કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૫૧. ગાનને મારગ
Revision as of 05:19, 25 June 2022 by MeghaBhavsar (talk | contribs)
૫૧. ગાનને મારગ
પ્રહ્લાદ પારેખ
હાલો, મારા ગાનને મારગ હાલો રે !
ગાનના મારગ મારા જાયે ગગનમાં,
જાયે ધરામાં, એ તો જાયે પવનમાં;
જાયે એ માનવ કેરાં મનમાં, હાલો રે ! – હાલો મારા.
મારગડા એ નથી સુંવાળા,
જોજો, નથી એ રૂપાળા રે;
ખેતર કેરાં ઢેફાં ભરિયાં:
એ તો બધા ધૂળવાળા રે, હાલો રે ! – હાલો મારા.
ગાનને મારગ મારા, ખાણનાં આવી આવી
ઘેરાશે ઘોર અંધારાં રે;
એ રે મારગને આવરી લેશે
કાળા ધુમાડે કારખાનાં રે, હાલો રે ! – હાલો મારા.
એ રે મારગમાં સંકટ સાથી થાશે,
દેખાશે મોત મુખ કાળાં રે;
એ જ મારગમાં આવીને મળશે
નવાં નવાં અજવાળાં રે, હાલો રે ! – હાલો મારા.
(સરવાણી, પૃ. ૫૬)