આંગણું અને પરસાળ/ગુજરાતી આંકડા કેવા વાંકડા?

From Ekatra Wiki
Revision as of 15:00, 20 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગુજરાતી આંકડા, કેવા વાંકડા!

‘તો આપણે સાડા બારે નીકળીશું? ‘સાડા બારે એટલે કેટલા વાગ્યે, દાદા?’ ‘જો બેટા, બાર એટલે કેટલા, ખબર છે ને?’ ‘હા દાદા, ટ્વૅલ્ ને?’ ‘બરાબર. બાર પછી ત્રીસ મિનિટ થાય ને, એને સાડા બાર કહેવાય – હાફ પાસ્ટ ટ્વૅલ્વ, ટ્વૅલ્ થર્ટી.’ ઘરમાં કોઈક હસ્યું. ‘આને સાડા બાર એ ખબર નથી; તો પછી દોઢ ને અઢીની ખબર તો કેવી રીતે –’ મેં એને અટકાવીને કહ્યું, ‘ના, એને પૂછવા દો.’ એક વાર વળી એણે પૂછ્યું, ‘દાદા, થર્ટી ફાઈવ અને ફૉર્ટી ફાઈવને ગુજરાતીમાં શું કહે?’ કોઈ બોલવા જતું હતું એને અટકાવી મેં પૌત્રને કહ્યું ‘ના, એમ નહીં. તું પહેલાં એક બે ત્રણ...એમ બોલવા માંડ. ક્યાં સુધી બોલી શકે છે જોઈએ.’ એણે ચૅલેન્જ ઉપાડી લીધી, ‘ઓ.કે. એક બે ત્રણ ચાર... ચોત્રીસ, પાંત્રીસ –’ ‘ગુડ. થર્ટી ફાઈવ એટલે પાંત્રીસ, હજુ આગળ.’ ‘છત્રીસ, સાડત્રીસ...એકતાળીસ, બેતાળીસ, તેતાળીસ, ચોતાળીસ–’ ‘ના. ચોતાળીસ નહીં ચુમ્માળીસ.’ એને થયું હશે, તેત્રીસ પછી ચોત્રીસ આવે, તો તેતાળીસ પછી ચોતાળીસ જ આવે ને? વાત તો ખરી હતી! –પણ કોઈને થવાનું, ‘આ અંગ્રેજી મિડિયમનાં છોકરાં!’ મને થયું – અંગ્રેજી મિડિયમવાળાઓની વાત જવા દો, આપણે બાકીના ગુજરાતીઓ પણ, આંકડામાં કેવા ભેરવાઈએ છીએ! કોઈકને ઓગણ્યાએંસીમાં મૂંઝવણ થાય છે. કૉલેજના એક વિદ્યાર્થીએ ખાતરી કરવા પૂછેલું, ‘ઓગણ્યાએંસી એટલે સેવન્ટી નાઈન કે એઈટી નાઈન?’ એ તો ઠીક, પણ આપણા કેટલાક આંકડાના ઉચ્ચારણમાં, ને ખાસ તો લેખનમાં આપણે કોઈ એક-વાક્યતા(યુનિફૉર્મિટી) સ્થાપી/સ્વીકારી છે ખરી? સંસ્કૃતમાંથી ગુજરાતીમાં આવતાં ‘ત્ર’ નો ‘ત’ થયો ને ક્યાંક ‘ત્ર’ પણ રહ્યો, એ વ્યુત્પત્તિની ઝીણવટ થઈ – ને એથી ‘તેવીસ’ થયું ને ‘ત્રેવીસ’ પણ રહ્યું. પણ આપણે ‘આમ પણ થાય ને એમ પણ થાય’ એવા વિકલ્પ શા માટે રાખ્યા છે, હજીય? આપણા માન્ય શબ્દકોશોએ ને આપણા ભાષા-વિદ્વાનોએ પણ વિકલ્પો પર લેખનને લટકતું શા માટે રાખ્યું હશે! આપણા જાણીતા ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ની અધુનાતન, ‘પુરવણી’ સહિતની, ૨૦૧૨ની આવૃત્તિમાં પણ, એક-થી સો વચ્ચેના, કેટલા વિકલ્પો છે એ જુઓ : ત્રેવીસ/તેવીસ, અઠ્ઠાવીસ/અઠ્ઠ્યાવીસ, ચુંમાળીસ/ચૂંવાળીસ, તેસઠ/ત્રેસઠ, અગણ્યોસિત્તેર/અગણોતેર, ઇકોતેર/એકોતેર, બોતેર/બોત્તેર, તોતેર/તોંતેર, ચુંમોતેર/ચૂંવોતેર, અઠ્યોતેર/ઈઠ્ઠોતેર, અગણ્યાસી/અગન્યાએંસી/ઓગન્યાએંસી, સત્યાસી/સિત્યાસી, અઠ્યાસી/ઇઠ્યાસી. આ દરેકમાંથી કોઈ એક વિકલ્પને જ લેખન રૂપે કેમ સ્થિર ન કરી શકાય? વિકલ્પોનું કારણ બોલીઓના અને બોલચાલના ભેદોને સમાવવાનું છે, એમ કોઈ કહે તો એ પણ ઠીક નથી. તો તો માન્ય લેખનમાં કેટકેટલા વિકલ્પો સમાવવા પડે! ને એથી અવ્યવસ્થા જ થાય. કેટલીક બોલીઓમાં અનુસ્વારનું પ્રમાણ વધુ હોય છે, કોઈમાં અનુસ્વાર ભાગ્યે જ ઉચ્ચારાય છે – તો શું આપણે અનુસ્વારોમાં પણ વિકલ્પો આપીશું? સર્જનાત્મક કૃતિઓમાં બોલી/બોલચાલની લઢણો દેખાય એ સમજી શકાય; પણ માન્ય, શાસ્ત્રીય ગ્રંથોમાં ને ખાસ તો પાઠ્યપુસ્તકો માટે લેખનની એકવાક્યના જ સૂચવવી પડે. એ સિવાય તો લખનારની મૂંઝવણ વધવાની, સરવાળે અરાજકતા ને અતંત્રતા વધવાનાં. વ્યવસ્થાના અભાવે કે એના ઉલ્લંઘનથી માર્ગ-અકસ્માતો થાય છે ત્યારે આપણું મન કકળી ઊઠે છે – લેખનની અરાજકતાને કારણે પણ ગમખ્વાર લખાણો વાંચવાનો ભોગ આપણે બનવું પડે છે – એવી ભાષા-સંવેદનાનું શું કરીશું?

૧૯.૮.૨૦૧૬