ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/કલ્માષપાદની કથા

From Ekatra Wiki
Revision as of 17:08, 23 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કલ્માષપાદની કથા

આ લોકમાં કલ્માષપાદ નામના અનુપમ તેજસ્વી રાજા ઇક્ષ્વાકુવંશમાં થઈ ગયા. એક વેળા તે મૃગયા નિમિત્તે નગરમાંથી વનમાં ગયા. શત્રુઓને પીડનારા તે રાજા હરણ અને વરાહનો શિકાર કરતા કરતા વનમાં ભમવા લાગ્યા. સંગ્રામોમાં અજેય, ભૂખતરસથી કુલની વૃદ્ધિ કરનારા, ઋષિશ્રેષ્ઠ, મહાત્મા વસિષ્ઠના પુત્રોને જોયા. તેમના સૌથી મોટા પુત્રનું નામ શક્તિ હતું. રાજાએ તેને કહ્યું, ‘તું મારા રસ્તા પરથી હટી જા.’ ઋષિએ શાંતિથી રાજાને સમજાવ્યા. ઋષિ ધર્મમાર્ગમાં સ્થિર હોવાને કારણે ન હટ્યા. રાજાએ પણ માન અને ક્રોધને કારણે ઋષિને રસ્તો ન આપ્યો. ઋષિએ રસ્તો ન આપ્યો એટલે તે નૃપશ્રેષ્ઠ રાજાએ મોહવશ થઈને રાક્ષસની જેમ મુનિને કોરડા માર્યા. ત્યારે મુનિશ્રેષ્ઠ વસિષ્ઠ પુત્રે કોરડાના મારથી ઘાયલ થઈને અને ક્રોધથી મૂર્ચ્છાવશ થઈને તે રાજાને શાપ આપ્યો, ‘રાજાઓમાં અધમ, મારા જેવા તપસ્વીને તેં રાક્ષસની જેમ માર્યો એટલે તું આજથી મનુષ્યોનો ભક્ષ કરનાર રાક્ષસ થજે. તું નરમાંસમાં આસક્ત થઈને આ પૃથ્વી પર રખડજે. હે રાજાઓમાં અધમ, હવે જા.’ તપોબલવાળા શક્તિએ આમ કહીને રસ્તો ત્યજી દીધો.

આ પૂર્વે કલ્માષપાદ રાજાના યજ્ઞયાગ વિશે વિશ્વામિત્ર અને વસિષ્ઠની વચ્ચે અંદર અંદર વેર બંધાયું હતું. પછી વિશ્વામિત્ર રાજા પાસે ગયા. રાજા અને શક્તિ આમ ઝઘડી રહ્યા હતા ત્યારે ઉગ્ર તપસ્વી, પ્રતાપશાળી વિશ્વામિત્ર ત્યાં જઈ ચઢ્યા. પછી નૃપશ્રેષ્ઠ કલ્માષપાદે વસિષ્ઠ જેવા તેજસ્વી ઋષિ શક્તિને વસિષ્ઠપુત્ર તરીકે ઓળખ્્યા. ત્યારે વિશ્વામિત્ર પોતાની ઇચ્છા પાર પાડવા માટે પોતાનો વેશ બદલીને બંને પાસે ગયા. નૃપોત્તમ કલ્માષપાદે શક્તિના શાપથી ગ્રસિત થઈને શક્તિને પ્રસન્ન કરવા વિશ્વામિત્રનો આશ્રય લીધો. વિશ્વામિત્રે રાજાનો વિચાર સમજીને તે રાજાના શરીરમાં રાક્ષસને પ્રવેશવાની આજ્ઞા આપી.

કિંકર નામનો રાક્ષસ વિપ્રર્ષિના શાપથી અને વિશ્વામિત્રની આજ્ઞાથી રાજાના શરીરમાં પ્રવેશ્યો. ત્યારે મુનિ વિશ્વામિત્ર રાજાને રાક્ષસથી પ્રભાવિત થયેલો જાણી ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારે તે રાજા શરીરમાં રહેલા તે રાક્ષસથી પોતાની રક્ષા કરતા હોવા છતાં તેનાથી અત્યંત પીડિત થઈને કશું સમજી ન શક્યા. તેઓ પાછા જઈ રહ્યા હતા ત્યારે એક ભૂખ્યા બ્રાહ્મણે તેમને જોઈને માંસયુક્ત ભોજનની માગણી કરી. યાચકનું પાલન કરવાવાળા તે રાજર્ષિએ બ્રાહ્મણને સમજાવી કહ્યું, ‘હે બ્રહ્મન્, થોડી વાર અહીં ઊભા રહી મારી પ્રતીક્ષા કર. હું પાછા આવીને તારી ઇચ્છા પ્રમાણેનું ભોજન આપીશ.’ રાજા આવું કહીને ચાલ્યા ગયા. અને બ્રાહ્મણ રાજાની રાહ જોતો ત્યાં જ ઊભો રહ્યો. મહાનુભાવ રાજા બ્રાહ્મણને આપેલું વચન ભૂલી ગયા અને અંત:પુરમાં જઈને સૂઈ ગયા. ત્યાર પછી અડધી રાતે ઊઠીને બ્રાહ્મણને આપેલું વચન યાદ આવ્યું, તે જ ક્ષણે રસૌયાને બોલાવ્યો. ‘તું અમુક જગ્યાએ જા, એક બ્રાહ્મણ ભોજનની ઇચ્છાથી મારી પ્રતીક્ષા કરી રહ્યો હશે, તું ત્યાં જઈને તેને માંસ ઉપરાંત અન્ન આપી આવ.’

રસૌયાએ, રાજાની આજ્ઞા સાંભળી, ક્યાંય માંસ ન મળ્યું એટલે વ્યથિત થઈને રાજાને જણાવ્યું. રાક્ષસભાવથી પ્રભાવિત થયેલા રાજાએ સમજ્યા કર્યા વિના વારંવાર કહ્યું કે તું નરમાંસ લાવીને તે બ્રાહ્મણને ખવડાવ. રસૌયો ‘ભલે’ કહીને ઉતાવળે વધ્યઘાતીઓના ઘરમાંથી નરમાંસ લઈ આવ્યો, અન્નની સાથે નરમાંસ વિધિવત્ રાંધ્યું અને વિનાવિલંબે તે ભૂખ્યા બ્રાહ્મણને આપ્યું. તે બ્રાહ્મણ શ્રેષ્ઠે દિવ્ય દૃષ્ટિથી એ અન્ન જોયું અને ક્રોધયુક્ત નેત્રે કહ્યું. ‘આ અન્ન ખાવા યોગ્ય નથી. જે કારણે રાજાએ મને ભોજન માટે અયોગ્ય અન્ન આપ્યું છે તે રાજામાં પણ નરમાંસ ખાવાની લાલસા જાગશે, પહેલાં શક્તિ ઋષિએ જે કહ્યું છે એમ જ થશે. આ રાજા નરમાંસ પર આસક્ત થઈને પ્રાણીઓમાં આતંક મચાવતો આ પૃથ્વી પર ભમતો રહેશે.’

આ પ્રકારે તે રાજા પર બીજી વાર શાપ લાગ્યો એટલે તે વધુ બળવત્તર થયો, રાજાના શરીરમાં પ્રવેશેલા રાક્ષસના બળથી પ્રભાવિત થઈને રાજાએ પોતાની ચેતના ગુમાવી દીધી. રાક્ષસે રાજાની ઇન્દ્રિયો હરી લીધી એટલે તે નૃપતિશ્રેષ્ઠ થોડા સમય પછી શક્તિને જોઈને કહેવા લાગ્યા, ‘તેં મને અનુચિત શાપ આપ્યો છે તો એટલે હવે હું તારાથી જ શરૂઆત કરીને મનુષ્યભક્ષી બનવાની શરૂઆત કરીશ.’ રાજાએ આમ કહીને તેના પ્રાણ હરી લીધા. જેવી રીતે વાઘ પોતાનું ઇચ્છેલું પશુ ઓહિયાં કરી જાય તેવી રીતે રાજા શક્તિને ખાઈ ગયા. વિશ્વામિત્ર વસિષ્ઠપુત્ર શક્તિને મરેલો જોઈ વારંવાર રાક્ષસને વસિષ્ઠના પુત્રોનું ભક્ષણ કરવા કહેવા લાગ્યા. જેવી રીતે સિંહ નાનાં હરણાંને ખાઈ જાય તેવી રીતે મહાત્મા વસિષ્ઠના સો પુત્રોને રાજા વારાફરતી ખાઈ ગયા. વિશ્વામિત્રે એ પુત્રોને મારી નંખાવ્યા એ જાણીને પણ પુત્રવિયોગના એ કઠોર શોકને જેવી રીતે મહાન પર્વતનો ભાર ધરતી વેઠી લે છે એવી રીતે વસિષ્ઠે વેઠી લીધો. તે મહામતિ મુનિશ્રેષ્ઠને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો તો પણ કુશિક વંશનું નિકંદન કાઢવાનો વિચાર ન આવ્યો. તે ભગવાન ઋષિએ સુમેરુના શિખર પરથી પડતું મૂક્યું પણ પર્વતના પથ્થર પર એમનું મસ્તક રૂના ઢગલાની જેમ પડ્યું. જ્યારે તે મહર્ષિ પર્વતના શિખર પરથી પડવા છતાં મૃત્યુ ન પામ્યા ત્યારે મહાવનમાં આગ પ્રગટાવીને એમાં પ્રવેશ્યા. પરંતુ અત્યંત તેજે પ્રજળતી આગમાં પણ તેમને કશું ન થયું, તેમને માટે તે આગ પણ શીતળ થઈ ગઈ. પુત્રશોકથી વિહ્વળ બનેલા મહામુનિ સમુદ્રની પાસે ગયા, પોતાના ગળામાં વજનદાર પથ્થર બાંધીને પાણીમાં પડતું નાખ્યું. એ રીતે તે ડૂબ્યા નહીં અને સમુદ્રનાં મોજાંએ તેમને કિનારા પર લાવીને મૂકી દીધા.

એ આશ્રમને પુત્રવિહોણો જોઈ દુઃખથી વ્યાકુળ થઈને ફરી આશ્રમમાંથી નીકળી ગયા. વર્ષાકાળે નવા જળથી ભરેલી એક નદીના તટ પર જુદા જુદા પ્રકારનાં વૃક્ષોને વહેતાં જોયાં, એ જોઈને તે ફરી દુઃખી અને ચિંતિત થઈ ગયા. તેમણે એ પાણીમાં પડતું નાખીને મરી જવાનો વિચાર કર્યો, દુઃખી થઈને એ મહાન મુનિએ પોતાને દોરડાથી બાંધી દીધા અને એ મોટી નદીમાં પડતું નાખ્યું. તે નદીએ એ બંધનોને કાપી નાખ્યાં અને ઋષિને બંધનમુક્ત અવસ્થામાં જમીન પર મૂકી દીધા. આમ બંધનમુક્ત થઈને તે મહાન ઋષિ એ નદીને ઓળંગી ગયા અને એ નદીનું નામ પાડયું વિપાશા. શોકવિહ્વળ થવાને કારણે તેઓ એક સ્થાને રહી ન શક્યા, તેઓ પર્વત, નદીઓની આસપાસ ભમતા રહ્યા. એક વખત તે ઋષિ હૈમવતી નદીને હિંસક જીવજંતુઓથી ભરેલી અને ભયંકર દેખાવવાળી જોઈ, તેઓ એમાં કૂદી પડ્યા. પણ એ શ્રેષ્ઠ નદી ઋષિ અગ્નિ સમાન તેજસ્વી છે એમ જાણીને સેંકડો ભાગોમાં વહેંચાઈ અને દ્રુત વેગથી વહેવા લાગી, ત્યારથી એ નદીનું નામ શતદ્રૂ પડ્યું. એવી ભયાનક નદીમાં પડ્યા પછી પણ પોતાને જમીન પર જ પડેલા જોઈ તેઓ સમજી ગયા કે ઇચ્છાનુસાર પ્રાણત્યાગ કરવો સંભવ નથી, અને આશ્રમની દિશામાં ચાલતા થયા. તેમની પાછળ ‘અદૃશ્યન્તી’ નામની પુત્રવધૂ પણ આશ્રમની દિશામાં આવતી હતી. પાસે હોવાને કારણે ષડંગોથી અલંકૃત, પૂર્ણાયુક્ત વેદપાઠનો ધ્વનિ સાંભળ્યો. તેમણે પૂછ્યું, ‘મારી પાછળ કોણ આવી રહ્યું છે?’ ત્યારે તેમની પુત્રવધૂએ ઉત્તર આપ્યો, ‘હે મહાભાગ, હું શક્તિની તપોયુક્ત તપસ્વિની પત્ની અને તમારી પુત્રવધૂ છું.’

વસિષ્ઠે કહ્યું, ‘પુત્રી, મેં અગાઉ શક્તિના મોઢે જે પ્રકારે સામવેદનો ધ્વનિ સાંભળ્યો હતો તેવો જ ધ્વનિ હું સાંભળી રહ્યો છું.’

અદૃશ્યંતી બોલી, ‘હે મુનિ, તમારા પુત્ર શક્તિનો ગર્ભ મારા ઉદરમાં છે, આ પ્રકારે વેદોનું અધ્યયન કરતાં તેને બાર વરસ વીતી ગયાં છે.’

ઋષિશ્રેષ્ઠ વસિષ્ઠ અદૃશ્યંતીની આ વાત સાંભળીને પ્રસન્ન થયા, ‘હાશ મારો વંશ ચાલુ છે.’ અને મનમાંથી તેમણે આત્મહત્યાનો વિચાર કાઢી નાખ્યો. તે ભયંકર રાક્ષસ શરીરમાં ધરાવતા કલ્માષપાદે મુનિને જોઈને તે જ ક્ષણે ક્રોધે ભરાઈ તેમને ખાઈ જવાની ઇચ્છા કરી. અદૃશ્યંતી પોતાની આંખો સામે આ કુટિલ કર્મ કરનારને જોઈ ભયથી વ્યાકુળ વાણીમાં વસિષ્ઠને કહેવા લાગી, ‘હે ભગવન્, ભયંકર દંડ ધારણ કરી યમરાજની જેમ આ ભીષણ રાક્ષસ દંડ ઉઠાવીને આ બાજુ આવી રહ્યો છે. બધા જ વેદપારંગતોમાં શ્રેષ્ઠ હે મુનિ, પૃથ્વી પર તમારા સિવાય કોઈ પણ વ્યક્તિ આને રોકવા સમર્થ નથી. હે ભગવન્, આ દારુણ દેખાવના પાપાત્માથી મારી રક્ષા કરો. મને લાગે છે કે આ રાક્ષસ આપણને બંનેને ખાઈ જવા માગે છે.’

વસિષ્ઠે કહ્યું, ‘પુત્રી, ભય પામીશ નહીં; રાક્ષસથી તને કશું થવાનું નથી. તું જે ભય જોઈ રહી છે તે રાક્ષસ નથી. આ પૃથ્વી પર પરાક્રમી કલ્માષપાદ નામનો રાજા છે, તે જ આ વનમાં અતિ ભીષણ રૂપ ધારણ કરીને રાક્ષસના સ્વરૂપમાં વસી રહ્યો છે.’ તેજસ્વી ભગવાન ઋષિએ એને આવતો જોઈને હુંકાર માત્રથી તેને અટકાવી દીધો. મંત્રથી પવિત્ર થયેલા જળ વડે તેને શુદ્ધ કર્યો અને તે ઘોર રાક્ષસ રૂપથી તે શ્રેષ્ઠ રાજાને મુક્ત કર્યો, જેવી રીતે પર્વના દિવસોમાં સૂર્ય રાહુથી ગ્રસિત થાય છે તેવી રીતે વસિષ્ઠપુત્ર શક્તિના તેજથી તે રાજા બાર વર્ષ સુધી પ્રભાવિત રહ્યા હતા. જેવી રીતે ભાસ્કર (સૂર્ય) સંધ્યાકાળે આકાશને રંગી દે છે તેવી રીતે રાક્ષસથી મુક્ત થઈને તે રાજાએ પોતાના તેજથી તે વિશાળ વનને છાઈ દીધું. ત્યારે યોગ્ય સમયે રાજા જ્ઞાન પામીને બંને હાથ જોડીને ઋષિશ્રેષ્ઠ વસિષ્ઠને કહેવા લાગ્યા, ‘હે મહાભાગ, હું સુદાસનો પુત્ર તમારો યજમાન છું. હે દ્વિજશ્રેષ્ઠ, તમારી શી ઇચ્છા છે, હું તમારા માટે શું કરું?’

વસિષ્ઠે કહ્યું, ‘હે માનવેન્દ્ર, મારી જે ઇચ્છા હતી તે યથાકાળે પૂરી થઈ, હવે તમે રાજધાનીમાં જઈ શાસન કરો. હવે પછી ક્યારેય બ્રાહ્મણનો અનાદર ન કરતા.’

રાજાએ ઉત્તર આપ્યો, ‘હે બ્રહ્મન્, હું હવે ક્યારેય શ્રેષ્ઠ બ્રાહ્મણોનો અનાદર નહીં કરું. તમારી આજ્ઞા પ્રમાણે હું નિત્ય બ્રાહ્મણોની પૂજા કરીશ. હે વેદપારંગતોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ, હું ઇક્ષ્વાકુ કુળના ઋણમાંથી મુક્ત થઉં એટલા માટે તમે મારી એક ઇચ્છા પૂર્ણ કરો, ઇક્ષ્વાકુ કુળની વંશવૃદ્ધિ માટે મારી ઇચ્છા શીલ, રૂપ, ગુણથી યુક્ત એક પુત્રની ઇચ્છા મને છે. આ માટે તમે મારી રાણી સાથે સમાગમ કરો,’ સત્યવાદી દ્વિજોત્તમ વસિષ્ઠે કહ્યું, ‘પુત્ર આપીશ.’ આમ તે રાજાને વચન આપ્યું. ત્યાર પછી વસિષ્ઠ યથાકાળે તે રાજાની સાથે પ્રખ્યાત અયોધ્યા નગરીમાં ગયા. જેવી રીતે ઇન્દ્રને આવતા જોઈને દેવગણ સ્વાગત કરે તેવી રીતે પ્રસન્ન થયેલા સર્વ પ્રજાજનોએ પાપમુક્ત મહાત્માનું સ્વાગત કર્યું.

રાજાએ તરત જ મહાત્મા વસિષ્ઠની સાથે પુણ્યશાળીઓથી ભરેલી નગરીમાં પ્રવેશ કર્યો. ત્યારે અયોધ્યાવાસી પ્રજાજનોએ પુષ્યની સાથે ઉદય પામતા સૂર્યની જેમ વસિષ્ઠની સાથે રાજાને જોયા. જેવી રીતે શરદ્ ઋતુમાં ચંદ્ર પોતાના પ્રકાશથી આકાશને આવરી લે છે તેવી રીતે લક્ષ્મીવંતોમાં શ્રેષ્ઠ રાજાએ પોતાની શોભાથી અયોધ્યાને છલકાવી દીધી. તે સમયે રાજમાર્ગ ઉપર પાણીનો છંટકાવ કર્યો હતો, તેને સારી રીતે સ્વચ્છ કર્યો હતો, નગરમાં સ્થળે સ્થળે ધ્વજાપતાકા શોભી રહ્યા હતા, આવા સુશોભિત નગરે રાજાને પ્રસન્ન કરી મૂક્યા. રાજાઓમાં શ્રેષ્ઠ કલ્માષપાદ તે અપૂર્વ નગરીમાં પ્રવેશ્યા પછી રાજાની આજ્ઞાથી દેવી રાજ્યની વસિષ્ઠ પાસે ગઈ. મહર્ષિશ્રેષ્ઠ મહાભાગ વસિષ્ઠે દિવ્ય વિધિ પ્રમાણે રાણીના ઋતુકાળમાં તેની સાથે સમાગમ કર્યો. રાજરાણી ગર્ભવતી થઈ એટલે મુનિશ્રેષ્ઠની પૂજા રાજાએ કરી અને ઋષિ આશ્રમમાં પાછા આવ્યા. બહુ દિવસો સુધી ગર્ભ ધારણ કર્યો હોવા છતાં રાણીએ સંતાનને જન્મ ન આપ્યો ત્યારે તે રાજરાણીએ પથ્થર વડે પોતાની કૂખ ફાડી નાખી. આમ બાર વરસ સુધી ગર્ભવાસ વેઠેલા તે પુરુષશ્રેષ્ઠ અશ્મક નામે જાણીતા થયા, તે રાજર્ષિએ પોતન નામનું નગર વસાવ્યું.

આ બાજુ આશ્રમમાં રહેતી અદૃશ્યંતીએ બીજા શક્તિ જેવો જ શક્તિના કુળને વધાવનારા પુત્રને જન્મ આપ્યો. મુનિશ્રેષ્ઠ ભગવાન વસિષ્ઠે જાતે જ પોતાના પૌત્રના જાતકર્મ વગેરે સંસ્કાર કર્યા. આ પુત્ર જ્યારે માતાના ઉદરમાં હતો ત્યારે જીવન સમાપ્ત કરવાનો (પરાસુ બનવાનો) નિશ્ચય કર્યો હતો. તેટલે તે લોકોમાં પરાશર નામે વિખ્યાત થયા. ધર્માત્મા પરાશર જન્મથી જ મુનિ વસિષ્ઠને પિતા માનીને તેમની સાથે પિતા જેવો જ વ્યવહાર કર્યા કરતા હતા. એક દિવસ માતા અદૃશ્યંતીના દેખતાં વિપ્રર્ષિ વસિષ્ઠને પિતા કહીને બોલાવ્યા. ત્યારે તેને મધુર વાણીમાં ‘પિતા’ કહેતાં સાંભળી અદૃશ્યંતી આંખોમાં આંસુ આણીને કહેવા લાગી. ‘હે તાત, તું આમને પિતા કહીને બોલાવીશ નહીં. આ મહામુનિ તારા પિતા નથી, વનમાં તારા પિતાનું ભક્ષણ એક રાક્ષસે કર્યું હતું, તું જેને પિતા માને છે તે તારા પિતા નથી, તેઓ તો તારા પિતાના પિતા છે.’ સત્યવાદી, મનસ્વી ઋષિશ્રેષ્ઠ પરાશરે આ વાત સાંભળીને દુઃખી થઈને સર્વ લોકનો વિનાશ કરવાનો નિર્ણય કર્યો. મહાતપસ્વી વસિષ્ઠે મહાત્મા પરાશરનો બધા લોકનો વિનાશ કરવાનો વિચાર જાણીને તેને અટકાવ્યો, અને તે કહેવા લાગ્યા,

‘ભૂતકાળમાં કૃતવીર્ય નામના ભૂપાલશ્રેષ્ઠ રાજા વેદજ્ઞ ભૃગુ ઋષિઓના યજમાન હતા. તે રાજાએ સોમયજ્ઞ પૂરો થયો એટલે પૂજાના સર્વ પ્રથમ અધિકારી ભૃગુઓને પુષ્કળ ધનધાન્ય આપીને સંતુષ્ટ કર્યા. ત્યાર પછી એ રાજાનું મૃત્યુ થયું. તેમના વંશના રાજાઓને ધનની જરૂર પડી. ભૃગુવંશીઓ પાસે અપાર ધન છે એટલે યાચકોની જેમ તેમની પાસે રાજાઓ જઈ ચઢ્યા. ભાર્ગવોમાંથી કેટલાકે આપણું ધન નાશ ન પામે એમ વિચારી બધું ધન ધરતીમાં દાટી દીધું. કેટલાકે ક્ષત્રિયોથી બી જઈને પોતાનું ધન બ્રાહ્મણોને દાનમાં આપી દીધું. કેટલાકે બીજું જ કોઈ કારણ વિચારીને તે ક્ષત્રિયોને યથેચ્છ ધન આપ્યું.

ત્યાર પછી કોઈ ક્ષત્રિયે પોતાની ઇચ્છાથી ભાર્ગવોના ઘરમાં ધરતીમાં દાટેલું ઘણું બધું ધન જોયું. તે ધનને બધા ક્ષત્રિયશ્રેષ્ઠોએ મળીને જોયું. ત્યારે ક્રોધે ભરાયેલા તે ધનુર્ધારી ક્ષત્રિયોએ શરણે આવેલા ભાર્ગવોને તીક્ષ્ણ બાણોથી વીંધી નાખ્યા, ભાર્ગવ સ્ત્રીઓના ઉદરમાં રહેલાં બાળકોને પણ મારી નાખી પૃથ્વી પર ઘૂમવા લાગ્યા, આમ ભૃગુવંશનો ઉચ્છેદ થવાથી ભાર્ગવસ્ત્રીઓ ભયભીત થઈને હિમાલય તરફ ભાગી ગઈ. એમાંથી કોઈ એક નારીએ પતિકુળની રક્ષા માટે ક્ષત્રિયોથી બી જઈને એક સાથળમાં ગર્ભને સ્થાપ્યો. બધા ક્ષત્રિયોએ તે ગર્ભવતી બ્રાહ્મણીને પોતાના તેજથી દીપ્તિમય જોઈ. તે સમયે ગર્ભમાં સ્થિત તે બાળક બ્રાહ્મણીની સાથળ ચીરીને મધ્યાહ્નના ભાસ્કરની જેમ ક્ષત્રિયોની આંખોની શક્તિને નષ્ટ કરતાં બહાર નીકળ્યા. રાજાઓ દૃષ્ટિહીન થઈને પર્વતની ગુફાઓમાં ઘૂમવા લાગ્યા. પછી વ્યર્થ સંકલ્પવાળા, ભયભીત ક્ષત્રિયશ્રેષ્ઠો દૃષ્ટિ પ્રાપ્ત કરવાની આશાથી તે અનિંદિતા બ્રાહ્મણીના શરણે ગયા. ઓલવાઈ ગયેલી શિખાની જેમ જ્યોતિહીન અને અચેત બનેલા દુઃખી ક્ષત્રિયોએ મહા ભાગ્યશાળી બ્રાહ્મણીને કહ્યું, ‘તમારી કૃપાથી ક્ષત્રિય જાતિ જો દૃષ્ટિ પ્રાપ્ત કરી લે તો પાપકર્મથી નિવૃત્ત થઈને બધા ઘેર જઈ શકે. તમે અને તમારો પુત્ર અમારા ઉપર પ્રસન્ન થાઓ. તમે ફરી દૃષ્ટિદાન કરીને રાજાઓની રક્ષા કરી શકો છો.’

બ્રાહ્મણીએ કહ્યું, ‘હું ક્રોધે ભરાઈ નથી, મેં તમારી દૃષ્ટિ હરી લીધી નથી. હા, મારી સાથળમાંથી જન્મેલા આ ભૃગુવંશી તમારા ઉપર ક્રોધે ભરાયો છે એમાં તો શંકા નથી. આ મહાત્મા બાળકે પોતાના ભાઈઓના વિનાશનું સ્મરણ કરીને ક્રોધથી તમારાં નેત્ર છિનવી લીધાં છે, એમાં કોઈ સંશય નથી. જ્યારે તમે લોકો ભાર્ગવોનાં ગર્ભસ્થ બાળકોનો પણ વિનાશ કરવા લાગ્યા ત્યારે મેં સો વર્ષ સુધી આ ગર્ભને સાથળમાં ધારણ કરી રાખ્યો હતો. ભૃગુવંશના હિતાર્થે છ અંગો સમેત સંપૂર્ણ વેદ આ ગર્ભસ્થ શિશુમાં પ્રવેશ્યા છે. આ બાળક પિતૃઓના વધને કારણે તમારો નાશ કરવા માગે છે, તેના દિવ્ય તેજબળથી તમારી આંખો જતી રહી છે. તમે મારી સાથળમાંથી જન્મેલા આ બાળકની પ્રાર્થના કરો. તમારા પ્રણામથી પ્રસન્ન થઈને તમને દૃષ્ટિ આપી શકશે.’

બધા રાજાઓ આ સાંભળીને સાથળમાંથી જન્મેલા બાળકને કહેવા લાગ્યા. ‘પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ.’ ત્યારે તેણે પ્રસન્ન થઈને તેમને દૃષ્ટિ આપી. તે સાધુશ્રેષ્ઠ વિપ્રે ઉરુ ભેદીને જન્મ લીધો એટલે તે ઔર્વ નામથી લોકમાં પ્રસિદ્ધ થયા. જ્યારે રાજાઓ દૃષ્ટિ મેળવીને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા ત્યારે ભાર્ગવે બધા લોકોને પરાજિત કરવાનું નક્કી કર્યું. ભૃગુ વંશના શત્રુઓનો વિનાશ કરવાની ઇચ્છા ધરાવતા મહામના ઔર્વે સર્વ લોકોનો નાશ કરવા માટે કઠોર તપસ્યા કરવા માંડી, તપમાં જ પોતાનું મન પૂરેપૂરું પરોવી દીધું. ભૃગુઓને તૃપ્ત કરવાની ઇચ્છા ધરાવતા તથા સર્વ લોકના વિનાશ માટે તપથી વૃદ્ધિ પામેલા ભૃગુશ્રેષ્ઠ ઔર્વ પોતાના કઠોર તપથી પોતાના પિતામહોને આનંદિત કરતાં કરતાં સુર, અસુર અને મનુષ્ય — બધાને સંતાપ પમાડવા લાગ્યા. ત્યાર પછી બધી વાત જાણીને પિતૃઓ પિતૃલોકમાંથી આવીને ભૃગુશ્રેષ્ઠ ઔર્વને કહેવા લાગ્યા, ‘હે ઔર્વ, તારી કઠોર તપસ્યાનો પ્રભાવ અમે પ્રત્યક્ષ જોઈ લીધો છે. હવે તું બધા લોકો ઉપર પ્રસન્ન થા. ક્રોધ દૂર કર.

બધા જિતેન્દ્રિય ભૃગુઓ વેર વાળવામાં સમર્થ હોવા છતાં વધ કરનારા ક્ષત્રિયો દ્વારા થનારા આ વધની ઉપેક્ષા કરી હતી. એનું કારણ એ હતું કે આયુષ્ય બહુ વધી ગયું એટલે અમને ક્લેશ થવા લાગ્યો, ત્યારે અમે જાતે જ ક્ષત્રિયો અમને મારી નાખે તો સારું એવી અભિલાષા વ્યક્ત કરી હતી. ક્ષત્રિયોને ક્રોધિત કરવાની ઇચ્છા ધરાવતા અમે શત્રુતા માટે જ કોઈ એક ભૃગુના ઘરમાં ધરતી ખોદીને ધન દાટી દીધું હતું. હે દ્વિજોત્તમ, નહિતર સ્વર્ગની ઇચ્છાવાળા અમને ધનનું શું પ્રયોજન હોય? જ્યારે મૃત્યુ કોઈ રીતે પાસે આવતું ન હતું ત્યારે અમે આ ઉપાયને યોગ્ય માન્યો. આત્મહત્યા કરનાર શુભ લોકને પામી શકતો નથી, આમ વિચારીને જ અમે આત્મહત્યા કરી ન હતી. હે તાત, તું જે કર્મ કરવા માગે છે તે કર્મ અમને ગમતું નથી. એટલે બધા લોકનો પરાભવ કરવાની ઇચ્છા જેવા પાપકર્મને મનમાંથી ભૂંસી નાખ. આપણને ક્ષત્રિયો મારી શકવાના નથી અને સાતેય લોક ભેગા થઈને મારી શકવાના નથી. એટલે તું તપ અને તેજને અપવિત્ર કરનારા આ ક્રોધને ત્યજી દે.’

ઔર્વે કહ્યું, ‘હે પિતૃઓ, મેં ક્રોધે ભરાઈને બધા લોકનો વિનાશ કરવા માટે જે પ્રતિજ્ઞા લીધી છે તે વ્યર્થ નહીં જાય. હું વ્યર્થ ક્રોધ અને વ્યર્થ પ્રતિજ્ઞા કરવા માગતો નથી. જો હું આ પ્રતિજ્ઞા કે ક્રોધ પૂર્ણ ન કરું તો મારે જીવવું નથી. જેવી રીતે અગ્નિ વનને પ્રજાળી મૂકે છે તેવી રીતે પ્રતિજ્ઞા પૂરી ન કરું તો મને ક્રોધના અગ્નિ બાળી મૂકશે. કોઈ કારણે ક્રોધને રોકવામાં આવે તો તે મનુષ્ય પૂરેપૂરી રીતે ધર્મ, અર્થ, કામનું પાલન નહીં કરી શકે, સર્વત્ર વિજય મેળવવા માગતા રાજા યોગ્ય સ્થાને ક્રોધ, દુષ્ટોનું દમન અને સજ્જનોનું પાલન કરે છે. જ્યારે ક્ષત્રિયોએ ભાર્ગવોનો વિનાશ કર્યો હતો ત્યારે મેં સાથળની ગર્ભશય્યા પર સૂતાં સૂતાં ભાર્ગવોની અને માતાઓની કરુણ ચીસો સાંભળી હતી. જ્યારે ક્ષત્રિયો ગર્ભાવસ્થાનાં બાળકોનો પણ વિનાશ કરવા લાગ્યા ત્યારે હું ક્રોધે ભરાયો હતો. મારા પિતૃઓ અને પૂરા દિવસોવાળી માતાઓ જ્યારે શોકથી આકળવિકળ થઈ ગઈ અને ભયત્રસ્ત થઈ ત્યારે ત્રણે લોકમાં કોઈએ તેમની રક્ષા કરી ન હતી. જ્યારે કોઈએ ભૃગુપત્નીઓની રક્ષા ન કરી ત્યારે મારી શુભલક્ષણા માતાએ એક સાથળમાં મને ધારણ કરી રાખ્યો હતો. જ્યારે આ ભૂમંડલમાં એક પણ મનુષ્ય પાપકર્મને નષ્ટ કરી શકે ત્યારે કોઈ લોકમાં એક પણ પાપી પેદા ન થઈ શકે. જ્યારે પાપકર્મને દંડનારો કોઈ નથી રહેતો ત્યારે ઘણાબધા લોકો પાપકર્મમાં જોડાઈ જાય છે. જેઓ શક્તિમાન અને પાપકર્મ અટકાવવામાં સમર્થ હોય અને છતાં જાણીજોઈને પાપકર્મ ન રોકે તો તે પણ પાપી બની જાય છે. રાજાઓ તથા સમર્થ પુરુષો તે પાપકર્મ રોકવા શક્તિમાન હોવા છતાં આ લોકમાં પોતાના જીવનને વધારે મહત્ત્વપૂર્ણ માનીને મારા પિતૃઓની રક્ષા કરી ના શક્યા.

એટલે આજે આ લોકનો સ્વામી થઈને આ બધા જ લોકને પાપકર્મની શિક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. એટલે તમારી આજ્ઞાનું પાલન કરી શકતો નથી. હું વેર વાળવામાં સમર્થ હોઉં અને જો બદલો ન લઉં તો મેં પાપકર્મની ઉપેક્ષા કરી ગણાય તથા લોકોના સંતાપને કારણે મારે માટે બહુ મોટો ભય જન્મે. મારા ક્રોધથી ઉત્પન્ન થયેલો અગ્નિ લોકોને પ્રજાળી મૂકવાની ઇચ્છા કરે છે, હવે જો તેને હું મારા તેજથી રોકીશ તો તે અગ્નિ મને બાળી નાખશે. હું માનું છું કે તમે બધા લોકનું હિત ઇચ્છો છો, એટલે મારું અને બધાનું મંગલ થાય એવું કંઈક કરો.’

પિતૃઓએ ઉત્તર આપ્યો, ‘તારા ક્રોધથી ઉત્પન્ન થયેલો જે અગ્નિ બધા લોકોનો ભક્ષ કરવા માગે છે તેને તું જળમાં નાખી દે. કારણ કે બધા લોક જળમાં પ્રતિષ્ઠિત છે. એટલે તારું મંગલ થશે. હે દ્વિજશ્રેષ્ઠ, બધા રસ જળથી પૂર્ણ છે. સંપૂર્ણ જગત જળથી પૂર્ણ છે. એટલે તું આ ક્રોધાગ્નિને જળમાં વહેવડાવ. હે વિપ્ર, તું જો ઇચ્છીશ તો તારા ક્રોધમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ જળને પ્રજાળતો સમુદ્રમાં જ રહેશે. બધા લોકને જળમય કહ્યા છે. આમ થવાથી તારી પ્રતિજ્ઞા પણ સાચી પડશે અને દેવોથી યુક્ત લોક પણ નષ્ટ નહીં થાય.’

વસિષ્ઠે કહ્યું, ‘હે તાત, તે અગ્નિ સમુદ્રમાં રહીને જળપાન કર્યા કરે છે. વેદપારંગત બ્રાહ્મણો જે મહાન વડવામુખને જાણે છે તે વડવા પોતાના મોંમાંથી એ જ આગને બહાર કાઢતા મહાસાગરનું પાણી પીતાં ડરે છે. એટલે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, તારું કલ્યાણ થાય, તું પરલોકને સારી રીતે જાણે છે એટલે તારે પણ બધા લોકનો વિનાશ ન કરવો જોઈએ.’

મહાત્મા વસિષ્ઠના કહેવાથી બ્રહ્મર્ષિ પરાશરે સમસ્ત લોકનો પરાભવ કરનારા ક્રોધને અટકાવી દીધો. સર્વ વેદોના જાણકાર અત્યંત તેજસ્વી શક્તિપુત્ર ઋષિ પરાશરે રાક્ષસોનો વધ કરવા માટે રાક્ષસસત્રનું આયોજન કર્યું, એ વ્યાપક યજ્ઞમાં પોતાના પિતા શક્તિનું સ્મરણ કરીને મહામુનિ પરાશરે રાક્ષસ જાતિના વૃદ્ધો અને બાળકોને પણ પ્રજાળવાનો આરંભ કર્યો. પરાશરની બીજી પ્રતિજ્ઞાનો ભંગ કરવો અયોગ્ય છે એમ માનીને વસિષ્ઠે તેને રાક્ષસવધ કરતાં અટકાવ્યો નહી. તે રાક્ષસયજ્ઞમાં પ્રદીપ્ત ત્રણ અગ્નિની સમક્ષ ચોથા અગ્નિની જેમ મહામુનિ પરાશર શોભવા લાગ્યા. જેવી રીતે વાદળો દૂર થવાથી સૂર્ય આકાશને પ્રકાશિત કરે છે તેવી રીતે પરાશર મુનિએ યુક્તિપૂર્વક કરેલા હવનવાળા શુભ યજ્ઞથી આકાશ પ્રદીપ્ત થયું. ત્યારે વસિષ્ઠ ઉપરાંત બધા મહર્ષિઓ પોતાના તેજથી દ્યુલોકમાં પ્રજળતા પરાશરને બીજો સૂર્ય સમજવા લાગ્યા. ત્યાર પછી ઉદાર, બુદ્ધિમાન અત્રિ ઔર્વ દ્વારા સમાપ્ત ન થનારા યજ્ઞને પૂરો કરવાની ઇચ્છાથી ત્યાં આવ્યા. ત્યાર પછી પુલસ્ત્ય, પુલહ, ક્રતુ પણ રાક્ષસોના પ્રાણ બચાવવાની ઇચ્છાથી તે મહાયજ્ઞ પાસે આવ્યા. ઘણા બધા રાક્ષસોના મૃત્યુ પછી શત્રુનાશક પરાશરને પુલસ્ત્ય કહેવા લાગ્યા, ‘હે તાત, તારા અગ્નિહોત્રના કાર્યમાં વિઘ્ન તો નથી નડતું ને? જે રાક્ષસો તારા પિતાની હત્યા વિશે કશું જ જાણતા નથી તે રાક્ષસોને મારીને આનંદિત તો થાય છે ને? હે સોમપાન કરનારાઓમાં શ્રેષ્ઠ, જેને કારણે તું પ્રજાઓનો આ રીતે નાશ કરી રહ્યો છે, આ અધર્મને શ્રેષ્ઠ હોવા છતાં તું આચરી રહ્યો છે તે રાજા કલ્માષપાદ તો સ્વર્ગમાં આનંદ મનાવી રહ્યા છે. શક્તિ કરતાં નાના બધા જ વસિષ્ઠપુત્રો સ્વર્ગમાં દેવોની સાથે પરમ આનંદ ભોગવી રહ્યા છે, હે મહામુનિ, વસિષ્ઠ આ બધું જાણે છે. હે શક્તિપુત્ર, આ યજ્ઞમાં નિર્દોષ રાક્ષસોનો જે નાશ થઈ રહ્યો છે તું તો એમાં નિમિત્ત બન્યો છે. એટલે આ યજ્ઞ માંડી વાળ, તારું મંગલ થાય, હવે આ યજ્ઞ પૂરો કર.’

બુદ્ધિમાન પુલસ્ત્યે પરાશરને આમ કહ્યું એટલે તેમણે આ યજ્ઞ પૂરો કર્યો. બધા જ રાક્ષસોની હત્યા કરવા યજ્ઞમાં જે અગ્નિ પ્રજ્વ્લિત કર્યો હતો તેને મુનિએ હિમાલયની દિશામાં એક મોટા વનમાં ત્યજી દીધો. ત્યાં આજે પણ એ અગ્નિ તહેવારના દિવસે રાક્ષસ, વૃક્ષ અને પથ્થરોને ખાઈ જતો જોવા મળે છે.

શાપગ્રસ્ત થયેલા ક્રોધપૂર્ણ નેત્રવાળા શત્રુસંતાપી રાજા કલ્માષપાદ પોતાની પત્નીને લઈને નગરની બહાર નીકળ્યા. કોઇ નિર્જન વનમાં જઈને પત્નીની સાથે ઘૂમવા લાગ્યા. અનેક પ્રકારનાં પ્રાણીઓથી ભરચક અનેક પ્રકારની લતાઓ, વિવિધ વૃક્ષોવાળા અને ભારે ધ્વનિ કરતા તે વિશાળ વનમાં ફરતા હતા. તે શાપગ્રસ્ત રાજા એક વખત બહુ જ ભૂખ્યા થઈને ભોજન સામગ્રી શોધતાં શોધતાં થાકી ગયા હતા, ત્યારે તે વનમાં નિર્ઝર પાસે એક બ્રાહ્મણ-બ્રાહ્મણીને મૈથુન કરતાં જોયા. રાજાને જોતાં વેંત પોતાનો મનોરથ પૂરો ન થયો એટલે અત્યંત ભયભીત થઈને ભાગ્યા. રાજાએ એ દંપતીમાંથી બ્રાહ્મણને પકડી પાડ્યો, પતિને પકડાયેલો જોઈ બ્રાહ્મણીએ કહ્યું, ‘હે સુવ્રત મહારાજ, હું જે કહું છું તે સાંભળો. બધા જ જાણે છે કે તમે સૂર્યવંશમાં જન્મ લીધો છે અને પ્રમત્ત બન્યા વગર ગુરુસેવા કરતા રહ્યા છો. અત્યારે તમે શાપગ્રસ્ત છો, તમારે આવું પાપ ન કરવું જોઈએ. મારો ઋતુકાળ આવ્યો એટલે હું પતિમિલન કરી રહી છું. આ પતિથી પુત્રપ્રાપ્તિ રૂપી મારો મનોરથ પાર પડ્યો નથી. એટલે હે ભૂપશ્રેષ્ઠ, પ્રસન્ન થાઓ, મારા પતિને છોડી દો.’

તે બ્રાહ્મણી આ પ્રકારે રડતી રહી તો પણ જેવી રીતે વાઘ હરણનું ભક્ષણ કરે તેવી રીતે રાજા નિર્દયતાથી તેના પતિને ખાઈ ગયો. ત્યારે ક્રોધથી સંતપ્ત થયેલી તે બ્રાહ્મણીની આંખોમાંથી જે આંસુ ભૂમિ પર પડ્યાં તેમાંથી અગ્નિજ્વાળાઓ પ્રગટી, ત્યાં અજવાળુ થઈ ગયું. પતિવિરહથી ત્રસ્ત, શોકવિહ્વળ તે બ્રાહ્મણીએ રાજા કલ્માષપાદને શાપ આપ્યો, ‘હે નીચ! મિલનના સુખથી મારો મનોરથ સફળ ન થયો તો પણ નિષ્ઠુર બનીને મારા દેખતાં જ મારા પ્રિય, યશસ્વી પતિને તું ખાઈ ગયો. હે દુર્બુદ્ધિ, મારા શાપથી ગ્રસ્ત થઈને તું પણ ઋતુકાળે સ્ત્રીમિલન કરવા જઈશ તો તે જ ક્ષણે તું પ્રાણ ગુમાવીશ. તેં જે વસિષ્ઠના પુત્રોનો નાશ કર્યો છે તે વસિષ્ઠ સાથે તારી પત્ની મિલન કરીને પુત્રને જન્મ આપશે. હે નરાધમ, તે પુત્ર તારા વંશનો રક્ષક થશે. અંગિરા કુળમાં જન્મેલી તે શુભ લક્ષણવાળી તે બ્રાહ્મણી રાજાને શાપ આપીને પોતાની સામે પ્રગટતી આગમાં પ્રવેશી. મહાભાગ વસિષ્ઠ પોતાના તપોબળથી આ બધું જાણી ગયા હતા. બહુ સમય પછી શાપમુક્ત થઈને રાજા કલ્માષપાદ પોતાની રાણીના ઋતુકાળની રક્ષા કરવા તૈયાર થયા પણ મદયંતીએ તેમને રોકયા. રાજા કામમોહિત હોવાને કારણે શાપની વાત ભૂલી ગયા હતા. પણ રાણીની વાત સાંભળીને અને શાપનું સ્મરણ કરીને તે બહુ દુઃખી થયા. શાપગ્રસ્ત રાજાએ આ જ કારણે પોતાની રાણીની ઋતુરક્ષા માટે વસિષ્ઠનો વિચાર કર્યો હતો.

(આદિ પર્વ, ૧૬૬થી ૧૭૩)