ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસાગર-૫-ઉદયસાગર સૂરિ

From Ekatra Wiki
Revision as of 05:22, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જ્ઞાનસાગર-૫/ઉદયસાગર(સૂરિ) [જ.ઈ.૧૭૦૭/સં. ૧૭૬૩, ચૈત્ર સુદ ૧૩-ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરની પરંપરામાં વિદ્યાસાગરના શિષ્ય. નવાનગર (જામનગર)ના ઓશવંશના શાહ કલ્યાણજીના પુત્ર. માતાનું નામ જયવંતી. સંસારી નામ ઉદયચંદ્ર/ગોવર્ધન. ઈ.૧૭૨૧માં દીક્ષા. દીક્ષાનામ જ્ઞાનસાગર. ઈ.૧૭૪૧માં આચાર્યપદ. નામ ઉધયસાગરસૂરિ. એ જ વર્ષમાં ગચ્છેશપદ મળ્યું. આ પ્રભાવશાળી આચાર્યે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા અને જિનાલયોના જીર્ણોદ્ધારનું કામ કર્યું હતું તેમ જ પારસીઓને તેમના ધર્મમાં પણ હિંસામાં પાપ રહેલું છે એમ સમજાવ્યું હતું. અવસાન સુરતમાં ઈ.૧૭૭૦/સં. ૧૮૨૬, આસો સુદ ૨ના રોજ થયું હોવાનું કહેવાયું છે પણ તેમનો એક પ્રતિષ્ઠાલેખ સં. ૧૮૨૭નો મળે છે તથા એક પટ્ટાવલી તેમને સં. ૧૮૨૮ સુધી હયાત જણાવે છે, આથી તેમના અવસાનકાળની ચોક્કસ માહિતી શોધવાની રહે છે. તેમનો ૬ અધિકાર, ૯૫ ઢાળ તથા ૪૩૭૧ કડીનો દુહા-દેશીબદ્ધ ‘ગુણવર્મા-રાસ’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, અસાડ સુદ ૨; મુ.)માં જિનપૂજાનો મહિમા બતાવતા ગુણવર્માના વૃત્તાંતની સાથે તેના સત્તર પુત્રોની, સત્તર પ્રકારની પૂજાઓનાં અલગ અલગ ફળ દર્શાવતી પૂર્વભવકથાઓ ગૂંથી લેવામાં આવી છે. શીલમહિમા આદિ અન્ય પ્રકારના ધર્મબોધને પણ સમાવી લેતી આ કૃતિમાં બહુધા સંસ્કૃત અને ક્યારેક પ્રાકૃતમાંથી પણ કાવ્ય, સુભાષિતાદિના વિસ્તૃત ઉદ્ધરણો આપવામાં આવ્યા છે તે નોંધપાત્ર છે. આ ઉપરાંત આ કવિએ ૫૨ ઢાળની ‘કલ્યાણસાગરસૂરિનો રાસ’ (ર. ઈ.૧૭૪૬/સં. ૧૮૦૨, શ્રાવણ સુદ ૬; *મુ.), આર્દ્ર ભક્તિભાવયુક્ત ‘ચોવીશી’ (ઈ.૧૭૨૫?/ઈ.૧૭૩૨?; મુ.), ૯ ઢાળની ‘ભાવપ્રકાશ/છ ભાવ-સઝાય’ (ર.ઈ.૧૭૩૧/સં. ૧૭૮૭, આસો-, ગુરુવાર; મુ.), ૫ ઢાળની ‘સમકિતની સઝાય’ (ર.ઈ.૧૭૩૦; મુ.), ૧૧ કડીની ‘ચોત્રીસ અતિશયનો છંદ/સ્તવન’ (મુ.), ‘સ્થૂલિભદ્ર-સઝાય’, ૫ ઢાળની ‘ષડાવશ્યક-સઝાય’ (મુ.) એ કૃતિઓ રચેલી છે. એમણે હિન્દી તથા મરાઠીમાં નેમિનાથવિષયક ગીતો રચ્યાં હોવાનું જણાવાયું છે. ‘સ્નાત્રપંચાશિકા’ (ર.ઈ.૧૭૪૮), ‘કલ્પસૂત્રલઘુવૃત્તિ’ (ર.ઈ.૧૭૪૮), ‘શ્રાવકવ્રતકથા’, ‘શાંતિનાથ-ચરિત્ર’ તથા કેટલીક અવચૂરિઓ તેમની સંસ્કૃત રચનાઓ છે. કૃતિ : ૧. *કલ્યાણસાગરસૂરિનો રાસ, પ્ર. શાહ ગોલાભાઈ તથા દેવજીભાઈ માણેક, સં. ૧૯૮૧; ૨. ગુણવર્મારાસ, પ્ર. જૈન ધર્મ વિદ્યાપ્રસારક વર્ગ, ઈ.૧૯૦૬;  ૩. અચલગચ્છે સ્નાત્રપૂજાદિ તપસંગ્રહ, મુ. નિર્ણયસાગર પ્રેસ, ઈ.૧૮૯૭; ૪. રત્નસાર : ૨, પ્ર. શા. હરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૫. * વિધિપક્ષગચ્છીય મુનિ કૃત શ્રી જિનપૂજા સ્તવન સંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક,-; ૬. સજઝાયમાળા : ૧ (શ્રા.] સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૧, ૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી.[કા.શા.]