કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/જય ગિરનારી!

From Ekatra Wiki
Revision as of 02:07, 2 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૪. જય ગિરનારી!

આ દત્ત અને દાતાર
મધ્ય
નભ
ધરે અલખનું ધ્યાન,
કરે છે
પર્ણપુષ્પ પંખી પ્રાણી ને માનવનું આખ્યાન.

‘નિરખ ને!’ કહી કવિએ વ્હાલપના વેણે કીધું છે
ઊંચે જોતા સર્વ જનોનું સહિયારું સમ્માન.
મૌનમાં ગ્રહે દિવ્ય આધાન
જાતને પેટાવીને દિયે અભયનાં દાન.

સિંહની ડણક એ જ અહાલેક
અહો ઉદ્દંડ અને પડછંદ
બધે પડઘાય ખુમારી.
બની ભભૂતિ અહીં વિભૂતિ
આ ભવનાથે રીત નિરાળી.
પાષાણી આ ઝાંય
ભાસતી ભસ્મ તમારી જય ગિરનારી!

ઝલમલ વહેતા ઝરણ વચાળે
તારક તારક
નાગદેવના નેત્રમણિના શાન્ત તેજમાં
શિવરાત્રિ લઈ નભગંગા અવતરી.

ગુફાનાં ગહન બેસણાં છોડી
યોગી આવ્યા કોતર-ધાર,
કેડીઓ ભેગી થઈને
સામી આવી મળે.
જટા ફરફરે,
ઘૂઘરા વાગે ઘમ ઘમ
ઠમ ઠમ ત્રમ ત્રમ.

કામ-ક્રોધની ધૂળ રજોટી,
ઊર્ધ્વરેતસા પ્રાણ સમેટી,
લાખ લાખ લોકોની મધ્યે
ભૈરવનાદે
ઊતરી આવે ગુફાગેહ અવધૂત.

અંધકારની આભામાં ભવનાથ જાગતા,
ઝાડપાન પંખી સંગતમાં
જાતે માનવમેળો થઈને
ગિરિતળેટી કરે આરતી, જય ગિરનારી!
૨૦૦૭

(પાદરનાં પંખી, ૧૦૬-૧૦૭)