શાંત કોલાહલ/૧૪ શિયાળુ સાંજ
Jump to navigation
Jump to search
૧૪. શિયાળુ સાંજ
શિયાળુ સાંજની વેળ છે થોડી :
હાલ્યને વાલમ ! આંચને આધાર ખેલિયે આપણ,
નિંદરું આવશે મોડી.
ચીતરી મેલી ચાસર,
મ્હોરાં સોહ્ય છે રૂડે રંગ,
ધોળિયો પાસો ઢાળિયે
જો’ યે કોણ રે જીતે જંગ :
આબરૂ જેવી આણજે થાપણ, ગઠરીની મેં ય ગાંઠને છોડી,
હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.
નેણથી તો નેણ રીઝતાં ;
ને કાન –વેણની એને ટેવ,
વાત કીજે એલા
કેમ રે ભેટ્યાં ભીલડી ને મા’દેવ :
કોણ ભોળું કોણ ભોળવાયું, જે કાળજાં રહ્યાં વ્હાલથી જોડી !
હાસ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.
આપણી કને હોય
તે બધું હોડમાં મૂકી દઈ,
હાર કે જીત વધાવીએ
આપણ એકબીજાનાં થઈ;
અરધી રાતનું ઘેન ઘેરાતાં ઓઢશું ભેળાં એક પિછોડી :
હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.