રણ તો રેશમ રેશમ/ગાલના તલ ઉપર કુરબાન : સમરકંદ-બુખારા
ઉઝબેકિસ્તાનના પ્રવાસની તૈયારીઓ ચાલતી હતી ત્યારે મનમાં એક અકળ અજંપો અનુભવાતો હતો. પેલી અડધીપડધી યાદ આવતી કાવ્યપંક્તિઓ મનનો કેડો ન મૂકે. ‘સમરકંદ–બુખારા...સમરકંદ–બુખારા’ એવું સતત મનમાં પડઘાયા કરે, પણ એથી વિશેષ કાંઈ યાદ ન આવે! વિદ્વાન વડીલોને પૂછ્યું. શ્રી પાઠકસાહેબ કહે, ‘ઉમાશંકરની એ રચનામાં કોઈના ગાલ ઉપરના તલ ઉપર સમરકંદ–બુખારા વારી જાઉં એવા મતલબની ફારસી કવિતાનો સંદર્ભ છે.’ શ્રી જયેશભાઈ દેસાઈ કહે, ‘એ ફારસી કાવ્ય હાફિઝનું હોવું જોઈએ.’ માત્ર આટલી માહિતીથી મનનું સમાધાન ન થયું. એક દિવસ મન સામે વિવશ થઈને મેં આદરણીય શ્રી રઘુવીરભાઈને ફોન જોડ્યો. ‘‘શ્રી ઉમાશંકર જોશીના કાવ્ય ‘સમરકંદ–બુખારા’ વિશે કાંઈક માહિતી આપશો? કોઈના ગાલના તલ ઉપર કુરબાન સમરકંદ–બુખારા..!’’ રઘુવીરભાઈએ મને ઉમાશંકરજીના ઊંડા અભ્યાસુ એવા શ્રી ચંદ્રકાંત શેઠનો ફોન નંબર આપ્યો. કોઈ પરિચય નહોતો છતાં હું મનમાં પડઘાતી એ પંક્તિઓ સામે લાચાર હતી. હિંમત કરીને મેં ફોન જોડ્યો. જવાબમાં અત્યંત સહૃદયતાથી એમણે આખું કાવ્ય મને ફોન પર વાંચી સંભળાવ્યું. એે પછી સ્નેહી બહેનશ્રી દક્ષાબહેન વ્યાસે એ લખીને પણ મોકલી આપ્યું. હાફિઝની કવિતા પણ ઇન્ટરનેટ પર સરળતાથી મળી ગઈ. જાણે એક જાતરા પૂરી થઈ! મનમાં પૂર્ણ પરિતોષ હતો, બંને કવિતાઓનો સંગાથ હતો અને ગતિ હતી સમરકંદ–બુખારા તરફ. શ્રી ઉમાશંકર જોશીએ ૧/૭/૧૯૩ને દિવસે વિસાપુર જેલમાં લખેલું એ કાવ્ય કાંઈક આવું છે : કવિશ્રી યાદ કરે છે કે સ્કૂલમાં મહેતાજી હોંશે હોંશે ભૂગોળ ભણાવતા. તેઓ પગે, ગાડીએ, વહાણે નહીં, આંગળીએ નકશામાં ભલભલાં ગામ–શહેર બતાવે, પણ કવિરાજને એમાં કાંઈ રસ પડે નહીં. એમને તો નકશાની ભૂંગળ કરી દેવાનું મન થાય. ‘નકશામાં જોયું, ન કશામાં!’ કહેતું એમનું ચંચળ મન ક્યાંય દૂર નાસી જાય. મહેતાજી પ્રશ્નો પૂછે ત્યારે સોયની અણી પણ ન ઠરે, ત્યાં વસેલાં શહેર – સમરકંદ ને બુખારા યાદ આવે નહીં ને મહેતાજીની સોટી હથેળી પર ધોળે દિવસે તારા બતાવે. કવિનું મન ત્રાહિમામ્ થઈને પોકારી ઊઠે,
‘કાબુલ, બલ્ખ, કંદહાર ને સમરકંદ–બુખારા!
કદી ભુલાશે નહીં બાપલા! સમરકંદ–બુખારા!’
સમરકંદ–બુખારા સાથેનો એમનો એ પહેલો પરિચય. ત્યાર બાદ કૉલેજમાં ગુલાબી વાતોથી વિદ્યાર્થીઓને રીઝવતા ને ચીપીચીપીને બોલતા પ્રોફેસરે હાફિઝનું કાવ્ય ભણાવ્યું ત્યારે સમરકંદ–બુખારા સાથે થયેલી પુનઃ મુલાકાતને ઉમાશંકરજી કાંઈક આ રીતે વર્ણવે છે :
કહે : ‘એક ઇશ્કી પૂર્વે કહેતોતો શાહ શરાબી :
બદન પરે કાળા તલવાળી સનમ જો રીઝે, તો સારા
દઈ દઉં એના તલ પર વારી સમરકંદ–બુખારા!’
ત્યારેય, ‘તલની લતમાં આવા તે શા બખાળા?’ – એવો પ્રશ્ન કરતું કવિનું મન તો મહેતાજીની સોટીના સ્મરણથી ચમચમતું બાળપણના પરિચિત સમરકંદ–બુખારામાં પહોંચી જાય છે. સમય પસાર થતો જાય છે, સાથે સાથે અનેક વાર આંખ મીંચતાં જ પેલું સ્મરણ તાજું થઈ આવે છે. આંખ સામે જંગી દરવાજા ખૂલી જાય છે. પડઘમ, રણશીંગાં, જંગ ને સવારીનાં દૃશ્યો ભજવાવા લાગે છે. મન ઓળખી જાય છે, અરે, આ તો સમરકંદ–બુખારા! સોટીના ચમકારા ને સ્મરણચિત્રના ઝબકારા વરસોવરસ કવિ અનુભવતા રહે છે ને વિમાસતા રહે છે : કંચનજંઘા, ઉમાશિખર, કેન્યા, કિલિમાન્જારો, કેટકેટલા મુકામો ભુલાઈ ગયા; કેમ આ એક સ્મૃતિએ જ કેડો ન મૂક્યો? કેમ સ્મરણે સદા રણકતા રહ્યા – સમરકંદ–બુખારા! કેવો આ યોગાનુયોગ! કેવું આ ભણકારાનું સમસંવેદન! આજે ત્યાંથી પાછા ફર્યા પછી સમજાય છે કે, હા, એ સ્થળોમાં જ એવું કંઈક હતું, જે તમને વારંવાર એને સ્મરવા મજબૂર કરી દે. એક એવું વાતાવરણ જે મનમાં વસી જાય, પછી એનાથી ક્યારેય અળગા ન થઈ શકાય. આજેય વિચારતી રહું છું કે કેમ બનતું હશે આવું? શું ખાસ હતું એ સ્થળમાં? કદાચ અપરિમિત રણની વચ્ચે ફરફરતી મનુષ્યની જિજીવિષાની વિજયપતાકા અને સહસ્રાબ્દીઓથી રણ વચાળે ઊભેલી જ્ઞાનની પરબ. એના ભૌગોલિક સ્થાને સર્જેલી એકાકી અસ્મિતા, અહીં થઈ ગયેલા રાજાઓની સાહિત્યપ્રીતિ, આ ભૂમિ પર થઈ ગયેલા વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓની તથા સાહિત્યકારોની પ્રતિભા, અહીં થઈ ગયેલા દરવેશો – સંન્યાસીઓની કરુણામય બંદગી, આક્રમણકારોના અત્યાચારોની કરુણાંતિકાઓ, ગોપિત પ્રણયકથાઓની રહસ્યમયતા – બધું મળીને આ સ્થળની આસપાસ એક વિશિષ્ટ આભામંડળ સર્જે છે. એક તો એશિયાખંડની સંસ્કૃતિઓ પરિચિત લાગે, તેમાંય એમના કેટલાંક ઐતિહાસિક પાત્રો સાથે આપણા ઇતિહાસનો અનુબંધ એક પ્રકારની જૂની ઓળખાણ હોય તેવો ભાવ પ્રેરે. એક અલગ પ્રકારની છતાં જાણીતી લાગતી એવી ઉઝબેક સંસ્કૃતિ વિશે વધારે જાણવાની જિજ્ઞાસાવશ મેં એના આદિકાળના સાહિત્યમાં ડોકિયું કર્યું. સૌથી પુરાણા ઉઝબેક સાહિત્યમાં પરીકથાઓનું, બોલતાં-ચાલતાં ને મનુષ્યની જેમ વર્તતાં પશુપંખીઓની દુનિયાનું, ગેબી કલ્પનોથી રચાયેલા માયાલોકનું તથા ઘરઘરાઉ ઘટનાઓનું ચિત્રણ જોવા મળે છે. એક તો નાનકડો દુર્ગમ પ્રદેશ, એનું એકાકીપણું જે વાસ્તવિક જગતથી દૂરનો કોઈ કલ્પનાલોક લોકમાનસમાં સર્જતો હશે એમ લાગે. કદાચ આ જ કારણસર એ સમયખંડમાં અનેક વિષમતાઓ વચ્ચે નાના સમાજમાં જીવતા ઇન્સાનનું મન બહેલાવવા અર્થે હાસ્યપ્રેરક લેખનપ્રકાર – લતીફા ઉર્ફે રમૂજી ટુચકાઓ પણ વિકસ્યો. ત્યાંના લોકસાહિત્યમાં એક કાલ્પનિક રમૂજી પાત્ર – નસરૂદ્દીન અફાન્દી સર્જાયું, જે આજે એક લોકપ્રિય રાષ્ટ્રવ્યાપી વ્યક્તિત્વ છે; અને શાણપણ, બહાદૂરી તથા રમૂજના પ્રતીક તરીકે ઉઝબેક લોકસાહિત્યમાં વારંવાર ઉલ્લેખાય છે. ૧૪મી સદીથી શરૂ થતાં સાહિત્યના સુવર્ણયુગમાં ઉઝબેક સર્જકોએ વિવિધ કોમ-જાતિઓ વચ્ચે બંધુત્વ અને એકતાની ઉદાત્ત પ્રેમભાવનાને પોષતું સાહિત્ય સર્જ્યું. આ સમયમાં સૌંદર્ય, સદાચાર તથા આદર્શવાદી ભાવનાઓને વ્યક્ત કરતું સાહિત્ય પણ વિપુલ માત્રામાં રચાયું. ૧૫મી સદીના નોંધપાત્ર સર્જક ઍલિશર નેવૉય (મૂળ નામ મીર અલી શીર નવા’ઈ) હેરાતમાં રહેતા. નવા’ઈ એમનું ઉપનામ હતું, જેનો અર્થ થાય – મધુર સંગીતનો રચયિતા. શબ્દોના વજન અને માપનું શાસ્ત્ર રચીને એમણે ફારસી કાવ્યલેખનને એક નવું પરિમાણ તથા નમણું રૂપ આપ્યું. એમણે કસીદા, ગઝેક કીતા, રૂબાઈ વગેરે પ્રકારોમાં સૌંદર્ય અને ચારિત્ર્યમાં નૈતિકત્વનો મહિમા ગાયો. નેવૉય લખે છે :
‘શબ્દ જો સત્યની આગથી સળગતો હશે,
તો એ પથ્થરને પણ પાણીમાં પરિવર્તિત કરી દેશે.
પરંતુ શબ્દ જો સત્યવિહીન હશે, તો –
એ મોતી પરોવવા માટેનો દોરો માત્ર બની રહેશે.
દોરો ગમે તેટલો મજબૂત હોય,
મોતી વગર એની કિંમત શું છે?’
વળી ક્યાંક એ કહે છે :
‘મહેનતે કમાયેલ એક પૈસો
રાજાએ બક્ષિશમાં આપેલ
વગર કમાયેલ ખજાના કરતાં વધારે કિંમતી હોય છે!’
જીવનલક્ષી ફિલસૂફીપૂર્ણ અન્ય પંક્તિઓ જુઓ :
‘સત્યપૂર્ણ વાણી શાણા માણસની લાક્ષણિકતા છે.
પરંતુ કેટલાંક સત્યો શાણપણને ખાતર બોલાયા વગરનાં રહે છે!’
તો વળી ક્યાંક એ કહે છે :
‘જ્યારે સત્તા ન્યાયનો મહિમા કરે છે,
ત્યારે વિનાશથી રગદોળાયેલ ભૂમિ ઉપર પણ ત્વરિત જ ફૂલો ખીલી ઊઠે છે.’
૧૬મી સદીની શરૂઆતમાં શહેનશાહ બાબરે લખેલ પુસ્તક ‘બાબરનામા’થી આત્મકથાત્મક સાહિત્યના મંડાણ થયા. બાબર લખે છે : ‘મેં આ બધું ફરિયાદ કરવા કે આત્મશ્લાધા કરવા લખ્યું નથી. મેં તો સાદું-સીધું સત્ય લખ્યું છે. જે કાંઈ બન્યું તેનું પ્રામાણિક સત્ય મેં આલેખ્યું છે, માટે મેં સારું-ખરાબ જે કાંઈ જોયું, તે તટસ્થતાથી લખ્યું છે. મારા સ્વજનોના તેમ જ અપરિચિતોનાં જે કાંઈ ગુણદોષ મેં જોયા, એ તમામ વિશે મેં લખ્યું છે. આશા છે કે એ માટે મારા વાચકો મને માફ કરી દેશે અને મારા શ્રોતાઓ મને દોષ નહીં દે.’ સંદર્ભો રસપ્રદ હતા, પણ મન એમાં ન લાગ્યું. મન તો શોધતું હતું પેલી સુંદરીને ને એની રૂપગાથાના રચયિતા હાફિઝ શિરાઝીને. આખરે એમનીય મુલાકાત થઈ જ ગઈ! હાફિઝની અમર કાવ્યપંક્તિઓ મારી આંખો સમક્ષ હતી :
‘જો એ તુર્ક શિરાઝી મારું હૃદય પોતાના હાથમાં લઈ લેશે,
તો બેશક એના ચહેરા પરના તલ ઉપર
હું ન્યોચ્છાવર કરી દઈશ, સમરકંદ–બુખારા.
જામમાં રેડી દે, બાકીની સુરા, હે સાકી,
સ્વર્ગમાં તને આવા નક્કર નદીના કિનારા
કે પ્રાર્થના માટેના મુલાયમ ગાલીચાનું સુખ નહીં મળે.’
૧૪મી સદીનો સૌથી માન્યવર કવિ શમ્સુદ્દીન મુહમ્મદ હાફિઝ શિરાઝી. ‘શિરાઝી’ શબ્દ કવિની જન્મભૂમિ ‘શિરાઝ’ નામના ગામ પરથી આવ્યો છે. અસલના પર્શિયામાં વસેલું આ ગામ હાલ ઈરાનમાં છે. શિરાઝ અર્થાત્ નાઈટિંગેલ પંખી અને ગુલાબનાં ફૂલોનું શહેર. ‘હાફિઝ’ એમનું ઉપનામ હતું. હાફિઝનો અર્થ થાય કંઠસ્થ કરનાર. એમને આખું કુરાન કંઠસ્થ હતું, એટલે એ ‘હાફિઝ’ કહેવાયા. આજે પણ જેને આખું કુરાન મોઢે હોય, તેને ‘હાફિઝ’ના ખિતાબથી નવાજાય છે. કાવ્યસર્જનના શરૂઆતના વરસોમાં કવિ હાફિઝે શિરાઝના રાજ્યદરબારમાં રાજાનો મહિમા ગાયો. ત્યારબાદ શિરાઝ આમિર મુબારેઝ નામના ધર્માંધ શાસકના હાથમાં ચાલ્યું ગયું. એણે કવિઓનો દેશનિકાલ કર્યો અને લલિતકલાઓ પર પ્રતિબંધ ફરમાવ્યો. વિદ્રોહની ભાવનામાં હાફિઝે ધર્મને નામે ચાલતા દંભ વિરુદ્ધ કટાક્ષભરી રચનાઓ રચી. ઈરાનના શાહે હાફિઝને બગદાદ નોતર્યા, પણ કોઈ અગમ્ય કારણોસર હાફિઝ ઈરાન ન ગયા. ત્યારબાદ દખ્ખણના મહેમૂદશાહે એમને ભારત નોતર્યા. હાફિઝ ભારત આવવા પણ નીકળ્યા, પરંતુ અફસોસ! રસ્તામાં સમુદ્ર તોફાને ચડ્યો. હાફિઝે દરિયાની વિડંબનાઓ કરતાં નક્કર કિનારાને વધારે પસંદ કર્યો ને હિન્દુસ્તાનની દરિયાઈ સફર છોડી, જમીનમાર્ગે પોતાના વતન શિરાઝ પાછા ફર્યા. વળી થોડાં વર્ષ પછી તૈમૂરે શિરાઝ પર વિજય મેળવ્યો. અહીં તલવારના અધિપતિ તૈમૂરની કલમના અધિપતિ હાફિઝ સાથે મુલાકાત થઈ. તૈમૂરે હાફિઝની પેલી ગાલ ઉપરના તલ પર સમરકંદ–બુખારા ન્યોચ્છાવર કરી દેવા વાળી વિખ્યાત પંક્તિઓ સાંભળી. લોકવાયકા છે કે હાફિઝની આ પંક્તિઓને કારણે તૈમૂર રોષે ભરાયો. એણે કવિને પકડી લાવવા કહ્યું. બંધક બનાવી લવાયેલ કવિ હાફિઝને તૈમૂરે ભરસભામાં પૂછ્યું : ‘મેં યુદ્ધમાં મહામહેનતે તથા મહાપરાક્રમે જીતેલ સમરકંદ અને બુખારા તું એમ શી રીતે માશૂકાના એક તલ પર લૂંટાવી દઈ શકે?’ તૈમૂરનો તીખો મિજાજ પારખતાં હાજરજવાબી કવિએ તરત ઉત્તર આપ્યો : ‘બેઅદબી માફ હો જહાંપનાહ, મારી આ ઉડાઉગિરિએ જ તો મને કોડીની કિંમતનો કરી નાખ્યો છે!’ કહેવાય છે કે આ જવાબથી ખુશ થઈને આમિર તૈમૂરે કવિને મુક્ત કર્યા! બુખારામાં ફરતાં શિરાઝીનું કાવ્ય મનમાં પડઘાતું રહ્યું. મનમાં એ પ્રશ્ન ઘુમરાતો હતો કે કોઈ એક ક્ષણ માટે, કોઈ એક તલ માટે ન્યોચ્છાવર થઈ જનાર લોકોની આ ભૂમિ પર હું કઈ ક્ષણ શોધું? પેલું આકાશમાં નૃત્ય કરતું હુમાપંખીનું યુગલ આંખો સમક્ષ આવી ગયું. પોતાની જ રાખમાંથી નવસર્જિત થતા દેવહુમા પંખીના પુરાકલ્પનનું ઉઝબેક સંસ્કૃતિમાં ખૂબ મહત્ત્વ છે. તાશ્કંદના ગૌરવવંતા ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેરના મુખ્ય પ્રવેશદ્વારને ‘આર્ચ ઑફ નોબલ એસ્પિરેશન્સ’ કહેવાય છે. એની મધ્યસ્થ કમાન પર નૃત્ય કરતા હુમાપંખીના યુગલનું નમણું રૂપેરી શિલ્પ જોયેલું. સોનેરી સુશોભનોથી શોભતા તાશ્કંદના ઓપ્રાહાઉસના ભવ્ય શ્વેત મકાનના ગુંબજ ઉપર પણ નૃત્ય કરતા દેવહુમા યુગલનું શિલ્પ જોયેલું. આ અપાર્થિવ પંખીની પરિકલ્પના અનેક સંસ્કૃતિઓના પુરાકલ્પનોમાં જોવા મળે છે. ગ્રીક પુરાણોમાં ને પ્રાચીન ઇજિપ્તના આલેખનોમાં; ચીનમાં, તિબેટમાં ને જાપાનમાં; ભારતમાં, ઈરાનમાં ને આખાય પર્શિયામાં, રશિયામાં ને ટર્કીમાં; અનેક દેશોના પુરાકલ્પનોમાં અલગ અલગ નામોથી આ અમરપંખીની પરિકલ્પના છે. દેવહુમાનું એ યુગલ થરકતું મારા મનમાં નૃત્ય કરવા લાગે છે! હું આંખ બંધ કરી ઊતરતી જાઉં છું મારી પોતાની અંદર. ત્યાં મળે છે એક આકાશ. એ આકાશમાં હું જીવનસાથી સંગાથે ચક્કર-ચક્કર ફરવા લાગું છું. તન્મયતાની પળોમાં આકાશ પગ નીચેથી સરકી જાય છે, અમે ચકરાવા લાગીએ છીએ અસીમ બ્રહ્માંડના અનંત અવકાશમાં. સમષ્ટિના વિરાટ રંગમંચ પર નિજાનંદમાં સરાબોર નૃત્યની તાલબદ્ધ ગતિશીલતામાં દેવહુમા યુગલની તન્મયતાથી લયલીન થઈ જવાની એ ક્ષણ પર આખાય અસ્તિત્વને સમર્પિત કરી દેવા ઝંખું છું, માશૂકાના ગાલ પરના તલ ઉપર ન્યોચ્છાવર સમરકંદ–બુખારાના દેશમાં! સફર પહેલાં જેને વ્યાકુળતાથી શોધી હતી તે ઉમાશંકરજીની કાવ્યપંક્તિઓ મારી અંગત અનુભૂતિનો આયનો બની જાય છે :
‘મધરાતે મધુ નીંદરમાંયે સમરકંદ–બુખારા!
નિશદિન મારે સ્મરણે રણકે સમરકંદ–બુખારા!’’