કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૧૪. રાતની કહાની
Revision as of 06:24, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs)
૧૪. રાતની કહાની
એ રાતની કહાની!
આવી હતી પ્રણયના સૌંદર્ય પર જવાની!
એ રાતની કહાની!
અંગડાઈ લઈને કળીઓ, જાગી સુમન થવાને,
ચમકી ઊઠી હૃદયની ધરતી ગગન થવાને;
જુલ્ફોની વાસ જાણે રજનીની ધૂપદાની!
એ રાતની કહાની!
દુલ્હન બની તમન્ના ચાલી પિયુને મળવા,
ઝૂમી રહી દિશાઓ, ગુંજી ઊઠી નીરવતા;
લજ્જાએ આંખ ઢાળી એવી અદા મજાની!
એ રાતની કહાની!
મહેફિલમાં તારલાની ચર્ચાઓ ખૂબ ચાલી,
સૌંદર્ય પ્રેમ કેરા પાલવની કોર ઝાલી;
ચીરા સુમનના જોઈ દુનિયાએ વાત માની
એ રાતની કહાની!
કરમાયેલાં સુમનની ખામોશ છે પુકારો,
દીપક અને મલ્હારે ગુંજે છે ઉરના તારો;
ભીનાં નયનમાં બળતી નિશદિન એ યાદ છાની,
એ રાતની કહાની!
(શૂન્યનો વૈભવ, પૃ. ૧૭૫)