આધુનિક ગુજરાતી વિવેચનની આજના સંદર્ભમાં પ્રસ્તુતતા

From Ekatra Wiki
Revision as of 01:13, 3 March 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રમુખીય વ્યાખ્યાન
આધુનિક ગુજરાતી વિવેચનની
આજના સંદર્ભમાં પ્રસ્તુતતા[1]
જયેશ ભોગાયતા

સૌ ઉપસ્થિત મહાનુભાવો, અધ્યાપકો, નગરજનો અને વિદ્યાર્થીમિત્રોને મારા નમસ્કાર, અધિવેશનના આ પ્રસંગે આ સૌ સમક્ષ ખુલ્લા મનથી થોડી વાતો કરવી છે. જેની મને ચિંતા છે તેનો સૂર આપના સુધી પહોંચે એવી ઇચ્છા છે. આ ક્ષણે ગુજરાતીના અધ્યાપક સંઘના સૌ પુરોગામી પ્રમુખોને ભાવપૂર્વક યાદ કરું છું. મારું આ વ્યાખ્યાન મને સાહિત્યના પાઠ શીખવનાર સૌ ગુરુજનોને નમ્રતાપૂર્વક અર્પણ કરું છું. મારા વ્યાખ્યાનનો વિષય છે: 'આધુનિક ગુજરાતી વિવેચનની આજના સંદર્ભમાં પ્રસ્તુતતા.' આશરે અઢી દાયકાના અધ્યાપનકાર્ય દરમિયાન મારા વર્ગશિક્ષણમાં મેં આધુનિક ગુજરાતી વિવેચનના પાઠ વિદ્યાર્થીઓને શીખવ્યા છે, શીખવતો રહ્યો છું. ત્યારે મને ક્યારેય એનો થાક, કંટાળો કે અણગમો કે એવી કોઈ લાગણી થઈ નથી, પરંતુ મને કાયમ આનંદ આવ્યો છે. મારી અધ્યાપકની ડાયરીમાં મરોડદાર અક્ષરોમાં કાળા, બ્લૂ, લાલ અને લીલા રંગની શાહીથી અનેક નોંધો કરી છે. સુરેશ જોષી, સુમન શાહ, ચન્દ્રકાન્ત ટોપીવાળા, શિરીષ પંચાલ, હરિવલ્લભ ભાયાણી, પ્રમોદકુમાર પટેલ, જયંત કોઠારી અને સિતાંશુ યશશ્ચંદ્રના વિવેચનગ્રંથોનો મેં સઘન સ્વાધ્યાય કર્યો છે અને એમની સાહિત્યતત્ત્વનું ચિંતન કરવાની અને કૃતિવાચનની અનેકવિધ પદ્ધતિઓનો હું જીવંત સાક્ષી બન્યો છું. એક અધ્યાપક તરીકે મારા હૃદયમાં આ બધા આધુનિક વિવેચકો પ્રત્યે, એમની સાહિત્યપ્રીતિ અને વિદ્યાપ્રીતિ પ્રત્યે મને ખૂબ આદર છે. સાહિત્યસિદ્ધાંત અંગેની ઊંડી સૂઝ આપનારા આ સૌ વિવેચકોએ મને કૃતિઆસ્વાદની ચાવીઓ આપી છે, તો સાહિત્યતત્ત્વથી સભર થવા માટે અનિવાર્ય એવા પુરુષાર્થોનો પરિચય આપ્યો છે. મારી રસસંવિત્તિને સમૃદ્ધ કરનારા આપણા આ સંનિષ્ઠ સાહિત્યકૃતિઓનું વાચન કરવા માટે જે કલાદૃષ્ટિ આપી છે તેનો હિસાબ હજુ આપણે આપી શક્યા નથી. સંઘની એક જવાબદાર વ્યક્તિ તરીકે પ્રસ્તુત વિષય પસંદ કરવા પાછળ બે કારણો છે. પહેલું કારણ એ છે કે આધુનિક ગુજરાતી વિવેચન દુર્બોધ છે એવી ભ્રામક વાતો અને વાચાળ આરોપોનો હું હ્રાસ કરવા ઇચ્છું છું. બીજું કારણ કે આપણા સમયની સાહિત્યિક સંસ્થાઓ અને અભ્યાસવર્તુળોએ આ વિવેચકોના કાર્યનું મૂલ્યાંકન કરવાનું લગભગ ટાળ્યું છે. જ્ઞાનસત્રો અને અધિવેશનો તેમ જ પરિસંવાદોમાં એમના વિવેચન વિશેની બેઠક કરવાનું ભાગ્યે જ બન્યું છે. આ અર્થમાં આધુનિક વિવેચકનું યોગ્ય અને તટસ્થ દૃષ્ટિએ વાચન કરવાનું બન્યું નથી. આ પરિસ્થિતિને હું સાહિત્યજગતનો કૂટપ્રશ્ર માનું છું તેમ જ સાહિત્યજગતનું રાજકારણ ગણું છું.

Politics of literature આ પરિસ્થિતિને કારણે આધુનિકોનું વિદ્યાસંચિત આપણા વર્ગો સુધી પહોંચી શક્યું નથી, કારણ કે આ વિવેચકોને વર્ગમાં કેવી રીતે શિખવાડી શકાય તે માટે બે-ત્રણ અપવાદો બાદ કરતાં (સુરેશ જોષી, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી) સંદર્ભ સામગ્રી ઉપલબ્ધ કરાવી શક્યા નથી. ખૂબીની વાત તો એ છે કે જે આધુનિક વિવેચકોએ આધુનિકતાવાદી સાહિત્યસિદ્ધાંતો અને કૃતિવાચનના ભિન્ન ભિન્ન અભિગમોનું સમૃદ્ધ વાચન આપ્યું છે એ જ વિવેચકોએ અનુઆધુનિકતાવાદી સાહિત્યસિદ્ધાંતો એ કૃતિવાચનના સાંસ્કૃતિક અને માનવતાવાદી અભિગમોની ચર્ચાવિચારણા પણ એટલી જ ગંભીરતાથી કરી છે. તેથી આજ દિવસ સુધી આધુનિક-અનુઆધુનિક વિષયના પરિસંવાદોમાં એમની ઉપસ્થિતિ નિર્ણાયક અને નિયામક બને છે. ઈ.સ. ૧૯૬૯ના ડિસેમ્બરમાં સાહિત્ય પરિષદના વિવેચન વિભાગના અધ્યક્ષ તરીકે સુરેશ જોષીએ આપેલા વ્યાખ્યાનનો વિષય હતો ‘વિવેચનનો અંત ?' આજે આપણી આગળ જથ્થાબંધ વિવેચનગ્રંથો, વિવેચનલેખો અને પરિસંવાદો ધસારાબંધ આવી રહ્યા છે. તેમને જોતાં જરૂર લાગે છે કે 'વિવેચન' સંજ્ઞા તેના સ્થાનથી ખૂબ નીચે ઊતરી આવી છે. આ દશામાં આપણને નવલરામ, બળવંતરાય ઠાકોર, રામનારાયણ પાઠક, ઉમાશંકર જોશી, સુન્દરમ્ જેવા વિવેચકોની સૈદ્ધાંતિક ભૂમિકાઓ ચોક્કસ ખપમાં આવી શકે પણ આધુનિક વિવેચકોમાંના ચાર વિવેચકો સમકાલીન વાતાવરણમાં આજે પણ સ્વાધ્યાયકેન્દ્રી છે. તેથી જ એમનું વિવેચનકાર્ય કઈ રીતે પ્રસ્તુત છે તે દર્શાવવાનું મેં પસંદ કર્યું છે. આધુનિક ગુજરાતી વિવેચનના પ્રારંભકર્તા સુરેશ જોષીના સમગ્ર વિવેચનમાંથી પસાર થતાં જે મહત્ત્વનાં કેન્દ્રો જોવા મળે છે તેમાં એમની વિવેચનાનું મુખ્ય કેન્દ્ર હતું - સાંપ્રત પરિસ્થિતિનું સતત અભિજ્ઞતાપૂર્વક નિદાન કરતા રહેવાની તીવ્ર લાગણી. સાહિત્યિક વાતાવરણમાં સાહિત્યતત્ત્વને વિઘાતક બનનારાં પરિબળો સામે એમણે સતત ઊહાપોહ કર્યો. પણ એમનો આ ઊહાપોહ હવાઈ ન હતો, કારણ કે ઊહાપોહ કરવા માટે એમને તાત્ત્વિક ઊર્જા આપનાર હતું પૂર્વ-પશ્ચિમનું ઉત્તમ સાહિત્ય! ઉત્તમ કૃતિઓની સહૃદયતાપૂર્વકની રસકીય ચેતના વડે એમણે વાતાવરણને ગતિમાન રાખ્યું. સાંપ્રત વિશે તાત્ત્વિક અસંતોષની સંવેદના સાહિત્યતત્ત્વ વિશેનો એમનો ઉચ્ચસ્તરીય માપદંડ સૂચવે છે. ઈ. સ. ૧૯૪૮ના વાણી સામયિકમાં સુરેશ જોષીએ વિવેચનની દશાનું સ્વરૂપ રજૂ કરેલું તે આજે પણ બદલાયું નથી: ‘વિવેચન ક્ષેત્રમાં પ્રવર્તી રહેલી અરાજકતા તરફ દુર્લક્ષ કરવું હવે પાલવે એમ નથી. એ અરાજકતા વિવેચનમાં અનિવાર્ય એવી વિવેકબુદ્ધિનો સમૂળગો ધ્વંસ કરી નાખે તે પહેલાં ચેતી જવું જરૂરી છે. વિવેચન અને જવાબદારીભર્યું કર્તવ્ય છે; પણ આજકાલ કલમને અજમાવી જોવા ખાતર પણ ઘણું ‘વિવેચન' લખાતું જોવામાં આવે છે. આ રીતે વિવેચનને નામે અંગત રાગદ્વેષની ચાલી રહેલી લીલા પર હવે પડદો પાડી દેવો જરૂરી છે.... આપણા સાહિત્યકારોમાં વાડાબંધીનું અનિષ્ટ પેસી ગયું છે. જાહેરમાં આ સંબંધમાં કશું કહેવાતું નથી. પણ અંદર અંદર આને કારણે ઘણો કચવાટ ચાલ્યા કરે છે. ધર્મના અનેક સંપ્રદાયો, જ્ઞાતિના અનેક ભેદપ્રભેદોની આપણે સખત ટીકા કરીએ ને સાહિત્યક્ષેત્રમાં આવા વાડાઓ ઊભા કરીએ એ સર્વથા અનુચિત છે. આ વાડાબંધી વિવેચનમાં તો ખાસ કરીને મોટું અનિષ્ટ થઈ પડે છે.. આ વાડાબંધીને કારણે કેટલીક સત્ત્વશીલ કૃતિઓની આપણા વિવેચને કેવળ ઉપેક્ષા કરી છે તો કેટલીક નિઃસત્ત્વ કૃતિઓને છાપરે પણ ચડાવી છે.’ (‘આપણું વિવેચન' ઈ. સ. ૧૯૪૮, વાણી; પુનઃમુદ્રણ: વિદ્રોહના ચહેરા, પૃ. ૧૧૩, ૧૧૪, પ્ર. આ. ૨૦૦૭, સં. રસિક શાહ, જયંત પારેખ) સાહિત્યકૃતિઓ અને સંદર્ભો વિશે એમનું દૃષ્ટિબિંદુ એ હતું કે સાહિત્યકૃતિ એ માત્ર ઐતિહાસિક પરિબળોની નીપજ નથી. ‘જર્મન કવિ હોલ્ડરલિને કવિતાને ક્રીડા કહીને ઓળખાવી હતી. એમાં રમનારા પોતાની જાતને ભૂલ જાય છે. માટે જ એને માનવીની એ સૌથી નિરુપદ્રવી પ્રવૃત્તિ લાગી હતી. પણ જર્મન ફિલસૂફ હાઈડેગર કહે છે કે કળા એવી ક્રીડા હરગિજ નથી. સાચી કવિતા એવું વિશ્વ સ્થાપે છે જેમાં દરેક પોતાને એ જેવો છે તેવો અને એવો શી રીતે થયો એ જાણે છે. ઇતિહાસ અને પરંપરા સાથે એને સંબંધ છે છતાં એ માત્ર ઐતિહાસિક પરિબળોની નીપજ નથી. એથી ઊલટું એમ કહેવું જોઈએ કે કવિતા જ સૌપ્રથમ ઇતિહાસને શક્ય બનાવે છે. એણે યોજેલાં કલ્પનો અને રૂપકોનું વિશ્વ ખડું થાય છે. સૌપ્રથમ આ વિશ્વમાં ઐતિહાસિક ઘટનાઓ આકાર ધારણ કરે છે. વળી, ભાષા એ માનવીના હાથમાં આવેલું સૌથી ખતરનાક ઓજાર છે, કારણ કે એ જેટલું પ્રગટ કરે છે તેટલું ઢાંકે છે. આપણને પરિચિત પરિમિત માનવીઓમાં ઘણી વાર માનવીની છબિ ઢંકાઈ જાય છે, આખરે એ જ આપણી વચ્ચેથી હદપાર થઈ જાય છે. આપણને અપરિચિતતામાં હડસેલીને વિસ્મય જગાડીને એ માનવીને શોધવા પ્રેરવા એ કવિતાનું કાર્ય છે. આ કાર્ય એણે એની અદ્વિતીય અનુકરણીય રીતે કરવાનું છે.’ (સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ, વિવેચન-૨, પૃ. ૨૦) આજે આપણે આ સાહિત્યિક ઊહાપોહ કરવાની ક્ષમતા ગુમાવી બેઠા છીએ. ચીલાચાલુ નબળી કૃતિઓ, પુસ્તકો કે સ્થૂળ સ્તરની સાહિત્યિક પ્રવૃત્તિઓની નિર્મમ ભાવથી સમીક્ષા કરવાની ઊર્જાનો આપણામાં અભાવ છે. ને તેમાં પણ ઊહાપોહ કે વિરોધ કરનારાને હાંસિયામાં ધકેલી દેવાની ખતરનાક મશીનરી પણ છે. એટલે એને કારણે નિર્માલ્ય અને સમાધાનકારી ચરણદાસોની સંખ્યા ખૂબ મોટી છે. સાંપ્રત વાતાવરણમાં સાહિત્યજગતમાં પ્રવેશી ગયેલાં વિક્ષોભકારક પરિબળોને દૂર કરવા માટે આપણને ઊહાપોહની ઊર્જાની જરૂર છે. જે આપણને સુરેશ જોષી ઉપરાંતના સર્વે આધુનિકો; સુમન શાહ, ચંદ્રકાન્ત ટોપીવાળા, શિરીષ પંચાલ અને સિતાંશુ યશશ્ચંદ્ર પાસેથી, એમના વિવેચનનો અભ્યાસ કરવાથી મળશે. આધુનિક વિવેચકોમાં સુરેશ જોષી, ચંદ્રકાંત ટોપીવાળા, હરિવલ્લભ ભાયાણી અને જયંત કોઠારીએ કાવ્ય સ્વરૂપનાં સિદ્ધાંતલક્ષી અને કૃતિલક્ષી વિવેચન સંદર્ભે જે અભ્યાસપદ્ધતિઓનો વિનિયોગ કર્યો છે તે આજે પણ આપણને ખૂબ જ પ્રસ્તુત છે. સાંપ્રત સમયમાં ગુજરાતી કાવ્યવિવેચનની સ્થિતિ ચિંતાજનક છે. સિતાંશુ યશચંદ્ર, હરીશ મીનાશ્રુ, બાબુ સુથાર, નીતિન મહેતા, કાનજી પટેલ, કમલ વોરા, યજ્ઞેશ દવે, ભરત નાયકનાં કાવ્યોનું વિવેચન કરવા માટે આપણે નૂતન ઓજારોની શોધ કરી શક્યા નથી. સુરેશ જોષીએ 'ગુજરાતી કવિતાનો આસ્વાદ' અને ‘નવોન્મેષ' દ્વારા કાવ્યવાચન માટેની જે ભૂમિકાઓ ઊભી કરી હતી તેને કારણે કવિકર્મની મહત્તા સ્થિત થઈ હતી. એ જ રીતે ચંદ્રકાંત ટોપીવાળાએ આધુનિકતાવાદી સમયગાળામાં રશિયન સ્વરૂપવાદ અને ભાષાવિજ્ઞાનના નૂતન અભિગમો વડે કાવ્યભાષાની વ્યાવર્તકતાનું વસ્તુલક્ષી રૂપ દર્શાવી આપ્યું હતું. ચંદ્રકાંત ટોપીવાળાએ આધુનિક કવિતાની ભાષાની ઓળખ માટે સૂચવેલું કે આ કવિતા માધ્યમવિદ્રોહની કવિતા છે. કવિ પોતાના માધ્યમ સામે જ - નિર્જીવ લપટા બની ગયેલા માધ્યમ સામે જ વિદ્રોહ માંડીને એનું નવું કલેવર કેવી રીતે ઘડે છે એની વિચારણા એમનાં ‘પ્રતિભાષાનું કવચ' અને 'અછાંદસમીમાંસા' જેવાં પુસ્તકોમાં રજૂ થઈ છે. કાવ્યવિવેચન માટેનાં ઓજારો ઘડવા માટે પૂર્વ-પશ્ચિમના સમકાલીન સિદ્ધાંત પ્રવાહો સાથે સતત જોડાયેલા રહેવું અનિવાર્ય છે. આ વલણને કારણે જ ટોપીવાળા ‘બહુસંવાદ'ના વિભાવને સ્થિર કરે છે. અને નવ્ય ઇતિહાસવાદની ભૂમિકાએ સુધારક યુગની કૃતિઓનું નૂતન વાચન કરી શક્યા છે. ‘આજની કવિતા: પ્રતિભાષાનું કવચ' એ લેખમાં ચંદ્રકાંત ટોપીવાળાએ આધુનિક કવિતાની ભાષાનું સ્વરૂપ દર્શાવ્યું છે: ‘કવિતા, આમ, પરિચિત ભાષાનું અપરિચિત સ્વરૂપ સામે ધરે છે. રશિયન સ્વરૂપવાદીઓએ એના making the familiar strange ostreueniye સિદ્ધાંતમાં એ સ્વરૂપને તપાસ્યું છે. કવિતાનું આ પ્રકારનું ભાષાસ્વરૂપ આપણી અપેક્ષાને વિચલિત કરે છે. આપણી જડીભૂત સંવેદનાઓને ઉત્તેજે છે. આપણી ટેવવશ સંવેદનની રીતિઓ પર આક્રમણ કરે છે અને એનું આમૂલ રૂપાંતર કરે છે. કવિતા કે કલાનું કામ જ આપણને irritate કરી સ્થિતિમાંથી ઊંચકીને ગતિમાં મૂકવાનું છે. આજની કવિતામાં આ શક્ય બન્યું છે, કારણ કે સમૂહ માધ્યમોના અતિવિસ્તારને કારણે મોટા પાયા પર અત્યંત સામાજિક વસ્તુ બની બેઠેલી ભાષા સામે, દરેક રચનાએ કવિનો એમાં જંગ હોય છે. આ જંગમાં કવિ વ્યવહારના નકરા ભાષાપદાર્થથી ઊંફરાટે જાય છે. પુખ્ત ભાષક તરીકે વ્યવહારભાષામાં એને જે સંપૂર્ણ રૂઢિઓનો સ્વીકાર કરી, વ્યવહારભાષામાં વ્યક્તિલોપ અનુભવેલો, એની સામે કવિતામાં એ વ્યક્તિતા ફરી હાંસલ કરવા (to reclaim individuality from language) ભાષાને તદ્દન વિચિત્ર વ્યવસ્થાથી (idiosyncratic) નવી રીતે રચવા-જન્માવવા પ્રેરાય છે. અત્યાર સુધી ભાવકને કશુંક પહોંચાડવાના ભાવકલેખન (readerly script)ની સામે આ સર્જકલેખન (writerly script)નો પ્રકાર છે. બહારનાં પરિબળોની નિયંત્રિત કે બહારની જરૂરિયાતોથી પ્રેરિત બાહ્ય ચલચિત્રો (extermal films)ની સામે આંતરિક અનિવાર્યતામાંથી જન્મતાં અને વૈયક્તિક શક્તિઓથી નિયંત્રિત આંતર ચલચિત્રો (internal films)ને જે રીતે એડ એમ્શવિલરે ઓળખાવવાનો પ્રયત્ન કર્યો છે તે જ રીતે અહીં આ કવિતાને અત્યાર સુધીની external કવિતાની સામે internal કવિતા તરીકે મૂકી શકાય. આ કવિતાનો માર્ગ સહીસલામતીનો, સુરક્ષિતતાનો કે લોકપ્રિયતાનો નથી જ, કદાચ સફળતાનો પણ નથી. એમ છતાં, વિનષ્ટિ નજીકની આ ભાષા આપણી શૂન્યતાના કદાચ ગહનતમ વ્યાકરણને જાળવે છે. આ કવિતા રચવા અને સમજવા ભાષાસામર્થ્ય કરતાં જુદા પ્રકારનું કવિતાસામર્થ્ય (poetic competence) હોવું આવશ્યક છે. કવિતા પાસે ગયા વગર કે આ પ્રકારનું સામર્થ્ય કેળવ્યા વગર જો, ભૂતકાલીન કવિતાવારસાને જોરે મુસ્તાક રહી કોઈ પૂછે કે ‘આ કવિતા શું છે?’ તો એને જાઝ સંગીત વિશે પ્રશ્ન કરનાર સંનારીને લૂઈઝ આર્મસ્ટ્રોંગે આપેલો ઉત્તર આપી શકાય. 'Lady,’ He said, if you have to ask, you will never know.’ (પ્રતિભાષાનું કવચ, પૃ. ૩, પ્ર આ. ૧૯૮૪) આધુનિક યુગમાં સ્થિર થયેલી એલિયટની સાહિત્યભાવનાથી જુદી રીતે અનુઆધુનિક યુગમાં ચંદ્રકાંત ટોપીવાળા રૂપાંતરના સિદ્ધાંતને ફેર તપાસની ભૂમિકાએ નવા સંદર્ભમાં રજૂ કરે છે. ‘સાહિત્યક્ષેત્રે સતત થોડી માત્રામાં, મોટી માત્રામાં કે પૂરી માત્રામાં રૂપાંતર Transformation કેન્દ્રસ્થાને રહે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રે પણ સ્થાયીભાવનું રસમાં રૂપાંતર તાક્યું છે. પ્લેટો અને ઍરિસ્ટોટલે પોતપોતાને સ્થાનેથી રૂપાંતર ઇચ્છયું છે… એલિયટ સુધી આવતાં રૂપાંતરનો મામલો સાહિત્યક્ષેત્રે વધુ સંકુલ બન્યો છે. એલિયટ લાગણી અને વ્યક્તિત્વલોપના બિનંગત કાવ્યસિદ્ધાંત માટે વસ્તુલક્ષી ભૂમિકાની શોધમાં વસ્તુલક્ષી સહસંયોજકો Objective Correlativesની વિભાવના લઈને આવે છે. કવિની સર્જનપ્રક્રિયાને વધુ નજીકથી જોવામાં આવે તો એલિયટે સ્થાપેલા વસ્તુલક્ષી સહસંયોજકોથી ઊફરો માર્ગ પસંદ કરવો પડે. લાગણી, આત્મવર્તી અનુબંધો - Inner Connective અને લાગણીનું કલાત્મક રૂપાંતર. કવિ લાગણીથી કે પોતાના વ્યક્તિત્વથી પલાયન ઇચ્છે છે, એ પોતાની લાગણી અને પોતાના વ્યક્તિત્વની ભીતર વસ્તુઓ ખેંચાતી આવે છે એનું વિશિષ્ટરૂપે રૂપાંતર ઇચ્છે છે. સર્જનની ક્ષણે પલાયન બહાર નહીં પણ પલાયન લાગણીમાં, પલાયન વ્યક્તિત્વમાં થતું રહે છે. અને એમ અનુબંધો Connectives રચાતા આવે છે. સર્જનપ્રક્રિયામાં વસ્તુલક્ષી સહસંયોજકો નહીં પણ આ આત્મવર્તી અનુબંધોને સમજવા જરૂરી છે... સર્જનપ્રક્રિયા વ્યક્તિત્વમાંથી કે લાગણીમાંથી છુટકારો મેળવવાની પ્રવૃત્તિ નથી, પરંતુ વ્યક્તિત્વમાં અને લાગણીમાં વસ્તુઓને ખેંચી એનું રૂપાંતર કરવાની પ્રવૃત્તિ છે. સર્જનાત્મક અંતઃપ્રવેશ દ્વારા કવિ વસ્તુઓને સંક્રાન્તિમૂલક સંબંધ Transferential relationship સમર્પે છે.' (સાક્ષીભાસ્ય : પૃ. ૨૧થી ૨૩, પ્ર.આ. ૨૦૧૦) એ જ રીતે હરિવલ્લભ ભાયાણી જેમ સમકાલીન કથાસાહિત્યનું વિવેચન પણ થોડા અપવાદો બાદ કરતાં મોટે ભાગે સામગ્રીલક્ષી અને વાદપ્રચારક બની રહ્યું છે. તેનું મુખ્ય કારણ કથાસાહિત્યના વિવેચન માટેના નૂતન અભિગમોનો અભ્યાસ થતો નથી એ છે. આ સ્થિતિમાં ખાસ કરીને સુરેશ જોષી, સુમન શાહ, ચંદ્રકાંત ટોપીવાળા, શિરીષ પંચાલ અને પ્રમોદકુમાર પટેલનો કથાસિદ્ધાંતનો સ્વાધ્યાય જરૂર સહાયક બની શકે. કલાકૃતિના અસ્તિત્વ માટે સ્થૂળ સામગ્રીના હ્રાસ વડે સિદ્ધ કલા-આકાર આસ્વાદ્ય બની શકે એ કલાનિર્મિતીની પીઠિકાનું યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પુનરાવલોકન કરવાની જરૂર છે. ‘ઘટનાતત્ત્વનો હ્રાસ' એ કલાવિભાવ કથાસાહિત્યના વિવેચનમાં પ્રસ્તુત છે. સાહિત્યકૃતિ અને અખબારમાં આવતા અહેવાલ વચ્ચેની વ્યાવર્તકતા બતાવવા માટે રૂપનિર્મિતીનો વિભાવ કલાતત્ત્વની પ્રતિષ્ઠા કરી શકે છે. વાર્તાસંગ્રહોનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. એવા વાતાવરણમાં સુમન શાહની કથાસાહિત્યની સૈદ્ધાંતિક અને કૃતિલક્ષી વિવેચના માર્ગદર્શક બની શકે. સુમન શાહે કરેલું પ્રયોગશીલ ગુજરાતી નવલકથાઓનું કૃતિકેન્દ્રી સઘન વાચન આજે પણ ઊર્જાશીલ છે. કૃતિવાચનની નિજી પદ્ધતિ કૃતિનાં રહસ્યોને પ્રગટ કરે છે. સુમન શાહનો ‘દાખલા તરીકે ટૂંકી વાર્તાની ભાષા' એ સ્વાધ્યાયલેખ પરંપરાગત, આધુનિક અને અનુઆધુનિક ટૂંકી વાર્તાની ભાષાનું વાચન કઈ રીતે કરી શકાય તેનું સમર્થ ઉદાહરણ છે. ‘ભાષા આપણાં જી-વ-નોની ધારક, આપણાં અસ્તિત્વની ભૂમિકા એવા પહેલા સત્યના પ્રકાશમાં સાહિત્યકારો અસ્તિત્વગત ગૂંચોને ગૂંચોના ગૂંચવાડા સર્યા કરે અને ભાષા આપણાં સાહિત્યોની ધારક, આપણાં સર્જનોની ભૂમિકા એવા બીજા સત્યના પ્રકાશમાં એઓ ભાષાલીલાને નામે શબ્દગત ગૂંચો અને ગૂંચવાડા સજ્યા કરે – તે બંને, દુર્ઘટનાઓ છે. એવા બંને પક્ષે વહેંચાઈ જતા સાહિત્યમાંથી કોઈ એકની તરફદારી કરીને આદેશોની નેતાગીરી ઊભી કરવી કે એવી તરફદારીને જ આદર્શો ગણીને કોઈ એકના કેન્દ્રમાં સાહિત્યપદાર્થનું સંસ્થાકરણ કરવું - એ તો મહા દુર્ઘટના છે. પ્રારંભે મેં માણસ અને તંત્ર બેયનું અભિન્ન રસાયન ધરાવતા અનન્ય સર્જનફળની સ્પૃહા વ્યક્ત કરીને તેને એક ઘટના ગણી છે - એ ઘટનાનો આ પક્ષાપક્ષીમાં તો કશો સંભવ જ નથી દેખાતો. માણસ અને તંત્ર બેયનું અભિન્ન રસાયન સિદ્ધ કરતું અનન્ય સર્જનફળ ઓછામાં ઓછી આટલી સમ્પદા જરૂર ધરાવે છે: માણસ નામનું ચૈતન્ય એક ફૅક્ટ છે. તો સાહિત્ય એક ફિક્શન છે. એક હકીકત, એક આભાસ, ભાષા હકીકતને આભાસમાં બદલી નાખવાનું કરે છે, છતાં, અહીં બધું જ ફિક્શનલ નથી હોતું. એ જ રીતે, બધું ફૅક્ચ્યુઅલ નથી હોતું. કહો કે, ફિક્શનમાં ફેક્ટ અને ફેક્ટમાં ફિક્શન ઝલમલે છે. એ માટે સર્જકે પેલી કટોકટીને ધારી રાખી છે. વ્યક્તિ કે તંત્ર કોઈ એકનો પત્ર લઈ બીજાનો નાશ નથી કર્યો. અને એટલે જ એની સર્જકતા મૂળગામી બની છે. રૅડિકલ. એક તરફ માણસને એ આવરણો ભેદીને નગ્ન સ્વરૂપે તેની વ્યક્તિભાષામાં, તેના જી-વન-વિશ્વમાં ગ્રહે છે, એટલે કે, માણસને વિશેનાં સર્વસાધારણ મંતવ્યોને સ્થાને તેને તેના વડે જિવાયેલાં વૈશિષ્ટ્યોમાં ગ્રહે છે, કહો કે એ અનાવૃતિ મનુષ્યને ગ્રહે છે.' (કથા-સિદ્ધાંત- સુમન શાહ, પૃ. ૧૪૦, ૧૪૧, પ્ર. આ. ૨૦૦૨) જુદા જુદા સમયની વાર્તાઓ વચ્ચે ઉચ્ચાવચતા સ્થાપતી સ્થૂળ વિવેચનદૃષ્ટિનો અંત લાવવા માટે પ્રસ્તુત સ્વાધ્યાય સમર્થ છે. કિશોર જાદવ, સુમન શાહ, અજિત ઠાકોર, કિરીટ દૂધાત, અજય સરવૈયા, બાબુ સુથારની કૃતિઓનાં વાચન માટે અનુઆધુનિક કથાસિદ્ધાંતોનું જ્ઞાન મેળવવું જરૂરી છે. કિશોર જાદવ અને સુમન શાહની ઉત્તરકાલીન વાર્તાઓનું વિવેચન માત્ર રૂપલક્ષી ધોરણે કરવું યોગ્ય નથી. એ જ રીતે અજિત ઠાકોર કે કિરીટ દૂધાતની વાર્તાઓની સાંસ્કૃતિક અને સામાજિક પશ્ચાદ્ભૂમિઓને જાણ્યા વિના તે વાર્તાઓની સંરચનાઓને ઉકેલી શકાશે નહીં. વિવેચનગ્રંથો અને સામયિકોમાં પ્રકાશિત કથાસાહિત્યનાં વિવેચનો બિનકાર્યક્ષમ બૂઠાં ઓજારોને કારણે નિસ્તેજ બની રહ્યાં છે. આ સ્થિતિમાં પ્રોપ, તોદોરોવ, રોલાં બાર્થ, મિકિ બાલ, ચેટમેન અને ગેરાર્દ જેનેતના કથનકળાશાસ્ત્રના ગ્રંથો કથાસાહિત્યની કૃતિઓના નૂતન વાચન માટે અનિવાર્ય છે. વસ્તુ સંકલના, કથક અને કથનકેન્દ્ર તેમ જ પરિવેશ જેવાં ઘટકોની કાર્યક્ષમતા જાણવા માટે કથનકળાશાસ્ત્રના સિદ્ધાંતો માર્ગદર્શક બને છે. આજે જ્યારે લોકસાહિત્ય અને આદિવાસી સાહિત્યના અભ્યાસની પરંપરાઓ સક્રિય છે તેમાં નૃવંશશાસ્ત્રીય, સંરચનાવાદી કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો લોકનાં સાહિત્યનાં અજાણ્યાં કલાસ્થાનોને ઉજાગર કરી શકે છે. વ્લાદીમીર પ્રોપ અને તોદોરોવની કથાવચનદૃષ્ટિનો પરિચય આપણી કથાલેખન પરંપરાનાં આંતરસૂત્રોને પ્રકાશમાં લાવી શકશે. પ્રોપનો રશિયન ફેઇરી ટેલ્સનો અભ્યાસગ્રંથ ‘Morphology of folktale” અને તોદોરોવનો ‘Decamaron'નો અભ્યાસ માર્ગદર્શક બની શકે છે. સાહિત્યવિવેચનના ઇતિહાસમાં વિવેચનની નિયતિરૂપે કેટલાક અંધાપાઓ અવશ્ય જોવા મળશે. પરંતુ નિયતિરૂપ અંધાપાઓ દૂર કરીને પુરોગામીના પ્રદાનને પુનઃ યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવાનું ઉદારમતવાદી વલણ આજે જરૂરી છે. એ વલણના સમર્થ પુરસ્કર્તા વિવેચક શિરીષ પંચાલ છે. કોઈ એક અભિગમના અનુશાસનકાળમાં કૃતિ, સર્જક અને વિવેચકનું યોગ્ય મૂલ્યાંકન થયું નથી એવી પ્રતીતિ થતાં અભિગમના અનુશાસનમાંથી કૃતિ, સર્જક, વિવેચકને બીજાં પરિપ્રેક્ષ્યોથી જોવાની વિધાયક દૃષ્ટિ શિરીષ પંચાલ અને ચંદ્રકાંત ટોપીવાળા આપે છે. શિરીષ પંચાલે 'વાત આપણા વિવેચનની' અને ‘વિવેચનપોથી' વડે આ દૃષ્ટિનો પરિચય આપ્યો છે. કાફકા, સાર્ત્ર, કૅમ્યૂના ભાવવિશ્વથી જુદા ભાવવિશ્વની યાયાવર વાર્તાઓના અનુવાદો વડે શિરીષ પંચાલે પરંપરાગત વાર્તાલેખનની ક્ષમતાઓનો પરિચય કરવ્યો છે. સાહિત્યકૃતિના વિવેચન માટે કૃતિલક્ષી અભિગમ જ સક્ષમ નથી પરંતુ કૃતિવાચન માટે સાંસ્કૃતિક સંદર્ભો પણ જરૂરી છે. એવી અનિવાર્યતા પ્રમાણીને શિરીષ પંચાલે ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાત’ અને ‘વીસમી સદીનું ગુજરાત' જેવા બે સંપાદનગ્રંથો દ્વારા સાંસ્કૃતિક સંદર્ભનું નિર્માણ કર્યું છે. સર્જક અને કૃતિને ઘડનારે સાંસ્કૃતિક ઐતિહાસિક પરિબળોની ઓળખ કરવાથી વિવેચક કૃતિનું સાંસ્કૃતિક અને માનવતાવાદી અભિગમથી વાચન કરી શકે. સંસ્કૃતિ અને સાહિત્ય વચ્ચે થતા આંતરસંવાદને સાંભળી શકાશે. વિવેચનનું વિવેચન કરવાની તટસ્થ પદ્ધતિનો પરિચય આપતા શિરીષ પંચાલના સ્વાધ્યાયલેખોએ ગુજરાતી વિવેચનકાર્યને પ્રતિષ્ઠા આપી છે. ‘સાહિત્યઇતિહાસલેખન: કેટલાક પ્રશ્નો' (પરસ્પર, પ્ર.આ. ૨૦૦૮) શીર્ષકનો દીર્ઘ લેખ એક પુસ્તિકાના કદનો છે. ને તેમાં વિવેચકે સાહિત્યના ઇતિહાસલેખનની પદ્ધતિ વિશે મૂળગામી વિચારણા કરી છે. સાહિત્યઇતિહાસના લેખન માટે પાયાની સંદર્ભસામગ્રી કઈ કઈ હોવી ઘટે તેની વિસ્તારથી ચર્ચા કરી છે. ‘સાહિત્યના ઇતિહાસલેખનના પ્રશ્નો તો સંકુલ તો છે જ. આપણે ગુજરાતી સાહિત્યના, ભારતીય સાહિત્યના અને ભારતીય ઇતિહાસ-સંસ્કૃતિના સંદર્ભમાં આપણા પ્રશ્નો તપાસવાના આગ્રહો રાખવા જોઈએ. પશ્ચિમની સૈદ્ધાંતિક વિચારણાને આધારે આપણા પ્રશ્નોનું મૂલ્યાંકન ન કરી શકાય. વળી, પરંપરાઓ બદલાય, એની સામે વિદ્રોહ થાય, એમાં નવાં નવાં તત્ત્વો પ્રવેશે એ બધું સાચું પરંતુ સાહિત્ય નામની જીવંત ઘટનામાં કેટલું ન્યૂનતમ હોવું જોઈએ જેથી એને સાહિત્ય નામ આપી શકાય? એ વિશેની આપણી દૃષ્ટિ વિશદ અને ઉદાર હોવી જોઈએ. મુખ્ય ધારાનું સાહિત્ય છે માટે એ મહાન જ હોય કે ઊતરતું જ હોય એવા પૂર્વગ્રહોને સ્થાન નહીં હોવું જોઈએ. જે નવા પ્રવાહો આવે - નારીવાદી હોય, શોષિત દલિત પીડિતોના હોય, વનવાસીઓના હોય - એ બધાને માટે આપણા કાવ્યશાસ્ત્રમાં કે સાહિત્યમાં સ્થાન હોવું ઘટે.’ (પૃ. ૧૪૩) પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસા, કલામીમાંસા, આકારવાદ, તુલનાત્મક કાવ્યશાસ્ત્ર, નવ્ય ઇતિહાસવાદ અને સત્તામીમાંસા જેવા ગંભીર વિષયોમાં વિચારણા કરનારા સિતાંશુ યશશ્ચંદ્રના ગ્રંથોએ આધુનિક ગુજરાતી વિવેચનમાં અભિનવ અસર ઊભી કરી છે. કાન્ટની કલામીમાંસા અને જગન્નાથની રમણીયતા વિભાવનાના સંશોધનપરક તુલનાત્મક અભ્યાસે તુલનાત્મક કાવ્યશાસ્ત્રના અધ્યયનની નૂતન દિશા ચીંધી છે. એ જ રીતે તુલનાત્મક અભિગમનું સમર્થ ઉદાહરણ ઉમાશંકર જોશી અને એલન ગિન્સબર્ગની કવિતાનો સ્વાધ્યાય છે. ભાષાને ભ્રષ્ટ કરતાં સત્તાતંત્રો સામે કવિચેતના ભાષાની અંત:ક્ષમતાની જે સુરક્ષા કરે છે તેનાં પ્રમાણો આ બે કવિઓની કાવ્યભાષા છે. સિતાંશુ યશશ્ચંદ્રની સાહિત્યિકવિચારણાનું સ્વરૂપ યુરોપીય અનુઆધુનિક વિચારધારાથી સંરચિત છે. તેમાં ખાસ કરીને સત્તાતંત્રો સર્જન પર કેવાં કેવાં નિયંત્રણો લાદીને વ્યક્તિમત્તાનો હ્રાસ કરે છે તેની વિચારણા કેન્દ્રસ્થાને છે. સંસ્થાનવાદી માનસિકતા સર્જનભાવનના અવકાશને રૂંધી નાખનારી છે. તેની વિશાળ પરિપ્રેક્ષ્યમાં ચર્ચા એમના ‘અસ્યા: સર્ગવિધૌ’ ગ્રંથમાં છે. ચંદ્રકાંત ટોપીવાળાએ સિતાંશુ યશશ્ચંદ્રની ‘મુક્ત અવકાશના વિવેચક’ તરીકે ઓળખ આપી છે. સિતાંશુ યશશ્ચંદ્ર ભાવકની કૃતિને ગ્રહણ કરવા માટેની રીત પાછળ રહેલા શાસકવર્ગની સત્તાવાહી સંરચનાઓને જાણવા પર ભાર મૂકે છે. એમની દૃષ્ટિએ કોઈ એક પ્રદેશ કે ભાષાના ભાવકની વાત નથી પણ ભાવકસમૂહ, કળાનું આસ્વાદન કરે તે ભાવકસમૂહની દૃષ્ટિને ઘડવા પાછળ શાસકવર્ગની નીતિરીતિ કારણભૂત હોય છે. એ નીતિરીતિને કારણે ઘડાતો ભાવક કૃતિનું અમુક જ રીતે વાચન કરવા માટે વિવશ બને છે. સૌંદર્યકેન્દ્રી અને રસકેન્દ્રી ભાવનવ્યાપારની વિચારણા અહીં ગૌણ બની રહે છે. એ વિસ્મયનો અહીં અંત છે. તેને સ્થાને ભાવકદૃષ્ટિ કે ભાવકરુચિને ઘડનારાં સર્વે સાંસ્કૃતિક પરિબળોની કાર્યપદ્ધતિ અને કાર્યસાધકતાને જાણવી જરૂર બન્યું છે. સિતાંશુ યશશ્ચંદ્રે નવી ભૂમિકાએથી અને નવા સંદર્ભો સાથે ભાવકચેતનાની વિશિષ્ટ ભાવપ્રક્રિયાનું સ્વરૂપ રજૂ કર્યું છે. ભાવક માત્ર અતીતરાગમાં રાચે અને સાંપ્રત સાથે જો સ્મૃતિને જોડી શકતો નથી તો તે સાચો ભાવક નથી, કારણ કે અતીતરાગમાં એક પ્રકારની ઊંડી નિષ્ક્રિયતા રહેલી છે. ભાવકકેન્દ્રી વિચારણાને આનંદ કે વિશ્રાંતિના વિભાવમાં ઊંચકીને તેને ભાવકના વ્યક્તિત્વઘડતરમાં વિચ્છેદ આણનારાં પરિબળોનું બિહામણું રૂપ દર્શાવીને સિતાંશુ યશશ્ચંદ્રે ભારતીય ભાવકની રુગ્ણ મનોદશા પ્રગટ કરી ઊંડો આઘાત આપ્યો છે. એ આઘાત ભાવકને જાગ્રત કરવા માટેનો પ્રકાર છે. ‘અંગ્રેજ પ્રજાના શાસનકાળમાં સ્થપાયેલી એ શાળાઓ દ્વારા સંસ્થાનવાદી શાસને આ પરંપરા સાથે એક મહત્ત્વનો ઐતિહાસિક વિચ્છેદ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તે પછીના દાયકાઓમાં સ્થાપાયેલી મુંબઈ વગેરે યુનિવર્સિટીઓએ વિચ્છેદને ઊંડો કરવાનું કામ કર્યું… આમ છતાં, આજે ભારતીય ભાવકની આંતરિક વિચ્છિન્નતા ચોંકાવનારી લાગે. આનું કારણ જેટલું સંસ્થાનવાદી પરિબળોમાં મળે, તેથી વધારે કદાચ અનુસંસ્થાનવાદી નવસંસ્થાનવાદી પરિબળોમાં મળી આવે. ૧૮૨૦થી ૧૯૫૦ના ગાળામાં શાળા-મહાશાળાઓ અને બીજી અનેક નવી, રાજ્યપ્રેરિત સામાજિક-સાંસ્કૃતિક વ્યવસ્થાઓ વડે ભારતીય-કલાભાવકનું આંતરિક જગત વિચ્છિન્ન થયું, તેથી ઘણું વધારે ૧૯૫૦થી ૨૦૦૧ સુધીના દશકોમાં ફાલેલાં જાહેર સમૂહમાધ્યમો વડે અને આંતરરાષ્ટ્રીય વ્યાપારી-આર્થિક પરિબળો દ્વારા પ્રેરાયેલી સામાજિક-સાંસ્કૃતિક વ્યવસ્થાઓ વડે છિન્ન-વિચ્છિન્ન થયું... આવો વ્યાધિગ્રસ્ત ભાવક હવે કવિતા પાસે એક પળે રચનાસૌષ્ઠવની કૃતિ-ભીતરી અપેક્ષા રાખે, બીજી પળે સામાજિક અન્યાયો સામેની જેહાદ રૂપે કવિતાને જોવા- જોવડાવવાનો આગ્રહ રાખે, તો ત્રીજી પળે એક લેખકની કેટલી ચોપડી ખપી, એક લોકસંતની સભામાં કેટલા હજાર લોકો (ચવાણું ખાવા અને ચોપાઈઓ સાંભળવા) આવ્યા, એક ગીતકારની કેસેટો કયા ગાયકે ગાઈ ને કેટલી કમાણી કરાવી ગઈ- એનાં લેખાંજોખાં કરવા લાગે.' મંજુ ઝવેરી પછી 'ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક'ના સંપાદક તરીકે સિતાંશુ યશશ્ચંદ્રની સંપાદનદૃષ્ટિ આપ ઓળખ, આ ઓળખ અને ઇતિહાસ, વાંચવું લખવું ફરી ફરી... જેવા નૂતન વિષયો પર કેન્દ્રિત છે. સભાના અંકોની પ્રસ્તાવનામાં અને વિશેષાંકોના આયોજનમાં ખાસ કરીને ઇતિહાસ અને વાચનલેખન વિશેની નૂતન વિભાવનાઓનો પ્રકાશ જોવા મળે છે. ‘સ્મૃતિ સંશોધન ઉદ્યમ' દ્વારા ગુજરાતની ટકાઉ ગઈ કાલને ગુજરાતની ટકાઉ આજ સાથે જોડી છે. સિતાંશુ યશશ્ચંદ્રની ઇતિહાસવાદ વિષયક વિચારણા એમના ઇતિહાસવિચારનું સ્વરૂપ રજૂ કરે છે. ‘ઇતિહાસવાદ, માણસના વૈયક્તિક તેમ જ સામાજિક જીવનને સમયના બલકે ઇતિહાસના સંદર્ભમાં સમજવાના પ્રયાસમાંથી નીપજી આવેલી એક સંશોધનપદ્ધતિ અને એક જ્ઞાનમીમાંસા છે. જીવનને સમજવાની આ રીત બે ભારે મોટાં ભયસ્થાનોને ચાતરીને ચાલે છે. (૧) માનવજીવનને સમયનિરપેક્ષ રીતે, કેવળ કોઈ શાશ્વતીના સંદર્ભે, ‘નેચરલ લૉ'ના બિનંગત નિયમોને વશ વર્તીને ચાલતી પ્રક્રિયા રૂપે જોવા-સમજવાનો એ ઇનકાર કરે છે. માનવજીવનને સ્વાતંત્ર્યશીલ માનવવ્યક્તિના સંદર્ભે, ઐતિહાસિક સમયના સંદર્ભે, ‘હિસ્ટોરિકલ લૉ'નાં સંચલનોના અભ્યાસમાંથી મળતા જ્ઞાનની સહાયથી સમજી શકાય એવી પ્રક્રિયા રૂપે જોવા-સમજવાનો એ આગ્રહ રાખે છે. એ રીતે હિસ્ટોરિઝમની ઇતિહાસપરક વિભાવના અને પદ્ધતિઓ એને મધ્યકાલીન યુરોપમાં પ્રચલિત ‘ડૉગ્મેટિઝમ' (ધર્મગ્રંથપરસ્તી)થી અલગ તારવે છે. (૨) એ જ રીતે બીજી તરફ હિસ્ટોરિઝમમાં માનવવ્યક્તિના સ્વાતંત્ર્યનો સ્વીકાર છે. ઇતિહાસની વિભાવનાને અને એની અભ્યાસરીતિને જ્ઞાનોપયોગી ગણ્યાં છતાં એને જીવનનિયંત્રક ગણવાનો જે ઈનકાર છે, તે હિસ્ટોરિઝમને હિસ્ટોરિસિઝમથી, હૅગેલિઝમથી અમુક પ્રકારના માર્ક્સવાદથી અલગ તારવે છે. આપણી પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન પરંપરાઓનો નૂતન પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ કરવા માટે ફાર્બસના વિશેષાંકો ‘આપઓળખની મથામણ' અને 'વાંચવું લખવું ફરી ફરી...'માં વાચનવ્યાપાર પાછળનાં પરિબળોની સક્રિયતાની ઓળખ મળે છે. રોલાં બાર્થ, ઈઝર અને ઉમ્બ્રેટો ઈકોની ભાવનવિચારણા આદર્શીકૃત ભાવનવ્યાપારની સામે નૂતન વલણો રજૂ કરીને ભાવકચેતનાનાં આંતરરૂપો અને તેના બંધારણના ઘટકોની ઓળખ આપે છે. કૃતિવાચનની જડ, નીરસ પદ્ધતિનો અંત લાવી દેનારો અભિનવ અનુઆધુનિક ભાવનસિદ્ધાંત આજે ખૂબ જ પ્રસ્તુત છે. ભાવકના ગમાઅણગમા સહિતનો ભાવનવ્યપાર ભાવકની જાગ્રત, અર્ધજાગ્રત અને અજાગ્રત સ્તરની સત્તાનો પ્રદેશ ખુલ્લો કરે છે. ભાવનકેન્દ્રનું નિર્માણ કરનારાં તત્ત્વોથી મુક્તિ અશક્ય છે. ભટ્ટ નાયકના સાધારણીકરણ વ્યાપારના વિભાવથી નૂતન ભાવનવ્યાપાર પાયાથી જુદો પડે છે.’ આધુનિક ગુજરાતી વિવેચનની ભાષા દુર્બોધ છે, અન્વયદુષ્ટ છે એવું બોલનારાઓને ગણિત, વિજ્ઞાન કે તત્ત્વદર્શનના સ્વરૂપની સામે પણ વાંધા પડવાના. સુબોધ અને સુવાચ્યના તકલાદીકાવ્યશાસ્ત્રની સ્થાપના કરવા માટે આતુર વાચકો અનેક ગંભીર વિવેચકોને નિષ્કાસિત કરવાનું ફરમાન કરીને વર્ગશિક્ષણ, સાહિત્યઅધ્યયન અધ્યાપનમાં ભીની પોચી ભાષામાં સાહિત્યશિક્ષણ આપશે. આનાથી છેલ્લાં દોઢસો વર્ષની વિવેચનપરંપરાએ ઉપલબ્ધ કરેલાં સત્યોથી આ નવી પેઢી વંચિત બની જશે. વાચક-વિદ્યાર્થીના ચિત્તમાં દુર્બોધતાનો પ્રોગ્રામ દાખલ કરીને સુબોધ સાહિત્યનું શરબત માગનારી માંદલી મનોવૃત્તિનાં મૂળ ઊંડાં જઈ રહ્યાં છે એની સાહિત્યના અધ્યાપક તરીકે મોટી ચિંતા છે. પંડિતયુગના સમર્થ કાવ્યવિવેચક બળવંતરાય ઠાકોરે નારિકેલપાકના વિભાવ દ્વારા સાહિત્યકૃતિની ઉપલબ્ધિ કરવા માટે અનિવાર્ય મનોયત્નનો પક્ષ લીધો હતો. આપણા વર્ગશિક્ષણમાં પડકારરૂપ વિષયો અને કૃતિઓનો સામનો કરવા માટે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સુસજ્જ બનશે તો જ સાહિત્યતત્ત્વની પ્રતિષ્ઠા કરી શકીશું. અન્યથા માહિતીની આપ-લે અને પરીક્ષાતંત્રોની ભીંસ આપણી રસસંવિત્તિને ક્ષીણ કરી નાખશે પછી આપણે ‘ભાષા'ની અનુપસ્થિતિમાં પ્રલાપો અને બબડાટોવાળી ઉન્માદી મનોદશાથી સાહિત્યની શ્રીનો સંસ્પર્શ કરવાની શક્તિ ગુમાવી દઈશું. પરંતુ આવું ન જ બને એ સ્થિતિનું નિર્માણ કરવા માટે આપણે સૌ સંકલ્પ કરીએ એવી ભાવના રાખું છું. મારા અભ્યાસખંડના ટેબલ પર કરમશી પીરનો ગ્રંથ ‘બહુવચન' છે, ચંદ્રકાંત ટોપીવાળાનો પુરસ્કૃત ગ્રંથ 'સાક્ષીભાસ્ય' છે, સુરેશ જોષીના અગ્રંથસ્થ સાહિત્યની ગ્રંથશ્રેણી છે, મિશેલ ફૂકોનો ગ્રંથ ‘Madness and Civilization' ‘The Cultural Politics of the New Criticism' છે અને મિત્ર બાબુ સુથારે ઈ-મેઈલમાં મોકલાવેલ દુર્બોધતા પરના લેખો છે. સમૃદ્ધ વાચનસામગ્રીને જોતાં મારા શિક્ષકજીવને ખૂબ નિરાંત એ વાતની છે કે હજુ મારી પાસે વિદ્યાયાત્રા કરવા માટેનું જરૂરી ભાથું આ છે તો હું કેવી રીતે દરિદ્ર બની રહું? ના ક્યારેય નહિ ને એ જ તો મારી ઓળખ છે.

સાભાર સ્વીકાર અવળનાણી : સ્વરૂપ અને સાહિત્ય (શોધનિબંધ, ૨૦૧૨) : કવજી રોકડ. પ્ર. લેખક. સોહમ્, ખોડપરા મેઇન રોડ, જેતપુર-૩૬૦૩૭૦. પૃ. ૪૬૪. મૂ રૂ. ૪૫૦ સંપર્ક : ૯૪૨૭૫ ૦૫૧૯૩. સાહિત્ય અને સિનેમામાં ઈતિહાસ (લેખો, ૨૦૧૨): સંપાદક : ધ્વનિલ પારેખ પ્ર. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. પૃ. ૨૪૮. મૂ. રૂ. ૩૫૦. આલ્બેર કામૂ અને સિતાંશુ યશશ્ચંદ્રના સાહિત્યમાં ‘સ્વ'નાં વિવિધ પરિમાણો (શોધનિબંધ, ૨૦૧૩): ડૉ. અમિતા શ્રોફ. પ્ર. લેખિકા પદ્મજ, ૩૩, જયહિન્દ સોસાયટી, ૧૧મો રોડ, જે.વી.પી.ડી. સ્કીમ, મુંબઈ-૪૦૦ ૦૪૯. પૃ ૩૬૮. મૂ. રૂ. ૩૦૦. સંપર્ક : ૯૮૨૦૨ ૯૫૧૫૮.

***
  1. ૧. ગુજરાતી અધ્યાપક સંઘના ૯-૧૦ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ વડોદરામાં યોજાયેલ ૬૨મા વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન.