ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/વલ્લભદાસ પોપટભાઈ શેઠ
સ્વ. વલ્લભદાસ પોપટભાઈ શેઠનો જન્મ તેમના વતન મહુવા (કાઠિયાવાડ)માં સં.૧૯૧૫માં થયો હતો. તેમના પિતાનું નામ પોપટભાઈ મૂળજીભાઈ શેઠ અને માતાનું નામ પ્રેમબા હતું. ન્યાતે તે દશાશ્રીમાળી વણિક હતા. મહુવામાં ગુજરાતી સાત ધોરણ તથા અંગ્રેજી ચાર ધોરણ સુધી તેમણે અભ્યાસ કર્યો હતો. વ્યવસાયની શરૂઆત તેમણે વ્યાપારથી કરેલી, પછી થોડો વખત વકીલાતનો વ્યવસાય લીધેલો અને ઉત્તરાવસ્થામાં ભાવનગર રાજ્યના વસુલાતી ખાતામાં નોકરી સ્વીકારી ડેપ્યુટી વહીવટદારના ઓદ્ધા સુધી તે પહોંચ્યા હતા. કાવ્ય તથા તત્ત્વજ્ઞાનનો તેમને ખૂબ રસ હતો. તુલસીકૃત રામાયણ એ તેમનું પ્રિય પુસ્તક હતું. સં. ૧૯૭૩માં મહુવામાં તેમનું અવસાન થયું હતું. તેમણે લખેલાં પુસ્તકોમાંનાં મુખ્ય આટલાં છેઃ (૧) સુબોધચિંતામણિ, (૨) દૃષ્ટાંતચિંતામણિ, (૩) સૌરાષ્ટ્ર ચિંતામણિ, (૪) માહેશ્વરવિરહ. તે ઉપરાંત તત્ત્વજ્ઞાન તથા કાવ્યનાં થોડાં અપ્રકટ પુસ્તકો તેમના પુત્ર શ્રી. રમણિકલાલ વલ્લભદાસ શેઠ પાસે છે. પ્રથમ પત્ની માનકુંવરથી તેમને એક પુત્ર અને બીજાં પત્ની મણિબહેનથી ત્રણ પુત્ર તથા સાત પુત્રીઓ થયેલાં જેમાંના બે પુત્રો અને પાંચ પુત્રીઓ વિદ્યમાન છે.
***