અધીત : પ્રમુખીય પ્રવચનો - ૧/ગુજરાતી અભ્યાસક્રમો

From Ekatra Wiki
Revision as of 00:36, 7 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગુજરાતી અભ્યાસક્રમો
ઉમાશંકર જોશી

અભ્યાસક્રમો ઉપર જ શિક્ષણનો બધો આધાર નથી. અધ્યાપનની ચીવટ અને પરીક્ષાની પદ્ધતિ ઉપર એનો ઘણો આધાર છે. પણ અભ્યાસક્રમ અમુક સમયમર્યાદામાં સાધવાના વિકાસની એક આછી રૂપરેખા આંકી આપે છે, વિદ્યાર્થી અમુક ચોક્કસ સમયમાં કેટલો વિકાસ સાધશે તેને નકશો દોરી આપે છે. ગુજરાતીના સ્નાતક અને અનુસ્નાતક (બી.એ., એમ. એ.)ના અભ્યાસક્રમો જોઈએ. એ અભ્યાસક્રમો પાછળ જુવાનીનાં મોંઘાં બે કે ચાર વરસ ખરચવાને અંતે વિદ્યાર્થીના મનોવિકાસની શકયતા શી છે? બીજા વિષયોની સરખામણીમાં ગુજરાતી જેવા વિષયના વિદ્યાથીને બુદ્ધિને બરોબર કસવાની તક મળે છે? દા. ત. સંસ્કૃતને વિદ્યાર્થી બ્રહ્મસૂત્ર ઉપર શાંકરભાષ્ય જેવું કાંઈક વાંચતો હોય અથવા અંગ્રેજીનો વિદ્યાર્થી શેફસ્પિયર કે બ્રાઉનિગના વિવેચકોને પચાવતો હોય, ત્યાં આપણા ગુજરાતીના વિદ્યાર્થી ને એવું કાંઈ કામ સોંપવામાં આવેલું હોય એવું જેવા મળે છે ખરું? જીવનનાં સારામાં સારાં વર્ષા આપનાર વિદ્યાર્થીને સામેથી કશી નક્કર વસ્તુ મળે છે? એ કે ચાર વરસના ઉચ્ચ અભ્યાસને અંતે એ કોઈ વિદ્યાનું ઉપાર્જન કરીને જાય છે? આ પ્રશ્નની ગંભીરતા સમજીને ગુજરાતી વિષયના પ્રાન્તભરના અધ્યાપકોના સંઘે, હમણાં અમદાવાદમાં ભરાયેલા પોતાના તૃતીય અધિવેશનમાં, અભ્યાસક્રમોમાં યોગ્ય ફેરફાર કરવા નિમાયેલી સમિ- તિની ભલામણો પરથી જે ઠરાવ કર્યો છે તે અભિનંદનને પાત્ર છે. આ ઠરાવ મુંબઈ યુનિવર્સિટીની બૉર્ડ ઑફ સ્ટડીઝને ભલામણરૂપ છે અને ગુજરાતમાં સ્થપાઈ રહેલાં નવાં વિશ્વવિદ્યાલયોને પણ સૂચનરૂપે છે. અધ્યાપકસંઘે એમ.એ.ના ગુજરાતીના અભ્યાસક્રમમાં વ્યાપક ફેરફારો સૂચવ્યા છે. આખા ભારતવર્ષના સાંસ્કૃતિક અને સાહિત્યિક ઇતિહાસને એક વિષય તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ગુજરાતના નરસિંહ, મીરાં, અખો આદિ કવિઓ વિશે હિંદની બીજી ભાષાઓના મધ્યકાલીન કવિસંતો વિશે જાણ્યા વગર વાત કરવી મુશ્કેલ છે. ખરું જોતાં ચંડીદાસ, વિદ્યાપતિ, કબીર, સુરદાસ, તુલસી, જ્ઞાનદેવ, તુકારામ, ત્યાગરાજ આદિ સંતકવિએ એક જ સંસ્કૃતિ-આત્માના જુદા જુદા અવતારો છે. ગુજરાતનું સાહિત્ય અને તેનુ સાંસ્કૃતિક મહત્ત્વ સમજવા માટે આખા દેશના આવા વ્યાપક અભ્યાસની જરૂર જેટલી માનીએ તેટલી ઓછી છે. બીજો ફેરફાર સાહિત્યકૃતિઓના અધ્યયન અંગે સૂચવાયો છે. આપણી તમામ શિષ્ટ કૃતિઓ પણ ઉચ્ચ અભ્યાસ માટે પૂરતી નથી. બીજી ભાષાની શિષ્ટ મનાયેલી કૃતિઓના અભ્યાસને પણ સ્થાન આપવામાં આવે તે સાહિત્યકૃતિનાં યોગ્ય ધોરણાના વિદ્યાર્થીને ખ્યાલ બંધાવા પામે. આપણા દેશમાં સંસ્કૃત સાહિત્યના અભ્યાસ માટે પંચકાવ્ય ભણવાનો શિરસ્તો પડેલો છે એ સુંદર છે. હજાર બે હાર વરસથી ઊંચી કવિતા તરીકે માન્ય થયેલી નીવડેલી રચનાઓના અભ્યાસ કરવાની તક મળતાં ઊંચી સાહિત્યરુચિ કેળવાવાનો અવકાશ રહે છે. આ રીતે યુરોપીય પંચકાવ્ય (હોમર, વર્જિલ, ડાન્ટે, મિલ્ટન આદિનાં)ના અભ્યાસ પણ સાથે સાથે થાય તો પૂર્વ અને પશ્ચિમમાં માણસજાતે સેંકડો વરસોથી કેવી રચનાઓને ‘કવિતા'નું મોટું નામ આપેલું છે તેનો અભ્યાસીને પરિચય થાય. અધ્યાપક સંઘે ગુજરાતી સિવાયની હિંદની કે પશ્ચિમની અર્વાચીન કે પ્રાચીન ભાષાના ત્રણ શિષ્ટ ગ્રંથો (ક્લાસિક્સ)ના અભ્યાસની સગવડ થાય તે માટે સૂચના કરી છે. આ ઉપરાંત વિકલ્પે સંસ્કૃત સાહિત્યના અથવા અંગ્રેજી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા અભ્યાસક્રમમાં સૂચવાઈ છે એ પણ યોગ્ય છે. જેમ ઇતિહાસ કે રાજકારણના વિદ્યાર્થી ને માટે અંગ્રેજ પ્રજાના ઈતિહાસનું જ્ઞાન લગભગ અનિવાર્ય જેવું છે, તેમ સાહિત્યના અભ્યાસી માટે અંગ્રેજી જેવી કોઈ મહાભાષાના ઇતિહાસનો પરિચય અનિવાર્ય લેખાવો જોઈએ. આ જાતના ફેરફારો સ્વીકારાય અને પ્રમાણિકપણે અમલમાં મુકાય તો અનુસ્નાતક અભ્યાસીઓ વિશ્વવિદ્યાલય છોડે ત્યારે તેઓ તો જરૂર સાહિત્ય અંગેની વિશ્વવિદ્યા' પામીને બહાર પાડ્યા છે એમ કહી શકાય. સ્નાતકનાં વર્ષોના અભ્યાસક્રમમાં હજી વધુ નક્કર ફેરફારોને અવકાશ છે. મુંબઈ યુનિવર્સિટીના મરાઠી અને કન્નડના જ અભ્યાસ- ક્રમો જોવામાં આવે તો જણાશે કે સાહિત્યમીમાંસાનો વ્યાપક અભ્યાસક્રમ તેઓએ આપ્યો છે અને કન્નડ ભાષા અને વ્યાકરણનો એક જુદો વિષય (પેપર) સ્વીકાર્યો છે. ગુજરાતીનો સ્નાતક ઉપાધિ લઈને નીકળે તે પહેલાં અને ભાષાના વ્યાકરણના પૂરા પરિચય થયેલો હોય અને પ્રાચીન સંસ્કૃત તેમ જ પ્રાચીન અર્વાચીન યુરાપીય સાહિત્યશાસ્ત્રના પરિચયથી એની રસવૃત્તિ બરાબર કસાયેલી હોય એ જરૂરી ગણાવું જોઈએ. સાહિત્યશાસ્ત્રના મૂળમાં અભિનવગુપ્તપાદ, આનન્દવર્ધન, ક્રોંચે, ખ્યાઝાન્કે આદિના જે તત્ત્વવિચાર છે ત્યાં સુધી બી. એ.ના વિદ્યાર્થીઓને તો લઈ જવામાં આવવા જ જોઈએ.

‘સંસ્કૃતિ’, નવેમ્બર ૧૯૪૯