ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા : અછાંદસનો રચનાબંધ

From Ekatra Wiki
Revision as of 21:21, 3 April 2024 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સિતાંશુ યશશ્ચંદ્રની કવિતામાં અછાંદસનો રચનાબંધ* [1]

અછાંદસ કવિતા અંગેની આ સભામાં મારે પણ વાત તો કવિતા વિશે જ કરવી છે પણ એ પહેલાં કવિનો ટૂંક પરિચય : સિતાંશુ યશશ્ચંદ્ર. પચાસ વર્ષથી કવિતા લખે છે. હા, ૧૯૬૨થી આ ૨૦૧૨. પણ આ પચાસ વર્ષમાં એમણે કવિતાની કેવળ ત્રણ ચોપડીઓ આપી છે – આટલીવારમાં બીજાઓ પંદર ચોપડીઓ પણ આપી શકે. ભલે એમણે આ ત્રણ જ કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યા૨, પણ આપણો સમય તો, એથી, બચતો જ નથી! પંદર ચોપડી વાંચતાં વાર લાગે એટલી વાર આપણને આ ત્રણ વાંચતાં લાગવાની. આ કાવ્યોમાં અર્થવિસ્તાર થઈ શકે એવી સગવડ ખાસ નથી, પણ મર્મવિસ્તાર એટલો થાય/ થઈ શકે એમ છે કે ઝટ પાર જ ન આવે. આવી અગવડોને કારણે કોઈ અધ્યાપકમિત્રે મને કહેલું, ભણાવતાં બહુ કષ્ટ થાય છે૩. મેં કહ્યું, તમે જુઓ, એ કવિતા આનંદ પણ આપશે, પંક્તિઓ ઉથલાવી-ઉથલાવીને થાકી જાઓ એ શરતે આનંદ આપશે. હશે. હવે કવિતા. અછાંદસની એક, બિલકુલ આજની, સમજ એ છે કે જેમાં છંદ કે છંદગંધ હોય જ નહીં તે અછાંદસ કવિતા; જેમાં ગીત કે ગીતલય તો હોય જ ક્યાંથી? – તે અછાંદસ કવિતા. પરંતુ, સિતાંશુ યશશ્ચંદ્રની(હવે પછી સંક્ષેપસુવિધાર્થે ‘સિતાંશુ’ની) કવિતાને આ સૂત્ર લાગુ પડતું નથી૪. આ કવિની અછાંદસ કાવ્યકૃતિઓ, ઘણીખરી, ત્રિફલા છે. ઉમાશંકર જોશીની એક કાવ્યકૃતિ ચતુષ્ફલા હતી –એવું સિતાંશુએ પણ કહેલું, એ સૌને યાદ આવશે૫. વળી, આયુર્-વેદિક ઔષધિઓમાં ત્રિફળા ઉપરાંત બીજી કેટલીક ઘૂંટેલી સંયોજિત ઔષધિઓ પણ હોય છે – જેમ કે સુવર્ણ-વસંત-માલતી, મહાલક્ષ્મી-વિલાસ-રસ, ઇત્યાદિ. એમ સિતાંશુની કવિતા પણ વિવિધ રૂપે-રચનાએ ઘુંટાયેલી ને તેથી કરીને સ્વાદ્ય-સંકુલ છે. એક પાદનોંધ એ કરવાની છે અહીં ચાલુ લખાણે, કે, વૈદકશાસ્ત્રમાં ત્રિફળા નામનું ઔષધ રચાયેલું છે પણ નિષ્ફળા નામનું ઔષધ શોધાયેલું નથી – ભલે એવું ઔષધ ગુજરાતી ભાષાની કેટલીક હાલની શુદ્ધ અછાંદસ રચનાઓમાં હયાત હોય. તો, સિતાંશુની અછાંદસ કવિતાનું રચનાવિધાન અને લયવિધાન જ એવું છે કે એમાંથી છાંદસલય અને ગીતલયની વાત બાકાત રાખી શકાય નહીં. એમનો અછાંદસલય ઘણી કૃતિઓમાં પ્રગટ રીતે ને હમણાંની કેટલીક કૃતિઓમાં અપ્રગટ રીતે પણ સંકુલ તરેહોવાળો છે, જે સાંભળવે કળાય છે. એટલે માંડીને નહીં પણ ભૂમિકારૂપે, એની કેટલીક વાત કરીએ.

નાન્દી સિતાંશુની આજ લગીની કવિતામાં, ત્રણે સંગ્રહોમાં, અછાન્દસની સાથેસાથે જ અક્ષરમેળ છંદોનાં કાવ્યો છે – સ્વતંત્ર, સ્વચ્છ, સ્પષ્ટ છંદગૂંજવાળાં; ગીતો પણ છે – સ્વતંત્ર, સ્વચ્છ, પૂરાં લયવાહી. ગીતની તેમજ અછાંદસની સાથીદારી કરતા તેમજ સ્વતંત્ર કૃતિઓરૂપે આવતા માત્રામેળ પણ છે. એટલે કે કવિનો કાન સમસ્ત લયપરંપરા સાથે બિલકુલ અનુબદ્ધ છે. જુઓ ‘ઓડિસ્યૂસનું હલેસું’ માં – ૧. શિખરિણી : મિનારે મૂકેલો સમય : દ્વય હસ્તો અદબમાં / મળ્યા, (‘ફરી ચાલવું’, પૃ. ૪૫) અને ૨. ઉપજાતિ : વિયોગના / ઊગ્યા દિનો આંગણનાં તૃણોમાં (‘એક કાવ્ય’, પૃ. ૪૮)૬ શરૂઆતની, ૧૯૬૩-૬૪ની આ કૃતિઓ, ૨૦૦૯માં થતી નવી આવૃત્તિઓમાંથી પણ કવિએ હડસેલી નથી; એટલું જ નહીં, ૨૦૦૫માં પણ એક વૃત્તબદ્ધ કૃતિ, જરાક હળવાશના હડદોલાપૂર્વક, કવિ આપે છે. વાંચીએ ‘વખાર’ સંગ્રહમાં – તે સાઠના થઈ ગયા શું, પ્રબોધલલ્લા? (અહીં અલ્પવિરામ શા માટે? તો કે એની બંને બાજુનો કાકુ સંભળાવવા માટે.) ૩૩ લીટીની આ, ‘કવિતાઈ સ્પેસ’ આપતી, કૃતિની છેલ્લી બે પંક્તિઓ ચાખી લઈએ? : ડિક્લેર, મિત્ર, ડિક્લેર કરો જી સદ્ય, કે સાઠ તે વરસ નૈં, પણ માસ, હૃદ્ય (પૃ. ૯૦, ૯૧) ગીતો પણ છે, ગણ્ય માત્રામાં. ‘ઓડિસ્યૂસ’માં આટલી વધુ જાણીતી, માત્રામેળી સંધિઓ યોજતી, ગીત-રચનાઓ છે : ‘ખરી પછાડી, પુચ્છ ઉછાળી દોડ્યા’ (પૃ. ૧૮); સુ. જો. વિશેની ‘સમુદ્રના ઉછાળનાર....’ (પૃ. ૩૧); ત્રીજી ‘જન્મીલું મરણ’ એટલે કે ‘આ પૂનમકેરો ચાંદ ઊગ્યો ને તળેટીઓને લાગ્યો એવો ભય હે રે!’ (પૃ. ૩૭) આ બધી કહેવાય ‘ગીત’રચનાઓ પણ એ ઝીલે છે રંગદર્શી નહીં પણ સર્રિયલ વિશ્વને. એટલે લયનો તાર તોડ્યા વિનાની આંતરિક તોડ-ફોડ છે એમાં. કોઈ એને ભલે પ્રતિ-ગીત કહે. પણ એક, ‘વગેરે વિશે એક સર્રિયલ ગીત’ (પૃ. ૩૬) એવા શીર્ષકવાળું કાવ્ય લયને પણ ફંગોળે છે ને ગીતના ખંડિત ઉદ્ગારોને – હાં, હો, હાં રે, ક્યાં રે, વગેરેને – તરતા રાખે છે; એટલે કે, અહીં ‘પ્રતિ’ વધારે, ‘ગીત’ ઓછું છે. પણ ગીતની વાત સમેટતાં પહેલાં એક વાત નોંધીને આગળ ચાલીએ કે ‘જટાયુ’માં વળી ‘રિયલ’ વિશ્વનાં પણ ગીતો છે : બિલકુલ સાજાં, બહિરંતર તોડફોડ વિનાનાં, મંજુલ. માત્ર બે કડીઓ સાંભળી લઈએ :

૧. તમિળની લાજલલિત મૃદુ નાર,
શ્રમથી, ધૈર્યથી, દૈન્યથી બાલા ધરે પયોધરભાર. (પૃ. ૫૬)
૨. નાળિયેર સોપારી કાજુ ને રાતાં
વેલાતી નળિયાનું એક ઘર!
મેરી મા, એવો મને આપજે વર (કેરલ કામિનીનું ગીત, પૃ. ૫૮)
‘વખાર’માં સવૈયાલયમાં એક ગીત છે –
ફરી ખભે છે કોટ, ફરી મજબૂત છે પગમાં જોડા,
આજ દુબારા અમે એક્ઠો તડાક દે કર તોડા. (પૃ. ૪૪)

– એનું શીર્ષક છે : ‘ચાલવું’ (સંબંધવિચ્છેદનું એક ગીત)’ હવે માત્રામેળ. જરાક ખુલ્લું, વ્યાપકભાવે, એક વિધાન થઈ શકે કે અછાંદસના મુખ્ય પ્રવેશદ્વારે ગુજરાતી કવિઓને માત્રામેળી છંદોલયનો સાથ રહ્યો છે. પૂર્વઆધુનિકકાળમાં માત્રામેળો કવિપ્રિય હતા. પછી અછાંદસપ્રવેશકાળના કવિઓએ કટાવચોપાયાસવૈયાદોહરા, આદિના લયને, ક્યાંક હરિગીતલયને – જે આત્મસાત્ હતા તે લયઅંશોને – સાથે લીધા. અછાંદસપ્રવાહમાં એને ક્યાંક પ્રગટ, ક્યાંક પ્રચ્છન્ન રીતે પ્રયોજ્યા, ક્યારેક આછા-ઓછા કર્યા, ક્યાંક વળી વચ્ચે તરતા કર્યા; નહીંવત્ પણ કર્યા – એવી એક ભાત ઊપસે છે.૭ અછાંદસમાં કાવ્યરચના કરતા સર્વ કવિઓમાં સિતાંશુની કવિતામાં માત્રામેળ-વ્યાપ કંઈક વિશેષ છે. એના બે તબક્કા છે – આગળપાછળ નહીં, પણ સમાંતર તબક્કા છે. એક તે સ્વતંત્ર માત્રામેળી કાવ્યો. કેટલાં બધાં, ને લગભગ બધાં જ જાણીતાં!  : ‘ઓડિસ્યૂસ’માં ‘કાળુ હળ’, ‘જ્યોતીન્દ્ર જૈનનાં ચિત્રો જોતાં’; ‘જટાયુ’માં ‘હાથી’, સૂફી દોહરા, ‘પ્રવીણ જોશીને અલ્વિદા’, ‘લક્કડબજાર’ ને ‘જટાયુ’; અને ‘વખાર’માં ‘સિંહવાહિની સ્તોત્ર’, ‘જલસ્તોત્ર’, ‘એક વેદના’, ‘પરબ’ વગેરે. પણ આ બધા માત્રામેળો કેવા છે? છંદોના નકશાવાળી ચુસ્ત ફૂટપટ્ટી મૂકીને જુઓ તો આગળપાછળ, ઉપરનીચે કેટલુંક બહાર લટકતું દેખાય. ‘જટાયુ’ સંગ્રહ પ્રગટ થયો ત્યારે કેટલાક મિત્રોને નિર્દોષ સંદેહ થયેલો કે, “કવિશ્રી છંદનું શાસ્ત્ર વીસરી ગયા છે કે શું? આ જુઓને? : ‘આમ તો બીજું કંઈ નહીં, પણ એને બહુ ઊડવાની ટેવ’ (‘જટાયુ’, પૃ. ૯).” પણ પેલી ફૂટપટ્ટી ભલે ઓછી કામ આવે, મોકળાશભરી લયરેખા અતૂટ રહે છે – સરવા કાને પકડાય છે. (ઉપરની પંક્તિ, એ રીતે ફરી વાંચશો.) માત્રામેળની બધી ખૂબીઓને લઈને કવિએ લયપ્રયોગ કર્યા છે. બલવંતરાય, ઉશનસાદિ કવિઓએે અક્ષરમેળ છંદોમાં પંક્તિવિસ્તાર કર્યા છે – લયને અખંડ રાખીને; એમ સિતાંશુએ માત્રામેળના બહિર્સંધિઓ તેમજ આંતર્સંધિઓને વિસ્તાર્યા છે; ક્યાંક દોહરાસવૈયાલયોનું સંયોજન કર્યું છે; ક્યાંક – ‘પ્રવીણ જોશીને અલ્વિદા’માં છે એમ – દોહરાબંધને છેડે ‘-રે’ લગાડીને મરશિયાના ગીતલયથી શોકપ્રશસ્તિને વેધક કરી છે; ક્યાંક કૌંસમાં (ને ક્યાંક વળી કૌંસબહાર પણ) શબ્દો/માત્રાઓને સંગોપીને કે મંદ્ર કરીને છંદપ્રવાહનો સમ સાધી લીધો છે. દૃષ્ટાંતો સાથેની એ બધી નોંધો, એ બધી ચર્ચા, અહીં જતી કરું છું – નહીં તો અછાંદસ કાવ્યો વિશે વાત કરવાનો સમય રહેશે નહીં. પરંતુ, ટૂંકમાં, કહું કે કીડીઓની હારનો નહીં પણ સમુદ્રનાં મોજાંનો લય કવિએ પકડ્યો છે ને આપણા કાનને સંપડાવ્યો છે. માત્રામેળના લયનું આ અ-બદ્ધ ફલક એમને અછાંદસમાં ઘણું ઉપ-યોગી બન્યું છે. ‘ઓડિસ્યૂસનું હલેસું’ સંગ્રહને આરંભે, પહેલા જૂથની શરૂઆતમાં, એક માત્રામેળી નાન્દી છે :

ડૂબ્યું જે જે તે તે બીજ
વન ઊગી સૃષ્ટિ આખી જ
તો, નાન્દ્યન્તે તતઃ પ્રવિશતિ અછાન્દસઃ

પ્રવેશ : ૧ સિતાંશુની કવિતાના અછાન્દસનાં ઘટકો અને પ્રયુક્તિઓ કયાં કયાં છે? કાવ્યકૃતિઓ લઈને એની મૂર્ત ચર્ચા થઈ શકે; પણ એ પૂર્વે, એનું એક રેખા-રૂપ બતાવી શકાય. આ રચનાઓનો એક લયબંધ, પૂર્વે નિર્દેશ્યું એમ, માત્રામેળી લયસંયોજનોથી ને ક્યાંક ગીત-લય-સંયોજનોથી રચાય છે. એમાં પરીકથાઓના, બાળજોડકણાંના લયનું સંમિલન પણ થયેલું છે. માત્રામેળી લય કેટલીકવાર પ્રગટ, ઉપર ઊપસેલો હોય છે તો કેટલીકવાર એ એટલો બધો પ્રચ્છન્ન હોય છે કે પંક્તિઓની પંક્તિઓ કોઈને અ-છંદ લાગ્યા કરે. ઘણી વાર તો પાસપાસેની પંક્તિઓમાં પણ છંદ-અછંદની જુગલબંધી જોવા મળે. અહીં તરત દૃષ્ટાંત આપવું પડશે. વાંચો –

ભાલુ ભાલુ ભાલુ ! તું પવિત્ર ને તું ચાલુ,
બાપજી, તું સનાતન વિશુદ્ધ ધમ્મ.
ભાલુ ભાલુ ભાલુ ! ક્રોસ પર તને નિહાલું.
તું મેમ્બર ને તું પેગંબર
(‘ઓડિસ્યૂસનું હલેસું’ પૃ. ૭૪)

પહેલી-ત્રીજી પંક્તિ માત્રામેળમાં, બીજી-ચોથી માત્રાઅમેળમાં બલકે અ-છંદ. છંદલય, આગળ કહ્યું તેમ, છંદની બરડતાને તોડતો ચાલે છે, હંમેશાં. છંદ તો યોજવો છે પણ રચનાને છંદવશ, છંદાશ્રિતા નથી થવા દેવી ને વળી પ્રવાહને – વક્તવ્યલયપ્રવાહને – ખચકાવા નથી દેવો એવી કવિમંછા એમાં સૂચવાય છે. બીજી પ્રયુક્તિ છે પ્રાસ. પ્રાસ પ્રયુક્તિ છે ને ક્યાંક ઘટક પણ છે. ઘણી વાર તો, કવિના સર્રિયલ કાવ્યવિશ્વમાં પ્રાસનું એક માયાવી રૂપ રચાય છે : પંક્તિઓ સુધી સળંગ પ્રાસ; વળી ગીતની જેમ, સૉનેટની જેમ અવાંતરપંક્તિપ્રાસ. ને ક્યારેક પ્રાસસંભ્રાંતિ કે પ્રાસાભાસ. અટકીને વાંચી લઈએ એનો એક નમૂનો :

ધરાર / ધોળી પ્રજા ઝલાવે તને
અને ધકેલે ‘જા સુલેહ કર’
હવે સાંભળો પ્રાસાભાસ –
સલાહ આપે શરણ માગ્યાની
તો આણ તને માગ્યા મરણની

આવી બીજી પ્રયુક્તિ છે વિરામચિહ્નોની, એકધારાં આવતાં, ટૂંકીટૂંકી દરેક પંક્તિએ થોભાવતાં પૂર્ણવિરામો (જેમ કે, ‘આ ઝાડ છે’, ‘જટાયુ - પૃ. ૩૬માં’); વિરામ-અવિરામના સાતત્યને તાદૃશ્ય કરતી પ્રયુક્તિરૂપે આવતાં અલ્પવિરામો (જેમકે, ‘ટક્યા, મથ્યા, ટક્યા, ટક્યા, મથ્યા તે? કેટલું મથ્યા છે?’ – ‘ઘેરો’ જટાયુ, પૃ. ૨૭); અર્થસંદિગ્ધતાને, સંભ્રાન્તિને વ્યક્ત કરી શકતા, સાથેલાગા સ્થાનફેરથી આવતા પ્રશ્ન-પૂર્ણ-વિરામો (જુઓ : ‘પથ્થરો તળે’, ઓડિસ્યૂસ. પૃ. ૨૯માં) અને આ : ‘પાપ – આ પાપ કોનું? / આ જે છે તે પાપ. (છે પાપ?) / (કે પાણી?)/ આને કહે કોઈ પાણી? / પાપ / (પાપ શેનું? પાણી.) – ‘પ્રલય’, (જટાયુ, પૃ. ૬); ક્યારેક આંતર્-વિરામ (દા.ત. ‘સુરેશ જોષીને’માં ‘હસી પડી નહેર, રેલ? વે હસી પડી.’ ઓડિસ્યૂસનું હલેસું. પૃ. ૩૧) જેવી આ વિરામચિહ્ન-નિર્માણની પ્રયુક્તિ એવી જ વળી વિરામચિહ્ન-લોપની પ્રયુક્તિ. પંક્તિઓ સુધી વિરામ-અભાવ. એટલે કે ન મૂકેલાં કે ખસેડી દીધેલાં વિરામચિહ્નોની યુક્તિની નહીં – વિરામચિહ્નોની અશક્યતાની પ્રયુક્તિ. એણે ઘણાં કાવ્યોમાં પ્રલંબ ઉદ્ગારો / કથનોને અવકાશ આપ્યો છે. એમાં લયનો એકસરખો આરોહ કે એકધારો અવરોહ જોઈ શકાય છે. બીજું એક ઘટક છે – પાત્રોક્તિનું, એકોક્તિનું, ઉદ્બોધકનું, કથકનું. અનેકવિધ લયતરેહોને એથી અવકાશ મળ્યો છે ને અછાન્દસની મોકળાશનો પૂરો કસ નીકળ્યો છે. ‘દા. ત. મુંબઈ’માં સર્રિયલ વિશ્વ મદારીની પાત્રોક્તિથી ઊઘડે છે. પણ અહીં ‘પાત્રોચિત ભાષા’ એવી, એકપરિમાણી રેખા નથી. મદારીના ઉદ્ગારવિશેષની સમાન્તરે જ કથકનો મર્મવિશેષ પણ સંભળાય એવી દ્વિ-આયામી પ્રયુક્તિ છે. એ જ રીતે, ‘વખાર’ કૃતિમાં એકોક્તિ છે એની સમાન્તરે અનેકોક્તિ સંભળાય છે : પેલા સરકારીઅધિકારીસાહેબે જ નહીં, વાચકસાહેબે પણ એ સાંભળવાની છે! ‘મગનકાવ્યો’માં દાઢમાં દબાવેલા વર્ણનની વચ્ચે ઉદ્બોધનો છે – વિવિધ આસામીઓનાં. ‘યુસુફ મહેરઅલી, એક્સ્ક્યૂઝ મી’ (‘વખાર’)માં સળંગ ઉદ્બોધન છે – કથકનું. જુઓ કે, બધે જ, પ્રસ્તુતથી અપ્રસ્તુત આલેખાય છે, ઊપસે છે. પણ લયવિશેષો બધા પ્રસ્તુતમાં જ ઊઘડે છે – એટલે સુધી કે કાકુઓ ઉદ્ગારસીમિત રહેતા નથી, આખી કાવ્યરચના પર છવાય છે. ધ્વનિરચના કહેવી હોય તો એમ પણ કહી શકાય. ‘યુસુફ મહેરઅલી, એક્સ્કયૂઝ મી’ કાવ્યમાં શું થાય છે? વાતચીત કરવા ઇચ્છનાર, મુલાકાત લેવા તત્પર કથક રિપોર્ટર નથી, કવિ છે; સર્જકનો કથક. એથી મોટો ફેર એ પડે છે કે આ રચના સામ્પ્રત-રાષ્ટ્રીય-વિમર્શના એક (અલબત્ત મજબૂત) પરિમાણની સાથે જ કવિસંવેદનાને ય આગળ કરતું એક બીજું પરિમાણ ખોલે છે. કવિ, મહેરઅલીને જ્યાં નિમંત્રે છે તે સ્થાન બીજું કોઈ નહીં પણ સ્વયં કવિતા છે! ને કવિનો કથક, મહેરઅલીને જે કહે છે એમાં અછાન્દસની પણ એક વિલક્ષણ ઓળખ સાંપડે છે :

તો, આવો, ત્યાં બેસીએ જરા નિરાંતે,
અમારા અછાન્દસ આસન પર,
જ્યાં આરામસે એલર્ટ રહી શકાય છે,
ને ચોકન્ના રહ્યે રહ્યે પણ જરા લેટી શકાય છે.
(‘વખાર’, પૃ. ૧૧૩)

પ્રવેશઃ ૨ હવે, આ વિમાનદર્શન પછી, સિતાંશુ યશશ્ચંદ્રની એક-બે કાવ્યરચનાઓ લઈને એમના અછાન્દસની ગતિ જોઈએ. એક સ્પષ્ટતા, કે, અહીં કાવ્ય અંગે કોઈ સળંગ ‘પરિચય’, કે ‘આસ્વાદ’ કે ‘રસવિશ્વની તપાસ’ કે એવો સર્વાંગીણ આશય નથી. અછાન્દસ રચના તરીકેના એના વિશેષોનો જરાક વિશ્લેષક હિસાબ આપવાનો જ એક ઉપક્રમ રાખ્યો છે. પહેલું જોઈએ : ‘દા. ત. મુંબઈ : હયાતીની તપાસનો એક સર્રિયલ અહેવાલ’ (‘ઓડિસ્યૂસનું હલેસું’, પૃ. ૯૧-૧૦૭. હવે આવનારી પંક્તિઓ પછી પૃષ્ઠક્રમ લખ્યા નથી.) આ કાવ્યમાં શબ્દઅર્થનો પરસ્પર સંબંધ લટકતો, તૂટ્યાસરખો છે ને ત્યાં અછાન્દસની ગતિ પ્રાસની વિવિધ પ્રયુક્તિઓથી સધાય છે; લયનું માયાવી વિશ્વ રચીને કવિ પેલી તૂટેલી સંબંધરેખાઓને આગળ હડસેલ્યે જાય છે, પરિણામે એ ગંજ એક ઑથારનો અનુભવ આપે છે. પંક્તિઓ સળંગ છાપેલી છે – ગદ્યમુદ્રણની જેમ. ક્રિયાપદોથી રચાતા પ્રાસથી વલયગતિને લય-નિયંત્રણ આવતું રહે છે ને ઑથારનો ભાર વધતો જાય છે. જુઓ, નમૂના લેખે – ‘બપોરે એ બળી જાય, પવન પ્રમત્ત વિંઝાય, બારણાં ભટકાય, કોઈ વિસ્તાર છોડીને ધાય, કોઈ સીમાડે રઘવાયું થાય [...] કટાયલા નકૂચા શિવાલયના ખેંચાય, લિંગે વળગેલો નાગ ઝબકાય, ફણા પટકાય.... એકધારી ચાલતી આ અછંદ પંક્તિઓમાં એકાએક જ માત્રામેળી દ્રુતગતિ પ્રગટે છે – નંદીની બરછટ ગરદન પર, નાગ ડાકલે, વીફર્યા ગગને, વાગ્યા વાગ્યા વાગ્યા વાગ્યા ઘંટ, આ પ્રલયકાળના ગાંડા ઘંટ, આ રક્તઝાળના ઘંટ, આ પડી ફાળના ઘંટ.... સ્થિતિનાં અને ગતિનાં વિવિધ રૂપો પ્રાસથી, શબ્દ-પુનરાવર્તનથી, શબ્દ-પરિવર્તનથી પ્રગટે છે. ત્યાંથી આગળ જતાં અછાન્દસની એક ઠાવકી ગતિ જોવા મળે છે. ‘છે’-કારાન્ત પંક્તિઓનું આ લય-વિધાન જોઈએ – આ નીચે ઊંડી નદી છે. આ ઉપર છે તે સાંકડો પુલ છે. આ ફાંકડો છે તે કિનારો છે. આ લીલું છે તે ઘાસ છે. આ ઘાસમાં ઊભો છે તે ઘેટો છે. આવા સરળ લાગતા દૃશ્યાંકનમાં વાચક અર્થનો આધાર શોધે ત્યાં જ – લયના સપાટામાં એ ભ્રાન્તિ સાથે અથડાય છે – વાંચીએ :

આ ઘાસમાં ઊભો છે તે ઘેટો છે
છે તો એક જ ને ઊભો છે નદીની બેય બાજુ.
બેબીલોગ, જબરો છે મારો બેટો, આ બેય બાજુ ઘેટો.
આ બેય બાજુ ઘાસ, ભાવે છે એને ખાસ.

આ ભ્રાન્તિને કંઈક સમજવા મથીએ ત્યાં, વળી આપણા કાન ચમકે છે. ફરી વાંચીએ –

જબરો છે મારો બેટો, આ બેય બાજુ ઘેટો.
આ બેય બાજુ ઘાસ, ભાવે છે એને ખાસ.

એકદમ, બાળકવિતાની, નર્સરી લય-લઢણમાં કવિ આપણને લઈ જાય છે. આને જ હું લયનું માયાવી રૂપ કહું છું, એ માયાવી રૂપમાં પેલું સર્રિયલ વિશ્વ, બરાબર બંધબેસતું મને લાગે છે. હવે આ માયાનું જ બીજું રૂપ – ન પ્રાસ, ન લય, ન વિરામચિહ્ન, ન વિરામ. જાહેરાતની ભાષાના એક શ્વાસે ઉચ્ચારાતા અનેક શબ્દોનો આ ઊલટો ચક્રવાત આપણને ક્યાં ફેંકી દે છે? જ્યાં ફેંકી દે છે ત્યાં જડે છે આપણને આ કાવ્યનું શીર્ષક.‘દા.ત.મુંબઈ...’ જુઓ : (ઘેટાનાં શિંગડાં અથડાય છે ને –) આ શિંગડાંનો ભૂકો શહેરની સિમેન્ટ ફેક્ટરીઓમાં વપરાય તો અક્સીર છે ભરોસાલાયક છે ખાતરીપાતરી છે વાપરો વાપરો ને શહેરનાં કોંક્રીટનાં બિલ્ડીંગો બનાવો ધરતીકંપ પ્રૂફ છે લાવારસ માટેના સલામત સેફ્ટી વાલ્વ કિફાયતી કિંમતે નાખી આપીશું ટ્રેડમાર્ક છે નકલિયા માલથી સાવધાન રહેજો એક જ ભાવ રસ્તામાં એક જ ભાવ સાવ પવનોનાં એકાએક જ ભાવ સાવ એકાએક જ ભાવ સાવ એકાએક જ ભાવ, પવનોમાં સાવ એકાએક જ જડે છે મને આ શહેર. આમ જાહેરાતિયા લાગતી સપાટ ભાષાની સપાટી હેઠળ સંભ્રાન્તિનું જગત એકશ્વાસે ઠલવાતું રહે છે. લયબદ્ધ ચાલતું, ને સરસ ઘડેલાં વ્યાકરણશુદ્ધ વાક્યો – જેમ કે ‘આ નીચે ઊંડી નદી છે’ –માંથી એકદમ અન્વયદુષ્ટ કે અન્વયશૂન્ય વિધાનોમાં સરતી રચનામાં, માધ્યમ પરની આ પકડને લીધે જ કવિ અવચેતનના અનિયંત્રિત વેગોને આકાર આપી શક્યા છે.... ધૅર ઇઝ અ મેથડ ઇન ધ મૅડનેસ. હવે આગળ. પ્રયુક્તિનો એક નવો સપાટો. હવે કવિ આપણને પરીકથાના ઢાળ પર ધીમે ધીમે ઉતારે છે – એને જાણે કે ખાસ લીલું ભાવે છે ઘાસ. ઘાસ તો મળે ક્યાંય? તેથી આ શહેર ખાતું નથી, આ શહેર પીતું નથી, આ શહેર પવનોની પાળે, આ શહેર મરણોની ડાળે. મરી ગયેલા સસલાવાળો ચાંદો ઊગ્યો છે – જરા અટકીએ. પરીકથાનો ઢાળ ઉતારતાં ઉતારતાં એકદમ જ કવિ ગીતલયની લપસણી પર આપણને જાણે કે સરકાવી દે છે. વાંચીએ – મરી ગયેલા સસલાવાળો ચાંદો ઊગ્યો છે એના ચોકમાં જી લોલ પછી તરત એક હડદોલો છે ભોંઠા પાડી દે એવો – મરી ગયેલા સસલાવાળો ચાંદો ઊગ્યો છે એના ચોકમાં જી રે એટલે ગંધ તો મારે જ ને, મારા ભાઈયું? આમ અ-છંદના આરોહો ને માત્રામેળ-ગીત-લયના અવરોહોના, અનિયમિત પણ નિયંત્રિત રચનાવિધાન વચ્ચે, અને વેરવિખેર લાગતાં સ્વપ્ન-વાસ્તવોની વચ્ચે, ચિત્રમાં ચિતરાયેલું પંખી દ્રાક્ષ ચાખવા ઊડવા માંડે ને પારધીના પ્રપંચમાં ફસાય – એવું કલ્પન ‘આપડને નથી ગમતું આ શહેર’ની અસહ્યતાનું આલંબન બની રહે, અંધ શહેરની બ્રેલલિપિને ઉકેલવાના રઘવાટમાં બધું લુપ્ત થતું રહે, આયનો અને બારણા વચ્ચેની ભ્રાન્તિ ચકરાયા કરે – એવી કેટલીક ચિત્તસ્થિતિઓ ઊપસે છે ને શમતી જાય છે. અનેકવિધ રૂપ ધારતા, સંકુલ બનતા, આ અછાન્દસ લયમાં કવિની સર્જકતા મૂર્ત થાય છે ને દુઃસ્વપ્ન જેવી ભયાનકતાનો ભાર વ્યંજિત થાય છે. આ ત્રિવિધ લયસંવાદો ‘ઓડિસ્યૂસનું હલેસું’ની કવિતામાં છે તે, અગાઉ કહ્યું એમ, પછીની કવિતામાં એક, પણ એકવિધ નહીં એવા, અછાંદસ લયમાં અંતર્ભાવ પામે છે. ૧૯૬૮-૭૦માં રચાયેલું પણ ૧૯૭૪માં પહેલા સંગ્રહને બદલે, ૧૯૮૬ના ‘જટાયુ’ સંગ્રહમાં છેક છેડે મુકાયલું ‘મોંએ-જો-દડો એક સુર્રિયલ અકસ્માત’ – એ છે તો ‘મુંબઈ’-કૃતિઓનું અનુજ કાવ્ય. એકબે વર્ષ જ નાનું છે. પણ એનો રચનાબંધ જુદો પડી આવે છે. વાક્યોના અન્વયની સંભ્રાન્તિ, અર્થસંભ્રાન્તિ તો અહીં પણ છે; અહીં રમૂજ-ઉપહાસ-શરારતને યોજતું વિલક્ષણ વાણીરૂપ પણ છે. માત્ર લયયોજના જુદી પડે છે. લયયોજનાની રીતે, મર્યાદિત દાખલા આપીએ તો પણ, આટલા દાખલા આપી શકાય : એ દરેકમાં લય-યોજના બદલાતી, નવાં બલકે જુદાં સોપાનો ચડતી જોવા મળશે. ‘પ્રલય’માં હજુ માત્રાલય, ગીતલય, મંત્રસ્તોત્રના લય – એવી પ્રયુક્તિઓ છે; ‘ઘેરો’ની લયયોજના એનાથી ખાસ્સી જુદી પડી આવે છે – એક સળંગ ને તંગ, તારસ્વરે રહેતો ઉદ્ગાર એમાં છે. ‘વખાર’ સંગ્રહની અછાન્દસ રચનાઓની લયભાતો બદલાઈ છે એમાં, અવાસ્તવને નિરૂપતી પૂર્વકૃતિઓમાં હતા તેવા જ ભયાનક બિકાળવા, ને વિરૂપ, પણ હવે સામ્પ્રત વાસ્તવને, કોચલું તોડીને અંદર જોવાની-દેખાડવાની કવિદૃષ્ટિ છતી થઈ છે. એટલે એક બાજુ ‘લડત’ જેવાં, ‘ધોળી ધજા’ જેવાં અ-દીર્ઘ કાવ્યો છે તો બીજી બાજુ ‘યુસુફ મહેરઅલી...’ ને ‘વખાર’ જેવાં દીર્ઘ કાવ્યો છે. એ કાવ્યો કવિતાની સંદિગ્ધતાને સાવ છોડી ન દેતાં હોવા છતાં, કવિએ ‘વખાર’ના પ્રવેશકને અંતે કહ્યું છે એમ, જો વાચકમાં રિયલ મૅટલ હોય તો આ સંદિગ્ધતા પ્રવેશ્ય બને છે. તરત એક જ દાખલો લઈએ : ‘લડત’ કાવ્યમાં – ‘ફરી પેટાવો તાપણું / પોષની આ રાતને એમ પડકાર્યા વિના નથી જીતવા દેવી’ એ ધ્રુવોદ્ગાર પછીનું આ દૃશ્ય વાંચીએ :

ઠંડીના કાળા લોખંડની સાથે
પોતાની છાતીની બખોલમાંથી ચમકતો પથરો
કોણી સુધી હાથ ઘાલી નાભિ કનેથી ખેંચી કાઢી
ને ખટાક છરકતો અથડાવો એને ટાઢના લોઢા સાથે એવો
કે તણખ ઊઠે તાતી, રાતી-સફેદ
(વખાર, પૃ.૧૨)

અને, એક જબરદસ્ત કલ્પન છે આ પોષની ઠંડી રાતનું, પણ કવિ એને સાદૃશ્ય તરીકે આલેખે છે :

ગાંગરી ઊઠે હડબડ ઊભું થતું કોઈ ઊંટ,
જાડા હોઠ દાંત આડેથી તાણી ખેંચતું, લાંબી ફલાંગોમાં
પગ ચારેકોર ફંગોળતું, મટોડિયા નદીનાં બંધ તૂટ્યાં પૂર જેવી
મેલી જાજરમાન ખૂંધ ઊછાળતું, થૂંક ઉરાડતું,
ડોક લંબાવતું બચકાં ભરવા – જે ઝડપાય તેને
ને ગાંગરતું...
ગંધારું જાણે ચીડિયું ઊંટ
તેવી આ રાત એકલી આકાશના મેદાનમાં દોટ મૂકે છે (પૃ. ૧૩)


પણ, હવે લોભ જતો કરવો પડશે બીજા કલ્પનનો; ને નરસિંહની મશાલના પ્રતીકને યોજતા, કાવ્યના અદ્ભુત સર્જકતાવાળા, અંતિમ અંશની ચર્ચાનો પણ. ‘વખાર’ નામના કાવ્યની વાત, એ પણ ટૂંકમાં કરીને મારી વાત સમેટું : આઠ ખંડનું બલકે આઠ દૃશ્યોવાળી કોઈ નાટ્યોક્તિ, એકોક્તિ જેવું આ કાવ્ય શાસકો-સત્તાધીશો-ભ્રષ્ટોના મીંઢા ધૂર્ત પોલિટિક્સની ઉપર પીડિતોના અશિક્ષિતપટુ પોલિટિક્સના વિજયનું, વીશફુલ થીંકિંગનું છતાં જાણે રીયલ – સાચા, વાસ્તવિક – વિદ્રોહનું કાવ્ય છે. મારામાંનો શિક્ષક એમ ભણશે કે વખાર તે શાસન ને પેલો પીડિત તે આખી વસતી. આ કાવ્યની રચનાનો નકશો જ જોઈ લઈએ : અહીં એક અસરગ્રસ્ત પીડિતની, એટલે આખી વસ્તીના પ્રતિનિધિની ઉક્તિ છે પણ એ, સામેનાના અપ્રગટ અવાજને પણ સમાવતી, એકોક્તિ છે. સામે છે સત્તાધીશ સાહેબ, કોઈ ખંધો અમલદાર કદાચ. ફરિયાદ એ છે કે : વસ્તીની સામે વખાર ઊભી કરી દેવાઈ છે; એ બંધ, રહસ્યમય વખારમાંની જીવાત વસ્તીમાં રોગચાળો, ને મરણ, ફેલાવે છે. એને માટે કંઈ કરવાની અરજ... આ અરજ ગુજારતી, દયા યાચતી લોક-ભાષામાં ધીમેધીમે આત્મવિશ્વાસનું – અનિવાર્ય મુકાબલાનું બળ ભળતું જાય છે ને ફરિયાદ કરનાર જ ઉકેલ કરી નાખે છે! પણ એનો એક હરફસુધ્ધાં અહીં સંભળાતો નથી, એ સૂચિત પાત્ર રૂપે જ રહી જાય છે – એ આ કાવ્યના રચનાવિધાનનો એક કીમયો છે. એને કારણે, આ તળપદ, પણ પોચીમાંથી પોલાદી થતી ભાષાભિવ્યક્તિના એકોદ્ગારમાં જ કાવ્ય ભાવકની અંદર શારડીના ફળાની જેમ ઊંડે ઊતરતું જાય છે – વેદના અને સંપ્રજ્ઞતા એક થઈ જાય છે. વખાર દિવસે બંધ. રહસ્યમય. જીવાતમય. ને રાતનો પણ એવો જ ત્રાસ : ફરિયાદી કહે છે – એનાં માણહાં ઐડધી રાતે, તૈણે તાળાં ખોલે ને ચાપડા પછાડે ને દરવાજા ધકેલે ત્યારે સાયેબ, મ્હોલ્લાનાં છોકરાં ઝબકીને રોવે ચઢે છે, સાયેબ, ને બીજે દા’ડે અમારે નોકરી તો ખરી જ. ઓંખો ફાડીને જાગવું પડે. (પૃ. ૧૦૦) એટલે હવે આ ફરિયાદનો મર્મ હવે સમજાય છે કે –

મુશ્કેલીઓ ટૂંકમાં કહેવી હોય, નામદાર, તો એ જ કે
અમારાથી તો રાતે ઊંઘાતું નથી,
મે’રબાન. ને દા’ડે જગાતું નથી. (પૃ. ૯૭)


એકોક્તિ – ખરેખર તો આ અનેકોક્તિ – ધીમે ધીમે બધું ઉઘાડું કરતી જાય છે, જે સાવ બંધ છે એને; આ વખારને અને એનાં પરિણામોને. આખા કાવ્ય દરમ્યાન વિગતોના પરિઘ પરથી વલય-આકારે અંદર સરકતી આ એકોક્તિ છેક ૬ઠ્ઠા ખંડને અંતે કેન્દ્રમાં આવી રહે છે :

હવે માઈબાપ, વેઠાતું નથી
સડ્યું સાચવે, ને જીવતું મારે, એવી તે કેવી વખાર
આ આપની, નામદાર? (પૃ. ૧૦૪)


હવે ભીંસ વધે છે – રાજકીય ધીટતાની ને ધૃષ્ટતાની. વસ્તીની પાસે આ વખાર થઈ છે એમ નથી, વસ્તી જ મૂળે આ વખાર-વિસ્તારનો એક ભાગ છે – એવું સત્તાધારી અર્થઘટન બલકે ફરમાન થાય છે! પણ એ ફરમાન સંભળાય છે વસ્તીની પ્રતિક્રિયામાં. એ પ્રયુક્તિ-વિશેષ જોઈએ :

ક્યાંય વસ્તી નંઈ, ને બધે વખાર?
મૂળે વખારમાં જ વસ્તી થઈ?
વખાર એ જ વસ્તી? વસ્તી એ જ વખાર?
ના, ના – નામદાર, ના....’ (૧૦૫)

પહેલા ખંડનું શીર્ષક હતું ‘ફરિયાદ’. હવે છેલ્લા ખંડનું શીર્ષક છે ‘ઉકેલ’. સત્તાધીશોના અર્થઘટનનું હવે વસ્તીએ કરેલું નવું અર્થઘટન – પીડિતનુંય પોલિટિક્સ! એટલે, અગાઉ કહ્યું એમ, ફરિયાદી જ ઉકેલ કરી નાખે છે. વાંચીએ :

ને વખારનું તો આખું કોકડું જ ઊકલી ગયું, સાયેબ.
ખોલી નાંખી, અમીં તો.
અડધીક વસ્તી જ અમારી, વખાર ખોલીને ત્યાં રે’વા ચાલી ગઈ, નામદાર
આમે અમારા રે’ણાક વસ્તારમાં ભીડ બહુ થઈ જઈ’તી, હવડોંની. (પૃ. ૧૦૬)

ને પરાકાષ્ઠા. એનું એક અણીદાર શિખર તો ત્યાં આવે છે જ્યાં આ ઉદ્ઘાટિત વખારમાંથી જાતજાતની ઇમ્પોર્ટેડ વસ્તુઓ પણ મળે છે ને એને લિજ્જતથી ભોગવતી વસ્તી એનો થોડોક લાભ (!) પેલા અમલદારોનેય આપે છે – જાણે કે એક લપડાક રૂપે :

નાંમદાર! આસરવાદ આલો. લાય’લા પેલી ઍક્ષપોટવારી
અત્તરની ફુસફુસ લાય, કાચની, ને સાયેબને લગાવ.
લગાવો લગાવો, મારા સાયેબ, બગલમાં યે મઘમઘાટ.
નકર કેવી ગંધાતી’તી પે’લાં,
આની આ જ વખાર, વગરવાપર્યી. (પૃ. ૧૦૭)

એટલે ક્લાઈમેક્સ છે પણ નાટકનો નથી, કવિતાનો છે. વગરવાપર્યી વખાર, ને વસ્તીની જીતનો મઘમઘાટ –, એ બધું પેલી બળતરા ઉપર ફૂંક મારવા જેવી થોડીક રાહતનું જ છે – આ રચનાવિધાન ન નાટકનું, ન છાન્દસ કાવ્યનું હોઈ શકત – એ આ કાવ્યની અછાન્દસતાનો અકાટ્ય વિશેષ છે. અને, સિતાંશુના અછાન્દસનો વિશેષ, ટૂંકું કરીને કહીએ તો, એ છે કે એમાં, ઉત્તેજનાની ક્ષણોમાં નસોમાં લોહી દોડતું હોય – ‘ધધક ધધક ધક્’ (‘ધોળી ધજા’, – વખાર, પૃ. ૧૦) – એવો વેગ છે; એવા વેગભરી દ્રુતગતિ છે. ને એ, એવો વેગ અલ્પકાલીન – થોડીક પંક્તિઓનો – જ નથી હોતો, દીર્ઘતર પણ હોય છે. બળ અને વેગને, ધધકને, પૂરાં ટકાવી રાખતી, ધારણ કરી રાખી શકતી, દીર્ઘ કવિતા એ સિતાંશુ દ્વારા ગુજરાતી કવિતાને મળેલી એક, વિદગ્ધ-વિશિષ્ટ, સંપ્રજ્ઞતાના તેજવાળી, અછાંદસ કવિતા છે.

પરિશિષ્ટ સંઘરેલી (સંગ્રહસ્થ) કવિતા, કોઈ પણ સર્જકની, એના ફાયદા તો રહેવાના જ. એ આપણી સાથેસાથે, આજલગી ચાલી આવી, ને એવી જ તાજી રહી (હોય તો) એના ફાયદા. એ સાથે જ, કેટલાંક કાવ્યોમાં કેટલીક જગ્યાઓએ, તત્કાળે, આપણને નવોસવો રોમાંચ થયો હોય ને આજે એ શમતાં કંઈક જુદો ‘સાક્ષાત્કાર’ થાય એવું સિતાંશુની રચનાઓમાં ને એના અછાંદસ રચનાબંધમાં પણ અનુભવાય છે. ‘સર્રિયલ’નાં કુંડળ, કાન સાથે જ જન્મ્યાં હોય એ સિવાયનાં, આજે, કેટલાંક કાવ્યોમાં ને વિશેષે શીર્ષકોમાં નીકળ્યાસરખાં કે ‘નીકાળ્યાં’સરખાં લાગે છે. લય ઉપર પૂરું સર્જકનિયંત્રણ ધરાવનાર આ કવિએ ક્યાંક વળી લયછંદશબ્દોનો, (‘મગનકાવ્યો’ની) ‘સજીવતાસુંદરી’ ન વેઠી શકે એટલો, ગુલાલ પણ ઉડાડ્યો છે – ને ન્યાયની વાત છે કે ધુમાડો ધૂંધળું કરે તો ગુલાલ પણ ધૂધળું કરે... ચાલોને, દાખલો જ આપીએ એક, બીજો. મારામાંનો ભાવક, મારા એક પ્રિય કાવ્ય ‘પ્રલય’ (‘જટાયુ’)નાં કોઈ કોઈ પાનાં/પંક્તિઓ સંકોડવા મથે છે. ઘણું વધારાનું ઉભરાઈ આવ્યું જણાય છે. એથી, એ કાવ્યનો છેલ્લો શબ્દ ‘બસ.’ જરાક મોડો આવ્યો હોય એમ લાગે છે મને. પણ આવું થવાનું. એનું એક મહત્ત્વનું કારણ એ પણ છે કે કવિ સર્જક છે તો આપણે પણ વાચક-ભાવક છીએ! (એના સમર્થન માટે જુઓ ‘જટાયુ’ સંગ્રહમાંની કવિની પ્રસ્તાવના). એટલે કાવ્યકૃતિની આવૃત્તિ ક્યારેક વલયરૂપે વિસ્તરે તો ક્યારેક નર્યું વર્તુળ જ ઘુંટાતું રહે; પહેલાંનું કાવ્ય ક્યાંક, બીજે વાચને, એકાએક જ નવી ઊર્ધ્વરેખા ઉઘાડે, તો વળી ક્યાંક રેખાઓ ઝાંખી પણ થાય. એટલે બાદબાકીઓનો પણ શો વસવસો? અને બીજી એક, છતાં છેલ્લી વાત. શું ચોપડીમાંના મુદ્રણદોષો ન નડે વાચકને? હા, આંખને રસ્તે કવિતાને કાનમાં પ્રવેશવાનું હોય છે એટલે – ને ખાસ તો, વિરામચિહ્નો સુધ્ધાં કવિની કૃતિના રચનાબંધનો એક મહત્ત્વનો હિસ્સો હોય, ત્યારે તો ખાસ નડે. હા, નડે છે. ‘વખાર’ કાવ્યસંગ્રહમાં ક્યાંકક્યાંક, મુદ્દાની જગાએ, ન જોઈએ ત્યાં અનુસ્વારો ચોંટેલાં છે; જોઈએ ત્યાંથી વળી ખરી ગયેલાં છે. આ સાફસૂફી જરૂરી હતી. સારું છે કવિ, કે તમે સીડી પણ મૂકી છે એટલે એની ઉપર ચડીને,ભૂલો ભૂંસીને, સાચું સાંભળી શકાશે. સંદર્ભનોંધ : ૧. કવિ હજુ પણ કવિતા લખે છે એટલે આવતે દાયકે એમની કવિતાની ષષ્ઠીપૂર્તિ આવશે. ત્યાં સુધીમાં ચાર ચોપડી સુધી પણ પહોંચી શકાય.... ૨. આ ત્રણ તે, ‘ઓડિસ્યૂસનું હલેસું’ (૧૯૭૪), ‘જટાયુ’ (૧૯૮૬) અને ‘વખાર’ (૨૦૦૯). આ ૨૦૦૯માં આ ત્રણે ચોપડીઓની ‘વિશેષ આવૃત્તિ’ઓ કરી છે – કવિએ પોતે કરેલા કાવ્યપઠનની ઘનાંકિતા(સીડી)ઓ સાથે; એટલા માટે કે, કવિતા કાનની કળા.... ૩. અને વળી બીજા એક વર્ગે કહ્યું છે કે, કષ્ટ બંને પક્ષે થાય છે. ૪. આવા જોકે બીજા પણ એકબે કવિઓ છે, ગઈ સદીના. ૫. છતાં જોશો ‘દા. ત. મુંબઈ....’ કાવ્ય (ઓડિસ્યૂસનું હલેસું)ને અંતે મુકાયેલું અર્પણવાક્ય ૬. પૃષ્ઠક્રમાંક બધે જ, ૨૦૦૯ની નવી આવૃત્તિઓના છે. ૭. છંદ જેઓ બિલકુલ જાણતા ન હતા એવા કવિઓએ એમનો રસ્તો કર્યો – પણ વિખરાયેલો. હું ચન્દ્રકાન્ત ટોપીવાળાના મત સાથે સંમત છું પણ એને આ રીતે રજૂ કરું છું : જે છંદ જાણે છે તે કવિ અછાંદસને વિશેષ અધિકારપૂર્વક હાથ ધરી શકે છે. કેમકે આંતરલયને પણ, ઓળખીને પ્ર-યોજવા માટે છંદજ્ઞાન એક સંયોજક-નિયંત્રક બળ તરીકે ઉપયોગી નીવડે. એના અભાવે ઘણું વિખરાતું-પ્રસ્તરતું રહે છે.


● ‘સમીપે’ - ૨૧, ૨૦૧૨

  1. * ધોરાજી (સૌરાષ્ટ્ર)માં યોજાયેલા ‘અછાંદસ કવિતા અને ગુજરાતી અછાંદસ કવિતા’ પરના પરિસંવાદમાં૮મી જાન્યુઆરી ૨૦૧૨ના દિવસે કરેલું વક્તવ્ય.