અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/‘ટોળાં અવાજ ઘોંઘાટ'

From Ekatra Wiki
Revision as of 00:36, 30 November 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૮. ‘ટોળાં અવાજ ઘોંઘાટ’

ચંદ્રકાન્ત ટોપીવાળા

‘ટોળાં અવાજ ઘોંઘાટ' લાભશંકરનું એક જ કાવ્ય છે? ખોટી વાત. 'ટોળાં અવાજ ઘોંઘાટ' એક સળંગ કાવ્યને કાપી કાપીને એને જુદાં જુદાં શીર્ષક હેઠળ કાવ્યો તરીકે રજૂ કરતો એમનો કાવ્યસંગ્રહ છે. આ સંગ્રહ રીતિદાસ્યનો જ્વલંત નમૂનો છે. કોઈ પણ પાનું ઉઘાડો, પ્રાસની નિવાર્ય કરતૂતો, સાહચર્યના અંગદકૂદકાઓ, લયની લપટી ચતુરાઈઓ, ગમે એટલું પૂરણ સ્વીકારી લઈ શકે એવાં પોલાણો અને અસંગત પુનરાવૃત્તિઓ તમારી સામે હાજર હશે. ચમકપદના અતિરેકવાળી રચનાઓ સંસ્કૃતમાં ચિત્રકાવ્યો કહેવાય છે; આને વિશેષ પ્રકારનાં આધુનિક વિ-ચિત્રકાવ્યો કહીશું? અહીં ઠેર-ઠેર શબ્દસ્ત્રાવ (Logorrhea) છે; પરિસ્થિતિ વિકૃત રોગની કક્ષાએ વકરેલી છે. કવિએ એવી કબૂલાત કરી છે કે બીજી રીતે કાલક્ષેપ કરતાં આવડતું નથી એટલે આવી શબ્દપ્રવૃત્તિઓની ટેવમાં તેઓ લપેટાયા છે. વળી છંદને છોડ્યો છે ત્યારનું એમને કાબૂ રાખનારું કોઈ સીધું પરિબળ તો હવે રહ્યું નથી. અને તેથી ચાર્લ્સ સિમિકે ગદ્યકવિતા અંગે કરેલા વિધાનનો અહીં સાક્ષાત્ અનુભવ થાય છે. ચાર્લ્સનું કહેવું છે કે ગદ્યકવિતા એ અંધારા ઓરડામાં માખી પકડવા જેવી ક્રિયા છે. અને ખરેખર માખી ત્યાં છે જ નહીં. સંભવ છે કે માખી મસ્તિષ્કમાં હોય અને તેમ છતાં પડતાંઆખડતાં બધી વસ્તુઓને અડફેટમાં લેતાં તમારો પુરુષાર્થ તમે ચાલુ રાખો છો. અહીં લાભશંકરનો, પૂર્વીનર્ણિત વિષયના અભાનમાં લક્ષ્યહીન કાવ્યવૃત્તિ સાથે રજૂ થયેલો શબ્દસંનિપાત આ જ રીતે વિવિધ વસ્તુઓને અડફેટમાં લે છે. અલબત્ત સિમ્બોલ-ફિમ્બોલની વાત કરતાં ઇન્દ્રિયસંતર્પક વર્ણનોમાં એમની રુચિ (ચલચિત્રકલાના સંસર્ગથી) વિશેષ રીતે સક્રિય હોઈ, વીગતો પર વીગતોના ખડકલા અહીં બેલગામ ખડકાયા કર્યા છે. જાણે કે અહીં ઉડાવગીરી છે, વ્યાસશૈલી છે, ફેરવી ફેરવીને વાત કરવાની વાચાળ રીત છે. એમ કહોને કે કવિતા અહીં પ્રલાપનો બીજો ભાઈ છે! પછી, કુશળ કરકસર તો અહીં નજરે જ શાની પડે? સર્જકતાનું સ્થાન અહીં ચાલાકી, ચબરાકી કે ચતુરાઈએ લીધું છે. તત્ક્ષણ ચિત્રમાં જે ઊગે એને કાગળ પર ઉતારતા જવાની શેખી સાથે અહીં નકરી પ્રક્રિયા રજૂ કરવામાં આવી છે. આજે સમય પાકી ગયો છે. હવે નક્કી કરી લેવાનું રહે છે કે લાભશંકરની પ્રતિષ્ઠા એમની વિદ્રોહી કવિચેષ્ટાઓ પર નિર્ભર છે કે એમની કવિતાના ખરેખરા સત્ત્વ પર નિર્ભર છે. એમના શબ્દવાદ (Verbalism) પાછળ કોઈ સંનિષ્ઠ કાવ્યકંડુ છે કે કાલક્ષેપ માટે આભાસી ખરજવું ખણતો નિરર્થક ભાષાભોગ છે, એનો ગંભીરતાથી તાગ લેવાવો જોઈએ. ‘ટોળાં અવાજ ઘોંઘાટ'ની પહેલી રચના જોઈએ તો ખ્યાલ આવે છે કે અહીં લયમાં પરોવેલી વીગતો છે. જાડા અભિધાના સ્તર પર ચાલતી કાવ્યની રફતાર છે. એના દેખીતા સાત ખંડો વચ્ચેના પોલાણમાં ગમે એટલી સામગ્રી ભરી આ કાવ્ય માઈલોના માઈલો લાંબું કરી શકાય એવી વ્યવસ્થા છે. રોબર્ટ ફ્રોસ્ટે કવિતાની કસોટી માટે બે શબ્દો યોજ્યા છે : Fresh look અને Fresh listen. લાભશંકરે અપનાવીને અતિ ઉપયોગમાં લીધેલી એમની પોતાની જ શૈલી હવે એટલી બધી, આગાહી કરી શકાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે નથી એનો તાજગીભર્યો ચહેરો રહ્યો. નથી રહ્યો તાગીભર્યો અવાજ. આ રચનામાં ‘ટોળાં અવાજ ઘોંઘાટ’ એવા સમ સાથે આવતા સાત ખંડો છે. પહેલા બે ખંડ ટૂંકા છે. પછીનો ત્રીજો ખંડ જરા વિસ્તરેલો છે. ફરી ચોથો અને પાંચમો ખંડ ટૂંકો છે. છઠ્ઠો ખંડ સૌથી વધુ લાંબો છે અને છેલ્લો ખંડ ઉપસંહાર કરવા મથે છે ખરો, પણ એ ગમે એટલો આગળ વધી શકે એવો લપટો છે, જેમ કે,

સાઇકલનો સા સરકે છે સરિયામ
બ્રેક વગરના બની પાછળ પાછળ
અકસ્માતનો અ અથડાઈ પડ્યો છે
ઊંઘણશી ઊં સાથે
ભાગ્યવાનનો ભ હથેળી ધરીને બેઠો છે.
ફૂટપાથના ફ પાસે -
***
પરસેવાનો પ પીગળ્યા કરે છે
અને અવાજનો અ
ઊડે છે ઊછળે છે, ઊભરે છે ઊંચે નીચે આગળ પાછળ-
ટોળાં અવાજ ઘોંઘાટ

અહીં સંગ્રહના ૪૪મા પૃષ્ઠ પરનો આ ખંડ જોડી દઈને ‘ટોળાં અવાજ ઘોંઘાટ’ ઉમેરી દો અને એમ બીજા ખંડો પણ આ સંગ્રહના અન્ય પૃષ્ઠો પરથી ઉમેરતાં આવો તો રચના અટકવાનું નામ નહીં લે. પહેલા ચાર ખંડો બહારના પરિવેશને સ્પર્શે છે. જેમાં બસટર્મિનસથી માંડીને કાપડની દુકાન સુધીની ઘોંઘાટ પરિસ્થિતિને આવરી લીધી છે. એમાં ઘોંઘાટના પોતને સ્પર્શતી પંક્તિઓ : ‘ક્યારેક પોલાં અને પાતળાં / ક્યારેક ઘનિષ્ઠ/નિરન્ધ્ર' કે બાજુમાં છતાં અલગ જ એવા મનુષ્યોને સ્પર્શતી પંક્તિઓ - ‘ડબલ સવારીમાં સાઈકલ પર બેઠેલાં/હોવા છતાં કે સ્કૂટર પર ખભે હાથ ટેકવીને બેઠેલાં/કે રિક્ષામાં ચીપકીને ચપોચપ કે ક્લિષ્ટ ચતુર્ભુજ/પણ સાવ વિશિષ્ટ એકબીજાંથી' - થોડીઘણી સર્જકતા દાખવે છે. ચતુર્ભુજનો વ્યંગ પણ સારો ઊપસ્યો છે. પાંચમો ખંડ અંદરના પરિવેશને રજૂ કરે છે અને તેના સોસાયટીના ટેનામેન્ટથી માંડી ધાબાને આવરી લે છે. આ ખંડમાં વર્ધમાન' પરનો વ્યંગ પણ નોંધપાત્ર છે. ‘ચતુર્ભુજ' અને ‘વર્ધમાન'ના અધ્યાસોને અપ્રત્યારિત પ્રદૂષણ સ્થિતિમાં વિરોધની ભૂમિકા ઠીક ઠીક મળી શકી છે. છઠ્ઠો ખંડ ક્રિયાપદોના ગગટાડનો છે. તમારા તરફથી ગાંઠના વધુ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો. પણ ખંડના અદંરના પિરવેશ પછી અહીં છેક મનના ભીતર સુધી પહોંચવાનો ઉપક્રમ વેગભર્યો છે. છઠ્ઠો ખંડ ‘કરોડો કણમાં વેરાઈને વહી ગયેલા મનને ‘એકઠું કરવાની મથામણ આગળ જતાં બહારથી અંદર અને અંદરથી મનની ભીતર સુધીનો સળંગ વેગ કળાય છે, પણ રચના પછી જાણીતી રમતતરકીબ (gimmick)માં ઊતરી જાય છે. મથામણ કોણે માંડી છે? પંક્તિનો માંડી છે’નો છેડો માત્ર સાહચર્યથી ‘કાંડી છે’ને ખેંચી લાવી ‘ચમત્કાર’માં સરી જાય છે પણ કોઈ ચમત્કાર સર્જી શકતો નથી. અહીંથી કાવ્ય વણસ્યું છે. ‘ઊઠ જાગ મુસાફિર'નો ટુકડો કે છેલ્લો આપણાં ગતિકાવ્યોની ઠેકડી ઉડાડતો ટુકડો પણ કાવ્યને બચાવી શકે તેમ નથી. માત્ર છેલ્લી પંક્તિ ‘તારી બહેરાશના કૂવામાં ઊંડે ઊંડે ઊછળતા/ટોળાં અવાજ ઘોંઘાટ’' ઘોંઘાટને બહેરાશ સામે જે રીતે અથડાવે છે તે સાંભળવા જેવી બની છે. લાભશંકરને વિનંતી છે અંદર નિસરણી મૂકીને પગિથયાં ઊતરતાં ઊતરતાં ‘મૂળિયાં' સુધી તેઓ ભલે જાય, પણ સીધાં મૂળિયાં આપણને હાથમાં પકડાવી ન દે આપણને તો ‘લાલઘૂમ ટામેટા'ની અપેક્ષા છે.

('અધીત : બાવીસ-ત્રેવીસ')