સ્વાધ્યાયલોક—૭/ભણકારા

From Ekatra Wiki
Revision as of 20:08, 5 May 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘ભણકારા’}} {{Poem2Open}} ૧૯૫૧માં મુંબઈમાં ઉનાળા અને શિયાળાની લાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘ભણકારા’

૧૯૫૧માં મુંબઈમાં ઉનાળા અને શિયાળાની લાંબી અને ટૂંકી બન્ને રજાઓમાં બલ્લુકાકાને રોજ મળવાનું થયું. એમાં એમની ઇચ્છાથી રોજ કલાકેક એમની લાઇબ્રેરીમાં પુસ્તકો અને હસ્તપ્રતો ગોઠવવાનું કામ કરવાનું પણ થયું. ત્યારે ૧૮૮૮થી ૧૯૫૦ લગીની બધી જ ડાયરીઓ પણ કાલાનુક્રમ પ્રમાણે ગોઠવી હતી. માત્ર ગોઠવી હતી, વાંચી ન હતી. અલબત્ત, ૧૯૫૧ની ચાલુ ડાયરીનું મેની ૧૮મીનું પાનું બલ્લુકાકાએ વાત્સલ્યથી વંચાવ્યું હતું તે વાંચ્યું હતું. બલ્લુકાકાના અવસાન પછી ૧૯૫૪માં એ સૌ પુસ્તકો અને હસ્તપ્રતો સાથે આ ડાયરીઓ પણ વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને અર્પણ કરવાનો વિધિ થયો એમાં હાજર હતો. તે દિવસે હોંસ હતી કે હવે ટૂંક સમયમાં જ એક પછી એક બધી જ ડાયરીઓ પ્રસિદ્ધ થશે અને વાંચવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થશે. તે દિવસે વહેમ સુધ્ધાં ન હતો કે એના આરંભ માટે પણ હજુ પંદરેક વરસની પ્રતીક્ષા કરવાની થશે. ૧૯૬૯માં બલ્લુકાકાની જન્મશતાબ્દી પ્રસંગે ૧૮૮૮ના વર્ષની ડાયરી વાંચવાનું અને ત્યાર પછી આજે સાતેક વરસે ૧૮૮૯થી ૧૯૦૦નાં વર્ષોની ડાયરી વાંચવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે ત્યારે કંઈક મિશ્ર લાગણીનો અનુભવ થાય છે. આ ડાયરીઓ પ્રસિદ્ધ થાય છે એનો આનંદ અવશ્ય છે. પણ સાથે-સાથે આ ગતિએ તો ૧૯૫૧ના વર્ષની ડાયરી બલ્લુકાકાની મૃત્યુશતાબ્દી પ્રસંગે પ્રસિદ્ધ થશે અને તો એ વાંચવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત નહિ થાય એનો શોક પણ છે. ૧૮૮૮ના વર્ષની ડાયરી વાંચી ત્યારે બલવન્તરાયે ‘ભણકારા’ અને ‘આરોહણ’ અંગે પછીથી વારંવાર જે વિધાનો કર્યાં છે એનું સત્ય અને રહસ્ય પ્રગટ થયું. હવે ૧૮૮૯થી ૧૯૦૦નાં વર્ષોની ડાયરી વાંચી ત્યારે ‘ભણકારા’ અને ‘આરોહણ’ અંગેનાં વિધાનોનું વધુ સત્ય અને રહસ્ય પ્રગટ થયું અને બલવન્તરાયે પૃથ્વી છંદ અંગે પછીથી વારંવાર જે વિધાનો કર્યાં છે એનું પણ સત્ય અને રહસ્ય પ્રગટ થયું. બલવન્તરાયે ‘ભણકારા’ ‘૧૮૯૩ કે તે પહેલાં’ રચાયું એમ ૧૯૧૭માં નોંધ્યું છે. પણ પછી ‘ભણકારા’ની ખરી સાલ ૧૮૮૮ (મે) છે.’ એમ ૧૯૪૭માં સુધાર્યું છે. એમણે ‘આરોહણ’ ૧૯૦૦માં રચાયું એમ વારંવાર નોંધ્યું છે પણ ‘આરોહણ’નું ડોળિયું તો ૧૮૮૮માં રચાયું એમ વારંવાર ઉમેર્યું છે. એમણે પૃથ્વી છંદની પ્રવાહિતા — એમના શબ્દમાં અગેયતા — અંગેની અંતિમ પ્રતીતિ ’૯૦ના દાયકાના પૂર્વાર્ધમાં થયાનું પણ વારંવાર નોંધ્યું છે. ૧૮૮૮ના વર્ષની ડાયરીમાં ૧૮–૮–૮૮ની ડાયરીનોંધમાં બલવન્તરાયે નોંધ્યું છે, ‘Manishankar thinks my sonnet excellent.’ એટલે કે ૧૮–૮–૮૮ પૂર્વે બલવન્તરાયે સૉનેટ રચ્યું છે. એટલું જ નહિ પણ મણિશંકર જેને ‘excellent’ — ઉત્તમ માને છે એવું સૉનેટ રચ્યું છે. આ સૉનેટ કયું? ૧૪–૮–૮૮થી ૧૬–૮–૮૮ની ડાયરીનોંધોમાં આ પ્રશ્નનો ઉત્તર છે. ૧૪મીએ ‘કાઠિયાવાડ ટાઇમ્સ’માં નવલરામના અકાળ અવસાનના સમાચાર વાંચ્યા. ૧૫મીએ કૉલેજ ગયા. ત્યાંથી બાર વાગ્યે સમુદ્રતટ પર ગયા. ત્યાં નવલરામના અવસાન અંગે વંશસ્થ-ઉપજાતિ મિશ્ર છંદમાં એક અપૂર્ણ કાવ્ય રચ્યું. ૧૬મીએ મોહનદાસ — જે પછીથી મહાત્મા ગાંધી થયા તે — ને મળ્યા. કૉલેજ ગયા. ત્યાંથી સમુદ્રતટ પર ગયા. ત્યાં આગલા દિવસના અપૂર્ણ કાવ્યમાં એક પણ પંક્તિ ઉમેરી શક્યા નહિ પણ કોઈ અત્યંત ભિન્ન વિષય પર કોણ જાણે કેમ પણ એક પૂર્ણ કાવ્ય રચ્યું — બલકે રચાઈ ગયું. ૧૬મીની ડાયરીનોંધમાં નવલરામના અવસાન અંગેની પંક્તિઓ તદ્દન નકામી છે, ‘સરસ્વતીચંદ્ર’માં આરંભે ગોવર્ધનરામની પંક્તિઓ જેવી આ પંક્તિઓ છે — અતિ દુર્બોધ અને અત્યંત ઊર્મિશૂન્ય, પોતાને એની પ્રત્યે તીવ્ર અણગમો છે અને પોતે ભવિષ્યમાં કદી આવી પંક્તિઓ રચશે નહિ એવી ટીકા સાથે નવલરામના અવસાન અંગેની ૨૦ પંક્તિઓ નોંધી છે અને પછી જે કાવ્ય રચાઈ ગયું એ વિશે પોતે તત્કાલ કશો નિર્ણય કરશે નહિ એવી ટીકા સાથે ભુજંગી છંદમાં ૭ યુગ્મોમાં ૧૪ પંક્તિનું આ કાવ્ય નોંધ્યું છે અને સાથે આ કાવ્યની છેલ્લીની આગલી ત્રણ પંક્તિઓમાં સુધારા કરવાની જરૂર છે અને આ બન્ને કાવ્યો મણિશંકરને એમની ટીકા માટે મોકલ્યાં છે એમ ઉમેર્યું છે. આમ, ૧૮મીએ બલવન્તરાયે નોંધ્યું છે તેમ મણિશંકર જેને ‘excellent’ — ઉત્તમ માને છે તે સૉનેટ એટલે ભુજંગી છંદમાં ૭ યુગ્મોમાં ૧૪ પંક્તિનું આ કાવ્ય. કાવ્ય આ પ્રમાણે છે : રુડો વાયુ આવે કંઈ મગ્ન થાતો 
જરા નાચતો નાચતો ગાન ગાતો 
મઝાથી રમે કેશની સાથ એ તો 
વળી આંખનું ચિત્ત આકર્ષિ લેતો. 
રુડાં વાદળાં આભમાં શ્વેતકાળાં 
જણાયે વળી ના જણાએ બિચારાં 
બહૂ વાયુ પીડા કરે એમને ત્યાં 
રડી લાડથી ચિત્ત મ્હારૂં જ મ્હોતાં. 
રુડો સિંધુ સ્નેહાર્દ્ર ચિત્તે કરીને 
બધાં વાદળાં છાતિ સરસાં ધરીને 
હસે ને વળી વાયુ શું (ને) સ્હેજ ખીજે 
વળી ગાનથી સર્વ રીઝાવિ રીઝે. 
અને આ ત્રણે (બધાં) આમ આનંદ આપે 
or 
ત્રણે ચિત્તને આમ આનંદ આપે 
નચાવી રિઝાવી ગવાડી રમાડે. ૧૮૮૮ના વર્ષની ડાયરીમાં અન્ય કોઈ ડાયરીનોંધમાં બલવન્તરાયે આ સૉનેટ સિવાય અન્ય એક પણ સૉનેટ કે કાવ્ય રચાયું હોય એમ નોંધ્યું નથી. ઊલટાનું ૧–૮–૮૮ની ડાયરીનોંધમાં તો તે દિવસે સાંજના પાંચ પછી કોઈ બનાવ બન્યો હશે એ અંગે ત્રણેક કલાક મથી-મથીને, વિચારી-વિચારીને, કોઈક છંદ ગુંજી-ગુંજીને એ બનાવ પર ધ્યાન કેન્દ્રિત કરી-કરીને સહ્ય એવી બે પંક્તિ પણ રચવામાં સફળ ન થવાયું એમ નોંધ્યું છે. ૧૯૧૭માં ‘ભણકાર’ના ટિપ્પણમાં ‘ભણકારા’ પરની નોંધમાં ‘ભણકારા’, ‘અદૃષ્ટિદર્શન’, ‘કવિની સ્નેહતૃષ્ણા’ આદિ જે કાવ્યો ‘૧૮૯૩ કે તે પહેલાં’ રચાયાં તે સિવાયનું એક પણ કાવ્ય સાચવ્યું નથી એમ નોંધ્યું છે. એટલે કે અન્ય કાવ્યો રચાયાં હશે પણ એનો નાશ કર્યો હશે. ૧૬–૮–૮૮ના સૉનેટ પૂર્વેનું ‘૨૭–૧૦–૮૬ New Year’s day’ એવી નોંધ સાથે અને છેકભૂંસ સાથે પ્રેમ અંગે નર્મદશૈલીમાં માત્રામેળ છંદમાં યુગ્મયુક્ત ૨૪ પંક્તિનું અપૂર્ણ અને અ-સૉનેટ એવું એકમાત્ર કાવ્ય એક કાગળ પર સચવાયું છે. તો પછી “ભણકારા’ની ખરી સાલ ૧૮૮૮ (મે) છે.’ એ વિધાનનું સત્ય અને રહસ્ય શું? વળી ‘દિન્કી’નો આરંભ ૧૨–૪–૮૮થી કર્યો છે. પણ પછી ૧૮૮૮ના મેની તો એક પણ ડાયરીનોંધ નથી. બલવન્તરાયે “ભણકારા’ની ખરી સાલ ૧૮૮૮ (મે) છે’ એ વિધાન ૧૯૪૭માં કર્યું એટલે કે વચમાં છ દાયકા જેટલો સમય વહી ગયો. કોઈની પણ સ્મૃતિ મંદ અને મ્લાન થાય એટલો સુદીર્ઘ આ સમય છે. શક્ય છે કે ૧૮૮૮(ઑગસ્ટ)માં એક સૉનેટ રચ્યું તો હતું એથી ૧૯૪૭માં આવું વિધાન થયું હોય! પણ તો પછી ૧૮૮૮(ઑગસ્ટ)નું સૉનેટ જ ‘ભણકારા’ હોવું જોઈએ ને? એમ ન હોય તોપણ આ બે સૉનેટ વચ્ચે કંઈક સામ્ય તો હોવું જોઈએ ને? કોઈક સંબંધ તો હોવો જોઈએ ને? આ બે સૉનેટ ભિન્ન છે એનું શું? ‘ભણકારા’, ‘ભણકારા’ જેનું પાઠાન્તર છે અને જે ૧૮૯૪ના એપ્રિલમાં ‘સુદર્શન’માં પ્રગટ થયું હતું તે ‘જલપ્રવાસ’ અને આ સૉનેટની તુલના કરવાથી આ બે સૉનેટ વચ્ચે અલ્પાતિઅલ્પ સામ્ય છે, સૂક્ષ્માતિસૂક્ષ્મ સંબંધ છે, આ બે સૉનેટ અત્યંત ભિન્ન નથી, આ સૉનેટ ‘જલપ્રવાસ’ અને ‘ભણકારા’નું બીજ છે, બન્ને વચ્ચે બીજ-વૃક્ષ-સંબંધ છે એ સ્પષ્ટ થાય છે. ૧૬–૮–૮૮નું આ સૉનેટ રચવું હતું કંઈ અને રચાયું કંઈ એમ આશ્ચર્ય સાથે સહસા રચાયું છે. રચવું હતું શોકનું કાવ્ય અને રચાયું આ આનંદનું કાવ્ય. આમ, આ સૉનેટમાં આશ્ચર્ય અને આનંદ છે. ‘ભણકારા’માં પણ આશ્ચર્ય અને આનંદ છે. આ સૉનેટમાં ‘વાયુ’, ‘વાદળાં’ અને ‘સિન્ધુ’ છે. ‘ભણકારા’માં પણ ‘વાયુ’, ‘કુસુમવસન’ અને ‘નર્મદા’ (નદી) છે. આ સૉનેટમાં મધ્યાહ્ન છે. ‘ભણકારા’માં મધ્યરાત્રિ છે. શક્ય છે કે બલવન્તરાય કોઈ રજાઓમાં ભરૂચમાં હોય ત્યારે અથવા અન્યત્ર હોય તો સ્મરણમાં ભરૂચ હોય ત્યારે ‘ભણકારા’ અસલ પાઠ રૂપે એટલે કે ‘જલપ્રવાસ’ રૂપે રચાયું હોય એથી ‘સિન્ધુ’ને સ્થાને ‘નર્મદા’ (નદી) અને મધ્યાહ્નને સ્થાને મધ્યરાત્રિ હોય. આ સૉનેટમાં વાયુ અને સિન્ધુનું ‘ગાન’ છે અને એ કાવ્યનાયકને ‘ગવાડે’ છે. ‘ભણકારા’માં પણ કાવ્યનાયક ‘છંદ’ લવે છે, ‘લય’થી બીનના તાર આંદોલે છે. આ સૉનેટમાં કાવ્યગુણ નહિવત્ છે. ‘ભણકારા’માં કાવ્યગુણ સમૃદ્ધ છે. ‘ભણકારા’ જેમ ‘જલપ્રવાસનું’ પાઠાન્તર છે તેમ શક્ય છે કે ‘જલપ્રવાસ’ આ સૉનેટનું રૂપાન્તર હોય. બલવન્તરાયે આ સૉનેટ રચ્યું તે જ દિવસે ૧૬–૮–૮૮ની ડાયરીનોંધમાં એમાં છેલ્લીની આગલી ત્રણ પંક્તિઓમાં સુધારાની જરૂર છે એમ તો નોંધ્યું જ હતું. આ સૉનેટમાં ૭ યુગ્મો છે. ‘જલપ્રવાસ’માં પણ ૭ યુગ્મો છે. આ સૉનેટમાં ભુજંગી છંદ છે. ‘જલપ્રવાસ’માં મન્દાક્રાન્તા છંદ છે. બલવન્તરાયે ૧૮૮૯ના ડિસેમ્બરની ડાયરીનોંધમાં મૂળ અંગ્રેજી નોંધની નીચે સહેજ દૂર ગુજરાતીમાં ‘અદૃષ્ટિદર્શન’ શબ્દ, કદાચને વર્ષો પછી, ૧૯૧૬માં કે ૧૯૨૩માં ઉમેર્યો છે. એ દ્વારા ‘અદૃષ્ટિદર્શન’ ૧૮૮૯ના ડિસેમ્બરમાં રચ્યું એમ સૂચવ્યું છે. મૂળ અંગ્રેજી નોંધમાં લગ્ન પછી બે વરસે પ્રથમ વાર ચન્દ્રમણિ સાથે પૂનામાં પાંચેક અઠવાડિયાંના સહવાસ પછી વિદાયની ક્ષણે પ્રેમનો નહિ તો કોઈ તીવ્ર વાસ્તવિકતાનો અનુભવ થયો એમ નોંધ્યું છે. એથી શક્ય છે કે ‘અદૃષ્ટિદર્શન’ એ જ સમયમાં રચ્યું હોય. એમ ન હોય તોપણ મૂળ અંગ્રેજી નોંધ પરથી એટલું તો સ્પષ્ટ જ છે કે એ સમયમાં જ ‘અદૃષ્ટિદર્શન’નું બીજ તો ચિત્તમાં રોપાયું જ છે. જોકે ‘અદૃષ્ટિદર્શન’નું અસલ શીર્ષક ‘પ્રણયસ્મૃતિઓ’ હતું. એ શબ્દ ‘અદૃષ્ટિદર્શન’ની અંતિમ પંક્તિમાં છે. પણ કાન્તે એની પ્રેરણાથી ‘અગતિગમન’ સૉનેટ રચ્યું. એટલે પછી બલવન્તરાયે એ શીર્ષકની પ્રેરણાથી ‘અદૃષ્ટિદર્શન’ એવું નવું શીર્ષક રચ્યું. એ પરથી તો સ્પષ્ટ જ છે કે બલવન્તરાયે ‘અદૃષ્ટિદર્શન’ ૧૮૮૯ના ડિસેમ્બરમાં રચ્યું. ‘અદૃષ્ટિદર્શન’માં મન્દાક્રાન્તા છંદ છે. ‘જલપ્રવાસ’માં પણ મન્દાક્રાન્તા છંદ છે. ‘અદૃષ્ટિદર્શન’માં ૭ યુગ્મો છે. જલપ્રવાસ’ અને ૧૬–૮–૮૮ના ભુજંગી છંદના સૉનેટમાં પણ ૭ યુગ્મો છે. વળી ‘જલપ્રવાસ’ની અંતિમ પંક્તિનું ‘અદૃષ્ટિદર્શન’ની પ્રથમ પંક્તિમાં જાણે કે અનુસંધાન છે. આ સૌ પરથી શક્ય છે કે બલવન્તરાયે ૧૮૮૯ના ડિસેમ્બરમાં ‘અદૃષ્ટિદર્શન’ રચ્યું તે પૂર્વે ૧૬–૮–૮૮ના સૉનેટનું ‘જલપ્રવાસ’માં રૂપાંતર કર્યું હોય. એટલે કે ૧૬–૮–૮૮ અને ૧૮૮૯ના ડિસેમ્બરની વચ્ચેના સમયમાં ‘જલપ્રવાસ’ રચ્યું હોય. જોકે ‘જલપ્રવાસ’ ‘સુદર્શન’માં ૧૮૯૪ના એપ્રિલમાં પ્રગટ થયું તે પૂર્વે ‘અદૃષ્ટિદર્શન’ ‘જ્ઞાનદર્શન’માં ૧૮૯૩માં પ્રગટ થયું છે. ૧૮૯૦થી ૧૮૯૪ લગીમાં બલવન્તરાયે વિયોગિની, તોટક, હરિણી, શિખરિણી, મન્દાક્રાન્તા, પૃથ્વી આદિ છંદો અને ‘એક તોડેલી ડાળ’, ‘કવિની સ્નેહતૃષ્ણા’, ‘કવિનું કર્તવ્ય’ આદિ કાવ્યો સિદ્ધ કર્યાં છે એમ ૧૮૯૦થી ૧૮૯૪ લગીનાં વર્ષોની ડાયરીનોંધો અને કાવ્યોની પ્રકાશનતિથિઓ પરથી સ્પષ્ટ થાય છે. વળી ૮–૧–૯૪ની ડાયરીનોંધમાં ‘જૂનું પિયેરઘર’ રચાયું એમ નોંધ્યું છે. ‘જૂનું પિયેરઘર’માં પણ ૭ યુગ્મો અને મન્દાક્રાન્તા છંદ છે. આ છંદસિદ્ધિ અને કાવ્યસિદ્ધિ પછી શક્ય છે કે ૧૬–૮–૮૮ના સૉનેટનું ૧૮૯૪ના આરંભમાં ‘જલપ્રવાસ’માં રૂપાન્તર કર્યું હોય. ‘જલપ્રવાસ’ ૧૮૯૪ના એપ્રિલમાં ‘સુદર્શન’માં પ્રગટ થયું હતું છતાં બલવન્તરાયે ૧૮૯૪ના એપ્રિલની ચાર ડાયરીનોંધો છે એમાં કે એ પૂર્વેની ૧૮૮૮થી ૧૮૯૪ લગીનાં વર્ષોની અન્ય કોઈ ડાયરીનોંધોમાં ક્યાંય ‘જલપ્રવાસ’ રચાયું એમ નોંધ્યું નથી. ૧૭–૧–૯૪ની ડાયરીનોંધમાં “આશીર્વાદ’ (નોટ First Draft)’ એમ નોંધ્યું છે. બલવન્તરાયના સમગ્ર કાવ્યસંગ્રહમાં ૧૭–૧–૯૪ના આ ‘આશીર્વાદ’ કાવ્યનું અસ્તિત્વ નથી. ‘ભણકાર–૧૯૪૨’માં ‘આશીર્વાદ’ શીર્ષકથી એક કાવ્ય છે. પણ તે સં. ૧૯૯૫ની અખાત્રીજે રચ્યું છે. અને એથી ‘ભણકાર–૧૯૫૧’માં એનું ‘અખાત્રીજ’ એવું નવું શીર્ષક છે. શક્ય છે કે ‘જલપ્રવાસ’ એ આ ‘આશીર્વાદ’ હોય. ‘જલપ્રવાસ’નું અસલ શીર્ષક ‘આશીર્વાદ’ હોય. ૧૯૧૭માં ‘ભણકાર’ના ટિપ્પણમાં ‘ભણકારા’ની અંતિમ ૬ પંક્તિઓના સંદર્ભમાં પ્રશ્ન પૂછ્યો છે, ‘એ ભણકાર ક્યાંથી? શા? આત્માનાં ઊંડાણોથી ઉપર ફૂટી આવતાં ઝરણો, પ્રકૃતિનાં ગૂઢ સ્ફુરણો, કે વ્યોમની ભવ્યતાઓમાંથી નીચે ઊતરી આવતા ઈશ્વરપ્રસાદ?’ એમાં ‘ભણકારા’ એટલે ‘આશીર્વાદ’ એમ સૂચવ્યું પણ છે. અને પછીથી ૧૮૯૪ના એપ્રિલમાં ‘સુદર્શન’માં પ્રગટ થયું ત્યારે ૧૭–૧–૯૪ના ‘આશીર્વાદ’ શીર્ષકને સ્થાને ‘જલપ્રવાસ’ એવું નવું શીર્ષક રચ્યું હોય. આમ, બલવન્તરાયે ભલે ‘ભણકારા’ ૧૮૮૮(મે)માં ન રચ્યું હોય, ‘જલપ્રવાસ’ ભલે ૧૮૯૩ પૂર્વે ૧૬–૮–૮૮ અને ૧૮૮૯ના ડિસેમ્બરની વચ્ચેના સમયમાં કે ૧૮૯૩ પછી ૧૭–૧–૯૪ કે એની આસપાસના સમયમાં રચ્યું હોય. પણ ‘ભણકારા’ જેનું પાઠાન્તર છે તે ‘જલપ્રવાસ’ના અસલ પાઠ જેવું, કાચા મુસદ્દા જેવું ૧૪ પંક્તિનું આ કાવ્ય, બલવન્તરાયના પ્રિય શબ્દમાં કહેવું હોય તો ‘ભણકારા’નું આ ‘ડોળિયું’ તો એમણે ૧૮૮૮ના ઑગસ્ટની ૧૬મીએ મુંબઈમાં સમુદ્રતટ પર રચ્યું જ હતું. ૧૮–૮–૮૮ની ડાયરીનોંધમાં બલવન્તરાયે આ કાવ્યનું સૉનેટ એવું નામાભિધાન રચ્યું છે અને મણિશંકર એને ‘excellent’ — ઉત્તમ — માને છે એમ પણ નોંધ્યું છે. આમ બલવન્તરાયે એમનું પ્રથમ સૉનેટ ૧૮૮૮ના ઑગસ્ટની ૧૬મીએ રચ્યું છે. અને ગુજરાતી ભાષાનું પ્રથમ સૉનેટ બલવન્તરાયે રચ્યું છે.

૨૬ જાન્યુઆરી ૧૯૭૭


*