અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રજારામ રાવળ/આ અંધકાર શો મહેકે છે !

From Ekatra Wiki
Revision as of 00:07, 17 May 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આ અંધકાર શો મ્હેકે છે !|પ્રજારામ રાવળ}} <poem> શું કોઈ પદમણી નાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આ અંધકાર શો મ્હેકે છે !

પ્રજારામ રાવળ

શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે!
ને, શોભાથી વિસ્મિત વિસ્મિત નભથી શું તારા ઝૂક્યા છે!
ઘટા સહન ઘનશ્યામ નિહાળી મયૂર મનના ગ્હેકે છે!

અહો, વહે શી હળવે હળવે સુરભિ મગન મન ભરી દઈ!
દિગ્દિગન્તમાં,—બસ અનન્તમાં સરી જાય ઉર હરી લઈ!
અંધકારના મસૃણ હૃદયથી નિગૂઢ બુલ્બુલ ચ્હેકે છે!

સ્વચ્છ, સુભગ મધરાત વિશે આ કાલ તણું ઉર શાન્ત અહો!
મધુર મૌનથી સભર શરદનું નીલમ આ એકાન્ત, અહો!
પૃથિવી કેરું પારિજાત શું ફુલ્લ પ્રફુલ્લિત બ્હેકે છે!



આસ્વાદ: નીલમ એકાન્તનું સત્ય – હરીન્દ્ર દવે

અંધકારનાં ઘણાં મનોહર ચિત્રો ગુજરાતી કવિતામાં વાંચવા મળ્યાં છે.

નરસિંહરાવે ‘આકાશની ઘેરી ગુહામાં સૂતા ઊંડા અંધકાર’ની વાત કરી હતી. ઉમાશંકરે ‘ભવ્ય અણબોલ નિશાતમિસ્ર’ની ગાથા આલેખી છે. મકરન્દ દવેએ ‘બત્તીઓનાં જ ખેતર સમાં શહેરની વચ્ચે ચુપચાપ છરી સજી રહેલા નશાખોર અંધાર’ને નિરૂપ્યો છે; અને જેની કવિતા પૂર્ણ વિકસે એ પહેલાં જ કાલે થીજાવી દીધી એ તેજસ્વી કવિ સ્વ. મણિલાલ દેસાઈએ અંધારું ‘કોયલનું ટોળું’ નહીં બાલમા, અંધારું સોનાનો સુંવાળો સૂર’ એમ કહી અંધારાને શ્રાવ્ય બનાવ્યું હતું.

પરંતુ અંધકારની ખુશ્બો આપણને બે કવિતામાં માણવા મળે છે. પ્રહ્લાદ પારેખના ‘આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો’ એ કવિતામાં એને બીજી ઉપર આપેલી કવિતામાં.

પ્રકાશનો સંદર્ભ નયન સાથે છેઃ પણ અંધકારનો સંદર્ભ વધારે ગહન છેઃ એની મ્હેકને તમે વાતાવરણમાં પામી શકો છો.

વિસ્મય આ કવિતાનો પ્રધાન રસ છે. એની પ્રથમ પંક્તિમાં જ ‘આ અંધકાર શો મહેકે છે!’ એવો ઉદ્ગાર આ વિસ્મયનો ઉદ્ગાર છે. તેમાં ત્રણ વખત તો ‘ઓહો’ શબ્દ વપરાયો છે. પરંતુ એ ક્યાંય પુનરાવર્તન જેવો નથી લાગતો; એ દરેક વખતે નવા વિસ્મયમાં પ્રવેશ કરાવે છે.

આ મહેક કોની છે? કયા પુષ્પની છે?

કવિનું આ વિસ્મય આ પ્રશ્ન જગાડે છે, અને એના ઉપરના વિવિધ વિકલ્પો શોધી પણ લાવે છે.

કવિનું આ વિસ્મય આ પ્રશ્ન જગાડે છે, અને એના ઉપરના વિવિધ વિકલ્પો શોધી પણ લાવે છે.

આ અંધકાર—એ કોઈ પદ્મિની નારીને છૂટા મૂકેલા કેશ તો નથી ને? જેનાં વસ્ત્રોમાંથી સુવાસથી ખેંચાઈ આવતા ભમરાઓને નિવારવા શામળની વાર્તાનો ધોબી રાત્રે ભમરાઓ કમળમાં બીડાઈ ગયા હોય ત્યારે જ એ વસ્ત્રો ધોવા જાય છે, એવી પદ્મિની નારીના કેશની સુવાસ સાથે અંધકારની સુવાસ ને કવિ સરખાવે છે. આ નારી એટલે વિરાટ પ્રકૃતિનું જ મૃદુ રૂપ. એ રૂપને નીરખવા માટે વિસ્મિત તારકો આકાશમાંથી ઝૂકી રહ્યા છે. જે પામવાનું છે એની નજીક રહીને નહીં, પણ દૂર ઝૂકીને—એના વિશે મુગ્ધ વિસ્મય અનુભવીને જ, એ પામી શકાય છે.

સૌ પ્રથમ તો આ સૌરભ આપણને સપાટી પરથી સ્પર્શે છે, પણ પછી એ આખા યે મનમાં પ્રસરી જાય છે; મનને આનંદવિભોર કરી દે છે. અને મનમાં જે સૌરભ છે એ જ દિગ્દિગંતમાં-અનંતમાં સરેલી છે. અભેદની આ અનુભૂતિની વસંત બેસે કે હૃદયમાં રહેલ નિગૂઢ બુલબુલ એનું ગાન મધુર તાનથી છેડ્યા વિના નહીં રહે!

પરંતુ કવિ અંધકારની માત્ર ‘ધુમ્મસિયા’ વાત કરીને અટકી નથી જતાઃ એ સુભગ મધરાતમાં ધબકતા કાળના હૃદયની વાત કરે છેઃ મધરાતના ગર્ભમાં આ હૃદય અત્યારે શાંતિની પરમ આનંદમયી ભૂમિમાં વસેલું છે. શરદનો વર્ણ શુભ્ર છે. પરંતુ એમાં મધુર મૌન પ્રસરે છે ત્યારે તેનો વર્ણ નીલમ બની જાય છે. આ ‘નીલમ એકાંત’ની કલ્પના આખાયે કાવ્યની પરાકાષ્ટા પાસે વાચકને લઈ જાય છે! પેલો હજુ સુધી અનુત્તર રહેલો પ્રશ્ન આ નીલમ એકાંતમાં નવું વિસ્મય, નવો વિકલ્પ લઈ આવે છે! આ મ્હેક તો બ્રહ્માંડની વાડીએ ઊગેલા પૃથ્વીરૂપી પારિજાતની છે. આખી યે પૃથ્વીની પારિજાતના પુષ્પ તરીકેની કલ્પના અનવદ્ય સૌંદર્યથી રસેલી છે. અંધકારમાં પૃથ્વીની કોઈ સીમા રહેતી નથી, ત્યારે આ મ્હેક પૃથ્વીના કોઈ એક ભાગની નહીં પણ સમસ્ત પૃથ્વીની હોય તેવો અનુભવ થાય છે!

છતાં કવિતા અહીં પૂર્ણ થાય છે? આ કયા પુષ્પની મ્હેક છે એ પ્રશ્નનો ઉત્તર અહીં મળે છે? ના—કદાચ પ્રત્યેક ભાવકે પોતાના ‘નીલમ’ એકાંતમાં જ આ ભાવની પરિપૂર્તિ શોધી લેવાની છે. (કવિ અને કવિતા)