કાવ્યમંગલા/સતિયાજન
Revision as of 10:13, 15 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સતિયાજન|}} <poem> સતિયા જન રે હો, સતની શૂળીએ વીંધાય :::: રૂડા રંગમાં રંગાય, એના ગુણ રે હો, ક્યમ રે ગવાય ! ધ્રુવ... સૂના અંતરમાં આગો તે સળગે ને ભડકી ભૂતાવળ ભાગે, નવલી ફૂટે એને આંખો ને પાં...")
સતિયાજન
સતિયા જન રે હો, સતની શૂળીએ વીંધાય
રૂડા રંગમાં રંગાય,
એના ગુણ રે હો, ક્યમ રે ગવાય ! ધ્રુવ...
સૂના અંતરમાં આગો તે સળગે ને ભડકી ભૂતાવળ ભાગે,
નવલી ફૂટે એને આંખો ને પાંખો, અંગે અંગે જ્યોત જાગે.
સતિયા...
સંકટકાંટાની એની પથારી ને અપયશફુલડાંની માળા,
મોહમમતને હોમી હોમી એ તો પ્રગટાવે ત્યાગની જ્વાળા.
સતિયા...
પ્રેમદયાના પાયા ઉપર એ સતનાં મંદિરિયાં ચણાવે,
જ્ઞાનના ઘંટ ગજાવી પ્રભુને પગલું દેવાને મનાવે.
સતિયા...
વૈરાગની વડલાડાળે બાંધે એ કાયાનો કર્મહિંડોળો,
અંગો ધોળે એ તો અંતર વલોવે, પાપીને પાથરે ખોળો.
સતિયા...
ચંદ્ર શો શીતળ, તીખો સૂરજ શો, પ્રેમપ્રતાપનો ગોળો,
એવા રે સતિયાને પગલે આ પૃથ્વીમાં કરુણાની ઊછળે છોળો.
સતિયા...
(૩૦ ઓગસ્ટ, ૧૯૩૨)