- કૂવાના પાણીમાં પ્રતિબિંબ પડવાથી આકાશ નીચું થઈ જતું નથી.
- સાગર પોતાનામાં ભાંગે છે અને પોતાનામાં જ ઊઠે છે.
- ચાલો આપણે પોતાને જ નામંજૂર કરીએ!
- કોઈ પક્ષી માળામાં પોતાનાં ખરેલાં પીંછાં નથી રાખતું.
- માથાનો થાય તેને પગની ઠોકર વાગે.
- સંબંધનું ભવિષ્ય સ્મૃતિ.
- ગોળ ગોળ ફરનારનો પંથ લાંબો હોઈ શકતો નથી.
- ઉછીનાં લીધેલાં અજવાળાં અંધ બનાવે છે.
- નોકરો દ્વારા સ્વર્ગને સજાવી શકાય, સર્જી ન શકાય.
- મહત્ત્વાકાંક્ષા એક દિશા ખોલીને બાકીની બધી દિશાઓ બંધ કરી દે છે.
- પ્રતીક્ષા કરે છે તેને જ પગરવનો લય સંભળાય છે.
- મોટી મૂર્ખાઈ કરવા પદ પણ મોટું મળવું જોઈએ!
- જુગારમાં જીતેલું નાણું માર્ગમાં મંદિર આવે તોયે પીઠામાં જ જાય!
- પ્રસિદ્ધિનું ઢાંકણ મનને ઊઘડવા જ નથી દેતું!
- સાઠ દિવાળી ભેગી કરી તોયે જીવનમાં અંધકાર!
- બહુ ઊંચે ફરકે તે ધજા વહેલી ફાટે!
- કેટલાક સંબંધો કાચ જેવા હોવાથી જ તૂટે છે.
- દરેક ભરતીને ઓટ થઈને પાછા ફરવાનું હોય છે.
- બહારનું જગત મારામાં પીડારૂપે પ્રવેશ્યું તે પહેલાં હું સુખી હતો.
- ઘાસિયામાં રહેનારાએ દાઢી ન વધારવી.
- કોઈ અરીસો બનાવે છે, તો કોઈ મહોરું ઘડે છે.
- કાચના ઘરમાં રહેનારાં રાત્રે જ સ્નાન કરે!
- બોજ નિરર્થક નથી, નિરર્થકતા બોજ હોય છે.
- પોતે છાતી ઠોકે એ કરતાં બીજા વાંસો ઠોકે એ વધારે સારું!
- રેતીના નાના કણો જ મોટા રણનું સર્જન કરે છે.
- ‘હું’ ન હતો ત્યારે માણસ એકલો ન હતો!
- આંખ બધા પાસે હોય છે પણ દૃષ્ટિ કેટલા પાસે?
- વિવેક જાણે છે તેને કાયદા જાણવાની જરૂર નથી પડતી.
- આયના વેચનારે પોતે ખૂબસૂરત હોવું અનિવાર્ય નથી.
- ખરખરો બધા કરે પણ ખરેખરો કોઈ ન કરે.
- નારાયણ છે તો પારાયણ પણ છે.
- લાંબો વાંસ વહેલો વઢાય.
- પોતા સુધી પહોંચવાનો પ્રવાસ પૂરો થતો જ નથી!
- જ્યોત ન હોય તો દીવો કોડિયું જ કહેવાય.
- ચગડોળને ગતિ હોય, પ્રગતિ નહીં!
- સુખના ભાગીદારો મળે, ભૂખના નહીં.
- આપણી ચાદર આકાશ બની શકતી નથી.
- ઘણું બધું જોવા માટે ઘણાં બધાં વર્ષો જીવવાનું જરૂરી નથી!
- દિવસે ઊંઘતા માણસના ઘરે નિષ્ફળતા ચૂપચાપ પ્રવેશે છે.
- આશાવાદી થયા વિના કળી ફૂલ ન થાય, ક્ષણ, સમય ન થાય.
- પાર્થ પણ છેવટે પાર્થિવ થઈ જાય છે.
- સુખ આગલા બારણેથી આવે છે અને પાછલે બારણેથી જાય છે.
- જીવન એવું નાટક છે, જેની સ્ક્રીપ્ટ પહેલેથી લખાતી નથી.
- ભૂતકાળ એવું શબ છે, જેનું આયુષ્ય દિવસે દિવસે વધતું જાય છે!
- મોત સિવાય કશું પોતીકું નથી હોતું.
- અપેક્ષાની બહાર બધું જ શૂન્ય હોય છે.
- જે ગામમાં મરઘો નથી હોતો ત્યાં પણ સવાર તો પડે જ છે!
- ઊંઘમાં રત્નો જુઓ અને જાગૃતિમાં છીપલાં ગણો!
- જૂના કોડિયે પણ દિવાળી થઈ શકે છે.
- આગિયાને આકાશ મળે તેથી એ સિતારા થોડા થઈ જાય!
- કિનારો સ્વયં બને છે, ઓવારો માણસે બાંધવો પડે છે.
- આંધળી કૂચ કબ્રસ્તાનની દિશામાં લઈ જાય છે.
- કોઈ સ્મરણમાં કેવળ ગંધ હોય છે!
- ટૂથબ્રશથી વાસીદું વાળવું એ પણ મહત્ત્વાકાંક્ષાનું જ એક રૂપ છે.
- ચાના સહકાર વિના કીટલી ગરમ થઈ શકતી નથી.
- ભૂતકાળ પગની બેડી બને તો ભવિષ્યની પાંખ ન ફૂટે!
- ઝરણું ભલે કેટલે પણ ઊંચેથી પડે, પણ પડ્યા પછી તરત ચાલવા માંડે!