મારી લોકયાત્રા/૮. લોકોત્સવઃ ગોર

From Ekatra Wiki
Revision as of 14:35, 9 May 2023 by Meghdhanu (talk | contribs) (+created chapter)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૮.

લોકોત્સવ : ગોર

મંગળવારની રાતે પાબુ અને ચંદુ સાથે તોરણિયા પહોંચ્યો ત્યારે અનેક ગામનાં હજારો માણસો ગોરના સ્થાનકથી થોડે દૂર એકઠાં થયાં હતાં. વાંસની ચીપો ગૂંથીને દેહનો આકાર આપી, ઊંધા લોટા પર કૂટેલાં મહુડાંનું મુખ બનાવી, તેના પર પાનથોકલા ચોંટાડી ગોર(ગૌરી)ની રચના કરવામાં આવી હતી. ગોરની મૂર્તિને નવાં વસ્ત્રો પહેરાવી, નખ-શિખ સોના-ચાંદીનાં આભૂષણોથી સજાવી, આકડાનાં ફૂલો અને બીલીનાં પાનની માળા પહેરાવવામાં આવી હતી. ગોરની સન્મુખ ઘીનો દીવો કરી, શ્રીફળ વધેરવામાં આવ્યાં હતાં. પરોરાં (મહુડાંના પાણીમાં ઘઉંનો લોટ બાફી બનાવેલાં મૂઠિયાંની મીઠી પ્રસાદી) ગોર- માતાને ચઢાવી, ગોરિયા (ગોરના ભોપા) ધૂણતા હતા અને સહભાગી ગામોની સુખાકારી માટે આશીર્વચનો ઉચ્ચારતા હતા. ભોપાની અનુમતિ મળતાં ગોરાણીએ (ભોપાની પત્ની) નચાવવા ગોરની મૂર્તિ માથે ચડાવી અને પૂરો લોકસમુદાય એક મોટું વર્તુળ રચી ઢોલના તાલે નાચવા અને ગાવા લાગ્યો. અનેક ગામ સમૂહમાં આ રીતે નાચતાં-ગાતાં નિહાળવાનો જીવનનો આ પહેલો લહાવો હતો. ઢોલના તાલે એકસાથે અનેક ગીત કંઠમાંથી વાણીનું રૂપ ધરતાં હતાં અને દેહના લય-હિલ્લોળ સાથે નૃત્યમાં પરિણમતાં હતાં. મારું અક્ષર-સંલગ્ન જ્ઞાન તો ૧૪ સ્વર, ૩૪ વ્યંજન અને ૧૦ અંકમાં સમાપ્ત થઈ જતું હતું. જ્યારે અહીં તો સંગીત, નૃત્ય, કથા અને વિધિ-વિધાન સંલગ્ન કેટકેટલી આંતરિક સમૃદ્ધિ વાણીનું રૂપ લઈ છલકાતી હતી! નૃત્ય સાથે વિવિધ રૂપ ધરતા વાણીના વૈભવને મારે માણવો હતો પણ તેના અર્થ ઉકેલવા મારું ચિત્ત અસમર્થ હતું. ગોરનો લોકોત્સવ માણતા પાબુને પ્રશ્ન કર્યો, “અત્યારે તો ગીતો અને નૃત્યોની રમઝટ ઊડે છે. દિવસે ગોરની કોઈ વિધિ કરવી પડે?” પાબુ બોલ્યો, “દિવસે ગોરની પૂજા થાય. ગોરિયો પૂજા કરાવે. પંદર દિવસના ઉપવાસ રાખી કુંવારાં યુવક-યુવતીઓ ગોરની પૂજા કરે. ખેડબ્રહ્મા પાસેના ‘ઝાંઝવા-પણઈ’ ગામનો ગોરિયો પૂરી પૂજા કરાવે છે. ગોરિયો પણ અમારી જાતિનો હોય. આપણા વર્ગનો ભૂઈલો પારઘી ઝાંઝવા-પણઈનો છે." રવિવારની વહેલી સવારે હું ઝાંઝવા-પણઈ ગામ ગયો. મારી સાથે આ ગામનો વતની અને મારો વિદ્યાર્થી ભૂઈલો પારઘી હતો. ચાર-પાંચ ખોલરાંની પાસે વનરાજીથી મઢેલું ગોરમાતાનું સ્થાનક હતું. વૈશાખ માસ હતો; અને ગોરની પૂજાના દિવસો હતા. પ્રાતઃકાળે અમે પહોંચ્યા ત્યારે દસ-બાર યુવાન-યુવતીઓ વચ્ચે ઘેરાયેલો ગોરિયો (ગોરનો ભોપો) ગોરની પૂજા કરાવતો હતો. ચાંદીના પતરા પર ગોરમાતાની મૂર્તિ ઉપસાવેલી હતી, અને તેની સન્મુખ શિવલિંગ રૂપે એક સાંબેલું ઊભું કરેલું હતું. કંકુ- સિંદૂર, બીલીપત્ર અને જંગલી ફૂલોથી ગોરની ઉપાસના કરતા આ સંઘને અન્ય સમાજના આગંતુકની હાજરી ગમી નહીં. તેઓના ચહેરા પર શંકા અને તિરસ્કારની આભા વરતાવા લાગી છતાં અમે ઊભા-ઊભા જ ગોરના સ્થાનકને વંદન કરી તેઓની પાસે ગોઠવાઈ ગયા. પૂજાની વિધિ પૂરી કરી યુવાન-યુવતીઓને આશીર્વચનો બોલતો ગોરિયો વારંવાર ગોરને નમન કરતો હતો. મને લાગ્યું કે ગોરિયાની ઉપાસના-વિધિ પૂરી થઈ છે. આથી ગોર વિશે માહિતી સંકલિત કરવા તેને પ્રશ્ન કર્યો, “ગોરમાતા કે દિ’યાંની હેં?” (“ગોરમાતા કેટલા દિવસની છે?”) તેણે મારા પ્રશ્ન ૫૨ કોઈ ધ્યાન આપ્યું નહીં. મને લાગ્યું કે તેણે મારો પ્રશ્ન સાંભળ્યો નહીં હોય. મેં ફરીને તે જ પ્રશ્ન કર્યો અને તેને જોઈ રહ્યો. ગોરિયો ધીમે-ધીમે આવેશ અનુભવી રહ્યો હતો અને તેના દેહમાં કોઈ આધિભૌતિક તત્ત્વ સવાર થઈ રહ્યું હતું. તેની આંખોમાં લાલાશ વરતાઈ રહી હતી. તે સહેજ ઊંચા અવાજે બોલ્યો, “ગોરમાતા તો ઝુગ વરતાઈ ગા તે દિ’યાંની હેં! થાર એંણું હું કૉમ હેં?” (“ગોરમાતા તો જુગ વહી ગયા તે દિવસની છે તારે એનું શું કામ છે?”) હવે તેનું શ્યામ મુખ ગુસ્સાથી વિકૃત બની ગયું હતું. વધુ પડતા આવેશથી ધ્રૂજવા લાગ્યો અને મારા સામે મુખ કરી બોલી ઊઠ્યો, “થું માતાના પેંગ એરવા આવો હેં? એણીના ઝોરનં શું હું ઝૉણે! એંણી તો ઝગની તણિયાંણી હેં! સ૨કા૨ એંણીના પેદ નં હું ઝૉણે?” (“તું માતાનાં પગલાં શોધવા આવ્યો છે? તેણીની શક્તિને તું શું જાણે! તેણી તો જગતની ધણિયાણી છે! સ૨કા૨ તેણીના મહિમાને શું જાણે!”) ગોરિયો મને સરકારી માણસ સમજી બેઠો હતો. મારા મૌનથી ગુસ્સાની માત્રા વધી રહી હતી. તે બરાડી ઊઠ્યો, “સરકાર માતાનું સત્ ઝોવા આવી હેં? સરકાર માતાનું સત્ હું ઝૉણે!” તેની આંખોમાં સામટું લોહી ધસી આવ્યું હતું અને મારા પગ પાસે જોર-જોરથી હાથની થપાટો મારવા લાગ્યો. થપાટોથી લીંપણ ઊખડવા લાગ્યું. મારી સાથે આવનાર ભૂઈલો ભોપાની વર્તણૂકથી ડઘાઈ ગયો. શૂન્ય બની ગયેલા મારા ચિત્તમાં એકાએક વિચાર ઝબક્યો. હું તેને વિશ્વાસમાં લેવા ઊભો થયો અને માતાના સ્થાનકે માથું ટેકવી હાથ જોડીને કહેવા લાગ્યો, “ઉં તો સ૨કારી મૉનવી નહીં હું ને. ઉં તો માતાના દરિખાંને આવો હું!’” (“હું તો સ૨કારી માણસ નથી પણ હું તો માતાના દ્વારે આવ્યો છું!”) મારા મુખ પરની દાઢીથી તેને લાગ્યું કે ‘ઑણો લોકાંનો સાધ' (ઉજળિયાતોનો સાધુ) લાગે છે. મારાં તેની બોલીમાં જ બોલાયેલાં મૃદુ વચનોથી તેનો આવેશ ધીમે-ધીમે ઓસરવા લાગ્યો. થોડીક જ ક્ષણોમાં સામાન્ય બની શાંત ચિત્તે કહેવા લાગ્યો, “તો પેસ ગોરમાતાના રાતીજગામા આવઝે, થનં માથે આથ ઈ તાપ દે!” (“તો પછી ગોરમાતાના જાગરણના ઉત્સવમાં આવજે, તને માથે હાથ દઈ આશીર્વાદ આપીશ!”) અહીં અતીતના અનુભવની સ્મૃતિઓ સંકોરવાનો હેતુ એટલો જ છે કે જ્યારે અન્ય સમાજનો સંશોધક તેનાથી જુદા જ સમાજના લોકોની સંસ્કૃતિ અને સાહિત્યનું સંશોધન કરવા જાય છે ત્યારે તેના પોતાના સમાજનાં વલણો, ખ્યાલો અને માન્યતાઓ છોડીને તાટસ્થ્ય કેળવવું પડતું હોય છે અને જે-તે લોકો અને તેઓની સંસ્કૃતિના સંદર્ભમાં જ વિચારવું પડતું હોય છે.

***