ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/દ્રૌપદીના જન્મની કથા
(દ્રોણાચાર્યે દ્રુપદ સામે વેર લેવા પાંડવોને કહ્યું, અને પાંડવો દ્રુપદને હરાવીને લઈ આવ્યા, રાજ્યનો અડધો ભાગ દ્રોણાચાર્યને આપવો પડ્યો. હવે દ્રુપદ આ અપમાનનો બદલો લેવા માટે રાતદિવસ ચિંતા કરે છે.)
દ્રુપદ પુત્રપ્રાપ્તિ માટે બહુ પ્રયત્નો કરે છે, દ્રોણાચાર્યનો પ્રભાવ ક્ષત્રિયો કરતાં કેવી રીતે ચડિયાતો હોઈ શકે એ વાત દ્રુપદ સમજી શકતા નથી. એક વાર તે ફરતા ફરતા કલ્માષપાદ રાજાના નગર પાસે બ્રાહ્મણોના નિવાસસ્થાને જઈ પહોંચ્યા. ત્યાં બધા બ્રાહ્મણો સ્નાતક હતા, વ્રતનિષ્ઠ હતા, ભાગ્યશાળી હતા. ત્યાં આજ ઉપયાજ નામના બે બ્રાહ્મણોને બધાથી ચઢિયાતા જોયા અને તેમને આમંત્રણ આપ્યું, બંનેની પરીક્ષા કરીને નાના ઉપયાજને બોલાવ્યા. તેમની પૂજા કરી ને બધી ઇચ્છાઓ પૂરી કર્યા પછી કહ્યું, ‘હે બ્રાહ્મણ, મારે દ્રોણનો વધ કરે એવો એક પુત્ર જોઈએ છે. હું તમને દસ કરોડ ગામ આપીશ. અથવા તમારી જે કોઈ ઇચ્છા હોય તે મને કહેજો, હું આપીશ.’ પણ એ ઋષિએ એવો યજ્ઞ કરાવવાની ના પાડી. છતાં રાજા ઋષિને પ્રસન્ન કરતો રહ્યો. એક વર્ષ પછી ઉપયાજે રાજાને કહ્યું, ‘એક વાર મારા મોટાભાઈ વનમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યાં રસ્તામાં પડેલું એક ફળ ઊંચકી લીધું. એ સ્થળ પવિત્ર છે કે નહીં તેની કશી ચિંતા તેમણે કરી નહીં. હું તેમની પાછળ પાછળ ચાલતો હતો, એટલે તેમની આ ઘટના જોઈ લીધી. એ દોષવાળા ફળને ઊંચકવામાં તેમને કશું ખરાબ ન લાગ્યું. એ ફળ વિશે કશો વિચાર તેમને ન આવ્યો. ગુરુકુલમાં રહીને અધ્યયન કરતા હતા ત્યારે કોઈએ ખાધેલી વસ્તુઓ પણ ખાઈ લેતા હતા. તેઓ હમેશા અન્નનો મહિમા કરતા હતા. એટલે મને લાગે છે કે તેમને ગમે તેવા ફળ સામે વાંધો નથી. તમે તેમની પાસે જાઓ, તેઓ તમારો યજ્ઞ ચોક્કસ કરાવશે.’
હવે દ્રુપદને તો યાજ બ્રાહ્મણની નિંદા કરવાનું મન થયું પણ પોતાનું કાર્ય સિદ્ધ થાય એ વધારે મહત્ત્વનું હતું એટલે રાજા યાજ પાસે ગયા અને તેમને રિઝવીને બોલ્યા, ‘હે બ્રાહ્મણ, તમે મારો યજ્ઞ કરાવી આપો. હું તમને એંસી હજાર ગાયો આપીશ. હું દ્રોણનો દુશ્મન છું, વેરની આગ મને જંપવા દેતી નથી, કૃપા કરીને મને શાંતિ સંપડાવી આપો. બ્રહ્મવિદ્યા જેઓ જાણે છે તે બધામાં દ્રોણને કોઈ હંફાવી ન શકે. તેમણે મને હરાવ્યો છે. તેઓ કૌરવોના ગુરુ છે, તેમને હરાવે એવો કોઈ ક્ષત્રિય રાજા આ સંસારમાં નથી. તેમનું ધનુષ છ હાથ લાંબું છે. તેમનાં બાણો વડે બધા જીવોનું મૃત્યુ થઈ જશે. ભારદ્વાજ દ્રોણ ક્ષત્રિય તેજને સાવ ઝાંખું કરી રહ્યા છે. તેઓ તો જાણે બીજા પરશુરામ છે. તેમનાં બાણોની વર્ષાથી સામે કોણ ઊભું રહી શકે? અગ્નિની જેમ તેઓ બ્રાહ્મતેજ અને ક્ષત્રિયતેજને ભેગું કરીને શત્રુઓનો નાશ કરે છે. તેમના આ બંને તેજ કરતાં તમારું બ્રાહ્મતેજ ચઢિયાતું છે. વેદોના જાણકાર છો, એટલે હું તમારા બ્રાહ્મતેજની શરણાગતિ સ્વીકારું છું. તમે મારું કામ કરી આપો. દ્રોણનો નાશ કરનાર પુત્ર અપાવો. હું તમને દસ કરોડ ગાય આપીશ.’
યાજે એ રાજાની માગણીનો સ્વીકાર કર્યો, પછી તેઓ યજ્ઞકાર્યનો ગંભીરતાથી વિચાર કરવા લાગ્યા. ઉપયાજને મદદ કરવા વિનંતી કરી. અને યાજે તો દ્રોણનાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. પછી રાજા દ્રુપદને કહ્યું, ‘તમે જેવો પુત્ર માગશો તેવો તમને મળશે. તે પુત્ર બળવાન, તેજસ્વી, પરાક્રમી હશે.’
પછી તો રાજાએ દ્રોણનો વિનાશ કરે એવા પુત્રને મેળવવાનો બધો ઉપાય જાણીને યજ્ઞ માટેની બધી સાધનસામગ્રી મંગાવી અને યજ્ઞકાર્યનો આરંભ કર્યો. હવન પૂરો થયો એટલે યાજે રાણીને બોલાવી, ‘તમે હવિ લેવા મારી પાસે આવો. તમને પુત્ર અને પુત્રી થશે.’
રાણીએ કહ્યું, ‘મારું મોં કંકુવાળું છે, બીજા સુગંધિત પદાર્થો લગાવ્યા છે એટલે થોડો વિલંબ કરો, હું સ્વચ્છ થઈને આવું છું.’
યાજે કહ્યું, ‘હવનના બધા પદાર્થો ઉપયાજે મંત્રેલા છે, મેં પણ તે સિદ્ધ કર્યા છે. એટલે હવે તમે આવો-ન આવો, ફળ તો મળશે જ.’
એમ કહી યાજે અગ્નિમાં સંસ્કારેલા હાથને હોમી દીધો એટલે એમાંથી એક કુમાર પ્રગટ્યો. અગ્નિની જ્વાળા જેવો તેનો વર્ણ હતો. માથે મુગટ હતો, કવચવાળો હતો, તલવાર અને ધનુષબાણ તેના હાથમાં હતા. વારે વારે સિંહગર્જના કરતો રથ પર ચઢી ગયો અને રથ દોડાવવા લાગ્યો. પાંચાલ લોકોએ ભારે હર્ષનાદ કર્યો. ત્યાં આકાશવાણી થઈ. ‘આ રાજકુમારે દ્રોણવધ કરવા માટે જન્મ લીધો છે. પાંચાલોની કીતિર્ વધશે, રાજાનું દુઃખ દૂર કરશે.’
પછી યજ્ઞવેદીમાંથી સુંદર કાયાવાળી એક કુમારિકા પ્રગટી. પદ્મપલાશ જેવી આંખો, કાળા અને વાંકડિયા વાળ, જોતાં એમ જ લાગે કે દેવકન્યા માનવરૂપે આવી છે. તેના કમળ જેવા શરીરની સુવાસ એક યોજન સુધી પ્રસરી. સંસારભરમાં તેની બરાબરી કરી શકે એવી હતી. તેના જન્મ વખતે પણ આકાશવાણી થઈ, ‘આ કૃષ્ણા બધી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ અને ક્ષત્રિયોનો નાશ કરનારી થશે. દેવતાઓનું કાર્ય આ સુંદરી દ્વારા પાર પડશે. તેને કારણે ક્ષત્રિયોમાં ભય જન્મશે.’
આ સાંભળી પાંચાલ નગરના લોકો હર્ષનાદ કરવા લાગ્યા. પછી દ્રુપદરાજાની રાણી આ બંને સંતાનોને જોઈને યાજ પાસે ગઈ. ‘તમે એવું કરો કે આ પુત્ર-પુત્રી બીજી કોઈ સ્ત્રીને મા માને નહીં.’ યાજે તેની માગણી સ્વીકારી. પછી રાજાનો આ કુમાર ભારે ધૃષ્ટ હોઈ, કવચકુંડળ સાથે જન્મ્યો છે એટલે એનું નામ ધૃષ્ટદ્યુમ્ન. આ કન્યાનો રંગ કાળો છે એટલે તેનું નામ કૃષ્ણા.
પછી દ્રોણ ગુરુએ પાંચાલ રાજાના પુત્રને પોતાને ત્યાં બોલાવીને અસ્ત્રવિદ્યા શીખવી. એ રીતે પોતાને મળેલા અડધા રાજ્યનો બદલો વાળી આપ્યો.
(આદિ પર્વ, ૧૫૫)