ગીત-પંચશતી/પ્રેમ

From Ekatra Wiki
Revision as of 15:06, 25 July 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રેમ


હે મરણ, તું મારે શ્યામ સમાન છે. તારી મેઘજટાજાળ મેઘના વર્ણની છે, તારા હાથ રક્ત કમળ જેવા છે, તારા અધરપુટ લાલ છે, તાપ દૂર કરનારો તારો કરુણાભર્યો ખોળો મૃત્યુરૂપી અમૃતનું દાન કરે છે. આકુલ રાધાનું હૃદય અત્યંત જર્જર થઈ ગયું છે, ( એની) બંને આંખો ક્ષણે ક્ષણે ઝરઝર ઝર્યા કરે છે, તું મારો માધવ, તું મારો સાથી, તું મારો તાપ મટાડ, મરણ, તું આવ, આવ. મને બોલાવીને તારા ભુજપાશમાં લે, મારાં પોપચાંને તું બંધ કરી દે, તારા ખોળામાં રડી રડીને આખો દેહ નીંદરથી ભરી દઈશ. તું ભૂલીશ નહિ, તું છોડીશ નહિ, રાધાનું હૃદય કદી ભાંગીશ નહિ, રોજ રોજ ક્ષણે ક્ષણે તું હૃદય ઉપર રાખજે -તારો પ્રેમ અતુલ્ય છે. અત્યારે વાદળાં ગાઢાં થયાં છે, જગત અંધકારમાં ડૂબી ગયું છે, વીજળી અતિશય ચમકે છે, મેઘનો અવાજ અતિ ઘોર છે, શાલતાલનાં વૃક્ષો બધાં ભયથી સ્તબ્ધ થઈ ગયાં છે, નિર્જન માર્ગ અત્યંત ભયાનક છે. હું એકલી તારા અભિસારે આવીશ, તું મારો પ્રિયતમ છે. પરિણામનો વિચાર કર્યે શું? ભય-બાધા બધાં અભયની મૂર્તિ ધારણ કરીને મને માર્ગ બતાવશે. ભાનુ કહે છે, ‘ અરે રાધા, છી છી; તારું ચિત્ત ચંચળ છે; જીવનવલ્લભ તો મરણથી પણ અધિક છે, હવે તું વિચારી જો.' ૧૮૮૧

મારા પ્રાણ ઉપર થઈને વસંતના વાયુની પેઠે કોણ ચાલી ગયું? તે સ્પર્શી ગયો, નમાવી ગયો, સેંકડો ફૂલ ખીલવી ગયો. તે ચાલ્યો ગયો, કહી ન ગયો તે ક્યાં ચાલ્યો ગયો, પાછો ન આવ્યો. તે જતાં જતાં જોતો ગયો, જાણે કંઈક ગાતો ગયો, તેથી એકલી એકલી કુસુમવનમાં બેઠી છું. તે મોજાંની પેઠે તણાઈ ગયો છે. ચાંદનીના દેશમાં ગયો છે, જ્યાં થઈને હસતો હસતો ગયો છે, ત્યાં તેનું હાસ્ય મૂકતો ગયો છે. મને એમ થયું જાણે આંખના ઈશારાથી મને તે બોલાવતો ગયો છે. હું ક્યાં જાઉં? ક્યાં જાઉં? એ જ હું એકલી બેસીને વિચાર્યા કરું છું. તે ચંદ્રની આંખ પર ઊંઘનું ઘેન લગાડતો ગયો, તે પ્રાણમાં ક્યાંક ફૂલની માળા જલાવતો ગયો.

કુસુમવન ઉપર થઈને તે શું કહેતો ગયો? ફૂલની સુગંધ પાગલ બનીને તેની સાથે ચાલી ગઈ. મારું હૃદય આકુળવ્યાકુળ થઈ ગયું, મારી આંખો મીંચાઈ ગઈ—ક્યાં થઈને તે ક્યાં ચાલ્યો ગયો? ૧૮૮૪

વારી જાઉં, મને વાંસળીમાં કોણે બોલાવી? ધાર્યું હતું કે ઘેર રહીશ ક્યાંય નહિ જાઉં; આ પેલી બહાર વાંસળી વાગી, બોલો શું કરું? સાંભળ્યું છે કે કોઈક કુંજવનમાં જમનાને તીરે સાંજને સમયે ધીર સમીરે વાંસળી વાગે છે. અરે, તમને જો ખબર હોય તો મને રસ્તો કહી દો. તેના મુખનું હાસ્ય જોઈને તેને ફૂલની માળા પહેરાવી આવું, તેને કહી આવું ‘તારી વાંસળી મારા પ્રાણમાં વાગી છે.’ ૧૮૮૬

આજે શરદના તડકામાં, પ્રભાતના સ્વપ્નમાં કોણ જાણે પ્રાણ શુંય ઇચ્છે છે ! પેલી પારિજાતની ડાળ ઉપર પંખી અને પંખિણી શું કહીને બોલાવે છે, શું ગાય છે? આજે મધુર વાયુથી હૃદય ઉદાસ બની જાય છે અને મન હાય, ઘરમાં રહેતું નથી—કયા કુસુમની આશાએ, કયા ફૂલની વાસથી મન સુનીલ આકાશમાં દોડી જાય છે. આજે જાણે કોઈક નથી, તેથી આ પ્રભાતે જીવન વિફળ થઈ રહ્યું છે, તેથી મન ચારે બાજુએ જુએ છે, અને રડતું રડતું ગાય છે, “એ નહિ, એ નહિ, નથી.” કયા સ્વપ્નના દેશમાં, કઈ છાયામયી અમરાવતીમાં વીખરાયેલા વાળવાળી કોણ છે, જે આજે ઉપવનમાં વિરહવેદનાથી મારે કારણે રડતી જાય છે? જો અસ્થિર પ્રાણવાળો હું ગીત ગૂંથું, તો તે ગીત હવે કોને સંભળાવીશ? જો હું ફૂલની છાબ લઈને માળા ગૂંથું તો તે ફૂલહાર કોને પહેરાવીશ? જો હું મારા આ પ્રાણુ અર્પી દઉં તો કોને ચરણે પ્રાણ અર્પીશ? મને આખો વખત બીક લાગ્યા કરે છે કે રખેને અવહેલનાને કારણે કોઈ મનમાં ને મનમાં વ્યથા પામે. ૧૮૮૬

આખો વખત અવજ્ઞા, પોતાની સાથે આ કેવો ખેલ છે? આ પવનમાં ફૂલની ગંધથી કોનું મોં યાદ આવે છે? કોણ જાણે કોનું હાસ્ય આંખની પાસે તરતું વહે છે, આ આંખના ખૂણામાં બે ટીપાં આંસુ મૂકી જાય છે. કોણ ઉદાસી કઈ છાયામાં દૂર અલસ ભાવે વાંસળી વગાડી રહ્યો છે? લાગે છે જાણે કોઈના મનની વેદના વાંસળીના ગીતમાં રુદન કરતી ફરી રહી છે. આખો દિવસ ગીત ગૂંથીને કોને ઇચ્છે છે, પ્રાણ ગાય છે. વૃક્ષ નીચેની છાયાની જેમ ફૂલ વનમાં બેઠેલી છું. ૧૮૮૮

ભમરો વારંવાર પાછો જાય છે, ભમરો વારંવાર પાછો આવે છે, ત્યારે તો ફૂલ ખીલે છે. કળી ફૂટવા ચાહે છે, ફૂટતી નથી, શરમથી મરે છે, ભયથી મરે છે. માન-અપમાન ભૂલીને મન અને પ્રાણ અર્પણ કરો, રાતદિવસ પાસે રહો. અરે ઓ, આશા છોડો તો પણ આશા રાખતાં રહો, હૃદયરત્નની આશામાં. પાછાં આવો, પાછાં આવો, વનની આનંદમય પુષ્પસુગંધમાં. આજે વિરહની રાત, પ્રફુલ્લ પુષ્પશી શિશિર સલિલમાં તરી રહી છે. ૧૮૮૮

મારા પ્રાણ જે ઇચ્છે છે તે જ તું છે, તું તે જ છે, તારા સિવાય આ જગતમાં મારું કોઈ નથી. કાંઈ નથી. જો તને સુખ ન મળતું હોય તો જા, સુખની શોધમાં જા — હું તને હૃદયમાં પામી છું, હવે મારે કશું જોઈતું નથી. હું તારા વિરહમાં વિલીન થઈ રહીશ, તારામાં જ વાસ કરીશ,—લાંબાંલાંબાં દિવસો, રાત્રિઓ, માસો અને વર્ષો સુધી, જો તું બીજા કોઈને ચાહે, જો હવે પાછો ન આવે, તે તેને જે જોઈએ છે તે તેને મળો, ભલે હું ગમે તેટલુ દુઃખ પામું. ૧૮૮૮

જેને તેં નયનનાં અશ્રુથી વિદાય કર્યો છે તેને હવે કયે બહાને પાછો બોલાવીશ? આજે વસંતના વાયુમાં મધરાતે કુસુમવનમાં બકુલ તળે તે યાદ આવ્યો કે શું? તે દિવસે પણ વસંતની રાત્રિ પ્રાણમાં ભળી ગઈ હતી, અને દશે દિશાઓ કુસુમદલથી ખીલી ઊઠી હતી. કાનમાં ને કાનમાં સ્નેહના બે શબ્દો કહ્યા હોત, જો પેલી માળા ગળામાં પહેરાવી હોત (તો કેવું સારું થાત). હવે તેને કયે બહાને પાછો બોલાવીશ? વસંતની પૂર્ણિમાની મધુર રાત્રિ તો વારંવાર આવે છે, પણ જે ચાલ્યો ગયો તે માણસ પાછો આવતો નથી. તિથિ અનુકૂળ હતી, માત્ર એક ક્ષણની જ ભૂલ—હવે સદા માટે તૃષાથી આકુલ પ્રાણ બળ્યા કરે છે. હવે તેને કયે બહાને પાછો બોલાવીશ? ૧૮૮૮

એ મધુર મુખ મારા મનમાં જાગી ઊઠ્યાં કરે છે, સ્વપ્નમાં કે જાગતાં આ જીવનમાં એને ભૂલી નહીં શકું. તું જાણે કે ન જાણે, મનમાં સદા જાણે મધુરી બંસી બજ્યા કરે છે—તું હૃદયમાં સદા છે તેથી જ. હું એને પ્રકટ કરી શકતો નથી, કેવળ ભીરુ દૃષ્ટિએ જોઈ રહું છું. ૧૮૮૮

૧૦

જગતમાં પ્રેમની જાળ બિછાવેલી છે. કોણ ક્યાં પકડાઈ જાય છે તે કોણ જાણે? હાય, બધો ગર્વ કોણ જાણે ક્યારે તૂટી જાય છે, ક્યારે આંખમાંથી આંસુ વહી જાય છે! આ સુખભરી ધરતીમાંથી ફક્ત લેવાનું જ તું ઇચ્છે છે. એ નથી જાણતો કે પોતાની જાતને આપવી પડશે. સુખની છાયા છોડીને ક્યારે ચાલી જઈશ અને સ્વેચ્છાએ વેદનાને વરણ કરીશ? ક્યારે વાંસળી બજે છે, ગર્વ વહી જાય છે, પ્રાણ બંધનમાં આવી પડે છે! ૧૮૮૮

૧૧

જો આવે જ છે તો ચાલ્યા જવા કેમ ઇચ્છે છે? દેખા દઈને પછી કેમ સંતાઈ જાય છે? ફૂલ જોઈ રહે છે, હૃદય આકુલ છે, વાયુ આવીને કહે છે, “તણાઈ જાઉં.” પકડી રાખો, પકડી રાખો, સુખરૂપી પંખી હાથતાળી દઈને ઊડી જાય છે. પથિકવેશે સુખરૂપી રાત આવીને હસતી હસતી કહે છે, “વિલીન થઈ જાઉં.” જાગતા રહો, વર્ષોની ઇચ્છા પલકારામાં અલોપ થઈ જાય છે. ૧૮૮૯

૧૨

આવા દિવસે, આવી ઘનઘોર વર્ષામાં તેને કહી શકાય. આવા દિવસે, આવા મેઘસ્વરે, વાદળ ઝરમર વરસતાં હોય ત્યારે સૂર્ય વગરના ગાઢ અંધકારમાં મન ખોલી શકાય. તે વાત બીજું કોઈ નહિ સાંભળે, ચારે દિશા નિર્જન અને એકાંત હશે. બંને જણ ઊંડા દુઃખથી દુ:ખી થઈને મોઢામોઢ બેઠાં હશે, આકાશમાંથી અવિરત વરસાદ વરસતો હશે, જગતમાં જાણે બીજું કોઈ નહિ હોય. સમાજ સંસાર બધું મિથ્યા છે, આ જીવનનો કોલાહલ મિથ્યા છે. ફક્ત આંખ વડે આંખની સુધાનું પાન કરવાનું, હૃદય વડે હૃદય અનુભવવાનું —બીજું બધું તો અંધારામાં ભળી ગયું છે. જો હું મારા મનનો ભાર ઉતારી શકતો હોઉં તો એમાં આ જગતમાં કોને નુકસાન છે? શ્રાવણના વરસતા વરસાદમાં એક વખતે ઘરના ખૂણામાં જો હું તેને બે વાત કરું, તેમાં કોને શું નુકસાન થવાનું છે? આજે વાયુ વ્યાકુળ વેગથી વાય છે, વીજળી રહી રહીને ચમકે છે, જે વાત આ જીવનમાં મનમાં જ રહી ગઈ છે તે જો. આજે આવી ઘનઘોર વર્ષામાં કહી શકાય તો સારું. ૧૮૯૦

૧૩

મારા મન સાથે, હે પ્રાણપ્રિય, તારે કઈ રમત રમવી છે? ક્યાંથી તણાઈ આવીને કિનારા ઉપર તારા ચરણે વળગ્યું છે, ઉપાડીને જો. એ કંઈ ઘાસ નથી, તણાઈ આવેલાં ફૂલફળ નથી; એ તો વ્યથાભર્યું મન છે, એટલું યાદ રાખજે. કોઈને ખબર નથી એ શા માટે આવે છે ને શા માટે જાય છે; કોણ શાના આકર્ષણથી કોની પાસે આવે છે. જો તું પ્રેમપૂર્વક એને રાખશે તો એ શાશ્વત પ્રાણ પામશે, જો ફેંકી દેશે તો શું એ જીવશે? ૧૮૯૪

૧૪

કોણે ફરી મારે દ્વારે આઘાત કર્યો? આ મધરાતે કોને શોધવા? કોણ આવીને ઊભો રહ્યો? બહુ સમય પહેલાં વસન્તના એક દિવસે એક નવીન અતિથિ આવ્યો હતો. એણે મારા વ્યાકુળ જીવનને અસીમ રોમાંચના સમુદ્રમાં ડુબાડી દીધું. આજે ગાઢ અન્ધકાર છે, વર્ષા છે. ઝરઝર પાણી ઝરે છે, ઝૂંપડી ભાંગી તૂટી છે—વરસાદના પવનથી દીવો બુઝાવી દીધો છે ને હું એકલી જાગતી બેઠી છું. હે અજાણ્યા અતિથિ, તારાં ગીતસૂર મારા કાનને અત્યંત મધુર લાગી રહ્યાં છે. તારી સાથે વણઓળખ્યા એ અસીમ અન્ધકારમાં ચાલ્યા જવાનું હું વિચારી રહી છું. ૧૮૯૫

૧૫

મારા એકાંત નવજીવન ઉપર કોની વીણા મધુર સ્વરે વાગી ! કોના બે નિરુપમ ચરણો માટે મારું હૃદય પ્રભાતકમળની પેઠે ખીલી ઊઠ્યું. બધી શોભા અને બધી માધુરી જાગી ઊઠે છે. પળે પળે હૃદય પુલકથી ભરાઈ જાય છે. (કોણ જાણે) ક્યાંથી હવા નવ જાગરણ લાવે છે અને પ્રાણનું આવરણ દૂર કરે છે. સુખમાં અને દુઃખમાં હૃદયમાં કરેલી વ્યથા થાય છે તે મારે કેવી રીતે સમજાવીને કહેવી, મને શબ્દો નથી આવડતા. મારી વાસના આજે ત્રિભુવનમાં ગાજી ઊઠે છે અને વેદનાથી નદી અને વનરાજિ કંપે છે. ૧૮૯૫

૧૬

તને જોઈને અત્યંત આશ્ચર્ય થાય છે. તું ક્યાંથી હૃદયમાં આવ્યો? એ મુખ, એ હાસ્ય— ( તેને) શા માટે આટલો ચાહું છું? શા માટે ચૂપચાપ આંસુઓની ધારામાં વહું છું? તને જોઈને જાણે કે યાદ આવે છે કે તું ચિરજીવનમાં ચિરપુરાતન છે. તું આવીને ઊભો નથી રહેતો ત્યારે હૃદયમાં વાંસળી બજતી નથી. બધો પ્રકાશ, બધું હાસ્ય અંધકારમાં ડૂબી જાય છે. ૧૮૯૫

૧૭

રાત દિવસ મારું મન માનતું નથી. હું કોણ જાણે શીય વાત સંભારીને આ શરીરમાં રોમાંચ સમાવી શકતી નથી. અરે, મનમાં શોય વિચાર આવતાં આ બે આંખોમાં આંસુ ઊભરાય છે, હે સજની. તે અમૃત જેવી વાણી, તે સુખભર્યો સ્પર્શ (સંભારીને) મારાં અંગોમાં વાંસળી વાગે છે. તે સાંભળી સાંભળીને હૃદય પોતાના મનમાં ને મનમાં કોણ જાણે શાથી ઉદાસ થઈ જાય છે. અરે, પવનમાં શી વાત તણાઈ આવે છે, આકાશમાં કયું મુખ પ્રગટ થાય છે; અરે વનના મર્મરમાં અને નદી નિર્ઝરમાં કયો મધુર સૂર સંભળાય છે. ફૂલની સુગંધ પ્રિયતમની પેઠે ગળે વળગે છે, હું એ વાત, એ વ્યથા, એ સુખ-વ્યાકુળતા કોને ચરણે ન્યોછાવર કરીશ? ૧૮૯૬

૧૮

અરે હે વિદેશિની, હું તને બરાબર ઓળખું છું, તું દરિયાની પેલી પાર રહે છે, એ બરાબર જાણું છું. હે વિદેશિની, મેં તને શરદના પ્રાતઃકાળે જોઈ છે, વસંતની રાત્રિએ જોઈ છે, હૃદયની અંદર પણ તને જોઈ છે. આકાશમાં કાન માંડીને મેં તારાં ગાન ધરાઈ ધરાઈને સાંભળ્યાં છે. હે વિદેશિની, મેં તને મારો પ્રાણ સોંપી દીધો છે. આ પૃથ્વી પર ફરી ફરીને છેવટે હું નવીન દેશમાં આવ્યો છું. હું તારે બારણે અતિથિ થઈને આવ્યો છું, હે વિદેશિની ! ૧૮૯૬

૧૯

આહા, રાત જાગી જાગીને પૂરી થઈ હે સુંદરી, તારી આંખો થાકી ગઈ છે. ઝાંખો દીવો પ્રભાતના વાયુથી હાલ્યા કરે છે; ફિક્કો ચંદ્ર અસ્તાચળે ગયો છે. આંસુ લૂછી નાખ, ચાલ સખી, શરીરે નીલાંબર લપેટીને ચાલ. શરદનું પ્રભાત નિરામય અને નિર્મળ છે, શાંત સમીરમાં કોમળ પરિમલ છે. નિર્જન વનભૂમિ ઝાકળથી ખૂબ શીતળ છે. તરુલતા પુલકથી આકુલ છે. કરમાયેલી માળાને વિરહશયન ઉપર ફેંકી દઈને હે બાળા, નવ ભુવનમાં આવ. અંચલમાં પારિજાતનાં તાજાં ફૂલ અને અલકમાં નવી પુષ્પમંજરી ગૂંથી લે. ૧૮૯૬

૨૦

હે સુંદર, તારા પર વારી જાઉં છું. શાના વડે તને વધાવું? આજે જાણે કે તારો ફાગણ મારા પ્રાણોની પાસે આવે છે, અને સુધારસની ધારે ધારે મારી અંજલિને ભરી ભરી દે છે, માદક પવન દિશાઓના અંચલમાં પુલક રૂપી પૂજાની અંજિલ લાવે છે, મારા હૃદયના પથ પર જાણે ચંચલ ચાલ્યો આવે છે. મારા મનના વનની ડાળી ઉપર જાણે નિખિલ (રૂપી) કોકિલ બોલે છે, જાણે મંજરી રૂપી દીપશિખા નીલ આકાશમાં ધરી રાખે છે. ૧૮૯૬

૨૧

હે મનમોહન, હૃદયમાં મોહિત કરનારી આ તે શી રાગિણી વગાડી તે તો તું જ જાણે, તું જ જાણે. મારા મુખ ભણી જોયું અને નીરવે શું ગાયું, શાથી મારા મન પ્રાણ મોહી પડ્યા તે તો તું જ જાણે, તું જ જાણે. એને, ધ્વનિ, એનો પ્રતિધ્વનિ હું દિવસરાત સાંભળ્યા કરું છું, તેં શી રીતે મારા મર્મને સ્પર્શ કર્યો, તું ક્યાંથી પ્રાણને છીનવીને લાવ્યે, તે તો તું જ જાણે, તું જ જાણે. ૧૮૯૬

૨૨

રે, ગીત-સુધા માટે મારું ચિત્ત પિપાસિત છે. તાપથી બળેલી શુષ્ક લતા જેમ વરસાદની યાચના કરે છે તેમ મારું કાતર હૃદય ગીત-સુધા માટે ધૂળમાં આળોટે છે. આજે વસંતની રાત્રિ છે; આજે અનંત તૃષા છે; આજે આ જાગૃત પ્રાણ ગીત-સુધા માટે ચકોરની પેઠે તરસે મરે છે. આકાશમાંનો અતન્દ્ર ચંદ્ર સુપ્ત વિશ્વમાં જાગે છે. અંતર અને બાહ્ય આજે ઉદાસ સ્વરે ગીત-સુધા માટે રડે છે. ૧૮૯૬

૨૩

તારી છાની વાત, સખી, મનમાં ન રાખ. માત્ર મને, મને ગુપચુપ કહે. હે ધીરમધુરહાસિની, ધીરમધુર ભાષામાં બોલ—હું કાનથી નહિ સાંભળું રે, પ્રાણના શ્રવણથી સાંભળીશ. રાત્રિ ગંભીર હોય ત્યારે, પૃથ્વી નીરવ હોય ત્યારે, કુસુમવનમાં પંખીનો માળો ઊંઘમાં ડૂબેલો હોય ત્યારે, તું અશ્રુજડિત કંઠે બોલ, કંપિત સ્મિત હાસ્યે બોલ—મધુર વેદનાથી કાતર હૃદયે, લજજા-નમણાં નયને બોલ! ૧૮૯૬

૨૪

હું દૂર ચાલ્યો જાઉં તોયે મને યાદ રાખજો, જો જૂનો પ્રેમ નવા પ્રેમની જાળમાં ઢંકાઈ જાય તોયે મને યાદ રાખજો, જો પાસે રહું, છાયાની પેઠે. છું કે નથી એ જોઈ ન શકો, તોયે મને યાદ રાખજો. આંખોનાં પોપચાં ભીનાં થાય, એક દિવસ મધુરજનીએ જો રમત થંભી જાય, એક દિવસ શરદ ઋતુના પ્રભાતે જો કામમાં વિઘ્ન આવી પડે—તોયે મને યાદ રાખજો. યાદ આવતા આંખના ખૂણામાં આંસુ છલકતાં ન દેખાય—તોયે મને યાદ રાખજો. ૧૮૯૬

૨૫

તમે હમણાં જતા નહિ, હજી રાત છે. રસ્તો નિર્જન છે, અંધકાર ગાઢો છે. જંગલ કાંટાનાં ઝાડોની ઝાડીવાળું છે.—અંધકારમય પૃથ્વી છે. ખૂબ હોંશથી મેં દીવો સળગાવ્યો, માળા ગૂંથી—ઘણે દિવસે, હે બંધુ, મને તમારાં દર્શન થયાં. આજે હું અકુલની પાર જઈશ, મારી જીવનનૌકા પ્રેમના સાગરમાં વહાવીશ. ૧૮૯૬

૨૬

તું મારા હૃદયમાં નિબિડ નિભૃત પૂર્ણિમા નિશીથિનીની પેઠે નીરવ રહેશે. મારા જીવનને યૌવનને મારા અખિલ ભુવનને નિશીથિનીની પેઠે તું ગૌરવથી ભરી દેશે. તારી કરુણ આંખ એકલી જાગતી રહેશે, તારા અંચલની છાયા મને ઢાંકી રહેશે. મારી દુઃખ-વેદના, મારાં સફળ સ્વપ્નાં, નિશીથિનીની પેઠે તું ભરી દેશે સૌરભથી. ૧૮૯૬

૨૭

તીવ્ર વેદનાની જેમ તું મારા પ્રાણમાં બજી રહ્યો છે. મન મનોમન શું કરે છે તે મન જ જાણે છે. નિશદિન તને હૃદયમાં રાખી રહ્યો છું. આંખ ભરીને (તારા) મુખ તરફ જોયા કરું છું. તારે માટે મોટી આશા, ખૂબ તૃષ્ણા અને ભારે કામના છે. ખૂબ સુખ, દુ:ખ અને અનુરાગથી જાગતો રહ્યો છું. જે થવાનું હતું તે આ જન્મભર માટે થઈ ગયું છે. મરણના ખેંચાણથી મન અને પ્રાણ તણાઈ ગયાં છે. ૧૮૯૬

૨૮

મધુર રવ કરતા ઝાંઝરનો રૂમઝૂમ રૂમઝૂમ અવાજ કરતી તે ધીરે ધીરે આવે છે અને શરમાઈને પાછી જાય છે. ખીલેલી કદંબકુંજમાં નિબિડ તિમિર પુંજમાં ઉન્મત્ત પવનથી કેશરૂપી ફૂલની સુગંધ હૃદયરૂપી મંદિરમાં આવે છે. શંકિત ચિત્ત અત્યંત કંપે છે, ચંચલ અંચલ ઊડે છે. તૃણવીથિ પુષ્પિત છે, વનગીતિ ઝંકૃત છે.—કોમલ પદપલ્લવથી ચુંબિત ધરતીમાં, નિકુંજ કુટિરમાં (તે આવે છે). ૧૮૯૬

૨૯

હે સખી, જોગી ભિખારી પરોઢિયે મારે જ દરવાજે કેમ આવ્યો? કરુણ સ્વરમાં વીણા કેમ બજાવી? હું જેટલી વાર આવું છું ને જાઉં છું, તેનું મોં નજરે પડે છે. તેને બોલાવું કે પાછો વાળું એ જ વિચારું છું. શ્રાવણમાં અંધારી દિશા (હોય છે), શરદઋતુમાં સ્વચ્છ રાત્રિ (હોય છે), વસંતમાં દક્ષિણ પવન (વાય છે), ઉપવન ખીલી ઊઠે છે- કેટકેટલા ભાવથી કેટકેટલાં ગીત રોજ રોજ ગાય છે—મન કામમાં ચોંટતું નથી, આંખનાં આંસુઓમાં વહી જાઉં છું. ૧૮૯૬

૩૦

આ કયું વિરહવિધુર પંખી મારા વક્ષના માળામાં કરુણ મધુર અધીરતાને ટહુકી ઊઠે છે? નિબિડ છાયા, ગહન માયા, પલ્લવઘન નિર્જન વન શાન્ત પવનમાં કુંજભવને આ કોણ એકાકી જાગી રહ્યું છે? રાત્રિ વિહ્વળ, ઘનઘોર નિદ્રા, ઘેરી તમાલશાખા નિદ્રાના અંજનથી અંજાયેલી, ચેતનાહીન નિશ્ચલ તારા, ફિકકું તન્દ્રામગ્ન આકાશ, થાકેલો દિશાભ્રાન્ત ચન્દ્ર, નિદ્રાથી અળસાયેલી આંખ. ૧૮૯૬

૩૧

કેમ આંખો આપમેળે જળમાં વહી જાય છે? કેમ મન કેમ આમ કરે છે? જાણે એકાએક કશુંક યાદ આવે છે- યાદ નથી આવતી તોય યાદ આવી જાય છે. ચારે બાજુ બધું મધુર નીરવ છે, કેમ મારા જ પ્રાણ રડી રડીને મરે છે? કેમ મન કેમ આમ કરે છે? જાણે કોઈકના શબ્દોએ વેદના આપી છે, જાણે કોઈ અનાદર થવાથી પાછું વળી ગયું છે—એના પ્રત્યેની અવહેલના પ્રાણને પીડા દઈ રહી છે. જાણે એકાએક કશુંક યાદ આવે છે- યાદ નથી આવતી તોય યાદ આવી જાય છે. ૧૮૯૬

૩૨

તમારા નવ પ્રભાતના તાજા ઝાકળથી છંટાયેલી માત્ર એક જ માળા યાચવા આવ્યો છું. પણે તમારી ફૂલવાડીને દીપાવતાં કેટલાંય લાજુક ગુલાબ, કેટલીય ગર્વવાળી કરેણ, અરે કેટલાંય ફૂલ ફૂટયાં છે ! તમારા કેશ પર શરદનો શીતલ વાયુ વાઈ રહ્યો છે, હોઠ પર કિશોર અરુણનાં કિરણ પડી રહ્યાં છે. તમારા અંચલમાંથી વનને માર્ગે કેટલાંય ફૂલ ખરી પડ્યાં છે, તમારી છાબમાં કેટલાંય કુંદ, કેટલાંય પારિજાત ભર્યાં છે. ૧૯૦૦

૩૩

હે અકિંચન, તેં મને અકિંચન કરી મૂકયો છે, વળી તારે બીજું શું જોઈએ છે? હે ભિખારી, મારા ભિખારી, કેવું દુ:ખે ભર્યું. ગીત ગાતો તું ચાલી રહ્યો છે ! દરરોજ પ્રભાતે તને હું નવાં નવાં ધનથી તુષ્ટ કરીશ એવાં મને અરમાન હતાં—હે મારા ભિખારી, પલકમાત્રમાં મેં તારા ચરણમાં સઘળું સોંપી દીધું છે. હવે તો બીજું કશું છે નહીં. મેં મારી છાતી પર છેડો વીંટાળીને તને વસ્ત્ર પહેરાવ્યું છે. તારી આશા પૂરી કરવા મેં મારા સમસ્ત સંસારને ઠાલવી દીધો છે. જો, મારાં પ્રાણ મન નવયૌવન બધું જ તારી હથેળીમાં પડ્યું છે– ભિખારી, હે મારા ભિખારી, જો હજી તારે જોઈતું હોય તો તું મને કશુંક આપ, હું તને એ પાછું વાળી દઈશ. ૧૯૦૦

૩૪

તું આમ રમત કરતી કેમ કંકણ રણકાવ્યા કરે છે? કનકકળશમાં જળ ભરીને તું ઘેરે પાછી ચાલી આવ. તું શા માટે જળમાં તરંગો ઊભા કરીને છાલક ઉડાડીને રમત રમ્યા કરે છે? તું રમત કરતી કોના તરફ ક્ષણે ક્ષણે ચકિત નયને જોઈ રહી છે? જો, યમુનાને કાંઠે આળસમાં નાહક કેટલી વેળા વીતી ગઈ ! હાસ્યભર્યા તરંગો રમતમાં કલસ્વરે છાનુંછપનું કશુંક કહી રહ્યા છે. જો, નદીને સામે કાંઠે આકાશને કિનારે વાદળોનો મેળો જામ્યો છે. એ બધાં રમતમાં હસી હસીને તારા મુખભણી જોઈ રહ્યાં છે. ૧૯૦૦

૩૫

તું સંધ્યાની મેઘમાલા છે, તું મારી હોંશની સાધના છે. હે મારા શૂન્યગગનની વિહારિણી ! મેં મારા મનની માધુરી ઘૂંટીને તારી રચના કરી છે, તું મારી જ છે, તું મારી જ છે, હે મારા સીમાહીન ગગનની વિહારિણી ! મારા હૃદયના રક્તના રંગે મેં તારા ચરણ રંગ્યા છે, હે સંધ્યાસ્વપ્ન વિહારિણી ! મારાં સુખદુ:ખને ભાંગીવાટી સુધા અને વિષને મિલાવી તારા અધરને મેં ચીતર્યા છે. તું મારી જ છે, તું મારી જ છે, હે મારા વિજન જીવનની વિહારિણી ! મારા મોહનાં સ્વપ્નાંનું અંજન મેં તારાં નયનોમાં આંજી દીધું છે, હે મુગ્ધ નયન વિહારિણી ! મારા સંગીતથી મેં તારાં અંગેઅંગને વેષ્ટિત કરી દીધું છે. તું મારી જ છે, તું મારી જ છે, હે મારા જીવન-મરણની વિહારિણી ! ૧૯૦૦

૩૬

હે સખી, પ્રેમપૂર્વક એકાંતમાં અને યત્નપૂર્વક મારું નામ તારા મનના મંદિરમાં લખ. મારા પ્રાણમાં જે ગીત બજે છે તેનો તાલ તારા ચરણનાં ઝાંઝરમાં શીખ. મારા મુખર પંખીને તારા પ્રાસાદ–પ્રાંગણમાં સ્નેહ અને આદરથી પકડી રાખજે. યાદ રાખીને હે સખિ, મારા હાથની રાખડી તારા કનકકંકણે બાંધી રાખજે. મારી વેલની એક કળી ભૂલથી ચૂંટીને તારા અંબોડામાં રાખજે, મારા સ્મરણના શુભ સિંદૂરથી તારા લલાટચંદનમાં એક ટપકું કરજે. મારા મનના મોહની માધુરી તારી અંગસૌરભમાં લગાવીને રાખી મૂકજે. મારું આકુલ જીવન-મરણ તારા અતુલ્ય ગૌરવથી તોડી નાખીને લૂંટી લે. ૧૯૦૦

૩૭

હે સખી, દરરોજ આવીને કોણ પાછો વળી જાય છે? તેને મારા માથાનું એક ફૂલ આપજે. જો પૂછે કે કોણે આપ્યું, કયા બાગમાં? – તો મારા સોગંદ, મારું નામ ન કહીશ. હે સખી, તે આવીને જે વૃક્ષ નીચે ધૂળમાં બેસે છે, ત્યાં બકુલની પાંદડીઓનું આસન બિછાવી રાખજે. કરુણ નેત્રોથી તે કરુણા જગાવે છે—જાણે કે કંઈક કહેવા માગે છે (પણ) કહ્યા વિના તે જતો રહે છે. ૧૯૦૦

૩૮

આજે જે રજની જઈ રહી છે તેને હું કેવી રીતે પાછી લાવીશ? નયનનું જલ પ્રેમનયનથી નિષ્ફળ વહી રહ્યું છે! હે સખી, આ વસ્ત્રાલંકાર લઈ લે, આ કુસુમમાળા અસહ્ય બની ગઈ છે, - આવી રાત વિરહશયનમાં વીતી ગઈ. હું આ જમનાને પાર વૃથા અભિસારે આવી છું, મનમાં વૃથા આશા સેવીને આટઆટલો પ્રેમ મેં કર્યો છે. આખરે રાત પૂરી થતાં મારું વદન મલિન છે, પગ થાકી ગયા છે, મન ઉદાસીન છે; હું કયા સુખ વગરના ભવનમાં પાછી જઈ રહી છું. અરે ઓ, ભુલાય તો સારું, હવે ફોગટ રડવાથી શું થવાનું છે! જો (પાછા) જવું જ પડ્યું તો પ્રાણ શા માટે હવે પાછળ જુએ છે. કુંજને દ્વારે મૂરખની પેઠે રાત્રિ પૂરી થઈ છતાં ક્યાં સુધી બેસી રહીશ. આ ફેરે તો જીવનમાંથી વસંત ચાલી ગઈ. ૧૯૦૩

૩૯

આખો દિવસ ધીરે ધીરે રેતી લઈને કાંઠા પર કેમ માત્ર રમત રમ્યા કરે છે? વેળા વીતી ગઈ, ખોટી રમત છોડીને કાળા જળમાં કૂદી પડ. અતલ જલ તાગીને જે હાથ લાગે તે લઈને હસીરડીને ઘરે પાછી વળ. નથી ખબર કે મનમાં શું ધારીને કોઈ રસ્તા પર આવીને બેઠું છે; પુષ્પની સુવાસથી ફાગણના પવનમાં એ કેવી હૃદયને ઉદાસ કરી મૂકે છે? આ ઉન્મત્ત પવનમાં જ એ ઉદાસીને સાથે લઈને ચાલી નીકળ. ૧૯૦૩

૪૦

મારા યૌવનની કુંજમાં પંખી ગાય છે : સખી, જાગ, જાગ. રાગ-અલસ આંખ ખોલીને અનુરાગ-અલસ આંખે હે સખી, જાગ, જાગ. આજે આ ચંચલ મધરાતે, ફાગણના ગુણગાનથી, આ પ્રથમ પ્રણયથી બીધેલી જાગ, મારા નંદનવનમાં કોકિલ વારંવાર પુકારી ઊઠે છે – સખી, જાગ, જાગ. નવીન ગૌરવથી, નવ બકુલના સૌરભથી, મૃદુ મલયાનિલના વીજનથી, એકાંત નિર્જનમાં જાગ, આજે આકુલ ફૂલના શણગાર સાથે, મૃદુ કંપિત લજ્જા સાથે મારા હૃદયશયનમાં જાગ. સાંભળ, મારા અંતરમાં રહી રહીને મધુર મુરલી વાગે છે – સખી, જાગ, જાગ. ૧૯૦૩

૪૧

કેશમાં ફૂલ ન મૂક ફક્ત ઢીલો અંબોડો બાંધ. કાજલવિહીન સજલ આંખોથી હૃદયદ્વાર ઉપર ટકોરો દેજે. આકુલ અંચલથી પથિકના ચરણમાં મરણનો ફાંસલો નાખ, વાદવિવાદ કર્યા વગર, હે નિર્દય, તારા મનની જે ઇચ્છા હોય તે ચુપચાપ પૂરી કર. આવાં, ભૂષણો વિના જ આવ; દોષ નથી, એમાં દોષ નથી. જે આવે તે છો આવે. એ તારું રૂપ પ્રયત્ન વિનાના શણગારથી સજાવ. કેવળ આંખને ખૂણેથી હાસ્યનો આઘાત કરી આકુલ હૃદયને આંજી નાખ. ૧૯૦૪

૪૨

રાત્રિ પૂરી થાય તે પહેલાં, હે પ્રિયે, તારા અગ્નિ દ્વારા (મારો) જીવનદીપ પેટાવતી જા. તું કોણ જાણે ક્યારે સામેના પથ પરથી દીપ-શિખા લઈને જઈશ, તેથી હું તારી રાહ જોઈ રહ્યો છું. [દીવો] બળશે એવી આશામાં મારું નીરવ હૈયું પોતાના અંધકાર લઈને રહ્યું છે. ૧૯૦૪

૪૩

હવે વખત નથી. પૃથ્વી પર છાયા ઊતરી છે. ઘડો ભરી લેવા માટે હવે ઘાટે ચાલ, જલધારાનો કલકલ ધ્વનિ સંધ્યા ગગનને આકુલ કરે છે, તે અવાજ મને રસ્તા ઉપર બોલાવે છે. અત્યારે નિર્જન માર્ગ ઉપર કોઈ આવ-જા કરતું નથી. અરે પ્રેમનદીમાં તરંગો ઉઠ્યા છે, પવન અધીર છે. મને ખબર નથી પાછી ફરીશ કે નહિ, કોની આજે સાથે પરિચય થશે. ઘાટ ઉપર તે જ અજાણ્યો હોડીમાં બેસીને વીણા વગાડે છે. ૧૯૦૮

૪૪

રૂપથી હું તમને નહિ ભોળવું, પ્રેમથી ભોળવીશ. હાથથી હું બારણું નહિ ખોલું; ભલા, ગાનથી ખોલાવીશ. ભૂષણોના ભારથી તમને ભરીશ નહિ, ફૂલના હારથી તમને સજાવીશ નહિ, મારા પ્રેમની માળા કરીને તમારે ગળે ઝુલાવીશ. કોઈ જાણશે નહિ કે કયે તોફાને પ્રાણમાં મોજાં પર મોજાં ઊછળી રહેશે. ચંદ્રની જેમ અલક્ષ આકર્ષણે ભરતીનાં મોજાં ઉછાળીશ. ૧૯૧૦

૪૫

ક્યાં બહાર દૂર ઊડી જાય છે, આ તારી ચપળ આંખ-વનનું પંખી વનમાં ભાગી જાય છે. હૃદયમાં જ્યારે મોહન સૂરે બંસી બજશે ત્યારે એ આપમેળે રડતું પાછું ફરશે, ફંદામાં આવી જશે. ત્યારે આ બધી ત્વરા, અહીંતહીં ભમ્યા કરવું એ બધું પૂરું થઈ જશે. આજે એ આંખ-વનનું પંખી વનમાં ભાગી જાય છે. હૃદયદ્વારે કોણ આવે જાય છે તે મીટ માંડીને તું જોઈશ નહીં. તું સાંભળજે, દક્ષિણનો વાયુ સંદેશો લઈ આવે છે. આજે ફૂલની સુવાસે, સુખના હાસ્ય, વ્યાકુળ ગીતે ચિરવસંત તારી જ શોધમાં મારા પ્રાણમાં પધારી છે. એને તું બહાર પાગલની જેમ શોધતી ફરતી હતી – તારી ચપળ આંખ-વનનું પંખી, વનમાં ભાગી જાય છે. ૧૯૧૦

૪૬

ખોલો ખોલો, દ્વાર ખોલો, હવે મને બહાર ઊભી રાખશો નહીં. મને ઉત્તર આપો, ઉત્તર આપો, આ તરફ જુઓ, બન્ને હાથ પ્રસારીને આવો. કામકાજ પૂરાં થઈ ગયાં છે, સાંજનો તારો ઊગી ચૂકયો છે. અસ્ત સાગરની પાર પ્રકાશની હોડી ચાલી ગઈ છે. ઝારી ભરી લઈને જલ આણ્યું છે? પવિત્ર રેશમી વસ્ત્ર સજ્યું છે? વેણી બાંધી છે? ફૂલ ચૂંટ્યાં છે? કળીઓની માળા ગૂંથી છે? ગાયો કોઢમાં પાછી ફરી છે, પંખીઓ માળામાં આવી ગયાં છે. આખા જગતમાં જેટલા મારગ હતા તે બધા અંધકારમાં ખોવાઈ ગયા છે. ૧૯૧૦

૪૭

ઘરમાં ભ્રમર ગુનગુન કરતો આવ્યો. મને એ કોની વાત સંભળાવી જાય છે? પ્રકાશમાં કયા આકાશમાં માધવી વનમાં જાગી ઊઠી એ ફૂલને જગાડવાના ખબર લઈને આવ્યો છે. આખો દિવસ એ જ વાત મને એ સંભળાવી જાય છે. ઘરમાં શી રીતે રહું? મન અસ્વસ્થ થઈ જાય છે! દિવસ ગણતાં ગણતાં સમય કેમ વીતશે? એ શી માયાનો મને સ્પર્શ કરાવી જાય છે ! એણે બધાં કામકાજ ભુલાવી દીધાં છે. ગીતના સૂરની જાળ વણવામાં વેળા વીતી જાય છે. મને એ કોની વાત સંભળાવી જાય છે? ૧૯૧૧

૪૮

તું મને ફક્ત ક્ષણેકને માટે જરા તારી પાસે બેસવા દે, આજે મારા હાથમાં જે કંઈ કામકાજ છે તે હું પછીથી પૂરાં કરીશ. તારા મોં સામે જોયા વિના મારું હૃદય શાંત થતું નથી,—કામકાજમાં ગમે એટલો ઘૂમ્યા કરું, પણ આકુલ સાગરમાં ભમતો હોઉં એવું લાગે છે. આજે ઉચ્છ્વાસે નિશ્વાસે મારી બારીએ વસંતનું આગમન થયું છે. અલસ ભ્રમર ગુંજારવ કરતો આવે છે, કુંજના જાગરણમાં ફરે છે. આજે તો કેવળ એકાંતમાં બેસીને આંખોમાં આંખો પરોવી જોઈ રહેવાનો દિવસ છે. આજે હું નીરવ અવકાશમાં જીવનસમર્પણનું ગાન ગાઈશ. ૧૯૧૪

૪૯

ઘણું મેળવવાની વચ્ચે વચ્ચે ક્યારેક થોડુંક પામવું – એ (થોડું પામવું) જ દક્ષિણ હવાને જગાડે છે. દિવસ પછી દિવસ ચાલ્યા જાય છે, જાણે તેઓ રસ્તાના વહેણમાં વહી જતા ન હોય. બહારથી જ એમની અવરજવર થાય છે. ક્યારેક એક પ્રભાત આવે છે જે મારા ઘરમાં જ ધામા નાખે છે. તે જાણે મારી ચિરદિનની ચાહના ન હોય? ખોવાઈ જતા પ્રકાશની વચ્ચે કણ-કણ ઉપાડીને જેને મેળવ્યું છે તે મારા જીવનની માળામાં ગૂંથાયેલું રહ્યું છે. તે જે મારી છિન્નભિન્ન થયેલા દિવસોના ખંડ પ્રકાશની સાંધેલી માળા છે તે લઈને આજે તેનાથી મારી (પૂજાની) થાળી સજાવું. એક ક્ષણનો બધો રોમાંચ, એક પલકારાના પ્રદીપને પેટાવવો, એકતારા પર અરધું ગીત ગાવુ. ૧૯૧૮

૫૦

મારી એક વાત વાંસળી જાણે છે, વાંસળી જ જાણે છે. તે છાતીને તળિયે ભરાઈ રહી હતી. કોઈની આગળ કહી નહોતી. ફક્ત વાંસળીના કાનમાં ને કાનમાં બોલી ગયો છું. ગંભીર રાતે મારી આંખમાં ઊંઘ નહોતી. જોઈ રહેલા તારાની સાથે હું પણ જોઈ રહ્યો હતો, એમને એમ આખી રાત વીતી ગઈ, (પણ) મારા જાગરણનો સાથી ન મળ્યો. ગીત ગીતે વાંસળીને જગાડતો ગયો. ૧૯૧૮

૫૧

હે પ્રિયે, એકવાર તું મારા આ વૃક્ષની નીચે ફૂલથી સજ્જિત થઈને બેઠી હતી એ વાત તું ભૂલી ગઈ છે? ત્યાં પેલી જે નદી નિરંતર વહી રહી છે એ નથી ભૂલી—એના વાંકાચૂકા વહેણમાં તારી વાંકી વેણી રહી ગઈ છે, તેને કિનારે તારા પગની રેખાઓ અંકિત થઈ ગઈ છે! આજે શું એ બધું વંચનામાત્ર! એ વાત શું ભૂલી ગઈ છે? દિવસે દિવસે તેં એકલીએ જે રાગિણી ગૂંથી છે, તે આજે પણ તૃણે તેણે કંપિત થતી વ્યાપી રહી છે. છાયાની નીચે જે અંચલમાં ફૂલની માળા ગૂંથતી હતી, તેનો હર્ષની સુધા રેડનારો સ્પર્શ આજેય ફાગણ ચંપાના ફૂલમાં શોધતો ફરે છે. આજે શું એ બધું વંચનામાત્ર! એ વાત શું ભૂલી ગઈ છે? ૧૯૧૮

૫૨

તું ક્યારે આવશે તેની રાહ જોતો હું બેસી નહીં રહું, હું તો બહાર નીકળી પડીશ. સુકાયેલા ફૂલની પાંખડી ખરી પડે છે, હવે સમય નથી. પવને ઝૂલો ઝુલાવ્યો છે, ઝૂલો ઝુલાવ્યો છે. હવે ઘાટનાં બંધન છોડી નાખ, છોડી નાખ. નદીના મધવહેણમાં હોડીને વહેતી મૂકી છે; આજે શુક્લા એકાદશી છે, જો ચંદ્રની આંખમાં ઊંઘ નથી. એ સ્વપ્નના પારાવારની નૌકા એકલો બેઠો બેઠો હંકારી રહ્યો છે. રસ્તો તારો જાણીતો નથી, છોને એ હોય અજાણ્યો. તારે માટે કશી મના નથી, મનની કશી મના નથી; સામે જોઈને બધાની સાથે રાતે ચાલી નીકળ. ૧૯૧૮

૫૩

હું આકાશનું પંખી પકડાઈ ગયું છું. તારી આંખમાં નવા આકાશને (મેં) જોયું છે. આંખનાં બે પોપચાંમાં શું છુપાવી રાખ્યું છે? હસતાં જ ઉષાનો આભાસ પ્રકટ થઈ જાય છે. આંખની કીકીમાં વાસ કરવા હૃદય ત્યાં એકલું ઊડવા ઇચ્છે છે, પેલા ગગન તરફ જોતાં સાદ ઊઠ્યો છે અને આ ગીત–ઉચ્છવાસ ત્યાં ખોવાઈ જવા ઇચ્છે છે. ૧૯૧૯

૫૪

આજે સૌના રંગમાં રંગ મિલાવવો પડશે, અરે ઓ મારા પ્રિયતમ, તો પછી તમારું રંગીન ઉત્તરીય ધારણ કરો, ધારણ કરો. મેઘ વિવિધ રંગથી વણાયેલો છે, આજે સૂર્યના રંગમાં સોનું છે, આજે પ્રકાશનો રંગ પંખીઓના રવમાં બજી ઊઠ્યો છે. આજે રંગસાગરમાં તોફાન મત્ત થઈ ઊઠ્યું છે. જ્યારે તેની હવા લાગે છે ત્યારે રંગની મસ્તી કાચા લીલા ડાંગરના ખેતરમાં જાગી ઊઠે છે. રાત્રિનાં સ્વપ્નો જેનાં ભાંગી ચૂક્યાં છે એવું એ મારું હૃદય તમારા ગૌરવમાં રંગાઈ જાઓને! ૧૯૧૯

૫૫

કોઈક મને જાણે બોલાવી લાવ્યું છે, હું અહીં ભૂલથી આવી ચડ્યો છું. તોય એક વાર આંખ માંડીને મારા મુખ ભણી જો. જોઉં તો ખરો કે એ આંખોમાં એક ક્ષણ માટે પણ એ દિવસની છાયા પડે છે કે નથી. કયારે વાત કરી હતી તે યાદ આવતું નથી. દૂરથી જ ક્યારે પાછી ફરી ગઈ હતી તે પણ સ્મરણમાં નથી. માત્ર યાદ છે હસું હસું થઈ રહેલું મુખ, લજ્જાને કારણે ખંચકાતાં ખંચકાતાં બોલાયેલી એ પ્રેમભરી વાણી. મને યાદ આવે છે એ આંખોને કાંઠે છલકાતું હૃદય. તું આ બધું ભૂલી ગઈ છે એ તો હું જ ભૂલી ગયો છું, તેથી જ તો અહીં ભૂલથી આવી ચઢ્યો છું. આ વનનાં ફૂલ, એઓ તો ભૂલ્યાં નથી. આપણે જ ભૂલી જઈએ છીએ. આ જોને પાંદડે પાંદડે કામિની ખીલી ઊઠી છે. ચંપો કોણ જાણે ક્યાંથી અરુણના કિરણને કોમળ બનાવીને અહીં પકડી લાવ્યો છે. બકુલ કોઈકના વાળની લટમાં મરવાનું ઝંખે છે. કોઈ ભૂલે છે ને કોઈ ભૂલતું નથી તેથી અહીં ભૂલથી આવી ચઢ્યો છું. આમ તો આ માધવી રાત શી રીતે વીતશે? આ દક્ષિણનો પવન વાઈ રહ્યો છે, પાસે સાથી-પડતી? સજળ આવેગે આંખની પલકો ઢળી જાય છે ખરી? ક્ષણને માટે જ મારી ભૂલ ભંગાવીશ નહીં, હું અહીં ભૂલથી આવ્યો છું. મને વ્યથા દઈને સંગાથી કોઈ નથી. ચારે તરફથી બંસી સંભળાય છે. જે લોકો સુખમાં છે તેઓ ગીત ગાય છે—વ્યાકુળ પવન, મંદિર સુવાસ, ખીલેલાં ફૂલો ભૂલથી આવી ચઢયા પછી પણ શું કોઈ આંસુભરી આંખે નહીં જુએ? ૧૯૧૯

૫૬

તે બહાર નીકળ્યો છે, તે હું જાણું છું. મારી છાતીમાં તેના પથની વાણી બજે છે. ક્યાં ક્યારે તે સાગર તીરે, વનને છેડે આવ્યો એ જ વાત આકાશ કાનમાં કરે છે. રે હાય, મેં આટલે બધે દૂર ઘર બાંધ્યુ છે, તેને કેટલું બધું ભમીને આવવું પડશે, તે હું જાણતી નથી. મારું હૈયું પાથરી રાખીને આખો માર્ગ ઢાંકી દીધો છે, મારી વ્યથા પર તેનાં પગલાં પડો. ૧૯૧૯

૫૭

આકાશે આજે કયા ચરણોની આવજા (થઈ રહી છે)? વાતાવરણમાં આજે કયા સ્પર્શની હવા વરતાય છે? ઘણા દિવસોની વિદાયવેળાની વ્યાકુલ વાણીને આજે ઉદાસીની બંસરીના સૂરમાં કોણ લાવી દે છે? વનની છાયામાં તરુણ આંખોનું કરુણ જોવું. કયા ફાગણમાં ફૂલોનું ખીલવું સમાપ્ત થયું? મધમાખીને પાંખપાંખમાં તેઓ રુદન કરી રહ્યાં છે. બકુલ વૃક્ષની તળે કામકાજ ભુલાવતી તે કઈ બપોરે એ બધી વાતો મેં ગાનના સૂરમાં વહેવડાવી દીધી? વ્યથાથી સભર બની પાછું ફરી રહ્યું છે એ ગીતનું ગાવું. ૧૯૨૨

૫૮

આવવા-જવાના રસ્તાની ધારે ગીત ગાતાં મારા દિવસો પસાર થયા છે. જવાની વેળાએ હૃદયની પાસે જે વીણા વાગી છે તે કોને દઈ જઈશ ! તેના સૂરોને અનેક ખંડોમાં પુષ્પોના રંગમાં રાખી જઈશ, તેની મીડને મેઘની રેખાઓમાં સુવર્ણ આલેખનથી વિલીન કરીશ, કેટલાક તો મિલનની માળામાં બંને ગળામાં ગૂંથાઈ રહેશે, કેટલાક વળી બે દૃષ્ટિની આંખની પાંપણોને ભીંજવી દેશે. કેટલાક વળી કોઈ ચૈત્ર માસમાં બકુલથી ઢંકાયેલા વનના ઘાસમાં મારા મનની વાતના ટુકડા કોઈ ઉદાસીનને મળી આવશે. ૧૯૨૨

૫૯

જીર્ણ પાન ખરી પડવાની વેળાએ તમારી આ હાસ્યની રમતમાં મેં ગાન ગાયાં હતાં એ વાતને મનમાં રાખજો. સૂના વનમાં સૂકા ઘાસ પર આપમેળે અનાદર અને અવજ્ઞાપૂર્વક મેં એ ગાન ગાયાં હતાં. યાદ રાખજો હે દિનના પથિક, હાથમાં સંધ્યાપ્રદીપ લઈને હું રાત્રે ચાલ્યો જતો હતો. જ્યારે મને પેલી પારથી બોલાવી ગયા ત્યારે હું મારા તૂટેલા તરાપા પર તરી રહ્યો હતો. જીર્ણ પાન ખરી પડવાની વેળાએ મેં ગાન ગાયાં હતાં. ૧૯૨૨

૬૦

તું પાછો નહીં આવે તે જાણું છું. આહ, છતાં તારી વાટ જોતો દીવો છો બળે. મનોમન જાણું છું કે માળા નહીં ગૂંથે. આહ, છતાં પ્રાણમાં પેલા સ્પર્શની તૃષા જગાડીને મારા બકુલવનમાં કળીઓ છો બેસે. રસ્તો ભૂલેલા તમે ક્યાં છો? છતાં મારાં દ્વાર છો ખુલ્લાં રહે. મારી રાત ગીત વિનાની છે, છતાં તારી વીણા સૂરમાં સૂર છો મેળવે. તેને ઘેરીને કંગાળ વાણી છો ફરતી રહે. ૧૯૨૨

૬૧

રાત્રિના પવનમાં મારો દીવો બુઝાઈ ગયો છે. ધીમે ધીમે આવી તું પાછો ના ચાલ્યો જઈશ. આ માર્ગે જ્યારે જઈશ ત્યારે (તું) અંધકારમાં ઓળખવા પામીશ. રજનીગંધાની સુવાસથી મંદિર ભરાયું છે. કોણ જાણે કોઈ સમયે તને મારી યાદ આવશે, તેથી પ્રહરે પ્રહરે ગીત ગાતી જાગતી રહું છું. ભય લાગે છે, રખેને પાછલી રાતમાં ઊંઘ આવી જાય ! રખેને કલાન્ત કંઠમાં મારા સૂર સમાપ્ત થઈ જાય ! ૧૯૨૨

૬૨

ઘરના ખૂણામાં આસન બિછાવીને હું રોજ રાતે દીવાની જ્યોત પેટાવી રાખું છું. ઓ પૂર્ણિમાના ચંદ્ર, તું આવ્યો એટલે હવે મારો દીવો હોલવી નાખવાનો સમય થયો એમ લાગે છે. આટલા દિવસ તારાં દર્શનની આશામાં તે તારા માર્ગ પાસે હતો; આજે તું તેને સ્પર્શ કરતાં વેંત તે બુઝાઈ જાઓ, તે બુઝાઈ જાઓ, જે કંઈ છે તે બધું તે ઠાલવી દો. ૧૯૨૨

૬૩

તેની વિદાયવખતની માળા મારી ડોકમાં છે, પળે પળે એ હૃદય પાસે ડોલે છે. તેની ગંધ ગુંજરિત કુંજ હેઠળ ફાગણના સમીરણમાં ક્ષણે ક્ષણે જાગે છે. દિવસ આથમ્યે રસ્તા પર થઈને જતાં જતાં એણે એની છાયાને વનાન્તરમાં વિલીન કરી દીધી. એ જ છાયા આ રહી મારા મનમાં, એ જ છાયા પેલી કાંપે વનમાં, અને કાંપે નીલવર્ણા દિગંચલમાં ! ૧૯૨૨

૬૪

મારું મન મનમાં ને મનમાં જોઈ રહે છે, માધુરીને નિહાળે છે. મારી આંખો કંગાળ બનીને ભટકી મરતી નથી, હૃદયની અંદર જોઈ જોઈને એકતારો ગુંજી ઊઠે છે, મનોરથને માર્ગે માર્ગે વાંસળી વાગી ઊઠી છે. રૂપના ખોળામાં અરૂપ માધુરી ઝૂલે છે. કાંઠા વગરના કયા રસના સરોવરમાં મૂળ વગરનું ફૂલ પાણી ઉપર તરે છે; હાથથી પકડવા જતાં મોજાં ઉત્પન્ન થઈને તેને દૂર હડસેલી દે છે. હું પોતાના મનમાં સ્થિર થઈને બેસી રહું છું, ચોરી નથી કરતો. એ કંઈ હાથમાં પકડાય એવું ધન નથી, એ તો અરૂપ માધુરી છે. ૧૯૨૫

૬૫

હવે મારી જે કંઈ મૂડી છે તે પૂરેપૂરી લઈ લે. હે ચંચળ, પાછી ફરીને જો, પાછી ફરીને જો. ચૈત્રની રાતને વખતે ભલે ને એક પ્રહરની રમતમાં, હે મારી સ્વપ્નસ્વરૂપિણી, મારા પ્રાણમાં અંચલ બિછાવી દે. જો તારા મનમાં આ જ હતું, જો પરમ દિવસની સ્મૃતિ તું બેદરકારીથી ભૂંસી નાખતી હોય, તો ભાંગેલા ક્રીડાઘરમાં ભલે ક્ષણભર ઊભી રહે—ત્યાં તોડેલી ફૂલપાંખડીઓ અવહેલનાપૂર્વક ધૂળમાં વેરજે. ૧૯૨૫

૬૬

અરે હે ચાલ્યા જનારાંઓ, મને પાગલ કરીને તમે કેમ ચાલી જાઓ છો? આકાશમાં ઉદાસ પવન વાઈ રહ્યો છે, પ્રાણ ચંચળ થઈ ઊઠ્યા છે. પ્રભાતનો તારો દિશા ભૂલી બેઠો છે, શરદના મેઘની ધારા ક્ષણિક થઈ રહી છે—સભા ભાંગતી વેળાની આખરી વીણાની તાન ચંચળ લાગે છે. નાગકેસરની ખરેલી રેણું ધૂળ સાથે મૈત્રી કરે છે. ગોધૂલિએ રાતા પ્રકાશમાં પોતાની ચિતા પ્રગટાવે છે. શિશિરનો પવન પાંદડાં ખેરવે છે. આમળાંનું વન મરણને માટે મત્ત બની ઊઠ્યું છે. વિદાયની બંસીના સુરે સાંજવેળાનો દિગંચલ વિહ્વળ થઈ ઊઠ્યો છે. ૧૯૨૫

૬૭

દિવસને અંતે લાલ કળી ચિત્તમાં જાગીને ગુપ્ત રીતે તે પ્રેમની મંજરીમાં ફૂટશે. મંદ પવનમાં, અંધકારમાં તારા પથની ધારે તે ડોલશે. તારા આગમનથી તેની સુવાસ ફેલાશે—જ્યારે કળી પ્રેમની મંજરીમાં ફૂટશે. હે પ્રિયતમ, રાત્રિ વ્યર્થ ન જાય. આવો, આવો, મારા પ્રાણમાં મારા ગીતમાં. આવો, ગાઢ મિલનની ક્ષણે રજનીગંધાના વનમાં સ્વપ્ન થઈ આવો મારી ઘેરી રાત્રિમાં—જ્યારે કળી પ્રેમની મંજરીમાં ફૂટશે. ૧૯૨૫

૬૮

વેદનાથી પ્યાલો ભરાઈ ગયો છે, લો રે લો. હૃદયને ચીરીને રેડ્યો છે, પીઓ રે પીઓ. ભરેલા તે પાત્રને છાતીએ લઈ રાત આખી ભમતી રહી. આજે રાત્રિ પૂરી થતાં ઉપાડી લો, ઉપાડી લો. વાસનાના રંગથી લહેરે લહેરે તે રંગાઈ ગયો. તમારા કરુણ અરુણ અધરે લગાડો. તે રસમાં તમારો નિશ્વાસ, નવીન ઉષાની પુષ્પ-સુવાસ ભળી જાઓ. તેની ઉપર તમારી આંખોની આભા પાથરો રે પાથરો. ૧૯૨૫

૬૯

હે માલિની, તેં બારણું ખખડાવ્યું કેમ? હે માલિની, કોણ તને જવાબ આપશે? તેં તો ફૂલ ચૂંટયાં છે, માળા ગૂંથી છે, પણ મારા અંધારા ઘરને તાળું લાગેલું છે. શોધવા છતાં રસ્તો જડ્યો નથી; મેં દીપક તો જલાવ્યો નથી. ત્યાં જો, પેલા ગોરજના ઝાંખા પ્રકાશમાં દિવસના અંતનો સોનેરી રંગ કાલિમામાં ડૂબે છે ! જ્યારે અસીમ પથની દીપશાલિની રાત્રિ આકાશમાં દૂરનો દીવો પેટાવે, ત્યારે અંધકાર ઘેરો થતાં તું પાસે આવજે. ૧૯૨૫

૭૦

ના રે ના, ચિંતા કરો નહીં. રાત્રિ વીતી જશે, (તો પણ) હું જઈશ નહીં, જઈશ નહીં. જ્યારે જ્યારે જાઉં છું ત્યારે આવીશ એમ કહેતો જાઉં છું. પ્રકાશ અને છાયાના પથમાં આવ-જા કરું છું. મિલન અને વિરહથી મન ઝૂલા પર ઝૂલે છે. વારંવાર એ સમજું છું કે તું તે ચિરંતન છે. ક્ષણભર માટે એકાદવાર પણ તું છૂપાઈને ઊભો રહે. તને પામીશ કે નહીં એ ભયથી મરી જાઉં છું. ૧૯૨૫

૭૧

વિદાયનું પાત્ર સ્મૃતિસુધાથી ભરેલું રહો. મિલનના ઉત્સવમાં તેને પાછું આણી આપજે. વિષાદના અશ્રુજળથી મૌનના મર્મતલમાં હૃદયની નવીન વાણી ગુપ્ત રીતે ઊગી નીકળો. જે માર્ગે જવાનું છે તે માર્ગે તું એકલો છે- આંખ સામે અંધારાં હશે અને ધ્યાનમાં પ્રકાશની રેખા. આખો દિવસ ગુપ્ત રીતે વિરહનો વીણાપાણિ પ્રાણના પદ્મવનમાં મનમાં સુધારસ સીંચશે. ૧૯૨૫

૭૨

જે દિવસ બધી કળીઓ ખરી ગઈ તે દિવસે તેં મને આ રીતે શા માટે બોલાવી? જે રસ્તે થઈને જવું પડશે તેના ઉપર સૂકાં પાંદડાં છવાયેલાં છે; મારા હાથમાં ખાલી છાબ છે, તેને તું કયાં ફૂલથી ભરી દઈશ? ગીતહીન મારા હૃદયમાં તારી વ્યાકુળ વાંસળી કોણ જાણે શુંય બોલે છે. નથી સામગ્રી, નથી મારી પાસે ધન, નથી આભરણ કે નથી આવરણ; મારા આ ખાલી બાહુ તને બાહુબંધનમાં બાંધશે. ૧૯૨૫

૭૩

જ્યારે મિલન-મેળો વીખરાઈ ગયો ત્યારે મેં ધાર્યું હતું કે હવે હું આંસુ સારવાનું નહિ ભૂલું. રોજ રોજ માર્ગની ધૂળ ઉપર માળામાંનાં ફૂલ ખરતાં જાય છે, ખબર નથી પડતી ક્યારે વિસ્મરણની વેળા આવી પહોંચી. દિવસે દિવસે કયારે હૃદયતલ કઠોર બની ગયું; મેં ધાર્યું હતું કે હવે મારાં આંસુ નહિ ઝરે, (પણ) અચાનક રસ્તામાં ભેટો થઈ ગયો ત્યારે રુદન રોક્યું રોકાતું નથી; ભૂલવાને તળિયે તળિયે અશ્રુજળની રમત ચાલી રહી હતી. ૧૯૨૫

૭૪

જો જવાની ઘડી આવી પહોંચી હોય તો જા, છેવટનો સ્પર્શ દેતો જા. જ્યાં હું વારેવારે પોતાનાં ગીતો મારફતે સ્વપ્નોને દૂર દૂર વહેતાં મૂકું છું તે મારી ખાલી બારી કોઈ કોઈ વાર જોતો જજે. વનને છેવાડે પેલી માલતીની લતા કરુણ ગંધ મારફતે શી ગુપ્ત વાત કહે છે, એની જ ડાળે આવતા શ્રાવણ માસનું પંખી શું આજના શ્રાવણની સજલ છાયામાંના આપણા વિરહ મિલનનું સ્મરણ નહિ લાવે? ૧૯૨૫

૭૫

હે ક્ષણના અતિથિ, ખરેલાં પારિજાતના માર્ગે થઈને કોને જોઈને પ્રભાતે આવ્યો? સ્વર્ગની કઈ વિરહિણી ભણી પાછા વળી ન જોયું? કોના વિષાદના ઝાકળનીરમાં નાહીને આવ્યો? હે નિષ્ઠુર, કેવો જાદુ જાણે છે જે મિલનને બહાને વિરહ લાવે છે. પ્રકાશના રથમાં બેસીને હે પથિક, તું અંધકાર ભણી જાય છે—મનને મુગ્ધ કરનાર મોહક તાનમાં ગીતો ગાતો ગાતો. ૧૯૨૫

૭૬

હું તને ગાન સભળાવું એટલા વાસ્તે તો તું મને જાગતો રાખ. હે ઊંઘ ભાગનાર! હૃદયને ચમકાવીને એટલા વાસ્તે તો તું બૂમ પાડે છે, હે દુ:ખ જગાડનાર ! ચારે બાજુ અંધારું ફરી વળ્યું છે, પંખીઓ માળામાં આવી ગયાં છે, નૌકા કિનારે આવી છે. માત્ર મારા હૈયામાં વિરામ નથી મળતો, હે દુઃખ જગાડનાર ! મારાં કામકાજની વચમાં વચમાં રુદનની ધારાનો હીંચકો તેં અટકવા જ ન દીધો તો ! મને સ્પર્શ કરી, મારા પ્રાણમાં અમૃત ભરીને તું બાજુએ સરી જાય છે—લાગે છે મારી વ્યથાની આડમાં તું ઊભો રહે છે, હે, દુઃખ જગાડનાર ! ૧૯૨૬

૭૭

મધ્યરાત્રિએ મનમાં શું કહી ગયો તેની શી ખબર, શી ખબર ! તે નિદ્રામાં કે જાગરણમાં કહી ગયો તેની શી ખબર, શી ખબર ! જુદા જુદા કામ માટે જુદી જુદી રીતે હું ઘરમાં ફરું છું, માર્ગે ફરું છું, તે વાત શું અગોચરમાં બજે છે? તેની શી ખબર, શી ખબર ! તે વાત શું કારણ વિના જ હૃદયને વ્યથિત કરે છે? આ તે કેવો ભય? આ તે કેવો જય? તે વાત શું કાનમાં વારેવારે કહે છે : ‘હવે નહીં, હવે નહીં.’ તે વાત શું જુદા જુદા સૂરમાં મને કહે છે. દૂર દૂર ચલો. એ શું મારા હૃદયમાં બજે છે, કે આકાશમાં બજે છે? મને શી ખબર, શી ખબર ! ૧૯૨૬

૭૮

જ્યારે તું અંધકારમાં આવ્યો હતો ત્યારે સાગરને પાર ચંદ્ર ઊગ્યો નહોતો. હે અજાણ્યા, ત્યારે તને અનુભવથી જાણ્યો હતો—ગીતમાં તારા સ્પર્શ પ્રાણના તારે બજ્યો હતો. તું જ્યારે એકલો ચાલ્યો ગયો ત્યારે રાતને ખોળે ચંદ્ર ઊગ્યો હતો. તે વખતે હું જોઉં છું તો તારી માળા માર્ગ પાસે પડી છે—હું અનુમાનથી સમજી ગઈ હતી કે આ માળા તું કોને આપી ગયો છે. ૧૯૨૬

૭૯

ચાહું છું, ચાહું છું—એ સૂરે પાસે અને દૂરે, જળમાં અને સ્થળમાં બંસરી બજાવે છે. આકાશમાં કોના હૃદયમાં વ્યથા લાગે છે? દિગંતમાં કોની કાળી આંખ આંસુમાં તણાઈ જાય છે. તે જ સૂરમાં સાગરને કિનારે બંધન ખોલી નાખીને અતલ રુદન ખળભળી ઊઠ્યું છે. તે જ સૂરમાં ભુલાઈ ગયેલા ગીતની વાણી, ભુલાઈ ગયેલા દિવસોનાં રુદન અને હાસ્ય મનમાં અકારણ વાગે છે. ૧૯૨૬

૮૦

જાણું છું, તું ફરી પાછો આવશે, હું એ જાણું છું. તો પણ મનને સાંત્વન નથી મળતું. એટલે તો વિદાયની પળે બારણું પકડીને ફરી ફરી બાષ્પગદ્ગદ્ સ્વરે કહું છું : ‘પાછો આવ, પાછો આવ, હે મારા પ્રિયતમ!’ જતી વખતે, હે પ્રિય મને કંઈક આપ, આપ—ગાનના સૂરમાં તારું આશ્વાસન ! વનપથ પર થઈને જ્યારે તું જશે ત્યારે તે ક્ષણની સ્મૃતિનું કશુંક રહેશે; તારા ચરણોથી ચંપાયેલાં એ ફૂલ હું ઉપાડી લઈશ. ૧૯૨૮

૮૧

વસંતનું આ ગાન આપી ગયો. વર્ષ પૂરું થશે; જાણું છું કે તું ભૂલી જઈશ, તો પણ, ફાગણની રાતે આ ગીતની વેદનાથી તારી આંખો છલછલ થાય છે, એ યથેષ્ટ માનું છું. સમય વહી જતાં બેસી રહેવા નથી ઇચ્છતો; રમત પૂરી થશે ત્યારે ચાલી જઈશ. ફાગણ ફરીથી આવશે ત્યારે, નવા પથિકના ગીતમાં નવીનતાનો સંદેશ ફરીથી સાંભળજે. ૧૯૨૮

૮૨

હું યાદ રહીશ કે નહિ તેનો મને ખ્યાલ નથી. ક્ષણે ક્ષણે તારે આંગણે આવીને અકારણ ગીત ગાઉં છું. દિવસ ચાલ્યો જાય છે. જેટલો સમય છીએ (તેટલામાં) રસ્તે ચાલતાં ચાલતાં જો આપણે પાસે પાસે આવી જઈએ તો તારા મુખ ઉપરનું વિસ્મયભર્યા સુખનું હાસ્ય હું જોવા ઇચ્છું છું—એટલે હું અકારણ ગીત ગાઉં છું. ફાગણનાં ફૂલ ફાગણ પૂરો થતાં ખરી જાય છે—ક્ષણિકની મૂઠી ભરી દે છે. બીજુ કંઈ એ જાણતા નથી. દિવસ પૂરો થશે, પ્રકાશ ક્ષીણ થશે, ગીત પૂરું થશે, વીણા થંભી જશે. જેટલો સમય રહીએ (ત્યાં સુધી) આ રમતનો જ તરાપો ભરી નહિ દે?–એટલે હું અકારણ ગીત ગાઉં છું. ૧૯૨૮

૮૩

જવાની વખતે છેલ્લી વખતે કહેતી જા, તારું મન ક્યાં છુપાયેલું છે તે કહી દે. ચપલ લીલા છલનાપૂર્વક વેદનાને ઢાંકી દે છે, તારો જે સંદેશો કહેવાયો નથી તે કહી લે. તેં કેટકેટલી શ્લેષભરી વાતો હાસ્યનાં બાણથી મારી છે, આજે છેલ્લી વાત અશ્રુજલથી ભરી દે. હાય, ઓ અભિમાનિની નારી, દાનની છાબ પાછી વાળવા ઇચ્છે છે તેથી વિરહ બમણો ભારે થઈ ગયો છે. ૧૯૨૮

૮૪

કોણ પરદેશી કરુણ વાંસળી વગાડતો વગાડતો નાવમાં જઈ રહ્યો છે? તેની રાગિણી દેહમાં લાગી. તે સૂરમાં વહીને કોના વિરહવ્યથિત હૃદયની અજ્ઞાત વેદના તરતી આવે છે, સાગરિકનારાના અધીર પવનમાં વનની છાયામાં? તેને સાંભળીને આજે નિર્જન યાત્રામાં શરદના ઝાકળથી ભીની ભૈરવી હૃદયમાં નીરવ બજી રહી છે. પ્રકાશમાં અને ગીતમાં આવું ચિત્ર મનમાં લાવે છે—જાણે નિર્જન નદીપથ પર કોઈ જળે ઘડૂલો ભરવા અલસ પગલે, વનની છાયામાં જઈ રહી છે. ૧૯૨૮

૮૫

જવાની આટલી બધી ઉતાવળ શા માટે? વસન્ત, ગીતોની તારી ભારવાહી નૌકા શું ભરાઈ ગઈ? આટલામાં જ માધવી બધી જ પૂરી થઈ ગઈ? વનછાયા આખરી ભૈરવી ગાય છે—દાંડી પરથી ખરી પડેલી શિથિલ કરેણે શું વિદાય લઈ લીધી? તપ્ત દિવસોના સૂકા ઘાસનું આસન બિછાવીને અત્યારે જ તું તારું પીળું ઉત્તરીય ફેંકી દેશે? વિદાયના માર્ગ પર હતાશ બકુલ કપોતના કૂજનથી વિહ્વળ છે. ચરણની પૂજા માટે વસુંધરા ફૂલ ખેરવી રહી છે. ૧૯૨૯-૩૨

૮૬

કોની આંખની દૃષ્ટિની હવા મનને દોલાયમાન કરે છે? કે જેથી તું આખો વખત અસ્વસ્થ બની રહી છે ! તેથી હાસ્ય અશ્રુના ભારથી ઝૂકી ગયું છે, ચિંતનને મૌનનો સ્પર્શ થયો છે. તારી ભાષા પર સૂરોનું આવરણ છે. તારા પ્રાણમાં આ તે કયા પારસમણિની રમત ચાલી રહી છે? તેથી તારા હૃદયગગનમાં સોનેરી મેઘનો મેળો જામ્યો છે. તેથી જ તો દિવસના પ્રવાહમાં આ ક્ષણો સોનેરી ઝલક ફેલાવીને તરંગો ઉછાળતી જાય છે. આંખનો ખૂણો કાળાથી અને પ્રકાશથી કંપી ઊઠે છે. ૧૯૨૯-૩૨

૮૭

દિવસ પછી દિવસ જાય છે; માર્ગને કિનારે બેસી વસંતના પવનમાં ગીત પર ગીત ગાઉં છું. સમય વીતતો નથી, તેથી સૂર ગૂંથવાની રમત (ચાલે છે). જાણે સ્વપ્નના આભાસમાં રાગિણીની મરીચિકા ન હોય ! દિવસ પછી દિવસ જાય છે; તારું દર્શન થતું નથી. એકલો બેસીને ગીત પર ગીત ગાઉં છું. રખેને સૂર થંભી જશે તેથી તું પાસે નથી આવતો. પ્રેમ, જેને તે પ્રેમ કરે છે. તેને જ, દુ:ખી કરે છે? ૧૯૨૯-૩૨

૮૮

તમે મને વાંચી સંભળાવો કે આજે તેણે શી વાત લખી છે. તેના દૂરના સંદેશનો પારસમણિ મારા પ્રાણને આવીને સ્પર્શો. ધાન્યના ખેતરની સુવાસ (મારા) એકાંત ઓરડામાં તે લાવી દો. કલાન્ત ગતિથી ચાલતો પથિક-પવન મારા મુક્ત કેશને સ્પર્શો. ભૂરા આકાશનો સૂર લઈને મારા વિજન મનમાં બજાવો. ધૂસર માર્ગનો ઉદાસ વર્ણ મારી બારીમાં પાથરી દો. સૂર્યને ડૂબવાની લાલ વેળાએ રંગની રમતમાં (મારા) પ્રાણને ફેલાવીશ. એની મેળે જ આંખના ખૂણામાં ઝળઝળિયાં આવી જશે. ૧૯૨૯-૩૨

૮૯

મને જતી વખતે સવારના તડકો વાદળની વચાળમાંથી પાછળ બોલાવે છે. વર્ષાના પ્રભાતનું ઉદાસ પંખી, વનની ગુપ્ત શાખાએ શાખાએથી પુકારી ઊઠે છે, પાછળ બોલાવે છે. ભરેલી નદી છાયા હેઠળ દોડતી જાય છે - કોને શોધે છે? પાછળ બોલાવે છે. મારા પ્રાણની અંદર એ કોણ રહી રહીને વિદાયના પ્રભાતે અધીરા બનેલાને પાછળ બોલાવે છે? ૧૯૨૯-૩૨

૯૦

રૂમઝુમ રૂમઝુમ પાયલ બાજે છે. મારું મન કહે છે કે (એને) હું ઓળખું છું. માધવીમંડપની છાયાએ છાયાએ વસંતના પવનમાં સુવાસ મૂકી જાય છે. પગલે પગલે ધરતી રોમાંચિત થાય છે. કળશનો અને કંકણનો ખણખણાટ થાય છે. પારુલે પૂછ્યું: અરે, તું કોણ? અજાણ્યા વનનો માયામૃગ? કામિની પુષ્પો વરસાવે છે, પત્ર વીખરાયેલા વાળને સ્પર્શે છે. અંધકારમાં તારાઓ આનંદિત થાય છે. તમરાં તમતમ બોલી રહ્યાં છે. ૧૯૨૯-૩૨

૯૧

વનમાં જો ફૂલ ફૂટ્યું છે તો પેલું પંખી કેમ નથી? કયા દૂર દૂરના આકાશમાંથી તેને બોલાવી લાવીશું? હવામાં મસ્તી જાગે છે, પાંદડે પાંદડે નર્તન જાગે છે; આવા મધુર ગીતના સમયે તે જ માત્ર બાકી રહે છે. ઉદાસ બનાવી દેનારી અને હૃદય હરી લેનારી કોણ જાણે કઈ હાકથી કોણે તેને સાગર પારના વનને છેડે ભોળવી રાખ્યું છે? મારે અહીં ફાગણ તેને વારે વારે વૃથા હાક મારે છે, આવી રાતની વ્યાકુળ વ્યથામાં તે શા માટે છલના કરે છે? ૧૯૨૯-૩૨

૯૨

તારું લખાણ ધૂળમાં ધૂળ થઈ ગયું છે. તારા અક્ષરો ખોવાઈ ગયા છે. આજે ચૈત્રની રાતે એકલો બેઠો છું; એમ લાગે છે જાણે વને વનમાં તારી લેખનીલીલાની રેખાએ ફરી દેખા દીધી છે; તારા પુરાણા અક્ષરો કોણ જાણે શી ભૂલ કરીને નવ કિસલયમાં આવ્યા છે; તારા નામની પેઠે કાનને કાનનમાં આજે કેટલીય મલ્લિકા સૌરભભરી (ખીલી છે). તારી કોમળ અંગુલીનો સ્પર્શ પામેલી વાણીએ આજે વિરહની કઈ વ્યથા ભરી લિપિનું સ્મરણ કરાવ્યું. તારા પુરાણા અક્ષરો માધવીની શાખાએ ડોલી ઊઠે છે. ૧૯૨૯-૩૨

૯૩

આજે સંધ્યા(રૂપી) જમુનામાં તરુણ ચંદ્રનાં કિરણો(રૂપી) હોડી ક્યાં વહી જાય છે! તેનું દૂર દૂરથી આવતું નાવિકોનું ગીત પ્રાણમાં પેલી કરુણાથી ઊભરાતી અને આકુલ બે આંખો રૂપે વિદાયની સ્મૃતિ જગાડે છે. આજે મારા મનમાં જે સૂર બાજે છે તે શું કોઈએ સાંભળ્યા નથી? એકલા પ્રાણની વાતમાં જ આ દિવસ એકલો ચાલ્યા જાય છે? તે જતો હોય તો ભલે જાય, તેણે ફરી ફરીને મારી પરમ વેદના પોતાની વેદનામાં પોતાને હાથે છૂપી રીતે ઉપાડી લીધી નથી? ૧૯૨૯-૩૨

૯૪

જુઓ, એકલા બેસીને આજે વાસંતી રંગથી તમારું ચિત્ર દોર્યું છે. અંબોડાના ફૂલમાં એક મધલોભી ભમરો વંદન કરીને ગુંજન કરી રહ્યો છે. સામે રેતીના તટની નીચે ક્ષીણ નદી શ્રાંત ધારામાં વહી રહી છે, વાંસની છાયા તમારા વસ્ત્રના અંચલમાં સ્પંદિત થઈ રહી છે. તમારાં બે સ્નિગ્ધ નયન છાયાથી ઢંકાયેલા અરણ્યને આંગણે મગ્ન થયેલાં છે. ખીલેલા રંગીન પુષ્પમાં જ્યાં પતંગિયાંનાં દળે રંગ વેર્યો છે. તપેલી હવામાં શિથિલ મંજરીવાળો ગોલકચંપો પોતાનાં એક બે ફૂલ તમને અભિનંદન કરતો તમારા ચરણમાં પાઠવતો હોય છે. ઘાટની ધારે કંપિત થતા ઝાઉ વૃક્ષની ડાળી પર કોયલ સંગીતમાં આકુળ થતી દોલી રહી છે. આકાશ પાંદડાંની વચ્ચેથી તમારા ખોળામાં સોનેરી અંજિલ ઢાળી રહ્યું છે. વનને માર્ગે કોઈ દૂર જઈ રહ્યું છે. વાંસળીની વ્યથા પાછા ફરતા સૂરમાં તમને ઘેરીને હવામાં ઘૂમતી ઘૂમતી ક્રંદન કરતી ફરે છે. ૧૯૨૯-૩૨

૯૫

આ કિનારે પેલી મયૂરની કેકા ટહુકી ઊઠી, હાય, પેલે કિનારે કેમ કોકિલનો ટહુકો શાંત છે? એક કહે છે, “બીજું એકલું ક્યાં છે? શુભ ક્ષણે અમે બે ક્યારે થઈશું?” પૂર્વમાંથી આવતા અધીર સમીર ગાઢ વિરહ વ્યથા વહીને, હાય, વારે વારે નિસાસા નાખે છે. આષાઢ જળભર્યાં વાદળના અંધકારમાં દુરાશાના ધ્યાનમાં બેઠો બેઠો વિચારે છે: “હું શા માટે તિથિની દોરીથી બંધાયેલો છું? ફાગણને મારી પાસે કોણ લઈ આવશે?” ઋતુને બે કાંઠે બે જણ રહે છે, કાકલી અને કૂજનનો મેળાપ થતો નથી, આકાશના પ્રાણ હાય હાય અને હૂહૂ હૂહૂ કરે છે. ૧૯૨૯-૩૨

૯૬

ચંદ્રના હાસ્યનો બંધ તૂટી ગયો છે, પ્રકાશ ઊભરાઈ જાય છે. ઓ રજનીગન્ધા, તારી ગંધ-સુધા તું ઢોળ ! પાગલ હવાને ખબર નથી કે ક્યાં એનું બોલાવણું થયું છે—ફૂલોના વનમાં જેની પાસે જાય છે તે સૌનેયે સાચું લાગે છે. નીલ ગગનનું લલાટ આજે ચંદનથી અર્ચિત છે; વાણી-વનની હંસબેલડીએ આજે પાંખો પ્રસારી છે. હે ચંદ્ર, પારિજાતનું કેસર લઈને ધરતી પર આ શું વેરી રહ્યો છે ! ઇન્દ્રપુરીની તું કઈ રમણી વાસર-ગૃહનો દીવડો પેટાવી રહી છે! ૧૯૨૯-૩૨

૯૭

હે લલિતા, ચૈત્રના પવનમાં મારા ચિત્ત-વનમાં વાણી-મંજરી દોલાયિત થઈ. જો એકાંતમાં દિવસ વહી જાય, અને હાય, પ્રખર તાપમાં, ખરી પડે તો હે લલિતા, અનાદરનો ભોગ બની એ ધૂળમાં રગદોળાશે. તારી હું વાટ જોઈ રહ્યો છું—હવે વખત નથી એવું લાગે છે. વન-છાયામાં અને દર્શન દો, કરુણાભર્યાં હાથે એને ચૂંટી લઈ જાઓ——હે લલિતા, કંઠના હારમાં એને સંકલિત કરો ! ૧૯૨૯-૩૨

૯૮

જાણું છું કે જવાની તૈયારીઓ થઈ ગઈ છે—તો પણ, હે પથિક તું થોડીવાર થોભ. શ્રાવણનું આકાશ વરસી ગયેલું છે, કાનનવીથિ છાયામય છે. જળના ઝરઝર અવાજમાં જૂથી-વન ફૂલ ખેરવી ક્રંદન કરે છે તે હું સાંભળું છું. જજે—જ્યારે વર્ષાન્તનાં પંખીઓ રસ્તે રસ્તે ક્લરવ કરી મૂકે ત્યારે; પરિજાતવનના મધુર સ્વપ્નથી જ્યારે શરત લક્ષ્મી જાગે અને શુભ્ર પ્રકાશના શંખધ્વનિ સાથે લલાટ પર મંગળ ચંદન ધારણ કરે ત્યારે! ૧૯૨૯-૩૨

૯૯

નીલ અંજનની છાયા છે, કદંબવન પ્રફુલ્લિત થાય છે, જાંબુના પુંજથી વનના સીમાડા શ્યામ છે, વનની વીથિકા ગાઢ સુગંધથી યુક્ત છે. ધીમી ગતિએ જતાં નવાં નીલાં વાદળાંથી દિગન્ત ચારે બાજુ છવાયેલી છે. પ્રિય વિયોગના ગાઢ વનમાં મારું ચિત્ત માર્ગ ખોઈ બેઠું છે. ૧૯૨૯-૩૨

૧૦૦

તારા ચરણતલે જેને ચુંબન કર્યું છે એવી માર્ગરૂપી વીણા દૂર દૂર કરુણ સૂરે વાગે છે. આ મારું પ્રવાસી ચિત્ત શા માટે ચંચલ બની ગયું છે (એની) મને ખબર નથી. જૂઈની સુવાસ અશાંત સમીરમાં ઉતાવળી થઈને હાંફતી હાંફતી દોડે છે. તે જ પ્રમાણે મારું ચિત્ત દારુણ વિચ્છેદની મધરાતે, હાય, ઉદાસ થઈ ગયું છે. ૧૯૨૯-૩૨

૧૦૧

હું સખી, અંધારામાં સૂના ઘરમાં મન માનતું નથી. શાની તૃષાથી તે ક્યાં જશે, રસ્તો તો ખબર નથી. ઝરઝર વરસતા પાણીમાં, નિબિડ અંધારામાં, ભીનો પવન જાણે કોકની વાણી કદીક કાન પર લાવે છે—કદીક નથી લાવતો. ૧૯૨૯-૩૨

૧૦૨

નીલ સાગરના શ્યામલ કિનારે અતુલયાને રસ્તે જતાં જોઈ છે. એ વાત ક્યારેક મટી શકે તેમ નથી કે તે અખિલ વિશ્વની માધુર્યની રુચિમાં છે. તે વાત મેં મારી વીણાને શીખવી, તે ચિરપરિચિતનો ગીતમાં પરિચય કરાવ્યો. તે વાતને પ્રત્યેક સૂરમાં પાછળ વેરતો જઈશ, સ્વપ્નફસલની પ્રત્યેક બિછાતમાં, ભમરાઓના ગુંજારવમાં તે લહરીઓ જગાવશે, કુસમપુંજમાં તે પવનમાં ડોલશે, શ્રાવણના મેઘવર્ષણમાં તે વરસશે. શરદમાં ક્ષીણ મેઘમાં આકાશમાં વહેશે, સ્મરણવેદનાના રંગમાં તે ચિતરાયેલી છે. અચાનક ક્ષણે ક્ષણે તેને પામીશ, યમનમાં, કેદારામાં, બિહાગમાં, બહારમાં. ૧૯૨૯-૩૨

૧૦૩

સ્વપ્નમાં બન્ને જણ કેવાય મોહમાં હતાં, જાગવાનો સમય થયો— જતા પહેલાં છેલ્લી વાત કહો. પાછું વળી જોઈ કંઈક એવું આપો કે જેથી વેદના રમણીય બને. વિદાયની વેળાએ એક ક્ષણ માટે જો આંસુ ભરેલી આંખ ઊંચી કરશો તો મારા મનમાં અનંતકાળ માટે તે રહેશે. નિષ્પલક આ શુક્રતારક એ રીતે પ્રભાતે વિરહાકાશના લલાટ પર દૂર ઉદિત થશે. રાત્રિની આખરનું આ જે અંતિમ ક્રંદન છે, તે વીણાના તારમાં બંધાઈ ગયું. ખોવાયેલો મણિ સ્વપ્નમાં ગુંથાયેલો રહેશે — હે વિરહિણી, તો પોતાને હાથે વિદાયનું દ્વાર ખોલો. ૧૯૨૯-૩૨

૧૦૪

મારું જીવનપાત્ર ઉભરાવી દઈને તેં માધુર્ય અર્પ્યું છે — તને ખબર નથી, તને ખબર નથી, તને તેનું મૂલ્ય કેટલું છે તેની ખબર નથી. રજનીગંધા જેમ ખબર ન પડે એ રીતે રજનીને સ્વપ્નમાં સૌરભથી ભરી દે છે, તેમ તને ખબર નથી. તને ખબર નથી, મારા મર્મમાં તેં તારું ગીત રેડ્યું છે તેની તને ખબર નથી. હવે વિદાય લેવાનો સમય થયો છે. પ્રસન્ન મુખ ઊંચું કર, ઊંચુ કર. ઊંચું કર. મધુર મરણથી પ્રાણને પૂર્ણ કરીને તારે ચરણે સોંપી જઈશ. જેને તેં ઓળખી નથી, જેને ઓળખી નથી, ઓળખી નથી, તેની ગુપ્ત વ્યથાની નીરવ રાત્રિને આજે અંત આવો. ૧૯૩૩-૩૬

૧૦૫

મારી આંખો તારી આંખોની ગાઢ છાયામાં મનની વાતનાં ફૂલની કળીઓને શોધે છે. ત્યાં કોણ જાણે ક્યારે અગમ, ગોપન, ગહન માયામાં તે ભૂલી પડી. આતુર નજરે તે નીરવે પૂછે છે, નિભૃત વાણીનો પત્તો લાગતો નથી. અજાણ્યાની વચ્ચે અબૂઝની પેઠે તે ફરે છે અને અશ્રુધારામાં ડૂબી જાય છે. મારા હૃદયમાં જે વાત છુપાયેલી છે તેના શબ્દો કોઈ વાર તારા હૃદયમાં છાયા પાડે છે? મેં બારણે લાલ રેખાથી પદ્માસન ચીતર્યું છે, તે તને કશું કહે છે? તારા કુંજ માર્ગે જતાં જતાં મારી વ્યથા પવને પવનમાં ફેલાવી દઉં છું; વાંસળી કઈ આશાથી આકાશને ભાષા અર્પે છે, તે શું કોઈ સમજતું નથી? ૧૯૩૩-૩૬

૧૦૬

ના, ના, આ રીતે બહારથી હું બોલાવીશ નહીં, બોલાવીશ નહીં. જો બની શકે તો તેના અંતરમાં મારો સાદ પહોંચાડીશ (અને) બોલાવી લાવીશ. મારા હૃદય-તલમાં અર્પણ કરવાની વ્યથા બજી રહી છે. લેનાર વ્યક્તિ ક્યાં જાય છે તેની મને ખબર નથી. મારું લેવાનું અને દેવાનું આ મિલન કોણ ગોઠવશે? શું મારી વેદના તેની વેદનામાં નહીં મળી જાય? ગંગાની ધારા શું કાળી યમુનામાં નહીં ભળી જાય? કયો સૂર આપોઆપ બજી ઊઠ્યો? જે પોતાની મેળે જ આવ્યો છે તે જ્યારે ગયો ત્યારે આશાની વાણી મૂકી ગયો છે. ૧૯૩૩-૩૬

૧૦૭

વગર માગે જે મળે છે, અને ત્યાગ કરતાં જે હાથમાં આવે છે, તે ધન (મેં) દિવસે ગુમાવ્યું છે, (પણ) અંધારી રાતે મેળવ્યું છે. તેને જોવા નહીં પામો, સ્પર્શ કરવા નહીં પામો; તેના તરફ પ્રાણ ફેલાવીને જાગો. તેના સંદેશ પ્રત્યે તારામાં રહેશે, સવારે ફૂલમાં ફૂટશે. તેને માટે જેટલાં આંસુ વહાવ્યાં છે તે વીણાવાદિનીના કમળની પાંખડીઓ ઉપર ડામાડોળ થાય છે. મારા પ્રત્યેક ગીતમાં પ્રતિક્ષણ દરેક ઝલકમાં તે ઝળહળી ઊઠ્યાં છે. શાંત હાસ્યના કરુણ પ્રકાશમાં આંખની પાંપણોમાં તે ચમકે છે. ૧૯૩૩-૩૬

૧૦૮

રુદનભરી આ વસંત પહેલાં કદી આવી નહોતી એમ લાગે છે. મારી વિરહવેદના કિંશુકના રક્તિમ રાગથી રંગાઈ ગઈ. કુંજદ્વારે વનમલ્લિકા, નવ પત્રો ધારણ કરીને શણગારાઈ છે, આખો દિવસ અને રાત અનિમેષ નયને એ કોની વાટ જોતી જાગે છે? એમ લાગે છે જાણે દક્ષિણ સમીરમાં દૂર ગગનમાં એકલો વિરહી ગાય છે; કુંજવનમાં મારી બધી કળીઓ આવરણરૂપી બંધ તોડી નાખવા ઇચ્છે છે. હું આ પ્રાણના બંધ બારણાં ઉપર વારંવાર વ્યાકુળ હાથ પછાડું છું; ‘પોતાને અર્પી ન શકી ' — એ વ્યથા મનમાં સાલ્યા કરે છે. ૧૯૩૩-૩૬

૧૦૯

ક્ષણે ક્ષણ મનેમન અતલ જલનું આહ્વાન સાંભળું છું. મન ઘરમાં રહેતું નથી, રહેતું નથી, રહેતું નથી, પ્રાણ ચંચલ (થઈ ઊઠે છે.) ઊછળતી ભરતીમાં પોતાને વહાવી દઈશ, બધી ચિંતાઓ ડુબાડી દેનાર ધારામાં સ્નાન કરીશ — વ્યર્થ વાસનાઓનો દાહ બુઝાઈ જશે. જળમાં મોજાં ઊછળે છે. મારા મર્મસ્થળમાં મોજાં ઊછળે છે. આજે આ કેવી વ્યાકુળતા આકાશમાં છે, પવનમાં છે, જાણે કે કોઈ અધીરી અપ્સરાનું ઉત્તરીય રોમાંચિત ના કરી જતું હોય — દૂર સાગરિકનારે કોનાં ઝાંઝરનો ઝંકાર છે? ૧૯૩૩-૩૬

૧૧૦

હે નિરુપમા, જો ગીતના તાનમાં વિહ્વલતા દેખાય તો ક્ષમા કરજે. ઝરઝર વરસતી વર્ષા આજે ચંચલ છે, નદીને કિનારે કિનારે તરંગો ઊછળે છે. વનેવનમાં નવાં પાંદડાં મર્મર સ્વરે ગાય છે. સજલ પવન દિશેદિશામાં વર્ષાની વાત છેડી રહ્યો છે. હે નિરુપમા, આજે કોઈ પ્રકારની ચપલતા થઈ જાય તો ક્ષમા કરજે. તારી બે કાળી આંખો પર વર્ષાની કાળી છાયા પડે છે, તારા ગાઢ કાળા વાંકડિયા કેશમાં જૂઈની માળા છે. તારા જ ચરણોમાં નવવર્ષાની વરણ- છાબ ધરેલી છે. હે નિરુપમા, આજે કોઈ પ્રકારની ચપલતા થઈ જાય તો ક્ષમા કરજે. વર્ષાનો ગાઢ દિવસ આવ્યો છે, આજે વનરાજિ વ્યાકુલ વિવશ છે. વનમાં બકુલવીથિકા કળીઓથી મત્ત બની છે. નવ કદંબ પોતાની મદિર ગંધથી વ્યાકુળ કરે છે. હે નિરુપમા, આજે આંખ કોઈ પ્રકારનો અપરાધ કરે તો ક્ષમા કરજે. જો દૂર આકાશના ખૂણે ખૂણામાં રહી રહીને વીજળી ચમકી ઊઠે છે, એક દ્વુત કૌતુકથી તારી બારીમાં તે શું જુએ છે? અધીર પવન શા માટે દોડતો આવી રહ્યો છે ! ૧૯૩૩-૩૬

૧૧૧

અશાન્તિએ આજે આ શી દહનજ્વાળા નાખી છે? વેદનામય નિર્દય બાણોથી હૃદય વીંધાઈ ગયું, છાતીને અગ્નિશિખા પ્રજાળે છે, ઝાંઝવાં આંખોને કંપાવે છે. મૃત્યુના ધાગાથી કોણે મારી વરમાળા ગૂંથી? ઓળખીતું જગત સ્વપ્નની છાયામાં ખોવાઈ ગયું, ફ્રાગણના દિવસે પલાશના રંગની રંગીન માયામાં. મારી યાત્રા નિરુદ્દેશ છે, રસ્તો ભૂલવાનો નશો લાગ્યો છે, આ ફેરે તો મારી અજાણ્યા દેશમાં જવાની વારી છે. ૧૯૩૩-૩૬

૧૧૨

આપણે બે જણાં હવે મુગ્ધ લલિત અશ્રુગલિત ગીતથી આ પૃથ્વી ઉપર સ્વર્ગનું રમકડું નહિ બનાવીએ. પંચશરની વેદનામાધુરી વડે હે પ્રિય, આપણે હવે વાસરરાત્રિ (વિવાહરજની) નહિ રચીએ. દુર્બળ પ્રાણથી ભાગ્યને ચરણે આપણે ભીખ ન માગીએ. કશો ભય નથી, હું ચોક્કસ જાણું છું કે તું છે અને હું છું. આપણે દુર્ગમ માર્ગે દુર્દમ વેગથી અને મુશ્કેલ કાર્યમાં પ્રેમનો ઝંડો ઊંચો ઉડાવીશું. રુક્ષ દિવસોનું દુઃખ પામીએ તો ભલે પામીએ પણ આપણને શાંતિ નથી જોઈતી, આપણે સાંત્ત્વના નહિ માગીએ. નાવમાં નદી ઓળંગતાં જો સુકાન ભાંગી જાય, સઢનાં દોરડાં તૂટી જાય, તોયે મૃત્યુના મોઢામાં ઊભાં રહીને આપણે ખાતરી રાખીશું કે તું છે ને હું છું. બે જણાની આંખોએ આપણે જગતને જોયું છે, આપણે બંનેએ બંનેને જોયાં છે. મરુભૂમિના માર્ગનો તાપ આપણે બંનેએ સહી લીધો છે. આપણે મોહક મૃગજળ પાછળ દોડયાં નથી, સત્યને મિથ્યા બનાવીને આપણે મનને ભોળવ્યું નથી, — એના ગૌરવપૂર્વક આપણે બંને જણ જેટલા દિવસ જીવશું તેટલા દિવસ આ જગતમાં ચાલીશું. હે પ્રેયસી, ‘તું છે અને હું છું’ એ વાણી મહિમાવતી બનો. ૧૯૩૩-૩૬

૧૧૩

પ્રેમની ભરતી આપણને બન્નેને તાણી લઈ જશે — બંધન ખોલી નાખ, ખોલી નાખ. ચિંતા ભૂલી જઈશું, પાછળ જોઈશું નહીં, સઢ ચઢાવી દે, ચઢાવી દે. પ્રબળ પવને તરંગો ઉછાળ્યા, હૃદય ડોલી ઊઠ્યું, ડોલી ઊઠ્યું. હે પાગલ નાવિક, દિશાઓ ભૂલાવી દે. સઢ ચઢાવી દે, ચઢાવી દે. ૧૯૩૩-૩૬

૧૧૪

આજે ગોધૂલિ સમયે આ વાદળછાયા આકાશમાં તેનાં પગલાં હું હૃદયમાં ગણું છું. ‘એ આવશે’– એમ મારું મન આખો વખત કહ્યા કરે છે. અકારણ રોમાંચથી આંખ આંસુઓમાં તરે છે. એના ઉત્તરીયે અધીર પવનમાં આ કેવો તો દૂરનો સ્પર્શ કરાવ્યો. રજનીગંધાના પરિમલમાં ‘એ આવશે’ - એમ મારું મન કહે છે. માલતીલતા આકુલ થઈ છે, એના મનની વાત પૂરી ન થઈ. વનેવનમાં આજે શી ગુસપુસ છે? ખબર નથી તેઓને કોના સમાચાર મળ્યા છે. દિગ્વધૂના છાતીના અંચલમાં ધ્રુજારી જાગે છે. — ‘એ આવશે’ એમ મારું મન કહે છે. ૧૯૩૭-૩૯

૧૧૫

આજે દક્ષિણના વાયુથી વનેવન ડોલવાં લાગ્યાં. દિક્લલનાઓના નૃત્યચંચલ ઝાંઝરનો ધ્વનિ વિરહવિહલ હૃદયના ધબકારે અંતરમાં ગાજી ઊઠે છે. વાણીહીન વ્યાકુલતા માધવીલતામાં પલ્લવે પલ્લવે કલરવથી પ્રલાપ કરે છે. પતંગિયાંની પાંખો ઉત્સવ-આમંત્રણના પત્રો દિશાએ દિશામાં લઈ જાય છે. ૧૯૩૭-૩૯

૧૧૬

મારા પ્રાણમાં અમૃત ભર્યું છે. તારે જોઈએ છે? હાય, એમ લાગે છે, તને એની ખબર મળી નથી. પારિજાતની મધુર સુંગધ તને આવે છે? હાય, એમ લાગે છે કે તને એની જાણ થઈ નથી. પ્રેમનાં વાદળ ઊતર્યાં છે, હાય, શું તને એની પણ ખબર નથી? મેઘની ગર્જનાથી તું તારા મનના મોરને નચાવે છે ખરો? મેં સિતારના તાર બાંધ્યા છે, મેં સુરલોકના સૂર મેળવ્યા છે, તેની તાને તાને પ્રાણ-મનપૂર્વક ગળું મેળવીને તું ગાય છે ખરો? હાય, તું મિજલસમાં આવ્યો લાગતો નથી. વારે વારે હાક પડી છે, તું જવાબ આપે છે ખરો? આજે હિંડોળાને દિવસે ઝોલો લાગે છે, (પણ) તારા પ્રાણ ડોલતા નથી. ૧૯૩૭-૩૯

૧૧૭

મેં તમારી સાથે સુરના બંધનથી મારો પ્રાણ બાંધ્યો છે, તમે જાણતા નથી કે હું તમને અજાણ્યે સાધને પામ્યો છું. એ સાધનામાં બકુલની ગંધ ભળી જાય છે, એ સાધનામાં કવિના છંદ ભળી જાય છે. તમે જાણતા નથી કે રંગીન છાયાના આચ્છાદનથી તમારું નામ મેં ઢાંકી રાખ્યું છે. તમારી એ અરૂપ મૂર્તિને ફાગણના પ્રકાશમાં લાવીને બેસાડું છું. લલિત વસંતમાં વાંસળી વગાડું છું, ત્યારે દૂર સુદૂર દિગંતમાં ગીતની તાનના એ ઉન્માદમાં સાનેરી આભમાં તમારું ઉત્તરીય ફરફરે છે. ૧૯૩૭-૩૯

૧૧૮

આ ઉદાસીન હવાને રસ્તે રસ્તે કળીઓ ખરી રહી છે, એ બધી મેં વીણી લીધી છે. તમારે ચરણે એ અર્પી છે. કરુણ કરે એ સ્વીકારો. જ્યારે હું ચાલ્યો જઈશ ત્યારે એ સૌ તમારા ખોળામાં ખીલશે, અને તમારી માળા ગૂંથનારી આંગળીઓ મીઠી વેદનાથી સભર થઈને મને યાદ કરે એમ ઈચ્છું. આજે તલ્લીન કરનારું અને તન્દ્રા વગરનું પેલું બઉકથાકઓ(* કોયલની જાતનું એક પક્ષી ) પંખી નિષ્ફળ વ્યથાથી પોકાર કરી કરીને થાકી જાય છે. બન્નેની છૂપી છૂપી વાતો, બન્નેની મિલનની વિહ્વળતા દોલપૂર્ણિમાએ ચાંદનીની ધારામાં તણાઈ જાય છે. કાલના દિવસ માટે તમારા આળસભર્યા બપોરે આ આભાસો માળામાં ગૂંથાઈ જશે. ૧૯૩૭-૩૯

૧૧૯

હે કિશોર, આજે તારે દ્વારે મારા પ્રાણ જાગે છે. હે નવીન, તું એને તારા રંગથી (પ્રેમથી) રંગીન ક્યારે કરીશ? જેમાં બંધન છૂટી ગયાં છે એવી ભાવનાઓ તારો ઝૂલો રચી દેશે. હે ભાવભૂલ્યા, મારી આંખ સામે આવીને ઊભો રહી જજે. હિંડોળાના નૃત્યમાં જાણે તું અમરાવતીમાં છે એવું લાગે છે—તું હૃદયની પાસે વેણુ વગાડે છે, દૂર વેણુ વગાડે છે. લજ્જા, ભય બધું જ ત્યજીને માધવી તેથી જ તો સજીને આવી છે. એ માત્ર પૂછ્યા કરે છે, ‘કોણ કોણ મધુર મધુસૂરે બજાવી રહ્યો છે?’ આકાશમાં આ શી વાત સાંભળું છું? વનમાં આ શું જોઉં છું? આ શું મિલનની ચંચળતા છે કે વિરહની વ્યથા છે? ધરાના વક્ષ પરનો પાલવ કંપી રહ્યો છે, એ સુખથી કે દુઃખથી તે શી ખબર?–જેને એ ધરી શકતી નથી તેને શું એ સ્વપ્નમાં જોઈ રહી છે? જળે સ્થળે ઝોલો ચઢ્યો છે, વને વને ઝોલો જાગ્યો છે- સોહાગણના હૃદયતળમાં ને વિરહિણીના મનમાં. એની વેણુના સુદૂરના સૂરથી મધુર મને વિહ્વળ કરી મૂકે છે. સમસ્તનું હૃદય કોને કાજે અકારણે દોલાયમાન થઈ ઊઠ્યું છે? કરેણની માળાથી છાબ ભરીને લાવો, કોમળ કિશલયથી થાળ સજાવીને લાવો, પીત વસન સજીને આવો. ખોળામાં વીણા બજી ઊઠો. ધ્યાનમાં અને ગાનમાં છો આજની રાત વીતી જતી. હું હિંડોળા-વિલાસી, આવો, મારી વાણીમાં ઝૂલો, અચાનક મારા છંદમાં આવીને એને મત્ત કરી મૂકો. ઘણા દિવસથી હૃદયની નિકટ રસનો સ્રોત થંભી ગયો છે. હવે સમય થઈ ગયો છે, એ તમારા નૃત્યે આજે નાચશે. ૧૯૩૭-૩૯

૧૨૦

અરે તું પંચદશી થઈ, તું પૂર્ણિમાએ પહોંચી, તારી વિહ્વળ રાતમાં મૃદુ સ્મિત સ્વપ્નનો આભાસ છે. ક્યારેક પંખીઓનો જાગી ઊઠતો કલસ્વર તારા નવયૌવનમાં ક્ષણે ક્ષણે વિહ્વળ થઈ ઊઠે છે. પ્રથમ આષાઢની કેતકીની સૌરભ તારી નિદ્રામાં છે. તારા વક્ષમાં અરણ્યમર્મર થરથર ગુંજી ઊઠે છે. મનના દિગન્તે અકારણ વેદનાની છાયા ઘેરાય છે. એ તારી આંખમાં છલ છલ આંસુ લાવી દે છે. ૧૯૩૭-૩૯

૧૨૧

મને ન ઓળખી શું? દીપક વગરના ખૂણામાં હું અન્યમનસ્ક હતી; કોઈને પણ ન જોતાં તું પાછો ગયો. ઘર આવીને તું ભૂલી ગયો—જરાક હાથ અડકાડ્યો હોત તો બારણાં ઊઘડી જાત. મારી ભાગ્યનૌકા આવડું અમથું વિઘ્ન આવતાં રોકાઈ ગઈ. આંધીની રાતે હું પ્રહર ગણતી હતી; હાય રે, મને તારા રથનો અવાજ સંભળાયો નહિ. મેઘની ગડુડુડુ ગર્જનાઓથી કાંપતી હું છાતીને જોરથી દબાવી રહી હતી, ત્યાં આકાશમાં વિદ્યુત્વહ્નિ અભિશાપ લખી ગયો ! ૧૯૩૭-૩૯

૧૨૨

ન કર, જીવનમાં પરમ ક્ષણની અવહેલના ન કર, હે ગર્વિણી ! વખત ખાલી વીતી જશે, ખેલ પૂરો થઈ જશે, અને અમૃતની હાટે લે-વેચ બંધ થઈ જશે, હે ગર્વિણી ! મનનો માનેલો ગુપચુપ આવે છે, પડખે ઊભો રહે છે, અને હાય, હસીને જુવાળના પાણીમાં તરાપો વહાવીને ચાલી જાય છે—દુર્લભ ધનને દુઃખનું મૂલ્ય આપીને જીતી લે, હે ગર્વિણી! ફાગણ જ્યારે ફૂલની ડાળી લઈને ચાલી જશે, ત્યારે શા વડે તું તારી વરમાળા ગૂંથશે, હે વિરહિણી ! દૂરની હવામાં બંસી બજશે, અને આંસુભરી આંખે શૂન્ય નજરે જોઈ રહેતાં પ્રહર વીતશે—રાતને દિવસ વિદાય પથ પર પડતાં પગલાં છાતીમાં વાગશે. ૧૯૩૭-૩૯

૧૨૩

મને બોલાવીશ નહિ, બોલાવીશ નહિ. જે ચાલી આવ્યો છે તેને મનમાં રાખીશ નહિ. મારી વેદના હું લઈને આવ્યો છું: પ્રેમ કર્યો છે તેનું મૂલ્ય માગતો નથી, આંખોના ખૂણામાં કૃપાનો કણ લઈને પાછું ફરી જોઈશ નહિ, મારા દુઃખના જુવાળનો જળસ્રોત બધી લાંછનાઓમાંથી મને દૂર લઈ જશે. હું જ્યારે દૂર ચાલ્યો જઈશ, ત્યારે તું મને ઓળખશે— આજે અવહેલનાને છલના દ્વારા ઢાંક નહિ ! ૧૯૩૭-૩૯

૧૨૪

તે દિવસે સમી સાંજે મનમાં શી દ્વિધા રાખીને તું ચાલ્યો ગયો? જતાં જતાં બારણામાંથી, શો વિચાર કરીને મોં ફેરવ્યું – શી વાત મનમાં હતી? તું આંખના ખૂણામાં એ શું હસી ગયો? હું કંપિત હૃદય લઈને બેઠી બેઠી વિચાર કર્યા કરું છું, (અને) તું (તો) દૂર ભુવનમાં છે. આકાશમાં બગલાની પંક્તિ ઊડે છે, અને મારી વેદના તેની સાથી છે. હું એકવાર તને પૂછવા માગું છું, વિદાય વખતે તું શું નથી બોલ્યો? શું તે ભીંજેલી જૂઈની ગંધરૂપી વેદનામાં રહી ગયું? ૧૯૩૭-૩૯

૧૨૫

જે મારી સ્વપ્નચારિણી હતી, તેને હું સમજી ન શક્યો. શોધતાં શોધતાં જ દિવસ પૂરો થઈ ગયો. તેં મને શુભ ક્ષણે પાસે બોલાવ્યો, મારી લાજ ઢાંકી, તને સહેજમાં સમજી શક્યો. કોણ મને અનાદરપૂર્વક જાકારો આપશે, કોણ મને પાસે બોલાવશે, કોના પ્રેમની વેદનામાં મારું મૂલ્ય રહેલું છે, એ નિરંતર સંશયને કારણે હાય, હું ઝૂઝી નથી શકતો. હું ફક્ત તને જ સમજી શક્યો છું. ૧૯૩૭-૩૯

૧૨૬

હાય, જોકે તારા અકૃપણ હાથથી મારું જીવન પૂર્ણ ન થયું તોયે મન જરૂર જાણે છે કે ચકિત ક્ષણિક તડકી છાંયડી ચિંતનના પ્રાંગણમાં તારા સાથિયા પૂરી જાય છે. વૈશાખની શીર્ણ નદી ભર્યાભર્યા સ્ત્રોતનું દાન જો ન પામે તોયે સંકુચિત તીરે તીરે ક્ષીણ ધારા જે ભાગી જનારો સ્પર્શ આપતી જાય છે તેને તરસ્યો ભાગ્ય માનીને લઈ લે છે. મારી ભીરુ વાસનાની અંજિલમાં જે કંઈ મળે છે તે ઊભરાતું રહે છે. દિવસના દૈન્યનો જે કંઈ સંચય હોય છે તે જતનપૂર્વક પકડી રાખું છું, (કારણ ) એ તો રાત્રિના સ્વપ્નની સામગ્રી છે. ૧૯૩૭-૩૯

૧૨૭

છિન્નભિન્ન થઈ જાઓ, મિથ્યાની જાળ છિન્ન ભિન્ન થઈ જાઓ. દુઃખના પ્રસાદથી આજે મુક્તિનો સમય આવ્યો છે. એ સારું છે, એ સારું છે કે વિચ્છેદરૂપી વહ્નિની શિખાનો પ્રકાશ નિષ્ઠુર સત્યનું વરદાન આપે, અને છલનાનો આડપડદો દૂર થઈ જાય. હે પ્રિય, જા, તું વિજયરથમાં બેસીને જા, હું માર્ગમાં નહિ રોકું. વિદાય લેવા પહેલાં તારું મન સ્વપ્નમાંથી જાગે તો કેવું સારું. બધી જ જંજાળ નિર્મળ થઈ જાઓ. ૧૯૩૭-૩૯