમ આ પવન વાતવે વળે ઝાડની આછી છાંયડી કને
એકલવાયું ઊડતું પંખી ચાંચ બોળીને જાય એ મશે જળનો દઈ સાદ એને
                  બોલાવતી રહે એય...ને કાળુભાર!
અહીંથી તહીં પતંગિયાની પાંખ–શાં નયન રઘવાયા થઈ ઠેકઠેકાણે ભટકે કદી ગઈ વેળાનાં સગડ ક્યાંથી હોય વેળુમાં? – તોય થાકોડાભેર બે ચરણ અટકે કદી
પાનીએ રાતા લવકારાને ઠારવા ત્યારે કોઈ ભીના સંભારણે છાલક મારતી રહે
                  એય...ને કાળુભાર!

ફળિયે ફૉરી દાડમડી

ફળિયે ફૉરી દાડમડી ને દાડમડીનાં ફૂલ કે વાંકો ડોલરિયો
ફૂલની ઊઘડી આંખ : આંખની ઝલમલ ઝલમલ ઝૂલ કે વાંકો ડોલરિયો

પગમાં ઊડશે સીમડી કાંઈ સીમે સૂકું ઘાસ કે વાંકો ડોલરિયો
છતાં તમારે હોઠ ફરક્યો ભીનો ચૈતર માસ કે વાંકો ડોલરિયો

વનવગડામાં વાડિયું એક વાડી લચકાલોળ કે વાંકો ડોલરિયો
પાણી સીંચશે પાતળિયો સખી ન્હાશે માથાબૉળ કે વાંકો ડોલરિયો

અડખેપડખે કેડિયુમાં ઊંચા-નીચા ઢાળ કે વાંકો ડોલરિયો
પછવાડેના ઓરડે કોણ ગૂંથશે સૈયર, વાળ કે વાંકો ડોલરિયો

આગળ પાછળ આંગણુ ને વચાળ ઊભું ઘર કે વાંકો ડોલરિયો
ઘરહીંડોળે ઝૂલે સખિ ને હૈડે રાજકુંવર કે વાંકો ડોલરિયો

ગામ ગોંદર્યે તલાવડી ને તલાવડીમાં નીર કે વાંકો ડોલરિયો
નીરથી આછી રાત ઊગશે ઊંઘમતીને તીર કે વાંકો ડોલરિયો

રિસામણે જતી કણબણનું ગીત

કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર–
પગમાં ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે
જેમ કે ઊડે આભમાં કાબર—કીર–

મરને માથાબંધણું મેલું દાટ જોઈ સંભારતો
વાવડ પૂછતો મારા ગામના : મારે શું?
જીવ ટાઢોબૉળ રાખશું, ભરત ભરશું
આઠે પો’ર હિલોળા, હીંચકો અને હું!
મારી બલારાત વેઠે ઉજાગરા, વેઠે વ્રત, વેઠે અપવાસ,
નીતારે આંખ્યથી ઊનાં નીર –

આંય તો મીઠી માવડી, ખીલે ગાવડી
સખિસૈયરું હશે ભાઈ અને ભોજાઈ
ન્યાં સૂનાં—અણોસરાં તોરણ–તક્તા,
ભીંત્યું અડવી, ઝાંખા ઓરડા ને અભરાઈ

હુંય વાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ના’વા
સાવ કોરી ધાકોર નદીને તીર –

એંધાણી

એવાં ખોરડાંની રાખજો એંધાણી
         સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી

ઊઘડતાં ફૂલ જેવી ઊઘડતી આંખ હોય
                  નીંદરમાં પોપચે બિડાણી
પંખીના કણ્ઠ હાર્યે ઝૂલે પ્રભાતિયાં
                  તુલસીક્યારો જ્યાં ઝીલે પાણી
         સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી

વગડાનો થાક જેનો નીતરતો પંડ્યથી
         ન્યાં સો – સો સોડમની સરવાણી
એનાં ભાણેથી ભરજો અમરતના ઑડકાર
                  સાચકલાં અન્નને પિછાણી–
         સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી

આઠે તે પૉર ઊલેચાય જેની અંજળિ
                  ને આઠે તે પૉરની ઉજાણી
આંટીઘૂંટીથી કાંઈ અળગી રહે છે એવી
                  ધૂળમાં રજોટાતી વાણી–
         સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી

કોના હોઠે

ધીરાં ધીરાં
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરાં?

મ્હેક મ્હેકનાં થળથળ થાનક
ઊઘડ્યાં સૂરનાં પારિજાતક
ક્યાંથી ઊઘડી અદીઠ પાછી હલકભરેલી પીરા?

કોઈ ખાલી, કોઈ અધૂરાં
ક્યાં મેવાડ, ક્યાં ગોકુલ-મથુરા!
પગલાં પાછળ પગલાં રઝળે અણથક અને અધીરાં

જાત ભૂલીને નીકળ્યાં પોતે
કોણ અહીંયા કોને ગોતે?
કોના હોઠે : માધવ માધવ : કોના હોઠે : મીરાં?

ત્રણ ગાયત્રી ગીત

એક

તને નહીં હું શોધું માડી, તું જ મને લે શોધ –
ખબર તને પણ પડે ભલે કે ક્યાં ક્યાં છે અવરોધ?

         ખૂણેખાંચરે ફરીશ તોયે
         એમ હાથ નહીં આવું
         હું ય એટલું જાણું છું કે
         કયે સ્થળે સંતાવું?

છાનું છાનું હસી હું નીરખીશ : તારો ખોટ્ટો ક્રોધ :

         પાલવ પાછળ સંતાયાની
         તને થશે જ્યાં જાણ
         બેઉ આંખના વ્હેણ વચાળે
         વધતું જાશે તાણ

અળગાં કેમ કરીને થઈએ : તું સરિતા, હું ધોધ–
તને નહીં હું શોધું માડી, તું જ મને લે શોધ –

'મીરાં સામે પારનું’ સ્મરણ થતાં લખાયેલું ગીત

         હરિ હાલીને આવ્યા અમરેલીએ
મેં તો ધાર્યું’તું કે પ્હેલવ્હેલા ઊતરશે ગામની ત્યાં ઊંચી હવેલીએ

         મારા હાથમાંથી વાસીદાં હેઠેં પડ્યાં
         એ તો આવ્યા–ન આવ્યા ને હૈડે અડ્યા

સખિ, આવવાના વાવડ જો લગરીકે હોત તો તો નીંદરને દીવે ના મેલીએ?

         જોયા લથબથ ને નખશિખ રઘવાયા થતા
         કોના વિરહી લોચનથી ખેંચાયે જતાં?
કહે, ગોકુળના આંસુમાં ઓછપ હતી કે અહીં અટકે તે શ્રાવણની હેલીએ?

         ક્યાંક સ્યાહીમાં ઘૂઘરીઓ વાગી ઝીણી
         જરી અટકે ને ઠમકારા લેતા વીણી

પછી કાગળ પર મીરાંને નાચંતી જોઈ હિર ઊભા રમેશજીની ડેલીએ

મરમી, તમે રે[1]

મરમી, તમે રે ઉઘાડ્યા ભોગળ–આગળા–

ખંખેર્યાં જાળાં ને ગાર–ગોરમટી
મન મૂકીને ધોળી ભીંતેભીંત
ખોરડાં ચાળ્યાં ત્યાં ઝળહળ ઓરડા
પાણિયારે ઝવ્યાં ઝીણાં ગીત

ઝૂલ્યાં રે તોરણ ઝૂલ્યા ચાકળા
મરમી, તમે રે ઉઘાડ્યા ભોગળ–આગળા–

આંગણે સુકાતી કૉળી ડાળખી
અડક્યાં—નાં નીતર્યાં જ્યાં નીર
લીલી રે બોલાશું ફરકી પાનમાં
પાને પાને બેઠાં કાબર—કીર

કીધા રે અળગા જી તડકા આકરા
મરમી, તમે રે ઉઘાડ્યા ભોગળ આગળા

પપ્પા, હવે ફોન મૂકું?

...તો, પપ્પા! હવે ફોન મુકું?
તમને યે મોજ જરી આવે તે થયું મને STDની ડાળથી ટહુકું?
હૉસ્ટેલને?... હૉસ્ટેલ તો ફાવે છે... જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
તોય એ તો ઊઘડે છે... રંગભર્યું મ્હેકે છે... ડાળખીમાં કરે ઝુલાઝૂલ
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું.
મમ્મીબા જલસામાં... બાજુમાં ઊભી છે?... ના ના...તો વાસણ છો માંજતી,
કે’જો.... આ દીકરીયે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી.
સાચવજો...ભોળી છે... ચિન્તાળુ... ભુલકણી.... પાડજો ના વાંકું કે ચૂંકું,
શું લીધું !... સ્કૂટરને? ... ભારે ઉતાવળા... શમ્મુ તો કે’તો’તો..ફ્રિજ
કેવા છો જિદ્દી?.. ને હપ્તા ને વ્યાજ?... વળી ઘર આખ્ખું ઠલવશે ખીજ
ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય... કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું
તો, પપ્પા! હવે ફોન મૂકું?

તને ઓળખું છું, મા

તને ઓળખું છું, મા
સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે ખમ્મા!

ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ
ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું

મળે લ્હેરખીઃ હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં

તરણા પેઠે ચાવે કે હડસેલે, કોઈ ફેંકે
પગભર ઊભો થાઉં ફરી તારી મમતાને ટેકે

દસે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં

ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે
કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે?

સ્મરણ-સ્મરણ તે તીરથઃ તારી એમ કરું પરકમ્મા
તને ઓળખું છું, મા

કદી સાંભરે ભાઈ

         કદી સાંભરે ભાઈ
નદી જોઉં ને વહેવા લાગે ભીતર એક સગાઈ

પડુંઆખડું રડું હું ત્યારે પળમાં લેતા તેડી
ઝાડ-ઝાંખરાંની વચ્ચે પણ એ જ ચીંધતા કેડી

એકલસૂરો જુએ જરી તો કોણ ઊઠે અકળાઈ?

બાની વાણી ફાગણ ને બાપુ ચૈતર-વૈશાખ
ભાઈ એટલે આંબાડાળે લચી પડેલી સાખ

ઘરમાં એ બોલાશ હતી કે કલરવની વનરાઈ?

આજે મારા ઘરના ફળિયે હું અભ્યાગત હોઉં
સૌની વચ્ચે વસું છતાં યે હું જ મને ના જોઉં

કાળે ખેંચી કિયા કારણે જોજન લગી જુદાઈ?

તડકી

અહો, પોષની તડકી
ટેકરીએ અથડાતાં ફૂટી અંધકારની મટકી
ઢાળ ઉપરથી દિશાદિશામાં વહ્યા તેજના રેલા
ન્હાય હૂંફાળા અજવાળામાં મારગ મેલાઘેલા
વાડ્યે - વાડ્યે વાત કહેવા હવા ઘડીભર અટકી
સોનલવરણી ધૂળ આવતી, ઠેક લઈને હરણાં
પંખી લઈ કલશોર : સીમે આ ધર્યાં જુઓ, પાથરણાં
તરણાંના ટાંકાથી એણે ભરી કિરણની ધડકી
પાનપાનમાં ભરી નવાઈ કાંઠે ઊભાં ઝાડ
મલકે, કારણ પૂછે લઈને એકબીજાની આડ :
તળાવથી જો નીકળ્યો સૂરજ ખોલી જળની ખડકી!
અહો, પોષની તડકી.

મારા પગમાંથી

મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે
પછી કેડી ઉ૫૨ જ્યાં તું ઊછળતી જાય : થાય છાતીમાં હરણાંઓ ઠેકે
કુંજડીની હાર જાણે નભમાં લહેરાય :
તારા ઊડે છે એમ કોરા વાળ
ગુંજી ઊઠી તે તારા હાથની આ બંગડી
કે પંખીના કલરવથી ડાળ?
ઢાળ જેવા ઢાળ આમ બ્હેકી જો જાય પછી કોણ તને જોઈ ના બ્હેકે?
ઝાડવાની નીચે તું ઊભેલી હોય :
એની છાંય થતી જાય ભીને વાન
હસુહસુ થાય ત્યાં તો સૂની બપ્પોર
એવું પાંદડાંને સૂઝે તોફાન :
દોથો ભરીને તારા ગાલ ઉપર તડકાનાં ચાંદરણાં હળવેથી ફેંકે
મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે

ઝાડવું ઝૂરે

                  ગામથી દૂરે
વગડા વચ્ચોવચ્ચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે
લ્હેરખી અડે તોય કાં એને ચડતી નથી કોળ્ય?
સાદ પાડે છે ક્યારની શેઢા દીમથી લીલી ઓળ્ય
કાળિયોકોશી પૂછતો કારણ મીઠડા સૂરે મીઠડા સૂરે મીઠડા સૂરે
ટેકરી એના ઢાળને કહે : જાણજે એનું દુઃખ
પાંદડાં ક્યાં? ક્યાં છાંયડો? ભાળું કેમ ના રાતી ડૂંખ!
દૂરની નદી એ જ વિચારે રેત વલૂરે રેત વલૂરે રેત વલૂરે
કૈંક ચોમાસાં જીરવ્યાં : શીળા વાયરા : તીણા તાપ
મૂળથી માંડી ટોચ લગી જે પ્રગટ્યું આપોઆપ
– એજ પીડાની પોટલી ખોલે : આમ થતું રે આમ થતું રે આમ થતું રે?
                  ગામથી દૂરે
વગડા વચ્ચોવચ્ચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે,

તારી માન્નો તું

         : તારી માન્નો તું :
અમથી મેં તો હોંશ કરી કીધું’ તું એમાં શું?
મધરાતે જ્યાં જાણ થઈ ત્યાં મેં જ વગાડી થાળી
પ્હેલવારુકી મેં જ ઘરેઘ૨ જૈ ઉઘડાવી જાળી
ભાનબળી હું એમ ઊડી’તી જાણે કે કાગળ-પત્તું
હરખપદુડી થૈને મેં તો માણું સાકર વ્હેંચી–
અને અટાણે તું જ આંખથી રઈ છો રીંસ ઊલેચી
કર્યાંકારવ્યાં પર તેં બાઈ, આમ ફેરવ્યું પોતું?
હાબા જેવા ઘરમાં તારે લાખ પળોજણ હોય
લાલાને સાચવવા નવરી છે ગોવાલણ કોઈ?
આફૂડી હું એક, તે ભૂલી જાઉં ફરી બધ્ધું
         : તારી માન્નો તું :

કાંડું મરડ્યું

         કાંડું મરડ્યું એણે
રીસ કરીને છોડાવ્યું તો ઝટ દઈ ઝાલી નેણે
જોઈજોઈ કેસૂડાં મ્હોર્યાં : હું થૈ સુક્કી ભઠ્ઠ
મારી વાળી શેય વળે ના કોયલની આ હઠ્ઠ
પોતીકાએ મને પળેપળ પજવી મ્હેણે - મ્હેણે
શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ
ડાળ નમાવી ટગરટગર નીરખે આ નવરાં ઝાડ
વળી વાયરે વાવડ વહેતા કર્યા નદીના વ્હેણે
ચૂંટી ભરતાં, પાણીથી પાતલડી થૈ ગૈ કેડ્ય
હુંય મૂઈ ના કહી શકી કે આમ મને કાં વેડ્ય?
પરવશ હું ખેંચાતી ચાલી સમજું નહીં કે શેણે?
         કાંડું મરડ્યું એણે

લહેરખીને થયું

લહેરખીને થયુંઃ મને ઝીણકુડી-ઝીણકુડી ફૂટી છે ફોરમની પાંખો
નજરુંની પીંછીથી પાડી દઉં ભાત્ય મારી ફરશે જ્યાં ભેજભરી આંખો

આમ જરી જોઉં ત્યાં તો પાંદડીએ પાંદડીએ ઝાકળના ઝળહળતા દીવા
છાંયડાને આછેરું અડકી ત્યાં આલ્લે લે! ડાળખીની નમી જતી ગ્રીવા

તડકાઓ સાતસાત રંગ લઈ આવ્યાઃ મેં ઝાડમહીં ઝુલાવી શાખો

પંખીના કંઠે હું ઘૂંટીઘૂંટીને કાંઈ ટહુકાની પૂરું રંગોળી
થૉરની રૂંવાટી પર દોરું પતંગિયાં તો આખ્ખીયે સીમ જશે કૉળી

સાંજ ઢળી જાય છતાં મારા આકાશનો આ પડશે અજવાસ નહીં ઝાંખો
લહેરખીને થયું મને ઝીણકુડી-ઝીણકુડી ફૂટી છે ફોરમની પાંખો

પ્રાર્થના - ૫

         પ્રગટ્યા દીવા
અજવાળાં તરસ્યાં તે આવ્યાં અંધારાંને પીવા
         નભને કશુંક ક્હેવા આવી
         જુઓ, અષાઢી બીજ :
         અલોપ થઈએ તો ફણગે છે
         અણધારી કો’ ચીજ
ચાસે ચાસે પ્રભુ પધાર્યા : નમી પાનની ગ્રીવા
         આઠે પ્હોર રહે ઝળહળતું
         તનનું આ મંદિર
         નસનસ માંહી રહે ટપકતાં
         ગળતી જેવાં નીર
શ્વાસે - શ્વાસે અહીં બિરાજે શિવજી સાથે શિવા
         પ્રગટ્યા દીવા

ઇચ્છાગીત

માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું
ઉપરથી આટલું મેં ઇચ્છ્યું કે એકે પળ કોઈની સાથે ન પડે વાંકું
ખડકી છે ખડકી : દુકાન છે એ ઓછી કે
જોખીજોખીને કરું વાત?
આવેતુ જણ પૂછે જોઈ ભળભાંખળું
કે ક્યારે આ વીતી ગૈ રાત?
હળુહળુ કાઢું એની અંદરની ગૂંચ છતાં લગરીકે ભાઈ, ના હું થાકું
આથમણાં અંધારાં ઊતરે તો ઊતરે
આ દીવાઓ દેશે અજવાસ
આસનમાં આનાથી રૂડું શું હોય?
મળે ફળિયાનું લીલુંછમ ઘાસ
ઉઘાડું રાખ્યું છે હૈયું તો કેમ કરી ઘરની બે ચીજ કહો, ઢાંકું?
ડાળીમાં ઝૂલે છે નીરભરી ઠીબ
એમ સાચવું હું પંખીનાં ગીત
નીડમાં એ લાવે છે ભરચક આકાશ
મને શીખવે છે જીવવાની રીત
હેમખેમ સાંજની બોલાશ એવી મળજો કે હોકલીમાં મ્હેકે ગડાકુ
માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું

મૂક-બધિરોનું ગીત

કોણ કહે છે કે ફૂલ નથી બોલતાં?
વાત એની સાંભળીને હોંકારા જેમ પેલાં પાંદડાંઓ લાગે હિલ્લોળતાં
ખળખળ વહીને કોઈ ઝરણાંઓ બોલે તો
ફૂલ નહીં રહેવાનાં ચૂપ
પાંખડીમાં જુદા-જુદા રંગ બીજું શું છે?
છે વાણીનાં જુદાં જુદાં રૂપ
ફોરમનો આસપાસ એવો કલશોર કે બારણાં સૌ કૌતુકથી ખોલતા
ઊંચે આકાશમાં તારાની ટોળકી
છાનીછાની માંડે છે વાત
એવું શું એણે એકબીજાને કીધું કે
હસી ઊઠ્યા બત્રીશે દાંત?
ઝાડવાં પણ સાંભળતાં હોય એમ લાગે છે અમથું કદી ન આમ ડોલતાં
આંગળીનાં ટેરવાંમાં મૂક્યો છે કંઠ
અમે આંખોમાં મૂક્યા છે કાન
ગમતું કૈં જોઈ-જોઈ હોઠ જરી મલકે તો,
એને કહેશો ન તમે ગાન ?
એમ જ આ બારસાખ ઓ૨ડાઓ પાણિયારું ચૂલો ને ભીંત્યું કિલ્લોલતાં
કોણ કહે છે કે ફૂલ નથી બોલતાં?

મુને વાયરાએ

મુને વાયરાએ એક વાત વાયરાએ એક વાત વાયરાએ એક વાત કીધી જી રે
મારી પગલીને ધૂળસોતી પગલીને ધૂળસોતી પગલીને ધૂળસોતી પીધી જી રે
એને તડકાએ તોરમાં તડકાએ તોરમાં તડકાએ તોરમાં પૂછ્યું રે લોલ
કિણે ભીના આ પંડ્યને ભીના આ પંડ્યને ભીના આ પંડ્યને લૂછ્યું રે લોલ
મેં તો અણદેખી લે’રખીને અણદેખી લે’રખીને અણદેખી લે’૨ખીને ચીંધી જી રે
મારી પાની પસવારતી પાની પસવારતી પાની પસવારતી કેડી રે લોલ
પછી છાંયડીએ ઊંચકીને છાંયડીએ ઊંચકીને છાંયડીએ ઊંચકીને તેડી રે લોલ
જાણે માડીએ પડખામાં માડીએ પડખામાં માડીએ પડખામાં લીધી જી રે
ઇણે ઉઘાડી રીસને ઉઘાડી રીસને ઉઘાડી રીસને ઢાંકી રે લોલ
હું તો ધરથી હતી જ કાંઈ ધરથી હતી જ કાંઈ ધરથી હતી જ કાંઈ વાંકી રે લોલ
કીધી ચપટીમાં સોંસરી ચપટીમાં સોંસરી ચપટીમાં સોંસરી ને સીધી જી રે

એક રે ભરોસો

એક રે ભરોસો મારા રામનો
ભોંયને ભરોસે જેવાં નીર
સતીને ભરોસો એનાં આંસુનો
નવ સેં નવાણુ દીઠાં ચીર
અવસર આવ્યો જ્યાં એના નામનો...

ગાયુંને મળે રે એનો ગોંદર્યો
ઝાડવાંઓ ધરે મીઠી છાંય
પંખીને દીધાં રે રૂડાં બેસણાં
ફળફૂલ આપી રાજી થાય
જલમારો બીજા તે કિયા કામનો...

કેડીયું જોતી રે ડુંગર-ટોચને
વન વીંધી ચડે ઊંચા ઢાળ
થડકારો ચૂકે ના છાતી કૂમળી
ઊઠે નહીં ક્યાંએ રૂંવે ફાળ
સથવારો એને રે એની હામનો...

ઘેરશે અંધારાં સમી સાંજનાં
વિજનમાં સંભળાશે શ્વાસ
તારી સાથે ચાલે તારું આભલું
આછો આછો દેશે રે અજવાસ
દીવો ત્યાં દેખાશે ઈ મુકામનો...
એક રે ભરોસો મારા રામનો...

વસંતગીત

                  પાંદડીઓ લીલીછમ ભાળીને
કિરણોની સળીઓથી ચોખ્ખીચણાક નીચે ભોંય કરે ખિસકોલી વાળીને

પોતામાં કેમ અરે, કૂણું કૂણું સળવળતું
કાલ હતાં સુક્કાં સૌ પાન
આસપાસ કાન જરી માંડ્યા તો
સંભળાતાં પંખીના કંઠેથી ગાન

જંગલ તો વિમાસે : સોળે શણગાર કર્યા કોણે આ ભોળકુડી ડાળીને?

ઝાકળના આસવમાં એવું કશુંક છે કે
તરણાંનાં ઘેન નથી ઊતર્યાં
ટેકરીના ઢાળ વળ્યા ખીણમાં ને
પડછાયા બીડમહીં દૂર દૂર વિસ્તર્યા

હરખાઈ હરખાઈ હરણાંઓ કૂદે છે પુચ્છ અને શિંગડાં ઉછાળીને

આછી સવાર જેવી મઘમઘતી હમણાંથી
ઠેર ઠેર વગડે બપ્પોર
સાંજને ત્યાં ઊતરતી જોઈ એવું થાય :
આમાં રૂપ કોનું મ્હોરે છે ઓર?

વાયરાએ તીરખીને લાડ કર્યાં એવાં કે જીજાજી હેત કરે સાળીને
કિરણોની સળીઓથી ચોખ્ખીચણાક નીચે ભોંય કરે ખિસકોલી વાળીને
                  પાંદડીઓ લીલીછમ ભાળીને

સામે તીર

ઘર છે સામે તીર
સજન, તારું ઘર છે સામે તીર
ઓસરતાં નહીં નીર
સજન, તારું ઘર છે સામે તીર

માળામાં કલશોર વળે છે
નીરખે સંધ્યા : સૂર્ય ઢળે છે
ઊભી હું ય અધીર
સજન...

તારા ઘાટે ઝળહળ દીવા
નાવ ન આવી, થાકી ગ્રીવા
તું શું જાણે પીર?
સજન...

સમજણ દુનિયાભરની કાચી
કેવળ ડાળ કદમ્બની સાચી :
જૂઠો એક અહીર
સજન...

બે ઝૂલણા-ગીત

પ્રભાત

ઠીબમાં પંખીઓ ખાય ખંખોળિયું મોગરો તો હજી ઘેન ઘૂંટે
સૂર્ય-ટુવાલથી અંગ લૂછી અને વાયુ ખોબા ભરી ગંધ લૂંટે

દુકુલ ભીનાશનું જ્યાં જરી ફરફર્યું ગામથી સીમ સૌ મ્હક મ્હક
ફાળ જાણે ભરે આજુબાજુ હરણ : મ્હેકની ના છબે ક્યાંય ઠેક

કેટલું મોકળું મોકળું મન થયું : વળગણો પોતીકાં તેય છૂટે

કોણ આ પોપચે હાથ દાબી ઊભું? કૈ દિશા આમ થાતી અધીર?
ક્યાં નવા માર્ગ પર! કયા સ્થળે લૈ જશે? કોણ ખેંચે? - ન જાણું લગીર

આપમેળે અહીં ઊઘડતાં દ્વાર સૌ ને ચરણને ફરી પાંખ ફૂટે
ઠીબમાં પંખીઓ ખાય ખંખોળિયું મોગરો તો હજી ઘેન ઘૂંટે

સંધ્યા

કામ આટોપતું ગામ પાછું ફરે સીમમાં તો હશે દી હવે રાશ-વા
તેજની સોય લઈ રાત બેસી જશે આભના વસ્ત્રમાં આભલાં ટાંકવા

આ સડક ડુંગરા ઝાડ માળા નદી વાડ શેઢા પછી સાવ જંપી જશે
ચીબરી ક્યાંક તીણા સ્વરે બોલશે બીડમાં આખ્ખું એ રાન કંપી જશે

રાતવાસુ ક૨ે કોઈ ખેડૂ ભલે ક્યાં હડી કાઢશે ઊંઘને હાંકવા?

દૂર ગોવાળની વાંભને સાંભળી વાયરે ગાયુંને વાત કીધી હશે
ક્ષિતિજને ઘેરતી ધૂળ ઊડ્યે જતી વાછરું કાજ તે ઓછીઓછી થશે

ડેલીઓમાં ફરી જીવ જો સળવળ્યો : ઓરડા ઝળહળી લાગશે ખૂલવા
કામ આટોપતું ગામ પાછું ફરે સીમમાં તો હશે દી હવે રાશ-વા

હું તો જાગી ગૈ

હું તો જાગી ગૈ માટીની મહેકથી
પ્હેલવ્હેલો આવ્યો આષાઢ અહીં મધરાતે : વરસે છે ધીમે... ધીમેકથી

ઓચિન્તા મારા આ અંધારા ઓરડાને
અજવાળે આભેથી વીજળી
વળ ખાતી જોઉં કોઈ બાલિકાની જેમ
ગામ-સોંસરવી ક્યાંથી ક્યાં નીકળી?

અટવાતી અકળાતી થંભે જરીક : જરી ઊછળતી મોરલાની ગ્હેકથી

કાંડું ઝાલીને મને પરણ્યાએ હોંશેથી
નેવાંની ધાર નીચે ખેંચી
રૂંવેથી ટેરવેથી નખથી બે હોઠેથી
પંડ્યમાંથી આખ્ખી ઊલેચી

ધોધમાર ધબકારે એવું ભીંજાઈ, થતું : છૂટાં પડવું ન એકમેકથી
હું તો જાગી ગૈ માટીની મહેકથી

તૉર સાંજનો

         શમી જશે કલશોર સાંજનો
હજી રતુંબલ મુખ છે એનું હજી રતુંબલ તૉર સાંજનો

રેતીમાં પગલાં આળેખી વહી જતી ચુપચાપ હવાઓ
પથ્થરમાં અફળાઈ જળની ફરકે ઊંચે શ્વેત ધજાઓ

ઢાળ ઊતરીને સંભાળે અંધારાંઓ દોર સાંજનો

રૂપાંની ઘંટડીઓ વચ્ચે અણસારા આવે ગોરજના
ફરફોલાઓ પડ્યા બીડનાં ઘાસ ઉપર દિનભર સૂરજના

થશે સીમમાં શીતળ-શીતળ લેપ હવે ચહુઓર સાંજનો
         શમી જશે કલશોર સાંજનો

જે પીડ પરાઈ જાણે રે

         જે પીડ પરાઈ જાણે રે
વૈષ્ણવ તે : પહેલી પંગતમાં કદી ન બેસે ભાણે રે

કહે નહીં એ : આઘો ખસ : કે : જા! : અથવા તો : ઊઠ! :
કિન્તુ પોતે પગ મૂકે ત્યાં રચે નવું વૈકુંઠ
પડે ન એને ફેર : ક૨ે કો’ નિંદા, કોઈ વખાણે રે

ક્યાં જાવું? ક્યારે પહોંચાશે? બચે ન એવી ઈચ્છા
પંખી ચિન્તા કરે ન, એ તો રમતાં મૂકે પીંછાં
ઊડી ઊડી નભ શણગારે નખશિખ નમણા ગાણે રે

તે જગમાં ને જગ પોતામાં જગ દીઠું ના જૂદું
રંગ અને પાંખોથી ક્યારે અલગ હોય છે ફૂદું?
દુઃખમાં ચમચીક સ્મિત ઉમેરી સાચું જીવતર માણે રે
         જે પીડ પરાઈ જાણે રે

ચ્હેરા

સડકે સડકે હસતા ચ્હેરા,
દ્વારે દ્વારે વસતા ચ્હેરા.

હું નિજમાં વિકસતો ને એ
મારામાં વિકસતા ચ્હેરા.

બાળક શા એ મુગ્ધ મનોહર,
મુકત મને વિલસતા ચ્હેરા.

એની ચંચલ રમત નિખાલસ,
ક્યાં ય રહે શું અછતા ચ્હેરા?

પલપલ હું ભીંજાતો જાતો,
મૂંગુ હેત વરસતા ચ્હેરા.

ચૂમી દર્દભીની આંખોને,
સારી રાત કણસતા ચ્હેરા.

અહેાભાગ્ય, જ્યાં ચરણ જાય આ–
દૂર કદી ના ખસતા ચ્હેરા.

ઈશ્વર

કદી કોઈ કિલ્લે ન પુરાય ઈશ્વર,
સહુ અંતરે તો ય છુપાય ઈશ્વર,
સૌંદર્યને ફૂલ પેઠે જુઓ તો,
બની ગંધ : ઉરે વસી જાય ઈશ્વર.
જરા દૃષ્ટિ નિર્મળ ને ભીની બનાવો,
પછી આંખમાં ન્હાય – રેલાય ઈશ્વર.
નથી પારધી-તીર મૃત્યુનું કારણ –
ફકત, ક્રૂર આંખે ય વીંધાય ઈશ્વર.
કટુતા ગઈ ઑગળી હોઠથી તો,
ખરે શબ્દ શબ્દે જ ફેલાય ઈશ્વર.
બીજાનાં દરદ ગોપવી લો હૃદયમાં,
સહાનુભૂતિમાં ય દેખાય ઈશ્વર.
ઘડીભર ભૂલી દુઃખ-દર્દો હસી લો,
ફરી હાસ્યમાં એ જ સંભળાય ઈશ્વર.
અમે આ ફળીમાં બગીચો ઉછેર્યો,
મને તૃણુ તૃણે જ વરતાય ઈશ્વર.
સમયની ક્ષણોને તમે સાચવી લો,
અનુભવ કહે : એમ ઝિલાય ઈશ્વર.
બધી સ્મૃતિઓ મૌનમાં ચિતરી લઉં,
મનોહર, છબિ જેમ સચવાય ઈશ્વર.

વૃક્ષો વૃક્ષો

પર્વત, ઝરણું, દૂર વળાંકે,
વન – ઉપવનમાં વૃક્ષો વૃક્ષો.

બિંબ ઊઠતાં આ દર્પણમાં,
હલે નયનમાં વૃક્ષો વૃક્ષો.

મને ભેટતાં રસ્તે રસ્તે,
મળ્યાં સ્વજનમાં વૃક્ષો વૃક્ષો.

આંખ બંધ જ્યાં કરી, ફરીથી–
સર્યાં સ્વપનમાં વૃક્ષો વૃક્ષો.

તડકાતી બપ્પોરે છાયા–
ધરે વિજનમાં વૃક્ષો વૃક્ષો.

ખોલ્યુ જૂનું ઘર : દ્વારો ને,
આ આંગણમાં વૃક્ષો વૃક્ષો.

શૈશવનાં સ્મરણો શાં મીઠાં,
ગમે જીવનમાં વૃક્ષો વૃક્ષો.

વચ્ચેથી

હવાઓને નીકળતી જોઉં છું આ ઘાસ વચ્ચેથી
નીકળતો જાઉં છું આ હુંય મારા શ્વાસ વચ્ચેથી

તમારા હોઠ પરથી નામ મારું એ રીતે વ્હેતું
લહર કો’ ગીત થઈ વહી જાય ઝીણા વાંસ વચ્ચેથી

ક્ષણો પડછાતી જાતી આંખમાં એવી રીતે દોસ્તો
તિમિર લંબાતું જાતું સાંજના ઉજાસ વચ્ચેથી

મનોહર, ક્યાં સુધી મૃગજળને કાંઠે આમ બેસીશું?
ચરણને ચાલવું પડશે છલોછલ પ્યાસ વચ્ચેથી

અહીંથી એક પળમાં કોણ સ્પર્શીને ગયું ચાલી?
અને જોયું તો હું ચાલું છું મારી લાશ વચ્ચેથી

વિજોગણ પરમાર્યની ગઝલ

નીંદરા આવે નંઈ સૈયર મુંને સાજણ વિન્યા
ક્યાં લગણ આ ઝંખવાશે નેણલાં આંજણ વિન્યા?

સાંભરણ્યનો વાયરો ફૂંકાય આંગણે મોલુમાં
આંગણે વેકુર્ય ઊડે વેળ્યની જો રણ વિન્યા

ને અહુરો ઝાંપલી પેઠે વખત ખખડી જતો
સોણલાં ઝબકી જતાં મધરાતના એ જણ વિન્યા

બાઈ, છાતીને ઊતરડી મોર એવું ગ્હેકતા :
(કે) પાંપણ્યું નેવાં સમી ભીંજાય છે સાવણ વિન્યા

મોતીઓ વેરાઈ ગ્યાં રે આજ મારે ઉંબરે
ખાલીપો ઝૂલ્યા કરે આ ટોડલે તોરણ વિન્યા

તડકો

પરોઢે શીતલ સ્હેજ તડકાય તડકો
ગલીએ ગલીએ વળી જાય તડકો

સૂતી ધૂળ માથે સરી જાય તડકો
ભીની ઝાકળે ઑર ભીંજાય તડકો

જૂના છાપરામાં કરી છિદ્ર છાનું
કરી આંખ ઝીણી ને ડોકાય તડકો

ચડી ભેખડે રોજ ભૂસ્કા લગાવે
નદીને ઘૂને ડૂબકી ખાય તડકો

રઝળતો ભૂખ્યો ડાંસ થઈ ને બપોરે
કેવો લાલ પીળો પછી થાય તડકો?

પણે વાઢને મૉલમાં ઊગી શેઢે
લીલેરી હવામાં ચરી જાય તડકો

નીકળવા જતાં વાડમાંથી અચાનક,
બળ્યો, બોરડીમાં ઉઝરડાય તડકો

બપોરાં કરીને ચઢ્યાં લોક ઝોકે
લૂની ચીમટી કૈં ભરી જાય તડકો

આરપાર

એવું કશુંક હોય છે તથ્યોની આરપાર
મારા વિચાર સંભવે શબ્દોની આરપાર

મારું તને મળવું છતાં કારણ મળે નહીં
ઘટના ઘટે શું કૉ’ હકીકતોની આરપાર?

આ જળનો વેગ જાણે મુલાયમ થઈ ગયો
કોની કુમાશ ડૂબી છે વમળોની આરપાર?

શ્વાસોનાં દ્વાર ખૂલ્યાં કરે છે સવાર-સાંજ
જોયા કરું છું વિ-ગત રહસ્યોની આરપાર

દોસ્તો, તમારી લાગણીનો અર્થ શો હશે?
તમને મળીને જોઉં છું અર્થોની આરપાર

ન દે

ડગલું ભરું તો કોઈ મને ચાલવા ન દે
ને આંખ અશ્રુઓને વ્હેવા જરા ન દે

નિઃશ્વાસ મેલું ક્યાં કહે, એની રજા ન દે?
હે મિત્ર, મને આમ તું ભારે સજા ન દે

સરનામું લખી આપવું કયા શ્વાસ પર તને?
જે સાત અક્ષરોય મૂકવા જગા ન દે

જીવી શકાય એટલી માગી હતી દવા
હું જીરવીય ના શકું એવી દુઆ ન દે

ક્હેવાની વાત એટલે કહું છું ગઝલ વિષે–
ડૂમો ભરેલ કંઠ કશું બોલવા ન દે

લઈ લે ‘તથાસ્તુ’ શબ્દ, મનોહર, હું શું કરું?
સચવાય નહીં એવડી મોંઘી મતા ન દે

મિતવા-૧

મોજ મળી છે કાફી મિતવા
ફુંક ચલમ, લે સાફી મિતવા

ચાલ વિખૂટાં પડીએ એમ જ
આ શી માફામાફી મિતવા?

સ્મરણો પાછળ દોડી દોડી
શ્વાસ ગયા છે હાંફી મિતવા

તાળી બદલે મળ્યો તમાચો
વાહ્્ અદ્દલ ઈન્સાફી મિતવા

દરેક હોઠે અર્થ મળે છે
શબ્દે શબ્દ શરાફી મિતવા

હું એને ગઝલ કહું

આ એક એક ઢાળ હું એને ગઝલ કહું
તારા પ્રલંબ વાળ હું અને ગઝલ કહું

આ હાથ નથી હાથ, નથી ફક્ત ચૂડીઓ
કલરવતી ડાળ ડાળ હું એને ગઝલ કહું

ને ‘કોણ?’ પૂછતાં જ ખૂલી જાય બારણાં
કોઈ કહે ‘સવાલ’ હું એને ગઝલ કહું

વરસાદ જેમ આવવું ને ભીંજવી જવું
તારું નગર વચાળ હું એને ગઝલ કહું

લજ્જા ઢળેલ આંખ ને થોડીક મૂંઝવણ
કન્યા લખે ટપાલ હું એને ગઝલ કહું

દરિયો મળ્યો

પત્રમાં દરિયો મળ્યો, કોરો મળ્યો
આજ લીલા શબ્દમાં ભડકો મળ્યો

હાથમાં પળવાર પરપોટો મળ્યો
એક અન્તિમ શ્વાસનો ફોટો મળ્યો

આંસુઓ રોકાય શે આ આંખમાં?
પાંપણો પાસેથી હડસેલો મળ્યો

તું ભલે બોલે નહીં પણ દૃષ્ટિથી
જાણભેદુ એ જ હોંકારો મળ્યો

મેં નથી જોયો મનોહર તે છતાં
ગઝલમાં કાંઈક અણસારો મળ્યો

આ મનોહર આ મનોહર આ રહ્યો
હાથ પસવાર્યો અને તક્તો મળ્યો

જળ

જળ પછી છે જળ પછી છે જળ પછી
સાવ વચ્ચોવચ્ચ વ્હેતુ છળ પછી

જળની સામે આયનાઓ દો ધરી
એમ કરતાં એ થશે મૃગજળ પછી

રાતના નીરવ સમયનું જળ વહે
ને સવારે જોઉં તો ઝાકળ પછી

ભીનું જળનું ઝાપટુ તે સાંજ આ
સ્તબ્ધ ઘર થૈ જાય છે ચંચળ પછી

જળ ઉગાડું લાવ તારી આંખમાં
યાદ જેવી ફૂટશે કૂંપળ પછી

તે કબીરે છે વણ્યું જળવસ્ત્ર આ
મેં પહેર્યું તે બધે ઝળહળ પછી

જળપરી ઊડી જશે છોડી નદી
બેઉ કાંઠા ઝૂરશે વિહ્વળ પછી

ઢાળ ભાળીને વહી આ જળકથા
હે મનોહર, શું બન્યું આગળ પછી?

કોઈ બાકી સ્થળ પછી તો ના બચ્યું
જળ પછી છે જળ પછી છે જળ પછી

ઘેર્યા

મનોહર જુઓ, સર્વ સીમાએ ઘેર્યા
અને ચો—તરફના અરીસાએ ઘેર્યા

નથી છોડી મૂક્યે હજી અંત આવ્યો
અહીં એ જ પંખીનાં પીંછાએ ઘેર્યા

કહો, કોણ રોકી શકે એને, મિત્રો
હશે કોઈ કંકણના કિલ્લાએ ઘેર્યા

કહી મેં ગઝલ, ને તમે આંખ ઢાળી
પછી એકબીજાંની પીડાએ ઘેર્યાં

ગયા નીકળી અન્ય ઘેરાવથી તો
હવે પોતપોતાના કિસ્સાએ ઘેર્યા

સ્થળાંતર કર્યાથી કશું ક્યાં વળે છે?
સ્વજન જો ગયાં તો ફરિસ્તાએ ઘેર્યા

નથી એ –

નથી એ કાશીની ને નથી એ કાબાની
અમારી શ્રદ્ધા છે ફક્ત ગામ-તાબાની

તમે મળ્યાં ને હૃદય લીલું લીલું ઝૂલે છે
અસલ આ ભોંય હતી સીમની-ખરાબાની

મળી છે સન્ત અને અન્ત : બેઉની કરુણા
મજા અનોખી છે અલગ અલગ આંબાની

સળંગ બીડીને તું જાત જેમ ફૂંકી લે
પછી સમીક્ષા કર બાપુ અને બાબાની

મને તું ખેંચે છે ચરણ એમ ચાલે છે
ખબર ન જમણાની કે ખબર ન ડાબાની

એ જ સજનવા, ભૂલ

વૃક્ષ વગરનું આંગણું, નહીં છાંયો, નહીં ફૂલ
એને ઘર ધાર્યું અમે એ જ સજનવા, ભૂલ

કદી કોઈના ચરણની પડે ન ઉમ્બર ધૂળ
કીધી ત્યાં ગાર્યું અમે એ જ સજનવા, ભૂલ

પંખીની બોલાશનું મળે ન ટીપું સુખ
મન કાં ના વાર્યું અમે? એ જ સજનવા, ભૂલ

નીર–વછોયાં નેણલાં, હરખ-વછોયાં વેણ
ફળિયું શણગાર્યું અમે એ જ સજનવા, ભૂલ

હૈયાં હાડે દૂબળાં, હાથ હમેશાં રાંક
સપનાને ભાર્યું અમે, એ જ સજનવા, ભૂલ

ક્હેણ નજરનું મોકલી તમે રહ્યા’તા ચૂપ
મટકું ના માર્યું અમે એ જ સજનવા, ભૂલ?

ભૂલી જા

ઉદાસ સાંજ હતી કે ગુલાબ? –ભૂલી જા
બધા સવાલ, બધાયે જવાબ –ભૂલી જા

મળી’તી રાત અને તેય વળી ઝળહળતી
દિવસ ખરાબ મળ્યા છે, ખરાબ ભૂલી જા

હતાં નજીક : મળાયું ન એક બીજાને –
શું કામ યાર, હજી આ નકાબ?—ભૂલી જા

સળંગ ક્યાંય મળે છે કદી શું કોઈને?
ક્ષણોની આ તલાશ, ભાઈસા’બ, ભૂલી જા

સભા બહાર મળ્યા તો હિસાબ પૂછે છે
ગઝલ કહી તો કહે કે હિસાબ ભૂલી જા

નમીશું, હાથ નમીશું, પરંતુ તે પ્હેલાં –
જરીક, ‘ઈશ્વર છું’ – એ રૂઆબ ભૂલી જા

પૂર્વવત્ બેઠા છીએ

સાવ ખાલી આ ક્ષણે બસ પૂર્વવત્ બેઠા છીએ
શી ખબર કયા કારણે બસ પૂર્વવત્ બેઠા છીએ

લાખ મથીએ તે છતાં આ જાત સંધાતી નથી
કોઈ કાચા તાંતણે બસ પૂર્વવત્ બેઠા છીએ

પ્હાડ કે પુષ્પો હશે, કંઈ પણ હશે આ આંસુઓ
ઊંચકીને પાંપણે બસ પૂર્વવત્ બેઠા છીએ

સાંજ ઢળતાં, રાત ઊઘડતી જશે આ શહેરની
એમ તારે બારણે બસ પૂર્વવત્ બેઠા છીએ

એટલા રસ્તા મળ્યા કે ક્યાં જવું સૂઝે નહીં
મૂંઝવણમાં આપણે બસ પૂર્વવત્ બેઠા છીએ

દોસ્ત ક્યાં, ક્યાં ડાયરા, ક્યાં રાત, સાફી કે ચલમ
ઓલવાતા તાપણે બસ પૂર્વવત્ બેઠા છીએ

અડે હોઠ ત્યાં ત્યાં

અડે હોઠ ત્યાં ત્યાં થતી દીપમાળા
ત્વચા-મંદિરે તેં કર્યાં અંજવાળાં

વહી જાય છે મન ફરી તારી પાસે
અને આ ચરણ તો જતાં ગામઢાળા

નગરપાલિકાએ લખ્યું, ‘...ભીનું સ્વાગત’
અહીં બારણે બારણે હોય તાળાં

જુએ માંઝતા હાથનાં કોઈ કંકણ
જુએ કોઈ વાસણ ઉપર ઓઘરાળા

પણે રાતભર ઓલિયો કો’ક જાગે
બીજું તો કરે કોણ લોહીઉકાળા?

ખભે એક થેલો, ગઝલ-ડાયરી આ
મનોહર ચલો, અન્ય ક્યાં છે ઉચાળા?

લખાતી ગઝલમાં જ જીવ્યા મનોહર
હતા જીવવાના અવર વ્યર્થ ચાળા

તમારા ઘર સુધી

તમારા ઘર સુધી પહોંચી ગયો’તો જોતજોતામાં
પછી એ જીવ પાછો ના ફર્યો ક્યારેય પોતામાં

સતત ઘરથી કબરના માર્ગ પર અટક્યા વગર ચાલ્યા
ગણે છે લોક એવા શખ્સને હોતા-નહોતામાં

હવે આ ભીડમાં પગ મૂકવાની પણ જગા ક્યાં છે?
અદબ વાળી વિચારો સર્વ ઊભા પોતપોતામાં

મને વાઢ્યો, પછી ચીર્યો, પછી ચૂસ્યો અને ફેંક્યો
તને યે રસ હજી છે કેમ કીડીબાઈ, છોતામાં?

હશે કૈં સંસ્મરણ એમાં અને તેથી જ સાચવતાં
અમસ્તો જીવ વળગ્યો ના રહે મેલા મસોતામાં

મનોહર, આ ગઝલ મત્લાથી મક્તામાં થશે પૂરી
‘દુબારા’ ના સહી, તું કાફિયાને ફેંક શ્રોતામાં

આવીને

આંખ સામે ધરાર આવીને
દૃશ્ય થાતાં ફરાર આવીને
શ્વાસની આરપાર આવીને
દોસ્ત કરશે દરાર આવીને
કોણ કહે છે ઉગાર આવીને?
કાળ પ્હેલા જ માર આવીને
તેં કર્યો છે ખુવાર આવીને
ફૂલ હે, ખુશ્બૂદાર આવીને
દુઃખ બધાં મૂલ્યવાન મોતી છે
ખોલ મા ઘર બહાર આવીને
ભાર ના રાખ આમ આંસુનો
સ્કંધ પર લે ઉતાર આવીને
એકલો હું જ સાદ પાડું છું
તું કદી તો પુકાર આવીને!
‘શબ્દ પણ આજકાલ ઘાતક છે’
બોલ, પરવરદિગાર, આવીને
આ કબર દોસ્ત, તેં જ આપી છે
પગ હવે કાં પ્રસાર આવીને?
સૌ ગયાં, એક તું જ બાકી છે
લે, કરી લે પ્રહાર આવીને

ઘા

કરતાં કેમ ડરે છે ઘા?
મિત્રો રોજ કરે છે ઘા

આશ્વાસન જે આપે છે
મીઠાથી જ ભરે છે ઘા

સાચવજે, એ પડઘા છે
પાછા એમ ફરે છે ઘા

દર્દ વધારી જાણો છો
ઔષધથી વકરે છે ઘા

જેમ મથું છું વિસ્મરવા
સતત સતત ચચરે છે ઘા

પાંપણથી પસવાર હજી
દાઝું તોય ઠરે છે ઘા

કે’જો કોઈ મનોહરને -
મરતાંવેંત મરે છે ઘા?

પગમાં –

પગમાં કાશી, પગમાં મક્કા
તમે કહો છો ધક્કેધક્કા

આંખ ખૂલી તો ઘર પણ ગાયબ
બંધ કરી તો હક્કા-બક્કા

કદી પીઠમાં હાથ ફેરવે
કદી કદી છોડાવે છક્કા

જન્મે જાણે હાલે ચાલે
મરવાના યે આમ તબક્કા?

પંડિત સર્વે ચૂપ થયા ત્યાં
અભણ ભણાવે જગને કક્કા

મરતાંને જે કહે નઃ મર તું
તમે મનોહર, ભારે પક્કા

છીએ

પ્રેમ છે તો આપણે મળીએ છીએ
એમ આખ્ખું વિશ્વ સાંકળીએ છીએ

મૂલ્ય જાણ્યું તે અહીં જીવી ગયાઃ
ધૂળ છીએ, ધૂળમાં ભળીએ છીએ

બા કહેતી કેટલી હળવાશથી? :
અન્ન સાથે ઊંઘને દળીએ છીએ

ટોચ પર પહોંચ્યા પછી આ શું થયું?
ઢાળ ભાળ્યો ને બધા ઢળીએ છીએ!

માર્ગ રોકે છે, ચલો, રોકાઈએ–
આપણે ક્યાં કોઈ આંગળીએ છીએ?

ફૂલમાંથી ગંધ છૂટે છે સહજ
જાતમાંથી એમ નીકળીએ છીએ

સાચવ્યું છે ડાળ જેવું બાળપણ
જેમ વાળો તેમ લ્યો, વળીએ છીએ

ચોમાસે

વાંચ વિજોગણ! ખત ચોમાસે
આવ્યો’તો જે ગત ચોમાસે

ટીકીટીકી નીરખવાની-
સારી નહિ આ લત ચોમાસે

વૈશાખે ચાંદરણાં ચૂવે :
એમ જ ચૂવે છત ચોમાસે

નાનકડી ધૂણે છે નદીઓ
પ્રગટ્યું ક્યાંથી સત ચોમાસે?

નેવાં નીચે રહી સચવાશે-
આમ કુંવારાવ્રત ચોમાસે?-

કોરાં રહેવું કે ભીંજાવું?
સૌને સૌના મત ચોમાસે

પંક્તિ-પંક્તિ જલની ધારા
નભ : પુસ્તકની પ્રત ચોમાસે.

આ ગઝલ મેં ફોનમાં–

આ ગઝલ મેં ફોનમાં પ્હેલા કહી મિસ્કીનને
ગુજ્જુને સમજાય તે સમજાય ક્યાંથી ચીનને?

આયના સામે ગઝલ ધરતાં મળે છે વિંઝુડા
સંજુ! આ પર્યાયનો છે અર્થ પણ કોની કને?

ડૂબકી મારી, અદમઆદિલ ને અશરફ જોઉં છું
ગૂર્જરી જળથી જુદાઈ ના ગમે આ મીનને

જો પણે ઈર્શાદગઢમાંથી ચિનુજી નીકળ્યા–
બાટલી ખાલી કરીને પૂરશે ક્યા જીનને?

હર્ષ હે! રાજેન્દ્ર-મીનાશ્રુ, ર.પા. કે હો મનોજ
તું અલગ કર ચાલ, અર્વાચીનને - પ્રાચીનને

એક હર્ષદને સ્મરું ત્યાં અન્ય હર્ષદ સાંભરે
છે, સ્મરણની ગૂંચ છે, જુદો કરું હું ક્યાં મને?

ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા

નથી રાત દેખી, ન દેખા સબેરા :
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
જિહાં પાંવ રુક્કે તિહાં હો બસેરા :
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા

હમેં ક્યા? અહીંસે વહીં તક ફકીરો,
ખબર છે જવાના વહીં સે નહીં તક
અરે, હમને સારી જમીં કો હી ઘેરા :
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા

કરેગા ક્યા છતછાપરે ઔર વંડી?
રમાઈ હૈ ધૂની તો કિસ કામ બંડી?
અબે યાર, લે જા, અગર સબ હૈ તેરા :
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા

કિહાં રખ્ખૂં બોજા? ન રખ્ખૂ મૈં રોજા,
મિલીં આંખ બંદે અબી હાલ સો જા
જરા દેખ હમકું તો લે’રા હી લે’રા :
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા

કરે સિર્ફ માલિક હુકુમ એ જ કાફી,
રહેગી ચલમ કે રહેગી ન સાફી
યિહાં કોન ચાચા ભતીજા મમેરા?
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા

મૂકી જો

એક પલ્લે સ્વભાવ મૂકી જો
ત્રાજવાં પર પ્રભાવ મૂકી જો

જે હશે તે જ તે કહી દેશે–
દર્પણે હાવભાવ મૂકી જો

પ્રેયસી જેવું જ વિશ્વ સુંદર છે
તું જરી તો લગાવ મૂકી જો

ઘર બને છે પછી જ સાચું ઘર
બારણે આવ-જાવ મૂકી જો

શ્હેર વસ્તી વગરનું થૈ જાશે
આપણો ત્યાં અભાવ મૂકી જો

ડૂબશે કે જશે કિનારા પર?
તારું છે કામ : નાવ મૂકી જો

એમનો અણબનાવ ભૂલી તું
પ્રેમનો રખરખાવ મૂકી જો

ઘાવ કરજે પછી જ બીજા પર
ત્યાં તું તારા જ ઘાવ મૂકી જો

‘મ્હેક પોત કને તું રાખી લે’
પુષ્પ સામે સુઝાવ મૂકી જો

કોઈ

બહાર નહીં તો અંદર કોઈ
નિત્ય કરે છે હરફર કોઈ

ચૉક અને ચૉરા પર કોઈ
શોધે પોતાનું ઘર કોઈ

ઓઢાડે જે ચિન્તા રાખી
ભરનીંદરમાં ચાદર કોઈ

મોતી એમ નથી વીંધાતું
વીંધે સાત સમંદર કોઈ

ભાર બધો ઓશીકે મૂકી
ઊંઘે છે ભડભાદર કોઈ

ચોર-પગે મેં જોઈ ચાંદની
ચડે-ઊતરે દાદર કોઈ

મોભ અને મોભો સાચવતાં
થાય પડીને પાદર કોઈ

સ્વાગત કરશે વિશ્વ નવું આ
ઓળંગે જો ઉંબર કોઈ

ક્યાંક તો છેડો હશે

આ કથા છે, આ કથાનો ક્યાંક તો છેડો હશે
રાખ શ્રધ્ધા કે વ્યથાનો ક્યાંક તો છેડો હશે

ના તને કોઈ પ્રતીતિ દોસ્ત, ઈશ્વરની થશે-
તું વિચારે છે : હવાનો ક્યાંક તો છેડો હશે

સાંજ પંખી ખીણ વાદળ-ને ભરી લે મીટમાં
દૃશ્યના આ દબદબાનો ક્યાંક તો છેડો હશે

હું પહોંચ્યો એટલે તો છેક તારા મન સુધી
એક કાચા તાંતણાનો ક્યાંક તો છેડો હશે

ના હશે આકાશને આરંભ અથવા અંત, પણ-
આપણા હોવાપણાનો ક્યાંક તો છેડો હશે

ખૂબ ગરવાઈ થકી ચર્ચા કરે વિદ્વત્જનો
એ જ કે : સદ્ગત ૨.પા.નો ક્યાંક તો છેડો હશે

ઠસ્સો

મંદાક્રાન્તા

ચૂલામાં તેં વખતસર ઑબાળ પૂર્યો. અડાયાં
ફૂંકે ફૂંકે જરીક સળગ્યાં ને ફરી ઓલવાયાં.
ચોમાસાની અસર પણ દેખાય છે આ હવામાં
થાપ્યાં છાણાં ઊલટભર જે, ઘાર છે મોઢવામાં.

ઘેરી લેતી ઘર સકળને, સાજને ધૂમ્રસેર–
ધક્કેલાવે, તસુ નવ ખસે. જોઉં હું : અશ્રુભેર
મુંઝાતી તું, વધુ વધુ તને ભીડવે, ચાડ રાખે
જોતી બેઠી–અવર કશું ના સૂઝતાં–તપ્ત આંખે.

થાકી તોયે અધરદ્વયથી આગ સંધ્રૂકતી તું
લીધેલું ક્યાં પણ સરળતાથી કદી મૂકતી તું?
રેલો ચાલ્યો કુમકુમતણો, કાનનાં દૂલ ડોલે
શ્વાસે શ્વાસે સ્તન થરકતાં, બંગડી શી હિલોળે!

બેસી પાસે સ્મિતસભર, ગુસ્સો નિરાંતે નિહાળું
ઠસ્સો તારો લથબથ : ભલે દૂર ઠેલાય વાળુ.

ભીતરે

મંદાક્રાન્તા

છેલ્લા પત્રે પ્રિય, ઉમળકાભેર મેં વાંસ્યું તાળું,
કોરે મોરે વિગત, વચમાં જોઉં ખેંચાણ મારું :
‘લાંબા લાગે દિન પિયરના, રાત વેંઢારવાની’
(તેડી આવ્યો) વધુ સમય તું ક્યાં હતી ગાળવાની?

ગૈ કાલે જે પડતર હતું, આજ ચોખ્ખુંચણાક
હોંશે હોંશે ઘર કર્યું પ્રિયે, રમ્ય. દીસે ન થાક
તારા ચ્હેરે. વિહગ ફરક્યાં ભીંતનાં શાં ફરીને,
એના ઝીણા–નીરવ ટહુકા આળખે ઓશરીને!

બેડાં માંઝ્્યાં, ઝળહળ થયાં, ઓસર્યાં ઓઘરાળાં,
ખંખેર્યાં તેં છત સહિત બાઝેલ સર્વત્ર જાળાં,
વાળીઝૂડી, પુનરપિ બધી ગોઠવી ચીજવસ્તુ
ઑળીપાની સુરભિ વદતી હોય જાણે, ‘તથાસ્તુ’.

ખેંચી પાસે, સુખકમળ ત્યાં ઊઘડ્યાં સ્વેદભીનાં
ચૂમી લેતાં, સરવર છલ્યાં ભીતરે સારસીનાં!

  1. પૂ. ‘દર્શક’ને કૃતજ્ઞતાપૂર્વક : અમૃત મહોત્સવ પ્રસંગે