કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪૧. તેજ-ઉલ્લાસ

From Ekatra Wiki
Revision as of 04:46, 25 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૧. તેજ-ઉલ્લાસ

પ્રહ્લાદ પારેખ

પ્રશાન્ત થઈ સિન્ધુનાં જળ પડ્યાં સમાધિ મહીં,
વિરાટ અહીં શક્તિ આ અતલ મૌન ધારી રહી;
દિસે ન જળરાશિ એ ક્ષુભિત ક્યાં ય આજે જરી,
કૃતાર્થ દૃગ દર્શને મુજ અતાગ વિસ્તારના.

વિહંગ નવ બોલતાં, જરી ય ઝાડ ના ડોલતાં,
પ્રકાશ પણ થંભિયો, તિમિર થંભિયું આ જતાં;
ઉરે ઉભયને રહે ભય ઃ સમાધિ આ તૂટશે,
થતાં રવ જરી ય તો ? ચરણ તેથી ના ઊપડે.

સમાધિ થકી લબ્ધ હોય ત્યમ સિન્ધુને અંતરે,
પ્રકાશ તણું ચક્ર ત્યાં ક્ષિતિજમાં નિહાળું ઊઠે;
પળે પળ વધ્યે જતું પરમ તેજ એ ઊગિયું,
અને જળ અપાર તેજ થકી એ છવાયે જતું.

હલે પવન, ઝાડવાં, જળ બની જતાં ચંચલ,
વિહંગ ટહુકી ઊઠે પરમ તેજ-ઉલ્લાસમાં.
(સરવાણી, પૃ. ૨૮)