નીરખ ને/મનોવિશ્લેષણ અને ઝેન

From Ekatra Wiki
Revision as of 01:32, 11 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

માણસ પરમેશ્વરને પિતાના રૂપમાં મદદકર્તા તરીકે જોવાની ભ્રમણામાંથી તો બહાર આવ્યો, પણ સાથે સાથે બધા માનવતાવાદી ધર્મોની સાચી નેમોને પણ તિલાંજલી આપી દીધી – જેમ કે સ્વના અહંકારની મર્યાદાઓનું નિવારણ કરવું; પ્રેમ, નિરપેક્ષતા અને નમ્રતા પ્રાપ્ત કરવાં; જીવનનો આદર કરવો જેથી જીવવું એ જ જીવનનું ધ્યેય બની રહેવું અને માણસનું સ્વ-સ્વરૂપ પામવું. પિતા-તારણહારની સંકલ્પનામાં એકેશ્વરવાદ ધર્મોની ઝંખનાઓ અભિવ્યક્ત થઈ હતી; પણ તે સંકલ્પનાથી પૂર્વ પીડાયું નહોતું. તાઓ અને બૌદ્ધધર્મના બુદ્ધિવાદ અને વાસ્તવવાદ પશ્ચિમના ધર્મો કરતાં ચઢિયાતા હતા. એ લોકો માણસને વાસ્તવિક અને નિરપેક્ષ રીતે જોઈ શકતા, કારણ કે જાગ્રત વ્યક્તિઓ એમનું માર્ગદર્શન કરતી અને દરેક માણસમાં જાગ્રત થવાની અને બોધિકક્ષા પ્રાપ્ત કરવાની શક્તિ હોવાને કારણે એમનું માર્ગદર્શન કરવાનું શક્ય બનતું. બરાબર આ જ કારણે પૂર્વીય ધાર્મિક વિચાર, તાઓ અને બૌદ્ધદર્શન — અને એમનું ઝેન-બૌદ્ધધર્મમાં મિશ્રણ પશ્ચિમ માટે આજે આટલાં મહત્ત્વનાં બની ગયાં છે. ઝેન-બૌદ્ધદર્શન માણસને પોતાના અસ્તિત્વના પ્રશ્નનો જવાબ શોધવામાં મદદ કરે છે. એ વિરોધાભાસ છે કે પશ્ચિમી બુદ્ધિવાદી વિચારને પશ્ચિમી ધાર્મિક વિચાર કરતાં પૂર્વીય ધાર્મિક વિચાર વધુ સાનુકૂળ રહ્યો છે. વસ્તુની અંદર પેસવું અને જાણે કે અંદરથી વસ્તુ જોવી એ ઝેન અભિગમ છે. વાસ્તવિકતાના આ તત્કાળ ગ્રહણને સર્જનાત્મક કહી શકાય. સુઝુકી સર્જનાત્મકતાના આ મૂળ સ્રોતને ઝેનનું અચેતન કહે છે... અને આગળ જતાં કહે છે કે અચેતનને ભાવવું (feel) એ પાયાની, મૂળભૂત વાત છે. સુઝુકી મહાન અચેતન સાથેના આત્મૈક્યની વાત કરે છે; અને એ કહે છે કે અચેતન આપણે માટે ખૂબ નિકટની વસ્તુ છે; જેવી રીતે આંખ પોતાને જોઈ શકતી નથી તેમ એ નિકટતાને કારણે જ અચેતનને પકડમાં લાવવું મુશ્કેલ છે. એટલે અચેતનને સંપ્રજ્ઞ કરવા માટે ચેતનાના પક્ષે ખાસ તાલીમની જરૂર છે. સુઝુકીનું આ વિધાન મનોવિશ્લેષણાત્મક દૃષ્ટિબિંદુને તદ્દન મળતું છે. તો છું એવો અર્થ થાય છે કે બન્નેનાં ધ્યેયો સરખાં છે? માત્ર ચેતનાને તાલીમ આપવાની બાબતમાં તે જુદા પડે છે?

ઍરિક ફ્રૉમ



મનોવિશ્લેષણ અને ઝેન

ઍરિક ફ્રૉમને ઝેન-બૌદ્ધધર્મનો અભ્યાસ મનોવિશ્લેષણના સંદર્ભમાં ખૂબ મહત્ત્વનો લાગ્યો છે. એટલું જ નહીં પણ એ માને છે કે મનોવિશ્લેષણના તમામ વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ વાત એમણે ઉપરના શીર્ષકવાળા એમના વ્યાખ્યાન-લેખમાં દોહરાવવા દાદ માંગી લે એવો યત્ન કર્યો છે. આપણે ઍરિક ફ્રૉમના અભિગમને કંઈક ટૂંકમાં અને પ્રમાણમાં બને એટલા મુદ્દાને આવરી લઈને સમજવા યત્ન કરીએ. ઝેન-બૌદ્ધદર્શન ભારતીય બુદ્ધિવાદ (રેશનાલિટી) અને અમૂર્ત વિચારણા અને ચીની મૂર્તતા અને વાસ્તવવાદનું મિશ્રણ છે. જ્યારે મનોવિશ્લેષણ પશ્ચિમી માનવતાવાદ અને બુદ્ધિવાદ અને બુદ્ધિવાદને ન ગાંઠતાં અજ્ઞાત પરિબળો માટેની ૧૯મી સદીની રંગદર્શી શોધનું ફરજંદ છે. એ વાત સાચી છે કે મનોવિશ્લેષણ અને ઝેન બન્ને માનવપ્રકૃતિ અને એના રૂપાંતર સાથે કામ પાડે છે. છતાં સામ્ય કરતાં તફાવત તરફ પલ્લું વધુ નમતું દેખાય છે. મનોવિશ્લેષણ એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને તદ્દન બિનધાર્મિક છે; ઝેન ‘બોધ’ (એનલાઇટન્મેન્ટ) પ્રાપ્ત કરવા માટેનો સિદ્ધાંત, ટેક્નિક છે. મનોવિશ્લેષણ માનસિક બીમારી માટેની ચિકિત્સા છે; ઝેન આધ્યાત્મિક મુક્તિનો માર્ગ છે. છતાં આજે મનોવિશ્લેષણને ચોક્કસપણે ઝેન-બૌદ્ધદર્શનમાં રસ જાગ્રત થયો છે. આ રસનું મૂળ ક્યાં છે? એનો જવાબ આપવાનો અહીં યત્ન છે. મનોવિશ્લેષણ પશ્ચિમી માણસની આધ્યાત્મિક કટોકટી અને એના ઉકેલના પ્રયત્નની એક વિશિષ્ટ અભિવ્યક્તિ છે. દેકાર્તેથી માણસે વિચારને વધુ ને વધુ ભાવથી અલગ રાખ્યો છે; વિચાર જ બુદ્ધિવાદી ગણાય છે. ભાવ સ્વભાવતઃ અબુદ્ધિવાદી મનાય છે. બુદ્ધિથી પ્રકૃતિનું નિયંત્રણ અને વધુ ને વધુ ચીજોનું ઉત્પાદન એ જીવનનું સૌથી મોટું ધ્યેય બની ગયું. આ પ્રક્રિયામાં માણસે પોતાની જાતનું ચીજમાં રૂપાંતર કરી નાખ્યું. ગ્રીક અને હિબ્રૂની (પશ્ચિમી સંસ્કૃતિનું મૂળ) નેમ માણસની પૂર્ણતા હતી; આધુનિક માણસ માટે ચીજોની પૂર્ણતા અને એ ચીજો કેમ બનાવવી એ વિશેનું જ્ઞાન કાળજીનો વિષય બની ગયો. પશ્ચિમી છિન્ન માનસ ભાવાનુભૂતિ માટે અસમર્થ સ્થિતિમાં છે અને એટલે એ જીવ ઉપર આવી ગયું છે. હજી પણ એ વાતો તો સુખની, વ્યક્તિત્વવાદની, પહેલ કરવાની કરતો હોય છે, પણ ખરેખર તો એને કોઈ ધ્યેય રહ્યું નથી. તમે એને પૂછશો કે એ શા માટે જીવે છે, એના આ બધા યત્નોનું શું ધ્યેય છે, તો એ મૂંઝાઈ જશે. કેટલાક એમ કહેશે કે એ કુટુંબ માટે જીવે છે, તો કેટલાક મઝા કરવા માટે કે કેટલાક પૈસા માટે જીવે છે એમ પણ કહેશે; પણ એને કોઈ ધ્યેય નથી હોતું, સિવાય કે અસલામતી અને એકાકીપણામાંથી ભાગી છૂટવું. ફ્રોઇડ માટે સાધારણ રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે મનોવિશ્લેષણની એની વિભાવના માત્ર માનસિક બીમારીની ચિકિત્સા પૂરતી મર્યાદિત છે. પણ ખરેખર તો આ વિભાવના એટલેથી સીમિત ન રહેતાં માનવની મુક્તિને આંબે છે. મનોરુગ્ણતાના ઇલાજની તબીબી ચિકિત્સાની પાછળ એક જુદો જ રસ રહ્યો છે. ફ્રોઇડે પણ ભાગ્યે જ એને વાચા આપી છે કે કદાચ પોતે જ એનાથી અજ્ઞાત રહ્યા છે. એમણે સ્થાપેલા મનોવિશ્લેષણાત્મક આંદોલનનું સ્વરૂપ કઈ કટ્ટર માન્યતા (ડૉગ્મા) ઉપર સ્થપાયું હતું? ફ્રોઇડે કદાચ ખૂબ સ્પષ્ટતાથી આનો જવાબ એક વાક્યમાં આપી દીધો છે : ‘Where there was Id - there shall be Ego.’ અચેતનની સત્તામાંથી માણસે બને એટલું મુક્ત રહેવું, અને તર્કથી અબુદ્ધિવાદી અને અસંપ્રજ્ઞ આવેશો ઉપર પ્રભુત્વ મેળવવું એ ફ્રોઇડની નેમ હતી. પોતાનામાં રહેલાં અચેતન પરિબળોથી માણસ સજાગ રહે જેથી એ એના ઉપર પ્રભુત્વ મેળવી શકે, એનું નિયંત્રણ કરી શકે, યથાર્થના જ્ઞાનને પામવું એ ફ્રોઇડની નેમ હતી – અને આ જ્ઞાન તે વાસ્તવનું જ્ઞાન; this knowledge to him was the only guiding light man had on this earth. ફ્રોઇડની મનોવિશ્લેષણની સંકલ્પનામાં બીજાં એવાં તત્ત્વો હતાં જે બીમારી અને ઇલાજ પૂરતાં સીમિત નહોતાં, પણ એને અતિક્રમી જતાં હતાં. જ્ઞાન રૂપાંતર તરફ લઈ જાય છે એ વિભાવના એ ફ્રોઇડનો પ્રથમ સિદ્ધાંત છે; that in the very act of. knowing oneself one transforms oneself. પૂર્વના વિચારથી જે પરિચિત છે એમને આમાં સામ્ય લાગશે. પણ આ ખ્યાલ ફ્રોઇડના કે આપણા સમયની વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનની સંકલ્પનાઓ જ્યાં જ્ઞાન માત્ર સૈદ્ધાન્તિક ગણાય છે અને જાણનારમાં રૂપાંતર-કાર્ય નથી કરતું એ કરતાં મૂળભૂત રીતે જુદો છે. એક બીજી બાબતમાં પણ ફ્રોઇડની પદ્ધતિ પૌર્વાત્ય વિચાર સાથે ગાઢ સંબંધ ધરાવે છે; ફ્રોઇડ માનતા કે આપણો સંપ્રજ્ઞ વિચાર આપણામાં ચાલતી માનસિક પ્રક્રિયાનો ખૂબ નાનો ભાગ છે; આપણામાં રહેલા ઘેરા, અબુદ્ધિવાદી, અસંપ્રજ્ઞ સ્રોતોની ભયાનક શક્તિની સરખામણીમાં નજીવો છે. ફ્રોઇડ મુક્ત સાહચર્ય (Free Association) દ્વારા સંપ્રજ્ઞ વિચારરીતિને તોડી અંદર પ્રવેશ ઇચ્છતા હતા; આ પાછળની એમની નેમ માણસના સાચા સ્વરૂપમાં સૂક્ષ્મ દૃષ્ટિ પ્રાપ્ત કરવાની હતી. એક ત્રીજી બાબત પણ છે જ્યાં ફ્રોઇડ સમકાલીન પશ્ચિમી અભિગમથી મૂળગામી રીતે જુદા પડે છે. એક વ્યક્તિનું વિશ્લેષણ એક, બે, ત્રણ, ચાર, પાંચ કે એના કરતાં પણ વધારે વર્ષો કરવાની એમની તૈયારી હતી. અલબત્ત, આ કામ કરવાની પદ્ધતિની સારી એવી ટીકા થઈ છે અને વિશ્લેષણ બને એટલું કાર્યક્ષમ હોવું જોઈએ એમાં બે મત નથી. પણ ફ્રોઇડમાં એ કહેવાની હિંમત હતી કે એ વ્યક્તિ પોતાની જાતને સમજે એ માટે એની સાથે અર્થપૂર્ણ વર્ષો ગાળી શકાય. ઉપયોગિતા કે નફા-તોટાના દૃષ્ટિબિંદુથી આ નકામું લાગે. એક માણસના પરિવર્તનને સામાજિક અસરના સંદર્ભમાં જોઈએ તો સમયની બરબાદી જ લાગે. આપણે મૂલ્યોની આધુનિક વિભાવનાને અતિક્રમી જઈએ ત્યારે જ ફ્રોઇડની પદ્ધતિમાં અર્થ દેખાય. આનો અર્થ એવો નથી કે ફ્રોઇડ જાગ્રત રીતે પૌર્વાત્ય વિચારની નજીક હતા. ઘણીબધી જે અહીં વાતો કરી છે તે ફ્રોઇડના સભાન મન કરતાં અભાન મનમાં વધુ પડી હતી. ફ્રોઇડ પશ્ચિમી સંસ્કૃતિનું અને ખાસ કરીને ૧૮મી-૧૯મી સદીના વિચારનું ફરજંદ હતા, અને એ ઝેન-બૌદ્ધદર્શનમાં અભિવ્યક્ત થયેલા પૌર્વાત્ય વિચારથી પરિચિત હોય તો પણ એની નજીક ન હોઈ શકે. મેં માત્ર એટલો જ કહેવાનો પ્રયત્ન કર્યો છે કે ફ્રોઇડની પદ્ધતિમાં એવાં તત્ત્વો હતાં જે બીમારી અને ઉપચારની રૂઢિગત સંકલ્પનાઓની ઉપરવટનાં હતાં; અને આ તત્ત્વો મનોવિશ્લેષણના વિકાસને આગળ દોરી ગયાં જેણે ઝેન-બૌદ્ધવિચાર સાથે સીધો હકારાત્મક સંબંધ બાંધી દીધો. મનોવિશ્લેષણાત્મક અભિગમનું એક મોટું વિશિષ્ટ તત્ત્વ અચેતનને સંપ્રજ્ઞ બનાવવાનું છે. ફ્રોઇડના મતે અચેતન તત્ત્વતઃ અબુદ્ધિવાદની બેઠક છે. યુંગની વિચારણામાં આથી લગભગ ઊલટો જ અર્થ થાય છે; અચેતન તત્ત્વતઃ ડહાપણના ગુહ્યતમ સ્રોતોની બેઠક છે, જ્યારે ચેતના વ્યક્તિત્વનો બુદ્ધિનિર્ભર (ઇન્ટલેક્ચ્યુઅલ) ભાગ છે. હવે પ્રશ્ન એ છે કે અનુભૂતિને ચેતના સુધી પહોંચવામાં કયા અવરોધો આવે છે? આ પ્રશ્ન હાથમાં લઈએ એ પહેલાં એક બીજી વાત સમજી લેવી આવશ્યક છે. એવી કંઈક સાધારણ માન્યતા છે કે અચેતન કરતાં ચેતનાનું મૂલ્ય ખૂબ ઊંચું છે. અને એમ જો ન હોય તો આપણે શા માટે ચેતનાનું ક્ષેત્ર વિસ્તારવાનો પ્રયત્ન કરીએ છીએ? અને છતાં એ નિશ્ચિત છે કે માત્ર ચેતનાની કોઈ ખાસ કિંમત નથી. હકીકતમાં લોકોનું સંપ્રજ્ઞ મન જૂઠાણાંઓથી અને ભ્રમણાઓથી ભરેલું છે. એવું નથી કે લોકો સત્યને જોવા માટે શક્તિશાળી નથી એટલા માટે આ પરિસ્થિતિ ઊભી થઈ છે; સમાજના કાર્યે આ સ્થિતિ ઊભી કરી છે. માનવ-ઇતિહાસની એ લાક્ષણિકતા રહી છે કે નાની લઘુમતી બહુમતી ઉપર રાજ્ય કરતી આવી છે, શોષણ કરતી આવી છે. આમ કરવા માટે લઘુમતી સાધારણ રીતે બળ વાપરતી હોય છે, પણ બળ પૂરતું નથી થતું. લાંબે ગાળે બહુમતી પોતાનું શોષણ મરજિયાતપણે સ્વીકારે એ જરૂરી હોય છે; અને એ ત્યારે શક્ય બને છે જ્યારે બહુમતીનાં મન લઘુમતીની સત્તાના સ્વીકારના ખુલાસારૂપે અને બચાવરૂપે તરેહતરેહના જૂઠાણાંઓ અને બનાવટોથી ભરી દેવામાં આવે. એક બીજી વાત પણ છે. દરેક સમાજનું એના ઐતિહાસિક વિકાસમાં એક વિશિષ્ટ સ્વરૂપ ઊભું થાય છે. અને એ સ્વરૂપને ટકાવી રાખવાની આવશ્યકતામાં એ સમાજ ફસાયેલો હોય છે. આથી વિશાળ માનવીય ધ્યેયો જે સાર્વત્રિક છે એને એ અવગણે છે. સમાજની અને સાર્વત્રિક ધ્યેયની આ વિસંગતિ પણ ભ્રમણાઓ અને જૂઠાણાઓની ઇમારત માણસના મનમાં રચી દે છે. અને આનું સતત કામ સમાજ અને માનવતાના ધ્યેયો વચ્ચે ઊભા થયેલા દ્વન્દ્રને નકારવાનું અને rationalise કરવાનું હોય છે. એટલે આપણાથી કહી શકાય કે ચેતનાની સામગ્રી મોટે ભાગે કાલ્પનિક અને ભ્રામક છે, અને ચોક્કસ રીતે વાસ્તવનું પ્રતિનિધિત્વ કરતી નથી; આથી માત્ર ચેતનામાં કંઈ ઇચ્છનીય નથી. ફક્ત જો છુપાયેલું વાસ્તવ (અચેતન) પ્રગટીકરણ પામે તો કશુંક મૂલ્યવાન સિદ્ધ થાય. પણ સમાજનું કામ માત્ર આપણી ચેતનામાં ભ્રામક વાતો ઊભી કરવાનું નથી; વાસ્તવ માટેની આપણી સજાગતા (અવેરનેસ) અટકાવવાનું પણ કામ એ કરે છે. દરેક સમાજ પોતાની જીવવાની રીતમાંથી એક પદ્ધતિ વિકસાવે છે જે સજાગતાનું સ્વરૂપ નક્કી કરે છે. આ પદ્ધતિ સંસ્કારબદ્ધ (કંડિશન્ડ) સામાજિક ગળણા તરીકે કામ કરે છે; અનુભૂતિ જો આ ગળણામાંથી ચળાઈને આવે નહીં તો ચેતનામાં એને પ્રવેશ નથી મળતો. હવે આ સામાજિક ગળણું કેમ કામ કરે છે, અને કેવી રીતે કેટલીક અનુભૂતિઓને ચળાઈને આવવા દે છે, અને કેટલીકને ચેતનામાં દાખલ થવા દેતું નથી એ હવે થોડુંક તપાસીએ. શારીરિક દર્દની અનુભૂતિ ચેતનાસ્તરે હોય છે; એવી જ રીતે ભૂખ, જાતીય ઇચ્છા વગેરે પણ ચેતનામાં અનુભવાય છે. જે સંવેદનાઓ વ્યક્તિ કે જૂથના survival માટે જરૂરી છે એનો પ્રવેશ ચેતનામાં સહેલો છે; પણ જ્યારે અનુભૂતિ વધુ સૂક્ષ્મ કે સંકુલ હોય છે – જેમ કે સવારમાં ગુલાબની કળી જોવી, એના ઉપર ઝાકળનું બિંદુ હોય, હવા થીજેલી હોય કે સૂર્યોદય જોવો કે પક્ષીને ગાતાં સાંભળવું – આ અનુભૂતિની કેટલીક સંસ્કૃતિઓમાં તીવ્ર સજાગતા હોય છે (દા.ત., જાપાનમાં). જ્યારે આધુનિક પશ્ચિમની સંસ્કૃતિમાં એ જલદી સજાગ બનતી નથી કારણ કે એમને માટે એ પૂરતી મહત્ત્વની ઘટના નથી. એવા ઘણા ભાવ-અનુભવો છે જેમને માટે કોઈક ભાષામાં શબ્દો ન હોય જ્યારે બીજી ભાષામાં એવી લાગણીઓ વ્યક્ત કરવા માટે ખાસ્સી શબ્દસમૃદ્ધિ હોય. જેમકે અંગ્રેજીમાં ગમવાથી માડી શૃંગારિક આવેશ, બંધુત્વ કે માતૃત્વના પ્રેમ માટે એક જ શબ્દ છે – Love. સામાન્ય રીતે એમ કહી શકાય કે જે ભાષામાં એનો શબ્દ નથી એ અનુભૂતિ ભાગ્યે જ સજાગતાને સ્તરે હોય છે. સામાજિક ગળણાનું બીજું પાસું તર્કશાસ્ત્રને લગતું છે. એરિસ્ટોટલનું તર્કશાસ્ત્ર તાદાત્મ્યના નિયમ ઉપર રચાયું છે : A is A; A cannot be A and Non-A. એરિસ્ટોટલના તર્કશાસ્ત્રની વિરુદ્ધના તર્કશાસ્ત્રને આપણે વિરોધાભાસી (પેરેડોક્સિકલ) તર્કશાસ્ત્ર કહીશું જેનું ગૃહીત છે કે A અને Non-A એકબીજાને બાકાત નથી રાખતા. વિરોધાભાસી તર્કશાસ્ત્ર ચીની અને ભારતીય વિચારણામાં પ્રમુખસ્થાને હતું; હેરાક્લિટસ અને હિગલ અને માર્ક્સના દ્વન્દ્વત્મક ભૌતિકવાદ ઉપર એનો પ્રભાવ જોઈ શકાય. ચુઆંગ-ઝુ કહે છે : ‘That which is one is one; that which is not-one is also one.’ કોઈ વ્યક્તિ એવી સંસ્કૃતિમાં ઉછરેલી હોય કે જ્યાં એરિસ્ટોટલના તર્કશાસ્ત્રનો પૂરેપૂરો પ્રભાવ હોય એને એની વિરુદ્ધની અનુભૂતિઓ પહોંચતી નથી. એનું સારું દૃષ્ટાંત ફ્રોઇડના દ્વિર્ભાવ (એમ્બિવલન્સ)ની વિભાવનાનું છે. આ વિભાવના કહે છે કે એક જ વ્યક્તિ માટે તમને પ્રેમ અને ધિક્કાર બન્ને લાગણી એક જ સમયે હોઈ શકે. વિરોધાભાસી તર્કશાસ્ત્ર માટે આ તદ્દન તર્કની દૃષ્ટિએ બંધબેસતું છે; પણ એરિસ્ટોટલનાં તર્કશાસ્ત્રમાં આનો કોઈ અર્થ થતો નથી. પરિણામે મોટા ભાગના લોકો આ ambivialent લાગણીથી સજાગ નથી હોતા. એ લોકો પ્રેમથી સજાગ હોય છે તો ધિક્કારથી નથી હોતા. સામાજિક ગળણાનું ત્રીજું પાસું ભાષા અને તર્ક ઉપરાંત અનુભૂતિને લગતું છે. દરેક સમાજ ચોક્કસ વિચારો અને લાગણીઓને અનુભવવામાંથી અને અભિવ્યક્ત કરવામાંથી બાકાત રાખે છે. દૃષ્ટાંતરૂપે લઈએ તો એક માત્ર યોદ્ધાઓની જાતિ હોય, લૂંટ અને હત્યા જ એનો વ્યવસાય હોય, એમાં એક સભ્ય એવો પાકે જેને હત્યાની અને લૂંટની ઘૃણા હોય. મોટે ભાગે એવું જ બનવાનું કે આ ઘૃણાની લાગણી એના ચેતનાને સ્તરે ક્યારેય ન આવે. એનું કારણ એ છે કે આ ઘૃણાની લાગણી જાતિનાં ધોરણો સાથે સુસંગત નથી. એ જો એને વ્યક્ત કરે તો એ એકલો પડી જાય, એનો સામાજિક બહિષ્કાર થાય. એવું બને કે ઊલટીના રૂપે એનામાં Psycho-somatic ચિહ્ન તરીકે દેખા દે. બીજો પ્રશ્ન એ થાય છે કે કોઈ પણ વ્યક્તિને સામાજિક બહિષ્કારનો આટલો ડર કેમ લાગે છે? સંક્ષેપમાં કહીએ તો એને પાગલ ન બનવું હોય તો કોઈક રીતે પોતાની જાતને બીજા સાથે જોડવી પડે. પૂર્ણપણે અસંગ રહેવું એને માટે અશક્યવત્ છે. એને પ્રાણી તરીકે મરવાનો ડર લાગે છે, અને માણસ તરીકે તદ્દન એકલા રહેવાનો ડર હોય છે. ફ્રોઇડ માને છે એમ castrationનો ડર નહીં, પણ આ ડર સજાગતાને અવરોધે છે. અને એટલે કેટલું અચેતન અને કેટલી ચેતના એનો આધાર કૌટુંબિક સંસ્કારબદ્ધતા અને માનવીય અંતરાત્મા(conscience)ની અસર ઉપરાંત મુખ્યત્વે સમાજની સંરચના અને એ જે લાગણીઓ અને વિચારોની ભાતો ઉપજાવે છે એ છે. એમ કહી શકાય કે Man, in any culture, has all the potentialities; he is the archaic man, the beast of prey, the cannibal, the idolater and he is the being with the capacity for reason, for love, for justice. The content of the unconscious, then, is neither the good nor the evil, the rational nor the irrational; it is both. It is all that is human. The unconscious is the whole man rooted in cosmos-minus that part of man which corresponds to his society. Consciousness represents social man. દમન વ્યક્તિની વાસ્તવની સમજમાં કેવી ડખલ કરે છે, અને આ દમન ખસી જતાં વાસ્તવની સમજ કેવી તો પાંગરે છે એનો સ્પષ્ટ ખ્યાલ ફ્રોઇડને હતો. આ દમનથી થતી વિકૃતિની વાત થઈ; એક બીજા પાસાનો નિર્દેશ કરીએ તો વિકૃતિ નહીં પણ અનુભૂતિને cerebrationથી અવાસ્તવિક (અન્રિયલ) બનાવી દેવી. હું એમ માનું છું કે હું જોઉં છું, પણ હું માત્ર શબ્દો જોઉં છું; હું માનું છું કે હું લાગણી અનુભવું છું, પણ હું માત્ર લાગણીઓ વિચારું છું. Cerebrationની આ પ્રક્રિયાને ભાષાની સંદિગ્ધતા સાથે સંબંધ છે. જેવું કંઈ મેં ભાષામાં વ્યક્ત કર્યું કે પરાયાપણું ઊભું થઈ જાય છે, અને સંપૂર્ણ અનુભૂતિની જગ્યાએ શબ્દ આવી જાય છે. આધુનિક સંસ્કૃતિમાં cerebrationની આ સામાન્ય પ્રક્રિયાનો ઇતિહાસમાં પહેલા ક્યારેય નહોતો એવો ઉગ્ર ફેલાવો થયો છે. વધારે ને વધારે ભાર બુદ્ધિનિર્ભર જ્ઞાન ઉપર હોવાને લીધે અને વૈજ્ઞાનિક અને યાંત્રિક સિદ્ધિઓ ઉપર એનું મંડાણ હોવાને કારણે તેમ જ એનો સંબંધ અક્ષરજ્ઞાન અને કેળવણી સાથે હોવાને લીધે શબ્દો વધુ ને વધુ અનુભૂતિની જગ્યા લેતા થઈ ગયા છે. વ્યક્તિ માને છે કે એ જુએ છે; એ માને છે કે એ અનુભવે છે. પણ સ્મૃતિ અને વિચાર સિવાય એની કોઈ અનુભૂતિ નથી. આખો માણસ – એની આંખો, એના હાથ, એનું હૃદય, એનું ઉદર – સમગ્ર વાસ્તવને ગ્રહણ કરતું નથી. સાચું પૂછો તો જેને એ પોતાની અનુભૂતિ માને છે એમાં એ સામેલ થતા નથી. અચેતનથી સંપ્રજ્ઞ થતા જવું અને એ રીતે પોતાની ચેતના વિસ્તારવી, જેનો અર્થ વાસ્તવના સંસર્ગમાં આવવું – એટલે કે સત્યના સંસર્ગમાં (બુદ્ધિના સ્તરે અને ભાવના સ્તરે) આવવું એમ થાય છે. આ અનુભૂતિ ઝેનબુદ્ધિવાદી કહી રહ્યા છે એ ‘બોધિ’ સરખી જ છે શું? આ પ્રશ્ન હાથમાં લઈએ એ પહેલાં મનોવિશ્લેષણ માટેનો એક અગત્યનો મુદ્દો જોઈએ. ફ્રોઇડ એમના શરૂઆતનાં સંશોધનનાં વર્ષોમાં એમ માનતા હતા કે જ્ઞાન બુદ્ધિનિર્ભર અને સૈદ્ધાન્તિક હોય છે. એમનો ખ્યાલ એવો હતો કે મનોવિશ્લેષક દર્દીને એના અચેતનમાંથી એને જે પ્રાપ્ત થયું છે એ દર્દીને જણાવી દે એટલે એ સાજો થઈ જશે. બુદ્ધિનિર્ભર જ્ઞાન એટલે કે અર્થઘટન પરિવર્તન લાવે એમ મનાતું. પણ ખરેખર તો દર્દી આ રીતે પોતાના અચેતનના સંસર્ગમાં જ નથી આવતો; માત્ર એ રીતે વિચારી શકે છે; એ પોતાનામાં રહેલા વિસ્તૃત – ઊંડા વાસ્તવને પામી શકતો નથી. પોતાના અચેતનને શોધવું એ બુદ્ધિનિર્ભર ક્રિયા નથી, પણ ભાવપૂર્ણ અનુભૂતિ છે જેને લગભગ શબ્દાતીત કહી શકાય. એનો અર્થ એવો નથી કે શોધ પહેલાં વિચાર કે ચિંતન ન હોવું જોઈએ. પણ શોધની ક્રિયાની ક્ષણ અખિલ અનુભૂતિની છે, એ સંપૂર્ણ એ અર્થમાં છે કે વ્યક્તિ એને અખિલાઈમાં અનુભવે છે; એ અનુભૂતિની લાક્ષણિકતા છે સહજસ્ફૂર્તતા અને અચાનકપણાની. એકાએક પોતાની આંખો ખૂલી જાય છે, પોતે અને દુનિયા જુદા પ્રકાશમાં દેખાય છે, જુદા દૃષ્ટિબિંદુથી જોવાય છે. આ જાતનું અનુભવમૂલક જ્ઞાન પશ્ચિમી બુદ્ધિવાદી વિભાવનાને અતિક્રમી જાય છે. એમાં અપવાદો હોય તો સ્પિનોઝાની આંતરપ્રેરણા (intuition), ફિશ્તેની બુદ્ધિવાદી આંતરપ્રેરણા અને બર્ગસનની ચેતનાની માંડણી. ઝેનનું સારતત્ત્વ ‘બોધિ’ છે જેને સાટોરી – Satori કહે છે. જો આ બોધિને મનોવૈજ્ઞાનિક સંજ્ઞામાં વર્ણવી હોય તો It is a state in which the person is completely turned to the reality outside and inside of him, a state in which he is fully aware of it – that is, not in his brain, nor any other part of his organisation, but he, the whole man... He is aware of it not as of an object over there which he grasps with his thought, but the flower, the dog, the man in its or his full reality... To be enlightened means the full awakening of the total personality to reality. આપણે મનોવિશ્લેષણ અને ઝેનના મધ્યવર્તી સંબંધની વાત હાથ ધરીએ એ પહેલાં બન્ને વચ્ચેનાં થોડાં પરીઘવર્તી તત્ત્વોમાં રહેલાં સામ્ય વિશે વિચારીએ. મનોવિશ્લેષણ અને ઝેનના નૈતિક અભિગમમાં સરખાપણું દેખાય. ઝેનની જાગૃતિ માટેની અનિવાર્ય શરત લોભમાંથી મુક્ત થવું તે છે; પછી એ લોભ વસ્તુઓ માટે હોય, કીર્તિ માટે હોય કે કોઈ પણ ચીજ માટે હોય. મનોવિજ્ઞાનમાં પણ લોભને રુગ્ણ ઘટના ગણી છે. ફ્રોઇડે પણ ગર્ભિત સૂચન કર્યું જ છે કે જ્યારે લોભ, ક્રૂરતા, કૃપણતામાંથી મુક્ત થવાય ત્યારે જ સ્વતંત્ર, ક્રિયાશીલ વલણ ઊભું થાય છે. છતાં મનોવિશ્લેષણ અને ઝેન બન્ને નૈતિક પદ્ધતિ નથી. બન્ને નૈતિક પદ્ધતિને અતિક્રમી જાય છે. બીજું સામ્ય તે બન્ને પદ્ધતિમાં કોઈ પણ જાતની ઑથોરિટીથી સ્વતંત્ર રહેવું તે છે. ફ્રોઇડે ધર્મની ટીકા કરી છે તે પરમેશ્વરરૂપી ઑથોરિટીના ધર્મે કરેલા સ્વીકારને કારણે જ છે. ફ્રોઇડે ઝેન જેવા ધર્મ માટે શું કહ્યું હોત જ્યાં ભગવાન નથી; કોઈ પણ જાતની અબુદ્ધિવાદી ઑથોરિટી નથી; જેનો મુખ્ય હેતુ બધા આધારોથી મુક્ત થવાનો છે? છતાં બન્ને પદ્ધતિઓમાં માર્ગદર્શકની જરૂરત સ્વીકારાઈ છે. ઝેનગુરુ અને મનોવિશ્લેષક જાણકાર છે; શિષ્યને એમની વિવેકબુદ્ધિમાં વિશ્વાસ છે. છતાં જાણકારી એમના ઉપર લાદવામાં આવતી નથી. ઝેનગુરુ શિષ્યને બોલાવતા નથી હોતા અને એ જાય તો એને રોકતા નથી. બન્નેની શીખવવાની પદ્ધતિમાં પણ સાદૃશ્ય જોઈ શકાય. ઝેનગુરુ શિષ્યને એક કોયડો (Koan) આપે. એ બુદ્ધિને ગાંઠતો ન હોય. એટલે શિષ્ય એવો સકંજામાં આવી જાય કે તેને એકદમ ઝબકારો થઈ જાય અને પ્રકાશ લાધે. મનોવિશ્લેષક દર્દીના rationalisationની એક પછી એક કાખઘોડી લઈ લે અને પછી ક્યાંય નાસવાનો માર્ગ હોય જ નહીં ત્યારે એ વિચાર-ક્રિયાની પાર અંગદકૂદકો લગાવે – વાસ્તવની અનુભૂતિ પરિણમે. આપણે હવે બન્નેના મધ્યવર્તી સામ્ય ઉપર આવીએ. આપણે જોઈ ગયા કે ‘બોધિ’ ઝેનનું અંતિમ છે. મનોવિશ્લેષણની નેમ અચેતનને સંપ્રજ્ઞ બનાવવાની, ફ્રોઇડે કહ્યું એમ Idની જગ્યાએ Egoને લાવવાની હતી; અચેતનની સામગ્રી ખોળી કાઢવાની હતી. પણ તે વ્યક્તિત્વના ખૂબ નાના ભાગ પૂરતી મર્યાદિત હતી. ફ્રોઇડ પછી સૌથી વધુ મૂલગામી ફેરફાર યુંગે અને એડલરે અને રેંકે પણ કર્યો. બિનફ્રોઇડવાદી વિચારધારાઓએ અચેતનનો વિસ્તાર ખૂબ વધાર્યો છતાં આ ફેરફાર (યુંગના અપવાદ સિવાય) પણ દર્દીને સારા કરવા પૂરતો જ, આ કે તે ચિન્હ કે મનોરુગ્ણતાનાં આ કે તે લક્ષણો દૂર કરવા પૂરતો જ સીમિત રહ્યો છે. જો અચેતનની પૂર્ણ-પ્રાપ્તિ એ ધ્યેય હોય તો કાર્ય સહજ વૃત્તિઓ (instincts) પૂરતું કે મર્યાદિત અનુભૂતિઓ પૂરતું સીમિત ન રહેતાં એ સંપૂર્ણ માણસની સંપૂર્ણ અનુભૂતિ સુધી વિસ્તરવું જોઈએ. પણ પશ્ચિમમાં મોટા ભાગના લોકોની આ સંપૂર્ણ ધ્યેય સિદ્ધ કરવા માટે પૂરતો યત્ન કરવાની તૈયારી નથી. યત્નની વાત જવા દઈએ તો પણ આ ધ્યેયનું દર્શન પણ માત્ર અમુક પરિસ્થિતિમાં જ શક્ય છે. સૌથી પ્રથમ તો આ મૂળગામી ધ્યેયને કોઈ ચોક્કસ તત્ત્વજ્ઞાનીય દૃષ્ટિ સાંપડી હોય ત્યારે જ એવો ખ્યાલ પણ કરી શકાય. બીમારીની અનુપસ્થિતિ જેવી નકારાત્મક નેમ નહીં, પણ હિત-કલ્યાણની હકારાત્મક નેમ હોવી જોઈએ. આ હિત-કલ્યાણનો અર્થ છે પૂર્ણ ઐક્ય અને વિશ્વનું તત્કાળ અને વિશુદ્ધ ગ્રહણ. આપણે અત્યાર સુધી ધ્યેયોની વાતો કરી. આપણે જોયું કે જો ફ્રોઇડના અચેતનના ચેતનામાં રૂપાંતરના સિદ્ધાંતને એના અંતિમ પરિણામ સુધી લઈ જઈએ તો બોધિની સંકલ્પના સુધી પહોંચીએ છીએ. છતાં ઝેન અને મનોવિશ્લેષણની ધ્યેય પ્રાપ્ત કરવાની પદ્ધતિ તદ્દન જુદી જ છે. ઝેનની પદ્ધતિ ખંડિત બનેલા પ્રત્યક્ષીકરણ (Perception) ઉપર ધ્યાન, કોઆન અને ગુરુની ઑથોરિટી દ્વારા સીધો હુમલો કરવાની છે. અલબત્ત, આ ટેક્નિકને બૌદ્ધવિચાર, ગુરુમાં મૂર્ત થયેલાં નૈતિક મૂલ્યો અને મઠના વાતાવરણથી અલગ ન પાડી શકાય. એ પણ યાદ રાખવું જરૂરી છે કે શિષ્ય જ્યારે ગુરુ પાસે જવાનું નક્કી કરે છે ત્યારે એના માટે એ ખૂબ મહત્ત્વનો નિર્ણય છે. મનોવિશ્લેષણની જેમ પાંચ કલાકની વાત નથી. મનોવિશ્લેષણાત્મક પદ્ધતિ ઝેનથી તદ્દન જુદી છે. એ અચેતન ઉપર પકડ લાવવા માટે ચેતનાને જુદી રીતે તાલીમ આપે છે. જે પ્રત્યક્ષીકરણ ટેઢું થઈ ગયું છે એ તરફ એ ધ્યાન દોરે છે; એનામાં પડેલાં જૂઠાણાંઓને એ ઓળખાવે છે; દમનને દૂર કરી માનવીય અનુભૂતિની સીમા વિસ્તારે છે. મનોવિશ્લેષણાત્મક પદ્ધતિ અલબત્ત માત્ર પદ્ધતિ છે; ઝેનનું પણ એવું જ છે. આ પદ્ધતિઓ જ છે માટે ધ્યેયપ્રાપ્તિની બાંયધરી આપતી નથી. આપણે જોઈ ગયા કે મનોવિશ્લેષણને તત્ત્વજ્ઞાનીય સંદર્ભ સાંપડવો જરૂરી છે. આ તત્ત્વજ્ઞાનીય સંદર્ભ ઝેનનો હોઈ શકે. પણ હજી આ ક્ષેત્રમાં ઘણું અનુભવનું ખેડાણ થવું બાકી છે. આપણે તો માત્ર શક્યતા બતાવી શકીએ, એટલે કે એને કાર્યસાધક ધારણા (hypothesis) કહી શકાય જેની કસોટી કરવાની રહે. પણ એટલું તો ચોક્કસ કે મનોવિશ્લેષણાત્મક ટેક્નિક અને સિદ્ધાંત ઉપર ઝેનના જ્ઞાનની અસર ખૂબ ફળદાયી ઠરશે. મનોવિશ્લેષણ પણ ઝેન વિદ્યાર્થીને અર્થપૂર્ણ બની રહે; વિશ્લેષણાત્મક સમીક્ષા ઝેન-વિદ્યાર્થીની ભ્રમણાઓ ટાળી શકે; ભ્રમનિરસન તો જાગૃતિની અનિવાર્ય શરત છે... પૂર્વની આ અમૂલ્ય ભેટ માટે હું કૃતજ્ઞ છું. આપણા બધામાં ‘બુદ્ધ-પ્રકૃતિ’ છે માટે આ સમજણ શક્ય છે. માણસ અને અસ્તિત્વ એ સાર્વત્રિક કોટિઓ છે; અને તત્કાળ વાસ્તવનું ગ્રહણ અને જાગૃતિ સાર્વત્રિક અનુભવો છે. ઍરિક ફ્રૉમે આપણી ચેતના વિશેની માન્યતાઓનું જોરશોરપૂર્વક નિરસન કર્યું છે. સાધારણ રીતે આપણે ચેતનાને બુદ્ધિવાદી, ચિંતન કરવાની ક્ષમતાવાળી માનતા આવ્યા છીએ; આ ક્ષમતાને માન આપતા આવ્યા છીએ. અચેતનને અબુદ્ધિવાદી માની છે. પણ ઍરિક ફૉમે સુપેરે બતાવ્યું છે કે ચેતના જે તે સમાજથી સંસ્કારબદ્ધ છે. કૃષ્ણમૂર્તિએ ચેતના-અચેતન અને સ્વપ્નો ઉપર એમની વિશિષ્ટ રીતે પ્રસ્તુત વાતો કરી છે. ચેતના અને અચેતન એવી સંજ્ઞાઓમાં વાત કરવા કરતાં કૃષ્ણમૂર્તિ ખુલ્લી અને છુપાયેલી ચેતના એમ કહેવું પસંદ કરે છે. એ વિશ્લેષણને સમૂળું નકારે છે. એમના મતે વિશ્લેષણમાં વિશ્લેષક અને વિશ્લેષ્ય એમ બે ભાગ પડે છે – દ્વન્દ્વ છે. વિશ્લેષક શું છે? એ નાની નાની વસ્તુઓનું એણે જે વિશ્લેષણ કર્યું છે તે એકઠું થયેલું જ્ઞાન છે – ભૂતકાળ છે. એ જ્ઞાન વડે – જે ભૂતકાળ છે – વર્તમાનનું વિશ્લેષણ કરે છે. આ પ્રક્રિયામાં એ લોકો સ્વપ્નનું પણ વિશ્લેષણ કરતા હોય છે. પણ આ સ્વપ્નો શું છે? આપણું રોજિંદું જીવન સ્વપ્નોમાં ચાલુ રહે છે. તમે આખા દિવસમાં જે કરો છો – તોફાનો, ભ્રષ્ટતા, ગુનાહિત ભાવ, ધિક્કાર, મનોરંજનો, મહેચ્છા – એ બધું સ્વપ્નાની દુનિયામાં ચાલુ રહે છે; માત્ર ત્યાં એ પ્રતીકો, કલ્પનો, ચિત્રોરૂપે દેખા દે છે. આ બધાંનું અર્થઘટન કરવાની આટલી ધાંધલ! કૃષ્ણમૂર્તિને આ તદ્દન અવાસ્તવિક લાગે છે. કૃષ્ણમૂર્તિ કહે છે કે આખી ચેતનાનું નિરીક્ષણ કરવાનો આપણે માર્ગ શોધી કાઢવો જોઈએ. ચેતનાની સામગ્રીને ખુલ્લી કેમ પાડવી? અત્યાર સુધી આપણે બધી વસ્તુઓ – વૃક્ષ, વાદળ, પત્ની, પતિ, ક્રોધ, લોભ વગેરેને નિરીક્ષક અને નિરીક્ષ્ય તરીકે જોઈ છે. તમે તમારી પત્ની તરફ તમારા મનમાં એની જે પ્રતિમા (ઇમેજ) બંધાઈ એ દ્વારા જુઓ છો : આ પ્રતિમા નિરીક્ષક છે – એ ભૂતકાળ છે. આ પ્રતિમા બંધાઈ છે સમયમાં. અને નિરીક્ષક સમય છે, ભૂતકાળ છે. તમે વૃક્ષને નિરીક્ષક વગર એટલે કે ભૂતકાળ વગર જોઈ શકો? જ્યારે નિરીક્ષક હોય છે ત્યારે નિરીક્ષક અને નિરીક્ષ્ય વચ્ચે અવકાશ હોય છે. આ અવકાશ સમય છે, કારણ કે અંતર છે. તમે વૃક્ષ પ્રત્યે, તમારી પત્ની પ્રત્યે બંધાયેલી પ્રતિમા વગર જોઈ શકો? આને માટે જબરદસ્ત શિસ્તની જરૂર છે. શિસ્તનો સાધારણ અર્થ તો સમરૂપતા (confirmity) થાય અને ઇચ્છાશક્તિ વાપરવી પડે. પણ શિસ્તનો અર્થ સમરૂપ થવાનું, દબાવી દેવાનું એવો નહીં, પણ શીખવું એ છે. મનના આ ગુણની – શીખવું તે – પોતાની એક વ્યવસ્થા હોય છે જે શિસ્ત છે. આપણે નિરીક્ષક વગર, ભૂતકાળ વગર, નિરીક્ષણ કરવાનું છે. જે છે એવું જુઓ છો ત્યારે નિરીક્ષક અને નિરીક્ષ્ય રહેતા નથી – બિલકુલ દ્વન્દ્વ રહેતું નથી; બન્ને એક થઈ જાય છે, જ્યારે તમે જે છે એને જે છે તેમ જુઓ છો ત્યારે તમે એની પાર નીકળી જાઓ છો. ઈર્ષાનો પ્રશ્ન લઈએ. નિરીક્ષક નથી. તમે ઈર્ષા(નિરીક્ષ) છો. સંઘર્ષ અટકી જાય છે. સંઘર્ષ ઈર્ષા છે – સંઘર્ષ અટકી જાય છે. તમે એની પાર ચાલ્યા જાઓ છો. કૃષ્ણમૂર્તિ વાત કરે છે એવી શિસ્ત આપણામાં ઊભી થાય તો કદાચ આપણે જરૂર મનોવિશ્લેષણ કે માર્ગદર્શક વગર ચલાવી શકીએ. પણ મને એમ લાગ્યા કરે છે કે આપણે પ્રમાણમાં સ્વસ્થ હોઈએ ત્યારે કૃષ્ણમૂર્તિ પ્રસ્તુત છે. પણ પૂરતી સ્વસ્થતાનો અભાવ હોય, વ્યક્તિ મનોરુગ્ણતાથી પીડિત હોય ત્યારે કૃષ્ણમૂર્તિ કહે છે એ અર્થમાં ક્રિયાશીલ થવું શક્ય છે ખરું? ત્યારે આવી પરિસ્થિતિમાં મનાવિશ્લેષક કે માર્ગદર્શક કે આપણી આધ્યાત્મિક પરંપરામાં ગુરુ કહે છે એ સહાયક ન બની શકે? અલબત્ત, કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના પુરુષાર્થને તો નકારી જ ન શકાય. દરેક પરિસ્થિતિમાં ગતિશીલ અભિગમ અપનાવવો એ ઉપાય છે. કેટલાક એવું કહેતા હોય છે કે આવી બધી પળોજણ શા માટે? જન્મ, મૃત્યુ, આપણું અસ્તિત્વ એ બધાં વિશે વિચારવાથી શો લાભ? એ વગર પણ સરસ જીવી જવાય છે. બર્ટ્રાન્ડ રસેલે એમના પુસ્તક ‘Conquest of Happiness’માં એક જગ્યાએ લખ્યું છે કે તમે જોડાની દોરી બાંધતા હો અને તમે હાંકળાફાંફળા થઈ જાઓ, કે તમે ટ્રેન ગુમાવી દેશો ત્યારે તમારે વિચારવું કે હું ટ્રેન પકડું કે ન પકડું – એથી બ્રહ્માંડના ઇતિહાસમાં કંઈ ફરક પડવાનો નથી. એટલે તમને વિશાળ પ્રશ્નોમાં રસ હોય કે ન હોય, પણ મનના સ્વાસ્થ્ય માટે કોઈ ને કોઈ philosophical attitude વગર ચાલવાનું નથી. અને મૃત્યુ – પોતાનું કે સ્વજનનું – કોને માટે આહ્વાનરૂપ નથી?

[મે, ૧૯૮૫