ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી

Revision as of 11:13, 8 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, (દીવાન બહાદુર)

એમ. એ. એલએલ. બી.

એએ ભરૂચના દશા મોઢ વણિક છે. રા. બા. મોહનલાલ રણછોડદાસ ઝવેરીને ત્યાં તા. ૩૦મી ડીસેમ્બર સને ૧૮૬૮ સં. ૧૯૨૫ના પોષ વદ ૧ ને સોમવારને દિવસે કૃષ્ણલાલભાઈનો જન્મ થયો હતો. એમનાં માતુશ્રીનું નામ રૂક્ષ્મણીબા હતું. રા. બા. મોહનલાલભાઈના એઓ કનિષ્ટ પુત્ર છે. ગુજરાતી કેળવણીના એક સ્થંભ ગણાતા મોહનલાલભાઈ સામાન્યતઃ પોતાનાં સંતાનો પર પોતે જ કેળવણીના પ્રથમ સંસ્કાર પાડતા. એ મુજબ કૃષ્ણલાલભાઈને અક્ષર જ્ઞાનનો લાભ પિતા દ્વારા સુરતમાંજ મળેલો. ગુજરાતીનો થોડો અભ્યાસ સુરતમાં કરાવી પછી એમને ભરૂચની શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા. એમની સ્મરણ શક્તિ તથા ગ્રહણ શક્તિ તીવ્ર હોવાથી દશ વર્ષની વયે ગુજરાતી અભ્યાસ સંપૂર્ણ કરી એઓએ ઇંગ્રેજીનો આરંભ હતો. ભરૂચમાં બે ધોરણ પુરાં કર્યા એટલે એમના વડીલ બંધુ મોતીલાલ જેઓ તે સમયે ભાવનગરની હાઇસ્કૂલમાં મદદનીશ શિક્ષક હતા અને પાછળથી એ રાજ્યના કેળવણી ખાતાના ઇન્સ્પેકટર થયા હતા, તેમણે એમને પોતાની પાસે બોલાવી લીધા. તે સમયના એમના સહાધ્યાયીમાં સર મનુભાઈ, દી. બા. ઠાકોરરામ કપીલરામ મહેતા સી. આઈ. ઈ વગેરે હતા. ઇંગ્રેજી ત્રીજા ધોરણથી બી.એ., સુધીનો અભ્યાસ એમણે ભાવનગરમાં કર્યો હતો. એમના પ્રોફેસરો મર્હુમ આગા શેખ મહમદ ઇસ્ફહાની, મુંબાઇ યુનીવર્સીટીના હાલમાંજ નિવૃત્ત થયેલા રજીસ્ટ્રાર ખાનબહાદૂર પ્રોફેસર દસ્તુર વગેરે હતા. એ પ્રોફેસરોની એમના પર અત્યંત પ્રીતિ હતી. એમણે મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કરી પરસીવલ સ્કોલરશીપ મેળવી હતી.

પ્રથમ પ્રયત્ને ઇંટર આર્ટસની પરીક્ષામાં એઓ નિષ્ફળ થયા. આથી યુનીવર્સીટીની ખાસ પરવાનગી મેળવી એઓએ ઇન્ટર આર્ટસ તથા બી. એ.,ની પરીક્ષા એકી સાથે આપી હતી. તેમાં સફળ થયા એટલુંજ નહિં પણ બી. એ.,માં તો પહેલા વર્ગમાં પસાર થઈ ગવરીશંકર ગોલ્ડ મેડલ પણ મેળવ્યો. (ઇ. સ. ૧૮૮૮માં) આ સમયે એમનું વય માત્ર વીશ વર્ષનું હતું. ભાવનગરની સામળદાસ કોલેજમાં એમ. એ.નો વર્ગ નહિ હોવાથી વધુ અભ્યાસ માટે એઓ મુંબાઇ આવ્યા ને એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા અને ત્યાંથી એમ. એ.ની પરીક્ષા પસાર કરી. એઓ ત્યાર પહેલાંજ એજ કોલેજમાં દક્ષિણા ફેલો ચૂંટાયા હતા. એમણે સને ૧૮૯૦–૯૧ સુધી એજ કોલેજમાં ફારસી અધ્યાપક તરીકે કામ કર્યું. બાદ કાયદાની બંને પરીક્ષાઓ પસાર કરી. એલએલ બી.ના અભ્યાસ વખતે સર રમણભાઈ એમના સહાધ્યાયી હતા.

યુનીવરસીટીમાં આવી ઉત્તમ રીતે ફતેહમંદ થવાથી એમની ઇચ્છા વધુ અભ્યાસ માટે વિલાયત જવાની હતી. એ વિષયમાં એમણે ભાવનગર રાજ્યના ચીફ મેડીકલ ઓફીસર ડો. બરજોરજી તથા ડો. શિવનાથની સલાહ લીધી પરંતુ એમનું શરીર તે સમયે એટલું તો કૃશ હતું કે એ બે અનુભવી ડાક્ટરોએ એમને વિલાયત જવા સલાહ આપી નહિં.

સને ૧૮૯૩માં એલએલ. બીની પરીક્ષા પસાર કર્યા પછી એમણે હાઇકોરટની એપેલેટ સાઇડ પર વકીલ તરીકે કામકાજ શરૂ કર્યું. તેને અંગે કેટલાંક વર્ષો સ્વ. સ્વ. ગોવર્ધનરામ ત્રિપાઠીના મદદનીશ તરીકે કામ કર્યું અને પોતે નિવૃત્ત થતાં સ્વ. ગોવર્ધનભાઈએ પિતાનું સર્વ કામકાજ એમને સુપ્રત કર્યું: ગોવર્ધનભાઈને એમના જયેષ્ટ બંધુ મોતીલાલભાઈ સાથે ગાઢ સ્નેહ હતો.

સને ૧૮૯૩થી ૧૯૦૫ સુધી એમણે હાઇકોર્ટમાં વકીલાત કરી. તે વખતે હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ તરીકે સર લોરેન્સ જેન્કીન્સ હતા, તેમની એમના પર અત્યંત પ્રીતિ હતી. મુંબાઇની સ્મોલકોઝ કોર્ટમાં એ સમયે એક જડજની જગા ખાલી પડી. ગુજરાતી ભાષાના સારા જ્ઞાનવાળા તથા દેશી રીતે રાખવામાં આવતા ચેપડા સારી રીતે સમજી શકે એવા એક જડજની એ કોર્ટમાં જરૂર હતી તેથી વગર માગે સર લોરેન્સે એમની તે જગાએ નિમણુંક કરવા ખુશી બતાવી સરકારને ભલામણ કરી. હાઇકોર્ટમાં વકીલાતને વળગી રહેવાથી ભવિષ્યમાં સારા લાભની આશા હતી તે જતી કરી જેન્કીન્સ સાહેબના આગ્રહને વશ થઈ તેમને નારાજ ન કરવા માટે એમણે એ જગાનો સને ૧૯૦૫માં સ્વીકાર કર્યો. ત્યાંથી ઉપર ચઢતાં ચઢતાં સને ૧૯૧૮માં તેઓ સ્મોલકોઝ કોર્ટના વડા જડજ થયા. ત્યાર પહેલાં એટલે કે સને ૧૯૧૫માં એમની વડા જડજ તરીકે નિમણૂક ના. સરકારે કરી હતી. પરંતુ હાઇકોર્ટના તે વખતના ચીફ જસ્ટીસે વાંધો ઉઠાવ્યો કે કાયદા પ્રમાણે સ્મોલકોઝ કોર્ટના વડા જડજ બૅરીસ્ટર અથવા એડવોકેટ હોવા જોઈએ. આથી એમને પાછું પોતાની બીજા જડજની જગો પર જવું પડ્યું. પરંતુ તે સમયની મુંબાઇ ના. સરકારની કૌન્સિલના સભ્ય સર મહાદેવ ચૌબલે આ સંબંધે કાયદો સુધરાવ્યો અને વકીલો પણ એ ઓદ્ધા માટે લાયક છે એવી કલમ દાખલ કરાવી. તેથી વખત આવે પાછા સરકારે એમને વડા જડજની જગાએ નીમ્યા. આ પદવી એમણે સને ૧૯૨૮ના ડીસેંબરની આખર સુધી એટલે પોતે નિવૃત્ત થયા ત્યાં સુધી ભોગવી. સર લોરેન્સ જેન્કીન્સના વચનનું માન રાખવા ખાતર એમને જે ભોગ આપવો પડ્યો તેનું સ્મરણ જ્યારે જ્યારે હાઇકોર્ટમાં જડજની જગા ખાલી પડતી ત્યારે ત્યારે સૌને થયા કરતું; કારણ જો હાઇકોર્ટની વકીલાતને વળગી રહ્યા હોત તો એ જડજની જગાનો લાભ એમને મળ્યા વગર રહેત નહિં, એમ સૌનું ધારવું હતું; જો કે પાછળથી એઓ હાઇકોર્ટના જડજ પણ નીમાયા હતા. સને ૧૯૨૭માં હાઇકોર્ટના એક બારીસ્ટર જડજની કામચલાઉ જગા ખાલી પડતાં પોતે વકીલ હોવા છતાં એમની એ જગાએ નિમણુંક કરવામાં આવી હતી. એમણે ચાર પાંચ માસ સુધી એ આસને બેસી ઓરીજીનલ સાઇડ પરના કેસોનો એવી તો બાહોશી અને ત્વરાથી નીકાલ કરી આપ્યો કે જેથી પક્ષકાર, બારીસ્ટર–સોલીસીટર દરેકને સંપૂર્ણ સંતોષ થયો હતો.

સને ૧૯૨૯ના જુન માસમાં સરકારે એમને દીવાન બહાદુરને ઈલ્કાબ આપ્યો.

સાક્ષરતા તો એમની ત્રણ પેઢીથી ચાલી આવે છે. પિતામહ રણછોડદાસ આખા ગુજરાતમાં કેળવણીના પિતાના નામથી ઓળખાય છે. અને એમના પિતા રા. બા. મોહનલાલ સને ૧૮૫૮ની હોપ વાચનમાળા કમિટીના સભ્ય હતા, અને એ વાચનમાળાના અમુક વિષય પરના પાઠ એમના લખેલા હતા. સુરત જીલ્લાનાં ગામડાંમાં તો આજે પણ જે કોઈ ડેપ્યુટી પરીક્ષા લેવા આવે તે “મો'લાલ”ના નામથી ઓળખાય છે. વંશ પરંપરાથી ઉતરતી આવેલી કેળવણીની પ્રગતિમાં કૃષ્ણલાલભાઈનો હિસ્સો સૌથી મોટો છે. સને ૧૮૯૩ થી ૧૯૦૫ સુધી યુનીવર્સીટીની ફારસીની પરીક્ષામાં એઓ પરીક્ષક નીમાતા હતા. એલએલ. બી.માં પણ એઓ પરીક્ષક નીમાતા હતા. અને સને ૧૯૨૪થી આજ પર્યંત કોઈ વખત બી. એ., કોઈ વખત એમ. એ.,ની પરીક્ષામાં એઓ ગુજરાતીના પરીક્ષક નીમાય છે. એમના પિતાના સ્વર્ગવાસ પછી તેમની જગાએ સરકારી કેળવણી ખાતા તરફથી એમને “બુક–કમિટી”માં નીમવામાં આવ્યા હતા. આજે કેટલાંએ વર્ષોથી ગુજરાતી પુસ્તકોની “મોડર્ન રીવ્યુ”માં એમના તરફથી કરવામાં આવતી સમાલોચના તરફ ગુજરાતી વાચકોનું લક્ષ ખેંચાયા કરે છે. સને ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદ્ જ્યારે મુંબાઇમાં મળી ત્યારે એઓ તેના સ્વાગત્ મંડળના અધ્યક્ષ ચૂંટાયા હતા.

સાહિત્ય સેવા ઉપરાંત એમની બીજી સેવાઓ અનેકવિધ છે. મુંબાઇનાં અનેક ધર્માદાખાતાઓ અને જાહેર સંસ્થાઓમાં, કાંતો પ્રમુખ, કાંતો વ્યવસ્થાપક કમિટીમાં, કાંતો ટ્રેઝરર તરીકે એઓ કામ કરે છે. એઓ જસ્ટીસ ઑવ્ ધી પીસ છે. મુંબાઇ યુનીવર્સીટીના ફેલો હોવા ઉપરાંત એઓ યુનિવર્સીટીની ગુજરાતી “બૉર્ડ ઓવ્ સ્ટડીઝ”ના પ્રમુખ તથા યુનીવર્સીટી લાઇબ્રેરી કમિટીના એક સભ્ય છે.

સ્મોલકોઝ કોર્ટના વડા જડજ તરીકે એમને પોતાના હક્કનું સંરક્ષણ કરવા ના. સરકાર સાથે અવારનવાર લડવું પડતું, છેલ્લે છેલ્લે નિવૃત્ત થયા પછી પણ પેન્શન બાબતમાં દેશીઓના અને યુરોપીઅનોના પેન્શનની રકમના ભેદને લઈને એમણે ચાર માસ સુધી પેન્શન લીધેલું નહિ. એ બાબતમાં હવે પછીના દરેક વડા જડજને પછી તે બેરીસ્ટર હોય કે વકીલ હોય તોપણ એક સરખું પેન્શન આપવાનો ઠરાવ સરકાર પાસે કરાવરાવીને એમણે એ પ્રશ્નનો અંત આણ્યો છે.

માતૃભાષા ઉપરાંત ફારસી, ઇંગ્રેજી, ઊર્દૂ, બંગાળી અને મરાઠી ભાષાનું એઓ સારું જ્ઞાન ધરાવે છે.

હાલમાં પાલણપુરના નવાબ સાહેબના આગ્રહને લઈને ત્યાંના જ્યુડીશીઅલ એડવાઈઝર તરીકે એઓ કામ કરે છે. સને ૧૯૨૯માં સરકારે મુંબાઇનાં હુલ્લડની તપાસ સમિતિમાં એમની નિમણુંક કરી હતી. વળી અમદાવાદમાં એજ વર્ષમાં મીલમજુરો અને મીલમાલીકો વચ્ચે પગારની રકમ સંબંધી વાંધો પડતાં તે વાંધો મહાત્મા ગાંધીજી અને શેઠ મંગળદાસ પાસે લવાદ તરીકે મૂકવામાં આવ્યો. તેમાં બંને લવાદો વચ્ચે મતભેદ થતાં સરપંચ તરીકે એમને નીમવામાં આવેલા, અને બેઉ પક્ષની તકરાર સાંભળી એ પ્રશ્નનો અભ્યાસ કરી એમણે જે નિર્ણય આપ્યો તેથી બંને પક્ષને સંતોષ થયો હતો.

જુની ફારસી સનદો અને હસ્તલિખિત પ્રતો ઉકેલવાનો એમને બહુ શોખ છે. જૂના ફારસી દસ્તાવેજો ઉપર એમણે ઇંગ્રેજી તથા ગુજરાતીમાં લેખો લખ્યા છે. વૈષ્ણવ સંપ્રદાયના શ્રીનાથજીના હાલના મહારાજના પૂર્વજોને અકબર, શાહજહાન વગેરે બાદશાહો પાસેથી જે ફરમાનો મળેલાં, તે ફરમાનો અસલ ફારસીમાં છે. તે સર્વનું ઇંગ્રેજી તથા ગુજરાતી ભાષાંતર કરી ટીપ સાથે મ્હોટા પુસ્તકરૂપે એમણે એ ફરમાનો બહાર પાડ્યાં છે.

એમનાં પુસ્તકોની યાદીઃ

હૈદરઅલી ને ટીપુ સુલતાન (૧૮૯૪)
દયારામ ને હાફેઝ (૧૮૯૫)
ઔરંગજેબ અને રાજપૂતો (૧૮૯૬)
મોહસીનીનાં નીતિ વચનો (૧૮૯૭)
કૃષ્ણચરિત્ર (૧૯૦૮)
ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્થંભો ભાગ ૧ (૧૯૨૭)
ભાગ ૨ (૧૯૩૦)

ફારસી–ઇંગ્રેજી.

Persian Prosody with Figures of Speech 1st Ed. (1890)
Translation into English of Saadis Tayyabat (101-150) (1890)
Outlines of Essays for Higher Standards in High Schools (1892)
Translation into English of the Gazals of Hafez (101-300) (1892)
Introduction to the Anware Sohaili (1892)
Notes on the Akhlake Mohasini (1892)
Shivaji or The Dawn of Maratha Empire (1898)
Milestones in Gujarati Literature (1914)
Further Milestones in Gujarati Literature (1924)
Imperial Farmans (1929)
(in the press).