ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરહરિ દાસ

From Ekatra Wiki
Revision as of 07:10, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નરહરિ(દાસ) [ઈ.૧૭મી સદી] : જ્ઞાનમાર્ગી કવિ. અનુશ્રુતિ મુજબ જ્ઞાતિએ કડવા કણબી. પોતાને વડોદરાના વાસી કહે છે પણ મૂળ એ બાવળા કે દહેગામના હોવાનું નોંધાયું છે, જેનો આધાર સ્પષ્ટ નથી. એક લોકપ્રચલિત દુહામાં અખાભગત, બુટિયા અને ગોપાળની સાથે એમનો જ્ઞાનમાર્ગી ધારાના કવિ તરીકે ઉલ્લેખ થાય છે, પણ એમની કૃતિઓ ઈ.૧૬૧૬થી ઈ.૧૬૫૩ સુધીમાં રચનાવર્ષો બતાવે છે, તેથી એ અખાના નજીકના પુરોગામી કવિ ઠરે છે. પોતાની કૃતિઓમાં પરમ કરુણાળુ, સ્વસ્થ, ધીર અને નમ્ર સંત તરીકે પ્રતીત થતા નરહરિમાં અખાના જેવું દુરાચાર અને મિથ્યાચારને ભાંડવાનું આકરાપણું નથી. એમના તત્ત્વવિચારમાં અંતે અપરોક્ષાનુભૂતિનું મહત્ત્વ છે ને કર્મ, ઉપાસના, કાયાકલેશ આદિ બાહ્ય સાધનોને એમણે આવશ્યક લેખ્યાં નથી, પરંતુ વૈષ્ણવી સગુણ ભક્તિનો એ આદર કરે છે એ જોતાં સગુણથી નિર્ગુણ તરફ એમનો વિકાસ થયો હોય એમ લાગે. એ રીતે વિચારીએ તો ‘હરિલીલામૃત’, ‘ભક્તિ-મંજરી’ અને ‘ગોપીઉદ્ધવ-સંવાદ’ એ ‘જ્ઞાનગીતા’ અને ‘પ્રબોધ-મંજરી’ પહેલાંની કૃતિઓ હોવાનું તથા ‘પ્રબોધ-મંજરી’ એ વેદાંતી જ્ઞાનમાર્ગી ધારાની કૃતિ રચવાનો ‘જ્ઞાનગીતા’ પૂર્વેનો પહેલો પ્રયત્ન હોવાનું અનુમાન કરી શકાય. ‘કક્કો’, ‘વિનંતી’, ‘આનંદ-રાસ’, ‘સંતનાં લક્ષણ’ જેવી પ્રકીર્ણ કૃતિઓ પ્રૌઢ અને દૃઢ બંધવાળી રચનાઓની પહેલાં સર્જાઈ હોય એમ બને, તો ‘હસ્તામલક’ની વિષયનિરૂપણની વ્યવસ્થિત યોજના અને પ્રૌઢિ એ કૃતિ નરહરિની છેલ્લી કૃતિ હોવાનું માનવા પ્રેરે. ૩૬૦ પંક્તિની ચોપાઇબદ્ધ ‘હરિલીલામૃત’(મુ.) નરહરિની સગુણ-નિર્ગુણની મિશ્રભૂમિકા વ્યક્ત કરે છે એમાં કોઈ શંકા નથી. એક બાજુથી જ્ઞાનમાર્ગી પરંપરામાં મળતાં નિરંજનદેવની સ્તુતિ, બ્રહ્મજ્ઞાની ને વિદેહીનાં લક્ષણો, આત્મભાવના અનુભવનું મહત્ત્વ વગેરે તત્ત્વો છે, તો બીજી બાજુથી કવિ સાધુના પરિત્રાણાર્થે પરબ્રહ્મરૂપ હરિ અસંખ્ય અવતાર ધારણ કરે છે એમ કહી દશાવતારનું વર્ણન કરે છે એને નવધા ભક્તિ કરનાર ભક્તોનાં દૃષ્ટાંતો આપી ભજનાનંદનો મહિમા કરે છે. સમગ્ર ઉદ્ધવપ્રસંગને આલેખતા ૭ કડવાંનાં ‘ગોપીઉદ્ધવ-સંવાદ’ (મુ.)માં ગોપીઓના પ્રેમક્ષલણા ભક્તિના ભાવોને હૃદયંગમ અભિવ્યક્તિ અપાયેલી છે ને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપવા આવેલા ઉદ્ધવ એનાથી પ્રભાવિત થઈ જતા બતાવાયેલા છે, પરંતુ અંતે કૃષ્ણ ગોપીઓને કુલક્ષેત્રમાં મળે છે તે વ્યાપક પરબ્રહ્મની અદ્વૈતાનુભૂતિ તરીકે વર્ણવાય છે. કવિએ પોતે સ્તોત્ર તરીકે ઓળખાવેલી ૩૧૫ કડીની ‘ભક્તિમંજરી’માં કવિ નિર્ગુણ, નિરાકાર, નિરંજન વિશ્વવ્યાપક મહારાજને કૃષ્ણ અને રામ તરીકે ઓળખાવી રામભક્તિનો મહિમા ગાય છે ને એમ નિર્ગુણ-સગુણની એકતા દર્શાવે છે. ચોપાઈની ૧૩૦ કડીની ‘પ્રબોધ-મંજરી’(મુ.) આત્મવિદ્યાનો બોધ કરતી કૃતિ છે, પણ એમાં વેદાંતી પરંપરાનાં જ્ઞાન, વૈરાગ્ય અને વિવેક એ સાધનોના મહિમાની સાથે સાથે વૈષ્ણવી સગુણોપાસનાનો પણ પુરસ્કાર થયેલો છે. પણ નરહરિના જ્ઞાનવિચારને પ્રૌઢ અને પરિપક્વ અભિવ્યક્તિ મળી છે ‘જ્ઞાન-ગીતા’(ર.ઈ.૧૬૧૬/સં.૧૬૭૨, કારતક સુદ ૧, ગુરુવાર; મુ.)માં. પૂર્વછાયા અને દેશીબંધનાં ૧૭ કડવાં અને ૩૪૨ કડીની આ કૃતિ ઉધૃત થયેલા જણાતાં સંસ્કૃત શ્લોકોના અર્થવિસ્તાર રૂપે રચાયેલી છે ને વેદાંતી વિચારધારાના સર્વ મહત્ત્વના વિષયોને આવરી લે છે. અહીં પણ સહજયોગની સાધનાને પુરસ્કારતા કવિ બ્રહ્માનુભવનો જે ક્રમિક વિકાસ દર્શાવે છે તેમાં પહેલી ભૂમિકા ભક્તિની છે. કાવ્યમાં કવિનું તત્ત્વજ્ઞાન દૃષ્ટાંતબળ, ‘નિર્વાણવાણી’ ને અવળવાણીના વિનિયોગ તથા પ્રાસાદિકતાથી સુબોધ બન્યું છે ને કેટલાંક હૃદ્ય નિરૂપણો પણ આપણને પ્રાપ્ત થાય છે. ‘શિવ-ગીતા’ તરીકે પણ ઓળખાવાયેલી અને ઉમા-મહેશ્વર વચ્ચેના સંવાદ રૂપે રચાયેલી ચોપાઈની ૫૦૧ કડીની ‘હસ્તામલક’ (ર.ઈ.૧૬૫૩/સં.૧૭૦૯, ચૈત્ર સુદ ૧૧) શાંકરી વિદ્યા એટલે કે બ્રહ્મવિદ્યાનું નિરૂપણ કરતી કૃતિ છે. યોગમાર્ગ, સૃષ્ટિની ઉત્પત્તિ અને બ્રહ્મજ્ઞાનના સ્વરૂપને વિસ્તારથી વર્ણવતી આ કૃતિમાં ગંગા, જમના ને સરસ્વતીનું યૌગિક અર્થઘટન થયું છે, હોમાદિને પણ આભ્યંતર કર્મ તરીકે ઘટાવ્યાં છે તે બધું લાક્ષણિક રીતે ધ્યાન ખેંચે છે. આ ગ્રંથ સવિશેષ વિચારપ્રૌઢી ને શાસ્ત્રીયતાથી ભરેલો છે. ‘તીવ્ર વૈરાગ્ય’ આદિ ૧૦ પ્રકરણોમાં વહેંચાયેલ ‘વાસિષ્ઠસાર-ગીતા’ (ર.ઈ.૧૬૧૮/સં.૧૬૭૪, મહા સુદ ૧૦, રવિવાર) ‘લઘુયોગવાસિષ્ઠ’ના અનુવાદરૂપ કૃતિ છે. તે ઉપરાંત નરહરિએ અનુવાદરૂપ ભગવદ્-ગીતા’ (ર.ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, શ્રાવણસુદ ૧૦, રવિવાર; મુ.) પણ રચેલી છે. નરહરિ મૂળ કૃતિનું માત્ર ભાષાન્તર આપતા નથી, પણ કૃતિના તત્ત્વાર્થને સ્ફૂટ ને સુગ્રાહ્ય કરવા, જરૂર લાગે ત્યાં, ગાંઠનું ઉમેરીને, દૃષ્ટાંતો યોજીને, યથોચિત વિસ્તાર કરે છે. આમ, ‘ભગવદ્-ગીતા’ના ૭૦૦ શ્લોકોને એમણે ૧૧૫૬ કડીઓમાં વિસ્તાર્યાં છે. એમ કરવામાં એમણે શ્રીધરસ્વામીની ‘સુબોધિની’ ટીકાનો ઉપયોગ કર્યો હોવાનું અનુમાન થયું છે. નરહરિની લઘુ કૃતિઓમાં ૩૬ કડીનો ‘કક્કો’(મુ.) આત્મજ્ઞાનનું જ બહુ વ્યવસ્થિત નહીં એવું નિરૂપણ કરે છે. ૨૫ કડીની ‘આનંદ-રાસ’(મુ.) જ્ઞાનભક્તિબોધની કૃતિ છે. કૃષ્ણઉદ્ધવ સંવાદરૂપની ૧૩ કડીની ‘સંતનાં લક્ષણ’ (મુ.) મોટી રચના તરીકે પછીથી ‘જ્ઞાન-ગીતા’માં સમાવિષ્ટ થઈ હોવાનું જણાય છે. નરહરિને નામે ‘માસ’, ‘વિનંતી’ અને ‘જ્ઞાનરમેણી’ નોંધાયેલ છે, તેમાંથી ‘વિનંતી’નું કર્તૃત્વ એમનું જ હોવાનું નિ:સંદિગ્ધપણે કહેવાય એમ નથી. નરહરિનાં, વૈષ્ણવસંસ્કારને કારણે ‘કીર્તનો’ તરીકે ઓળખાયેલાં પદો (૨ મુ.) મળે છે, જેમાં જ્ઞાનમાર્ગી પરંપરા અનુસાર અધ્યાત્મજ્ઞાન અને ભક્તિનું છટાદાર રીતે નિરૂપણ થયું છે. કૃતિ : ૧. કવિતારૂપ વસિષ્ઠસાર, સં. વૃજભૂષણ દ. જ્યોતિષી, ઈ.૧૮૬૯; ૨. (નરહરિકૃત) જ્ઞાનગીતા, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, અનસૂયા ભૂ. ત્રિવેદી, ઈ.૧૯૬૪ (+સં.), ૩. એજન સં. સુરેશ હ. જોષી ઈ.૧૯૭૯ (+સં.), ૪. પ્રાકામાળા : ૩૨ (+સં.); ૫. વસિષ્ઠસાર-ગીતા, સં. છગનલાલ કે. મહેતા, -;  ૬. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૭. સગુકાવ્ય (+સં.);  ૮. સાહિત્ય, માર્ચ ૧૯૩૩-‘નરહરિકૃત પ્રબોધમંજરી’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. પાંગુહસ્તલેખો;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહાયાદી; ૭. ડિકેટલૉગબીજે; ૮. ડિકેટલૉગભાવિ; ૯. ફોહનામાવલ [સુ.જો.]