હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મારી ભીનપ એના કિરણોથી વધાવી લઈ જશે
Revision as of 06:54, 7 July 2024 by Shnehrashmi (talk | contribs)
મારી ભીનપ એના કિરણોથી વધાવી લઈ જશે
ભરબપોરે સાત રંગોમાં સજાવી લઈ જશે.
અંધકારે આ અટકવું આ ભટકવું ડગ ડગર
ઝળહળીને ખુદ મને એ ઝગમગાવી લઈ જશે.
સ્થિરપણે એકીટશે એને સતત જોયા કરું
એ મને જોશે ને આંખો પટપટાવી લઈ જશે.
પાંખડી પર ઝીલી લેશે ઝીણી ઝાકળમાં મને
એ મને ઝરમરમાં પાંપણ પર ઉઠાવી લઈ જશે.
ફીણ થઈને એ છવાશે મારી માટી પર પ્રથમ
ને પછી મોજામાં આવીને વહાવી લઈ જશે.
શબ્દ પણ મારા બધા એના ને મારું મૌન પણ
લઈ જશે મારી ગઝલ પણ ગુનગુનાવી લઈ જશે.
છંદવિધાન
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા