સ્વાધ્યાયલોક—૪/કવિતાસ્વરૂપે આભારવચન

From Ekatra Wiki
Revision as of 15:42, 7 May 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિતાસ્વરૂપે આભારવચન}} {{Poem2Open}} ઉમાશંકરભાઈ, ફરીથી ખૂબ ખૂબ આભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કવિતાસ્વરૂપે આભારવચન

ઉમાશંકરભાઈ, ફરીથી ખૂબ ખૂબ આભાર. તમે પટ આપ્યો એટલું જ નહિ પણ ચીનની કવિતાના રસાસ્વાદનો પુટ ચડાવીને, કાવ્યાનંદથી મઢીને આપ્યો. તમારા વાર્તાલાપની પાદટીપ જેવા બે શબ્દો, લિ પો વિશે બે શબ્દો કહીને એ સ્વરૂપે અંતે તમારો આભાર માનીશ. લિ પો સૌમ્ય કવિ હતા, સોમરસના કવિ હતા, મય અને મયંકના કવિ હતા. કવિઓ કાવ્યો રચે છે, કેટલાક કવિઓ સાદ્યંતસુંદર અને સર્વાંગસંપૂર્ણ કાવ્યો રચે છે. પણ એવું કાવ્યમય જીવન અને એથીયે વિશેષ તો એવું કાવ્યમય મૃત્યુ સૌ કવિઓના ભાગ્યમાં હોતું નથી. આ કવિજીવનની વક્રતા છે. બહુ તો ન જાણું, જગતકવિતા વિશે થોડુંક જાણું છું. મારી જાણમાં જેમના ભાગ્યમાં એવું કાવ્યમય જીવન અને એવું જ કાવ્યમય મૃત્યુ હતું એવા બે કવિઓ છે. એક જર્મનીના અર્વાચીન કવિ રિલ્કે અને બીજા ચીનના પ્રાચીન કવિ લિ પો. લિ પોનું એક મદિરાકાવ્ય છે ઃ ‘મેં પીધો, ખૂબ પીધો. 
ચન્દ્રને કહ્યું, ‘આવ, મારી સાથે પીવા આવ!’ 
એ તો ન આવ્યો, ન આવી શક્યો. 
પણ એણે મારો પડછાયો મારા સાથી તરીકે આપ્યો. 
પછી મારા પડછાયાએ અને મેં પીધો, ખૂબ પીધો. 
મારો પડછાયો અને હું ઊંચે ઊડ્યા, 
ખૂબ ઊંચે, વાદળોની પેલે પાર. 
અને ત્યાં અમે ત્રણે એકમેકને ભેટ્યા — 
ચન્દ્ર, મારો પડછાયો અને હું…’ એમના મૃત્યુ વિશે એક કથા છે. એકવાર નદી પર નૌકામાં બેઠા હતા. ખૂબ પીધો હતો. પૂર્ણિમાની રાત્રિ હતી. ઉપર આકાશમાં પૂર્ણ ચન્દ્ર હતો. નીચે પાણીમાં એનું પ્રતિબિંબ હતું. એમણે જોયું અને ભેટવા ગયા. ડૂબી ગયા અને મૃત્યુ પામ્યા. ચન્દ્રને ભેટવા એકવાર ઉપર આકાશમાં ગયા, બીજીવાર નીચે પાણીમાં. એકમાં કાવ્યમય જીવનનું સૂચન છે, બીજામાં કાવ્યમય મૃત્યુનું.

(ઉમાશંકર જોશીએ ‘કવિતાભવન’ને એક ચીની કાવ્યની ચિત્રલિપિનો પટ અર્પણ કર્યો તે પ્રસંગે આભારવચન. ૧૨ નવેમ્બર ૧૯૮૧.)

*