ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/આહવાથી નવાપુર : ચા પીવા
૫૩
નરેશ શુક્લ
□
આહવાથી નવાપુર – ચા પીવા
◼
ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • આહવાથી નવાપુર – ચા પીવા - નરેશ શુક્લ • ઑડિયો પઠન: અનિતા પાદરિયા
◼
આજે આમ તો શરીરે બહુ સારું નહોતું પણ મિત્ર પુલિન ભટ્ટનો આગ્રહ હતો એટલે અચાનક જ કાર્યક્રમ ગોઠવી નાંખ્યો. મહારાષ્ટ્રમાં આવેલા નવાપુર ચા પીવા જવાનો. ખાલી અહીંથી સો-સવાસો કિ.મી. દૂર છે! બાઇક પર જવાનું. અહીં સાચી મજા જ બાઇક પર ફરવાની છે. ખુલ્લા ભવ્ય લૅન્ડસ્કૅપ જોવા હોય, મન થાય ત્યાં ઊભા રહી જવાનું અને ઇચ્છા થાય ત્યારે કે રોડ પરથી ઊતરીને અંદર જવું હોય ત્યારે બાઇક મજાનું રહે છે. આહવાથી સુબિર ને ત્યાંથી સીધો માર્ગ છે. નીકળી પડ્યા. નવાપુર તો ઠીક મારા ભાઈ, એવરેજ નાનકડા ભારતીય શહેર જેવું જ ગંદું શહેર છે. ત્યાં કશું કામ તો હતું નહીં. ચા પીધી ને પાછા નીકળી આવ્યા. મજા હતી એ જવા-આવવાના રસ્તામાં. કલ્પના બહારની ભવ્યતા અત્યારે ત્યાં છવાયેલી છે. અઠવાડિયાથી વરસાદ નથી પડ્યો એટલે હવામાં ભેજ ઓછો છે. રસ્તાને બાદ કરતાં જમીનનો નાનો સરખો ટુકડો પણ કશુંક ને કશુંક ઉગાડવામાંથી બાકી નથી રહ્યો એટલે તમારી નજર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી માત્ર ને માત્ર હરિયાળી છવાઈ ગઈ છે. વળી હરિયાળી કહેવામાત્રથી કંઈ એવું વર્ણન ન થઈ શકે. લીલા કલરનાં આટલાં બધાં વૈવિધ્યોને અલગ પાડવા કોઈ નામ જ ન આપી શકાય. લીલો રંગ અત્યારનો રાજા છે. બધા કલર એના ગુલામ થઈ ગયેલા લાગે, એમાંથી ડોકાતા કાળા, લાલ-બદામી પથ્થરો પણ આંખને ખૂંચે નહીં પણ જાણે કે લીલાશને વધારે ઉપસાવી આપે! એક પૂરી થાય ત્યાં જ ક્યાંકથી જોડાઈ જતી ટેકરીઓનો પાર નથી. કશુંય સમથળ નથી એટલે નજરને આરામ નથી. વચ્ચે વચ્ચે કિલકારીઓ કરતાં ઝરણાં, અલ્લડ નવોઢા જેવી પથરાયેલી પૂર્ણા નદી, ખુલ્લા દિલે આવકારતી ખીણો ને કોતરો, એમાં ફૂટી નીકળેલાં ઝૂંપડાં અને મકાનો. ગાયગોઠણ, લશ્કરી આંબા, ચીંચલી જેવા એમાં ભળી જતાં અનેક નાનાંમોટાં કસબા, ગામો. નાની નાની શીંગડીઓવાળી નીચી ગાયો, એવા જ નીચા કાળા ને માથે ગાંધી ટોપી પહેરેલા માણસો. કમરથી નીચે વસ્ત્ર પહેરી ઑપન ઍર બાથરૂમમાં નદીસ્નાન કરતી સ્ત્રીઓ ને એમની આસપાસ રમતે ચડેલાં નાગડાં બાળકો! જેમ જેમ આહવાથી દૂરના અંતરે જતા જઈએ, વધુ ને વધુ સરહદી વિસ્તારમાં જઈએ તેમ તેમ લોકજીવન પણ વધુ પ્રાકૃતિક થતું અનુભવાય. આપણી સામે નર્યા કુતૂહલથી જોતા લોકો અચાનક ભર્યું ભર્યું હસી પડે આપણી સામે! આખા માર્ગે એક આગવા જ લયમાં બધું ધમધમે છે. પક્ષીઓનું પ્રમાણ અહીં ઓછું છે. આટલું મોટું જંગલ હોવા છતાં પક્ષીઓ ઓછા હોવાનું કારણ છે અહીંના વનવાસીઓ. એમની ગીલોલના નિશાનથી કાગડો પણ ભાગ્યે જ બચી શકે! એટલે પક્ષીઓ પણ સમજણાં થઈ ગયાં છે ને ઊંડા જંગલમાં જઈ વસ્યાં છે. હા, આખા રસ્તે તમરાંનો અવાજ એકધારો ચાલ્યા કરે. અચાનક યુ-ટર્ન લેતા રસ્તા, ઉપર ઝૂકીને દોસ્તીનો હાથ લંબાવતાં વૃક્ષો છવાયેલાં છે. બધું આલેખવું સહેલું નથી. આંખો વિસ્મયથી પહોળી રહી જાય છે, વાતો અટકી પડી છે. આ બધું મૌન કરી દેનારું છે. જો કંટ્રોલ ન રાખો તો પાગલ કરી દેનારું છે! અને એમાં ઓતપ્રોત થઈ જાઓ તો ઘરબાર છોડાવી દે ને લઈ લે પોતાના આલિંગનમાં એવું છે. રાજ્યની સરહદ પૂરી થાય છે ત્યાં બંને બાજુ ઊંચા ડુંગરો કોતરીને રસ્તો બનાવાયો છે. ત્યાં ભયંકર ઠંડી હતી. બંને બાજુ ઊભેલા પર્વતોએ પણ બચવા માટે લીલી ગોદડી ઓઢી લીધેલી! એક્સાથે અનેક એ.સી. ચાલુ કર્યાં હોય એવી ઠંડી જગ્યાનો અનુભવ જ અનેરો હતો. આ રસ્તે વાહનવ્યવહાર સાવ ઓછો છે. સ્થાનિક લોકો જ વધારે ઉપયોગ કરે છે. ત્યાં પથ્થરો દિલ ફાડીને પાણી વહાવે છે. ક્યાંક રોડ પર તો ક્યાંક બાજુમાં બનાવેલી નીકમાં આપણી સાથે સ્પર્ધા કરતું પાણી દોડ્યું જાય છે. ગુજરાતની હદ પૂરી થતાં જ દૃશ્ય પલટાય છે. અચાનક જ જાણે પર્વતો પૂરા થઈ ગયા ને વિશાળ ખુલ્લું મેદાન શરૂ થઈ ગયું. આગળ જતાં કેટલીક જગ્યાએ ટેકરીઓ છે પણ એની રચના ય જુદી લાગે છે. મકાઈ અને બાજરીનાં લહેરાતાં ખેતરો. કલાત્મક રીતે મરાઠીમાં લખાયેલાં સ્લોગન, ‘પૂંઠે ગાંવ આહે’, ‘આત્મઘાતી વલાંક આહે, સાવકાસ ચાલવા’. ત્યાં પણ આદિવાસીઓનાં ઝૂંપડાં, આવા જ લોકો! અને પ્રકૃતિના વિશાળ ખોળામાં રાચતો પ્રદેશ. હા, પથ્થરોના બદલે લાલાશવાળી માટીની ટેકરીઓ, સાગ અને વાંસના બદલે આંબલી, આંબા, ડાંગમાં નથી દેખાતી એ બોરડી, ગુલમહોર અને જંગલી ઘાસથી છવાયેલા એ મહારાષ્ટ્રમાં સૌથી વધુ જોયાં દારૂનાં પીઠાં. સરહદ પાસે જ કેમ વધારે હશે? તેનું કારણ જાણીતું છે. એના સૌથી મોટા ગ્રાહકો છે ગુજરાતીઓ! અમે તો ચા પીને પાછા આવ્યા! દિવાળી વૅકેશન ચાલી રહ્યું છે. આજે આખો દિવસ કંઈ ન કર્યું. દસ જ દિવસ પછી, આહવા સામાન લઈને શિફ્ટ થવાનું છે. ક્વાર્ટર મળી ગયું. અહીં વાવોલમાં લીધેલું નવું પોતાનું ઘર ખાલી કરી દેવાનું છે. આ વાતે મારા મનમાં નવેસરથી ઑથાર ચાલુ થઈ ગયો છે. ઊંઘ ઊડી ગઈ છે આજે. ગાંધીનગર છોડવું ગમતું નથી. જીવનમાં ભયાનક સ્થિરતા આવી ગયાની અકળામણ ઘણી છે પણ અસ્થિર થવાની હિંમત પણ થતી નથી. હું ફેંકાઈ ગયો છું એક ખૂણામાં- નો અહેસાસ પીડે છે. જ્યાં માણસ ફરવા જવા સિવાયનું ક્યારેય વિચારે નહીં ત્યાં રહેવા જવાનું છે. પહેલું સત્ર ત્યાં રહીને પસાર કર્યું પણ ત્યારે આશા હતી પંદર દિવસે ગાંધીનગર આવવાની. અહીંની જિંદગી સાથેનો સંપર્ક જીવન્ત હતો. હવે કદાચ એ છૂટી જશે. આવવાનું પણ ઘટી જશે. મારી દિશાઓ કદાચ બદલાઈ જશે. તન્વી અહીં રહેવા આવી ગઈ છે. આજે રજાનો દિવસ છે. બધું ધીમું, અલસભર કરવાનો દિવસ. બહાર તડકો પણ એવો જ આળસી જણાય છે. સવારે મોડા ઊઠીને થોડું ચાલવા અને લાઇબ્રેરીમાં પુસ્તકો બદલવા નીકળ્યો. આહવા હજી કાચીપાકી ઊંઘમાં હોય એવું ઊઠેલું. આજે બજારમાં ચહલપહલ ઓછી હોય છે. સ્થાનિક નિવાસીઓ તો ક્યારેય કશી ઉતાવળમાં જ નથી હોતા. અહીંની જીવનશૈલી અનોખી છે. સૌ પોતપોતાના તાનમાં ગુલતાન હોય છે. ‘ખાઉલા-પીઉલા ને નાચુલાનું’ કલ્ચર છે અહીં અમેરિકાને મળતું આવે એવું. જંગલ અને પહાડો જેવું નગ્ન અને જટિલ! એકબીજામાં ગૂંથાયેલું છતાં સ્વતંત્ર. શાળાઓ બહુ છે, હૉસ્ટેલ પણ બહુ છે. આખા જિલ્લાના વિદ્યાર્થીઓ હાઈસ્કૂલ પછીના શિક્ષણ માટે અહીં આવે છે. ભણવાનું વધ્યું છે, જોકે લાઇબ્રેરીનો ઉપયોગ સાવ નહીં જેવો છે. એમની ઉપર બહુ પાબંદીઓ નથી. મુક્ત છે. ઘર કરતાં ખાવાનું સારું મળે છે. સરકારી સ્કૉલરશિપો મળે છે. સરકારની વિવિધ ગ્રાન્ટોનો અહીં ધોધ વહે છે. પરિણામે ‘ઍજ્યુકેશન’ ફાલ્યું ફૂલ્યું છે. એ મેળવવાના તરીકાઓની જાણકારી બાબતે દાદ દેવી પડે એવાં ભેજાઓ અને પદ્ધતિઓનો સારો વિકાસ થયો છે. છોકરા-છોકરીઓ વચ્ચે ઊંચી દીવાલો નથી એટલે હાઈસ્કૂલમાં પહોંચતાંવેંત ‘મનખો માણવા’નું ચાલુ થઈ જાય છે! ચોમાસાની શરૂઆતમાં અહીં આવેલો એક-બે વરસાદ વરસી ગયા પછી. ઝરણાએ દોડવાનું શરૂ કરી દીધેલું. પથ્થરોની આડશેથી ફૂલો-કૂંપળોએ ડોકિયાં કરવા માડેલાં. અમે મિત્રો નીકળી પડતા જંગલોમાં. ધોધ અને નદીઓ જોવા. બધે જ લીલીછમ વનરાઈ હતી. છેલ્લા બે મહિનાથી વરસાદ ગયો. શિયાળો શરૂ થયો. નાનાં ઝરણાં ખોવાઈ ગયાં એમના દાદાના દેશમાં! નવયૌવના નદીઓ થોડી ઠરેલ થઈ ને હવે તો એ પણ કોઈ ચિન્તામાં પેઠી હોય એવી થઈ ગઈ છે. ઘાસ સુકાઈને પીળા રંગનું થવા લાગ્યું છે. આ સુક્કારો નીચેથી શરૂ થયો છે. પછી આ રંગમાં ફેરવાયા છોડવા. એમ પીળાશ ઉપર ચઢતી જાય છે. હજી નદીકાંઠે થોડો લીલાશ છે પણ પાનખર એનેય ભરખી જશે. બંનેનો આ જંગ બહુ લાંબો ચાલે એમ લાગતું નથી. લાંબા સોટા જેવાં વાંસનાં પર્ણો હવામાં ગુલાંટો ખાતાં ખરી પડવા લાગ્યાં છે. તો સાગનાં મોટાં ફાફડિયાં પાન હવામાં તરતાં તરતાં અવાજ સાથે ખરી પડે છે. એમાં સરકતી સાપની માસી સાપનો આભાસ કરાવતી ચમકાવી દે છે. અહીંથી પાંચ જ કિ.મી. દૂર આવેલા વાંગણ ગામમાંથી બે દિવસ પહેલાં જ એક દીપડો પાંચ-છ વર્ષના બાળકને ઉપાડી ગયો! બે દિવસે ક્ષત-વિક્ષત અંગો જંગલમાંથી રઝળતી હાલતમાં મળ્યાં. પાણી જશે, શિકાર ઓછા મળશે એટલે આ રાની પશુઓ માનવવસ્તીની નજીક ફરકવા લાગશે. સામાન્ય રીતે દીપડો ગાડરુ કે ભૂંડનો શિકાર કરી લે. પણ તક મળે માનવ પર પણ હુમલો કરતાં અચકાતો નથી. અહીં લોકો અને વાઘથી જ ઓળખે છે. પણ જંગલખાતાના જણાવ્યા પ્રમાણે ૨૦૦૩ પછીનાં વર્ષોમાં એક પણ વાઘ ડાંગમાં બચ્યો નથી. રમ્ય જણાતા જંગલમાં બધું જ રમ્ય છે એવું નથી! આમેય માણસનાં પગલાં જ્યાં જ્યાં પડ્યાં છે. ત્યાં ત્યાં રમ્યતા ક્યાં સુધી બચવાની?
[ડાંગ-ડાયરી, ૨૦૧૬]