ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રજનીકુમાર પંડ્યા
માવજી મહેશ્વરી
વાર્તાકારનો પરિચય : રજનીકુમાર પંડ્યાનો જન્મ રાજકોટ જિલ્લાના જેતપુર ગામ(હવે શહેર)માં તારીખ ૬ જુલાઈ ૧૯૩૮ના રોજ થયો હતો. તેમના પિતાજીનું નામ દેવરામ અને માતાનું નામ હિરાલક્ષ્મી હતું. આઝાદીથી પહેલાં જન્મેલા આ લેખકે તે વખતનું સૌરાષ્ટ્ર અને આઝાદીની લડતના રંગ જોયા છે સાથે સાથે સૌરાષ્ટ્રની ધરતીની સુવાસ માણી છે. તેમના અભ્યાસનાં સ્થળો પણ નોખાં નોખાં છે. તેમણે બીલખા, ચરખા, ઢસા, જેતપુર, ભાવનગર, રાજકોટ, અમદાવાદ જેવાં સ્થળોએ અભ્યાસ કર્યો છે. નાનપણથી જ હક્ક માટે જિદ્દ કરનાર અને કરુણામય સ્વભાવ ધરાવતા રજનીકુમાર પંડ્યાએ જુદી જુદી બે ફેકલ્ટીમાં સ્નાતકની પદવી મેળવી છે. ૧૯૫૯માં ગુજરાત યુનિવર્સિર્ટીમાંથી વાણિજ્યની ડિગ્રી તથા ૧૯૬૬માં એ જ યુનિવર્સિર્ટીમાંથી વિનયન એટલે કે આટ્ર્સની ડિગ્રી મેળવી છે. એમની પાસે એમ.એ. કરવાની તકો હતી. વળી એ સમયના વિદ્યાર્થીઓ એમ.એ.ની ડિગ્રી મેળવીને અધ્યાપક થતાય ખરા. છતાં તેમણે આગળ ભણવાનું કે ડૉક્ટરેટ કરવાનું માંડી વાળ્યું. સ્નાતક થયા પછી એમને સરકારી ખાતામાં ઑડિટર તરીકે નોકરી મળી. આ નોકરીને કારણે તેમને વિવિધ માણસોને મળવાનું થતું. નવી નવી જગ્યાએ જવાનું થતું. પણ આ નોકરી દરમિયાન જ એમને માનવમન અને વૃત્તિઓના જાત જાતના અનુભવ થયા. જે એમને લેખનમાં ખપ લાગ્યા છે. એમણે ઑડિટરની નોકરી ૧૯૬૬માં છોડી દીધી અને એક રાષ્ટ્રીયકૃત બૅન્કમાં મૅનેજરનું પદ સંભાળ્યું. એમણે લગભગ બે દાયકા સુધી બૅન્કમાં નોકરી કરી અને પછી છોડી દીધી. જોકે એમણે નોકરી છોડી તે દરમિયાન તેઓ રજનીકુમાર પંડ્યા નામે લેખક તરીકે જાણીતા બની ચૂક્યા હતા. તેમણે ટૂંકીવાર્તાના લેખક તરીકે લેખન કારકિર્દીની શરૂઆત કરી હતી પણ બે દાયકામાં એમને એવું લાગ્યું કે તેમણે માત્ર ટૂંકીવાર્તાના લેખક બની નથી રહેવું, અને તેમણે નવલકથા અને ચરિત્રો લખવા માંડ્યાં. જે આગળ જતાં એમને યશ અને સન્માન આપવાનાં હતાં. સાહિત્યસર્જન : રજનીકુમાર પંડ્યાએ પોતાની આયુની અર્ધી સદીમાં વિવિધ વિષયો ઉપરનું લેખન કરીને લોકચાહના અને સન્માનો મેળવ્યાં છે. તેમને લાગ્યું કે તેઓ નોકરીની સાથે લેખનકાર્ય નહીં કરી શકે તેથી બૅન્કની નોકરી છોડ્યા પછી તેમણે વ્યાવસાયિક ધોરણે લખવાનું કાર્ય આરંભ્યું. આવું કરનાર તેઓ સંભવત્ પહેલા ગુજરાતી લેખક હશે. એમના લેખનની વિવિધતા જોતાં તેમને સાહિત્યકાર કહેવા કે પત્રકાર તે વિશે મૂંઝવણ થાય ખરી. તેમણે વાર્તાઓ કે નવલકથાઓ કરતાં અન્ય લોકોના જીવન અને ફિલ્મ વિશે એટલું લખ્યું છે કે તેમને જીવનલક્ષી પત્રકાર કે આલેખક કહી શકાય. ટૂંકીવાર્તાના લેખક તરીકે લખવાની શરૂઆત કરનાર રજનીકુમાર પંડ્યાએ ટૂંકીવાર્તાનાં આઠ પુસ્તક આપ્યાં છે. ‘ખલેલ’ (૧૯૭૫), ‘મન બિલોરી’ (૧૯૮૭), ‘રંગ બિલોરી’ (૧૯૮૭) ‘ચંદ્રદાહ’ (૧૯૮૯), ‘આત્માની અદાલત’ (૧૯૯૩), ‘ઝાંઝર’ (૧૯૯૬), અને ‘અહા! કેટલી સુંદર’ (૨૦૦૬) અને ‘તિરછી નજર’(હાસ્ય વાર્તાઓ ૨૦૨૨). તેમણે વાર્તાસંગ્રહો ઉપરાંત નવલકથાઓ પણ આપી છે. ‘કોઈ પૂછે તો કહેજો’ ‘પરભવના પિતરાઈ’, ‘કુંતી’, ‘અવતાર’, ‘પુષ્પદાહ’, ‘ફરેબ’ અને ‘એકલપંખી’. રજનીકુમાર પંડ્યા લોકચાહના અને ખ્યાતિ વધારે તેમની અખબારી કટારો ‘ઝબકાર’ અને ‘શબ્દવેધ’થી પામ્યા છે. આવી કટારોમાં તેમણે જીવનચરિત્રો લખ્યાં છે. આવાં જીવનચરિત્રોનાં ‘ઝબકાર’ અને એના નામાંતરે ‘શબ્દવેધ’, ‘માયાનગર’ ‘ગુલમોહર’ વગેરે કટારોનાં દસ જેટલાં પુસ્તકો થયાં છે. આ ઉપરાંત ‘રોમાંચરેખા’, ‘અક્ષરની આંખે’, ‘અનોખાં જીવનચરિત્રો’, ‘માયાનગર’, ‘શબ્દવેધ’, ‘સેવાની સરવાણી’ (બે ભાગ) અને ‘શબ્દનાં સગાં’ જેવાં જીવનચરિત્રોનાં પુસ્તકો આપ્યાં છે. તેમનાં હાસ્ય અને કટાક્ષનાં પણ બે પુસ્તકો પ્રગટ થયાં છે ‘હાસ બિલોરી’, ‘શબ્દઠઠ્ઠા’. જેમાંથી ‘શબ્દઠઠ્ઠા’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ ઇનામ મળ્યું છે. તેમણે ફિલ્મવિષયક બે પુસ્તક આપ્યાં છે. ‘આપકી પરછાઇયાં’ અને ‘ફિલ્માકાશ’ (ગુજરાતી ઉપરાંત હિંદી અને અંગ્રેજી આવૃત્તિઓ) આ ઉપરાંત તેમણે વ્યાવસાયિક ધોરણે બાર જેટલાં પુસ્તકોનું લેખન કર્યું છે. જેટલું તેમનું વિષયવૈવિધ્ય માતબર છે એટલું જ તેમનું જીવનને જાણવાનું સત્ય પણ રોચક છે. લેખકને મળેલાં સન્માનો અને પારિતોષિકો રજનીકુમાર પંડ્યાને તેમના સાહિત્યે ઘણાં જ સન્માનો આપ્યાં છે. જેની યાદી ખાસ્સી એવી લાંબી છે. તેમનાં વાર્તાનાં પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદના ઍવૉર્ડ મળેલા છે. ૨૦૦૩માં તેમને ‘કુમાર’ સુવર્ણચંદ્રક મળેલો છે. ૧૯૯૦માં સમાજલક્ષી લેખન માટે તેમને ‘સ્ટેટ્સમેન’ ઍવૉર્ડ મળ્યો છે. ગુજરાત સરકારે બે વખત શ્રેષ્ઠ કટાર લેખક સન્માન આપ્યાં છે. મુંબઈના અંધેરી ભવન્સ કલ્ચરલ સેન્ટર અને પોરબંદર સાંદિપની વિદ્યા નિકેતન દ્વારા ‘સારસ્વત ગૌરવ ઍવૉર્ડ’ પણ તેમને મળેલા છે. તેઓ ગુજરાતી ફિલ્મોને અપાતા ઍવૉર્ડની જ્યુરી કમિટીમાં રહ્યા છે. ભારત સરકારે દિલ્હી દૂરદર્શનમાં સિરિયલ સંબંધી કાર્ય માટે તેમની નિમણૂક કરી હતી. તેમનાં કેટલાંક પુસ્તકોના હિન્દી, મરાઠી, સિંધી અને અંગ્રેજીમાં અનુવાદો પ્રકાશિત થયા છે. તેમની જાણીતી નવલકથા ‘કુંતી’ પરથી જુદા જુદા બે નિર્માતા દ્વારા હિન્દી ભાષામાં બનેલી ધારાવાહિક દૂરદર્શન દ્વારા પ્રસારિત થયેલી છે. કોઈ ગુજરાતી લેખકની નવલકથા પરથી હિન્દીભાષામાં ધારાવાહિક બની હોય અને પ્રસારિત થઈ હોય એનો યશ રજનીકુમાર પંડ્યાને જાય છે. વાર્તાકારનો યુગસંદર્ભ : રજનીકુમાર પંડ્યા એવા સમયે જન્મ્યા હતા જ્યારે ભારતમાં આઝાદીની લડત ચાલતી હતી. ગાંધીજીની બોલબાલા હતી. એ વખતના અમુક લેખકો ઉપર ગાંધીજીની એટલી અસર પડી હતી કે તેઓએ એવા પ્રકારનું સાહિત્ય રચ્યું જેમાં દેશભક્તિની છાંટ હોય. રજનીકુમાર જ્યારે યુવાન થયા ત્યારે તેમણે જે ભારત જોયું તે ભારત અનેક સમસ્યાઓથી ઘેરાયેલું હતું. ગરીબ હતું. પણ રજનીકુમારના સાહિત્યમાં ન ગાંધીજીની દેશભક્તિ આવી કે ન શોષિત અને ગરીબ ભારત. એવું નથી કે તેમની વાર્તાઓમાં ગરીબ અને શોષિતોનો કોઈ અવાજ નથી, પણ તેમણે કોઈ ખાસ આશયથી એ પ્રકારની ધારામાં વહીને સાહિત્ય રચ્યું નથી. રજનીકુમાર વાસ્તવવાદી અને જીવનરસથી છલકતા લેખક છે. તેમની વાર્તાઓમાં એ બધું જ છે જે ૧૯૭૫માં હતું અને આજે પણ છે. એમની વાર્તાઓમાં એ બધા જ રસો છે જે તે વખતે પણ હતા અને આજે પણ છે. એ બધી જ માનવવૃત્તિઓ છે જે તે વખતે હતી અને આજે પણ છે. એટલે તેમનો સ્વભાવ શરૂઆતથી જ આધુનિક છે. આથી રજનીકુમાર પંડ્યાને આધુનિક યુગના એક યશસ્વી વાર્તાકાર ગણી શકાય. ટૂંકીવાર્તા વિશે રજનીકુમારની સમજ : રજનીકુમાર પંડ્યાની વાર્તાઓમાં ગુજરાત છલકે છે. તેમની પાત્રસૃષ્ટિ ગુજરાતી છે. એ શેરીની કોઈ ખૂબસુરત યુવતી હોય કે રેલવેનો કામદાર. સરકારી તંત્રનો કોઈ કર્મચારી હોય કે ગુનાહીત ક્ષેત્રનો કોઈ ગઠિયો. રજનીકુમાર પંડ્યાએ પોતાનાં પાત્રોને બરાબરનો ન્યાય આપ્યો છે. ટૂંકીવાર્તા વિશે તેઓ કોઈ પ્રયોગખોરીમાં પડ્યા નથી એટલે એમની એક પણ વાર્તા દુર્બોધ બની નથી. તેમને વાર્તાના ‘વાર્તારસ’ વિશે બરાબરની સમજ છે. એટલે જ તેમની વાર્તા શિષ્ટ અને લોકભોગ્ય બન્ને પાસાંને સમતોલ રાખે છે. એમની પાસે ભાષાનું સામર્થ્ય છે. વાર્તાઓમાં ખપમાં લીધેલી ભાષા અને એમના આડાઅવળા વાક્યપ્રયોગો તેમની પોતાની આગવી નીપજ છે. દ્વિરુક્તિ પ્રયોગો એમની વાર્તાઓમાં ખાસ્સા નજરે ચડે છે. વાતાવરણ રચવાની અને પાત્રને વાચક સમક્ષ ઊભો કરી દેવાની તેમની પાસે હથોટી છે. રજનીકુમાર પંડ્યા ખરા લેખક છે. એમણે કોઈ પ્રવાહોની ક્યારેય પરવા કરી નથી. એમના વિશે કોઈ શું કહે છે તે સાંભળ્યું નથી. એમણે માત્ર અને માત્ર લખવા ઉપર ધ્યાન આપ્યું છે. જોકે તેમની વાર્તાઓની રચના ઉપર છાપાની લોકપ્રિય કોલમોની ઘણી અસર જોવા મળે છે. નવલકથાથી જાણીતા બનેલા રજનીકુમાર પંડ્યાની વાર્તાને પણ ક્યાંક ભાષા અને લાંબાં વર્ણનોનો મોહ નડ્યો છે. તેમ છતાં રજનીકુમાર પંડ્યાની વાર્તાઓ વિવેચકોએ નહીં પણ વાચકોએ વખાણી છે અને રજનીકુમાર પંડ્યા હંમેશાં વાચકોના પ્રિય લેખક રહ્યા છે. રજનીકુમાર પંડ્યાના વાર્તાસંગ્રહોનો પરિચય :
રજનીકુમાર પંડ્યાએ ટૂંકીવાર્તાનાં સાત પુસ્તક આપ્યાં છે. ‘ખલેલ’, ‘મન બિલોરી’, ‘રંગ બિલોરી’, ‘ચંદ્રદાહ’, ‘આત્માની અદાલત’, ‘ઝાંઝર’ અને ‘અહા! કેટલી સુંદર’ – આ સાત વાર્તાસંગ્રહોમાંથી પસાર થતાં રજનીકુમાર પંડ્યાની વાર્તાકલા, વાર્તારસ, કઈ વાતને કેવી કેવી રીતે લખવી અને કેવી રીતે વાચકને વાર્તામાં પ્રવેશ આપવો તેનું પોતાનું આગવું ગણિત એમની પાસે છે. એમના પહેલા વાર્તાસંગ્રહ ‘ખલેલ’ની બીજી આવૃત્તિ પ્રસંગે મોહમદ માંકડ લખે છે, “આજે તમારે કોઈની અવહેલનાથી ડરવાનું નથી. આજે તમારે ડરવાનું હોય તો તમારી પ્રસિદ્ધિથી ડરવાનું છે. એ પ્રસિદ્ધિ તમને ચીલાચાલુ કે બજારુ ન બનાવી દે એનાથી ડરવાનું છે. અને હું જાણું છું કે એની સામે તમે પૂરા જાગૃત છો.” અહીં પ્રશ્ન થાય કે મોહમદ માંકડે લેખક રજનીકુમાર પંડ્યાને આવા શબ્દોમાં શા માટે ચેતવ્યા હશે? જોકે આજના સમયમાં પ્રસિદ્ધિ અને આજથી ચાલીસ વર્ષ પહેલાં પ્રસિદ્ધિના અર્થો અને સંદર્ભો જુદા હતા. આ એ વખતના શબ્દો છે જ્યારે ટૂંકીવાર્તાના લેખક રજનીકુમાર પંડ્યાનો કારકિર્દીનો સૂરજ મધ્યાહ્ને હતો. તે વખતે જુદા જુદા વિસ્તારોમાંથી વાર્તાકારોએ દમામભેર સાહિત્યમાં પ્રવેશ કર્યો હતો. વાર્તાનો એ જમાનો હતો. રજનીકુમાર પંડ્યાની વાર્તાસૃષ્ટિ ૧૯૫૯થી ૨૦૦૭ સુધી વિસ્તરે છે. એટલે આ લેખકે પૂરા સાડા ચાર દાયકાનો બદલાતો સમાજ અને સમાજ-વ્યવસ્થાઓ જોઈ છે. એમની વાર્તાઓમાં ૧૯૫૫નો સમય પણ છે અને ૨૧મી સદીની ઝડપ અને મૂલ્યહ્રાસ પણ છે. એમનો પહેલો વાર્તાસંગ્રહ ‘ખલેલ’ ઈ. સ. ૧૯૭૫માં પ્રગટ થયો, જેમાં ૨૫ વાર્તાઓ છે. આ વાર્તાઓ એ વખતની છે જ્યારે રજનીકુમાર પંડ્યા વાર્તાકાર તરીકે જાણીતા થવા માંડ્યા હતા. એમની આ સંગ્રહની વાર્તાઓમાં ભાવાવેશ અને તે સમયની વાચકોની રુચિ મુજબની છે. છતાં વાર્તા રજનીકુમારે લખી હોય એ પ્રતીત થયા વગર રહેતી નથી. રજનીકુમારે કથાવસ્તુ અને કથનકેન્દ્રને બરાબર વાર્તા સમજીને લખી છે. એમની વાર્તાઓ મોટાભાગે સંવાદથી કે એકાદ સ્થિતિ બતાવતા વર્ણનથી શરૂ થાય છે. એટલે પહેલા વાક્યથી જ વાચક વાર્તામાં પ્રવેશે છે. તેમની વાર્તાઓમાં પરંપરાગત વર્ણનો અને સંસ્કૃત પ્રચુરતા નથી. આ સંગ્રહની વાર્તાઓ સાવ નોખા જ ભાવની પ્રસ્તુતિ છે. જે યુગબળના જુદા જુદા રંગોથી વાર્તાકારના સામર્થ્યને પ્રગટ કરે છે. આ સંગ્રહની વાર્તાઓમાં માનવીનાં સાવ ક્ષુલ્લક લાગતાં કે કોઈના મતે તુચ્છ એવાં મનોસંચલનોને વાર્તાકારે વાર્તા તરીકે લખ્યા છે અને રમણીય કલાકૃતિઓ નીપજાવી છે. પોતાના પહેલા સંગ્રહથી જ રજનીકુમાર વાર્તાકાર તરીકે સ્વીકૃતિ તો પામ્યા જ, વાચકોએ પણ એમને વધાવ્યા. આ વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ પ્રાપ્ત થયું.
એમનો બીજો સંગ્રહ ‘ચંદ્રદાહ’ ઈ. સ. ૧૯૮૯માં પ્રગટ થયો. આ સંગ્રહની વાર્તાઓ વધારે કલામય અને મનોવૈજ્ઞાનિક ઢબની છે. એટલે પહેલા સંગ્રહ કરતાં બીજા સંગ્રહમાં ઉત્તમ વાર્તાઓ છે. અગાઉ લખ્યું તે મુજબ તેમની વાર્તાઓ પરંપરાગત બીબાઢાળ કૃતિઓ નથી, તો કોઈ જાતની પ્રયોગખોરીમાં પણ અટવાતી નથી. આ સંગ્રહની વાર્તાઓ તાજગીસભર છે અને રજનીકુમાર પંડ્યાની વાર્તાઓનાં ઉત્તમ ઉદાહરણ છે. રજનીકુમાર પંડ્યા માનવમનના અંતરંગ પ્રવાહોના અઠંગ અભ્યાસી વાર્તાકાર છે. ગુજરાતી સાહિત્યમાં તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરવાની સાથે સમગ્ર ગુજરાત ગર્વ લઈ શકે એવી વાર્તાકૃતિઓનું સર્જન કર્યું છે. ‘ચંદ્રદાહ’ આ સંગ્રહની ઉત્તમ વાર્તા છે. આ વાર્તા સર્જીને રજનીકુમારે વાર્તા લખવાનું છોડી દીધું હોત તોય વાર્તાકાર તરીકે અમર રહેવાના હતા. આ વાર્તા ‘પરકાયા પ્રવેશ’નો એક ઉત્તમ નમૂનો છે. વાર્તામાં કથાવસ્તુનો લોપ નથી પણ કથાનું રૂપાંતર છે. બાહ્ય અસ્તિત્વ કે આંતરવિશ્વમાં જે નાની કે મોટી ઘટના ઘટે છે તેનું લેખકે આ વાર્તાકૃતિમાં સમાર્જન કર્યું છે. ભરપૂર વરસતી ચાંદનીમાં પોતાનાં બે સંતાનો સાથે ગરબા સાંભળવા નીકળેલો નાયક થોડી વાર માટે પોતાના મનોમય અસ્તિત્વમાં સરી પડે છે. ચંદ્રમાંથી જાણે તેની મૃત પત્ની નીચે સરી આવે છે અને સ્મરણો દ્વારા જે મધુર લય ઊભો થાય છે તે વાચકને કારુણ્યમાં જકડી લે છે. સ્મરણોમાં ચાલતી આ કથામાં લેખકે એકપણ ભારે શબ્દનો આશરો લીધો નથી. વ્યંજનાસભર શબ્દલીલાથી જ વાર્તાનો પિંડ બાંધ્યો છે, જે લેખકનું બાહુલ્ય સ્પષ્ટ કરે છે. આ સંગ્રહની અન્ય વાર્તાઓ ‘જુગાર’, ‘નક્કી’, ‘ઈરાદો’, ‘ક્યાં’, ‘દસની નોટ’ જેવી સામાજિક નિસબતવાળી વાર્તાઓ પણ સામર્થ્યથી સર્જાઈ છે. આવી વાર્તાઓમાં લેખક માત્ર તસવીરકાર બનતા નથી, પણ સૂક્ષ્મસ્તરે મનોમય વિશ્વના મુક્ત પ્રવાસી બનીને પાત્રની ભીતરી સૃષ્ટિનો વિહાર કરાવે છે. સ્ત્રી-પુરુષના સંબંધ અને જાતીય આવેગોનું કલામય વર્ણન રજનીકુમાર પંડ્યાનો એક ગમતો વાર્તાવિશ્વ છે. પણ આવી કથાઓમાં સપાટી પરના ઘેરા-ઘાટા રંગોથી ભાવકને લલચાવવાની વૃત્તિથી તેઓ દૂર રહ્યા છે. આ તેમની વિશેષતા છે. આ બાબતે ‘ફોજદાર’ વાર્તા માણવા જેવી છે. આ વાર્તામાં પુરુષની જાતીય આવેગની અદમ્ય ઇચ્છાનું મનોવૈજ્ઞાનિક ચોકસાઈથી નિરૂપણ થયેલું છે. ફોજદાર જેવો કડક અને બરછટ માણસ સાવ તુચ્છ સ્ત્રી સામે શિથિલતા અનુભવે અને ફોજદારના હુકમને તાબે થયેલી ગરીબડી તુચ્છ સ્ત્રી “મારા માટેય ચાય મૂકજો... મસાલાવાળી જ બનાવો ને!” જેવો ફોજદારને હુકમ કરે. કથા આમ તો સ્ત્રી પુરુષના સંબંધની છે પણ લેખકનું મનોવિજ્ઞાન વાર્તાને એક ચોક્કસ ઊંચાઈ આપે છે. આવા નમૂના એમના વાર્તાસંગ્રહોમાં ઘણા છે. ‘ગુલાબી કાગળ’ પણ પરકાયા પ્રવેશની એક ઉત્તમ વાર્તા છે. આ વાર્તામાં લેખકે સંવાદો રચવામાં કમાલ કરી છે તે તેમનો ભાષા સામર્થ્યનો પુરાવો છે. આ વાર્તાની નાયિકા સુરેખાના ગુરુતાગ્રંથિમાંથી નીપજતા અહમ્કેન્દ્રી અને અતડા ઉદ્ગારો સર્જવામાં લેખકે ખરેખર જ કમાલની સૂઝ દર્શાવી છે. સુરેખાનો એક સંવાદ, “મને છે ને તે કોઈની સાથે મારી સરખામણી થાય એ ગમે જ નહીં. હું તો છું તે છું જ.” નાયકની મા રૂપસુંદરી હતી, જાજરમાન હતી અને કઠોર પણ હતી. લેખકના મનમાં ઊંડે ઊંડે પડેલી રૂપાળી છતાં કઠોર અને લાગણીહીન માની છબી જ્યારે જ્યારે તે સુરેખાને મળે છે ત્યારે દેખાઈ જતી હતી. અને આખરે અપ્સરા જેવી સુંદર સુરેખા સાથે તે સગાઈ તોડી નાખે છે. ચીલાચાલુ અંતને બદલે નોખો અંત આપીને લેખકે ચમત્કાર કર્યો છે. ‘દસની નોટ’ વાર્તામાં બે સ્ત્રીઓને જોડાજોડ રાખીને લેખકે ‘જક્સ્ટાપોઝ’ સર્જ્યો છે. નાયક મોરાર બેયને મનોમય રીતે એક સાથે અવલોકે છે. એ રજનીકુમારની વેધક દૃષ્ટિની કમાલ છે. એક બાજુ સગી મા સાવકી માથી પણ ભૂંડી, કઠોર અને કર્કશા છે. બીજી બાજુ નાયક મોરાર ઉપર ઓળઘોળ થતી, વહાલથી નવરાવી નાખતી, મૃદુ અને પ્રેમાળ નારીને મૂકીને લેખકે પ્રજ્ઞાના પાત્રને કલામય ઊંચાઈ આપી છે. પણ માત્ર એનાથી ચાલી ગયું નથી. ખરો ચમત્કાર તો સમગ્ર વસ્તુની માવજત ઉપર આધાર રાખે છે. ‘જુગાર’ વાર્તા પણ લેખકની એક કલાકૃતિ છે. આ વાર્તાની રચનારીતિ જેટલી સુરેખ અને સરળ છે એટલી જ સંકુલ છે. વાર્તાનાયક ડૉક્ટરના ચિત્તની ગતિવિધિઓ ભાષાસૌંદર્ય પ્રાપ્ત કરતી પ્રતીત થાય છે. સામે પક્ષે ડૉક્ટર પત્ની દયાબેન સામાન્ય ભાવકના પ્રતિનિધિ બનીને ઊપસ્યાં છે. આ કૃતિ સુખાંત છે. પણ એ સુખાંત અત્યંત મર્મસ્પર્શી બની રહે છે. અહીં વાર્તાનાયક ડૉક્ટર, તેમની પત્ની દયાબેનની સાથે એક પાત્ર જે વાર્તાના અંત સુધી પરદા પાછળ જ રહે છે તે છે રક્ષા. સુશીલ, નમણી, સુંદર રક્ષાને પરદા પાછળ રાખીને એ પાત્રને લેખકે ગૌરવ બક્ષ્યું છે. એ લેખકની કલાસૂઝનું પરિણામ છે. તેમના વાર્તાસંગ્રહો ‘મન બિલોરી’ અને ‘રંગ બિલોરી’ની વાર્તાઓમાં તેમની લેખનશૈલી એ જ છે જે એમની ઓળખ છે, પણ વાર્તાઓ અને ચરિત્રનિબંધો વચ્ચે ભેદ ભૂંસાતો હોય એવું પણ લાગ્યા કરે છે.
તેમનો વાર્તાસંગ્રહ ‘આત્માની અદાલત’ વર્ષ ૧૯૯૩માં પ્રકાશિત થયો હતો. ત્રણ સંગ્રહની વાર્તાઓમાં ‘અરે ડોશી’ ‘અંધ’, ‘કોરાં ‘ફલક’, ‘નવોઢાનો ટ્રંક’, ‘નામ વગરનો માણસ’, ‘ભડકો’, ‘લૂંટ’, ‘શબનું સ્મિત’, ‘સમાધાન’ વગેરે વાર્તાઓમાં લેખકનું જીવનવાદી દૃષ્ટિકોણ દેખાયા કરે છે. અને વાર્તાસંગ્રહો લેખકની સર્જનસૃષ્ટિના કેન્દ્રમાં માણસ છે, જોકે એ કોઈ વિશેષણ નથી પણ સારા અને ઊંચા સર્જકના પાયામાં રહેલો ગુણ છે. ‘આત્માની અદાલત’ વાર્તાસંગ્રહની વાર્તાઓમાં રજનીકુમાર પંડ્યાએ એ કલા નથી વાપરી જે ‘ચંદ્રદાહ’માં વાપરી છે. જોકે ચરિત્રનિબંધનું અતિલેખન ક્યાંક વાર્તાને નડ્યું હોય તેવું પ્રતીત થયા કરે છે. આવી ફરિયાદ વાર્તાકાર કિરીટ દૂધાતે પણ કરી છે.
રજનીકુમાર પંડ્યાની સમગ્ર વાર્તાઓમાંથી પસાર થતાં વાર્તાઓમાં કથાવસ્તુના જાળા ફરતે ગૂંથાયેલાં અદ્ભુત પાત્રો મળે છે. એ પાત્રોની ભાષા અને વર્તનો કથાવસ્તુને અનુરૂપ તો છે જ, એક વાર્તાને ખરા અર્થમાં વાર્તા બનાવે છે. તેમની વાર્તાનાં પાત્રોની અભિવ્યક્તિમાંથી લેખક રજનીકુમારની સિદ્ધહસ્ત લેખનશૈલીનો પરચો મળે છે. વાર્તાઓમાં માનવસંબંધોના વિવિધ આયામ અને સ્વરૂપોનો વૈજ્ઞાનિક ઢબે ઉઘાડ થાય છે. વાર્તાઓના કથાવસ્તુમાં ક્યાંય એકરૂપતા નથી કે નથી તેમની વર્ણનશૈલીમાં એકવિધતા. એમની વાર્તાઓના કથાવસ્તુઓમાં ક્યાંક હૂંફાળી લાગણીઓને વાચા મળી છે તો ક્યાંક કૂણી વેદના તરડાય છે.
ક્યારેક ખોવાયેલા ‘સ્વ’ની પિછાણ કરવાની કવાયત છે, તો ક્યાંક સ્વ ઓળખાઈ ન જાય તેની સજાગતા છે. પતિપત્નીના ભાવોનું ઊર્મિશીલ વર્ણન, પુરુષના મનોજગતમાં સળવળતી આદિમ ઇચ્છાઓ, વિપરીત સંજોગોમાં પાત્રોએ દાખવેલું કૌશલ્ય, તો સંજોગો બદલાતા ઉઘાડાં થઈ જતા વ્યક્તિત્વો પણ છે. એમના સંગ્રહની વાર્તાઓમાં અદ્ભુત ચરિત્ર ચિત્રણો છે જે લેખક ઉત્તમ ચરિત્રકાર હોવાનો પુરાવો આપે છે. આનંદ, વિષાદ, વ્યંગ, પ્રેમ, નફરત, ફકીરી, ક્રોધ, વ્યગ્રતા, શાંતિ બધા જ માનવીય ગુણોને લઈને પ્રગટ થતી એમની વાર્તાઓ રૂપકો અને આગવી શૈલી દ્વારા ખીલી છે. માનવસહજ લાગણીઓને વ્યક્ત કરતી વખતે લેખક સંજોગોને આધીન રહ્યા છે. ભાવક વાર્તામાં પ્રવેશ્યા પછી સહેલાઈથી બહાર નીકળી શકતો નથી. એમનાં પાત્રો વેવલી ભાષા નથી બોલતાં તેમજ શહેરી પાત્રોમાં કોઈ રોફ નથી. આમ રજનીકુમાર પંડ્યા એક બેફિકરા અને વાર્તાકલાના જાણતલ વાર્તાકાર છે એવું ફલિત થાય છે.
રજનીકુમાર પંડ્યાની વાર્તાકલા :
રજનીકુમારની વાર્તાઓ વાંચતાં તેમનો વિશિષ્ટ ભાષાકર્મ નજરે ચડે છે. તેમની ભાષામાં કેટલાક એવા શબ્દો છે જે કોઈ ભાષાના નથી. ન એ ગ્રામીણ છે, ન પ્રાદેશિક કે ન દેશ્ય. આના કારણે પાત્રનો સ્વભાવ અને તેના વ્યવસાયનું માળખું રચાય છે. દ્વિરુક્ત શબ્દપ્રયોગો, અવનવા ભાવદ્યોતક તળપદા શબ્દો, અલંકારો, કહેવતો, શબ્દપ્રયોગો, વિવિધ વાક્યપ્રયોગો, પ્રસંગ-પાત્ર-ભાવાનુરૂપ સંવાદ અને ઉદ્ગારોનાં સુરેખ વર્ણનોથી રજનીકુમાર પંડ્યાએ એક પોતીકી આભા ઊભી કરી છે. તેમની આ ભાષાશૈલી દૃશ્યાત્મકતા ઊભી કરે છે. રજનીકુમારને ફિલ્મી જગતનું ખાસ્સું જ્ઞાન છે. તેઓની વાર્તાઓમાં ફિલ્મોની જેમ જ દૃશ્યો ઊઘડે છે. તેમણે કોઈ દૃશ્યનું વર્ણન સાવ સીધું અને સપાટ રીતે નથી કર્યું. આવું કરવાથી પાત્રોના મનોભાવ અને વાતાવરણ એકાકાર થાય છે. ભાવકને પાત્રનો સાક્ષાત્કાર થાય છે અને જીવંતતા દેખાય છે. વાર્તા વાંચતી વખતે એવું લાગે જાણે ભાવકની આંખો સામે દૃશ્યો ભજવાય છે. તેમનાં વર્ણનોમાં ઇંદ્રિયગત ભાવો દેખા દે છે. તેઓ વાચકને કલ્પનાસૃષ્ટિમાં વિહાર કરાવતા નથી પણ ભાવકની કલ્પના રજૂ કરે છે. તેમણે વાપરેલા શબ્દો, અલંકારો, રૂઢિપ્રયોગો કેવા કેવા લાઘવથી ભર્યા પડ્યા છે તે આવાં ઉદાહરણો પરથી ખ્યાલ આવશે. સાથે રજનીકુમારનું ભાષાભંડોળ કેટલું વિવિધતાથી છલોછલ છે તે પણ સમજાય છે. તેમની વાર્તાઓમાં આવા શબ્દો દેખાયા છે. શબ્દયોગી, રમતરાળા, બબાલ, જાણભેદુગીરી, ફતન દેવાળિયા, રે-રાસ્તી, અખરતાં અખર્યું, ચાંદનીમય માહોલ, મુલામિયત, જિંદગીની કાપેલી મજલનાં છેહસ્થાનો, ત્રાડનો ત્રમકારો, ઠમઠોર્યો, ઠંડીના ઉકરાટા, થાકોડો, ધરારગીરી, બે-છોછ, ઓઝપાતાં, હુજ્જત, લોકોની મોથાજી, ડણેણી ઊઠે, ટોકરાળો ભભૂતિયો, ભણતર... પણતર... જણતર, હૃદયમાં ઝરેરો, જાહલ દાદરો આ શબ્દો કઈ ભાષાના જણાય છે? એમણે વાર્તામાં પરિવેશ રચવા માટે, વાર્તાનો લોકાલ દર્શાવવા આવા શબ્દોને ખપમાં લીધા છે.
એમણે વાર્તાઓમાં શબ્દોનો દ્વિરુક્ત પ્રયોગ કાવ્યાત્મકતાથી કર્યો છે. એના કારણે બોલચાલની ભાષા સાથે વાર્તાનું તળ પાધરું થાય છે. જેમ કે કડવા-કડછા સંવાદ, કાદવ-કીચડનું કચકાણ, મદીલા-નશીલા, ઈલ્ટી-ગિલ્ટી, ભરોભર-છલોછલ, હલક-હરકત, માણસ-તુણસ, દાડી-દપાડી, છવાયા-લદાયા, ઊંધ-મૂંધ, દાડિયા-ઉધડિયા, ધોરવે-ધ્રુજાવે જેવા વાક્યપ્રયોગોમાં વપરાયેલા શબ્દો બહુ ઓછા લેખકોને હસ્તગત છે. એમની વાર્તાઓમાં વપરાયેલા અલંકારો અને રૂઢિપ્રયોગ પણ માણવા જેવા છે. જીવનની રંગોળી, કડવા ઘચરકા જેવી, હા, એ કબૂલતનામા જેવું હસ્યા, બહાર સળ ન સૂઝે એવો વરસાદ, અંધારું ડામરના રગડા જેવું, જીવનની આ ગૂંચવાયેલી દોરીનું ફીંડલું, નિરાશાના છરકા, સંગીતનો આતશ, ભલામણના તરાપા પર, પ્રચારનો નવો ચરખો, સંગીતની હવા જીવન-જહાજના સઢમાં ભરાઈ ગઈ હતી, મોટી ઉમેદોનો અદૃશ્ય ગુલદસ્તો, ખર્ચનાં ગરનાળાં, અણવર જેવો તાવ, શરીર મલોખાનો માળો, શરીર પીગળીને પાતળી રેલાયેલી ઢળેલી મીણબત્તી જેવું બની ગયું, બરફની છોલેલી કટકી જેવો પગાર, કચકડા સરખા કુંવર, કાંકરીચાળા જેવો પ્રશ્ન, લાડુ પર સફેદ ખસખસ લગાડી હોય એવી દાઢી જેવા વિશેષણ પ્રયોગ રજનીકુમારની નિજી ઓળખ છે. કેટલાક વાક્યપ્રયોગો તેમની વાર્તા સિવાય અન્ય કોઈ લેખકની વાર્તાઓમાં જોવા મળતા નથી. આ વાક્યોમાં જે તે વિસ્તારની દેશી લઢણ છે. જુઓ એમનો કસબ. એ અમને આંખે કરવા નોકરી કરે છે, ઠેંઠણે ઠેં થઈ રહેશો, ચાલીસ લાખનો ભરભર ભૂકો, ભૂખ ભડકા જેવી થઈ ગઈ, ચહેરાને ઉપમા આપવી હોય તો સુકાઈ ગયેલી ખારેક સ્મરણે ચડે, કરચલીઓ સમેટાઈને વેદનાનો નકશો બની ગઈ, બહુરૂપીકળા એટલે નાટકના દરિયાનું જ એક અણમોલ મોતી, આવી ઉપમાઓ એમની વાર્તાઓમાં ઠેર ઠેર નજરે ચડે છે જે લેખકના ચિતમાં વાર્તા સર્જવાની ક્ષણે ઊમટતા ચહેરાઓ અને વહેતી સરળતા દશ્યમાન કરે છે. રજનીકુમાર પંડ્યાની વાર્તાકલા ખરેખર અનન્ય છે, નિર્દંભ છે.
રજનીકુમાર પંડ્યાની વાર્તા વિશે વિવેચકો :
“રજનીકુમાર પંડ્યાની બરોબરીના વાર્તાકાર ગુજરાતી તેમ જ અન્ય ભાષાઓમાં બહુ જૂજ છે. એમનું એક અજબ લાગતું લક્ષણ તે પાત્રાલેખનમાં તેમ જ સંવાદોમાં પાત્રોના લાક્ષણિક સ્નેપશોટ્સનું છે. દાયકાઓ પછી કોઈ પરિચિત અચાનક મળી ગયો હોય એમ વાચકનો લાગણીઆવેશ એક બિંદુરૂપ બની જાય છે. જો છાપેલા વાર્તા, નવલકથા સાહિત્યને તખ્તો કે ફિલ્મમાં પલટાવું હોય તો રજનીકુમારની વાર્તાઓ તે માટે પ્રથમ પસંદગી છે”.
વાસુદેવ મહેતા, કોલમ અલ્પવિરામ, ‘સંદેશ, તા. ૨૬-૨-૧૯૯૭
સર્જક તરીકે ઘણું ઊંચું લેવલ
‘સર્જક તરીકે તમારું ઘણું ઊંચું લેવલ છે, તમે એમ વાંચી નાખવાના લેખક નથી, સર્જક તરીકે તમારી મુદ્રા, સત્ત્વ, પ્રતિભા, સૂઝ વગેરે અનેક કારણોસર પ્રભાવક છે. તમને સમજીને વાંચવા ઘટે. તમારામાં ઘણો સારો વાર્તાકાર વસે છે, તેની ઉપેક્ષા કૃપા કરીને ના કરશો. કરશો તો તમને સર્જક પ્રતિભા આપનારો ઉપરવાળો, તમારી પોતાની જાતને તથા સાહિત્યરસિક સમાજને ત્રણેને અન્યાય કરશો.’
કૃષ્ણવીર દીક્ષિત, ૩-૫-૧૯૮૬
રજનીકુમાર : એક સહજ કલાકાર-નવલિકાકાર
‘મારા માટે અજાણ્યા એક લેખક શ્રી રજનીકુમાર પંડ્યાની વાર્તા ‘ચંદ્રદાહ’ આ સંગ્રહમાં સમાવી લેવા માટે ડૉક્ટર પ્રવીણ દરજીને મુબારકબાદી આપવાનું મન થાય છે. ‘પડછાયો વધુ પીડાયો’, ‘સફેદ કપડાંમાં સારા અને ચાંદનીમાં વધુ સારા’ અથવા તો ‘કેવળ હસવાનું જ એનું શરીર બનેલું હોય એમ વત્સલા’ સમજી....સમજી ‘બોલતાં બોલતાં હસી પડી’ જેવાં વાક્યખંડો એક સહજ કલાકાર-નવલિકાકારની કલમેથી ટપકી પડ્યાં જણાય છે. એ વાર્તા વાંચી જવી તે એક સુખદ અનુભવ બની ગયો.
શિવકુમાર જોશી – ‘ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ’માંથી
તમારી ચોપડી માટે આભાર. એકી બેઠકે વાંચી ગયો. કદીક રવિવારના ‘સંદેશ’માં ‘ઝબકાર’ વાંચું. પણ આ તો રંગ રહી ગયો. આ જ સાચું સાહિત્ય. આ જ સાચું જીવન! આ ભાષા, આ પ્રસંગો. એ સાચક જ સાહિત્યની વ્યાખ્યામાં બેસી જાય છે.... તમારી કલમમાં એક પ્રકારનો જાદુ છે. તળપદા શબ્દોનો વ્યવહાર અને એથી ઉજાસ અને લાંબા ટાહ્યલા વિના એટલે પકડ. પછી શું જોઈએ ભલા! આભાર, આ માટે... હું આમાંથી બે ચાર પંદર મિનિટની રેડિયો નાટિકા ગોઠવવા વિચારું છું... તમારી રજા મંજૂરી ખરી?
ચં. ચી. મહેતા, ૩જી મે ૧૯૮૪
સંદર્ભ :
રજનીકુમાર પંડ્યાના વાર્તાસંગ્રહો
રજનીકુમાર પંડ્યાની શ્રેષ્ઠ વાર્તાઓ
રજનીકુમાર પંડ્યાના સાહિત્ય ઉપરનો મહાશોધ નિબંધ
માવજી મહેશ્વરી
નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક
અંજાર (કચ્છ)
મો. ૯૦૫૪૦ ૧૨૯૫૭