આત્માની માતૃભાષા/23

From Ekatra Wiki
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘લોકલમાં’ વિશે

નિરંજન ભગત

લોકલમાં

એની દીઠી ન નજરે મુખમાધુરી મેં.
દેખાત તો ઘણીય ડોક ફિરાવતાંમાં;
જોયું ન કિંતુ ફરીને જરી, ના જ જોયું.
ને તોય તે ક્ષણક્ષણે મુજ અંતરે તો
એ સૌમ્યરેખ રસમૂર્તિ તરે અનસ્ત.

એનાં હશે પ્રણયકામણપૂર્ણ નેણ,
ધીરે ઢળી ઊછળતુંય હશે જ હૈયું.
દીઠેલ આ નયનથી ન સ્વયં અરે મેં,
તોયે કહું અમૃતકોશ હશે જ હૈયું
વેગીલી લોકલ તણા ધબકાર તાલે
ધીરે ધીરે ઊછળી મસ્ત ઢળી રહંતું.

હું તો શું જાણું પણ સામી જ બેઠકે કો
બેઠેલ વૃદ્ધ; જરી ફેરવી ક્ષીણ નેત્ર
જે આમતેમ, કદી ઝોકુંય ખાઈ લેતો.
એ ક્ષીણલોચન મહીં કહીંથીય ત્યાં તો
મેં જોઈ, જોઈ સહસા ભભૂકંતી આગ.
આંખો કરી જરઠ કોટિક રોમ કેરી
ટાળી મને મુજ પૂંઠે કંઈ તાકી જોતો,
ને કૈં ચિરંતૃષિત ચક્ષુથી પી રહંતો.

મેં પૂંઠ ફેરવી ન જોયું સ્વયં જરીકે.
કે કૈં હતી જરૂર ના. મુજ આંખ સામે
એ વૃદ્ધનાં પરમ તૃપ્ત પ્રસન્ન નેત્રે
મેં એક જોઈ છબી ડોલતી લોલ મસ્ત.

લાવણ્યમૂર્તિ મુજ નેત્રથી જોઈ જાતે
મેં હોત, તેથી અદકા રસરૂપરંગે
એ કાલજર્જરિત નેત્ર મહીં નિહાળી.

ને એક વાર નીરખેલ તહીં હજીયે
જોયાં કરું ઉર ભરી ભરી નેણ એનાં,
વિશ્વો ઉછાળી ઢળતું વળી મત્ત હૈયું
ને બે વસંત-લચતી કરવેલ રમ્ય.
મુંબઈ, સપ્ટેમ્બર ૧૯૩૬


૧૯૫૩માં સૂરતમાં ‘લેખકમિલન'ના ઉપક્રમે ‘મારો પ્રિય વિદ્યમાન ગુજરાતી લેખક’ શીર્ષકથી ઉમાશંકર વિશે પ્રથમ વાર જ વ્યાખ્યાન કરવાનો અવકાશ પ્રાપ્ત થયો હતો. વ્યાખ્યાનમાં કલાનો સંયમ, સહાનુભૂતિ, વાસ્તવિકતા, પરલક્ષિતા અને નાટ્યાત્મકતાના સંદર્ભમાં ઉમાશંકરની ૧૯૫૩ લગીનાં સૌ કાવ્યોમાંથી અત્યંત મહત્ત્વનાં કાવ્યો તરીકે ત્રણ કાવ્યોનો ઉલ્લેખ કર્યો હતો. એમાં એક કાવ્ય હતું ‘લોકલમાં’ (અન્ય બે કાવ્યો તે ‘એક બાળકીને સ્મશાન લઈ જતાં’ અને ‘સદ્ગત મોટાભાઈ’). આમ, ગુજરાતી વિવેચનમાં ઉમાશંકરના એક મહત્ત્વના કાવ્ય તરીકે ‘લોકલમાં’ પ્રથમ વાર જ ધ્યાન પર આવ્યું હતું. એથી પછી ૧૯૬૯માં એક ‘પ્રશ્નોત્તરી'માં ‘તમારી કોઈ અત્યંત મહત્ત્વની કૃતિ સહૃદયોની નજર બહાર રહી ગઈ હોય એવું બન્યું છે? તો કઈ કૃતિ?’ એવા પ્રશ્નના ઉત્તરમાં ઉમાશંકરે કહ્યું હતું, ’ ‘લોકલમાં’. પણ તે ભાઈ નિરંજન ભગતે પછીથી પકડી પાડ્યું છે.’ આમ, ઉમાશંકરે ‘લોકલમાં'ને એમનું એક અત્યંત મહત્ત્વનું કાવ્ય ગણ્યું છે. આરંભથી મને, હમણાં જ કહ્યું તેમ, એક અત્યંત મહત્ત્વનું કાવ્ય લાગ્યું હતું. ‘લોકલમાં’ એ મારું પ્રિય કાવ્ય છે. વળી એમાં, હમણાં જ જોઈશું તેમ, એમાં નગરકવિતા છે, નગરજીવનની કવિતા છે — એથી કંઈક વિશેષ પ્રિય એવું કાવ્ય છે. જર્મન વિવેચક જ્યોર્જ સિમેલ (George Simmel)નું એક વિધાન, નગર અને નગરજીવન, નગરકવિતા અને આધુનિકતા વિશેનું એક અત્યંત મહત્ત્વનું વિધાન છે, ‘The interpersonal relationships of people in big cities are characterized by a markedly greater emphasis on the use of the eyes than on that of the ears. This can be attributed chiefly to the institution of public conveyances. Before buses, railroads, and trams became fully established during the nineteenth century, people were never put in a position of having to stare at one another for minutes or even hours on end without exchanging a word.’ આ વિધાનમાં ‘લોકલમાં’ કાવ્યની ભૂમિકા છે. ઉમાશંકર પ્રવાસપ્રિય મનુષ્ય અને કવિ હતા. એ ચિરપ્રવાસી હતા, જગતપ્રવાસી હતા. કિશોર અવસ્થામાં એમણે એમની જન્મભૂમિ બામણાની આસપાસના ગ્રામપ્રદેશો — સવિશેષ આબુ આદિ ડુંગરો — માં પગવારે અનેક પ્રવાસો કર્યા હતા. આયુષ્યના આરંભનો દોઢ દાયકો — ૧૯૧૧થી ૧૯૨૮ લગી — તેઓ બામણા અને ઈડરના ગ્રામપ્રદેશમાં વસ્યા હતા. ૧૯૨૮થી ૧૯૮૮ લગી, આયુષ્યના અંત લગી, ૬ દાયકા લગી તેઓ ઔદ્યોગિક ક્રાંતિની સરજત જેવા નગર અમદાવાદમાં વસ્યા હતા, વચમાં ૧૯૩૪થી ૧૯૩૯ લગી અરધો દાયકો તેઓ ઔદ્યોગિક સંસ્કૃતિના મહાનગર મુંબઈમાં વસ્યા હતા. આ ૬ દાયકા દરમિયાન એમણે દેશમાં અને વિદેશોમાં બસમાં, ટ્રામમાં, ટ્રેઇનમાં, સ્ટીમરમાં, એરોપ્લેઇનમાં એમ વિવિધ આધુનિક વાહનવ્યવહારનાં સાધનો દ્વારા અનેક પ્રવાસો કર્યા હતા. આ પ્રવાસો દરમિયાન જે અનુભવો થયા તે વિશે એમણે અનેક કાવ્યો રચ્યાં હતાં. એમાંનાં કેટલાંક કાવ્યો એમણે પ્રવાસ દરમિયાન જ રચ્યાં હતાં, તો કેટલાંક કાવ્યો પ્રવાસો પછીના સમયમાં પશ્ચાત્દર્શન રૂપે રચ્યાં હતાં. ‘લોકલમાં’ કાવ્ય એમણે ૧૯૩૬માં મુંબઈમાં રચ્યું હતું. આ કાવ્ય એમણે લોકલમાં પ્રવાસ પછી પશ્ચાત્દર્શન રૂપે રચ્યું હતું. જ્યૉર્જ સિમેલના પૂર્વોક્ત વિધાનમાં સૂચન છે તેમ ‘લોકલમાં’ કાવ્ય ૧૯મી સદી પછીના સમયમાં જ રચી શકાય અને ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્કૃતિના મહાનગર જેવા મુંબઈમાં જ રચી શકાય. ‘લોકલમાં'માં સ્થળ છે મુંબઈની સબર્બન લોકલ ટ્રેઇન. સમય વહેલી સવારનો હોય. કાવ્યમાં જે ઘટના છે તે સાંજના સમયે શક્ય જ નથી, કારણ કે સાંજના સમયે ચર્ચગેટથી અંધેરી-વિહાર જતી ટ્રેઇનમાં ભારે ભીડ હોય, અને સૌ પ્રવાસીઓ દિવસભરના કામકાજને અંતે થાક્યાપાક્યા હોય; એથી વહેલી સવારના સમયે જ શક્ય હોય. વળી સન્નારીનું જે વર્ણન છે તેમાં એ તાજગી અને સ્ફૂર્તિભર્યા હોય એવું સૂચન છે. એવું વહેલી સવારના સમયે જ શક્ય હોય. કાવ્યમાં ત્રણ પાત્રો છે: વૃદ્ધ, કાવ્યનાયક અને સન્નારી. વૃદ્ધ સૌંદર્યવંચિત ચિરંતૃષિત છે. મધ્યમવર્ગનો, મધ્યમવયનો કાવ્યનાયક હોય, એ અન્-રોમૅન્ટિક અને પ્રશિષ્ટ સંયમશીલ સજ્જન છે. મધ્યમવર્ગનાં મધ્યવયનાં સન્નારી હોય. એમનું સ્વચ્છ, સુઘડ, સાદું પરિધાન હોય અને આછું-અમથું પણ આકર્ષક, સુંદર પ્રસાધન હોય. આ ત્રણે પાત્રોનો વહેલી સવારે વિરાટ-અંધેરીથી ચર્ચગેટ જતી લોકલમાં કામકાજ અંગેનો આ પ્રવાસ હોય. વળી ટ્રેઇનમાં અન્ય પ્રવાસીઓ પણ હોય જ. કાવ્યમાં ઘટના (action) છે વૃદ્ધના ચિરંતૃષિત ક્ષીણ નેત્રોનું પરમ તૃપ્ત પ્રસન્ન નેત્રોમાં ક્ષણિક પરિવર્તન. આ પરિવર્તનને કારણે, આ ઘટનાને કારણે ‘લોકલમાં’ એક અત્યંત કરુણ નાટ્યાત્મક કાવ્ય છે. લોકલના ડબ્બામાં બે ખાનાં છે. પ્રત્યેક ખાનામાં બેઠકો માટે બે પાટિયાં છે. એક ખાનામાં વૃદ્ધના મોંની સામે એમનું મોં હોય એમ એક પાટિયા પર સન્નારી બેઠાં છે. જે દિશામાં સન્નારીનું મોં હોય એ જ દિશામાં મોં હોય એમ બીજા ખાનામાં એક પાટિયા પર કાવ્યનાયક બેઠા છે. અને એ જ ખાનામાં સામેના પાટિયા પર વૃદ્ધ બેઠા છે. આમ, સન્નારી વૃદ્ધની સામે અને કાવ્યનાયકની પૂંઠે બેઠાં છે. સૌ પ્રવાસીઓ એમની બેઠક પર સ્થિત-સ્થિર છે. લોકલ વેગીલી છે, ગતિમાં છે. સર્વત્ર સંપૂર્ણ મૌન છે, શાંતિ છે. કંઈક જે અવાજ છે તે માત્ર લોકલના ધબકાર અને તાલનો અવાજ છે. આ પરિસ્થિતિમાં કાવ્યનાયકને એકસાથે સૌંદર્ય અને કરુણતાનું સહસા દર્શન થાય છે. ‘લોકલમાં'માં ૩ ખંડ છે: ખંડ ૧ (પંક્તિ ૧-૧૧)માં કાવ્યનાયકને સૌંદર્યનું દર્શન થયું હતું એનો ઉલ્લેખ છે. ખંડ ૨ (પંક્તિ ૧૨-૨૩)માં કાવ્યનાયકને સૌંદર્યનું ક્ષણિક દર્શન થયું હતું એના કારણનો ઉલ્લેખ છે. ખંડ ૩ (પંક્તિ ૨૪-૩૦)માં કાવ્યનાયકને સૌંદર્યનું ક્ષણિક દર્શન થયું હતું તે ક્ષણિક નહિ પણ દીર્ઘકાલીન દર્શન હતું એનો ઉલ્લેખ છે.

ખંડ ૧ (પંક્તિ ૧-૧૨)

એની દીઠી ન નજરે મુખમાધુરી મેં.
દેખાત તો ઘણીય ડોક ફિરાવતામાં;
જોયું ન કિંતુ ફરીને જરી, ના જ જોયું.
ને તોય તે ક્ષણક્ષણે મુજ અંતરે તો
એ સૌમ્યરેખ રસમૂર્તિ તરે અનસ્ત.
એનાં હશે પ્રણયકામણપૂર્ણ નેણ,
ધીરે ઢળી ઊછળતુંય હશે જ હૈયું
દીઠેલ આ નયનથી ન સ્વયં અરે મેં,
તોયે કહું અમૃતકોશ હશે જ હૈયું
વેગીલી લોકલ તણા ધબકાર તાલે
ધીરે ધીરે ઊછળી મસ્ત ઢળી રહંતું.

ખંડ ૧માં કાવ્યનાયક વારંવાર કહે છે કે એમણે સન્નારીના સૌંદર્યનું સ્વાનુભવનું આત્મલક્ષી દર્શન કર્યું ન હતું. એમણે એમની આંખે સન્નારીને જોયાં ન હતાં, સન્નારીના સૌંદર્યને જોયું ન હતું. જોકે સન્નારી તો કાવ્યનાયકની પૂંઠે જ બેઠાં હતાં. છતાં ‘દીઠી ન નજરે', ‘દેખાત તો ઘણીય ડોક ફિરાવતામાં; જોયું ન કિંતુ ફરીને જરી, ના જ જોયું.', ‘દીઠેલ આ નયનથી ન સ્વયં અરે મેં’ કાવ્યનાયકે પ્રવાસના આરંભથી અંત લગીમાં ક્યારેય એમની આંખે સન્નારીને જોયાં ન હતાં, એમના સૌંદર્યને જોયું ન હતું એમ વારંવાર કહે છે છતાં અથવા એથી જ તેઓ કહે છે, ‘ને તોય તે ક્ષણક્ષણે મુજ અંતરે તો એ સૌમ્યરેખ રસમૂર્તિ તરે અનસ્ત.’ ‘એનાં હશે પ્રણયકામણપૂર્ણ નેણ, ધીરે ઢળી ઉછળતું ય હશે જ હૈયું.', ‘તોયે કહું અમૃતકોશ હશે જ હૈયું વેગીલી લોકલ તણા ધબકાર તાલે ધીરે ધીરે ઊછળી મસ્ત ઢળી રહેતું.’ કારણ કે તેઓ સન્નારીના સૌંદર્યનું દર્શન કરી ચૂક્યા છે. આ સમગ્ર કાવ્ય એમને સન્નારીના સૌંદર્યનું દર્શન કર્યું તે પછીનો એમનો ઉદ્ગાર છે. આમ, આ સમગ્ર કાવ્ય એ કાવ્યનાયકનું પશ્ચાત્દર્શન છે. જો કાવ્યનાયકે એમની આંખે સન્નારીને જોઈ ન હતી, સન્નારીના સૌંદર્યનું દર્શન કર્યું ન હતું તો એમણે એમ કેમ કર્યું હતું? ખંડ ૨માં એનો ઉત્તર છે, એનું કારણ છે.

ખંડ ૨ (પંક્તિ ૧૨-૨૩)

હું તો શું જાણું, પણ સામી જ બેઠકે કો
બેઠેલ વૃદ્ધ જરી ફેરવી ક્ષીણ નેત્ર
જે આમતેમ, કદી ઝોકું ય ખાઈ લેતો.
એ ક્ષીણલોચન મહીં કહીંથી ય ત્યાં તો
મેં જોઈ, જોઈ સહસા ભભૂકંતી આગ.
આંખો કરી જરઠ કોટિક રોમ કેરી
ટાળી મને મુજ પૂંઠે કંઈ તાકી જોતો,
ને કૈં ચિરંતૃષિત ચક્ષુથી પી રહંતો.
મેં પૂંઠ ફેરવી ન જોયું સ્વયં જરીકે.
કે કૈં હતી જરૂર ના. મુજ આંખ સામે
એ વૃદ્ધનાં પરમ તૃપ્ત પ્રસન્ન નેત્રે
મેં એક જોઈ છબી ડોલતી લોલ મસ્ત.

ખંડ ૨ના આરંભમાં જ કાવ્યનાયક કહે છે, ‘હું તો શું જાણું…’ સન્નારી કાવ્યનાયકની પૂંઠે જ બેઠાં છે છતાં એમણે એમની આંખે સન્નારીને જોયાં નથી. સન્નારીના સૌંદર્યને જોયું નથી. એથી એમને સન્નારીના સૌંદર્યની જાણ નથી, અરે, એમના અસ્તિત્વ સુધ્ધાંની જાણ નથી. ‘પણ સામી જ બેઠકે ર્કોબેઠેલ વૃદ્ધ.’ એ વૃદ્ધ શું કરી રહ્યા હતા? ‘જરી ફેરવી ક્ષીણ નેત્ર જે આમતેમ, કદી ઝોકુંય ખાઈ લેતો. એ ક્ષીણ લોચન મહીં કહીંથી ય ત્યાં તો મેં જોઈ, જોઈ સહસા ભભૂકંતી આગ. આંખો કરી જરઠ કોટિક રોમ કેરી …તાકી જોતો ને કૈં ચિરંતૃષિત ચક્ષુથી પી રહંતો.’ કાવ્યનાયકે વૃદ્ધ આમ કરી રહ્યા હતા એ જોયું પછી એમણે ‘પૂંઠ ફેરવી ન જોયું સ્વયં જરીકે કે કૈં હતી જરૂર ના.’ કારણ કે એમની ‘આંખ સામે એમણે’ એ વૃદ્ધનાં પરમ તૃપ્ત પ્રસન્ન નેત્રે… મેં એક જોઈ છબી ડોલતી લોલ મસ્ત.’ એથી જ કાવ્યનાયકે એમની આંખે સન્નારીને જોયાં ન હતાં; એમના સૌંદર્યને જોયું ન હતું. આમ, કાવ્યનાયકે સન્નારીના સૌંદર્યનું પરાનુભવનું પરલક્ષી દર્શન કર્યું હતું. માત્ર સન્નારીના સૌંદર્યનું જ નહિ, સાથે સાથે વૃદ્ધની કરુણતાનું પણ દર્શન કર્યું હતું. એમણે સન્નારીના સૌંદર્યના દર્શનથી વૃદ્ધના ક્ષીણ ચિરંતૃષિત ચક્ષુને ક્ષણેક માટે પરમ તૃપ્ત પ્રસન્ન નેત્ર થતાં પણ જોયાં હતા. આમ, ક્ષણેક માટે વૃદ્ધ જીવી ગયા હતા. આમ, એમણે એકસાથે વૃદ્ધની કરુણતા અને પ્રસન્નતાનું દર્શન કર્યું હતું. આ છે સૌંદર્યનો કીમિયો, સૌંદર્યની ભૂરકી, સૌંદર્યનો જાદુ! આમ, કાવ્યનાયકને એકસાથે સૌંદર્ય, કરુણતા અને પ્રસન્નતાનું દર્શન થયું હતું, કરુણમધુર સૌંદર્યનું દર્શન થયું હતું. એથી માત્ર વૃદ્ધ જ નહિ પણ કાવ્યનાયક પણ ધન્ય થયા હશે. એમણે એમની આંખે સન્નારીના સૌંદર્યનું દર્શન કર્યું હોત તો એમને આ ધન્યતાનો અનુભવ ન થયો હોત. વળી વૃદ્ધની કરુણતા અને પ્રસન્નતા દ્વારા સન્નારીનું સૌંદર્ય પણ પ્રગટ થયું હતું. હોમરે ‘ઇલિયડ'માં ક્યાંય હેલનના સૌંદર્યનું પ્રત્યક્ષ વર્ણન કર્યું નથી. અન્ય પાત્રોના નેત્ર પર, વર્તન પર, વ્યક્તિત્વ પર એના સૌંદર્યના પ્રભાવ પરથી, પાત્રોના પ્રત્યાઘાત પરથી હેલનના સૌંદર્યનું પરોક્ષ સૂચન કર્યું છે. Beauty is what beauty does. આ છે સૌંદર્યનું દર્શન. અહીં પણ ઉમાશંકરે કાવ્યનાયકને સન્નારીના સૌંદર્યનું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું નથી, પણ વૃદ્ધના નેત્ર પર, વર્તન પર, વ્યક્તિત્વ પર એના સૌંદર્યના પ્રભાવ પરથી, પ્રત્યાઘાત પરથી એના સૌંદર્યનું પરોક્ષ દર્શન કરાવ્યું છે. ઉમાશંકર પ્રશિષ્ટ કલાકાર-કવિ છે!

ખંડ ૩ (પંક્તિ ૨૪-૩૦)

લાવણ્યમૂર્તિ મુજ નેત્રથી જોઈ જાતે
મેં હોત, તેથી અદકા રસરૂપરંગે
એ કાલજર્જરિત નેત્ર મહીં નિહાળી.
ને એક વાર નીરખેલ તહીં હજીયે
જોયાં કરું ઉર ભરી ભરી નેણ એનાં,
વિશ્વો ઉછાળી ઢળતું વળી મત્ત હૈયું
ને બે વસંત-લચતી કરવેલ રમ્ય.

અગાઉ પણ કાવ્યનાયકે કહ્યું હતું, ‘મેં પૂંઠ ફેરવી ન જોયું સ્વયં જરીકે. કે કૈં હતી જરૂર ના! અહીં ખંડ ૩માં એના પુનરાવર્તન પછી કહે છે, ‘લાવણ્યમૂર્તિ મુજ નેત્રથી જોઈ જાતે મેં હોત, તેથી અદકા રસરૂપરંગે એ કાલજર્જરિત નેત્ર મહીં નિહાળી.’ કાવ્યનાયકે સન્નારીના સૌંદર્યનું સ્વાનુભવનું આત્મલક્ષી દર્શન કર્યું હોત તો એ સૌંદર્ય કરુણમધુર સૌંદર્ય ન હોત; તો એમને વૃદ્ધની કરુણતા અને પ્રસન્નતાનું દર્શન પણ થયું ન હોત. એથી જ એ કહે છે કે હવે જ એમણે એ વૃદ્ધના કાલજર્જરિત નેત્રમાં એ સન્નારી અને એમના સૌંદર્યનું કંઈક અનન્ય રસરૂપરંગે જોઈ હતી. અને એથી સ્તો હવે એક વાર જોયા પછી કાવ્યનાયક હજીયે હૃદય ભરી ભરીને વૃદ્ધના એ નેત્રને અને એમાં સન્નારીની લાવણ્યમૂર્તિ છે, એમાં જે ‘વિશ્વો ઉછાળી ઢળતું વળી મત્ત હૈયું ને બે વસંત-લચતી કરવેલ રમ્ય’ છે એને જોયાં કરે છે. અહીં કાવ્યની પરાકાષ્ઠા પ્રગટ થાય છે. વડ્ઝવર્થે ‘The Solitary Reaper'માં એક એકાકી ગ્રામકવિનું ગીત સાંભળ્યા પછી કાવ્યને અંતે કહ્યું છે, ‘The music in my heart I bore Song after it was heard no more.’ તેમ ઉમાશંકરે પણ કાવ્યનાયકના મુખે જાણે કે એવો જ કંઈ ઉદ્ગાર ઉચ્ચારાવ્યો છે, ને એક વાર નીરખેલ તહીં હજી યે જોયાં કરું ઉર ભરી ભરી નેણ એનાં.’ ‘The beauty in my heart I bore Song after it was seen no more. ‘લોકલમાં’ કાવ્યનો જ્યાંથી આરંભ થાય છે ત્યાં જ કાવ્યનો અંત થાય છે. આમ, કાવ્યની વર્તુળાકાર ગતિ છે. એથી એમાં સુ(in)શ્લષ્ટ એકતા સિદ્ધ થાય છે. કાવ્યમાં કાવ્યનાયકની પ્રશિષ્ટ કલાકાર જેવી એકસાથે તાદાત્મ્ય અને તાટસ્થ્યની સંયમપૂર્ણ ભૂમિકા છે, સન્નારી અને એમનું સૌંદર્ય તો નિમિત્ત છે. કાવ્યના કેન્દ્રમાં તો વૃદ્ધ અને એમની કરુણતા અને પ્રસન્નતા છે. કાવ્યમાં કવિ એક આંખે હસે છે અને એક આંખે રડે છે. કાવ્યમાં જે પરલક્ષી દર્શન છે, પરલક્ષી કળા છે એમાં એનું રહસ્ય છે. બોદલેરે કહ્યું છે કે આધુનિક મહાનગરમાં ડગલે ને પગલે રહસ્યોનું દર્શન થાય છે. પછી શું પૅરિસ હોય, શું મુંબઈ હોય, કે શું જગતનું કોઈ પણ મહાનગર હોય, પણ એ દર્શન માટે દૃષ્ટિ હોય તો. બોદલેરે એ પણ કહ્યું છે કે આધુનિક મહાનગરમાં મનુષ્યો ભલે ‘ties and shoes'માં હોય પણ કોઈ પણ મહાકાવ્ય, મહાનાટક કે મહાનવલકથાના નાયક જેટલા જ ભવ્ય છે. ‘લોકલમાં’ વૃદ્ધ એક એવું ભવ્ય પાત્ર છે. ‘લોકલમાં'માં ઉમાશંકરનું સૌંદર્યનું તથા વૃદ્ધાવસ્થાની કરુણતા અને પ્રસન્નતાનું જે દર્શન છે તે ગુજરાતી કવિતામાં વિરલ છે અને પરલક્ષી સાધર્મ્ય દ્વારા એની જે નાટ્યાત્મક અભિવ્યક્તિ છે એ એથી યે વધુ વિરલ છે.

પૃથક્કરણથી પર એવા સૌંદર્યની ગતિ…

સુરેશ દલાલ
ઉમાશંકર જોશીને એક મુલાકાતમાં પુછાયું હતું: ‘તમારી કોઈ અત્યંત મહત્ત્વની કૃતિ સહૃદયોની નજર બહાર રહી ગઈ હોય એવું બન્યું છે? તો કઈ કૃતિ?’ ત્યારે એમણે જવાબ આપ્યો, ‘લોકલ'માં. પણ તે ભાઈ નિરંજન ભગતે પછીથી પકડી પાડ્યું છે. એનો અર્થ એવો થયો કે ઉમાશંકરને જે કાવ્ય મહત્ત્વનું લાગ્યું હતું તે કાવ્ય નિરંજન ભગત સિવાય અન્ય કોઈ વિવેચકની નજરે એટલું ચડ્યું નહોતું. ‘પરબ'ના તંત્રીએ મને આ કાવ્ય વિશે લખવાનું કહ્યું. તંત્રીને કદાચ એમ હશે કે કાવ્યનો અનુભવ જે હોય તે પણ સુ. દ. નગરમાં રહે છે એટલે લોકલનો અનુભવ તો હશે જ. આ કાવ્ય અનેક રીતે જોવા જેવું છે. કાવ્યનો નાયક લોકલમાં પ્રવાસ કરે છે પણ એનો પ્રવાસ એક સૌંદર્યયાત્રા બનીને રહે છે. લોકલમાં મુગ્ધાનો પ્રવેશ થાય છે. કાવ્યનાયક ધારત તો જરાક ડોક ફેરવીને એ મુગ્ધાના મુખમાધુર્યને જોઈ શક્યા હોત. પણ એમણે ડોક ફેરવી જ નહીં અને છતાંયે ક્ષણે ક્ષણે એ મુગ્ધાની રસમૂર્તિ અંતરમાં કોતરાઈ ગઈ. કેટલુંક સૌંદર્ય ક્યારેય અસ્ત ન થાય એવું હોય છે. કાવ્યનાયકની કલ્પના ઉત્તરોત્તર ઉત્તેજિત થાય છે અને એ લાવણ્યમૂર્તિના નેણ કેવા હશે? ઊછળતું હૃદય કેવું હશે? એની સંવેદના અનુભવ્યા કરે છે. એક બાજુ વેગીલી લોકલ છે અને બીજી બાજુ કલ્પનાનો આવેગ લોહીના ધબકારે વહેતો હોય છે. પ્રણયપૂર્ણ કામાક્ષીને નજરે નથી જોઈ અને છતાં પણ અંતરમાં અંકાઈ ગઈ છે. સામી બેઠક પર એક વૃદ્ધ છે. એ વૃદ્ધ જેવો વૃદ્ધ પણ એના ક્ષીણ નેત્રને આમતેમ ફેરવે છે એવું આ સૌંદર્ય છે. મોટે ભાગે લોકલમાં પ્રવાસ કરતી નારી પાસે ઠાઠ-ઠઠારો નથી હોતો. એમાં સાદગી હોય છે. અહીં સાદગી અને સૌંદર્યનો સુમેળ છે. મૂળ ટિપ્પણમાં લખ્યું છે એ કહેવાનું બધું જ કહી દે છે. “એક નારીની મોહક મુખમાધુરીનું વર્ણન લોકલ ગાડીમાં યાત્રા કરતાં કવિએ અહીં પરોક્ષ રીતે કર્યું છે. એ નારી એટલી નજીકમાં છે કે પોતાની ડોક જરાક ફેરવતાં એનું સૌંદર્ય પોતાની આંખે જોઈ શકત, પરંતુ કવિ એ સૌંદર્યને સામી બેઠકે બેઠેલા એક વૃદ્ધની આંખોમાં ઝિલાતી ચમક જોઈને પામી લે છે. આંખોવાળો વૃદ્ધ, જે આમ તો વચ્ચે વચ્ચે ઝોકું ખાઈ લેતો, એ નારીને ‘આંખો કરી જરઠ કોટિક રોમ કેરી’ જુએ છે. કવિએ વૃદ્ધની ચિરતૃષિત આંખોથી એને જે રીતે પીવે છે, તેનાં ‘તૃપ્ત પ્રસન્ન નેત્રે લોલ મસ્ત ડોલતી છબી’ જોઈ લે છે. એથી પોતાની આંખોથી જોવા કરતાં વધારે અદકા રૂપે જોઈ.” સૌંદર્યના બાહ્યપ્રવેશથી આંતરપ્રવેશની અહીં વાત છે. સગી નજરે જોયું હોત એના કરતાં અન્યની નજરે જોઈને કવિએ જે જાણ્યું-માણ્યું અને મનોમન વખાણ્યું છે એનું આ અનુભવનિષ્ઠ કાવ્ય જરા જુદા સંદર્ભમાં રાજેન્દ્ર શાહના ગીત ‘તને જોઈ જોઈ તોયે તું અજાણી'ની પણ યાદ આપે છે. કેટલાંક સૌંદર્ય એવાં હોય છે કે એ હૃદયમાં કાયમને માટે જડાઈ જાય છે. સૌંદર્યના અપ્રત્યક્ષ અનુભવનું આ એક જુદું પડી આવતું કાવ્ય છે. જોયું છે છતાં નથી જોયું, નથી જોયું છતાં યે કંઈક વિશેષ જોયું છે. એક બાજુ યૌવનની મુગ્ધતા છે, બીજી બાજુ વૃદ્ધ નજરની પરિપક્વતા છે. વૃદ્ધનાં નેત્ર કાલજર્જરિત છે પણ યુવકના અંતરમાં મઢાયેલું સૌંદર્ય તો મોનાલીસાના સ્મિત જેવું છે. આ સૌંદર્ય મનોમન માણવાનું હોય, એનું પૃથક્કરણ કરવાનું હોતું નથી.