સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૬

From Ekatra Wiki
Revision as of 16:35, 31 May 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રકરણ ૬ : અમાત્યનો વિજય

સુવર્ણપુરમાં ઘણા લોક જેની વાટ જોઈ રહ્યા હતા એ ચૈત્ર સુદ પડવો આવ્યો. ચૈત્રી પડવે નવું વર્ષ તેમ રાણાનો જન્મદિવસ હતો. ઊગતા મળસ્કામાં દરબારીઓના ઘરમાં ચંચળતા વ્યાપી ગઈ. બુદ્ધિધનને ઘેર પણ દરબારમાં જવાની ધામધૂમ હતી. રાતના ચાર વાગ્યે બે કલાકની નિદ્રા ભોગવી તે ઊઠ્યો અને નાહીધોઈ સંધ્યાપૂજા કરી દીવાનખાનામાં ફરવા લાગ્યો. સૌભાગ્યદેવી પણ નાહી અને કપાળે ભસ્મની ત્રિરેખા તથા મધ્યભાગે કંકુનો ચાંલ્લો કરી સૂર્યોદય પહેલાં શિવપૂજા કરવા મંડી ગઈ. ઘીના દીવા બે પાસ બે દીવીઓમાં બળી રહ્યા છે, અગરબત્તીનો ધૂપ આખો ખંડ સુવાસિત કરે છે. યોગીશ્વરી જેવી પતિવ્રતા સૌભાગ્યદેવીને જોઈ નવીનચંદ્રને ‘કાદંબરી'માંની મહાશ્વેતા સ્મરણમાં આવી. બુદ્ધિધને સમય આવતાં આજે શઠરાય સામે બરોબર મોરચા માંડ્યા હતા. કાં બુદ્ધિધન નહીં કાં શઠરાય નહીં એવી કટોકટી આજે આવી પહોંચી હતી. બુદ્ધિધનને એના બાપના વખતનો ગરાસ વંશપરંપરાગત મળેલો હતો. પણ તેના પિતા ગુજરી જતાં બાળપણમાં જ, શઠરાયની શઠતાને લીધે તે ઝૂંટવાઈ ગયો હતો. બુદ્ધિધને તે પાછો મેળવવા ઘણી મથામણ કરી, એની માએ પણ તિરસ્કાર વેઠી લઈને શઠરાયને ત્યાં આંટાફેરા ખાધા. પણ બદલામાં એની એ હીન દશામાં અપમાન ને મેણાં ટોણાં જ મળ્યાં. ત્યારથી બુદ્ધિધને શઠરાયનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું. ધીરે ધીરે બુદ્ધિધન રાજ્યમાં ઊંચી પદવીએ આવતો ગયો ને ભૂપસિંહનો વિશ્વાસપાત્ર બનતો ગયો. તેથી ચેતી જઈને શઠરાયે બુદ્ધિધન સામે જાળ બિછાવી જ રાખી હતી. ગમે તો આ પાર કે ગમે તો પેલે પાર, પણ આજે બધો ભરમ ભાંગી જવાનો હતો. બુદ્ધિધનના દીવાનખાનામાં આજે માણસો ભરાતાં જતાં હતાં. કારભારી શઠરાયની ઊંડી ખટપટને કળવા મથતા ને તેમાંથી ઉકેલ કાઢવા મથતા બુદ્ધિધનને દરબારમાં જતાં પહેલાં ગભરાટથી એક વાત નવી સૂઝી. થોડા સહવાસમાં એણે નવીનચંદ્રને નાણી જોયો હતો. શઠરાયની કપટલીલામાં આજે કશી સલામતી દેખાતી ન હતી. તેવે, જેને શઠરાય સાથે સંબંધ નહીં ને દરબારમાં સ્વાર્થ નહીં એવો નવીનચંદ્ર વધારે વિશ્વાસપાત્ર જણાયો. નવીનચંદ્રને ખભે હાથ મૂકી તેની આંખો સામું જોઈ અમાત્ય બોલ્યો : ‘નવીનચંદ્ર, આજ મારે તમને એક ઘણા વિશ્વાસનું અને છાનું કામ સોંપવાનું છે. તમે વિદ્વાન છો, કુલીન દેખાઓ છો, પ્રામાણિક છો; હું ધારું છું કે મારી આંખની શરમ ન રહે તેવે સમયે પણ એ ગુણ તમારામાં રહેશે.’ ‘હા જી, કુપાત્રે દાન નહીં થાય તેવી શ્રદ્ધા રાખજો. મારે મોંએ મારી વાત કરવી યોગ્ય નથી.’ ‘તમે જાણો છો કે દરબારમાં આજ નવાજૂની થવાની છે. આજ ગમે તો શઠરાય કે ગમે તો હું એ નક્કી થશે. ઈશ્વર કરશે તો સારું જ થશે. પણ કંઈ થાય ને હું સૂચના કરું તો એકદમ તમારે ઘેર આવવું ને આખા કુટુંબને લઈ લીલાપુર જઈ ઘરબાર ભાડે રાખી રહેવું. પ્રમાદધન બાળક છે, એની સંભાળ લેવાની પણ તરત તમારે શિર છે. જવું પડે તો મેં સઘળો બંદોબસ્ત કરાવ્યો છે.’ નવીનચંદ્ર આભો બન્યો. આટલા વિશ્વાસનું પાત્ર પરરાજ્યમાં પોતાને એકદમ થવું પડશે એ તેની કલ્પનામાં પણ ન હતું. નીકળતા નિઃશ્વાસને ઢાંકી અમાત્ય બોલ્યો : ‘નવીનચંદ્ર, હું મારાં વહાલામાં વહાલાં રત્ન તમને સોંપું છું. આજ સુધી આવો વખત મારે નથી આવ્યો.' ‘ભાઈસાહેબ, મને આપના ભાઈ જેવો – પુત્ર જેવો ગણજો. હું આપને પગે હાથ મૂકું છું. વધારે શું કહું? આપનું દ્રવ્ય મારે શિવનિર્માલ છે. દેવી મારાં માતુશ્રી છે ને અલકબહેન મારાં બહેન છે. મારી ગુપ્ત વાત હું પણ આપને કહું છું. મારા પિતા લક્ષાધિપતિ છે.’ અમાત્ય ન માનતો હોય એમ દેખાયો. નવીનચંદ્રને ખેદ થયો. ‘સાબિતીમાં આ મુદ્રા મેં રાખેલી છે તે જુઓ.’ બુદ્ધિધને હીરાની વીંટી હાથમાં લીધી. સાતઆઠ હજારનો હીરો લાગ્યો. ‘ભાઈસાહેબ, આપની કેટલીક ગુપ્ત વાતોપણ હું જાણું છું. દુષ્ટ શઠરાયે આપની હત્યા કરવી ધારેલી છે.’ ‘હેં!' ‘ભાઈસાહેબ, ચમકશો નહીં; આટલી વાત જાણી, પણ કોઈને મોંએ – પ્રમાદભાઈને મોંએ પણ હોઠ ફફડ્યો હોય તો ઈશ્વરની આણ છે. આપના વિશ્વાસને હું પાત્ર છું તે સારુ આ કહું છું.’ ‘ચાલો, ચાલો, એટલી સરત રાખજો કે દાંતને જીભ ભળાવવી નથી પડતી.’ ‘જી, કાંઈ ચિંતા ન કરો.’ જમી લઈ અમાત્ય શયનગૃહમાં ગયો. સૌભાગ્યદેવીને પણ દરબારી ખટપટનો અણસારો કર્યો ને જરૂર પડ્યે નવીનચંદ્ર જોડે લીલાપુર જવાનું કહ્યું. દરબારમાંથી બીજું તેડું આવ્યું. બુદ્ધિધન નીચે ઊતર્યો. એટલામાં અલકકિશોરી કંકાવટી લઈ સામી મળી. ‘ફતેહ! પિતાજી. લ્યો, હું જ સામી મળી. હવે જોઈ લ્યો. હું ચાંલ્લો કરું, આજ તો ડંકા!' નવીનચંદ્ર પણ તૈયાર થયો. ‘નવીનચંદ્ર, શકુન તો સારા થયા. દાદર આગળ અલક મળી અને બારણા આગળ કુમુદસુંદરી મળ્યાં.’ પ્રસન્નવદને અમાત્ય બોલ્યોઃ ‘હાજી, મંગળ શકુન સંપૂર્ણ થયા.’ સર્વ મંડળમાં ભળેલો છતાં સર્વથી જુદો, પોતે નવો હોવાથી સર્વની આંખો ખેંચતો હોવા છતાં કોઈથી ન ઓળખાય એવો, નવીનચંદ્ર નવી સૃષ્ટિ નવી વૃત્તિથી નીરખતો ચાલ્યો.

*
રાણા ભૂપસિંહનો રાજમહેલ એક મોટા બગીચાની વચ્ચોવચ્ચ હતો, અને બગીચાની આસપાસ એક કોટ જેવી ચારે પાસ ફરતી ભીંત હતી. ચોપાસ જામફળ, દાડમ, સીતાફળ, રામફળ, એવાં ફળફળનાં નાનાંમોટાં ઝાડ હતાં. કોઈ કોઈ ઠેકાણે પોપટ, મોર, કોયલ, ચકલી અને કબૂતર ઊડતાં, ફળ ખાતાં અને વેરતાં અને પાંખના ફફડાટથી કાન ભરી મૂકતાં. ઊંચાં એકાંત ઝાડ, ઊંચો એકલો મહેલ, સર્વને ઢાંકતું તપતું ત્રાંબાપિત્તળ જેવું આકાશ, અને સર્વની વચ્ચે ક્ષુદ્ધ જંતુ જેવો ડૂબેલો પોતે : એ જોઈ નવીનચંદ્રનું મન દીનવૃત્તિ અનુભવવા લાગ્યું. પોતે એકલો પડ્યો લાગ્યો અને ઘર તથા મુંબઈમાં રહેલાં માતાપિતાનું સહજ સ્મરણ થયું. તે ગાવા લાગ્યો :

ઘર તજી ભમું હું દૂર સ્વજન-હીન, ઉર ભરાઈ આવે,
નહીં ચરણ ઊપડે હું થી શોકને માર્યે!
મારી ઠરે ન કંઈ પણ આંખ માંડતી રોવા.

રાજદરબારમાં નવીનચંદ્રે જાતજાતના કાવાદાવા, મેલી ખટપટ ને તમાશા જોયા. પોતે જ ખોદેલા ખાડામાં શઠરાયને પડતો જોયો ને બુદ્ધિધનની બુદ્ધિનો સર્વત: વિજય થતો જોયો, ત્યારે નવીનચંદ્ર આશ્ચર્ય મુગ્ધ થઈ બોલી ઊઠ્યો – ‘ખોટામાંથી સારું પરિણામ આણવું, વિપત્તિને સંપત્તિનું સાધન કરી દેવું – વગર ભણેલા બુદ્ધિધન! તમે ક્યાંથી શીખ્યા? ગજબ છે!' મહેલમાંથી નીકળતા શઠરાય પાછળ નવીનચંદ્રની દૃષ્ટિ પડી. ચાલતો ચાલતો નવીનચંદ્ર ગણગણતો હતો – ‘સમય એ જ રચે છ બળાબળ! સમય એ જ રચે છ બળાબળ!' માનવી! તારું અભિમાન નકામું છે. શઠરાય, તારી હિકમત હારી નથી, પણ તારો સમય હાર્યો છે.’ ચાલતાં ચાલતાં બાગનો દરવાજો આવ્યો. એટલામાં બુદ્ધિધનનો માણસ સમરસેન દોડતો આવ્યો. ‘નવીનચંદ્રભાઈ, આપ ઘેર વહેલા પધારો; અરે રામસેન, જા નવીનચંદ્રભાઈ સાથે.’ આ આમ ચાલ્યા અને આ આમ ચાલ્યા. માથા પર પંખીઓ ભમે તેમ આખા રસ્તામાં નવીનચંદ્રના મગજમાં કંઈ કંઈ વિચાર તરવરવા લાગ્યા. ચૈત્ર મધ્યાહ્નના પ્રચંડ સૂર્યના તેજ નીચે તપતા લાંબા રસ્તાનો દેખાવ ઓથારની પેઠે ચાંપવા લાગ્યો. અમાત્યને ઘેર અને દરબારમાં ઘણુંક નવું જોયું, નવું શિખાયું. પણ હાલ તો સર્વ પરોક્ષ થયું. રસ્તા ઉપર બીજું કોઈ આવે છે કે નહીં, કેણી પાસ જવાનું છે, એવું એવું એ કાંઈ જોતો ન હતો. ‘એની આંખ એના હૃદયમાં હતી – અને એ હૃદય ઘણે છેટે હતું.’ તે એના ઘરમાં હતું. એમ છતાં પોતાના ઘરની સર્વ સૃષ્ટિ વચ્ચોવચ્ચ અમાત્યના ઘરની – ન સગી – ન... એવી કુમુદસુંદરી ઊભી. ચાલતાં ચાલતાં તેના મગજમાં અનેક વિચારોની લહેરો આવવા માંડી. નવીનચંદ્રને અમાત્યના ઘરમાં બનેલા કેટલાક બનાવો સાંભરતા હતા. અલકબહેન સાથેનો એકાંતવાળો અતિ નાજુક પ્રસંગ, તે વેળાની પોતાની મૂર્છા, કુમુદના કંપતા ચિરાતા હૃદયનું ગાન-સઘળું યાદ આવ્યું. નવીનચંદ્ર મંથનમાં ડૂબ્યો. ‘સરસ્વતીચંદ્ર! તને કાંઈ ખબર છે કે કુમુદસુંદરી શું બકે છે? તારી સરસ્વતી-સરી ગઈ નામથી – ‘સરી’ – કુમુદસુંદરીના ‘હાથથી.’ ‘સરી’ એના ઉરથી નહીં રે!' અરરરરર! નિર્દયતા અને મૂર્ખતાની હદ વળી ગઈ! હે ઈશ્વર, આ પાપ કોને? સરસ્વતીચંદ્ર, સરસ્વતીચંદ્ર, કાંઈ સૂઝે છે? આ શું કર્યું? મહા પતિવ્રતા – પતિની સ્વચ્છન્દ મૂર્ખતાની વેદી પર હોમાયેલી પતિવ્રતા! નવા અવતારમાં પાછલો અવતાર ન ભૂલનારી પતિવ્રતા! મનના પતિ પર આટલો આવેશ છતાં પાંપણનો પલકારો પણ નહીં! પુરુષ! તું સ્ત્રી છે; અને સ્ત્રી! તું પુરુષ છે. ગરીબ બિચારી અલકકિશોરી! તેને શો ઠપકો દઉં? ઠપકો દેનારનું કયાં ઠેકાણું હતું? કુમુદસુંદરી! – કેવા રોષવાળી આંખ! શું અભણ પુરુષનું અને ભણેલાનું ચિત્ત સરખું જ? અલકકિશોરી! તું પણ મને શીખવે છે – સોનાની થાળીમાં લોઢાની મેખ ન જોઈએ! જો તારે ન જોઈએ તો મારે પણ ન જોઈએ. પ્રીતિ એટલે મનની મિત્રતા – એ વ્યાખ્યા અધૂરી છે. અરેરે, આ જ્ઞાન મને આજ મળ્યું! અલકકિશોરી, તું મારી ગુરુ થઈ – ચાર માસ પહેલાં આટલી ખબર હતી તો – કુમુદસુંદરી – હું તારી આ દશા ન થવા દેત. પણ થયું તે થયું. તો હવે તો બુદ્ધિધનનું ઘર છોડવું – છોડવું એ જ સિદ્ધ. એથી કુમુદસુદંરી પણ સુખી થશે. મને નહીં દેખે એટલે મને વીસરી જશે.’ વિચારમાં ને વિચારમાં હજી અર્ધો રસ્તોપણ કપાયો ન હતો. ‘ભાઈ, આ બીજે રસ્તે ચાલો – આ ગલીમાં થઈને.’ નવીનચંદ્રે પૂછયું : કેમ રામસેન. આપણે આવ્યા હતા તો આ રસ્તે?' ‘ભાઈ, પણ આ રસ્તો ટૂંકો છે.’ ‘એમ! ચાલો ત્યારે.’ નવીનચંદ્રે વિચારમાળા પાછી હાથમાં લીધી. નવીનચંદ્ર આગળ ચાલ્યો. એટલામાં ગલીમાં પેસતાં જ એક નાનું પણ સુંદર ઘર આવ્યું. ‘ભાઈ, આને જોઈ?' રામસેને પ્રશ્ન કર્યો. અચિંત્યો પાછો ફરી નવીનચંદ્ર બોલ્યા : ‘શું!' ‘કાંઈ નહીં. આ તો પદ્મા અહીંયાં રહે છે. આપ નથી ઓળખતા? પ્રમાદભાઈ સાથે આપ બેસો છો એટલે મારા મનમાં કે આપ ઓળખતા હશો. ગણિકા છે. કેવી રૂપાળી છે? ચાલો જોવી હોય તો, પાન – સોપારી ખાઈ ઊઠજો.’ રામસેન પાસેથી નવીનચંદ્રે પ્રમાદધન ને પદ્માના સંબંધની વાત જાણી ને તે કંપી ઊઠ્યો. ‘કુમુદ ને પ્રમાદધન, પ્રમાદધન ને પદ્મા – અહંહંહં – કુમુદસુંદરી – વિશુદ્ધ પવિત્ર કુમુદસુંદરી – હવે તો જુલમની હદ વાળી. સરસ્વતીચંદ્ર! આ સૌ પાપ તારે માથે. અવિચારી સાહસિક! જુલમ કર્યો છે.’ ‘મોટાનાં સંતાન કેવાં ભાગ્યહીન! મોટાં માણસ ઘરની સંભાળ રાખી શકતાં નથી. રાજ્યતંત્ર ચલાવનારનું ઘરતંત્ર અંધારે ચાલે છે! ત્યારે હવે બુદ્ધિધનનું ઘર છોડવું, પણ–' બુદ્ધિધનનું ઘર આવ્યું. ટપાલ લાવનારે કાગળ આપ્યો તે ફોડતો નવીનચંદ્ર અમાત્યગૃહમાં પેઠો.

*

અલકકિશોરી નવીનચંદ્રવાળા પ્રસંગ પછી ડાહી બની હતી. દીન અને શાંત થયેલા સ્વભાવનો વેલો કુમુદસુંદરી જેવી માલણની ગોઠવણથી તેના પતિ વિદુરપ્રસાદની આસપાસ વધારે અનુકૂળ બની ફરી વળતો હતો. ‘બહેન! હું તો તમારો ભાઈ થાઉં હોં!' પોતે સાંભળેલા એ શબ્દોથી વનલીલાએ નવીનચંદ્રની શુદ્ધતાની ખાતરી આપી હતી, એટલે કુમુદસુંદરીના હૃદયમાંથી એક મહાકંટક નીકળી ગયો હતો. ‘ભાભી! આજ દરબારમાં શું થશે?' સૌ સારાં જ વાનાં થશે. હમણાં કોઈક આવશે. નવીનચંદ્ર આવે–' નવીનચંદ્રનું નામ લેતાં કુમુદસુંદરીના ગાલ પર શેરડા પડ્યા. આખરે વિદુરપ્રસાદ આવ્યો અને દરબારના સવિસ્તર સમાચાર લાવ્યો. અલકકિશોરીનો આનંદ માયો નહીં. કુમુદસુંદરી અમાત્યબુદ્ધિના વર્ણનથી અદ્ભુત રસમાં ડૂબી. સ્વામીના જયવર્તમાન સાંભળી સૌભાગ્યદેવી ગંભીર બની. આખરે ટપાલમાં આવેલો કાગળ વાંચીને ખીસામાં મૂકતો નવીનચંદ્ર બારણામાં દાખલ થયો ને સર્વ મંડળ એના ભણી આકર્ષાયું. કુમુદસુંદરીનું મન ખીસામાં દેખાતા નવીનચંદ્રના કાગળમાં ભમવા લાગ્યું. પત્રવ્યવહાર ઉપરથી નવીનચંદ્રની બાબત વધારે જણાશે એવો કુમુદના મનમાં તર્ક હતો. જવાના વિચારમાં પડેલા નવીનચંદ્રે કુમુદસુંદરીને છેલ્લી પહેલી જોઈ લીધી. એક વાર જોઈ – બીજી વાર જોઈ – ત્રીજી વાર જોઈ – ‘કુમુદસુંદરી! હવે આ છેલ્લો મેળાપ!' સૌ ઘરમાં આવ્યાં ને મેડી પર ચઢ્યાં. એટલામાં દાદર પર ચઢતાં ચઢતાં નવીનચંદ્રનો કાગળ ખીસામાંથી પડી ગયો હતો તે છેલ્લી ઘરમાં પેસતી કુમુદસુંદરીએ દીઠો ને ઊંચકી લીધો. કુમુદસુંદરી એકલી પોતાની મેડીમાં ગઈ. નવીનચંદ્રવાળો કાગળ કોનો છે તે જોવા મંડી અને પોતાની પાસે એક બીજો કાગળ હતો તે વચ્ચે વચ્ચે જોવા લાગી. આ બીજો કાગળ એની નાની બહેન કુસુમસુંદરીનો લખેલો હતો. એમાં સરસ્વતીચંદ્રની હકીકત હતી. પ્રમાદધન ઉપર જ મન ચોંટાડનારીનું મન સરસ્વતીચંદ્રનું દુઃખ વાંચી હાથમાં ન રહ્યું.