રણ તો રેશમ રેશમ/પહેલે પાતાળે મૃત સમુદ્રની મુલાકાત

From Ekatra Wiki
Revision as of 01:31, 26 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
(૧૯) પહેલે પાતાળે મૃત સમુદ્રની મુલાકાત

ગાડી સડસડાટ નીચે ને નીચે ઊતરી રહી છે. જાણે કોઈ વિશાળ ખીણમાં નીચે ઊતરી રહ્યાં હોઈએ તેવું લાગે છે. પ્રભાતના સૂર્યનો પ્રકાશ આસપાસની પીળી પથરીલી ધરતીને આલોકિત કરી રહ્યો છે. સ્વચ્છ આકાશ જાણે વધારે ને વધારે ભૂરું થતું જાય છે. કાળા ભમ્મર સર્પીલ રસ્તાને સહારે જાણે કે અમે પાતાળમાં ઊતરી રહ્યાં છીએ. આસપાસ ઊઘડતાં દૃશ્યો પરથી નજર હઠાવી શકાતી નથી. નીચે જતાં પીળી ધરતી પર લીલાશનાં ઝામાં ઊપસી આવતાં દેખાય છે. ખીણમાં છૂટીછવાઈ ખેતી થઈ રહી હોય તેવું લાગે છે. આ પીળા, લીલા રંગોની લીલા વચ્ચે આંખોને તો પ્રતીક્ષા છે, ભૂરા સમુદ્રની પહેલી ઝલકની. પરંતુ એ માટે જરાક રાહ જોવાની છે. અમે ઊતરી રહ્યાં છીએ, તે કોઈ મામૂલી ખીણ નથી. એ તો છે : જોર્ડનની ગ્રેટ રિફ્ટ વેલી, જે પૃથ્વીના તળીયા સુધી લંબાતી અમને પૃથ્વી પરનાં નીચામાં નીચા સ્થાન પર લઈ જવાની છે અને ત્યાં વિસ્તરેલા ડૅડ-સી ઊર્ફે મૃત સમુદ્રની મુલાકાત કરાવવાની છે. એશિયાખંડથી છેક આફ્રિકાખંડમાં ઉત્તરથી દક્ષિણે લંબાતી આ ૩૦થી ૧૦૦ કિલોમીટર પહોળી તથા ૬૪૦૦ કિલોમીટર લાંબી આ તિરાડ એટલે ગ્રેટ રિફ્ટ વેલી. આ વિરાટ તિરાડ ઉત્તર સિરિયાથી શરૂ થઈને લેબેનોન, ઇઝરાયલ, જોર્ડનની ધરતી પર ડેડ-સીની આરપાર અકાબાના અખાત પાસેથી રાતા સમુદ્રને અને પછી હિન્દી મહાસાગરને ચીરતી આફ્રિકાખંડમાં પ્રવેશીને ઇથોપિયા, ટાન્ઝાનિયા, મલાવી સોંસરવી આખાય ખંડને બે વિભાગમાં વહેંચતી, ઝામ્બેઝી નદીની ખીણ સાથે મળીને મોઝામ્બિકના મધ્ય ભાગ સુધી ફેલાયેલી છે. અવકાશયાત્રીઓ કહે છે કે, મુક્ત અવકાશમાં દૂરથી જ્યારે આપણે આપણી પૃથ્વીને એક ભૂરા સુંદર ગ્રહ તરીકે નીરખીએ, ત્યારે પણ આ તિરાડ સ્પષ્ટ જોઈ શકાય છે. અવકાશમાંથી એટલે કે, સ્પેસમાંથી દેખાતો પૃથ્વી પરનો આ સૌથી નોંધપાત્ર અણસાર છે. ખરેખર તો આ ગ્રેટ રિફ્ટ વેલી પૃથ્વી પર કરોડો વર્ષ પહેલાં બનેલી એક વિરાટ ઘટનાનું સંભારણું છે. એ સમયની વાત જ્યારે પૃથ્વી પર ખંડો રચાયા નહોતા. તે સમયે ધરતીની નીચેની લાવાની પ્રવૃત્તિઓને કારણે સમુદ્રના તળિયે ઊપસી આવતા ભૂતળ સાથે સમુદ્રતળનો વિસ્તાર થવા લાગ્યો. આને કારણે જમીનના ટુકડાઓ થવા લાગ્યા અને વર્તમાન ખંડોની જમીન પોતાના સ્થાન પરથી છૂટી પડીને સમુદ્રમાં ખેંચાવા લાગી. કોઈ જમીન સામા કાંઠે ભટકાઈ અને પહાડ ઊપસ્યા, તો વળી ક્યાંક આ છૂટા પડવાની પ્રક્રિયામાં તિરાડો તથા ખીણો રચાઈ. જેને અંગ્રેજીમાં ‘રિફ્ટની પ્રક્રિયા’ તથા ‘રિફ્ટ વેલીનું સર્જન’ કહેવામાં આવે છે. કરોડો વર્ષ પહેલાં બનેલી આ ઘટના વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્વરૂપે તો છેક હમણાં વીસમી સદીમાં સ્વીકારાઈ અને હવે એ વાત નિશ્ચિત લાગે છે કે, પૃથ્વીના પડ પર ચાલતી આ પ્રક્રિયા તો નિરંતર ચાલતી રહેવાની, એટલે આ રિફ્ટની આસપાસ ધરતીનું વિભાજન પણ નક્કી જ છે. વૈજ્ઞાનિકો માને છે કે, એક વખત રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રની વચ્ચેનો આરબરાષ્ટ્રો જ્યાં વસેલાં છે, તેમાંથી જમીનનો એક સાંકડો પટ્ટો તૂટશે અને રાતો અને ભૂમધ્ય સમુદ્ર એકબીજામાં ભળી જશે, ત્યારે એશિયા અને આફ્રિકાખંડને જોડતો જમીન માર્ગ નાશ પામશે. આમ આ ગ્રેટ રિફ્ટ એક ભયસૂચક નિશાની પણ છે. ભવિષ્યમાં જે બને તે, પરંતુ આજે તો એ હકીકત છે કે, આ ચાર હજાર કિલોમીટર લાંબી ગ્રેટ રિફ્ટ વેલીમાં અદ્ભુત સૌંદર્ય વિખેરાયેલું છે. તેમાં મીઠા તથા ખારા પાણીનાં અનેક અપ્રતિમ સરોવરો રચાયાં છે તથા આફ્રિકાખંડમાં તો આખીય ખીણમાં લાખો વન્ય જીવોની આખેઆખી દુનિયા વસેલી છે. આફ્રિકાની આ વનવાસી જીવોથી ઊભરાતી ખીણ વિશે તો માહિતી હતી, એને જોવાનું સ્વપ્ન પણ મનમાં ખરું જ; પરંતુ એ જ ખીણની આમ છેક પૃથ્વીના બીજે છેડે અનાયાસ મુલાકાત થઈ જશે તે અણધાર્યું હતું. અમે જેમ જેમ આગળ વધતાં જતાં હતાં, તેમ તેમ આસપાસના પર્વતો ઊંચા ને ઊંચા થતા જતા હતા. એક વિરાટ ખીણમાં ચાલ્યું જતું અમારું વાહન પર્વતોની દીવાલ સામે સાવ નાનું અને નિર્માલ્ય લાગી રહ્યું હતું. અને તેમાં સ્થિત પોતાની હયાતી તો જાણે સાવ રજકણ જેવી! અવકાશયાત્રીને સ્પેસમાંથી આ સ્થળ કેવું દેખાતું હશે? એવી કલ્પના કરતી હતી ને ખીણને તળિયે વિસ્તરેલાં પાણીની પહેલી ઝલક દેખાઈ. સમુદ્રતટ કરતાં ચારસો ને ઓગણત્રીસ મીટર એટલે કે ૧૪૦૭ ફૂટ નીચું આ સ્થળ પૃથ્વી પરનું નીચામાં નીચું જમીની સ્થાન છે. અહીં હવાનું દબાણ પણ એટલું વધારે હોય છે કે, ઉપરથી પાણીની બૉટલો ભરી લાવેલાં તેનું લેવલ હતું તેનાં કરતાં નીચું થઈ ગયું હતું! તલાલે આ હકીકત તરફ અમારું ધ્યાન ખેંચ્યું, ત્યારે આશ્ચર્યનો પાર ન રહ્યો. અહીં સ્કૂબા ડાઇવિંગ પણ વધારે ખતરનાક બની રહે છે, કારણ કે, જમીન જ દરિયાના સ્તરથી આટલી બધી નીચી, પછી દરિયાની અંદરનું ઊંડાણ, એટલે એટલું બધું દબાણ શરીર પર અને ખાસ કરીને મગજની રક્તવાહિનીઓ પર આવે કે તે ફાટી જઈ શકે અને એમ જીવનું જોખમ થઈ શકે. રિફ્ટ વેલીનું વિસ્મય હજી શમ્યું નહોતું ને પેલા ડેડ-સીએ સાદ પાડ્યો. મનમાં થયું, દરિયો ને પાછો મૃત કેમ? ખરેખર તો આ સમુદ્ર નથી ખંડોના વિભાજન વખતે ગ્રેટ રિફ્ટ વેલીમાં રચાયેલાં અન્ય સરોવરો સાથે જમીન વચ્ચે કેદ થઈ ગયેલા મહાસાગરના ખારા પાણીને સમાવતું વિશાળ સરોવર છે. સમુદ્ર જેવું વિશાળ હોવાથી એના નામ સાથે સમુદ્ર એવો પ્રત્યય લાગ્યો છે. આ સરોવરને મળતો પાણીનો સ્રોત જોર્ડન નદીમાંથી આવે છે. હવે જોર્ડન નદીનું પાણી માણસો માટે વાપરવાની જરૂર વધતી ગઈ, તેમ તેમ તેના પર બંધો બંધાવા લાગ્યા અને એમ ડેડ-સીને મળતું પાણી ઘટવા લાગ્યું છે. હવે આ વિરાટ સરોવર સુકાવા લાગ્યું છે અને એમ તેની અંદર રહેલા ક્ષારોનું તથા મીઠાનું પ્રમાણ વધવા લાગ્યું છે. કહો કે, તે મૃતઃપ્રાય થવા લાગ્યું છે. પણ ડેડ-સી નામ કાંઈ આ કારણે પડ્યું નથી. આ સમુદ્રમાં મીઠું અને રાસાયણિક તત્ત્વો એટલી મોટી માત્રામાં છે કે, તેમાં કોઈ પણ જીવ ટકી શકતો નથી. આમ બેક્ટિરિયા, ફૂગથી માંડીને મગર-મત્સ્ય જેવો એક પણ જીવ તેમાં નથી, માટે તેનું નામ ડેડ-સી પડ્યું છે. સામાન્ય રીતે દરિયામાં મીઠું તથા ક્ષારોનું પ્રમાણ ચારેક ટકા હોય છે, જ્યારે અહીં ક્ષારો તથા મીઠાંનું પ્રમાણ દરિયાથી આઠ ગણું એટલે કે આશરે ૩૪ ટકા છે. આના કારણે પાણીની ઘનતા એટલી બધી વધી જાય છે કે, તેમાં પડતું મૂકીએ તો ડૂબી શકાતું નથી! તમે એ પાણીમાં સૂતાં સૂતાં નિરાંતે છાપું વાંચી શકો! પણ એ પાણીનું એક પણ ટીપું આંખોમાં ન જાય તેનું ધ્યાન રાખવાનું. જો પાણી આંખમાં ગયું તો નાની જ નહીં, સાત પેઢીના પૂર્વજો યાદ આવી જાય એટલી બળતરા આંખોમાં થઈ આવે! આ પાણીમાં રહેલાં રસાયણોને આરોગ્યવર્ધક તથા રોગવિનાશક માનવામાં આવે છે. વળી આ સમુદ્રતટનો કાદવ સૌંદર્યવર્ધક મનાય છે. દરિયાકિનારે મુલતાની માટી જેવો ચીકણો તથા મુલાયમ, પરંતુ કાળા રંગનો કાદવ ભરેલાં પીપડાં જોવા મળે. આ કાદવ પ્રવાસીઓ છુટ્ટે હાથે આખાય શરીરે લપેડીને થોડી વાર બેસી રહે, પછી સ્વચ્છ પાણીથી સ્નાન કરતાં ચામડી વધારે લિસ્સી તથા ચમકતી થયેલી અનુભવે. આ પાણીનું મહત્ત્વ આદિકાળથી સ્વીકારાયું છે. પાંચ હજાર વર્ષ પહેલાં પણ ઇજિપ્તમાં મૃતક રાજાઓનાં મમી બનાવવા માટે ખાસ આટલે દૂરથી લવાયેલા પાણી તથા એમાંથી બનાવવામાં આવેલા રાસાયણિક લેપ વપરાતા. રાજા હૅરૉડના વખતથી અહીં વિશ્વનો પહેલો હેલ્થ રિસૉર્ટ બન્યો હતો. ડેડ-સી વિશે આવી બધી વાતો વાંચ્યા પછી દરિયામાં નહાવું નથી, માત્ર પગ બોળીશું અને મૃત દરિયાને કિનારે નિરાંતે બેસીશું એવા વિચાર સાથે અમે રિસૉર્ટ છોડ્યો. દરિયાકિનારે આવતાં જ સાંજના ઢળતા તડકાને અવગણતી ઠંડા પવનની લહેરખી વીંટળાઈ વળી. દરિયો શાંત હતો. એનું પાણી ધારવા કરતાં વિપરીત પારદર્શક અને ચોખ્ખું હતું. પાણી જોતાં જ કોઈ સમ્મોહિત વ્યક્તિ ભાન ભૂલી જાય, તેમ અમે પાણીમાં કૂદી પડ્યાં. તરતાં આવડે તે અહીં નકામું. તરવાની કોશિશ કરો તો વધારે કફોડી સ્થિતિ થાય. અહીં તો સમુદ્રને સંપૂર્ણપણે સમર્પિત થઈ જવાનું અને એની ઉપર બસ, ફ્લૉટ થયા કરવાનું! આકાશને અને જળને અસ્તિત્વમાં પ્રવેશવા દઈને સમષ્ટિ સાથે એકરૂપ થઈ જવાનું. જીવનના વિપરીત સંજોગો પર પણ આ જ રીતે ફ્લૉટ કરતાં આવડી જાય તો? બસ, શરત એટલી કે, પાણી આંખમાં ન જવું જોઈએ. અમે નિજાનંદે તન્મય થઈને સમુદ્ર પર પડ્યાં રહ્યાં. જેમ જીવનમાં થાય છે, તેમ થોડું પાણી આંખમાં ગયું પણ ખરું ને પછી મીઠા જળથી આંખો ધોઈને ચચરાટ શમાવતાં પણ આવડી ગયું! જરાક દૂધિયા પણ સ્વચ્છ ભૂરા એ સમુદ્રને પેલે પાર ઉપસેલા પર્વતો જેવો કિનારો દેખાઈ રહ્યો છે. દૂર સુધી લંબાતા કિનારે-કિનારે સમુદ્રનાં રસાયણોમાંથી બનતાં સ્ફટિકોની રૂપાળી રચનાઓ પણ છે, તથા ફળફળતાં કાળાં રસાયણોથી બનતા પથ્થર જેવાં અસ્ફાલ્ટમાં અશ્મિભૂત થઈને સચવાયેલા આદિ-માનવના અવશેષો પણ છે. સામે દેખાય છે તે ઇઝરાયલનો કિનારો છે. બંને દેશો વચ્ચે સરહદ બનીને વિસ્તરેલો આ ડેડ-સી સુંદર છે તથા વિશ્વની ઊંડામાં ઊંડી ખીણના તળિયે ઊભા રહેવાનો અનુભવ રોમાંચક પણ છે. ખરેખર તો અસ્તિત્વની લઘુતાનો અહેસાસ કરાવતી અને સંજોગો પર શાંતિથી ફ્લૉટ થવાનું શીખવતી આ જગ્યા પરથી હટવાનું મન જ થતું નહોતું!