રણ તો રેશમ રેશમ/રાતા સમુદ્રને કિનારે સોનેરી શહેર : અકાબા
વિશ્વના સમુદ્રોનો અને મહાસાગરોનો નકશો જોઉં, ત્યારે જોયેલા કિનારાઓની સ્મૃતિ તાજી થઈ આવે ને વણજોયેલી ભૂમિઓ સાદ કરતી હોય તેવું લાગે. સામાન્ય રીતે હિંદ મહાસાગરને કિનારેથી માંડેલી સફર કઈ કઈ ક્ષિતિજોને અને કયા કયા સમુદ્રોને પાર લઈ ગઈ તે નકશામાં પણ જોઉં તો જળમાં અંકાયેલાં પગલાં નજર સામે તરવરવા લાગે. મહાસાગરોના ચહેરા પણ કેટલા સુંદર હોય છે! વિશાળ હિંદ મહાસાગરને ઉત્તર તરફ અનુસરતા જઈએ, તો જમીનની નજીક આવતાં જ એ બે વિભાગમાં વહેંચાઈ જતો દેખાય. એક ફાંટો કોઈ નૃત્યાંગનાનાં વસ્ત્રોના ઘેરની જેમ જમીનની કોરે ફેલાઈને પર્શિયાના અખાત સુધી લંબાતો દેખાય, જ્યારે બીજો ફાંટો એડનના અખાત પાસેથી સંકોચાઈને રાતા સમુદ્ર તરીકે આફ્રિકાખંડને બે વિભાગમાં વહેંચતો ઊંચે સુધી લંબાતો દેખાય. રાતા સમુદ્રનો આકાર સસલા જોવો લાગે. સરકસનો ખેલ કરવા બે પગ ઉપર ઊભું રહેલું કોઈ સસલું જાણે! સસલાના આકારના આ રાતા સમુદ્રના નકશાને ઉત્તર દિશામાં અનુસરતા જઈએ તો જોઈ શકાય કે, ઇજિપ્તના રાસ મોહમ્મદ નામના બંદરથી રાતો સમુદ્ર બે સાંકડા ફાંટામાં વહેંચાઈ જાય છે. જાણે સસલાના બે કાન! ડાબી બાજુનો કાન ઇજિપ્તને બે વિભાગમાં વહેંચતો, સુએઝ કેનાલને મળ્યા પછી છેક ઉત્તરની ટોચ પર ઇસ્માઇલિયાના બંદરગાહ પર પૂરો થાય છે. જ્યારે તેનો જમણો કાન સાઉદી અરેબિયા તથા ઇજિપ્તને છૂટો પાડતો ઉત્તરે લંબાય છે અને ત્યાં છેલ્લે જોર્ડનના દક્ષિણતમ બિંદુ પર પૂરો થાય છે. રાતા સમુદ્રની આ જમણા ફાંટાની ટોચ ઉપર એક નમણું બંદરગાહ છે. એનું નામ છે અકાબા. બાઇબલમાં ઉલ્લેખાયેલું, રાજા સોલોમન જ્યાં જહાજ બાંધતો તે પુરાણા સમયનું જાજરમાન બંદરગાહ અકાબા. સહસ્રાબ્દીઓથી એશિયાખંડ તથા આફ્રિકાખંડ વચ્ચે સમુ્દ્રમાર્ગે થતા વ્યાપાર-વાણિજ્યનું અગત્યનું મથક તે અકાબા. ઇજિપ્તના પ્રવાસ દરમિયાન સુએઝ કેનાલ પાર કરીને સિનાઈના પ્રદેશની મુલાકાત લીધેલી, ત્યારે ઇસ્માઇલિયા બંદર પર રાતા સમુદ્રના ડાબા ફાંટાના અંતિમબિંદુને સ્પર્શવાની તક મળેલી અને હવે જમણા ફાંટાની ટોચ ઉપર સ્થિત જોર્ડનના એકમાત્ર સમુદ્રતટ તેવા અકાબા શહેરને કિનારે વિસ્તરેલા રાતા સમુદ્રને મળવા અમે આતુર હતાં. અકાબા જોર્ડનનું દક્ષિણતમ શહેર છે અને દેશનું એક માત્ર બંદરગાહ છે, એટલે વ્યાપાર-વાણિજ્યની દૃષ્ટિએ તેનું આગવું મહત્ત્વ છે. વળી અહીંથી ઇઝરાઇલ તથા ઇજિપ્તની સરહદો ખૂબ નજીક છે, એટલે સુરક્ષાની દૃષ્ટિએ પણ તે વિશેષ મહત્ત્વ ધરાવે છે. જોકે અકાબામાં પ્રવેશતાં જ ખ્યાલ આવે કે, અહીં ન તો વ્યાપાર-વાણિજ્યની ધાંધલ-ધમાલ વર્તાય છે કે ન તો સરહદી પ્રદેશોનો ઓથાર અનુભવાય છે. અહીં તો શાંતિ, નિરાંત તથા સૌંદર્યનું સામ્રાજ્ય છે. એક પ્રકારની બેપરવાહ નવરાશ વાતાવરણમાં અનુભવાય. અહીંની પ્રજા અલસ-નિખાલસ અને પ્રસન્ન મિજાજની છે તથા અહીંની આબોહવા ખુશનુમા છે. અકાબાનું બજાર ભાતભાતની વસ્તુઓથી ઊભરાય છે. અહીં પણ હવે ચીની માલસામાનનું અતિક્રમણ જોવા મળે છે, પરંતુ લોકોને ચીનમાં બનેલ વસ્તુઓ પ્રત્યે આદર નથી. જોર્ડનના લોકોને ભારતીય સામગ્રીઓનું ભારે આકર્ષણ છે. અહીંના મસાલા, વિવિધ પ્રકારનાં વસાણાં મિશ્રિત ચા, સેજ નામના ઘાસની સુકવણીની ચા, સૂકો મેવો વગેરે વિખ્યાત છે. અહીંનાં અંજીર અત્યંત દળદાર તથા રસીલાં હોય છે. શહેર નાનું છે, પણ ઝડપથી વિકસી રહ્યું છે. પ્રવાસન ઉદ્યોગના વિકાસાર્થ અહીં અનેક પંચતારક હોટેલો, શોપિંગ મૉલ તથા બહુમંજલા ઇમારતો બંધાઈ રહી છે. બાળકોના મનોરંજન માટે થીમ પાર્ક વગેરેનું પણ આયોજન થઈ રહ્યું છે. થોડા જ સમયમાં આ શહેરની સૂરત બદલાઈ જશે તે નક્કી છે. મને તો એની અત્યારની સાદગી અને શાંતિ ગમી ગઈ છે. એ નાનકડી બજાર, તેની પાછળની હારમાં વિવિધ જોર્ડેનિયન અથવા અરબી વ્યંજનો પીરસતી અનેક ટચૂકડી રેસ્ટોરાં, એની બહાર ફૂટપાથ પર નાખેલાં ટેબલો પર બેસીને ગપ્પાં મારતાં ખુશમિજાજી લોકો, બધું જ આસ્વાદ્ય હતું. અકાબાની ગલીઓમાં ચાલતાં ફરવાનો અને એમ લોકજીવનને અનુભવવાનો લહાવો લેવા જેવો છે. શહેરની એક તરફ સોનેરી ટેકરીઓનો ઘેરો છે, તો બીજી તરફ સમુદ્રના પાણીની નીલરેખા શોભે છે. અહીંથી અકાબાને કિનારે લહેરાતો રાતો સમુદ્ર દરિયા જેવો નહીં કોઈ વિશાળ નદી જેવો દેખાય છે. આટલો સાંકડો સમુદ્ર પહેલી વાર જોઈ રહી છું. નવાઈની વાત એ છે કે એને કિનારે ઊભાં રહીને અમે એકસાથે ત્રણ દેશો સાથે સંકળાઈ રહ્યાં છીએ. સામે ત્રણ-ચાર કિલોમીટર લાંબા પાણીના પટ્ટાની પેલે પાર ઝબૂકે છે તે ઇઝરાયલના ઐલાત બંદરની રોશની છે. પે..લી દેખાય છે, તે ભૂમિ ઇજિપ્તની અને અમે જોર્ડનના છેડૈ ઊભાં છીએ. પેલું રહ્યું જેરૂસલેમ, જાણે હાથ લંબાવીએ ને એને સ્પર્શી શકાય!! એકસાથે ત્રણ દેશોને જોઈ શકવાનું રોમાંચક લાગે છે. જીવનના વિશિષ્ટ અનુભવોમાં એકનો ઉમેરો! શહેરથી દૂર લંબાતા સમુદ્રતટ પર અનેક હોટેલો તથા રિસૉર્ટ જોવા મળે છે. અમારો ઉતારો શહેરથી દૂરના એક રિસૉર્ટમાં હતો. રાતા સમુદ્રને મળવા માટે આનાથી વધારે રૂપાળું સ્થાન હોઈ જ ન શકે. રિસૉર્ટની પાછળ એક તળાવ જેવી ખાડીમાં અનેક યૉટ હારબંધ નાંગરેલાં દેખાય છે. એનાથી આગળ જઈએ એટલે સુઘડ અને સુંદર સમુદ્રતટની મુલાકાત થાય. પાણી અહીં સાવ શાંત છે. તટ પર ખજૂરીનાં હારબંધ વૃક્ષો વચ્ચે થોડાં થોડાં અંતરે ઘાસની છત્રીઓ છે, જેની નીચે આરામખુરશીઓ પણ મૂકેલી છે. જરા દૂર એક જગ્યાએ એક જેટ્ટી બાંધેલી છે, જેની પટ્ટી સમુદ્રના જળમાં લંબાતી દેખાય છે. આ પટ્ટી પરથી જોયેલો સૂર્યાસ્ત અદ્ભુત હતો. જળમાં ઘોળાતી જતી કેસરી આભા સામેની સોનવર્ણ ટેકરીઓનાં પાણીમાં પડતાં બિંબ સાથે એકાકાર થતી જાય, ત્યારે સાંકડા એ સમુદ્રનું ‘રાતો સમુદ્ર’ એવું નામ સાર્થક થતું જણાય. એક મત એવો છે કે આ સમુદ્રનું ‘રાતો સમુદ્ર’ એવું નામ એને કિનારે ઊગતાં લાલ ફૂલોનાં પાણીમાં પડતાં પ્રતિબિંબોને કારણે પડ્યું છે. સમુદ્રતટ પર વહેલી સાંજથી અમે બેસી રહ્યાં હતાં, તેમાં એકાએક સામે કિનારેથી ચાલ્યાં આવતાં ચાર યુદ્ધવિમાનો આકાશમાં ઊડતાં દેખાયાં. અમે બેઠાં હતાં તે વિસ્તારની બરાબર ઉપર એ વિમાનો કવાયત કરવા લાગ્યાં. ક્યારેક ચારેય વિમાનો એકદમ નીચે ઊડે તો ક્યારેક એકબીજાંને ક્રોસ કરતાં વિવિધ હવામાં આકારો આંકતાં જાય. ક્યારેક એકદમ ઊંચે જઈને પછી સર્પાકાર ગુલાંટો મારતાં નીચે પડતું મૂકે ને પછી પાછાં પોતાની નિર્ધારિત ઊંચાઈને આંબી લે. કૅમેરા, મોબાઇલમાં વિડિયોગ્રાફી, જેને જે હાથ લાગ્યું તેમાં તે અનાયાસ હાથ લાગેલી ક્ષણોને કેદ કરતું ગયું. આશરે અડધો કલાક ચાલેલ એ કવાયતોને જોવાની ખૂબ મજા પડી. પછી પૂછતાં ખબર પડેલી કે, ઇઝરાયલ તથા જોર્ડન – બંને દેશોનાં વિમાનો અવારનવાર આ સ્થળ પર કવાયતો કરતાં હોય છે. કોઈ પ્રકારની હુમલાની ગેરસમજ ન થાય તે માટે જે દેશ કવાયત કરવાનો હોય તે સામેના દેશને જાણ કરીને તેની સંમતિથી જ કવાયતો યોજતો હોય છે. શાંતિ અને સંવાદિતા કેટલી અદ્ભુત ચીજ છે! યુદ્ધોની ને હિંસાની ફલશ્રુતિ આખરે શું? દુઃખ, ત્રાસ, નફરત અને સર્વનાશ સિવાય બીજું શું મળતું હશે, ઉભય પક્ષને? એમાં હાર-જીતની વાત કેટલી છેતરામણી હોય છે? ખરેખર તો શું એમાં બંને પક્ષની હાર નથી હોતી? કાશ, દરેક સરહદો પર ફૂલો ખીલે અને એનાં પ્રતિબિંબ સામેના દેશની ધરતી પર લહેરાય. સમુદ્રતટ પર ઘુમરાતી હવાની લહેરખીઓ મનને તંદ્રામાં તાણી જાય છે, ને ત્યારે હળવેકથી આવીને વિશ્વશાંતિનું સપનું આંખોમાં અંજાઈ જાય છે!