કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧૩. ફૂલદોલ
Revision as of 02:31, 13 November 2022 by Kamalthobhani (talk | contribs)
૧૩. ફૂલદોલ
શેરીએ દીવા શગ બળે
એની મેડીએ ઝાકમઝોળ,
એકબીજાના સંગમાં ભીનાં આપણે
ઊડે અંધારાંનાં રૂપની રૂડી છોળ.
બારીઓ કીધી બંધ તો તગ્યા
નેણના તેજલ દીવા,
પોપચાંનો જો પડદો ઢળે,
ઉરને લોચન તેજઅમીને પીવાં.
પળની નાજુક કાયને આલિયે
અમરતનો અંઘોળ.
આવતીજતી લ્હેરમાં મ્હેકે
સંગની ફોરમ ઝીણી,
કૈંક ઝીલે અંધકારનું હૈયું
કૈંક રહી તે રાતરાણીએ વીણી,
આપણું મિલન, આપણો ઓચ્છવ,
આપણો આ ફૂલદોલ.
૧૯૬૪
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૭૪)