કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧૬. ખ્યાલ પણ નથી

From Ekatra Foundation
Revision as of 02:35, 13 November 2022 by Kamalthobhani (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૬. ખ્યાલ પણ નથી

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
કંટકની માવજતમાં અચાનક ઘણી વખત
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
વાતાવરણમાં ભાર છે મિત્રોનાં મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

૧૯૬૨

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૮૬)