તખુની વાર્તા/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Revision as of 07:11, 25 June 2024 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કૃતિ-પરિચય

‘તખુની વાર્તા’ની બાર વાર્તાઓ અજિતે અઢાર વરસની ધીરજથી લખી છે. ‘પરિષ્કૃતિ’ની વિભાવના આપનારાઓ પૈકી એક અજિત ઠાકોર પણ છે. આ બાર વાર્તાઓ કૃતિ અને સંસ્કૃતિથી આગળ વધીને પરિષ્કૃતિમાં પરિણમે છે તે વાચક જોઈ શકશે. અહીં તખુ નામના કિશોરની દૃષ્ટિએ દક્ષિણ ગુજરાતનાં ક્ષત્રિય સમાજજીવનનું ચિત્ર ઉપસાવવાના બહાને સમગ્ર માનવજાતને પીડતી વિષમ પરિસ્થિતિઓ આલેખાઈ છે. અહીં માઈક્રો લેવલે આવતું કુટુંબ મેક્રો યુનિવર્સનાં બધાં લક્ષણો ધરાવે છે. ગામડાના આ કિશોર તખુને વીતરાગ(alienation)નો અનુભવ કરવા માટે શહેરની ભીડમાં જવાની જરૂર નથી પણ ભીડમાં આવી ગયેલા સંબંધો એને આ વીતરાગનો અનુભવ કરાવે છે. ‘ગૂમડું’, ‘કરેણ’, ‘ભમરી’, ‘માવઠું’માં બે પરિસ્થિતિઓ વચ્ચે ઝૂલતા આ કિશોર નાયકને ‘ન યતૌ ન તતૌ’નો અનુભવ રોજિંદો છે. માર્ક્સે કથેલા શોષણના એકમ ‘વર્ગ’ની સાથોસાથ ભારતીય સમાજે ઊભા કરેલા ‘વર્ણ’નું તત્ત્વ ઉમેરાય ત્યારે ગામડા ગામના લોકો સદીઓથી પીડાય છે એવાં ઘાતક શોષણનું નિરૂપણ વાચકને અવાચક કરી દે તો નવાઈ નહીં. અહીં કિશોર તખુ અને સગી તથા સાવકી માતા, માતા સમાન ભાભી સાથેના સંબંધોની વાર્તાઓ અજિત ઠાકોર જ લખી શકે તેવી સ્વકીય મુદ્રાવાળી થઈ આવી છે. જેના વગર રહી શકાતું નથી અને જ્યાં મોકળાશથી જઈ પણ શકાતું નથી એવાં વતનઝુરાપાનું આલેખન આ વાર્તાઓમાં છે. એક દાયકાથી પણ વધુ સમય માટે ‘વી’નું કરેલું સહસંપાદન અને બે’ક દાયકા સુધી ‘ગદ્યપર્વ’માં કરેલી વાર્તા સાધનાને કારણે જે પરિષ્કૃતિની વિચારણા અસ્તિત્વમાં આવી અને ત્યારબાદ ‘અનુઆધુનિક’ પ્રવાહમાં જે ભળી ગઈ એ વિશિષ્ટ ગુજરાતી વાર્તાને મજબૂત ટેકો અજિતની વાર્તાઓએ પૂરો પાડ્યો છે. સંસ્કૃતના પ્રકાંડ પંડિત હોવા છતાં સંસ્કૃતિનો આવો વિપર્યાસ પોતાની વાર્તાઓમાં રચી શકનાર અજિત ગુજરાતી વાર્તાજગતના એકમેવ ઠાકોર છે.

—કિરીટ દૂધાત