ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/ઉશીનરની કથા
એક વખત ઉશીનર નામના રાજા યજ્ઞ કરી રહ્યા હતા. અગ્નિ અને ઇન્દ્રને તેમની પરીક્ષા લેવાનું મન થયું. ઇન્દ્ર બન્યા બાજ અને અગ્નિ બન્યા કબૂતર. બાજથી ગભરાઈ જઈને કબૂતરે રાજાની શરણાગતિ સ્વીકારી અને તેમના ખોળામાં તે લપાઈ ગયા.
એટલે બાજે કહ્યું, ‘જગતના બધા રાજાઓ તમને ધર્માત્મા માને છે. તો પછી આ ધર્મવિરુદ્ધ કાર્ય કેમ કરો છો? હું ભૂખે વ્યાકુળ થઈ ગયો છું. આ કબૂતર મારું ભોજન છે. ધર્મના લોભે તમે ધર્મનું ઉલ્લંઘન ન કરો. તેને આશ્રય આપીને તમારો ધર્મ તો નષ્ટ થઈ ગયો છે.’
રાજાએ કહ્યું, ‘આ પક્ષી તમારાથી ડરી જઈને અને જીવ બચાવવા તે મારી પાસે આવ્યું છે. જીવ બચાવવા મારી પાસે આવેલા આ કબૂતર તમને ન આપું તો એમાં કયો અધર્મ થઈ ગયો? આ કબૂતર બીકનું માર્યું ફફડી રહ્યું છે, મારી પાસે જીવ બચાવવા આવ્યું છે. એનો ત્યાગ કરવો એ જ અધર્મ છે.’
બાજ બોલ્યું, ‘હે રાજા, આહાર વડે જ બધા જીવ જન્મે છે, મોટા થાય છે અને જીવતા રહે છે. કોઈ વસ્તુ વહાલી હોય તો તેનો ત્યાગ કરીને થોડા દિવસ જીવી શકાય પણ ખાધાપીધા વિના જીવવું અશક્ય છે. એટલે જો આજે મને ભોજન નહીં મળે તો મારો જીવ જતો રહેશે. હું મરી જઈશ તો મારી પત્ની, પુત્રો મૃત્યુ પામશે. તમે એકનો જીવ બચાવવા કેટલાનો ત્યાગ કરશો? જે ધર્મ પાળવાથી બીજા ધર્મનો નાશ થાય તે ધર્મ નહીં, અધર્મ કહેવાય. જેમાં કોઈનાય ધર્મનો વિરોધ ન હોય એ જ સાચો ધર્મ. જો ધર્મનાં બે સ્થળે વિરોધ થાય તો બંનેમાં લાઘવ અને ગૌરવનો વિચાર કરવો જોઈએ. જેમાં કશું નુકસાન ન હોય તે ધર્મ અપનાવવો જોઈએ. ધર્મ-અધર્મનો નિર્ણય કરવામાં પહેલાં લાઘવ અને ગૌરવનો વિચાર કરો, જેમાં કલ્યાણ હોય તે ધર્મ.’
રાજાએ આ સાંભળી કહ્યું, ‘તમે તો મોટી મોટી વાતો કરો છો, શું તમે ગરુડ તો નથી? કારણ કે ધર્મપૂર્ણ કેટલી બધી વાતો તમે કરી રહ્યા છો. તમારી વાતો સાંભળીને તો એવું લાગે છે કે તમારાથી કશું અજાણ્યું નથી. અને છતાં શરણાગતનો ત્યાગ કરવામાં ધર્મ જુઓ છો! તમે જો ભોજન માટે જ બધી વાત કરતા હો તો આ કબૂતરને બદલે બીજું ઘણું બધું ભોજન તમને આપું. ગાય, બળદ, સૂવર, હરણ, પાડો.’
બાજે કહ્યું, ‘હું નથી તો સૂવર ખાતો, નથી બળદ કે બીજાં હરણ ખાતો. મારે બીજા જીવો નથી જોઈતા. ઈશ્વરે મારા માટે આ કબૂતર સર્જ્યું છે. તે મને આપી દો. બાજનું ભોજન કબૂતર છે એ તો વાત જાણીતી છે. તમે તત્ત્વ જાણો છો તો પછી કેળાના સ્કંધની જેમ તત્ત્વરહિત ધર્મને ન અપનાવો.’
રાજાએ કહ્યું, ‘આ ધનથી મેળવેલું શિબિરાજ્ય તમે ભોગવો. શરણે આવેલા પક્ષી સિવાય જે જોઈએ તે માગો. તમે જે કહેશો તે કરીશ, જે માગશો તે આપીશ. પણ આ કબૂતર તો નહીં જ આપું.’
બાજે કહ્યું, ‘રાજા, જો આ કબૂતર પર તમને વધુ પ્રેમ હોય તો આ કબૂતરના જેટલું માંસ તમારા શરીરમાંથી કાપીને મને આપો. તમારા માંસનું વજન જ્યારે કબૂતરના વજન જેટલું થઈ જાય ત્યારે મને આપજો એટલે મને સંતોષ થશે.’
ધામિર્ક રાજા ઉશીનરે જાતે પોતાના શરીરમાંથી માંસ કાપ્યું, અને ત્રાજવાના એક પલ્લામાં કબૂતરને મૂક્યું અને બીજા પલ્લામાં પોતાનું માંસ. પણ કબૂતરનું પલ્લું નમતું ને નમતું જ રહ્યું એટલે રાજાએ ફરી માંસ કાપીને ત્રાજવામાં મૂક્યું. જેમ જેમ રાજા માંસ મૂકતા ગયા તેમ તેમ કબૂતરનું પલ્લું નમતું રહ્યું. છેવટે જ્યારે રાજાના શરીરમાં કબૂતરના વજન જેટલુંય માંસ ન રહ્યું ત્યારે પોતે જ ત્રાજવામાં જઈ બેઠા.
બાજે કહ્યું, ‘હું ઇન્દ્ર છું અને આ કબૂતર અગ્નિ છે. તમારા ધર્મની પરીક્ષા કરવા જ અમે અહીં આવ્યા હતા. તમે તમારા શરીરનું જેટલું માંસ કાપ્યું છે એટલી તમારી કીતિર્ બધા લોકમાં ફેલાશે. માનવીઓ તમારા ગુણ ગાતા રહેશે, તમારો યશ સદા કાળ ટકશે.’
(આરણ્યક પર્વ, ૧૩૦-૧૩૧)