સત્યના પ્રયોગો/ગિરમીટની

From Ekatra Wiki
Revision as of 09:02, 13 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧. ગિરમીટની પ્રથા|}} {{Poem2Open}} નવા વસેલા અને આંતરબાહ્ય તોફાનોમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૧. ગિરમીટની પ્રથા

નવા વસેલા અને આંતરબાહ્ય તોફાનોમાંથી ઊગરી ગયેલા આશ્રમને છોડી હમણાં ગિરમીટની પ્રથાનો થોડો વિચાર કરી લેવાનો સમય આવ્યો છે. ગિરમીટિયા એટલે પાંચ કે એથી ઓછાં વર્ષના મજૂરીના કરારનામામાં સહી કરીને હિંદુસ્તાનની બહાર મજૂરી કરવા ગયેલ મજૂરો. આવા નાતાલના ગિરમિટીયા ઉપરથી ત્રણ પાઉંડનો વાર્ષિક કર સમ ૧૯૧૪માં નાબૂદ થયો હતો, પણ એ પ્રથા હજુ બંધ નહોતી થઈ. સન ૧૯૧૬માં ભારતભૂષણ પંડિત માલવીયજીએ આ પ્રશ્ન ધારાસભામાં ઉઠાવ્યો હતો, અને લૉર્ડ હાર્ડિંગે તેમનો ઠરાવ સ્વીકારી લઈને જાહેર કરેલું કે એ પ્રથા ‘સમય આવતાં’ નાબૂદ કરવાનું વચન શહેનશાહ પાસેથી મને મળ્યું છે. પણ એ પ્રથા તત્કાળ બંધ કરવાનો નિર્ણય થઈ જવો જોઈએ એમ મને તો સ્પષ્ટ જણાયું. આ પ્રથાને હિંદુસ્તાને પોતાની બેદરકારીથી ઘણાં વર્ષ નિભાવી લીધી હતી. હવે એ બંધ થઈ શકે એટલી જાગૃતિ લોકોમાં છે એમ મેં માન્યું. કેટલાક આગેવાનોને મળ્યો, કંઈક છાપામાં આ વિશે લખ્યું, ને મેં જોયું કે લોકમત આ પ્રથા કાઢી નાખવાના પક્ષનો હતો. આમાં સત્યાગ્રહનો ઉપયોગ થઈ શકે? મને તેને વિશે શંકા નહોતી. પણ કેમ તે હું નહોતો જાણતો.

દરમિયાન વાઇસરૉયે ‘સમય આવતાં’ શબ્દનો અર્થ કરી બતાવવાની તક લીધી હતી. તેમણે જાહેર કરેલું કે, ‘બીજી વ્યવસ્થા કરવામાં જેટલો સમય લાગે તેટલા સમયમાં’ એ પ્રથા નાબૂદ થશે. એટલે સને ૧૯૧૭ના ફેબ્રુઆરીમાં ભારતભૂષણ પંડિત માલવીયજીએ ગિરમીટ પ્રથા સદંતર નાબૂદ કરવાનો કાયદો રજૂ કરવાની વડી ધારાસભામાં રજા માગી ત્યારે વાઇસરૉયે તે નામંજૂર કરી. એટલે આ પ્રશ્નને અંગે મેં હિંદુસ્તાનમાં ભ્રમણ શરૂ કર્યું.

ભ્રમણ શરૂ કરતાં પહેલાં ના. વાઇસરૉયને મળી લેવું ઉચિત ધાર્યું. તેમણે તરત મને મળવાની તારીખ મોકલી. તે વખતના મિ. મેફી, હવે સર જૉન મેફી, તેમના મંત્રી હતા. મિ. મેફીની સાથે મને ઠીક સંબંધ બંધાયો. લૉર્ડ ચેમ્સફર્ડની સાથે સંતોષકારક વાત થઈ. તેમણે નિશ્ચયપૂર્વક તો કંઈ ન કહ્યું, પણ મને તેમની મદદની આશા બંધાઈ.

ભ્રમણનો આરંભ મુંબઈથી કર્યો. મુંબઈમાં સભા ભરવાનું મિ. જહાંગીર પિટીટે માથે લીધું. ઇમ્પીરિયલ સિટીઝનશિપ ઍસોસિયેશનને નામે સભા થઈ. તેમાં મૂકવાના ઠરાવોને સારુ સમિતિ મળી. તેમાં ડૉ. રીડ, સર લલ્લુભાઈ શામળદાસ, મિ. નટરાજન વગેરે હતા. મિ. પિટીટ તો હતા જ. ઠરાવમાં ગિરમીટની પ્રથા બંધ કરવાની વિનંતી કરવાની હતી. ક્યારે બંધ કરવી એ સવાલ હતો. ત્રણ સૂચનાઓ હતીઃ ‘જેમ બને તેમ જલદી’, ‘૩૧મી જુલાઈ’ અને ‘તરત’. ‘૩૧મી જુલાઈ’ મારી સૂચના હતી. મારે તો નિશ્ચિત તારીખની જરૂર હતી, જેથી તે મુદ્દતમાં કંઈ ન થાય તો પછી શું કરવું અથવા શું થઈ શકે તેની સૂઝ પડે. સર લલ્લુભાઈની સૂચના ‘તરત’ શબ્દ મૂકવાની થઈ. તેમણે કહ્યું, “‘૩૧મી જુલાઈ’ કરતાં તો ‘તરત’ વધારે જલદી સૂચવનારો શબ્દ છે.” મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પ્રજા ‘તરત’ શબ્દ ન સમજી શકે. પ્રજાની પાસે કંઈ કામ લેવું હોય તો એની પાસે નિશ્ચયાત્મક શબ્દ હોવો જોઈએ. ‘તરત’નો અર્થ તો સૌ પોતપોતાની મરજી પ્રમાણે કરે. સરકાર એક કરે, પ્રજા બીજો કરે. ‘૩૧મી જુલાઈ’નો અર્થ બધા એક જ કરે; ને તે તારીખ લગી છુટકારો ન થાય તો આપણે શું પગલું લેવું એ સમજી શકીએ. આ દલીલ ડૉ. રીડને ગળે તરત ઊતરી. છેવટે સર લલ્લુભાઈને પણ ૩૧મી તારીખ રુચી ને ઠરાવમાં એ તારીખ મુકાઈ. જાહેર સભામાં એ ઠરાવ મુકાયો, ને બધે ૩૧મી જુલાઈ અંકાઈ.

મુંબઈથી શ્રી જાયજી પિટીટની અથાગ મહેનતથી સ્ત્રીઓનું એક ડેપ્યુટેશન વાઇસરૉય પાસે ગયું. તેમાં લેડી તાતા, મરહૂમ દિલશાદ બેગમ વગેરે હતાં. બધી બહેનોનાં નામ તો મને યાદ નથી, પણ એ ડેપ્યુટેશનની અસર બહુ સારી થઈ, ને ના. વાઇસરૉયે તેમને આશાભર્યો ઉત્તર આપ્યો હતો.

કરાંચી, કલકત્તા વગેરે જગ્યાઓએ પણ હું પહોંચી વળ્યો હતો. બધે ઠેકાણે સરસ સભાઓ થયેલી, ને બધે ઠેકાણે લોકોનો ઉત્સાહ ખૂબ હતો. જ્યારે આરંભ કર્યો ત્યારે આવી સભાઓ થવાની કે આટલી સંખ્યામાં લોકોની હાજરીની મેં આશા રાખી નહોતી.

આ અરસામાં મારી મુસાફરી એકલા જ થતી, તેથી અનુભવો અલૌકિક મળતા હતા. ડિટેક્ટિવો તો પાછળ હોય જ. એમની સાથે મને તકરારનું કારણ જ ન હોય. મારે કંઈ છુપાવવાનું ન હોય એટલે તેઓ મને ન પજવતા, હું તેમને ન પજવતો. સુભાગ્યે એ વખતે મને ‘મહાત્મા’ની છાપ નહોતી મળી, જોકે જ્યાં હું ઓળખાતો હતો ત્યાં એ નામે પોકાર તો પડતા. એક વખત રેલવેમાં જતાં ઘણે સ્ટેશને ડિટેક્ટિવ મારી ટિકિટ જોવા આવે, નંબર વગેરે લે. હું તો તરત તેઓ જે પ્રશ્ન પૂછે તેનો જવાબ આપી દેતો. પડોશી ઉતારુઓએ માનેલું કે હું કોઈ સાદો સાધુ કે ફકીર છું. બેચાર સ્ટેશને ડિટેક્ટિવ આવ્યા, એટલે આ ઉતારુઓ ચિડાયા, ને પેલા ડિટેક્ટિવને ગાળ દઈ ધમકાવ્યો.

‘ઇસ બિચારે સાધુકો નાહક ક્યોં સતાતે હો?’ મારી તરફ વળીને કહ્યું, ‘ઇન બદમાશોંકો ટિકટ મત બતાઓ.’

મેં હળવેથી આ ઉતારુઓને કહ્યું, ‘તેઓ ટિકિટ જુએ છે તેમાં મને કશી હેરાનગતિ નથી, તેઓ તેમની ફરજ બજાવે છે, તેમાં મને કંઈ દુઃખ નથી.’ ઉતારુઓને આ વાત ગળે ન ઊતરી, ને તેઓ મારી વધારે દયા ખાવા લાગ્યા, ને અરસપરસ વાતો કરવા લાગ્યા કે નિર્દોષ માણસોને આવી હાલાકી શાને સારુ હોય?

ડિટેક્ટિવોની તો મને કશી તકલીફ ન જણાઈ. પણ રેલવેની ભીડની તકલીફનો કડવામાં કડવો અનુભવ મને લાહોરથી દિલ્હીની વચ્ચે થયેલો. કરાંચીથી કલકત્તા લાહોરને રસ્તે જવાનું હતું. લાહોર ટ્રેન બદલવાની હતી. ત્યાંની ટ્રેનમાં મારો પત્તો ક્યાંયે લાગે તેમ નહોતું. ઉતારુઓ બળાત્કારે પોતાનો માર્ગ કરી લેતા હતા. ડબ્બો બંધ હોય તો બારીમાંથી અંદર ગરે. મારે કલકત્તે નીમેલી તારીખે પહોંચવાનું હતું. આ ટ્રેન ખોઉં તો કલકત્તે ન પહોંચાય. હું જગ્યા મળવાની આશા છોડતો હતો. કોઈ મને પોતાના ડબ્બામાં ન લે. છેવટે એક મજૂરે મને જગ્યા શોધતો જોઈ કહ્યું, ‘મને બાર આના આપો તો હું જગ્યા અપાવું.’ મેં કહ્યું, ‘મને જગ્યા અપાવે તો જરૂર બાર આના આપું.’ બિચારો મજૂર ઉતારુઓને કરગરે, પણ કોઈ મને સંઘરવા તૈયાર ન થાય. ટ્રેન ચાલવાની તૈયારી હતી. એક ડબ્બાના કેટલાક ઉતારુઓ બોલ્યા, ‘યહાં જગહ નહીં હૈ, લેકિન ઇસકે ભીતર ઘુસા સકતે હો તો ઘુસા દો. ખડા રહેના હોગા.’ મજૂર બોલ્યો, ‘ક્યોં જી?’ મેં હા પાડી ને મને તો ઉપાડીને તેણે બારીમાંથી અંદર ફેંક્યો. હું અંદર ઘૂસ્યો, પેલો મજૂર બાર આના કમાયો.

મારી આ રાત કઠણ ગઈ. બીજા ઉતારુઓ જેમતેમ બેઠા. હું ઉપરની બેઠકની સાંકળ ઝાલીને બે કલાક ઊભો જ રહ્યો. દરમિયાન કેટલાક ઉતારુઓ મને ધમકાવ્યા જ કરતા હતાઃ ‘અજી અબ તક ક્યોં નહીં બેઠતા હૈ?’ મેં ઘણુંયે સમજાવ્યું કે ક્યાંયે જગ્યા નથી. પણ એ તો મારું ઊભા રહેવું સહન જ ન કરે. જોકે તે ઉપરની બેઠકમાં આરામથી લાંબા થઈ પડ્યા હતા. ઘણી વાર પજવે, જેમ પજવે તેમ હું શાંતિથી જવાબ દેતો હતો, તેથી તેઓ કંઈક શાંત પડ્યા. ‘મારું નામઠામ પૂછયું. જ્યારે મારે નામ આપવું પડયું ત્યારે તેઓ શરમાયા. માફી માગીને મને પોતાની પડખે જગ્યા કરી આપી. ‘ધીરજનાં ફળ મીઠાં’ની કહેવત યાદ આવી. હું ખૂબ થાક્યો હતો, માથું ફરતું હતું. બેસવાની જગ્યાની જ્યારે ખરી જરૂર હતી ત્યારે ઈશ્વરે આપી.

આમ અથડાતો અથડાતો કલકત્તા વખતસર પહોંચ્યો. કાસિમબજારના મહારાજાનું તેમને ત્યાં ઊતરવાનું મને આમંત્રણ હતું. તેઓ જ કલકત્તાની સભાના પ્રમુખ હતા. જેમ કરાંચીમાં તેમ કલકત્તામાં લોકોનો ઉત્સાહ ઊભરાઈ જતો હતો. થોડા અંગ્રેજોની પણ હાજરી હતી.

૩૧મી જુલાઈ પહેલાં ગિરમીટની પ્રથા બંધ થવાનો ઠરાવ બહાર પડયો. સન ૧૮૯૪ની સાલમાં આ પ્રથાને વખોડનારી પહેલી અરજી મેં ઘડી હતી, ને કોઈક દિવસે આ ‘અર્ધ ગુલામગીરી’ રદ થશે જ એમ આશા રાખી હતી. ૧૮૯૪થી શરૂ થયેલા આ પ્રયત્નમાં ઘણાની મદદ હતી. પણ આની પાછળ શુદ્ધ સત્યાગ્રહ હતો એમ કહ્યા વિના નથી રહેવાતું.

આ કિસ્સાની વધારે વિગત અને તેમાં ભાગ લેનારાં પાત્રોની હકીકત દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાં વાંચનારને વધારે મળશે.