ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/મહાજનક જાતક

From Ekatra Wiki
Revision as of 18:01, 12 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મહાજનક જાતક

પ્રાચીન કાળમાં વિદેહ દેશની મિથિલા નગરીમાં મહાજનક નામનો રાજા થઈ ગયો. તેમના બે પુત્ર — અરિટ્ઠજનક અને પોળજનક. જે મોટો હતો તેને ઉપરાજ બનાવ્યો અને નાનાને સેનાપતિ. મહાજનકના મૃત્યુ પછી મોટો રાજા બન્યો, નાનાને રાજાએ ઉપરાજા બનાવ્યો. રાજાના એક સેવકે તેમની પાસે જઈને કહ્યું, ‘દેવ, ઉપરાજા તમને મારી નાખવા માગે છે.’ વારંવાર એકની એક વાત સાંભળીને રાજાએ તે માની લીધી. અને પોળજનકને સાંકળોથી બાંધી, રાજમહેલથી દૂર એક મકાનમાં નજરકેદ કર્યો.

કુમારે સત્યક્રિયા કરી. ‘જો હું ભાતૃદ્રોહી હોઉં તો મારી સાંકળો અને બારણાં ન ખૂલે અને જો ભાતૃદ્રોહી ન હોઉં તો સાંકળો ખૂલી જાય, બારણાં પણ ખૂલી જાય.’તે વેળા સાંકળોના ટુકડેટુકડા થઈ ગયા અને બારણાં પણ ખૂલી ગયાં. તે ત્યાંથી નીકળીને કોઈ પ્રત્યન્ત ગામમાં રહેવા લાગ્યો. ગ્રામજનોએ તેને ઓળખીને તેની પરોણાગત કરી. રાજા તેને પકડાવી ન શક્યો.

ધીમે ધીમે તે જનપદ તેના હાથમાં આવી ગયું. તેના ઘણા બધા અનુયાયીઓ થઈ ગયા ત્યારે તેણે વિચાર્યું, ‘પહેલાં તો ભાઈ મારો દુશ્મન ન હતો પણ હવે હું દુશ્મન થયો છું.’ તે ઘણા બધાને લઈને મિથિલા પહોંચ્યો, નગરની બહાર ડેરાતંબૂ નાખ્યા. નગરવાસીઓને જ્યારે ખબર પડી કે પોળજનક આવ્યો છે ત્યારે તેમાંના ઘણા બધા હાથી, અન્ય વાહન લઈને તેની પાસે પહોંચ્યા, બીજા નાગરિકો પણ આવ્યા. તેણે ભાઈને સંદેશો મોકલ્યો, ‘પહેલાં હું તમારો દુશ્મન ન હતો, પણ હવે છું. કાં તો રાજ્ય આપો કાં તો યુદ્ધ કરો.’

રાજાએ યુદ્ધે જતાં પહેલાં પટરાણીને બોલાવી. ‘જો યુદ્ધમાં જયપરાજય વિશે કશું કહી ન શકાય, જો મારા માથે આફત આવે તો તું તારા ગર્ભની રક્ષા કરજે.’ આમ કહી તે યુદ્ધમેદાને ગયો. પોળજનકના સૈનિકોએ તેને મારી નાખ્યો. આખા નગરમાં રાજાના મૃત્યુના સમાચાર ફેલાઈ ગયા. દેવીને પણ આ જાણ થઈ એટલે સોના જેવી મૂલ્યવાન વસ્તુઓ ટોપલીમાં મૂકી, ઉપર ચીંથરાં ઢાંક્યાં, એના પર ચોખા વેર્યા, મેલાંદાટ કપડાં પહેર્યાં, શરીરને થોડું કદરૂપું બનાવ્યું, ટોપલી માથે મૂકીને દિવસે જ તે નીકળી પડી. કોઈએ તેને ઓળખી નહીં.

તે ઉત્તર દ્વારેથી નીકળી, પહેલાં ક્યારેય બહાર નીકળી ન હોવાને કારણે રસ્તાની ખબર ન પડી, તેને માત્ર એટલી ખબર કે કોઈ કાલચંપાનગર છે, એટલે તે બેસીને પૂછવા લાગી કે કોઈ કાલચંપાનગર જાય છે. તેના પેટમાં કોઈ સામાન્ય જીવ ન હતો. પારમિતાઓની પૂર્તિ કરનાર બોધિસત્ત્વ તેના પેટમાં હતા. તેના તેજથી શક્રભવન ડોલવા લાગ્યું. શક્રે ધ્યાન ધરીને જોયું તો કારણની ખબર પડી. તેમણે વિચાર્યું, ‘આ ગર્ભસ્થ જીવ મહાપુણ્યશાળી છે. મારે જવું પડશે.’ તેમણે એક પરદાવાળો રથ તૈયાર કરાવ્યો. તેમાં પથારી કરી, વૃદ્ધના વેશે રથ હાંકતા શાળાના બારણે પહોંચી દેવી જ્યાં બેઠી હતી ત્યાં આવીને તેમણે પૂછ્યું, ‘કોઈને કાલચંપાનાગર જવું છે?’

‘હા, મારે જવું છે.’

‘તો રથમાં બેસી જાઓ.’

‘ભાઈ, મને છેલ્લા દિવસ જાય છે. હું રથ પર ચઢી નહીં શકું. હું પાછળ પાછળ ચાલીશ. આ ટોપલી રથમાં મૂકી દો.’

‘અરે એ શું બોલ્યાં? મારા જેવો રથ ચલાવનાર બીજો કોઈ નથી. બીશો નહીં. આવી જાઓ.’

શક્રે પોતાના પ્રતાપથી પૃથ્વીને થોડી ઊંચે કરી, રથના પાછલા ભાગની લગોલગ કરી દીધી. પથારીમાં સૂતાં જ દેવીએ જાણી લીધું કે આ કોઈ દેવતા હોવો જોઈએ. દિવ્ય પથારીમાં પડતાં વેંત તેને ઊંઘ આવી ગઈ.

ત્રીસ યોજનનું અંતર વટાવીને તેઓ એક નદીકાંઠે પહોંચ્યા, શક્રે તેને જગાડીને કહ્યું, ‘બહેન, રથમાંથી ઊતરીને નદીમાં સ્નાન કરો. ત્યાં વસ્ત્રો પડ્યાં છે, તે પહેરી લેજો. રથમાં ભોજનની સામગ્રી છે. તે જમી લેજો.’ દેવીએ એમ જ કર્યું. અને ફરી સૂઈ ગઈ. સાંજે ચંપાનગર પહોંચ્યાં. ત્યાંનાં બારણાં, અગાસી જોઈને તેણે પૂછયું, ‘ભાઈ, આ નગરનું શું નામ?’

‘બહેન, ચંપાનગર.’

‘શું કહો છો? શું આપણા નગરથી ચંપાનગર સાઠ યોજન દૂર નથી?’

‘હા, એ તો છે જ, પરંતુ ટૂંકા રસ્તાની મને ખબર છે.’

શક્રે તેને નગરના દક્ષિણ દ્વારે ઉતારી દીધી અને કહ્યું, ‘બહેન, મારું ગામ હજુ આગળ છે. હવે તમે નગરમાં જાઓ.’

થોડે આગળ જઈને શક્ર અંતર્ધાન થઈ સ્વર્ગે ગયા. દેવી પણ એક શાળામાં બેઠી.

તે વેળા એક ચંપાવાસી મંત્રપાઠી બ્રાહ્મણ પોતાના પાંચસો શિષ્યોને લઈને સ્નાન કરવા નીકળ્યો હતો. તેણે દૂરથી આ સુંદર નારીને ત્યાં બેઠેલી જોઈ. પેટમાંના બાળકના પ્રતાપે તેને જોતાંવેંત મનમાં નાની બહેન જેવો પ્રેમ ઉભરાયો. શિષ્યોને ત્યાં જ મૂકીને એકલા શાળામાં પહોંચીને તેણે પૂછ્યું,

‘બહેન, ક્યા ગામમાંથી આવે છે?’

‘હું મિથિલાના રાજા અરિટ્ઠજનકની પટરાણી છું.’

‘અહીં કેમ?’

‘પોળજનકે મારા પતિને મારી નાખ્યો. હું ગભરાઈને બાળકનો જીવ બચાવવા ભાગી નીકળી.’

‘આ નગરમાં કોઈ સગાસંબંધી છે?’

‘ના.’

‘ચિંતા ન કર. હું બ્રાહ્મણ મહાશાલ આચાર્ય છું. હું તને બહેન માનીને તારું ભરણપોષણ કરીશ, તું ભાઈ કહીને મારા પગ પકડીને રડ.’

તે રડતી રડતી તેના પગે પડી. બંને ભેગા થઈને રડ્યાં. શિષ્યોએ ત્યાં આવીને પૂછ્યું, ‘આચાર્ય, આ કોણ છે?’

‘મારી નાની બહેન છે. થોડા સમય પહેલાં તે મારાથી વિખૂટી પડી ગઈ હતી.’

તેને જોયા પછી શિષ્યોએ કહ્યું, ‘આચાર્ય, ચિંતા ન કરતા.’ પરદાવાળા રથમાં બેસાડી બ્રાહ્મણે શિષ્યોને કહ્યું, ‘હવે બ્રાહ્મણીને કહેજો કે આ મારી બહેન છે. જોઈતું કરતું કરે.’ એમ દેવીને ઘેર મોકલી દીધી. બ્રાહ્મણીએ તેને ગરમ પાણીથી નવડાવી પથારી કરીને સૂવડાવી. બ્રાહ્મણ નાહીને આવ્યો. ભોજન વેળાએ તેને બોલાવી. તેની સાથે ભોજન કરીને પછી પોતાના જ ઘરમાં રાખી તેની દેખભાળ કરી.

થોડા સમયે પુત્રજન્મ થયો. દાદાના નામ પરથી તેનું નામ મહાજનક કુમાર પાડ્યું, તે મોટો થવા લાગ્યો. બીજાં બાળકો સાથે રમતી વખતે જો તેઓ તેને પજવતા તો તે શુદ્ધ ક્ષત્રિય વંશમાં જન્મ્યો હોવાને કારણે અને બળવાન તથા અભિમાની હોવાને કારણે તે તેમને બહુ મારતો. તેઓ જોરજોરથી ચીસો પાડતા. જ્યારે કોઈ પૂછે કે તમને કોણે માર્યા ત્યારે તે કહેતા, ‘વિધવાના પુત્રે.’ કુમાર વિચારવા લાગ્યો, ‘આ લોકો દર વખતે મને વિધવાનો પુત્ર કેમ કહે છે? મારે માને પૂછવું પડશે.’ એક દિવસ તેણે પૂછયું, ‘મા, મારા પિતા કોણ છે?’ મા જૂઠું બોલી, ‘આ બ્રાહ્મણ તારા પિતા છે.’ તેણે ફરી એક દિવસ બાળકોને માર્યા. લોકોએ તેને વિધવાપુત્ર કહ્યો. તેણે કહ્યું, ‘શું બ્રાહ્મણ મારા પિતા નથી?’ તેમણે ઉત્તર આપ્યો, ‘બ્રાહ્મણ વળી તારો શું થાય છે?’ ત્યારે તે વિચારવા લાગ્યો, ‘આ લોકો એમ કહે છે કે બ્રાહ્મણ તારો શું થાય છે. મા મને કશું કહેતી નથી. તે સામે ચાલીને નહીં બતાવે. મારે એની પાસે બળજબરીથી કહેવડાવવું પડશે.’ એક વખત સ્તનપાન કરતી વેળા તેણે પૂછયું. ‘બોલ, મારા પિતા કોણ છે? જો નહીં બતાવે તો તારા સ્તન કરડી લઈશ.’ હવે તે તેને ખોટું કહી શકતી ન હતી. એટલે બોલી, ‘તું મિથિલાના અરિટ્ઠજનકનો પુત્ર છે. તારા પિતાને પોળજનકે મારી નાખ્યા. હું તને સાચવતી આ નગરમાં આવી ચઢી. આ બ્રાહ્મણ મને બહેન ગણીને ભરણપોષણ કરે છે.’ ત્યાર પછી તને કોઈ વિધવાપુત્ર કહે તો પણ ગુસ્સે ન થતો.

તે સોળ વરસનો થયો ત્યાં સુધીમાં તો તેણે ત્રણ વેદ અને બધી વિદ્યાઓ શીખી લીધાં. તે અત્યંત રૂપવાન થયો. ‘પિતાનું રાજ્ય લઈશ’ એમ વિચારી તેણે માતાને પૂછ્યું, ‘મા, તારી પાસે કશું છે? નહીંતર વ્યાપાર કરી ધન કમાઈને રાજ્ય લઉં.’

‘દીકરા, હું ખાલી હાથે નથી આવી. એક એક મોતી, મણિ તથા વજ્ર રાજ્યગ્રહણ કરવા પૂરતા છે. તે લઈને રાજ્ય મેળવ. વ્યાપાર ન કર.’

‘મા, તે ધન પણ મારું છે, એમાંથી અડધું લઈ, સુવર્ણભૂમિ જઈ, બહુ ધન કમાઈને રાજ્ય મેળવીશ.’

તેણે અડધું ધન મંગાવ્યું, તેમાંથી સામાન ખરીદ્યો. પછી સુવર્ણભૂમિ જનારા વ્યાપારીઓની સાથે નૌકાઓ પર સામાન મુકાવી માતાને કહ્યું, ‘મા, હું સુવર્ણભૂમિ જઈશ.’

‘દીકરા, સમુદ્રમાં લાભ ઓછા છે, નુકસાન વધારે છે. ના જઈશ. રાજ્ય મેળવવા તારી પાસે બહુ ધન છે.’

‘મા, હું તો જઈશ.’ કહીને, માને પ્રણામ કરી તે નૌકામાં ચઢ્યો.

તે દિવસે પોળજનકને કોઈ રોગ લાગ્યો. તે પથારીમાંથી બેઠો ન થયો.

સાતસો માણસો નૌકાઓમાં બેઠા. સાત દિવસમાં નૌકા સાતસો યોજન ગઈ. તે બહુ વેગે આગળ જઈ ન શકી. તોડફોડ થઈ. ઠેકાણે ઠેકાણેથી પાણી નીકળ્યું. ભર દરિયે નૌકા તૂટી ગઈ. લોકો રડવાકકળવા લાગ્યા. વિવિધ દેવદેવીઓની પ્રાર્થનાઓ કરી. બોધિસત્ત્વ ન રડ્યા ન કકળ્યા, કોઈ દેવની પ્રાર્થના ન કરી. જ્યારે ખ્યાલ આવ્યો કે હવે નૌકા ડૂબી જશે ત્યારે ઘી-સાકરનું ભોજન પેટ ભરીને કર્યું. પછી બે ચીકણા કપડાંમાં તેલ લગાવી એ કપડે શરીર વીંટાળ્યું, કૂવાથંભના ટેકે ઊભા રહ્યા. નૌકા ડૂબવા આવી ત્યારે કૂવાથંભે ચડી ગયો. લોકોને માછલાં કાચબા ખાઈ ગયા. બધું પાણી રાતુંચોળ બની ગયું.

કૂવાથંભ પર ચઢતી વખતે જ બોધિસત્ત્વે વિચાર્યું હતું કે મિથિલા નગરી આ દિશામાં છે. પછી કૂવાથંભથી કૂદીને, માછલાં અને કાચબાઓને મારીને, બળવાન હોવાને કારણે આગળ કૂદી પડ્યો. તે જ દિવસે પોળજનકનું મૃત્યુ થયું. ત્યાર પછી બોધિસત્ત્વ મણિવર્ણ મોજાંઓમાં સુવર્ણદંડની જેમ તરવા લાગ્યા. એક સપ્તાહ તરતા રહ્યા. સમય થાય ત્યારે ખારા પાણી વડે મોં ધોઈને ઉપોસથ વ્રત કરતા રહ્યા. તે સમયે ચારે લોકપાલોએ મણિમેખલા નામની દેવકન્યાને સમુદ્રરક્ષક તરીકે નિમી હતી. માતાપિતાની સેવા કરતું અને બીજા ગુણોવાળું જે પ્રાણી સમુદ્રમાં પડવા અપાત્ર હોય અને છતાં જો પડે તો તેનું ધ્યાન રાખવાની કામગીરી તેને સોંપી હતી. તેણે તે સાત દિવસોમાં સમુદ્ર તરફ ધ્યાન ન આપ્યું. સંપત્તિનો આનંદ મેળવવા રહેવાને કારણે તે સ્મૃતિ મૂઢ થઈ ગઈ હતી. એમ પણ કહેવાયું કે તે ‘દેવ-સમાગમ’માં ગઈ હતી. તેણે વિચાર્યું, ‘મારે સમુદ્ર તરફ ધ્યાન આપવાને તો સાત દિવસ થઈ ગયા. અત્યારે શી સ્થિતિ છે?’ તેણે બોધિસત્ત્વને જોઈને વિચાર્યું, ‘જો મહાજનક કુમાર સમુદ્રમાં મૃત્યુ પામશે તો મને દેવસંમેલનમાં પ્રવેશવા પણ નહીં મળે.’ બોધિસત્ત્વથી થોડી દૂર અલંકૃત શરીર વડે આકાશમાં ઊભા રહી બોધિસત્ત્વની કસોટી કરવા બોલી,

‘આ કોણ છે જે સમુદ્રકાંઠાને જોતો ન હોવા છતાં પ્રયત્ન કરી રહ્યો છે? તું શું માનીને આવો પ્રયત્ન કરે છે?’

બોધિસત્ત્વે વિચાર્યું, ‘આજે મને સમુદ્રમાં તરતા સાતમો દિવસ થઈ ગયો છે, મેં કોઈ બીજું પ્રાણી જોયું નથી. મારી સાથે આ કોણ વાત કરે છે?’

આકાશ સામે જોઈને તે બોલ્યો, ‘હે દેવી, લોકના કર્તવ્ય અને પ્રયત્નનો વિચાર કરતા રહેવાને કારણે કાંઠો ન દેખાતો હોવા છતાં હું સમુદ્રમાં પ્રયત્ન કરી રહ્યો છું.’

તેણે કુમારની ધર્મકથા સાંભળવાની ઇચ્છાથી બીજી કથા કહી, ‘ઊંડા, અસીમ સાગરમાં જ્યારે કાંઠો પણ દેખાતો ન હોય ત્યારે તારો પ્રયત્ન મિથ્યા છે. કાંઠે પહોંચતાં પહેલાં જ તું મૃત્યુ પામીશ.’

‘આ સ્ત્રી શું કહે છે, હું પ્રયત્ન કરતાં કરતાં મૃત્યુ પામીશ તો નિંદાથી તો બચી જઈશ’ એમ વિચારી તે બોલ્યો, ‘જે માનવીનું કર્તવ્ય કરે છે તે સ્વજનોના, દેવતાઓના, પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ જાય છે.’

હવે દેવીએ કહ્યું, ‘જે પ્રયત્ન કરવા છતાં અસાધ્ય છે, જેનું કોઈ પરિણામ નથી, જેમાં દુઃખ દુઃખ જ છે, અને જેનું નિશ્ચિત પરિણામ મૃત્યુ જ છે એવા પ્રયત્નથી શો લાભ?’

આમ સાંભળી બોધિસત્ત્વે દેવીને નિસ્તેજ કરવા કહ્યું, ‘ઉદ્દેશ પૂર્ણ થવાનો નથી તે જાણીને જે પોતાના પ્રાણની રક્ષા કરતો નથી, તે જો પ્રયત્ન મૂકી દે તો તે તેના પ્રમાદનું પરિણામ છે. દેવી, આ લોકમાં કેટલાક અમુક ચોક્કસ વિશેષ હેતુથી કોઈ કામમાં પરોવાય છે. તે પૂરું થાય, અને ન પણ થાય. હે દેવી, મારા આ કર્મનું ફળ તમે જોઈ શકતા નથી? બીજાઓ ડૂબી ગયા. હું હજુ પણ તરી રહ્યો છું અને તમારું દર્શન થયું. આમ હું યથાશક્તિ, યથાબળ સમુદ્ર તરવાનો પ્રયત્ન કરીશ. હું માનવકર્તવ્ય કરીશ.’

દેવીએ તેની દૃઢ પ્રતિજ્ઞા સાંભળીને તેની પ્રશંસા કરતાં કહ્યું, ‘જો તું આ પ્રકારે અસીમ, મહાસમુદ્રમાં પણ તારું ધાર્મિક પ્રયત્ન — કર્મ નથી ત્યજી રહ્યો તો જ્યાં જવા તું ઇચ્છે છે ત્યાં પહોંચી જા.’

આમ કહી દેવીએ તેને પૂછ્યું, ‘મહાપરાક્રમી પંડિત, તને ક્યાં પહોંચાડું?’

‘મિથિલા નગરી.’

કોઈ બે હાથમાં હાર ઊંચકે કે પોતાના વહાલા પુત્રને છાતીએ વળગાળે તેમ બોધિસત્ત્વને ઊંચકીને તે આકાશમાં ઊડી. ખારા પાણીમાં રહેવાને કારણે તેનું શરીર તતડી ગયું હતું. દિવ્ય સ્પર્શને કારણે તેને ઊંઘ આવી ગઈ. તે બોધિસત્ત્વને મિથિલા લઈ ગઈ. અને આંબાવાડિયાની મંગલ શિલા પર સૂવડાવી દીધો. ઉદ્યાન દેવતાઓને તેની રક્ષાનો ભાર સોંપીને તે પોતાના નિવાસે ચાલી ગઈ. પોળજનકને કોઈ પુત્ર ન હતો. તેને એક પુત્રી હતી, તેનું નામ સીવલી દેવી, તે વિદુષી હતી. જે સમયે રાજા મરણપથારીએ હતો ત્યારે તેને પૂછ્યું હતું, ‘દેવ, તમે ન હો તો રાજ્ય કોને આપવું?’

‘મારી પુત્રી સીવલીને જે યોગ્ય લાગે, જે પલંગના માથાનો ભાગ જાણતો હોય, જે હજાર બળવાળા ધનુષને ઊંચકી શકે અને જે સોળ નિધિઓ કાઢીને લાવે તેને રાજ્ય સોંપવું.’

‘દેવ, આ નિધિઓ વિશે કહો,’

‘સૂર્યોદય થવાના સ્થાને નિધિ છે, સૂર્યાસ્ત થવાના સ્થાને નિધિ છે. નિધિ અંદર છે, નિધિ બહાર છે. ‘નહીં અંદર, નહીં બહાર’ નિધિ છે. ચઢવાની જગાએ નિધિ છે, ઊતરવાની જગ્યાએ નિધિ છે. ચારે મહાશાલ અને ચારે યોજનભરમાં નિધિ છે. દાંતોની આગળ નિધિ છે, વાળના મસ્તક પર, પાણીમાં મોટાં વૃક્ષો પર — આ સોળ જગ્યાએ મહાનિધિ છે.’

રાજાના મૃત્યુ પછી તેની ઉત્તરક્રિયા કરીને સાતમા દિવસે મંત્રીઓ એકઠા થયા. ‘રાજાએ કહ્યું છે કે મારી પુત્રીને જે ગમે તેને રાજ્ય સોંપવું. તેને કોણ સંતોષ આપી શકશે?’ તેમણે સેનાપતિને પ્રિય પાત્ર સમજી સંદેશો મોકલાવ્યો તેણે હા પાડી, રાજ્યાર્થી થઈને રાજમહેલ પહોંચ્યો. રાજકન્યાને પોતાના આગમનના સમાચાર મોકલ્યા. સેનાપતિના આવવાના કારણની તેને ખબર પડી ત્યારે રાજ્યછત્ર ધારણ કરવાની ક્ષમતા છે કે નહીં તેની પરીક્ષા કરવા જલદી આવવા કહેવડાવ્યું.

જ્યાં નિસરણી હતી ત્યાંથી તે ઉતાવળે જઈને રાજક્ન્યા પાસે ઊભો રહી ગયો. તેણે તેની કસોટી કરવા કહ્યું, ‘આ ઊંચા સ્થળે ઉતાવળે દોટ મૂક.’ રાજકન્યાને પ્રસન્ન કરવા તે જોરથી કૂદ્યો. તેણે ફરી કહ્યું, ‘આવ.’ એટલે તે ઝડપથી ગયો. તેનામાં તેને ક્ષમતા ન વરતાઈ, પછી તેણે કહ્યું, ‘આવો અને મારા પગ દબાવો.’ તે તેને પ્રસન્ન કરવા નીચે બેસીને પગ દબાવવા લાગ્યો. રાજકન્યાએ તેની છાતીમાં લાત મારી એને પાડી નાખ્યો, દાસીઓને કહ્યું,‘આ આંધળા, મૂરખ, ક્ષમતાહીન માણસને મારીને, ગરદનથી પકડી બહાર લઈ જાઓ.’ તેમણે એમ જ કર્યું. લોકોએ પૂછ્યું, ‘સેનાપતિ, કેવું રહ્યું?’

તેણે કહ્યું, ‘અરે વાત જ ન પૂછતા. આ સ્ત્રી નહીં, યક્ષિણી છે.’ પછી ખજાનચી ગયો, તેને પણ એવી જ રીતે લજ્જાસ્પદ બનાવ્યો. પછી શ્રેષ્ઠી, છત્રધારક, અસિગ્રાહક — આ બધાને લજ્જાસ્પદ કર્યા. પછી લોકોએ વિચાર્યું, ‘રાજકન્યાને પ્રસન્ન કરનાર તો દેખાતો નથી. હજાર બળના ધનુષની પણછ જે ચઢાવી શકે તેને રાજ્ય આપીએ.’ તે ધનુષ પણ કોઈ ચઢાવી ન શક્યું. પછી કહ્યું,‘પલંગના માથાના કોઈ જાણકારને આપીએ.’ તેનો જાણકાર કોઈ ના મળ્યો. પછી સોળ મહાનિધિ લાવનારને આપીએ, તો નિધિ પણ કોઈ શોધી ન શક્યું.

તેઓ વિચારમાં પડી ગયા, ‘રાજા વગર રાજ્યની રક્ષા થઈ ન શકે. તો શું કરીશંુ?’ પુરોહિતે કહ્યું,‘ચિંતા ના કરો. પુણ્યરથ છોડી મૂકો. પુણ્યરથ વડે પ્રાપ્ત થયેલ રાજા આખા જંબુદ્વીપનું રાજ્ય કરી શકે.’ બધાએ તે વાત સ્વીકારી અને નગરને શણગાર્યું. મંગલરથમાં ચાર કુમુદવર્ણા અશ્વ જોડ્યા. પછી ઉપર વસ્ત્ર ઢાંકી, પાંચેય રાજચિહ્ન લગાવ્યાં, તેની ચારે બાજુ ચતુરંગિણી સેના ગોઠવી. સ્વામીવાળા રથમાં વાજાં આગળ વાગે અને સ્વામી વગરના રથમાં વાજાં પાછળ વાગે. એટલે પુરોહિતે વાજાં પાછળ વગડાવ્યાં. પછી રથનાં વાજાં અને બીજાને સુવર્ણઝારીથી અભિષિક્ત કર્યાં અને કહ્યું, ‘જે રાજ કરવા પુણ્યશાળી છે તેની પાસે જા.’ રથ રાજગૃહની પ્રદક્ષિણા કરીને ઘોષણાપથ પર ચાલ્યો. સેનાપતિ અને બીજા વિચારવા લાગ્યા, ‘રથ મારી પાસે આવશે, મારી પાસે આવશે.’ પણ તે બધાને ઓળંગી, નગરની પ્રદક્ષિણા કરીને પૂર્વ દ્વારેથી નીકળી ઉદ્યાનની દિશામાં ગયો.

તેને બહુ ઝડપથી આવતો જોઈ લોકોએ તેને રોકવા કહ્યું, પણ પુરોહિતે ના પાડી, ‘એને રોકો નહીં. ભલે તે સો યોજન જાય.’ રથ ઉદ્યાનમાં પ્રવેશ્યો અને મંગલ શિલાની પ્રદક્ષિણા કરીને આગળ ચાલવા તૈયાર થયો. પુરોહિતે બોધિસત્ત્વને ત્યાં પડેલો જોયો. મંત્રીઓને કહ્યું, ‘જુઓ, શિલા પર એક માણસ સૂતો છે. તેનામાં શ્વેત છત્ર ધારણ કરવાની ક્ષમતા છે કે નહીં તે કહી ન શકાય. જો પુણ્યશાળી હશે તો આ બાજુ જોશે; જો સાવ મુફલિસ હશે તો ડરી જઈ, ગભરાઈને ઊભો થઈ જશે, ધૂ્રજતો ધ્રૂજતો આ તરફ જોશે. જલદી બધાં વાજાં વગાડવો. તે સમયે ઘણાં વાજાં વાગવા લાગ્યાં. જાણે સાગર ગરજ્યો. બોધિસત્ત્વની આંખો ખૂલી ગઈ, જરા માથું ઊંચું કરીને લોકોને જોયા, માની લીધું કે શ્વેત છત્ર લઈને આવ્યા હશે. પછી માથું ઢાંકીને પડખું ફરીને પડી રહ્યો. પુરોહિતે પગ ઉઘાડા કરીને જોયું, તેને લક્ષણોથી ખ્યાલ આવી ગયો કે એક દ્વીપ તો શું તે ચારે દ્વીપો પર રાજ્ય કરી શકે એમ છે. તેણે ફરી વાજાં વગડાવ્યાં. બોધિસત્ત્વે મોં પર ઢાંકેલું વસ્ત્ર ઉઘાડી, ફરી પાછું પડખું બદલીને લોકો તરફ નજર કરી. પુરોહિતે લોકોને દૂર કર્યા, હાથ જોડીને પ્રાર્થના કરી, ‘દેવ, ઊભા થાઓ. તમારે રાજ્યપ્રાપ્તિનો અવસર આવ્યો છે.’

‘રાજા ક્યાં ગયા?’

‘તેમનું મૃત્યુ થયું.’

’તેમને પુત્ર કે ભાઈ નથી?’

‘ના, નથી.’

‘ભલે, રાજ કરીશ.’ એમ કહી શિલા પર પલાંઠી વાળીને તે બેઠા. તેમનો અભિષેક ત્યાં જ કર્યો. મહાજનક રાજા થયા. વૈભવપૂર્ણ રીતે તેઓ નગરમાં પ્રવેશ્યા. રાજમહેલમાં જતાં જતાં જ તેમણે વિચાર્યું કે સેનાપતિ જેવા પદે જેઓ છે તેઓને એ પદે રાખી જ મૂકવા. રાજકન્યાએ તેની પરીક્ષા લેવા એક સેવકને મોકલ્યો, ‘જા, રાજાને જઈને કહે કે સીવલી દેવી તમને બોલાવે છે, જલદી ચાલો.’ રાજા પંડિત હતા. તેની વાત સાંભળી ન સાંભળી કરીને મહેલની પ્રશંસા કરતા રહ્યા, ‘મહેલ તો બહુ સુંદર છે.’ તેણે વાત સાંભળી જ નહીં એટલે દેવી પાસે જઈને બોલ્યો, ‘આ રાજા તમારી વાત સાંભળતા નથી. મહેલની જ પ્રશંસા કરતા રહ્યા. તમને તો તણખલા જેટલુંય ગણતા નથી. મહાન આશયવાળો પુરુષ હશે.’

રાજકન્યાએ સેવકે બીજી વાર, ત્રીજી વાર મોકલ્યો. રાજા પોતાની ઇચ્છાથી, સ્વાભાવિક ગતિથી સિંહની જેમ જાગ્રત રહી મહેલમાં પ્રવેશ્યા. તે પાસે આવ્યા એટલે તેમના તેજને કારણે રાજકન્યા પોતાને સંભાળી ન શકી. રાજાએ પોતાના હાથનો ટેકો આપ્યો.

તેનો હાથ ઝાલીને તે મહેલના ઉપલા ભાગે ચઢ્યા, શ્વેતછત્ર નીચે સિંહાસન પર બેસીને મંત્રીઓને પૂછ્યું, ‘રાજાએ મરતી વખતે કોઈ ખાસ વાત કરી હતી ખરી?’

‘હા, દેવ.’

‘તો કહો,’

‘તેમણે એવું કહ્યું હતું કે સીવલી દેવીને જે ગમે તેને રાજ આપવું.’

‘સીવલી દેવીએ આવીને હાથનો ટેકો મેળવ્યો એટલે તે પ્રસન્ન છે. હવે બીજી વાત કહો.’

‘દેવ, પલંગનો માથાવાળો ભાગ કયો છે તે જાણનારને રાજ્ય આપવું.’

રાજાએ વિચાર્યું, ‘આ જાણવું અઘરું છે. પરંતુ કોઈ ઉપાય વડે જાણી શકાય ખરું.’ તેમણે માથામાંથી સુવર્ણસોય કાઢીને દેવીના હાથમાં મૂકી — આને મૂકી દો. તેણે તેમની પાસેથી લઈને પલંગના માથા પર મૂકી. તલવાર આપો એમ પણ કહેવાયું. પછી એ સાંભળ્યું ન સાંભળ્યું કરીને પૂછ્યું,‘શું કહો છો?’ તેમણે ફરી એ વાત બેવડાવીને કહ્યું, ‘આ જાણવું કંઈ આશ્ચર્યની વાત નથી. આ માથાવાળો ભાગ છે બીજું શું?’

‘દેવ, આજ્ઞા કરી હતી કે જે હજાર બળવાળા ધનુષની પણછ ચઢાવી શકે તેને રાજ આપવું.’

‘તો મંગાવો.’ તેમણે ધનુષ મંગાવી, પલંગ પર બેઠા બેઠા જ સ્ત્રીઓ કપાસ લોઢે તેમ ચઢાવી દીધું. ફરી પૂછ્યું, ‘બીજું?’

‘તેમણે કહેલું કે જે સોળ ખજાના શોધી કાઢે તેને રાજ્ય આપવું.’

‘એનો કશો પત્તો છે ખરો?’

‘હા, છે.’ તેમણે સુરિયગ્ગમણે નિધિ વગેરેની વાત કરી. આ સાંભળતાં જ આકાશના ચંદ્રની જેમ તેનો અર્થ સ્પષ્ટ થઈ ગયો.

તેમણે મંત્રીઓને કહ્યું, ‘આજે સમય નથી. આવતી કાલે ખજાના કાઢીશું.’

બીજે દિવસે મંત્રીઓને બોલાવીને પૂછ્યું, ‘તમારા રાજા પ્રત્યેક બુદ્ધોને ભોજન કરાવતા હતા?’

‘હા, દેવ.’

તેમણે વિચાર્યું, ‘સૂર્ય એટલે સૂર્ય નહીં. સૂર્ય જેવા હોવાને કારણે પ્રત્યેક બુદ્ધ સૂર્ય છે. તેમનું સ્વાગત કરવાની જગાએ ખજાનો હોવો જોઈએ.’

તેમણે પૂછ્યું, ‘પ્રત્યેક બુદ્ધોના આગમન સમયે તેમને લેવા રાજા ક્યાં સુધી જતા હતા?’

‘આ સ્થાન સુધી.’

પછી તે સ્થળે ખોદાવી ખજાનો કાઢ્યો.

‘પ્રત્યેક બુદ્ધો જ્યારે પાછા જાય ત્યારે ક્યાં ઊભા રહીને તેમને વિદાય કરતા હતા?’

‘આ જગ્યાએ.’

પછી ત્યાંથી ખજાનો કાઢો એમ કહી ખજાનો કઢાવ્યો. પ્રજાજનોએ હર્ષનાદ કર્યો.

તેણે પ્રસન્ન થઈને કહ્યું, ‘સુરિયુગ્ગગણ’ કહેવાને કારણે સૂર્યોદયની દિશામાં ખોદતા ફરીએ અને અવગમન કહેવાને કારણે સૂર્યાસ્તની, દિશામાં ખોદતા ફરીએ. આ ધન તો અહીં જ છે. કેવું અચરજ. ‘અંદર ખજાનો છે’ એટલે રાજમહેલના મોટા દરવાજાના ઉબરા નીચેથી ખજાનો કાઢ્યો. ‘બહાર ખજાનો’ એટલે ઉબરાની બહારથી ખજાનો કઢાવ્યો. ‘ન અંદર — ન બહાર’ એટલે ઉબરાની નીચેથી ખજાનો કઢાવ્યો. ‘ચઢવાના સ્થાને’ એટલે મંગલ હાથી પર ચઢતી વખતે સોનાની નિસરણી મૂકવાની જગાએથી ખજાનો કઢાવ્યો.‘ઊતરવાના સ્થાને’ એટલે હાથી પરથી ઊતરવાના સ્થાનેથી ખજાનો કઢાવ્યો. ‘ચાર મહાશાલ’ એટલે જમીનમાં દાટેલા પલંગના ચાર પાયા શાલના હતા, તેની નીચેથી ખજાનાના ચરુ કઢાવ્યા. ‘ચારે તરફ યોજન જેટલા અંતરે’માં યોજનનો અર્થ રથયુગ. પલંગની ચારે બાજુ યુગ ભરના અંતરેથી ખજાનાના ચરુ કઢાવ્યા. ‘દાંતોની આગળ મહાનિધિ’ એટલે મંગલ હાથીના સ્થાન પર તેના બંને દંતૂશળની સામેના સ્થળેથી બે ખજાના કઢાવ્યા. ‘વાળના માથા પર’ એટલે મંગલ અશ્વના સ્થાને તેનું પૂછડું ઉડાવવાના સ્થળેથી ખજાનો કઢાવ્યો. ‘કેચુક’ એટલે પાણી. મંગલ પુષ્કરિણીમાંથી પાણી કઢાવી ખજાનો બતાવ્યો. ‘વૃક્ષોની નીચે’ એટલે પોતાના ઉદ્યાનમાં જ વિશાળ શાલ વૃક્ષની નીચે બરાબર મધ્યાહ્ને મંડલાકાર વૃક્ષની છાયાની અંદરથી ખજાનાના ચરુ કઢાવ્યા. ‘હવે બીજું કંઈ?’

‘ના, દેવ. હવે કશું નહીં.’ પ્રજા ખૂબ રાજી થઈ.

‘આ ધનનું દાન કરીશ.’ એમ વિચારી રાજાએ નગરની વચ્ચે તથા ચારે દ્વાર આગળ ચાર — એમ પાંચ દાનશાલા ઊભી કરી. તેમને રાજ્ય કરવાનો આરંભ કર્યો ત્યારથી સમગ્ર વિદેહ દેશમાં તેમનું દર્શન કરવાની ધમાલ મચી ગઈ. ‘અરિટ્ઠજનક રાજાનો પુત્ર મહાજનક રાજા રાજગાદીએ છે. તે પંડિત છે. તેમને જોવા જઈએ.’ ચારે કોરથી લોકો ઘણી ઘણી ભેટો લઈને આવ્યા. નગરમાં મોટો ઉત્સવ થયો. રાજભવનમાં હાથીઓ પર વસ્ત્ર ઓઢાડ્યાં. સુવાસિત દ્રવ્યો, ફૂલહાર ચારે બાજુ થયા. પુષ્પ, સુગંધ, તડકાની અધિકતાને કારણે જરા અંધારું કરીને વિવિધ ભોજન વાનગીઓ તૈયાર થઈ. રાજાને ભેટ આપવા માટે સોના-ચાંદીનાં પાત્રોમાં વિવિધ ખાદ્યસામગ્રી, ફળફૂલ લઈને આમ તેમ એકઠા થઈને ઊભા હતા. એક બાજુ મંત્રીમંડળ બેઠું હતું. એક બાજુ બ્રાહ્મણ, એક બાજુ શ્રેષ્ઠીઓ. એક બાજુ ઉત્તમ રૂપ ધરાવતી નટીઓ, બ્રાહ્મણોમાં સ્વસ્તિવાચન અને મંગલ પાઠ કરનારા હતા. તેઓ મંગલ ગીતના કુશળ ગાયક હતા. તેમણે મંગળ ગીતો ગાયાં. સેંકડો વાજાં વાગ્યાં. રાજભવન સમુદ્રના પેટાળની જેમ ગાજી ઊઠ્યું, જ્યાં ને ત્યાં જાણે તે જ ગરજતો હતો.

બોધિસત્ત્વે શ્વેત છત્ર નીચે સિંહાસન પર બેઠા બેઠા ઇન્દ્રના જેવી સમૃદ્ધિ જોઈને મહાસમુદ્રમાં પોતાના પુરુષાર્થને યાદ કર્યો. તેમને થયું — પુરુષાર્થ કરવો જ જોઈએ. જો મેં મહાસમુદ્રમાં પુરુષાર્થ કર્યો ન હોત તો મને આ ઐશ્વર્ય પ્રાપ્ત ન થાત. તેમને બહુ આનંદ આવ્યો. એ આનંદમાં જ તે બોલવા લાગ્યા.

‘મનુષ્યે આશા રાખવી જોઈએ. પંડિતે કદી નિરાશ ન થવું. હું મારી વાત કરું તો મેં જેની જેની ઇચ્છા કરી તે બધું મળ્યું. હું પાણીમાંથી જમીન પર આવ્યો. મનુષ્યે પુરુષાર્થ કરતા રહેવું. પંડિતે કદી નિરાશ ન થવું. બુદ્ધિશાળીએ દુઃખમાં સુખની આશા ત્યજવી નહીં. બહુ દુઃખ અને સુખનો વિચાર કરનારા આમ જ મૃત્યુ પામે છે. જે આશાવાન નથી તે નાશ પામે છે, જે આશાવાન છે તે પણ નાશ પામે છે. સ્ત્રી કે પુરુષના વૈભવ ચિંતનયોગ્ય નથી.’

ત્યાર પછી દસ રાજધર્મ પાળીને ધર્માનુસાર રાજ્ય તે કરવા લાગ્યા, પ્રત્યેક બુદ્ધોની સેવા કરતાં રહ્યા. થોડા સમયે સીવલી દેવીએ ધન અને પુણ્યનાં લક્ષણોવાળા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ દીર્ઘાયુકુમાર રાખવામાં આવ્યું. તે મોટો થયો એટલે તેને ઉપરાજપદે બેસાડ્યો.

એક દિવસ માળી ફળ અને જાતજાતનાં ફૂલ લઈને આવ્યો. એ બધાંથી આનંદિત થઈને રાજાએ તેમનું સમ્માન કર્યું, અને પછી કહ્યું, ‘માળી, ચાલો ઉદ્યાન જોઈએ. એને શણગારો.’ માળીએ એની હા પાડીને ઉદ્યાન તૈયાર થયો છે એ સંદેશો રાજાને કહેવડાવ્યો. રાજા હાથી પર સવાર થઈને ઘણા સેવકોની સાથે ઉદ્યાનના દ્વારે પહોંચ્યા. ત્યાં બે ઘેરા લીલા રંગના બે આંબા હતા. એક પર કેરીઓ હતી, બીજા પર ન હતી. જ્યાં કેરીઓ હતી ત્યાં તે બહુ મીઠી હતી, રાજાએ એનો પહેલો ફાલ ચાખ્યો ન હતો એટલે કોઈ તેની કેરી ખાઈ શક્યું ન હતું. રાજાએ હાથી પર બેઠા બેઠા જ તે કેરી ખાધી. જીભ પર મૂકતાંવેંત તેને દિવ્યતાનો અનુભવ થયો. ‘પાછા વળતાં બહુ ખાઈશ.’ એવું તેમણે વિચાર્યું, રાજાએ પહેલી કેરી ખાઈ લીધી છે એ જાણીને ઉપરાજાથી માંડીને અશ્વપાળ સુધીના બધાએ કેરીઓ ખાધી. જેમને કેરી ન મળી તેમણે લાકડીઓ વડે ડાળીઓ તોડી નાખી, આંબો બોડો કરી નાખ્યો. બીજો આંબો મણિપર્વતની જેમ ચમકતો ઊભો હતો.

રાજાએ ઉદ્યાનમાંથી બહાર નીકળતાં આંબો જોઈ પૂછ્યું. ‘આ શું?’

‘દેવ, તમે પહેલું ફળ ખાઈ લીધું તે જાણીને લોકોએ એનો નાશ કરી નાખ્યો.’

‘પરંતુ બીજા આંબાનાં ન પાન બગડ્યાં કે ન રંગ ઊડી ગયો.’

‘દેવ, એના પર કોઈ ફળ ન હતું એટલે કશું ન થયું.’

રાજાના મનમાં વૈરાગ્ય આવ્યો. તે વિચારવા લાગ્યો, ‘આ આંબો ફળ વિનાનો હોવાથી તાજોમાજો છે. પેલો ફળવાળો હોવાને કારણે તેનો નાશ થયો. રાજ્ય પણ ફળાઉ વૃક્ષ જેવું નથી? પ્રવજ્યા ફળહીન વૃક્ષ જેવી છે. જેની પાસે કશું છે તેને ભય છે, જેની પાસે કશું નથી તે નિર્ભય છે. હું ફળાઉ વૃક્ષ જેવો નહીં પણ ફળ વગરના વૃક્ષ જેવો થઈશ. આ સંપત્તિ ત્યજીને પ્રવજ્યા લઈશ.’ તેમણે મનમાં દૃઢ સંકલ્પ કર્યો અને નગરમાં પ્રવેશી રાજમહેલના આંગણે જ સેનાપતિને બોલાવીને કહ્યું, ‘મહાસેનાપતિ, આજથી ભોજન લાવનાર, પાણી લાવનાર, દાતણ વગેરે લાવનાર સેવકો સિવાય મારી પાસે કોઈને આવવા ન દેતા. જૂના ન્યાયાધીશો, મંત્રીઓની મદદથી રાજ્યનો વહીવટ સંભાળો. હું સૌથી ઉપલા માળે જઈને શ્રમણ ધર્મ આચરીશ.’ એમ કહી મહેલના ઉપલા ભાગે જઈ એકલા એકલા શ્રમણધર્મ પાળવા લાગ્યા. આમ ખાસ્સો સમય વીત્યો એટલે પ્રજા રાજમહેલના આંગણે એકઠી થઈને કહેવા લાગી, ‘આપણા રાજા પહેલા જેવા નથી રહ્યા. અમારા સર્વના દિશાપતિ રાજા પહેલા જેવા રહ્યા નથી. તેઓ નૃત્યમાં ધ્યાન આપતા નથી, તેમને ગીત સારાં લાગતાં નથી; શિકાર,ઉદ્યાનક્રીડા ગમતા નથી. હંસોને જોતા નથી. તે મૂંગા બેઠા છે. રાજ્યનો વહીવટ કરતા નથી.’

રાજાનું મન કામવિલાસ, પ્રત્યે વિરક્ત થયું અને વિવેકની દિશામાં વળી ગયું. તે પોતાના કુટુંબના વિશ્વાસપાત્ર પ્રત્યેક બુદ્ધોને યાદ કરીને વિચારવા લાગ્યા કે મને તે શીલ વગેરે ગુણોવાળા, અકિંચન પ્રત્યેક બુદ્ધનું નિવાસસ્થાન કોણ બતાવશે?

સુખની કામના ન કરનારા, શીલનો ઢંઢેરો ન પિટનાર, વધબંધનથી વિરત, નાના મોટા પ્રત્યેક બુદ્ધ આજે ક્યા વિહારમાં છે? તે તૃષ્ણા રહિત, ધૈર્યવાન મહર્ષિઓને મારાં પ્રણામ. તેઓ ઉત્સુક લોકમાં અનુત્સુક થઈને વિહાર કરે છે, માયા દ્વારા મજબૂત કરીને ફેલાવેલી તૃષ્ણાજાળને છેદીને, અનાસક્ત થઈને તેઓ ચાલ્યા જાય છે. તેમના નિવાસસ્થાને મને કોણ પહોંચાડશે?

મહેલમાં રહીને જ શ્રમણ ધર્મ પાળતાં પાળતાં ચાર મહિના વીતી ગયા. તેમનું મન પ્રવજ્યા તરફ વધુ ઢળ્યું. ઘર નરક જેવું લાગવા માંડ્યું. ત્રણે ભવ સળગતા લાગ્યા. તેઓ વિચારવા લાગ્યા, ‘શક્રભવન જેવા સુસજ્જ મિથિલા નગરને ત્યજીને ક્યારે હિમાલયમાં પ્રવેશી પ્રવજ્યા લઈશ?’ તેમણે મિથિલા નગરીનું વર્ણન કરવા માંડ્યું.

‘સમૃદ્ધ, વિશાળ, બધી દિશાએથી પ્રકાશિત મિથિલા નગરીને ત્યજીને હું ક્યારે પ્રવજ્યા લઈશ? સમૃદ્ધ, વિભક્ત અને હિસ્સાઓમાં વહેંચાયેલી મિથિલા નગરીને ત્યજીને હું ક્યારે પ્રવજ્યા લઈશ?

સમૃદ્ધ, અનેક પ્રાકારો, તોરણોવાળી મિથિલા નગરીને — સમૃદ્ધ, મજબૂત અગાસીઓવાળી, મિથિલા... સુવિભક્ત, મહામાર્ગવાળી મિથિલાને — દુકાનોવાળી... ગાય, અશ્વ અને રથથી ભરચક ઉદ્યાનોવાળી મિથિલા, મહેલોવાળી, ત્રણ નગરવાળી, રાજબંધુઓવાળી, યશસ્વી — પ્રસન્ન વિદેહે ઊભી કરેલી, ધનધાન્યથી પૂર્ણ, ધર્મરક્ષિત, વિદેહ નગરીને — રમણીય, વિભક્ત, માપેલા અંત:પુરવાળી, રમણીય, ચૂના, માટીથી લીંપેલા અંત:પુરને, રમણીય, પવિત્ર, મનોરમ અંત:પુરને... પવિત્ર, મનોરમ રક્તચંદનની અર્ચાવાળાં શિખરોને, ચિતરેલા, ઊનનાં આસ્તરણોવાળા સોનેરી પલંગોને, જુદાં જુદાં નગરનાં વસ્ત્રોને, ચક્રવાક જ્યાં ગુંજે છે, જ્યાં મંદાલક, પદ્મ, ઉત્પલોથી છવાયેલી પુષ્કરિણીઓને, અલંકારમંડિત, ગળામાં સુવર્ણમાલા ધરાવતા, સોનેરી આવરણવાળા, જેમની પીઠે તોમર અને અંકુશ લઈને બેઠેલા મહાવતવાળા હાથીઓને... અલંકૃત, શ્રેષ્ઠ જાતવાન, સૈન્ધવ, ઝડપી ગતિવાળા, જેના પર શસ્ત્ર, ધનુષબાણ લઈને સવારો બેઠા છે તેમને ત્યજીને હું પ્રવજ્યા ક્યારે લઈશ?

રથની હારમાળાને, જે રથ સન્નદ્ધ છે, જેના પર ધજાપતાકા લહેરાય છે, જેના પર ચિત્તા અને વાઘનાં ચામડાં મઢેલાં છે, જે અલંકૃત છે, જેના પર ધનુર્ધારી, કવચધારી સારથિઓ બેઠા છે, જે સુવર્ણરથો છે, ચાંદીના રથ છે, ઘોડા જોડેલા રથ છે, ઊંટોવાળા, બળદવાળા, બકરાવાળા, ઘેટાવાળા, હરણવાળા રથને ત્યજીને ક્યારે પ્રવજ્યા લઈશ? સર્વ પ્રકારના અલંકારોથી શોભતા, નીલકવચધારી, શૂરવીર, તોમરવાળા ઘોડાસ્વારોને ત્યજીને, શસ્ત્રધારી, ધનુર્ધારી ઘોડેસ્વારોને ત્યજીને ક્યારે પ્રવજ્યા લઈશ? બધા અલંકારોથી શોભતા, ચિત્રધારી કવચધારી, શૂરવીર સુવર્ણમાલાવાળા, રાજપુત્રોને ત્યજીને, વસ્ત્રધારી, અલંકારધારી, કાંચનવર્ણ ચંદનની અર્ચા કરનારા, કાશીનાં ઉત્તમ વસ્ત્ર પહેરેલાં આર્યગણને ત્યજીને — હું ક્યારે પ્રવજ્યા લઈશ? સર્વ અલંકારોથી સુશોભિત સાતસો પત્નીઓને ત્યજીને, સાતસો આજ્ઞાકારિણી, પ્રિયભાષી પત્નીઓને, ત્યજીને હું પ્રવજ્યા ક્યારે લઈશ? સો રેખાઓવાળી સુવર્ણ થાળીને ત્યજીને હું પ્રવજ્યા ક્યારે લઈશ?

ભિક્ષાપાત્ર હાથમાં લઈ, મુંડન કરાવી, ભિક્ષાટન માટે ફરું એવું ક્યારે બનશે? રસ્તા પર ફેંકેલાં ચીંથરાંનું વસ્ત્ર બનાવીને પહેરું એવું ક્યારે બનશે? આખો અવતાર વરસતા વરસાદમાં ભીનાં વસ્ત્ર પહેરીને ભિક્ષા માગતો ફરું એવું ક્યારે બનશે? આખો દિવસ એક વૃક્ષેથી બીજા વૃક્ષે અને એક વનમાંથી બીજા વને કોઈ પણ જાતની ઇચ્છા વિના ક્યારે ભમીશ? પર્વતો અને કિલ્લાઓમાં નિર્ભય બનીને ક્યારે ભમીશ? વીણાવાદક જેવી રીતે સપ્તતંત્રી વીણા સીધી કરે એવી રીતે મારા ચિત્તને હું સીધું ક્યારે કરીશ? હું ક્યારે કામવાસનાનાં સૂત્રો કાપી નાખીશ?’

તેમનો જન્મ જ્યારે થયો ત્યારે માનવી દસ હજાર વરસ જીવતો હતો. તેમણે સાત હજાર વરસ રાજ્ય કર્યું. ત્રણ હજાર વરસ બાકી રહ્યાં ત્યારે તેમણે પ્રવજ્યા લીધી. પ્રવજ્યા લીધા પછી ઉદ્યાન દ્વારે આંબા જોયા, પછી ચાર મહિના તે ઘરમાં રહ્યા. ‘આ વેશ કરતાં પ્રવજ્યાવાળો વેશ સારો છે.’ તેમણે છાનામાના સેવકને આજ્ઞા આપી. ‘ભાઈ, કોઈને કહ્યા વિના બજારમાંથી કાષાય વસ્ત્ર અને માટીનું પાત્ર લઈ આવ.’ તે લઈ આવ્યો. રાજાએ વાળંદને બોલાવી માથું — દાઢી મુંડાવ્યા. તેને વિદાય કરી કાષાય વસ્ત્ર પહેર્યું, એક ઓઢી અને ખભે નાખ્યું. માટીનું વાસણ થેલીમાં મૂક્યું, ખભે લટકાવ્યું. હાથમાં લાકડી પકડીને પ્રત્યેક બુદ્ધની જેમ ઉપર કેટલીય વાર આંટા માર્યા. એ દિવસે ત્યાં જ રહીને બીજે દિવસે સૂર્ય ઊગ્યો ત્યારે મહેલમાંથી નીચે ઊતરવા માંડ્યા.

ત્યારે સીવલી દેવીએ સાતસો પત્નીઓને બોલાવીને કહ્યું, ‘રાજાને જોયાને બહુ દિવસો વીતી ગયા. ચાર મહિના થયા. આજે તેમને જોવા જઈએ. બધાં સજીધજીને આવો, સ્ત્રીઓનાં લક્ષણો બતાવી તેમને શક્તિ પ્રમાણે રાગના બંધનમાં રાખવાનો પ્રયત્ન કરો.’ પછી અલંકૃત સ્ત્રીઓને લઈને રાજાને જોઈશ એમ વિચારી તે મહેલનાં પગથિયાં ચઢવા લાગી. તેણે રાજાને ઊતરતા જોયા, પણ જોઈને ઓળખી ન શકી. એમ માની લીધું કે આ કોઈ રાજાને ઉપદેશ આપવા આવેલા પ્રત્યેક બુદ્ધ હશે. તે પ્રણામ કરીને એક બાજુ ઊભી રહી ગઈ. બોધિસત્ત્વ નીચે ઊતર્યા. તેમણે જ્યારે ઉપર જઈને રાજાના કાળા કેશ તથા શૃંગારનો સામાન જોયો ત્યારે ખબર પડી કે આ પ્રત્યેક બુદ્ધ નહીં પણ આપણા પ્રિય સ્વામી જ છે. તેણે કહ્યું, ‘ચાલો, તેમને મનાવીને રોકી પાડીએ.’ તે ઉપરથી ઊતરી, આંગણામાં પહોંચી. બધી સ્ત્રીઓના કેશ છોડી નાખી પીઠ પર પાથર્યા. છાતી કૂટતી અત્યંત કરુણ સ્વરમાં બોલી, ‘મહારાજ, આવું શું કરો છો?’ તેમનો પીછો કર્યો. આખું નગર કકળી ઊઠ્યું. તેઓ બધાં રડતાં કકળતાં પાછળ ચાલ્યાં. ‘આપણા રાજાએ પ્રવજ્યા લીધી. આવો ધાર્મિક રાજા આપણને ફરી ક્યારે મળશે?’ દેવીઓનાં રુદનકકળાટ, તેમની પાછળ લોકોનાં રુદન છતાં રાજાએ ચાલવા માંડ્યું.

‘તે સાતસો અલંકૃત સ્ત્રીઓ હાથ લાંબા કરી કરીને રુદન કરવા લાગી. ‘અમને ત્યજીને કેમ જાઓ છો?’ સાતસો, સુસંયમી, પાતળી કમરવાળી સ્ત્રીઓ, આજ્ઞાકારિણી, પ્રિયભાષી સ્ત્રીઓ હાથ લાંબા કરી કરીને રડવા લાગી. ‘અમને શા માટે ત્યજો છો?’ તે બધી અલંકૃત સ્ત્રીઓને ત્યજીને રાજા પ્રવજિત થવા નીકળી પડ્યા. તે સઘળી સુસંયમી પાતળી કમરવાળી સ્ત્રીઓને ત્યજીને રાજા પ્રવજ્યા મેળવવા નીકળી પડ્યા.

સો સો સુવર્ણપાત્રોને ત્યજીને માટીનું વાસણ લીધું, આ તેનો બીજો જન્મ.

જ્યારે રડતીકકળતી સીવલી દેવી રાજાને રોકી ન શકી ત્યારે તેને એક રસ્તો જડ્યો. તેણે મહા સેનારક્ષકને બોલાવી આજ્ઞા આપી, ‘રાજાના જવાના રસ્તે જૂનાં ઘરો, જૂની શાળાઓમાં આગ ચાંપો. ઘાસપાંદડાં એકઠાં કરી બધે ધુમાડો કરી દો.’ તેણે તેમ કર્યું. તે રાજા પાસે પહોંચીને, તેમના પગે પડીને મિથિલામાં આગ લાગ્યાની વાત કરી. ‘ઘરોમાંથી અગ્નિજ્વાળાઓ નીકળી રહી છે, ખજાનાઓ સળગી રહ્યા છે. ચાંદીસોનું હીરામોતી સળગી રહ્યા છે. મણિ, શંખ, મોતી, વસ્ત્રો, હરિતવર્ણું ચંદન, ચર્મ, હાથીદાંત, લોખંડ, તાંબું સળગી રહ્યાં છે. હે રાજન્, આવીને અટકાવો. તમારું ધન નષ્ટ ન કરો.’

બોધિસત્ત્વે કહ્યું, ‘આ દેવી શું કહે છે? જેનું કશું હોય તેનું સળગે. હું તો અકિંચન છું. મારી પાસે કશું નથી. હું સુખેથી જીવું છું. મિથિલા નગરી સળગી જાય તો પણ મારું કશું બળતું નથી.’

એમ કહી તે ઉત્તર દ્વારેથી નીકળ્યા. તેમની સ્ત્રીઓ પણ નીકળી પડી. ફરી દેવીને બીજો રસ્તો જડ્યો.‘ગામડાંને ઉજ્જડ કરવાનો, રાજ્યને લૂંટવાનો દેખાવ કરો.’ તે વેળા શસ્ત્રધારી લોકો આમતેમ દોડીને લૂંટવા લાગ્યા. શરીરે લાલ રંગ લગાવી જખ્મી થયેલા જેવા બન્યા, તખ્ત પર સૂવડાવી મરેલા જેવા દેખાડ્યા. લોકો ચીસરાણ કરવા લાગ્યા. ‘મહારાજ, તમારા જીવતે જીવ રાજ્ય લુંટાઇ રહ્યું છે. લોકોને મારી નખાય છે. દેવીએ રાજાને રોકવા પ્રણામ કરી કહ્યું,

‘જંગલમાં લૂંટારા જાગ્યા છે, તેઓ દેશને બરબાદ કરી રહયા છે. હે રાજન્ તેમને રોકો. આ રાજ્યનો વિનાશ ન થાય.’ તે રાજા સમજી ગયા કે મારા જીવતા ચોર રાજ્યને ઉજ્જડ કરે તે બની ન શકે, આ સીવલી દેવીની જ યોજના હશે.

તેમણે કહ્યું, ‘અમારી પાસે કશું નથી. અમે સુખેથી જીવીએ છીએ. રાજ્ય ઉજ્જડ થાય તો મારું કશું બગડવાનું નથી. મારી પાસે કશું નથી. અમે સુખેથી જીવીએ છીએ. જેવા તેજહીન દેવ તેવા અને પ્રીતિભક્ષક બનીને રહીશું.

એમ કહેવા છતાં લોકોએ પીછો ન છોડ્યો. ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો. લોકોને રોકીશ. અડધે રસ્તે આવ્યા પછી તેમણે મહામાર્ગ પર ઊભેલા મંત્રીઓને પૂછ્યું, ‘આ રાજ્ય કોનું છે?’

‘દેવ, તમારું.’

‘તો આ રેખાને ઓળંગનારને રાજદંડ આપો.’ એમ કહી હાથની લાકડી વડે રેખા દોરી. તેજસ્વી રાજાએ આંકેલી મર્યાદા કોઈ ઓળંગી ન શક્યું. લોકો રેખા પર માથું મૂકીને કકળવા લાગ્યા. દેવી પણ એ રેખા ઓળંગવાની હિંમત કરી ન શકી. જ્યારે તેને જોયું કે રાજા પીઠ ફેરવીને જતા રહ્યા છે ત્યારે તે શોક વેઠી ન શકી. તે છાતી કૂટતી મહામાર્ગ પર પડી ગઈ અને લથડતી લથડતી રેખા ઓળંગી ગઈ. પ્રજાએ જોયું કે રેખાના સ્વામીઓએ જ રેખાનું ઉલ્લંઘન કર્યું છે, તે પણ એ માર્ગે ગઈ. બોધિસત્ત્વ ઉત્તર હિમાલયની દિશામાં નીકળી પડ્યા. દેવી પણ બધી સેના સમેત તેમની સાથે થઈ ગઈ. રાજા પ્રજાને રોકી ન શક્યા. એટલે તેને લઈને સાઠ યોજન ગયા.

તે સમયે હિમાલયની સુવર્ણ ગુફામાં નારદ નામના તપસ્વી રહેતા હતા. તે સપ્તાહ સુધી પાંચ અભિજ્ઞા અને ધ્યાનસુખનો આનંદ લેતા હતા. સપ્તાહ વીતે એટલે ધ્યાનમાંથી ઊઠીને ઉત્સાહપૂર્વક કહેતા હતા, ‘અરે સુખ — અરે સુખ’ તે વિચારવા લાગ્યા, ‘શું જંબુદ્વીપમાં કોઈ એવું છે જે આ સુખની શોધમાં હોય?’ દિવ્ય ચક્ષુથી તેમની નજરે મહાજનક દેખાયા. તેમણે જોયું કે રાજાએ મહાભિનિષ્ક્રમણ કર્યું છે. તે સીવલી દેવીની પાછળ પાછળ આવતા લોકોને અટકાવી નથી શક્યા. તેમને બીક લાગી કે લોકો વિઘ્નકર્તા બની શકે. તેમણે વિચાર્યું હું મહાજનકને હજુ વધુ પ્રસન્નતાપૂર્વક રહેવાનો ઉપદેશ આપીશ. તેઓ સિદ્ધિબળથી રાજાની સામે આકાશમાં ઊભા રહ્યા. તેમનો ઉત્સાહ વધારવા બોલ્યા,

‘આ શોરબકોર શાનો છે? વસતીના જેવી ચીસાચીસ શાની છે? હે શ્રમણ, હું તને પૂછું છું, આ લોકો કેમ એકઠા થયા છે?’

રાજાએ કહ્યું, ‘હું બધાને ત્યજીને આવ્યો છું. લોકો એટલે ભેગા થયા છે. હું સીમાક્રાન્ત મુનિ છું, મૌનપ્રાપ્તિ માટે નીકળ્યો છું. હું મિશ્રિત — નન્દી — રાગ સમેત જઈ રહ્યો છું. શું તમે જાણી કરીને પૂછો છો?’

મહાજનકને વધુ દૃઢ કરવા તે બોલ્યા,

‘આ વેશ ધારણ કરીને એમ સમજી લેવાનું નહીં કે હું પાર નીકળી ગયો છું. આ રીતે પાર નીકળી જવાતું નથી. અહીં બહુ વિઘ્નો છે.’

ત્યારે બોધિસત્ત્વે પ્રશ્ન કર્યો, ‘હું આ લોકમાં — દેવલોકમાં કામભોગોની ઇચ્છા કરતો નથી, તો પછી આવી રીતે વિહાર કરનારાઓના માર્ગમાં કયાં વિઘ્નો છે?’

તપસ્વીએ વિઘ્નોનો નિર્દેશ કર્યો, ‘નિદ્રા, આળસ, બગાસાં, ઉત્કંઠા, ભોજનપ્રીતિ — આ બધાં વિઘ્નો શરીરમાં જ હોય છે.’

બોધિસત્ત્વે કહ્યું, ‘તમે મને શ્રેષ્ઠ ઉપદેશ આપો છો. હું તમને પૂછું છું, તમે કોણ છો?’

‘મારું નામ નારદ છે. મારું ગોત્ર કાશ્યપ છે. હું તમારી પાસે આવ્યો છું. સજ્જનોનો સહવાસ સારો હોય છે. તમારા માટે બધો આનંદ જ છે. તમે વિહારોનો અભ્યાસ કરો. જે ઊણપ છે તેને ઉપશમન દ્વારા પૂરી કરો. ઊંચનીચનો વિચાર ત્યજી દો. કર્મ, વિદ્યા અને ધર્મને બળવાન બનાવી પ્રવજ્યા લો.’

આમ બોધિસત્ત્વને ઉપદેશ આપી, તે આકાશમાર્ગે પોતાના સ્થાને જતા રહ્યા.

તેમના ગયા પછી મિગાજિન નામના બીજા તપસ્વી પણ ધ્યાનમાં ઊભા થયા. તેમણે બોધિસત્ત્વને જોયા. વિચાર્યું, પ્રજાને રોકવા માટે તેમને ઉપદેશ આપુ. તેઓ પણ એ જ રીતે આકાશમાં ઊભા રહી બોલ્યા,

‘હે જનક, તેં ઘણા હાથી ઘોડા, નગર, ગામ ત્યજીને પ્રવજ્યા લીધી છે. કેમ માટીનું ભિક્ષાપાત્ર પસંદ કર્યું છે. હે જનક, શું તારા રાજ્યના લોકોએ, મિત્રો-મંત્રીઓએ, સ્વજનોએ વિદ્રોહ કર્યો છે? તને આ ભિક્ષાપાત્ર શા માટે વહાલું લાગે છે?’

‘હે મિગાજિન, મેં કોઈ સ્વજનને ક્યારેય અધર્મથી જીત્યા નથી, અને ચોક્કસ મારા કોઈ સ્વજને મને અધર્મથી હરાવ્યો નથી.’ પ્રવજ્યાનું કારણ જણાવી તે બોલ્યા, ‘મેં આ લોકને પરિવર્તિત થતો, ખવાઈ જતો, કીચડ બનતો જોયો. અહીં આસક્ત મનુષ્યને મારી નાખવામાં આવે છે, તેને બંધનમાં નાખવામાં આવે છે. હું પણ તેમના જ જેવો મને લાગ્યો એટલે મેં ભિક્ષાપાત્ર લીધું છે.’

તેમણે એ તપસ્વીને ‘મિગાજિન’ કહીને સંબોધ્યા. તેમનું નામ કેવી રીતે જાણી લીધું. આનો ઉકેલ એ છે કે શરૂઆતમાં ખબરઅંતર પૂછતી વખતે નામ જાણી લીધું હતું.

તપસ્વીએ કહ્યું, ‘તારો શાસ્તા ભગવાન કોણ છે? આ કોનું પવિત્ર વચન છે? હે રાજન્, કર્મવાદી શ્રમણ અને વિદ્યાશ્રમણનું પ્રત્યાખ્યાન કરીને દુઃખનો અંત લાવનાર શ્રમણ નથી કહેવાતો.’

બોધિસત્ત્વે ઉત્તર આપ્યો, ‘હે મિગાજિન, મેં કદી કોઈ શ્રમણ બ્રાહ્મણની પૂજા કરીને તેને પૂછ્યું નથી. પછી જે કારણે પ્રવજ્યાની ઇચ્છા કરી તેની સ્પષ્ટતા આરંભથી કહી.

‘બહુ શાનબાનથી જ્યારે ગીતો ગવાતાં હતાં, વાજાં વાગતાં હતાં, ત્યારે તુરિયવાદનવાળા ઉદ્યાનમાં જતી વખતે મેં કેરી જોઈ, ફળની લાલસાવાળા લોકો તેને ઉખાડી રહ્યા હતા. મેં એ વૈભવ ત્યજ્યો, ફળવાળા અને મૂળ વિનાનાં વૃક્ષો નીચે હું આવ્યો. મૂળવાળા વૃક્ષને ઉજ્જડ થયેલું અને બીજાને લીલુંછમ, સુંદર જોયું, મેં વિચાર્યું, ‘આમ બહુ કાંટાવાળા ઐશ્વર્યવાન લોકોને શત્રુઓ મારી નાખશે — જેવી રીતે મૂળવાળા વૃક્ષનો વિનાશ કર્યો તેવી રીતે.’ ચામડા માટે ચિત્તાને મારી નાખીએ છીએ, હાથીદાંત માટે હાથીને મારી નાખીએ છીએ, ધન માટે ધનવાનોને મારી નાખીએ છીએ. જે અનાગરિક છે, જે તૃષ્ણાહીન છે તેને કોણ મારશે? મૂળવાળું અને મૂળવિનાનું વૃક્ષ — આ બે મારા શાસ્તા છે.’

આ સાંભળીને મિગાજિન ઋષિ રાજાને અપ્રમાદી રહેવાનો ઉપદેશ આપી પોતાના નિવાસસ્થાને ચાલ્યા ગયા. તે વેળા સીવલી દેવી રાજાને પગે પડી. ‘હાથીવાળા, ઘોડાવાળા, રથવાળા, પદાતિઓ રાજા પ્રવજિત થયા એટલે દુઃખી છે. પ્રજાને આશ્વાસન આપી, તેમનું છત્ર બની, પુત્રને રાજગાદી પર બેસાડી પ્રવજિત થાઓ.’

‘મેં જનપદના લોકોનો, મિત્રો — મંત્રીઓનો, સ્વજનોનો ત્યાગ કરી દીધો છે. વિદેહીનો પુત્ર રાષ્ટ્રવર્ધન દીર્ઘાયુ છે. તેને મિથિલાનો રાજા બનાવશે.’

દેવીએ કહ્યું, ‘તમે પ્રવજિત થઈ જાઓે પછી મારે શું કરવું?’

‘મને જે વાત સારી લાગે છે તે સાંભળ. તું રાજ્ય ચલાવીશ તો પાપ લાગશે. શરીર, વાણી અને મનથી બહુ પાપ થશે, તેનાથી અપગતિ થશે. બીજાએ આપેલું, બીજાએ ખાઈને વધેલા ભોજનથી કામ ચલાવ. ધૃતિપૂર્ણોનો આ ધર્મ છે.’

આમ બોધિસત્ત્વે ઉપદેશ આપો. એકબીજા સાથે વાતચીત કરતાં કરતાં સાંજ પડી ગઈ. દેવીએ યોગ્ય સ્થાને પોતાના તંબૂ રખાવ્યા. બોધિસત્ત્વ એક વૃક્ષ નીચે પહોંચ્યા. તે રાતે ત્યાં રહીને બીજે દિવસે નિત્ય કર્મોમાંથી પરવારીને આગળ ચાલ્યા. ‘સેના પાછળ આવતી રહે’ એમ માની દેવી પણ રાજાની પાછળ ચાલી નીકળ્યાં. તેઓ ભિક્ષાટનના સમયે થૂન નામના નગરે પહોંચ્યા.

તે સમયે એક નગરમાં એક માણસ ખાટકીવાડમાંથી માંસનો મોટો ટુકડો લઈને આવ્યો. તે રસૌયાના અંગારા પર શેકીને, તેને ઠંડો કરવા કોઈ પાટિયા પર મૂકીને ઊભો હતો. તેનું ધ્યાન ક્યાંક બીજે ગયું એટલામાં એક કૂતરો આવીને તે માંસ લઈ ગયો. જ્યારે તેને ખબર પડી ત્યારે દક્ષિણ દ્વાર સુધી પીછો કર્યો. પછી તે થાકીને અટકી ગયો. કૂતરો સામે આવ્યો એટલે રાજા અને દેવી એક બાજુએ ઊભા રહી ગયા. કૂતરો ડરીને માંસ ત્યાં મૂકીને જતો રહ્યો. બોધિસત્ત્વે જોયું કે કૂતરો આ માંસ ત્યજીને જતો રહ્યો. એનો કોઈ માલિક નથી. આ પ્રકારે નિર્દોષ ધૂળમાં પડેલું ભોજન મળવું સહેલું નથી. હું એ ખાઈશ.’ તેમણે માટીનું પાત્ર કાઢ્યું,

તેમાં માંસનો ટુકડો લૂછીને મૂક્યો, પાણી જ્યાં મળતું હતું ત્યાં જઈને ખાધું. આ જો રાજ્ય ઇચ્છતો હોત તો આવો ધૂળવાળો, કૂતરાનો એંઠો માંસનો પિંડ ન ખાત. હવે તે આપણા રહ્યા નથી. ‘મહારાજ, આવું ચિતરી ચઢે એવું ખાઓ છો?’

‘દેવી, તું તારી મૂર્ખતાને કારણે આ ભિક્ષાની વિશેષતા જાણતી નથી.’ પછી તેના પ્રતિષ્ઠા સ્થાનને જોયું, તેને અમૃત સમાન ગ્રહણ કરી મોં હાથ પણ ધોયા. તે સમયે દેવી નિંદા કરતી બોલી,

‘જે ચોથે દિવસે ભોજન કરવા સમયે પણ ન ખાય, તે ઉપવાસીની જેમ ભૂખે મરી પણ શકે. આવા સંજોગોમાં સત્પુરુષ ધૂળથી મલિન થયેલું અનાર્ય ભોજન ન જમે. કૂતરાનું એંઠું તમે ખાધું તે સારું ન કહેવાય.’

બોધિસત્ત્વે કહ્યું, ‘જે કંઈ ખાવાનું માણસે કે કૂતરાએ છોડ્યું તે મારા માટે અખાદ્ય નથી. કે કંઈ ધર્મથી મળે તે બધું ખાદ્ય છે, નિદોૅષ છે — એમ કહેવાયું છે.’

આમ બંને વાતો કરતાં કરતાં નગર દ્વારે આવી પહોંચ્યા. ત્યાં રમતાં બાળકોની વચ્ચે એક કન્યાના એક હાથમાં એક કંગન હતું, બીજામાં બે કંગન હતાં. બંને રણકતાં હતાં. બીજો હાથ અવાજ કરતો ન હતો. રાજાએ આ જોઈને વિચાર્યું, ‘સીવલી મારી પાછળ આવે છે. પ્રવજિર્ત માટે સ્ત્રી મલિનતા છે. ‘આ પ્રવજિર્ત થઈનેય પત્નીને ત્યજી શકતો નથી.’ એમ કહી લોકો મારી નિંદા કરી શકે. આ કુમારી વિદુષી હશે. સીવલી દેવીને રોકવાનો ઉપાય તે કહેશે. તેની વાત સાંભળીને સીવલી દેવીને વિદાય કરીશ.

‘હે કુમારી, મા પાસે સૂનારી, શૃંગાર કરનારી, તારું એક કંગન રણકે છે, બીજું રણકતું નથી એનું શું કારણ?’

કુમારીએ ઉત્તર આપ્યો, ’હે શ્રમણ, મારા આ હાથમાં બે કંગન છે, એક હોવાથી અવાજ નથી થતો. બે હોય તો વિવાદ થાય, એક કોની જોડે વિવાદ કરે? સ્વર્ગની કામના કરનારે તો એકલા જ રહેવું.’

નાની કન્યાની વાતને આધાર માનીને દેવીને તેણે કહ્યું, ‘સીવલી, કુમારીએ કહેલી વાત સાંભળ. આ કન્યા મારી નંદાિ કરે છે. બે હોવાને કારણે આવી સ્થિતિ થાય છે. પથિકોએ બનાવેલો આ રસ્તો બે બાજુ જાય છે. તું એમાંથી એક રસ્તો પસંદ કર. બીજો હંુ પસંદ કરું છું. હવે હું તારો પતિ નથી, તું મારી પત્ની નથી.’

તેની વાત સાંભળીને સીવલીએ કહ્યું, ‘દેવ, તમે ઉત્તમ છો, દક્ષિણ દિશામાં જાઓ. હું ડાબી દિશામાં જઈશ.’ અમે કહી પ્રણામ કરી તે થોડે દૂર ગઈ. પણ શોક ન વેઠાવાને કારણે તે પાછી આવી, રાજાની સાથે વાત કરતા સાથે સાથે નગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતી વેળા બોધિસત્ત્વ ભિક્ષાટન કરતા કરતા વાંસફોડના દરવાજે પહોંચ્યા. સીવલી પણ એક બાજુ ઊભી હતી. તે સમયે તે માણસ સગડીમાં વાંસને ગરમ કરી, કાંજીમાં ભીંજવી એક આંખ બંધ કરી વાંસને સીધો કરી રહ્યો હતો. તેને જોઈ બોધિસત્ત્વે વિચાર્યું, ‘આ જો પંડિત હશે તો મને એક વાત કહેશે. એને પૂછું.’ તે એની પાસે ગયા ને બોલ્યા, ‘ભાઈ, મારી વાત સાંભળ. તને આ રીતે સારું દેખાય છે કે તું એક આંખ બંધ કરીને વાંકા વાંસને જોઈ રહ્યો છે?’

‘હે શ્રમણ, બે આંખો વડે મોટું મોટું દેખાય. વાંકી જગાનો ખ્યાલ ન આવે. એક આંખે એક વડે વાંકો વાંસ તરત જ પરખાઈ જાય. બે વડે વિવાદ થાય. એક કોની જોડે વિવાદ કરે. સ્વર્ગની કામના કરનારે એકલા જ રહેવું.’

બોધિસત્ત્વે ભિક્ષાટન કરીને મેળવેલું ભોજન પાણીની સગવડ જ્યાં હતી ત્યાં બેસીને કર્યું. ભોજન કર્યા પછી ભિક્ષાપાત્ર થેલીમાં નાખતા સીવલીને તેમણે કહ્યું, ‘પેલાએ કહેલી વાત તેં સાંભળી. આ ‘દાસી’ શબ્દથી મારી નંદાિ થાય છે. બે હોવાથી આ પરિસ્થિતિ જન્મી છે. પથિકોએ બનાવેલો આ રસ્તો બે બાજુ જાય છે, તું એક બાજુ જા અને હું બીજી બાજુ. હવે હું તારો પતિ નહીં — તું મારી પત્ની નહીં.’

આમ કહેવા છતાં દેવી બોધિસત્ત્વ પાછળ પાછળ ચાલતી રહી. રાજા તેને રોકી શકતો ન હતો. લોકો પણ તેની પાછળ પાછળ આવતા હતા. તેઓ વનથી બહુ દૂર ન હતા. બોધિસત્ત્વે હરિયાળી જોઈને તેને રોકવાનો પ્રયત્ન કર્યો. ચાલતાં ચાલતાં રસ્તામાં ચણોઠીનું પાંદડું જોયું. એ તોડીને કહ્યું, ‘સીવલી, જો આ પાછું છોડ પર લગાવી શકાતું નથી. એ જ રીતે આપણો મેળ હવે ખાઈ નહીં શકે. તું હવે એકલી જ રહે.’

આ સાંભળી સીવલીને ખાતરી થઈ ગઈ કે હવે મહાજનક રાજા સાથે મારો સંબંધ પૂરો થઈ ગયો. તે આ શોક વેઠી ન શકી અને બંને હાથે છાતી કૂટતી બેહોશ થઈ જમીન પર પડી ગઈ. બોધિસત્ત્વે જોયું કે તે બેહોશ થઈ ગઈ છે ત્યારે પગલાં ભૂંસીને વનમાં પ્રવેશ કર્યો. મંત્રીઓએ આવીને સીવલી પર પાણી છાંટ્યું અને હાથપગ ઘસીને તેને ભાનમાં આણી. તેણે પૂછ્યું, ‘આ રાજા ક્યાં છે?’

‘તમને તો ખબર હશે જ.’

‘એમને શોધો.’

આમતેમ જોવા છતાં રાજા દેખાયા નહીં. સીવલી ખૂબ જ રડતી કકળતી રાજા જ્યાં ઊભા હતા ત્યાં ચૈત્ય બનાવીને તેને સુવાસિત દ્રવ્યોથી પૂજા કરી, ફૂલહાર ચઢાવી પાછી ફરી.

બોધિસત્ત્વે વનમાં પ્રવેશી એક જ સપ્તાહમાં અભિજ્ઞા અને સમાપત્તિઓ પ્રાપ્ત કરી. પછી તે વસતીમાં પાછા ફર્યા.

દેવીએ જ્યાં વાંસફોડ સાથે, કુમારી સાથે સંવાદ કર્યો હતો, જ્યાં માંસનું ભોજન કર્યું હતું, જ્યાં મિગાજિન સાથે સંવાદ થયો હતો તે બધાં સ્થાનોએ ચૈત્ય બનાવડાવ્યાં, તેની ફૂલહારથી પૂજા કરી. પછી સેનાપતિ સાથે મિથિલા નગરી પાછી ફરી અને આમ્રવનમાં પુત્રનો રાજ્યાભિષેક કર્યો. તેને સેનાપતિ સાથે નગરમાં મોકલ્યો. તે પોતે ઋષિઓની જેમ પ્રવજ્યા ગ્રહણ કરીને ઉદ્યાનમાં રહેવા લાગી. ત્યાં રહીને યોગવિધિનો અભ્યાસ કરી, ધ્યાન ધરી બ્રહ્મલોકમાં ગઈ.