ગુજરાતી બાળવાર્તા સંપદા/ખિસકોલીનું બચ્ચું

From Ekatra Wiki
Revision as of 15:49, 14 August 2024 by Meghdhanu (talk | contribs) ({{Heading|ખિસકોલીનું બચ્ચું|કિરીટ ગોસ્વામી}})
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ખિસકોલીનું બચ્ચું

કિરીટ ગોસ્વામી

એક હતું ખિસકોલીનું બચ્ચું. નાનકડું ને રૂપાળું. પોતાના ઘરમાં આખો દિવસ ચિક્‌ ચિક્‌ અવાજ કરે. બચ્ચું થોડું મોટું થયું એટલે તેનાં મમ્મીએ એક દિવસ કહ્યું, ‘ચાલો, આપણે બહાર નીકળીએ અને ઝાડની ડાળીઓ પર ફરીએ !’ ‘ના ! ના !’ બચ્ચું તો તરત જ નનૈયો ભણતાં કહેવા લાગ્યું. ‘ઘરથી બહાર તો જવાય નહીં; ઊંચી ડાળીએ ચડાય નહીં !’ મમ્મીએ તેને સમજાવવાની કોશિશ કરી, ‘પણ શા માટે ના જવાય ? એક દિવસ તો તારે ઘરની બહાર નીકળવું જ પડશે ને પછી તારે ઊંચી ડાળીએ ચડવું જ પડશે !’ મમ્મીની વાતનો જવાબ આપતાં બચ્ચું તો કહેવા લાગ્યું, ‘બહાર નીકળું તો બીક લાગે ! ઊંચો ચડું તો બીક લાગે !’ ‘પણ એમ ક્યાં સુધી બીક રાખીશ ?’ મમ્મી તેને ફરી સમજાવે, ‘બીક રાખવાથી તો કોઈ કામ ન થાય ! ને બીકમાં ને બીકમાં તો કાયમ ઠોઠ જ રહી જવાય ! થોડી હિંમત કર ! ચાલ, આપણે બહાર નીકળીએ !’ ‘ના ! ના ! ના !’ બચ્ચું તો કોઈ વાતે માને જ નહીં ને ! આખરે એક સવારે મમ્મીએ બચ્ચાને કહ્યું, ‘જો ઝાડ હેઠે તો મોટો બિલાડો આવ્યો છે ! હમણાં એ ઉપર આવશે અને આપણને પકડી લેશે ! જો આપણે જલદીથી બહાર નીકળી ને ભાગીશું નહીં તો બિલાડાનો શિકાર બની જઈશું ! એ તો આપણને ખાઈ જશે !’ ‘હેં !’ બચ્ચું તો ગભરાયું. મમ્મીએ કહ્યું, ‘ચાલ, જલદી ! હવે ઝાઝો વિચાર કરીશ તો બિલાડો આવી જશે ને પછી...’ ‘ના, ના, ચાલો ! ચાલો !’ બચ્ચું તો ફટાક દઈને ઘરની બહાર નીકળી, મમ્મીની પાછળ ઊંચી ડાળ પર સડસડાટ કરતું ચડી ગયું ! છેક ઊંચે આવી તેણે નીચે જોયું તો ઝાડ હેઠે બિલાડો હતો જ નહીં ! તેણે મમ્મીની સામે જોયું. મમ્મીએ મંદ મંદ હસતાં કહ્યું, ‘કોઈ બિલાડો આવ્યો નથી ! આ તો તને સમજાવવા માટે મેં યુક્તિ કરી હતી ! જોયું ? જરૂર પડી તો તારી બધી બીક જતી રહી ને ! હવે સમજાયું ? કે બહાર નીકળવું અને ઊંચે ચડવું કેટલું સહેલું છે ?’ ‘હા, મમ્મી ! આ તો સાવ સહેલું જ છે ! મારી બીક તો સાવ ખોટી જ હતી !’ બચ્ચું બોલ્યું. ‘હા, બીક રાખીએ તો કોઈ નવું કામ શીખી શકાય નહીં ! ને આપણાથી ઊંચે ચડી શકાય નહીં !’ મમ્મીએ કહ્યું. ‘હા, મમ્મી ! તારી વાત બિલકુલ સાચી છે !’ ખિસકોલીનું બચ્ચું ખૂબ રાજી થઈ ગયું ! પછી તો તે એક ડાળથી બીજી અને બીજીથી ત્રીજી; એમ ડાળે-ડાળે કૂદાકૂદ કરવા લાગ્યું !’