અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/ભારતીય નવલકથામાં રાષ્ટ્રીય ચેતના
રાષ્ટ્રીય અસ્મિતા એ રાષ્ટ્રવાદની નીપજ છે. રાષ્ટ્ર-રાજ્ય એ આધુનિક સંકલ્પના છે. સામ્રાજ્યવાદના વિસ્તારના ભાગરૂપે બ્રિટિશરો અહીં આવ્યાં. સામંતી રજવાડાંઓને મિટાવી એમણે ભારતને એક રાષ્ટ્રીય સ્વરૂપ આપ્યું. બ્રિટિશ શાસનના ક્રૂર અત્યાચારો સામે અભણ-ભણેલાં, સર્વધર્મનાં સ્ત્રીપુરુષો સહુ વારંવાર લડ્યાં. આ સ્વાતંત્ર્યસંગ્રામનું સ્વરૂપ રાષ્ટ્રવાદી છે. એની નીપજ છે રાષ્ટ્રીય અસ્મિતા. ભારતીય રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રીય અસ્મિતાની મૌલિકતા એ છે કે એ કેવળ યુરોપની નકલ નથી. ભારતીય રાષ્ટ્રીય અસ્મિતાનું સ્વરૂપ સામ્રાજ્યવાદ વિરોધી, અન્યાય વિરોધી હતું. જ્યારે યુરોપીય રાષ્ટ્રવાદમાં કોઈ એક પ્રજા કે ધર્મને the other બનાવીને એ વિકસ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય અસ્મિતાએ એવી હતી કે દુનિયાભરને એ અપનાવવી ગમે. કલાકાર એ પ્રજાનું મુખ કહેવાયો છે. તેથી એ આંદોલનથી દૂર રહી શકે નહીં. હા, એ પત્રકાર નથી એટલે એ સીધેસીધું પ્રતિબિંબ ન પણ ઝીલે એની સંકુલતામાં પણ જાય. આ દેશમાં જ્યારે ધર્મ જ સર્વાંગી હતો ત્યારે ભક્તિઆંદોલન થયું. એમાં આપણાં ભારતીય સર્જકો પ્રદેશ પ્રદેશથી જોડાયાં છે. ધર્મનું સડેલું સ્વરૂપ અને ધર્મનું સાચું સર્વરૂપ પોતાની રચનાઓમાં પ્રગટ કરતાં જ રહ્યાં હતાં. નરસિંહ, અખો, મીરાં, કબીર, તુલસીદાસ, નાનક, ચૈતન્ય મહાપ્રભુ એનાં ઉદાહરણો છે. આ જ દેશમાં પુનઃભક્તિના સ્થાને દેશભક્તિ આવી. ભક્તિની આગળ વિશેષ ઉમેરાયું. સમાજમાં સ્વાતંત્ર્યસંગ્રામના ઉછાળા ચાલતા હતા ત્યારે દેશભક્તિનું વિકૃત અને સાચું બેઉ સ્વરૂપ હતાં. જેમ મધ્યકાળના સર્જકે ભક્તિ સાથે કરેલો એવો જ મુકાબલો અર્વાચીન સર્જકોએ દેશભક્તિનો કર્યો છે. રાષ્ટ્રીય ચેતનાને આલેખતું વિપુલ ભારતીય સાહિત્ય લખાયું છે. ઉદાહરણરૂપે સાહિર લુધિયાનવી, ફૈઝ અહેમદ ફૈઝ, મજાજ લખનવી, ઝવેરચંદ મેઘાણી, નજરુલ ઇસ્લામ, સરોજિની નાયડુ, દિનકર, મહાદેવી વર્મા, સુભદ્રાકુમારી ચૌહાણ, પંત મૈથિલીશરણ ગુપ્ત જેવાં સેંકડો કવિઓની કવિતાઓ છે. જેણે પ્રેરણા આપી હતી. મારું માનવું છે કે રાષ્ટ્રીય અસ્મિતાને નવલકથામાં એક નક્કર સ્થળ, કાળના કારણે સઘનતાથી, વ્યાપકતાથી આલેખવાનો અવકાશ મળે છે. સ્વાતંત્ર્યસંગ્રામના વિવિધ તબક્કાઓને આલેખતી નવલકથાઓ મળી છે. ૧૮૫૭ વિશે અંગ્રેજીમાં પચાસેક નવલકથાઓ લખાઈ છે! ગુજરાતીમાં 'બંધન' અને 'મુક્તિ' (દર્શક), ‘ભારેલો અગ્નિ’ (૨. વ. દેસાઈ), ‘લોહીનો રંગ લાલ' (હરીન્દ્ર દવે), હિંદીમાં ‘પાહીઘર' (કમલાકાન્ત ત્રિપાઠી), બંગાળીમાં ‘નટી’ (મહાશ્વેતા દેવી), અંગ્રેજીની જાણીતી કૃતિ 'ફ્લાઈટ ઑફ પિઝિયન’ (રસ્કિન બોંડ), બંગભંગ વિશે બંગાળની ‘ઘરેબાહિરે’ (ટાગોર), અસહકાર આંદોલન સંદર્ભે હિંદીમાં ‘રંગભૂમિ’, ‘પ્રેમાશ્રમ’ (પ્રેમચંદજી), અંગ્રેજીમાં ‘કંથપુરા', બંગાળીમાં તારાશંકર બંદોપાધ્યાયની ‘ગણદેવતા', 'ધાત્રીદેવતા', 'પંચગ્રામ’, ‘હિંદ છોડો’ (૧૯૪૨) વિશે ગુજરાતીમાં પાદરનાં ‘તીરથ’, ‘આસામી’ નવલકથા ‘મૃત્યુંજય', ‘ઈયારુંઈગમ’ (બીરેન્દ્રકુમાર ચટ્ટોપાધ્યાય), જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક 'અમરકાન્ત’ નવલકથા ‘ઇન્હીં હથિયારોં સે’ (હિન્દી), ભારત વિભાજનની સમાંતરે ચળવળ ‘જૂઠા સચ' (હિન્દી) (યશપાલ), ‘આધાગાઁવ’, ‘તમસ’ જેવી અનેક રચનાઓમાં છે. ગુજરાતની ‘હૂહૂ’ (નરોત્તમ પલાણ) પણ યાદ કરી શકાય. સશસ્ત્ર ક્રાંતિકારીઓ પથેરદાબી (શરદબાબુ) (બંગાળી) નવલકથામાં આલેખાયાં છે. સ્વાતંત્ર્યસંગ્રામના આલેખતા સાહિત્યમાં એક ધારા વ્યક્તિકેન્દ્રી રચનાઓની પણ છે. મરાઠીમાં વિશ્વાસ પાટીલે તિલક અને સુભાષબાબુને આલેખતી નવલકથાઓ અનુક્રમે દુર્દમ્ય અને મહાનાયક આપી છે. હિંદીમાં તાત્યા ટોપેને આલેખતી નવલકથા ‘ટંટ્યા’, મોહનદાસ નૈમિષરાયની ‘ઝલકારીબાઈ’ યાદ કરી શકાય. ઝલકારીબાઈ લક્ષ્મીબાઈની બહેનપણીની કથા છે. મરાઠીમાં મૃણાલિની દેસાઈએ ‘પુત્ર માનવીનો’ નવલકથામાં ગાંધીને અને ‘ઇન્કિલાબ'માં ભગતસિંહને આલેખ્યા છે. સ્વાતંત્ર્યસંગ્રામને આલેખતી નવલકથાઓમાં મોટા ભાગે એકાદ ગામ કે શહેરને કેન્દ્રમાં મૂકીને કાળખંડનો ધબકાર ઝીલવાનો પ્રયાસ થયો છે. ‘પાદરનાં તીરથ'નું નંદપરા, કંથપરા, તમસ, મૈલા આંચલ, ભારેલો અગ્નિ, પાહીઘર, આધા ગાઁવ આ રીતે જોઈ શકાય. હું નવલકથા પૂરતો સીમિત રહીશ. રાષ્ટ્રીય અસ્મિતાથી છલકાતી ‘આનંદ મઠ’ (૧૮૮૨), બંકિમબાબુએ બંગાળીમાં આપી ત્યાંથી શરૂ કરીને સ્વાતંત્ર્યસંગ્રામ હજુ પણ સર્જકોને સતત આકર્ષે છે. ઈ.સ. ૨૦૧૭માં લખાયેલી ‘ક્રોસરોડ’ સુધી આ પરંપરા ચાલ્યા જ કરી છે. આમાંથી કેટલીક સૂચક નવલકથાઓ લઈને હું ભારતીય સાહિત્યમાં રાષ્ટ્રીય અસ્મિતાનું કેવું સ્વરૂપ ઝિલાયું છે તે દર્શાવવા માગું છું. આઝાદીનો અમૃત મહોત્સવ પૂરો થવા આવ્યો છે, યુવાપેઢીને સ્વાતંત્ર્યસંગ્રામનો રાષ્ટ્રવાદનો સીધો પરિચય નથી. ક્યારેક અન્ના આંદોલન કરે ત્યારે એને ગાંધી દેખાય છે. ક્યારેક ‘ઘર ઘર તિરંગા' સૂત્ર સાંભળે છે ત્યારે એને ગમે છે પણ રાષ્ટ્રવાદ એ પ્રચારનો મુદ્દો નથી. એ ઘૃણા માટે વાપરવાનું સાધન નથી. આઝાદી પછી રાષ્ટ્રવાદની ભૂમિકાને આપણે આદર્શ બંધારણ સંદર્ભમાં જોવી જોઈએ. એનો માપદંડ હવે બંધારણ હોય. બંધારણ આપણો આદર્શ એ આપણું સપનું હતું જે આપણે સાચું ઠેરવવું એ રાષ્ટ્રવાદ. નજર સામે શું છે? ૮૦ કરોડ લોકોને પ્રત્યેક મહિને પાંચ કિલો અનાજ આપવું પડે છે! રાષ્ટ્રવાદનો પ્રારંભ થયો હતો; અન્યાય-શોષણ સામેની લડતથી, સત્યની પડખે રહેવામાંથી, હજારો વંચિતો, પીડિતોના પક્ષે રહેવામાંથી; તો એનું સાતત્ય પણ એ રીતે જ હોઈ શકે. હમણાં ૨૫મી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ માઈક ડેવિસ નામના ઇતિહાસકારનું અવસાન થયું. એમનું એક પુસ્તક જેમાં યુરોપે ભારતને જે રીતે તબાહ કર્યું એનો વિગતે અભ્યાસ છે. ૧૮મી અને ૧૯મી સદીના દુષ્કાળ, ભૂખમરામાં કરોડોની સંખ્યામાં લોકો મરી ગયા હતા. ટાગોરે કહ્યું હતું તેમ હું મારા દેશને ચાહું છું પણ પૂજા તો સત્યની કરીશ. એ વાત તમને બાયરનમાં પણ જોવા મળશે. પ્લાસીના યુદ્ધ પછી કંપની સરકારે ભારતને લૂંટવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. એ વખતે ઈ.સ.૧૮૧૧માં ઇંગ્લૅન્ડના કવિ બાયરનને ‘ધ કર્સ ઑફ મિરનવા' નામની કવિતા લખેલી. જેમાં મિનરવાદેવી અંગ્રેજી શાસકોને શ્રાપ આપે છે. સ્વાધીન બ્રિટન બીજાને ગુલામો બનાવે છે પણ એક દિવસ એ લોકો અવશ્ય વિદ્રોહ કરશે. કવિતા આવી છે. Look to the East, Where Ganges swarthy race Shall Shake your tyrant empire to its base... આખી કવિતાનો સાર એ છે કે- પૂર્વની તરફ જુઓ. ગંગાકિનારે જે કાળા લોકો છે એ તમારા અત્યાચારી સામ્રાજ્યને મૂળિયાં સમેત હલાવી દેશે. ભારેલો અગ્નિ જેવો છે. સિંધુ નદી લોહિયાળ વહે છે. મેં તમને સ્વાધીન કરેલાં ત્યારે કહેલું કે બીજાને ગુલામ ન બનાવશો. હવે તમારો નાશ થશે. આવા વખતે એકાએક બાવાઓ, ફકીરો મળીને નવાબ અને અંગ્રેજો સામે જંગ છેડે છે. આ સંન્યાસી ફકીર વિદ્રોહ 'આનંદમઠ' નવલકથાનું વિષયવસ્તુ છે. અગાઉ કહ્યું તેમ ભક્તિમાંથી દેશભક્તિ. પ્લાસીના યુદ્ધ (૧૭૫૭) પછી બંગાળમાં દ્વિમુખી શાસન, નવાબો પ્રજાને લૂંટે અને બ્રિટિશરો પણ લૂંટે. એમાં દુષ્કાળ, આસમાની અને સુલતાની બેઉ ઝિંકાય ત્યારે પ્રજા ત્રાહિમામ છે ત્યારે આ સંન્યાસી ફકીરોએ ઠેર ઠેર અંગ્રેજો અને મુસ્લિમ શાસકોને હંફાવેલા. ૧૭૭૦થી ૧૭૭૬ સુધી આ ચાલેલું. આ આંદોલન પછી સો વર્ષે બંકિમચંદ્ર ‘આનંદમઠ' નવલકથા લખે છે. જેથી ભારતીય શિક્ષિત નાગરિકોને પ્રેરણા મળે કે જો અભણ લોકોએ આવું આંદોલન કર્યું છે તો તમે અન્યાય સામે અવાજ ઉઠાવજો, જેમ હમણાં કિસાનબીલ માટે થયું હતું. પ્રબળ દેશભક્તિ વગર વંદે માતરમ્ જેવું ગીત નવલકથામાં આવી શકે? જે ગીત આ બે શબ્દો દાવાનળ પેઠે ભારતમાં ફરી વળ્યા. દુઃશાસન સામે અવાજ જ્યારે જ્યારે ઊઠ્યો ત્યારે ત્યારે વંદે માતરમ્ બોલ્યાં. દેશને માતારૂપે જોવામાં આવ્યો. સંન્યાસી-ફકીર વિદ્રોહના અગ્રણી હતા. મજનુ શાહ. એમની સાથે હતા ભવાની પાઠક, ચિરાગ અલી શાહ વગેરે. મજનુ શાહ માટે એ વખતે સરકારે એને પકડવા ૪૦૦૦નું ઇનામ જાહેર કરેલું! રાષ્ટ્રીય અસ્મિતાને અંકિત કરતી આ નવલકથા સામે પ્રશ્નો એ થાય કે અહીં બંકિમબાબુએ એક પણ મુસ્લિમ ફકીર કેમ ન આલેખ્યો? જ્યારે ફકીરો પણ હતા. હકીકતમાં આપણે જોઈએ છીએ કે બ્રિટિશ ઇતિહાસલેખને સિફતથી હિંદુ અને મુસ્લિમને good orient અને bad orient કહીને વિખવાદમાં ધકેલી દીધા. જે બંગભંગ આંદોલન વેળાએ વંદે માતરમથી એવો પ્રતિસાદ થયેલો. લોર્ડ કર્ઝન સામે કે બંગભંગ કરવાનું સરકારે પડતું મૂકવું પડેલું પણ આખરે ૧૯૪૭માં ભારતભંગ કરવામાં તો એ લોકો ફાવી જ ગયા. આનંદમઠ લખ્યા પછી ત્રણ વર્ષે ઈ. સ. ૧૮૮૫માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ (INC)ની સ્થાપના થઈ. રાષ્ટ્રીય અસ્મિતા જો પ્રબળ ધાર્મિક રાષ્ટ્રીય અસીમતામાં બંધાઈ જાય તો પ્રશ્ન ઊભા થવાના એ ટાગોર બંગભંગ વખતે જ પામી ગયા હતા. ‘ગોરા’ પછી તરત જ એમણે ‘ઘરેબાહિરે’માં આ રાષ્ટ્રીય અસ્મિતાએ વાસ્તવિક કેવી હોય અને ફોટોજીવી કેવી હોય એની બરાબર ખબર લીધી છે. ‘ગોરા’નો અસ્મિતાવિમર્શ, ‘ઘરેબાહિરે'માં રાજકીય અસ્મિતાવિમર્શ બને છે. આર્નેલ્ડ કવિના સત્યને ઇતિહાસકારના, વૈજ્ઞાનિકના, ધર્મગુરુના કે તત્ત્વજ્ઞાનીના સત્ય કરતાં ચડિયાતું ગણાવ્યું છે. આ વિધાનને વ્યાપક રીતે સમજીએ તો કહી શકાય કે ઇતિહાસકાર, ધર્મગુરુ કે તત્ત્વજ્ઞાની સત્ય આલેખવાનો પ્રામાણિક પ્રયત્ન કરે તો પણ એ સત્ય ‘પૂર્ણ સત્ય’ નથી હોતું. ધારો કે આઝાદીના આંદોલનની જ વાત કરીએ તો ઇતિહાસકાર તો એને વ્યાપક અને જાહેર જીવનના સ્તરેથી જ આલેખન કરે છે. જ્યારે સાહિત્યકાર સામાજિકતાની સાથોસાથ વૈયક્તિક સંબંધોમાં જઈને ઘટનાઓને તપાસે છે. આ રીતે ઘટનાઓને દસ્તાવેજીકરણની પકડમાંથી છુટકારો અપાવીને ઘટનાને ઘનત્વ અર્પે છે. ‘પાદરના તીરથ’ (જયંતિ દલાલ)માં જુઓને ’૪૨માં ઝનૂનમાં આવીને ટોળાએ રેલવે સ્ટેશન બાળી કાઢ્યું. તમામ પકડાઈ જતાં ‘દેશપ્રેમ’ ધીરે ધીરે પીગળવા માંડ્યો. ત્યાં સુધી કે કેટલાક તો લાંચ આપવા સુધ્ધાં તૈયાર થઈ ગયા! જ્યારે કેટલાક જાનના જોખમે નીકળેલા છે. આમ, કાળી-ઊજળી બંને બાજુ સમેત સર્જકે જોયું ગણાય. આઝાદીના આંદોલન વખતે વંદેમાતરમનો સૂત્રોચ્ચાર ચકરાવે ચડેલો ત્યારે ઈ.સ.૧૯૧૧માં એ સ્વદેશી આંદોલનનાં કેટલાંક મર્મસ્થાનોની માર્મિક તપાસ ‘ઘરેબાહિરે' નવલકથા આપીને રવીન્દ્રનાથે કરી છે. ગાંધી-આગમન પૂર્વેની આ નવલકથાએ જે સંકેતો પર આંગળી મૂકેલી એ સંકેતો ફરી એક વારે દેશમાં સ્ફોટક બન્યા છે. એ સંદર્ભે ‘ઘરેબાહિર’નું પરિશીલ મને પ્રસ્તુત છે. આજે ફરી એક વાર દેશમાં ‘વંદે માતરમ્' ચર્ચાના ચગડોળે છે ત્યારે રવીન્દ્રનાથનો એક માનવતાવાદી સર્જકનો એ અંગેનો શો મત હતો એ અંગેની ચર્ચા અહીં પ્રસ્તુત છે. વિમલા જમીનદાર નિખિલને પરણીને આવી. વિમલાએ સ્વપ્નનો રાજકુમાર જે રચેલો તેની છબીથી આ નિખિલ દૂર છે. સ્વપ્નોનો રાજકુમાર ન મળ્યાની એક ઝીણો અસંતોષ કથાના પ્રારંભે જ વિમલામાં રોપી દઈને ભવિષ્યમાં સંદીપ તરફ વિમલાને થનાર આકર્ષણની પ્રતીતિકર ભોંય પર રવીન્દ્રનાથે ઊભી કરી દીધી. નિખિલના પ્રયત્નો છે કે વિમલાને ખોટી પરંપરાગત માન્યતામાંથી મુક્ત કરવી; વિમલાનું વિમલાપણું પ્રગટાવવું. પતિના ચરણ ચાંપતી કે પતિછબીને પુષ્પ ચડાવતી વિમલાનો એ વિરોધ કરે છે. ઘરવાળાના વિરોધને મમતાથી મિટાવીને મિસ ગિલ્બી નામની એક શિક્ષિકા રોકીને એ વિમલાને ભણાવે છે. નિખિલ કશુંય લાદતો નથી, બધું પ્રગટે એમ ઇચ્છે છે. એનો આ જ સંદર્ભ રાષ્ટ્રમુક્તિ સંદર્ભે છે. એની ત્રિજ્યાઓ આમ ઘરથી બહાર સુધી વિસ્તરે છે. વિમલા એક સામાન્ય નારીની જગાએ ભાવકને ઘણી વાર રાષ્ટ્રનું પ્રતીક હોય એમ લાગ્યા કરે છે. સંદીપ વિમલા પર જેમ છવાઈ ગયો છે તેમ પંથક પર, ખાસ કરીને નવશિક્ષિતો પર જ છવાઈ ગયો છે. વિમલાની મુક્તિમાં કે પેલા નવશિક્ષિતો માટે શાળા ખોલવામાં કે એમને કલકત્તા વધુ અભ્યાસ માટે મોકલવા શિષ્યવૃત્તિ આપવામાં નિખિલનો ફાળો છે પણ છવાવવું એ નિખિલના સ્વભાવમાં નથી. નિખિલ પણ જમીનદાર હોઈને જાહેર જીવનનો માણસ છે. પતિ તરીકેનો પ્રેમ પણ એ જેમ 'દબાણ'થી મેળવવા નથી માગતો એમ પ્રજામાં રાષ્ટ્રપ્રેમ પણ એ ‘દબાણ'થી ઊભો કરવા નથી માગતો. સંદીપ-નિખિલના સંઘર્ષની આ ભૂમિકા છે. આથી જ વિમલાનું સંદીપ પરત્વે આકર્ષાવું એ આમ ઘરનાં અને બહારનાં મૂલ્યો પરસ્પર સંયોજાઈને કથાને ઘાટ આપે છે. નિખિલ પોતાની હાટના વેપારીઓને વિદેશી વસ્તુ નહિ વેચવા કે ગ્રાહકોને નહિ ખરીદવા દબાણ નથી કરતો એ સંદીપને નથી ગમતું. નિખિલ માને છે કે દબાણથી એ રાતોરાત શક્ય છે, પરંતુ શું એ દેશપ્રેમ કહેવાય? સંદીપને આવી ઊંડી વાતમાં રસ નથી. એને વિદેશી ચીજવસ્તુઓની હોળીમાં અને આકાશ ગજવતું ‘વંદેમાતરમ્' બોલવામાં રસ છે. નિખિલનો મુક્તિ વિશેનો ખ્યાલ વિમલાની માફક જ નવશિક્ષિતો સમજી શકતા નથી. પ્રજામાં નિખિલનું માન છે, બૌદ્ધિકોમાં નહિ. બૌદ્ધિકો માને છે નિખિલ પોલીસથી ડરે છે. સરકારી ઇનામ ઝંખે છે. તત્કાળ નિખિલને નથી સમજી શકતા એ સ્વાભાવિક છે. આથી જ એની ઠાઠડી જ્યાં ત્યાં બાળવામાં આવે છે. એની કચેરી લૂંટવામાં આવે છે. નિખિલની મદદ નહિ મળતાં રાષ્ટ્રવાદીઓ બીજા જમીનદાર જાડાપાડા તિલકછાપવાળા શ્રી હરીશશંકર કુંડુ તરફ વળે છે, જે પોતાના વિસ્તારના લોકોને મારીમચડીને વંદે માતરમ્ બોલાવે છે. પંચુ જેવા સામાન્ય ખેડુની જમીન પ્રપંચથી પડાવી લે છે. વિલાયતી કાપડ વેચનારને માર મારીને એની ગાંસડી બાળી મૂકે છે! છાપામાં એનાં વખાણ આવે છે. એના જેવા દેશમાં પાંચ—પચીસ હોત તો દેશમાં ક્રાંતિ થઈ જાત વગેરે વગેરે. બધા જ દબાણથી 'વંદે માતરમ્' બોલતા થઈ ગયા, દેશી કપડાં પહેરતા થઈ ગયા…પછી…પછી શું? સંદીપ અને કુંડુને તો મુશ્કેલી ઊભી થઈ. છવાઈ જવા માટે તો અવનવા કાર્યક્રમ લેવા જ પડે. આવો જ એક બંને મળીને લે છે. કાર્યક્રમ છે ‘મહિષીમર્દિની પૂજા'નો, જેના દ્વારા રાષ્ટ્રદેવીની પ્રતિમાપૂજનનો અર્થ એ બંનેનાં મનમાં છે. જુઓ રવીન્દ્રનાથ કેવી દીર્ઘદૃષ્ટિથીને પામી ગયા હશે. આ પૂજાનો ખર્ચ હરીશ કુંડુએ પોતાની પ્રજા પાસેથી ફરજિયાત ઉઘરાવવા માંડ્યો છે. કવિરત્ન વિધાવાગીશ મહાશયે તો આ પૂજાને લગતી સ્તુતિ પણ કુંડુના કહેવાથી રચી કાઢી છે! મુસ્લિમો તો ‘વંદે માતરમ્’ બોલતા નથી. વળી વિલાયતી કપડાં પણ મુસ્લિમની હોડીઓ દ્વારા જ આ પંથકમાં આવે છે. (આથી જ શહીદ ભગતસિંહ તો 'વંદે માતરમ્’ને બદલે ‘ઇન્કિલાબ ઝિંદાબાદ' સૂત્રને વળગી રહેલા.) સંદીપ મુસ્લિમોને દબાવવા માગે છે- ‘એ લોકોને એક દહાડો પાળેલા રીંછની પેઠે નાચ નચાવીશું.' આથી જ સંદીપ એક કાવતરું કરીને મીરાજાન અને તેના તમામ મિત્રોની હોડીને ડુબાડી દે છે! મીરાજાન સંદીપના પગે પડીને ‘દેશપ્રેમી’ થઈ જાય છે. પેલી ‘મહિષીમર્દિની પૂજા’ના કારણે હિંદુ-મુસ્લિમમાં પરસ્પર રોષ જન્મે છે. ઢાકાથી મૌલવી પ્રચારકની આવજા વધી પડે છે. ગૌહત્યા ક્યારેય નહોતી થતી એ પણ દેખા દે છે. હિંદુઓ માને છે કે મુસ્લિમને સરકારની ઓથ છે. નિખિલ હિંદુ સજ્જનોને બોલાવે છે અને શંકા વ્યક્ત કરે છે. ગૌહત્યાકાંડ મનુષ્યહત્યાકાંડમાં તો નહિ ફેરવાઈ જાય ને? કોઈ પાછાં પગલાં ભરવા તૈયાર જ નથી. આ પૂજાના કારણે જ રમખાણો થઈ જાય છે. હરીશ કુંડુની કચેરી બળતાં એ સંતાઈ જાય છે, સંદીપ કલકત્તા ભાગી જાય છે. નવલકથાના અંતે પેલો કિશોર જેના પર સંદીપના મંત્રની બિલકુલ અસર નથી તે અમૂલ્ય (નામ કેવું સૂચક છે!) અને નિખિલ તોફાનો વચ્ચે જવાબદારી સ્વીકારીને નીકળે છે. ખાનગી ગોળીબારમાં અમૂલ્ય મરે છે, નિખિલ ઘવાય છે. પંથકમાં લોકો શાંત થાય છે. ટોળું ઘોડા પર પડેલા નિખિલને ઘેર મૂકવા આવે છે ત્યાં નવલકથા પૂરી થાય છે. નિખિલનું શું થયું એ લેખકે કહ્યું નથી એ સૂચક છે. સાંપ્રત અને સ્વાતંત્ર્યોત્તર ભારતીય પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે છુપાઈ ગયેલા હરીશ કુંડુઓ અને સંદીપો બહાર નીકળ્યા છે. નિખિલો કણસે છે, અમૂલ્યો ચાલ્યા ગયાં છે. ‘વંદે માતરમ્'ના પૈસામાંથી લાંચ આપતાં સંદીપ વિચારે છે - “જમીન પૂરતું પાણી શોષી લે પછી જે પાણી બાકી રહે તેનું જળાશય બને છે. વંદે માતરમની નીચેના તળિયાની જમીન થોડું પાણી શોષી લે છે એણ હું પણ શોષીશ. પેલો કારભારી પણ શોષશે ત્યાર બાદ જે વધશે તે 'વંદે માતરમ્' રાષ્ટ્રવાદના આવા તકવાદી અને ઝનૂની વલણ સામે એ રીતે રવીન્દ્રનાથે રોષ વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રીય અસ્મિતાનો ઉદ્ભવ અને એનાં ઓસરતાં જતાં વલણોનો હિસાબ મૈલા આંચલમાં સુપેરે મળે છે. તો જે બાબત પર ટાગોર પ્રશ્નાર્થ કરતા હતા તે રાષ્ટ્રીય અસ્મિતા જો ધાર્મિક રાષ્ટ્રીય અસ્મિતામાં અટવાઈ જાય તો ભવિષ્ય કેવું દુ:સ્વપ્નમય બની જશે એ ભારેલો અગ્નિમાં ૨. વ. દેસાઈએ બતાવ્યું છે જે ક્રમશઃ આપણે જોઈએ. ‘મૈલા આંચલ’ નવલકથામાં આ બાલદેવનો પહેલો પ્રવેશ સ્ફોટક છે. ગામમાં મેલેરિયા સેન્ટર ખોલવા સરકારી અધિકારીઓ આવે છે. ગામવાળા જાણે કે સરકાર આવી! કોરડા ફટકારશે! તામજામ શરૂ થાય છે. વિશ્વનાથપ્રતાપ એકદમ જ બાલદેવને બલિયો કહીને રજૂ કરી દે છે. સાહેબ, આ જ આ જ ખાદી પહેરે છે, જયહિંદ બોલે છે. સરકારી અધિકારીઓ તો હસી પડે છે પણ સાંસ્થાનિક ત્રાસ કેવો હશે એ રમૂજમાં વાંચી શકાય. કેવળ કપડાં પરથી આંદોલનકારીને ઓળખી કાઢીને રાજદ્રોહમાં ધકેલવાની સાંસ્થાનિક પરંપરા આજે પણ ક્યાં નથી? મહાભારતથી માંડી સરસ્વતીચંદ્ર, ગોરામાં, મૈલા આંચલમાં પ્રેમકથા નિમિત્તે સંસ્કૃતિકથા માંડવાનું ભારતીય કથાલેખકને અનુકૂળ આવ્યું છે તે પણ આવાં ગટકોમાં જોઈ શકાય. એની સામે બાપની જમીનનો અંગૂઠો કાગળ પર પડાવી લીધો હોવાથી ખેતમજૂરની દીકરીએ ફૂલિયાએ એ જમીનદાર સહદેવ મિશ્રને તો ક્યારેક ખલાસીને સાચવવા પડે છે. લક્ષ્મીના ગયા પછી મઠમાં નવા મહંત માટે આવતી દલિત સ્ત્રી રામપ્યારી આવા જ સમાધાનનું ઉદાહરણ છે. જાતિભેદ અને લિંગભેગ (gender/cast)ના સંદર્ભે આવી કૃતિ નવા અભ્યાસીઓનું સ્વાગત કરવા ઉત્સુક છે. આખી નવલકથામાં વર્ણાશ્રમની ભીંસ સતત તોળાતી જોવા મળે છે. જાતિપ્રથાના નિર્મૂલન વિના ભારતનું રાષ્ટ્ર બનવું શક્ય નથી. કોઈ પણ સરસ્વતીચંદ્ર એના વિના કલ્યાણગ્રામ સર્જી શકવાનો નથી. નિમ્નજાતિના કાર્યકર બાલદેવજીનું ડગલે-પગલે એ કારણે જ અપમાન થાય છે. તમે તો ખરેખર નેતા થઈ ગયા? તો આપણી ઑફિસની સફાઈ કોણ કરશે? જેલ ગયા તો શું જવાહરલાલ થઈ ગયા? આ નવલકથામાં આવાં ઉત્પીડિત પાત્રોની શ્રેણી છે. આ શ્રેણી છેક સાંથાલો સુધી પહોંચે છે. આઝાદી પછી ખેડે તેની જમીનની વાત શરૂ થાય એ પહેલાં જ એમને એમનું સ્થાન વિશ્વનાથ પ્રતાપ અને હરગૌરીસિંહ બતાવી દે છે! ગામમાં આપણને ઘણાં લેખકો લઈ જાય છે. પરંતુ ગામમાં બીજા ઘણાં ગામો પણ છે ત્યાં રેણુ લઈ જાય છે. આ નવલકથાનો ડૉક્ટર પ્રશાંત લેખકનો આદર્શ છે. એ અનાથ છે એને એની જ્ઞાતિની ખબર જ નથી. અહીં સુજ્ઞ ભાવકોને ગોરા યાદ આવશે. એ આદિવાસીઓનો મદદગાર નીકળ્યો ત્યારે તરત જ એનું ગામમાંથી માન ઓસરી ગયું! એને ત્યાંથી લાલ રશિયાની ચોપડી મળી એટલે તો ધરપકડ પણ થઈ ગઈ. જોશીજી કહે છે કે — જોવામાં કેવો ભોળો લાગતો, જાણે દેવતા હતો પણ બદમાશ નીકળ્યો. આઝાદીની શરણાઈ હજુ વાગતી જ હતી ત્યાં જ વિશ્વનાથપ્રસાદ અને હરગૌરીસિંહ સાંથલોની જમીન કેવી રીતે નવા કાયદા બને તે પહેલાં પડાવી લેવી તેની યોજના કરે છે. હવે તો સાંથાલોનો સમર્થક સમાજવાદી કાલીચરણ યાદવ પણ નથી. વળી ગામનો આ મુખી વિશ્વનાથ પ્રસાદ અગ્રણી કૉંગ્રેસી કાર્યકર પણ બની ગયો છે. આ વિશ્વનાથપ્રસાદ પ્રત્યેક વરસે પાંચ હજાર મણ ધાન પકવતો ખેડૂત છે. જમીન પડાવી સહુને કટિહારમાં ખૂલેલી શણની મિલમાં ધકેલે છે. ખેતમજૂરમાંથી ઉદ્યોગના મજૂરમાં થતું પરિવર્તન અહીં સંકેત માત્રમાં જોઈ શકાય છે. ચલો ચલો કટિહાર ચલો, દો રૂપિયા રોજ મજદૂરી! ગાંવ મેં ક્યા રખ્ખા હૈ. જેવાં વાક્યો સંભળાય છે. આ આઝાદીની ફળશ્રૃતિ ? સ્વરાજ મળ્યું ત્યારે નીકળેલી રેલીમાં એક પાત્ર સૂત્રોચ્ચાર કરે છે. આ આઝાદી જૂઠી છે, દેશની જનતા ભૂખી છે. ‘તમસ’ અને ‘જૂઠા સચ' પૂર્વે રેણુએ આઝાદીના ઇતિહાસને ઉપરથી નીચે નહીં, નીચેથી ઉપર (History from the below) દેખાડ્યો. તેથી અહીં જ્ઞાતિ, લિંગના ઘટકો મહત્ત્વનાં બન્યાં છે. પાર્થ ચેટર્જી આને જ રાષ્ટ્રના નાના નાના ટુકડાઓ (Fragments of Nation) તરીકે ઓળખાવે છે. ‘મેરીગંજ’ એ અર્થમાં ભારતનું રાષ્ટ્રીય રૂપક છે. લોક (Folk)થી લોકતંત્ર લગી વ્યાપી વળતી નિરાળી સર્જકતાનું નિદર્શન છે. ‘મૈલા આંચલ’ ગુલામ ભારત અને આઝાદ ભારતની સંધિક્ષણ પર લખાયેલી નવલકથા છે. આ સમયે તેથી ભારતીય સામંતી સમાજ લોકતાંત્રિક સમાજમાં પરિવર્તિત થઈ રહ્યો હતો. જેમાં રાજકીય પક્ષો ગ્રામજીવનને પ્રભાવક અસર પાડે છે તેનું આલેખન પણ રેણુએ કર્યું છે. અંગ્રેજ માર્ટિન જે સાહેબ મેરીગંજના કર્તાહર્તા તે હવે રહ્યા નથી. એની જગ્યાએ ગાંધીજીના પ્રતીક જેવા અને જેને ગાંધીજી સાથે પત્રવ્યવહાર હતો તેવા બાવનદાસ છે. કૉંગ્રેસનો નાનો કાર્યકર બાલદેવ છે. જનસંઘના કાર્યકરો છે. જનસંઘના પ્રતિનિધિઓ છે. રાજપૂત અને કાયસ્થ સમાજમાં આઝાદી મળ્યા પછી તરત જ પરિવર્તન થવા માંડે છે. કૉંગ્રેસ, જનસંઘ સિવાય સમાજવાદી પક્ષો પણ છે. કાલીચરણ યાદવ જે સમાજવાદી છે જે બાલદેવને બુઝુર્વા માને છે કે જે ભોળપણમાં ખોટા માણસોનું કામ કરે છે. કાલીચરણ ભગતસિંહનો આશિક છે. પરંતુ આઝાદી પછી સત્તાનાં સમીકરણો બદલાય છે. જેને વંદે માતરમ્ બોલતા દેશભક્તોને મારેલા એ સાગરમલ મારવાડી મેરીગંજની બાજુના વિસ્તારમાં શણની મિલ ખોલે છે અને વળી કૉંગ્રેસનો અધ્યક્ષ બને છે. જે આઝાદી પૂર્વે દાણચોરીનો ધંધો કરતો હોય છે એ કટરા કૉંગ્રેસનો સેક્રેટરી છે. નેપાળી છોકરીઓ પાસે દેહવ્યાપાર કરાવતા છોટા કટરાનો સાગરીત છે. કટરા છોટનને બાવનદાસની હત્યા કરવાની સોપારી સાગરમલ મારવાડી આપે છે. એ રીતે બાવનદાસની હત્યા થાય છે. ગાંધીજીની હત્યાની અડોઅડ આ બાવનદાસની હત્યા એ રીતે પ્રતીકાત્મક બને છે અને હવે સત્તા દાણચોરો અને ભ્રષ્ટ લોકો પાસે આવે છે. ગાંધી, નહેરુ, સરદાર, ભગતસિંહનો યુગ પૂરો થાય છે. રાજનીતિમાં પતનશીલ મૂલ્યોનો પ્રારંભ છે. બાવનદાસનું ચીંથરું ઝાડ પર લબડે છે એ ગાંધીવાદનું ચીંથરું રૂપકાત્મક રીતે જોઈ શકાય છે. બાવનદાસની હત્યા અને બલદેવને તિરસ્કૃત કરતી પાર્ટી થોડાંક વખતમાં કેવી થઈ ગઈ તેનું આ ઉદાહરણ છે. બાલદેવને થાય છે કે મીઠાના સત્યાગ્રહ વખતે જેલમાં જવાની જાણે બક્ષિસ મળી હોય તેમ જિલ્લા કમિટીમાંથી કાઢી મુકાય છે. બાવનદાસને ગાંધી, નહેરુ અને રાજેન્દ્ર બાબુ અંગત ઓળખતા હતા. બાવનદાસના એક ભાષણ વખતે તો ફૂલનો હાર પહેરેલા બાવનદાસની સામે નહેરુજી હાથમાં માઈક પકડીને નમીને ઊભેલા ! એ ફોટો નેશનલ હેરાલ્ડના મુખપૃષ્ઠ પર આવેલો. જે ફોટો પર લખેલું માઈક ઓપરેટર નહેરુ. ગાંધીહત્યાની સમાંતરે આ બાવનદાસની હત્યા આઝાદ ભારતમાં ગાંધીવાદની હત્યા રૂપે જોઈ શકાય. નવલકથા અગાઉ કહ્યું તેમ આઝાદી પછી તરત જ બહાર પડી છે. આઝાદીની પૂર્વસંધ્યાએ ફૂટેલાં લોહિયાળ ટશિયાં આ નવલકથા બતાવે છે. ૧૯૫૪માં ઘણાંને આ નવલકથાનું નિરાશાવાદી દર્શન અતિશયોક્તિ ભરેલું લાગેલું. ઉમાશંકર જોશી જેવાં ઘણાંને આ કૃતિમાં ઘણી જગ્યાએ સ્વાતંત્ર્યસંગ્રામને વક્રતાથી જોતો સર્જક દેખાયેલો. હકીકતે સંસ્થાનવાદની સમાંતરે ઉપસેલો રાષ્ટ્રવાદ કેવો પોકળ થવા માંડેલો એ રેણુ જોઈ શક્યા હતા. જેની ફળશ્રુતિ આજે આપણી સામે છે. ગાંધી અને લોહિયાની વાતો કરનાર રાજકીય પક્ષો જાતિની રાજનીતિમાં સીમિત થઈ ગયા તેનો સંકેત કૃતિમાં અપાયો છે. દક્ષિણપંથી રાજનીતિનો ફૂટેલો ફણગો પણ ત્યાં દેખાય છે. ‘મૈલા આંચલ'માં રેણુએ પણ આ બરાબર પકડ્યું છે. ત્યારબાદ ‘તમસ’ (૧૯૭૨)માં ભીષ્મસહાનીએ તો એનાં એકાધિક દૃશ્યો સાક્ષાત્ કરાવ્યાં. ‘મૈલા આંચલ'માં ભૂદેવ જોશીજી જુએ છે હવે યાદવ ટોળાવાળા ખાસ પાયલાગણ કરતા નથી. એક રાજપૂતને કહે છે કે આ ગોવાળિયાઓ કાલે તો તમારી દીકરી પણ માગશે. શિવાજી અને મહારાણા પ્રતાપનું રાજ હોવું જોઈએ. હિંદુરાજ આવે તે માટે સંઘની પ્રવૃત્તિ ચાલે છે. સંયોજકજી આવે છે. હરગૌરી એક દિવસ કહે છે, ‘સંયોજકજી! યવનો પર મુઝે ક્રોધ નહીં હોતા. યવનોં કા પક્ષ લેનેવાલે હિંદુઓંકી ગરદન ઉડા દેને કો જી કરતા હૈ. હાથમાં તલવાર હતી એ એવી હલાવી કે જો સંયોજકજી થોડાં ન ખસ્યાં હોત તો એમની ગરદન ઊડી જાત. આરજાબ્રત, મેરીગંજનું નામ આરજાવ્રત થઈ ગયું છે. આમ, પ્રારંભમાં ખાદીટોપી, લાલ ટોપીને આલેખ્યા પછી કાળી ટોપી પણ આલેખાય છે. ગાંધીહત્યા પછી ગામમાં ‘અચ્છા હુઆ ઉનકા મગજ અબ સહી નહીં હૈ.’ કહેવાય છે હત્યાના બીજા દિવસે રાખેલી શોકાંજલિસભામાં ઘણા નથી આવતા. ‘મૈલા આંચલ’માં આમ એક તાંતણો સવર્ણવાદી હિન્દુત્વની રાજનીતિનો પણ વણાયેલો છે. મેરીગંજના ગાંધી કહેવાતા બાવનદાસની હત્યા ભારતમાં શરૂ થઈ રહેલી અપરાધિક રાજનીતિના શ્રીગણેશનું દૃષ્ટાંત છે. આજે સંસદમાં ગુનેગારો હોય તેવાં ઉમેદવારોની સંખ્યા નાનીસૂની નથી. પરિણામે નાના માણસો નિરાશ થઈને રાજનીતિ છોડી દે છે. જેમ કે બાલદેવ, મંગલાદેવી વગેરે. પ્રશાંત જેવા કેટલાક આ અંધારામાં નાનકડી રોશની જેવા છે પરંતુ એમનું આ અપરાધિક રાજનીતિમાં ઝાઝું ઊપજતું નથી. આમ, સંસ્થાનવાદની પૂર્ણાહુતિ થતાં તરત જ કોર્ટ, પોલીસ અને રાજનેતાનું ગઠબંધન એવું થઈ ગયું કે હજુ આપણે રાગ દરબારીના જમાનામાં જ છીએ તે નકારી શકાય તેમ નથી. કોર્ટ-પોલીસ અને અને રાજનેતાને જોડતાં દલાલ પાત્રો ‘મૈલા આંચલ'ના અંતભાગમાં છોટનબાબુ કે દુલારચંદ રૂપે ‘પાદરના તીરથરુના અંબાલાલ વકીલની જેમ દેખાય છે. ‘મૈલા આંચલ' કેવળ સામાજિક કૃતિ નથી, પરંતુ સામાજિક અને રાજકીય કૃતિ છે. એ અર્થમાં રેણુનું સમાજદર્શન પ્રેમચંદથી આગળ જાય છે. આ સામાજિક-રાજકીય કૃતિ છે. રેણુની રાજકીય સંપ્રજ્ઞતા કૃતિના સામાજિક પરિમાણોને આશ્ચર્યજનક વિસ્તાર આપે છે. તેથી મારી દૃષ્ટિએ આ અર્થમાં આ નવલકથા ભારતીય નવલકથામાં સર્વથા જુદી પડી જાય છે. સ્વાતંત્ર્યસંગ્રામ પછી આઝાદી રળ્યા તોય સરવાળે મળેલી નિષ્ફળતાનો એક નાનકડો અંદાજ રાજા રાવની અંગ્રેજી કંઠપુરા (૧૯૩૮) નવલકથામાં અને જયંતિ દલાલની ‘પાદરનાં તીરથ’ (૧૯૪૦)માં અંબાલાલ વકીલના પાત્ર દ્વારા આઝાદી આંદોલનના ગાળામાં જ મળ્યો હતો. ‘મૈલા આંચલ'માં પૂરી માત્રામાં આ દર્શન પ્રગટ થાય છે. કૃતિનું શીર્ષક ‘મૈલા આંચલ' છે. જે સુમિત્રાનંદન પંતની નીચે મુજબની પંક્તિમાંથી લીધું છે :
ભારતમાતા ગ્રામવાસિની
ખેતોં મેં ફૈલા હે શ્યામલ
ધૂલ ભરા મૈલા સા આંચલ
આઝાદ ભારતમાં ગરીબો, લઘુમતીઓ, આદિવાસીઓ અને સ્ત્રીઓ સ્થાપિત હિતોનો ભોગ બનશે, શહીદોનાં સ્વપ્નો રોળાઈ જશે, બધા રાજકીય પક્ષો એક જ માળાના મણકા જેવા થઈ જશે. ગ્રામજીવન છિન્નભિન્ન થઈ જશે. પહેલાં એવું કહેવાતું હતું કે ભારત ગામડામાં જીવે છે, પરંતુ રેણુનું દર્શન એ છે કે ભવિષ્યનું ભારત રોજ રોજ ગામડામાં મૃત્યુ પામશે. શાઇનિંગ ઇન્ડિયાનાં સાત લાખ ગામડાંની ભૂખી ભૂતાવળનું મહાકાવ્ય આ મેરીગંજ ગામ બની જાય છે. કોર્પોરેટી કૃષિબિલ પછી એનું શું થશે? ઉદાસ લક્ષ્મી મેરીગંજથી કટિહાર શણની મિલનું ભૂંગળું વાગતાં પહેલાં ભાગતા મજૂરોને જોઈને કબીરને યાદ કરી ગાય છે :
ચલતે ચલતે પગુ થકા, નગર રહા નૌ કોસ
બીચહિ મેં ડેરા પરાઁ, કહહુ કૌન કા દેખ.
ત્યારે બાલદેવને લાગે છે કે ભારતમાતા જ વિલાપ કરી રહી છે. જેના પગ લોહીથી લથબથ છે અને વાળ વિખરાયેલા છે! પાટનનગરથી કપાઈ ગયેલાં ગામની આ દશા છે. કોરોનાકાળના હિજરતી મજૂરોની હાલત ક્ષણ બે ક્ષણ ઝબકી જાય. રોટલો ખાઈને રેલવેના પાટે સૂતાં હોય ને ટ્રેન ફરી વળે. નિદા ફાજલીની ગઝલ યાદ આવી જાય.
નૈનોં મેં થા રાસ્તા, હૃદય મેં થા ગાઁવ
હુઈ ન પૂરી યાત્રા, છલની હો ગયે પાઁવ.
(બનાસ જન, જાન્યુ.-માર્ચ-૨૦૨૧, પૃ.૪૭)
આજે પણ ગામડાંમાં વર્ષમાં સો દિવસ મજૂરી મળતી નથી. વિદાપત્તનચના સમયે એક ગામડિયો સરસ્વતીવંદનાની જગ્યાએ અન્નબ્રહ્મની વંદના કરી બેસે છે! અરે દાલ બંદો, સાગ બંદો બથુઆ અરે ચૂડા બંદો, ભૂજા બંદો, રોટી બંદો મડુઆ. રાજકમલ પ્રકાશનમાંથી ‘મૈલા આંચલ' પ્રગટ થઈ તે પૂર્વે ઈ.સ.૧૯૫૩માં પટનાના એક પ્રકાશનગૃહમાંથી પ્રગટ થઈ હતી. સમજી શકાય કે એ નવલકથાને લખવામાં, વ્યવસ્થિત કરવામાં સમય જાય છે. એમાંય આવી પાત્રોખચિત સુદીર્ઘ નવલકથા લખવામાં આશરે બે—ત્રણ વરસ ગયાં હશે. આ બધું ધ્યાનમાં લઈએ તો ફણીશ્વરનાથે ત્રીસ વર્ષે આ નવલકથા લખી હશે. વળી, બીજી રીતે જોઈએ તો એ રીતે પણ જોઈ શકાય કે એક તરફ બાબાસાહેબ આંબેડકર અને સાથીદારો જ્યારે દેશને રાષ્ટ્ર બનાવવા માટે સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારો આવે એવું સંવિધાન લખી રહ્યા હતા ત્યારે ‘મૈલા આંચલ’ લખીને ફણીશ્વરનાથ રેણુ આ જ પ્રશ્નોની માંગ કરતા હતા. સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન ભારતમાં વિવિધ વર્ગો બ્રિટિશરો સામે લડતાં લડતાં એક થયા હતા. જેમાં અધ્યાપકો, વકીલો, ડૉક્ટર હતા તો બીજી તરફ ખેડૂતો, વિદ્યાર્થીઓ, દલિતો, લઘુમતી, આદિવાસી સહુ હતા. એવી જ રીતે ‘મૈલા આંચલ'માં મેરીગંજમાં પણ પહેલા સામંતી એકતા હતી. પરંતુ આઝાદીના પ્રભાવમાં રાષ્ટ્રીય એકતા આવી પરંતુ આઝાદી પછી વળી પાછું વિખેરાઈ જવું પણ જોવા મળ્યું. સંવિધાન તો બન્યું. સંવિધાન ધીમે ધીમે છાજલી પર ચઢાવી દેવામાં આવશે. ‘મૈલા આંચલ’ આના અણસારા આપે છે. મેરીગંજમાં ત્રણ પ્રકારની ટ્રેનિંગ ચાલે છે. એક પાત્ર કહે છે - ‘ચરખા-કરઘા, લાઠી-ભાલા ઔર બમ-પિસ્તોલ ! તીન ટરેનિ!’ અહીં કૉંગ્રેસ, સંઘ અને સશસ્ત્ર ક્રાંતિકારીનો સંદર્ભ છે. એક પ્રસંગમાં પંચાયત ચાલતી હોય ત્યારે સંઘના સંયોજકની સીટી વાગે ને ડઝનથી વધુ રાજપૂત ટોળાના જુવાનો લાઠી લઈને આવે છે અને પંચાયતને ઘેરી વળે છે. કાલીચરણ કહે છે ‘સિંઘજી…આપ પંચાયત નહીં, દંગા કરવાના ચાહતે હૈ?' રેણુએ ભવિષ્યની રાજનીતિની જાણે ધોરી નસ પર હાથ મૂક્યો છે. સ્વાતંત્ર્યસંગ્રામ દ્વારા જે રાષ્ટ્રવાદ ઊભો થયો હતો એ સર્વસમાવેશી રાષ્ટ્રવાદ હતો. તેનું જ પ્રતિબિંબ સંવિધાનમાં ઝિલાયું છે. અમુકતમુક વર્ગને બહિષ્કૃત કરીને ઊભો થતો રાષ્ટ્રવાદ આ ન હતો. જેમ યહૂદીને બહિષ્કૃત કરીને જર્મનીમાં રાષ્ટ્રવાદ ઊભો થયો હતો. અહીં પણ મનુસ્મૃતિ કેન્દ્રિત રાષ્ટ્રવાદના અભરખા જાગ્યા હતા, આજે ચોમેર એની પ્રતીતિ થાય છે. ‘મૈલા આંચલ’ના સંઘીપાત્ર હરગૌરીસિંહને ભારતમાં હિંદુરાજ જોઈએ છે. એને યવનો કરતાં વધુ ઘૃણા યવનોનો પક્ષ લેનાર માટે છે. ફણીશ્વરનાથ રેણુ કેવા મોટા ભવિષ્યવેત્તા હતા કે તેઓ આ જોઈ શક્યા. જ્યાં આદિવાસી, દલિત પુનઃ હાંસિયામાં ધકેલાયા, જ્યાં સક્રિય બૌદ્ધિક ડૉક્ટર જેવાં પાત્રો અર્બન નકસલી ગણાઈને જેલમાં ધકેલાયાં. આ અર્થમાં નવલકથા ભારતના રાષ્ટ્રવિમર્શને સમજવા માટે પણ દૃષ્ટાંતરૂપ નવલકથા છે. ભારતીય સમાવેશી રાષ્ટ્રવાદ કઈ રીતે યુરોપીય બહિષ્કૃતધર્મી, એકાંગી રાષ્ટ્રવાદમાં રૂપાંતરિત થયો એ બતાવે છે. જ્યાં દુશ્મન બહાર નથી હોતો, જ્યાં પીડિત વર્ગ માટે સહાનુભૂતિ ધરાવતો બૌદ્ધિક વર્ગ, આદિવાસી જેવો વર્ગ પીડિત, મુસ્લિમ, રાષ્ટ્રદ્રોહી તરીકે ઓળખવામાં આવશે. ‘મૈલા આંચલ’ની ભવિષ્યવાણી સાચી ઠરે એવાં સેંકડો દૃષ્ટાંતો મળી આવે છે. એ અર્થમાં સંવિધાનની સમાંતરે લખાયેલી આ નવલકથા રાષ્ટ્રમાં ઉપેક્ષિતોની ભાગીદારીની માંગ કરે છે. ત્યાં લગી દેશમાંથી રાષ્ટ્ર બનવાની પ્રક્રિયા અધૂરી રહેશે. આ રીતે રેણુની આ રચનાને આજે અડધી સદી ઉપરાંતનો સમય થવા આવ્યો. કમભાગ્યે રેણુનું દર્શન આજે પણ એમણે ધાર્યા કરતાં પણ વધારે સાચું પડ્યું છે. આ વર્ષ રેણુની જન્મશતાબ્દીનું વર્ષ છે ત્યારે એમની આવી કૃતિઓનું પરિશીલન થવું જોઈએ. આશ્ચર્યજનક રીતે ભારેલો અગ્નિ ૧૮૫૭ના ઇતિહાસલેખનને પડકારે છે અને નબળા નવલકથાકાર હોવા છતાં ધર્મકેન્દ્રિત રાષ્ટ્રવાદની પરિણિતિના દુઃસ્વપ્નદ્રષ્ટા પણ બને છે. નવલકથાના પ્રારંભે તો રુદ્રદત્તની સામે બંદૂક તાણીને ઊભેલો અંગ્રેજ છે. છતાં એ મારી શકતો નથી. જ્યારે નવલકથાના અંતે પાદરી જહોનસનના પરિવારને બચાવવા ગયેલા રુદ્રદત્તને આશ્રમની નજીક રહેતો શંકર ગોળી મારી દે છે. શંકર માને છે કે વૃદ્ધની મતિ પણ વૃદ્ધ થઈ છે. ૧૯૩૫માં લખાયેલી આ નવલકથાના નાયક રુદ્રદત્ત તે કાળે જ ગાંધી ગણાવાયેલા અને નવલકથાની ચર્ચા પણ એ રીતે જ થયેલી. એ રુદ્રદત્ત લ્યુસી અને કલ્યાણીના ખભે હાથ મૂકીને જતાં જતાં મરે છે. બરાબર તેર વર્ષ પછી આ દેશમાં ગાંધીહત્યા આ રીતે જ થઈ. અંગ્રેજ ન મારી શક્યા એને આશ્રમના નજીક રહેનારાઓએ વૃદ્ધની મતિ વૃદ્ધ થઈ છે કહીને મારી કાઢ્યા. ભારતીય ઉપખંડનું આ દુ:સ્વપ્ન તેર વર્ષ પહેલાં ર.વ.દેસાઈ જોઈ શક્યા. પરંતુ ૧૮૫૭ની લડતમાં કોઈ અહિંસક હોઈ જ શકે નહીં એમ કહીને આ નવલકથાની ટીકા થઈ. (ઉપેન્દ્ર પંડ્યા) લેખક પણ બાપડો ખુલાસો કરવા બેઠો કે જ્યાં ૬ઠ્ઠી સદીમાં બુદ્ધ-મહાવીર થયા હોય ત્યાં રુદ્રદત્ત ૧૯મી સદીમાં કલ્પી શકાય. આવા ખુલાસાની જરૂર નથી. અલબત્ત, આનો અર્થ એ નથી કે નવલકથા સામે પ્રશ્નો નથી. હિંસક ક્રાંતિકારી રુદ્રદત્ત એકાએક અહિંસક શી રીતે બની ગયા? સુભાષ-ચંદ્ર (મહાનાયકવાળા)થી વિરુદ્ધ વિચારસરણી! એમની પાસે તૈયાર થયેલા છોકરાઓ મંગલ પાંડે, ગૌતમ આશ્રમ છોડે એ સમજાય પણ બ્રિટિશ સેનામાંય જોડાઈ જાય એ તો આશ્ચર્ય જ ગણાય. વળી મંગલ બાખડી પડે છે ભાંગને અંગ્રેજે લાત મારી એટલે બાકી તો બેઉને ઇનામ મળવાનાં હતાં રશિયાને એની કાતિલ ઠંડીમાં હરાવ્યું તેથી. ભાંગ તો શિવની પ્રસાદી, વિજ્યાનું અપમાન સહન શી રીતે થાય ? આવા અવકાશોમાં ધર્મકેન્દ્રિત રાષ્ટ્રવાદ પ્રગટે છે. જ્યારે અંગ્રેજો રુદ્રદત્તને મારવા આવે છે ત્યારે ગામ બ્રહ્મહત્યાનું પાપ એવા જ ઉદ્ગારો કાઢે છે. રુદ્રદત્ત પાદરી જ્હોનસન (પછીથી યુવાનસેન)ને ભણાવે છે પણ સ્પર્શતા નથી, અસ્પૃશ્યતામાં માને છે. જેમાં પણ આ રાષ્ટ્રવાદીઓની ધરી ધર્મ હતો એ સ્પષ્ટ થાય છે. સ્ટીફન ગ્રીનબ્લાટ જેવાં નવ્ય ઇતિહાસવાદીઓ Invisible Bulletsની સંજ્ઞા આપી છે. એ અહીં ફૂટતી જોઈ શકાય. ધર્મ, જાતિ, લિંગના અવગણાયેલાં ઘટકો પુનઃ વિમર્શમાં આ રીતે પ્રવેશે છે. ‘મૈલા આંચલ'માં રાષ્ટ્રીય અસ્મિતા સ્ત્રીઓ, દલિતો અને આદિવાસીઓ માટે ભ્રામક નીવડી છે. પણ રાષ્ટ્રીય અસ્મિતાને આંતર્યા વગર એની વચાળેથી જ સ્ત્રીવિમર્શ અને દલિતવિમર્શ શી રીતે પરોવી શકાય તેનું ઉદાહરણ આપણને મહાશ્વેતાદેવીની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પર લખાયેલી ‘નટી' (૧૯૫૭) નવલકથામાં અને મોનદાસ નૈમિષરાયની ‘ઝલકારીબાઈ’ નવલકથામાં મળે છે જે ક્રમશઃ આપણે જોઈએ. ભારતનાં મોટાં નવલકથાકાર મહાશ્વેતાદેવીએ ૨૬ વર્ષની વયે એકલા ઝાંસી, ગ્વાલિયર, જબલપુર, પુણે, ઇન્દોરની યાત્રાઓ કરીને પોતાની પહેલી નવલકથા ‘ઝાંસીની રાણી’ ૧૯૫૬માં લખી. ’૫૬માં એ ઝાંસીની રાણીને કેમ યાદ કરે છે? જ્યારે બંગાળમાં તો રવીન્દ્રોત્તર ‘કલ્લોલ' ચાલી રહ્યો હતો. અહીં દસ્તાવેજ એકઠો કરવાની મજૂરી છે જ. નવલકથાના અંતે સંદર્ભસામગ્રીની સૂચિ મૂકી છે. અંગ્રેજીમાંથી ૨૫, બંગાળી ૪, મરાઠી ૨, હિંદી—બુંદેલખંડી પ પુસ્તકોનો ઉલ્લેખ છે. વળી સરકારી ગેઝેટ, સંસદીય પત્રો, અભિલેખોના ઉલ્લેખો છે. આ દસ્તાવેજ આ નવલકથાનું રસપ્રદ અંગ હોવા છતાં એ સર્વેસર્વા નથી. અહીં મહાશ્વેતાદેવીએ ઝાંસીની રાણીને ‘લખમી’ તરીકે જોઈ છે. જેને ૧૪ વર્ષની વયે ગંગાધરરાવ સાથે પરણાવી દેવામાં આવી. નિષ્ક્રિય, રૂઢિવાદી, વિલાસી ગંગાધારરાવ ચાર વર્ષમાં જ મૃત્યુ પામ્યો. દીકરો થયેલો પણ ત્રણ મહિનાનો થઈને મરી ગયો. ગંગાધરરાવે મૃત્યુના આગલા દિવસે જ દામોદરરાવને દત્તક લીધો હતો. સરકારે લખમીને ૬૦,૦૦૦નું વાર્ષિક પેન્શન બાંધી આપેલું. ઓછું પડતાં વકીલ લંડન મોકલ્યો. કેસ હારી ૬૦,૦૦૦નો ખર્ચ થયો. ‘સ્વતંત્રતાના મહાનાયક' નાનાસાહેબે પણ પોતાના પેન્શન માટે અજીમુલ્લાને લંડન મોકલી ૫૦,૦૦૦ વેડફેલા. કિલ્લો છોડી રાણી વિધવા સ્ત્રીનું જીવન જીવવા લાગી. સ્ત્રી, ભારતીય સ્ત્રી, વિધવા સ્ત્રી, રાજકાજનો બોજો એકાએક ખભે આવી પડ્યો હોય એવી સ્ત્રી તરીકે મહાશ્વેતાદેવીએ ‘લખમી'ને જોઈ છે. તેથી એ દૃષ્ટિકોણના કારણે ઈતિહાસકારનેય દૃષ્ટિ મળી શકે એમ છે. રાષ્ટ્રીય ચેતનાને આંતરતાં તત્ત્વોથી ચેતવું જરૂરી છે. જે ટાગોરે, જયંતિ દલાલે કે રેણુ બતાવી રહ્યાં છે. આ દેશનો મોટો પ્રશ્ન જ જાતિવાદ છે. એને નાથ્યા વિના રાષ્ટ્રીય ચેતના પાંડુવર્ણી રહી જશે. કાનિયો ઝાંપડાએ સુદામડા બહારવટિયાના હુમલા વખતે બચાવ્યું. આ લોકકથા મેઘાણીએ નોંધી છે. ગામઆખું પરગામમાં ભવાયા આવેલા તે નાટક જોવા ગયેલાં. ગામમાં થોડા વૃદ્ધો ગામનો વૃદ્ધ દરબાર અને હરિજન કાનિયો ઝાંપડો હતા. ધીંગાણું થયું ને કાનિયો ફરી વળ્યો બહારવટિયા પર, ગામ ભાંગતા બચી ગયું. બીજા દિવસે ગામમાં એક તરફ ગામ બચ્યાનો આનંદ અને કાનિયાની શહીદીનો શોક હતો. ચારણ કવિ આવ્યા ને ગામના દરબારની સ્તુતિમાં ગીતો લલકારવા માંડ્યા ત્યારે દરબારે રાડ પાડીને કહ્યું - ‘ગઢવા, તારી સરસતીઓ અભડાય છે? તારી કવિતામાં મારો કાનિયો ક્યાં છે?’ ઇતહાસ આમ સહિયારું સર્જન છે. એ કેવળ દરબારે નહિ પણ દલિતે પણ રચ્યો છે. આપણે ત્યાં ઇતિહાસના એવાં કંઈક ઘડવૈયાઓ ડાબા હાથે મુકાઈ જાય છે. ઝાંસીની રાણી પર જ જુઓને કેટલુંક લખાયું. સુભદ્રાકુમારી ચૌહાણનું કાવ્ય ‘બહુત લડી મર્દાની, વો તો ઝાંસી વાલી રાની થી’ લોકકંઠે અમર થઈ ગયું છે. પણ આ ઝાંસીની રાણીની એક ખાસ બહેનપણી હતી ઝલકારી. નાનપણથી એની સાથે ને સાથે. તલવારબાજી પણ શીખી. એની સાથે જ શહીદી વ્હોરી. આ ઝલકારીબાઈની કથા કોણ લખશે? હાલમાં જ મોનદાસ નૈમિષરાયે ‘ઝલકારીબાઈ’ નવલકથા લખીને ઇતિહાસના આ એક અંધારિયા ખંડને પ્રકાશિત કર્યો છે. આની સામે આપણે વિશ્વાસ પાટિલની ‘મહાનાયક’ મૂકીએ. જેમના પર ‘ફરગોટન હીરો' ફિલ્મ શ્યામ બેનેગલે બનાવી તે સુભાષચંદ્ર બોઝ આ નવલકથાના નાયક છે. ઇતિહાસે નોંધ્યું છે કે પટ્ટાભિ સીતારમૈયા સુભાષબાબુ સામે કૉંગ્રેસ પ્રમુખ તરીકે હાર્યા. ગાંધીજીએ સીતારમૈયાની હારને પોતાની હાર ગણાવી. ટાગોરે ગાંધીવિધાનની ટીકા કરી. પ્રમુખ કોંગ્રેસીઓ સરદાર, નહેરુનો સુભાષબાબુ સામેનો વર્તાવ ઉપેક્ષાભર્યો. કંટાળી સુભાષબાબુએ કૉંગ્રેસ છોડી. સરકારે નજરકેદમાં રાખ્યા. સરકારને છેહ આપી જર્મની પહોંચ્યા. I.N.A.નું ગઠન કર્યું. ભારત આવતાં વિમાની અકસ્માતમાં મર્યા. રસપ્રદ વાત તો એ છે કે ખાદીનો ઝભ્ભો, લેંઘો, ટોપી ઊતરી ગયાં અને લશ્કરી ગણવેશમાં સુભાષબાબુ એકદમ જ આવી ગયા. કૉંગ્રેસ પ્રમુખ બનેલા એટલે એમનો સિદ્ધાંત તો અહિંસક આંદોલનનો હતો. આ લશ્કરી દીક્ષા એમણે ક્યાં મેળવી? હજારો સૈનિકોનું જીવન દાવ પર હોય એવી, વિશ્વના શ્રેષ્ઠ લશ્કરોનો મુકાબલો કરી શકે તેવી સશસ્ત્રસેના બનાવી ત્યારે એ પરિવર્તન કથાનો રસપ્રદ ઈલાકો ગણાય. જે ચૂકી જવાથી ‘મહાનાયક' સ્તુતિપૂજામાંથી બહાર નીકળતી નથી. દસ્તાવેજસભર હોવા છતાં. આવી વ્યક્તિકેન્દ્રી નવલકથાનું બીજી રીતે મૂલ્ય છે. જેમ કે પ્રાદેશિક અસ્મિતા, ધાર્મિક અસ્મિતા રાષ્ટ્રીય અસ્મિતા નડતરરૂપ બને તેવી સંભાવનાનો સુભાષબાબુને પાક્કો અંદાજ હતો. INC કૉંગ્રેસના પ્રમુખ બન્યા પછીનો એમનો સહુથી પહેલો ઠરાવ એ હતો કે કૉંગ્રેસના સભ્ય એ લોકો જ બની શકશે કે જે લોકો હિંદુ મહાસભા કે મુસ્લિમ લીગના સભ્યો હોય. આ બેઉં સંગઠનોને ‘રાષ્ટ્ર’ તો જોઈતું હતું પરંતુ ધર્મકેન્દ્રી રાષ્ટ્ર જોઈતુ હતું અને એનાં ભયસ્થાનો મહાનાયક જાણતા હતા. રાષ્ટ્રીય અસ્મિતા, પ્રાદેશિક અસ્મિતા અને જનજાતીય અસ્મિતાને અરસપરસની તાણમાં મુકાયેલી જોવી હોય તો રસપ્રદ નવલકથા ઈયારુઇંગમ છે. મારી દૃષ્ટિએ ઈયારુઈંગમ, મૈલા આંચલની પેઠે અસ્મિતાવિમર્શની ઉત્તમ નવલકથાનું ઉદાહરણ છે. બીજા વિશ્વયુદ્ધથી આરંભાયેલી આ કથા ગાંધીજીના મૃત્યુ સુધીના સમયગાળામાં વિસ્તરે છે. સરહદી રાજ્યોને બીજા વિશ્વયુદ્ધનો જે અનુભવ થયો એ ભારતનાં બીજાં રાજ્યો કરતાં જુદો હતો. આસામ, નાગાલૅન્ડ અંગ્રેજો અને જાપાનીઓનાં કુરુક્ષેત્ર બન્યાં હતાં. અંગ્રેજીથી આશ્વાસિત નહીં થયેલી એ જનતાને હવે નવી સરકારમાંય રસ નથી. ઉખલુની સરકારી કચેરી પરથી યુનિયન જૅક ઉતારીને તિરંગો લહેરાતો થયો તોય પ્રશ્નો ત્યાંના ત્યાં જ રહ્યા હતા. તેથી એમ કહી શકાય કે આઝાદ હિંદ ફૌજ, ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ. આઝાદીના અન્ય ઉલ્લેખો જેવી સઘળી દસ્તાવેજી સામગ્રી સર્જકસ્પર્શથી કૃતિમાં એકરસ બની ગઈ છે. પ્રદેશવાદના છાપાળવા ચહેરાને અહીં લેખકે જરાય ડોકાવા દીધો નથી. મુખ્ય ધારાથી (main stream) કપાઈ ગયેલા યુવાનોને સમજવાની આ નવલકથા કોશિશ કરે છે. કથાનાયક રિશાંગ તેથી જ વિરોધી વિચારસરણીવાળા વિડેશ્યેલી, ખાટિંગ, ફાનિટફાંગ જેવા યુવાનો પ્રત્યે અને નાજેક જેવા વડીલ પ્રત્યે ભારોભાર અનુકંપા ધરાવે છે. રિશાંગ અને જીવન લેખકના દૃષ્ટિબિંદુનું પ્રતિનિધિત્વ કરતાં પાત્રો છે. જ્યારે નાજેક અને વિડેશ્યલી નગાચેતના, પ્રાદેશિક સત્તા (regional power) ઝંખતાં પાત્રો છે. આ પાત્રોનો વિચારસંઘર્ષ કૃતિનો રસપ્રદ મુખ્ય ભાગ છે. વૈચારિક દ્વંદ્ધની, રાજકીય વિચારધારાની આ નવલકથાનો વિશેષ એની પ્રવાહિતા અને સહજતામાં છે. બૌદ્ધિક દલિલો કરતાં પ્રસંગોથી કૃતિ ગતિ ધારણ કરે છે. બંને વિચારસરણીવાળાં પાત્રોની વૈયક્તિક સંવેદનાની પણ એટલી જ જિકર કરવામાં આવી છે. રિશાંગ અને જીવનનો આદર્શવાદ (idealism) તેથી બદ્ધમાનસ (dogmastic) નથી. લેખકને ખરા અભિનંદન તો અંત બાબતે છે. અંતે તેઓ કોઈ ફોર્મ્યુલાબદ્ધ કારિકામાં ફસાયા નથી. રિશાંગ અને વિડેશ્યલીમાંથી કોણ સાચું એ લેખકે ભાવક પર કહો કે વિડેશ્યલી કહે છે (રિશાંગને) તેમ કાળ પર છોડ્યું છે. લેખકે ચુકાદાઓ આપવાની ઉતાવળ નથી કરી, તેથી આ નવલકથા સ્પર્શે છે. ખુલ્લો અંત લેખકની સૂઝની નિશાની છે. એમણે કેવળ પરિવર્તન ઝીલ્યું છે. પરિવર્તન કઈ દિશામાં જશે એની કોઈ આર્ષદ્રષ્ટાછટામાં ભવિષ્યવાણી નથી કરી. નાજેક આ કૃતિનું પ્રતિભાશાળી પાત્ર છે. ગળામાં ખોપરીઓની માળા ધારણ કરનાર નાજેક ડોસા જૂની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. અતીતને પાછો સાકાર સ્વરૂપે આવે તેમ તેઓ ઇચ્છે છે. તેઓ ગામના મુખી છે. ગળામાંની ખોપરી એ એમના સાહસની નિશાની છે. કહેવાય છે કે એ એમણે મારેલા દુશ્મનોની ખોપરીઓ છે. અંગ્રેજી શિક્ષણ અને ઈસાઈ ધર્મના નાગાલેન્ડમાં થયેલા પગપેસારાથી જ બધી ખાનાખરાબી થઈ તેવું એ માને છે. નવા છોકરાઓ સ્ત્રેણ થઈ ગયા છે. શીતળા ગામમાં ફેલાય ત્યારે ડૉ. બ્રૂક દ્વારા ચાલતા રસીઅભિયાનમાં એ સંમત નથી. એને તાવ આવે તો એ રસી લેતો નથી. ફાનિટફાંગની માને તાવ આવે ત્યારે ભૂવા પાસે મોકલે છે. એનો દીકરો ખાટિંગ બાપની પરવા કર્યા વિના ઈસાઈ થઈ ગયો અને લશ્કરમાં ભરતી થવા ઊપડી ગયો ત્યારે તીવ્ર દુ:ખ અનુભવે છે. ‘બેટા, બાપની વાત સાંભળ. તમારે લોકોને સાહેબ થવાની જરૂર નથી. નગા બનો, નગા. નગા થવા જેવું સુખ બીજું નથી.’ (પૃ.૨૫) ખાટિંગ બી. એ. પાસ થઈ ઈસાઈ છોકરીને પરણી પિતાને પત્ર લખે છે ત્યારે નાજેક નાના બાળકની જેમ હીબકાં ભરે છે. ક્યાંય સુધી પત્ર વાંચતા જ નથી. નવી પેઢીનાં આ કરતૂતો જોઈ મૃત્યુ ઇચ્છે છે. હવે ખાટિંગને તેઓ પોતાના સિદ્ધાંત ખાતર જ પુત્ર માનવા તૈયાર નથી. આવો રૂઢિચુસ્ત માણસ પોતાના મૃત્યુ વખતે અનુગામી-મુખી પસંદ કરવામાં જુદો જ દૃષ્ટિકોણ અપનાવે છે. નિયમ મુજબ તો એમના જેવા ચહેરાવાળાને અનુગામી મુખી બનાવવાનો હોય, પરંતુ તેઓ વિડેશ્યલીને મુખી બનાવે છે. ગાઠિખૂઈ તેને કહે છે-‘તમારી સાથે તેનો ચહેરો મળતો આવતો નથી. તે એક આંખે બાડો છે.’ (પૃ.૮) નાજેક જવાબ આપે છે -‘ચહેરો મળતો ન આવે તેથી શું થયું? અમારા મનનો મેળ છે.’ (પૃ.૬૮) વિડેશ્યલી એક આંખવાળો છે તે પ્રતીકાત્મક લાગે છે. નાજેક અને વિડેશ્યલીના વિચારોનું એકાંગીપણું એ નિમિત્તે પ્રગટ થાય છે. દૃષ્ટિ(કોણ)ની મર્યાદા એ નિમિત્તે વ્યક્ત થઈ છે. વિડેશ્યલી નગા નથી, ઈસાઈ છે. પરંતુ નગા—ચેતનાનો પ્રવક્તા છે તેથી એનું ઈસાઈપણું પણ નાજેકને ખટકતું નથી. વિડેશ્યલીનો ધર્મ, જ્ઞાતિ કે ગામની રીતે નાજેક સાથે મેળ નથી, પરંતુ ‘નગા હોવાનું ગૌરવ' સ્થાપવાનો વિચાર બંનેને નજીક લાવે છે. નાજેકનું નગાપણું એટલું તીવ્ર હતું કે ગાંઠીખૂઈ પોતાની દીકરી ઈસાઈને પરણાવવા તૈયાર થાય ત્યારે નાજેક જાણે કબરમાંથી પણ ઠપકો આપતા હોય એવું અનુભવે છે. (પૃ.૯૫) આવો નાજેક વિડેશ્યલીને જોતાં અને વિડેશ્યલી નાજકને જોતાં તૃપ્તિ અનુભવે છે. વિડેશ્યલી નેતાજી સુભાષચંદ્ર બોઝ પાસેથી સ્વાધીનતાનો મંત્ર શીખ્યો છે. ‘તમે મને લોહી આપો હું તમને આઝાદી આપીશ.’ એ સૂત્રોચ્ચાર એની જીવનશૈલીમાં રણકે છે. આઝાદ ભારતની –સ્વતંત્રતાવાળી સરકારને એ પોતાની સરકાર માનતો નથી. એની સાદગીભરી જીવનશૈલી વિરોધી વિચારસરણીવાળા રિશાંગને પણ અભિભૂત કરે છે. એની દૃઢતા, કર્મઠતા અને સાહસવૃત્તિના કારણે એ માનીતો છે. તેથી નાજેકે અનુગામી મુખી તરીકેની એની પસંદગી પરંપરા તોડીને પણ કરી. વિડેશ્યલીને મુખી બનાવવાનો પ્રસંગ આ નવલકથાનો માર્મિક પ્રસંગ છે. વિડેશ્યલી ને રિશાંગની ચર્ચાઓ નવલકથાનો માર્મિક ભાગ છે. વિડેશ્યલીનો વિદ્રોહ અને રિશાંગની અહિંસક ચળવળ લોકોને વારંવાર આકર્ષે છે. નગા લોકો વિડેશ્યલીને એક પરમવીર માનીને એની પૂજા કરે છે, પરંતુ જે ઘડીએ ઘરકુટુંબના વિનાશ અને માણસોના અકાળ મૃત્યુના અપશુકનિયાળ સપનાં આવીને એમના હૃદયમાં અચાનક જ દહેશત મચાવી દે છે એ જ ઘડીએ એ લોકો રિશાંગ જેવા સાહસી નવયુવકને શોધે છે. રિશાંગ પણ બદ્ધ માણસ નથી. ડૉ. બ્રૂકનો શિષ્ય છે, છતાં ચર્ચ બનનાવવાની ડો. બ્રૂક અત્યંત તીવ્ર ઇચ્છાને તે જાકારો આપે છે. ચર્ચાના કારણે ગામમાંથી શાંતિ ચાલી જવાની હોય તો તે ઈશુને પણ મંજૂર ન હોય એમ માનીને એ એક જુદા જ ઈસાઈનો પરિચય આપે છે. વિડેશ્યલીનો આતંક વધી જાય ત્યારે જાનનું જોખમ વ્હોરી વિડેશ્યલીની છાવણી સુધી પહોંચી જાય છે. સાથે જીવન માસ્તર અને આબેઈ કૂતરો જ છે. આબેઈ કૂતરાના ઘા પર ઇલાજ કરતો વિડેશ્યલીનો મમતાપૂર્ણ વહેવાર જોઈ ચોંકી જાય છે. આબેઈ કૂતરાના ઘા પર ઇલાજ કરતો વિડેશ્યલી એને જુદો જ લાગે છે. જ્યારે રિશાંગ કહે છે કે- 'હું નગા બનવા માટે પ્રાર્થના કરતો નથી. હું તો મનુષ્ય બનવાની પ્રાર્થના કરું છું.’ ત્યારે વિડેશ્યલી જવાબ આપે છે એમાં એની વિચારસરણીનો સ્પષ્ટ રણકો છે—‘હું દૃઢતાપૂર્વક વિશ્વાસ પણ કરું છું કે નગા એક બિલકુલ અલગ પ્રકારની, પોતાનામાં એક બિલકુલ વિશિષ્ટ કોટીની, બીજાઓથી એકદમ જુદા પ્રકારની જાતિ છે.’ રિશાંગ, વિડેશ્યલી અને જીવન માસ્તરની છેલ્લી મુલાકાતનું દૃશ્ય (પૃ.૨૧૯) વિડેશ્યલીને સમજવા માટે ખૂબ મહત્ત્વનું છે. જીવન માસ્તરનું પાત્ર પણ આ નવલકથાનું મહત્ત્વનું અંગ છે. ભણીગણીને સરકારી બાબુ બનવાના બદલે ચાહીને પર્વતમાળામાં શિક્ષક બનવા આવ્યા. વિડેશ્યલીની, નગાબહેન સાથે પરણ્યા. રિશાંગને ગાંધીજીના મોતના સમાચાર એમણે આપેલા. જીવન ગાંધીજીને માનતા હતા અને જીવનનું મૃત્યુ પણ ગાંધીજીના મોતને યાદ અપાવે છે. આજીવન હિંદુસ્તાનની સેવા કરનાર ગાંધીજીનું મોત એક હિંદુસ્તાનીના હાથે જ થયું. ગાંધીજીની માફક જ જીવન પણ નગાઓના કુરિવાજોનો ટીકાકાર છે, જેમ ગાંધીજી હિંદુઓના કુરિવાજોના ટીકાકાર હતા. તેથી જ ખુટિંલાને ચાહતો હોવા છતાં રિશાંગ પિતાને ખાતર ખુટિંલાને પરણવાનું સાહસ કરતાં અચકાય છે ત્યારે ટીકા કરે છે. આમ, રાષ્ટ્રીય અસ્મિતાની સંકુલ રજૂઆત સંદર્ભે ‘ઇયારુંઇંગમ’ નવલકથા નોંધપાત્ર છે. એકવીસમી સદીમાં મળેલ બે ગુજરાતી નવલકથાઓ પણ રાષ્ટ્રીય ચેતના સંદર્ભે ખૂબ જ મહત્ત્વની છે. જયંત ગાડીતની નવલકથા ‘સત્ય’ ગાંધીજીના ૧૯૧૫ પછીના જાહેરજીવનને કેન્દ્રમાં મૂકે છે. ગાંધીજીના નિમિત્તે અજગર સરીખા તોતિંગ અને આળસુ દેશમાં રાષ્ટ્રીય ચેતનાનો જુવાળ કેવો ઊમટ્યો એનું પ્રતિબિંબ અહીં જોવા મળે છે. ભારતીય રાજનીતિમાં કાર્યરત વિવિધ વિચારધારાઓને એક સૂત્રમાં લાવવા ગાંધીજીએ કરેલાં પ્રયત્નો પણ આ નવલકથાનો વિશેષ છે. પરિણામે જાહેર જીવનના મોટા રાષ્ટ્રીય નેતાના આંતરજીવનમાં આ નવલકથા ગતિ કરે છે. ભારતીય આઝાદીના નરમગરમ બેઉ દળમાં પલટાતાં પાત્રો, આઝાદીની સુદીર્ઘ લડતની અત્યંત મહત્ત્વની નવલકથા 'ક્રોસરોડ' વર્ષા અડાલજા પાસેથી મળી એ વિશે વિગતે જોઈએ. ‘ક્રોસરોડ' નવલકથા અડધી સદી (૧૯૨૦-૭૦)નો સમય આલેખે છે. આ સમયગાળો-સાંસ્થાનિક ભારતની આઝાદીની લડાઈનો અને નવા ભારતની મથામણોનો ગાળો છે. નવજાત શિશુની હાલત બગડે ત્યારે કાચની પેટીમાં રાખવામાં આવે એવી હાલત આપણી આઝાદી પછી હતી એ પણ અહીં દર્શાવાયું છે. આવા કાળખંડની સામગ્રીનું આકલન કરવાની ક્ષમતા અને સીમાઓ તેમજ એ સામગ્રીનું કળામાં રૂપાંતર કરવાની ક્ષમતા અને સીમાઓનું દર્શન આ નવલકથા કરાવે છે. કાળખંડનું આકલન કરવા માટે, યુગચેતનાને ઝીલવા માટે લેખિકાએ કાઠિયાવાડના લખતરના પરિવેશના બે-ત્રણ પરિવારને કેન્દ્રમાં રાખ્યાં છે. તારાશંકર બંદોપાધ્યાયે ‘ગણદેવતા’માં આવો જ પ્રયત્ન કરેલો છે. ત્યાં સંપન્ન-વિપન્ન સવર્ણોથી માંડી દલિત કુટુંબ સુધી ત્રિજ્યા વિસ્તરે છે. અહીં રાધા-લખામણના ઉલ્લેખો છે પણ એ વિકસાવાતા નથી. ‘ગણદેવતા'માં યુગચેતનાની સાથોસાથ માનવસંબંધોની સંકુલતા છે તેનો પણ અહીં અભાવ છે. અહીં અકસ્માતે ત્રણ દીકરી અને એક દીકરો ધરાવતી સ્ત્રી જયાબા વિધવા થાય ત્યાંથી કથા શરૂ થાય છે. કુટુંબને ઉગારવા મથતો એનો સત્તર વર્ષનો જુવાન દીકરો વિષ્ણુ ગામમાં પ્રતાપસિંહ બાપુના ટાપાટૈયાં કરીને રોડવે છે. તે આકળવિકળ છે. એનો મિત્ર રામચંદ્ર કલકત્તા નોકરી કરે છે ત્યાં એને જવું છે. ગામથી તંગ આવી ગયો છે. બાપના મૃત્યુ પછી એની સગાઈ તૂટી ગઈ છે. પડોશી વાસંતી સાથેની એની મહોબ્બત દબાયેલાં ડૂસકાં જેવી છે. રામચંદ્રની સાથે કલકત્તા ભાગી જઈને ‘યુગાંતર’ પ્રેસમાં નોકરી કરે છે. વિષ્ણુના કેટલાક રઢિચુસ્ત ખ્યાલો તૂટે છે. એ જાણે કે રામચંદ્ર અને મહમ્મદની એ ‘નોકરી’ તો એક બહાનું છે. હકીકતે બેઉ સશસ્ત્ર ક્રાંતિકારી મંડળના સભ્યો છે. એમની પ્રેરણાથી એ પણ એવા કામોમાં જોડાય છે. સરકારી ખજાનો લૂંટે છે બોંબવિસ્ફોટ થતાં મહમ્મદનું મૃત્યુ થઈ જાય છે. રામચંદ્ર પકડાઈ જાય છે અને વિષ્ણુ પુનઃ કાઠિયાવાડ ખિસ્સામાં ક્રાંતિના પ્રતીક સમી પિસ્તોલ સાથે પાછો ફરે છે. પાછો ફરતો વિષ્ણુ ત્રીજા વર્ગમાં મુસાફરી કરતાં ગાંધી ગાંધીજનોને જોઈને રાજી થાય છે. ગામની નાની મુલાકાત પછી ગાંધીજીની દાંડીયાત્રામાં જોડાય છે. પોલીસના મારથી ઘવાયેલો વિષ્ણુ સરકારી દવા પણ લેતો નથી. જેલમાંથી મુક્ત થઈને પાછા ફરતાં એનું મૃત્યુ થાય છે. ગોરબાપાના મોત પછી જયાબા પર ઘરનો બોજો આવી ગયેલો. આધારસ્તંભ લાગતો વિષ્ણુ પણ મૃત્યુ પામતા સમજણી કુમુદ પર જવાબદારી આવી પડે છે. એક પછી એક પુરુષપાત્રોની વિદાય લેખિકાની રણનીતિનો જ ભાગ છે. ગામમાં મોભાદાર ગણાતા ભવાનીશંકર શેઠના દીકરા સાથે કુમુદનું લગ્ન થયેલું પણ પૈસાનો અહમ્ હોઈ કોઈનું માન ન જાળવતાં એ પરિવાર સાથે બહેનનો વિવાહ વિષ્ણુને પીડેલો. એ રકઝકમાં જ એ કલકત્તા ભાગી છૂટેલો. આ કા ગયેલો ગોવિંદ અકસ્માતમાં ખોવાઈ જતાં એને મરેલો માનીને કુમુદ વિધવા જીવન જીવી રહી છે ત્યારે વિષ્ણુ ગામ આવેલો. વિષ્ણુના પત્રકારમિત્ર, કર્મશીલ પરાશર સાથે એ પુનઃલગ્ન કરે છે. જેથી ગામમાં વિવાદ થાય છે. ગોવિંદ જીવતો મળે છે તેથી કથામાં તાણ ઊભી થાય છે પણ ઉકેલાય છે. ગોવિંદનુંય મૃત્યુ થાય છે. કુમુદ પરાશરને પરણે છે. પરાશર સાથે કુમુદનું મધુર દામ્પત્ય છે. પતિ જેવાં જ કામો એ પણ કરે છે. સખ્યના પાયા પરના દામ્પત્યના કારણે એમને ઋષિ—ચારુબાલા બે સંતાનોય પ્રાપ્ત થાય છે. પરંતુ હવે પરાશરને કેવળ ‘મશાલ’ સામયિકથી કામ ચાલે તેમ નથી. ઐતિહાસિક જાસૂસી નવલકથાઓય પરાશરને લખવી પડે છે. ત્યારબાદ એક મિત્રની મદદથી મુંબઈ ફિલ્મની પટકથાઓ લખવા પણ જાય છે. કુમુદ-પરાશર-ઋષિ અને ચારુબાલા મુંબઈના ગિરગામના માળામાં ગોઠવાતાં પંખીઓ બને છે. અહીં પણ કુમુદ સ્ત્રીસંસ્થામાં કામ કરે છે. આઝાદી પછીની આ કથામાં ઘણા વળાંકો છે. એક કોમવાદી તોફાનમાં પરાશરનું મૃત્યુ થાય છે. કુમુદનો પુત્ર ઋષિ અને પુત્રવધૂ નર્યા સ્વકેન્દ્રી નીવડે છે. એ દ્વારા બે પેઢીનું અંતર જોવા મળે છે. કુમુદ અનુભવે છે કે -“સ્વાતંત્ર્ય આવ્યે પૂરા બે દાયકા નહોતા થયા અને એ જુસ્સો, દેશદાઝ કેવા વરાળ થઈ ગયા હતા! લોકો નિંભર અને સ્વાર્થી થતા જતા હતા. સેવા, સાદગી, સ્વાશ્રય એવા ચલણી શબ્દસિક્કાઓનો રણકાર બોદો થઈ ગયો હતો. નેતાઓમાં જ જ્યાં સત્તા-સંપત્તિની હોડ જામી હતી ત્યાં પ્રજાની રાવ ક્યાં કરવી! (પૃ.૪૮૬) પરંતુ જ્યારે ઋષિની પુત્રી પલ્લવી દાદી સાથે જોડાય છે ત્યારે એ લેખિકાના એક સ્વપ્ન જેવું લાગે છે. કુમુદ દાદી બને છે અને કૉલેજમાં ગયેલી પલ્લવી દાદા-દાદીને, સ્વાતંત્ર્યને, ઉષામાસીને સાચા પરિપ્રેક્ષ્યમાં જોઈ શકે છે. એ રીતે કથા સુખાંત છે. કુમુદને સેવાસંસ્થામાંથી પણ હટાવવાના પેંતરા થાય છે. પીડિત સ્ત્રીઓની પડખે ઊભા રહેવું હવે પંચાત ગણાવા માંડે અને સ્ત્રીસંસ્થા મોજશોખનું પ્લૅટફૉર્મ બની જાય છે એ કુમુદને મંજૂર નથી પણ મક્કમ કુમુદની જીત થાય છે. સ્વાતંત્ર્યસંગ્રામના દિવસોથી સ્વાતંત્ર્યોત્તર ભારત કેટલું જુદું પડી ગયું તે જોવા મળે છે. ખોવાઈ ગયેલું રેશન કાર્ડ મેળવવા કુમુદે લાંચ આપવી પડે છે. નવલકથામાં ચારુ કુમુદને ‘હકીકત’ ફિલ્મ જોવા લઈ આવે છે. જેમાં એક ગીત આવે છે. 'કર ચલે હમ ફિદા જાને તન સાથિયોં અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં.’ આ ગીતમાં ફેરફાર કરીને લખી શકાય-‘અબ તુમ્હારે હવાલે વતન NGO' જેવાં છેલ્લે હાલ છે. ગાંધી અનુયાયીઓની એક આકરી ટીકા હું અંતે આમાં વાંચી શકું છું. જેમણે વ્યાપક જનઆંદોલનોને તત્પશ્ચાત્ અવકાશ ન આપ્યો. આ નવલકથાને એ રીતે પણ યાદ કરી શકાય કે મહમ્મદનું આઝાદી માટે બલિદાન નોંધ્યું છે. દેશ માટે ફના થનાર અનેકમાં મુસ્લિમો પણ હતા. એ એમને ઇતિહાસમાંથી કાંકરા-કસ્તરની જેમ વીણી વીણીને કાઢી નાખવામાં આવે છે ત્યારે વર્ષાબહેને આપણી સહિયારી લડતની યાદ આપી છે. સુભાષબાબુની આત્મકથાનું નામ ‘ક્રોસરોડ’ છે એ પણ આ નવલકથા વાંચતાં યાદ આવે. આમ, ‘આનંદમઠ' (૧૮૮૫)થી ‘ક્રોસરોડ' (૨૦૧૭)ની યાત્રા વંદે માતરમથી ઇન્કલાબ ઝિંદાબાદની રાષ્ટ્રીય ચેતનાને ભારતીય સર્જકોએ કેવો પ્રતિસાદ આપ્યો તેનો આ અછડતો ઇતિહાસ છે.