ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ભરત નાયક

From Ekatra Wiki
Revision as of 03:05, 26 December 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
એક દૃષ્ટિપાત વાર્તાકાર
ભરત નાયક પર

કિશન પટેલ

Bharat Nayak.jpg

ભરત નાયકનું નામ પડે એટલે યાદ આવે ‘મને ફોમ છે’નો નિબંધકાર, ‘વગડા’નો ઘડચો, ‘મેરાંદે’નો નાટ્યકાર, ‘અવતરણ’નો કવિ, ઈડરિયા પથ્થરોના પથ્થરપણાને બતાવનાર છબીકાર અને ગુજરાતી ગદ્યનો સતત વીસ વર્ષ જેણે ‘ગદ્યપર્વ’ નામે પર્વ મનાવ્યો એ સંપાદક. આધુનિકતાના સમય પછીની ટૂંકી વાર્તા વિશેની કોઈપણ ચર્ચા ‘ગદ્યપર્વ’ અને ‘સાહચર્ય’ની વાત કર્યા વગર અધૂરી છે. ટૂંકમાં ભરત નાયક એટલે અનેક કલાને ચિત્તમાં ચગળીને અલગ અલગ ઘાટ ઘડતો કલાકાર. ૨-૮-૧૯૪૪માં વલસાડના અબ્રામા ખાતે અનાવિલ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થાય છે. ‘જનમ’ નિબંધ વાંચતાં જન્મની ઘટના જ કેટલીક રોચક છે (કાંતો લેખક બનાવી દે છે) આપણને જણાય છે. ભરત નાયકના સમગ્ર સાહિત્યને માણવા બાળપણના પરિવેશને જાણવો અનિવાર્ય બની જાય છે. આ કયો પરિવેશ છે? આંબાવાડિયું, ડાકણિયું, વગડાઓ અને બીજું ઘણું જે લેખકે જોયું છે, માણ્યું છે અને જીવનભર એ સ્મૃતિથી પોતાનું મનોરાજ્ય સમૃદ્ધ રાખ્યું છે. પણ આજે એમના સમગ્ર સાહિત્યમાંથી મારે અહીં એમના ટૂંકી વાર્તા ક્ષેત્રે કરેલા ખેડાણની વાત કરવી છે. સંખ્યાની દૃષ્ટિએ ખેડાણ યોગ્ય શબ્દ ન પણ લાગે. અલગ અલગ સામયિકમાં પ્રકાશિત થયેલી કુલ ત્રણ જ વાર્તાઓ આપણને એમની પાસેથી પ્રાપ્ત થાય છે. આમ જોઈએ તો કવિતા સિવાય એમણે દરેક સ્વરૂપ આછકલું સ્પર્શીને છોડી દીધું છે. પણ મહત્ત્વની વાત તો એ છે કે દરેક સ્વરૂપને કરેલો સ્પર્શ નર્યો કળાકીય સ્પર્શ બની શક્યો છે.

ભરત નાયકનું સાહિત્યિક પ્રદાન :

કાવ્યસંગ્રહ : ‘અવતરણ’ (૧૯૯૨), ‘પગરણ’ (૨૦૦૯), ‘વિચરણ’ (૨૦૧૯) નાટક : ‘મેરાંદે’ (૧૯૯૫) નિબંધસંચય : ‘મને ફોમ છે’ (૨૦૦૭), ‘નેપથ્ય’ (૨૦૨૩) શોધનિબંધ : ‘મેલોડ્રામાની રૂપરચના’ (૧૯૯૩) ૧૯૮૮થી ૨૦૦૮ સુધી ‘ગદ્યપર્વ’ સામયિકના તંત્રી રહ્યા અને ૨૦૧૩થી ૨૦૧૭ સુધી ‘સાહચર્ય વાર્ષિકી’નું સંપાદન કર્યું. આ ઉપરાંત તેમણે સુરેશ જોષી પર એક દસ્તાવેજી ફિલ્મ પણ બનાવી છે. એમની ફોટોગ્રાફીનું પ્રદર્શન પણ યોજાઈ ચૂક્યું છે. (આ વિગત ગુજરાત સાહિત્ય અકાદમીના ‘ભરત નાયકની ચૂંટેલી કવિતા’ પુસ્તકમાંથી.) કુલ ત્રણ ટૂંકીવાર્તા. ૧) વગડો ૨) અગાશી અને ૩) ગતિ. સાહિત્ય ક્ષેત્રે સુદીર્ઘ યાત્રા પછી પણ માત્ર ત્રણ જ વાર્તા આપનાર ભરત નાયકની પ્રથમ પ્રકાશિત કૃતિ હોય તો તે એમની વાર્તા ‘વગડો’. ‘વગડો’ ઊહાપોહ સામયિકના એપ્રિલ ૧૯૭૧, ૨૦મા અંકમાં પ્રકાશિત થાય છે. તો જુઓ ભરત નાયક, પોતાની આ વાર્તા વિશે શું કહે છે, ‘બી.એ/એમ.એ. દરમિયાન સિત્તેરેક પાનાં જેટલી લખાતી રહેલી અને પછીથી સુરેશ જોષીની કળામીમાંસાથી પોષણ પામી છેવટે વીસ પાનામાં પૂરી થયેલી મારી પહેલી વાર્તા ‘વગડો’, ‘ઊહાપોહ’ના વીસમા અંકમાં છપાઈ. વિધિસર લેખનની સફર ત્યારથી શરૂ થઈ.’ ‘વગડો’ લેખકની સમગ્ર સાહિત્ય સંદર્ભે પ્રથમ પ્રકાશિત કૃતિ છે. એક તરફ લેખકના ‘મને ફોમ છે’ના નિબંધો હોય અને એની સાથે જ્યારે આ વાર્તા વાંચવામાં આવે ત્યારે આ વાર્તામાં પડેલાં બાળપણનાં બીજડાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેથી આ વાર્તા સંદર્ભે વાત કરતી વખતે વારંવાર એમના નિબંધોની નજીક પહોંચી જઈએ એ શક્ય છે. અલગ અલગ અનેક પ્રાણીજીવોથી ભરીભાદરી આ સૃષ્ટિ ઘણી આકર્ષક, વિસ્મયકારી અને બિહામણી લાગે એવી છે. આ સૃષ્ટિ લેખકના ‘મને ફોમ છે’ના નિબંધોમાં વિહરી ચૂકેલા વાચકો માટે થોડી જાણીતી હોય શકે. જે રીતે એમના નિબંધોમાં પ્રકૃતિની Rawnessના દર્શન થાય છે, જે આવી છે ક્યાંથી, તો જવાબ મળે એમની અસામાન્ય ભાષાની લઢણમાંથી. જે ભાષા પહેલા બીજા વાચનમાં તો હંફાવે, હંફાવે ને હંફાવે જ. ‘વગડો’ અનેક વખતનું વાચન માગી લે એવી વાર્તા છે. આ તત્ત્વ કંઈક અંશે ચોક્કસ અવરોધરૂપ સાબિત થાય છે. પરંતુ એ સિવાય આ સૃષ્ટિમાં શું છે એ હવે જોઈએ. શરૂઆત થાય છે અહીંથી – દેરાની ટોચે એક તગડો ઘડચો બેઠો છે. પછી વગડામાં(આ ‘અરણ્ય’ નથી પણ ‘વગડો’ જ છે. આ નામમાં જ અગાઉ કહ્યું એમ એક rawnessના દર્શન આપણને થાય છે) ચાલતું પ્રાણીજીવન આપણી સામે જે રીતે પ્રગટે છે એ માત્ર શબ્દોના ખડકલા ન રહેતાં Motion picturesનો અનુભવ કરાવડાવે છે. ઘડચાની આંખોમાં છે સામેના ઝાડે લટકતું હાડપિંજર. અને એની પાછળ છે અનેક ઝાડવાંથી લચેલો લીલો વગડો અને એ વગડા પર ઝળૂંબેલા ભૂરા આકાશનો રંગ ચૂપચાપ પડ્યો છે. આ કથા પહોંચે છે આંબલી ઉપર ખૂણે બેઠેલા બુઠ્ઠા ઘડચા પાસે, જેની આંખમાં ઊંઘને બદલે આંસુનો થર છે. એની લાચાર નજર આંબલી પર બેઠા વાંદરા અને વાંદરીને જોઈ રહી છે. આ બંને પેલા તગડા ઘડચાનો શિકાર બને છે. હવે આખી કથા આ વાંદરા અને વાંદરીની લાશ આસપાસ ધબકતા પ્રાણીજીવનને આપણી સામે પ્રગટાવે છે. અંત તરફ આવતાં, વાયરો બેફામે રવાડે ચડ્યો છે. આખો વગડો અચાનક હચમચી ગયો છે. બુઠ્ઠો ઘડચો દેરાની પાસે આવે છે. દેરાની ટોચે શરૂ થયેલી વાત દેરા પાસે જ આવી પહોંચે છે. પવનના જોરને કારણે દેરાની દીવાલો હલી અને પછી આખું શિખર લિંગ ઉપર ખલવાઈ પડ્યું. આ દેરાના ભંગારની વચ્ચે બુઠ્ઠો ઊભો રહે છે. (કોઈ Animation film makerના હાથે આ વાર્તા લાગે તો ચોક્કસ આ વાર્તા એના યોગ્ય સ્થાને પહોંચે). વાયરાને કારણે વગડામાં દાવાનળ ફાટી નીકળે છે. અંતે પીગળતા હાડપિંજરને જોતા ઘડચાના પગ ઉપર જ્વાળા ચડવા લાગે છે. ઘડચાની આંખમાં પેલાં થીજી ગયેલાં આંસુનું પાણી ઉકળી રહ્યું છે. અને એ જ પાણીમાં આખરે એ વગડો ડૂબી જાય છે (જેમ કોઈ Filmનું Fade out થતું હોય એમ જ લેખક Fade out દ્વારા વાર્તાનો અંત લાવે છે). Naturalismના દૃષ્ટિકોણથી જોવાનો પૂરેપૂરો અવકાશ આ વાર્તા પૂરો પાડે છે. જે કાંઈ પણ બની રહ્યું છે એનું કારણ આ કુદરતી વિશ્વની બહાર કશે અસ્તિત્વ ધરાવતું નથી. આ વગડો અને એમાં ધબકતા પ્રાણીજીવનનો અદ્‌ભુત અદ્વૈત સાધી લેખકે ભય, વચ્ચે વચ્ચે અબુધ પ્રાણી પ્રતિક્રિયાને કારણે ઊભું થતું હાસ્ય અને સાથે વિસ્મય જેવા અનેક ભાવો આપણી અંદર ઊભા કર્યા છે. કેટલાંક ઉદાહરણ જોઈએ – ‘બોળિયા બાવળો પર ઠેર ઠેર ઊંધા લટકતા નમૂનેદાર સુગરીના માળા રંગાઈ ગયા, ત્યારે કુતૂહલથી સુગરીનાં બે બચ્ચાંઓને આ ઊંધી દુનિયા દેખી ડોકિયું પાછા ખેંચી લેતાં જોઈ પીળા દાંત દેખાડતો સૂરજ હસી હસી બેવડ વળી ગયો.’ (અહીં હાસ્ય અને સાથે વિસ્મયની એક અદ્‌ભુત ક્ષણ) ‘છેક મોડી રાતે ચાંદો ખીલ્યો. વગડામાં નીતર્યા પાણી જેવી ચાંદની ફરી વળી—જંગલ ઝાડીઓનાં પાંદડાં-ઝાંખરામાંથી ચળાઈને ભૂખરી ભોંયે ફેરાં ટપકાવતી, આઘેના તળાવના ખૂણે કોઈ કૂંપરીમાં પુરાયેલી ભમરીના રુદને કાન માંડતી, બાવળિયે ઉદાસ બેઠેલા ઘુવડને ચંપાતા પગલે પાછળથી આવી આંખો દબાવી ખડખડાટ હસાવતી, કાંટેકાંટામાં પરોવાઈ વાડમાં સૂતેલા અંધકારને આલિંગતી, ખખડી ગયેલા પેલા દે’રાની છત-તિરાડથી પ્રવેશી શિવલિંગ પર ઝૂલતા કરોળિયા જાળે રૂપેરી સરગમ રેલાવતી, એ દે’રાની સામેના ઝાડની ડાળે લટકતા હાડપિંજરની પાંસળીઓમાં ગળાઈને નીચેની ભોંયે જાળ બિછાવતી—બધે બધ ફરી વળી’ ‘આંબલીથી ઊતરી તગડો ઘડચો ભટકતો ભટકતો ક્યાંનો ક્યાં નીકળી પડે. એની આંખોમાં હજીયે વૃક્ષ વૃક્ષો વચ્ચે થીજી ગયેલા અંધારા ઉપર આગિયાઓની ચળકતી ઝબૂક ઝબૂક લિપિ ચીતરાયેલી, તર્યા કરતી હતી. બાજુની વાડમાં સૂક્કા પાંદડાંને ભૂંજાયેલા પાપડ જેવો અવાજ ઘડચાને કાને પડ્યો. એ તરફ જોયું. સૂતરની આંટી જેવી બનાવી નાગ-નાગણ એક બીજાને વીંટળાઈ કેલિ કરતાં હતાં. નજર ત્યાંથી ખેંચી ઘડચો સામેની ભીંડી પર સડસડાટ ચઢી ગયો. આડી એક ડાળ પર પૂંછડી ઝૂલાવતો બેઠો – એની સામેથી માખી ઉપર સવાર થયેલો માખો પસાર થઈ ગયો. ભીંડીની કાબરોએ એના બેસવાની સાથે જ કલબલાટ મચાવી દીધો. એની આંખોમાં ખીજ તરી આવી. કરડાકીથી એ બધાં તરફ જોયું—સામેથી ઊડી જતી કાબર તરફ તો પોતાના મોં સામે હવામાં પંજો વીંઝી દાંતિયાંયે કર્યાં.’ (અલ્પવિરામો અને લાંબા વાક્યોના સહારે ચાલતા લેખક સુંદર Panorama effect ઊભી કરે છે) આમ આખી વાર્તામાં વર્ણનનું પાસું પ્રધાન છે. ઓગળી ઓગળીને વીસ પાનાં સુધી પહોંચેલી આ વાર્તામાં સરેરાશ વાચકને તો પ્રસ્તાર નડવાનો જ છે. અને કેટલીય જગ્યાઓએ અનેક વર્ણન અને એને કારણે ઊભા થતાં દૃશ્યો સુંદર લાગે છે, વગડામાંનું બિહામણું સૌંદર્ય ઊભું કરવા લેખકે ભલે એવું કર્યું હોય છતાં એ વર્ણનો બધે ઉપકારક નીવડતાં નથી, ક્યાંક એ પ્રચ્છન્ન બનીને રહી જાય છે. જેમ અહીં દેરાની ટોચે ઘડચો બેઠો છે એવું જ કંઈક એમની એક કવિતામાંથી પણ આપણને મળી આવે છે. કપિરાજ/રામજી મંદિર ટોચે/ઢળતા સૂરજનો મુગટ પહેરી બેઠો હતો. આ કવિતા સંદર્ભે શિરીષ પંચાલે કરેલું વિધાન આ વાર્તા સંદર્ભે પણ એટલું જ સાચું છે. તેઓ કહે છે કે, ‘અહીં કવિ કોઈ પુરાણકથામાં ડૂબી જતા નથી. રામજી મંદિર માત્ર ઇંગિત બની રહે છે.’ આમ, આ વાર્તામાં પણ ભાષા અને પરિવેશને કારણે ઊભી થતી સમગ્ર છાપ આપણને આદિમ સમયની સૃષ્ટિની અને પુરાકથા પ્રકારની કથા હોય એવી અનુભૂતિ કરાવે છે. અગાઉ કહ્યું એમ અને ઉપરોક્ત ગદ્યખંડોમાં જોયું એમ આ વાર્તામાં ભાષા એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એક તુલના વડે આપણે આ વાત સમજીએ. સુરેશ જોષીની ‘પંખી’ વાર્તામાં (સુરેશ જોષીની ‘પુનરાગમન’ વાર્તા પણ તરત યાદ આવે) પણ આદિકાળનું વાતાવરણ છે અને ‘વગડો’ વાર્તામાં પણ કંઈક એવું જ વાતાવરણ છે. પણ બંનેમાં કોઈ ભેદરૂપ તત્ત્વ સાબિત થાય છે તો તે ભાષા. સુરેશ જોષીમાં જેવો લોક છે એવી ભાષા નથી, જ્યારે ભરત નાયક જેવો લોક છે એવી જ ભાષા પ્રયોજી જાણે છે. આ વાતને બાળપણના લોકમાં લઈ જતાં સુરેશ જોષી અને ભરત નાયક બંનેના નિબંધોની તુલના કરીએ તો પણ નજરે ચડે છે. આ વાર્તામાં ‘મને ફોમ છે’ના નિબંધોમાં છે એવું જ નિબંધાત્મક સંવિધાન સ્પષ્ટપણે જોઈ શકાય છે. ‘વગડો’ પછીની બીજી વાર્તા ‘અગાશી’, જ્યોતિષ જાનીના તંત્રીપદે ચાલતા ‘સંજ્ઞા’ સામયિકમાં ઑક્ટોબર ૧૯૭૬ના અંકમાં પ્રગટ થાય છે. આ વાર્તા ખૂબ વિવાદાસ્પદ સાબિત થઈ હતી અને એવું પણ કહેવાય છે કે આ વાર્તાને જ પરિણામે ૧૯૭૭માં ‘સંજ્ઞા’ બંધ કરવું પડ્યું હતું. પ્રથમ વાર્તા દ્વારા એક પ્રયોગશીલ વાર્તાકાર તરીકે ભરત નાયકની છબી બંધાઈ ચૂકી હતી. અને પાછી એવી જ એક બીજી વાર્તા લઈને તેઓ ફરી આવે છે. ‘અગાશી’ વાંચ્યા પછી ત્વરિત કોઈ પ્રતિક્રિયા કે પછી કોઈ ભાવ વાચકના અંદર પ્રગટે તો તે ‘જુગુપ્સા’નો જ હોય તેમાં કોઈ શંકા નથી. સાહિત્યમાં જ્યાં હાસ્ય, કરુણ, શૃંગાર વગેરે રસ પ્રગટાવતી કૃતિઓ છે ત્યારે સાહિત્યમાંથી ઘણો બાકાત રહેલો એવો બીભત્સ રસ આ વાર્તા પ્રગટાવે છે. એમાં આવતા કેટલાક અશ્લીલ શબ્દોને કારણે કેટલાક ચોક્કસ ભાગનો ઉલ્લેખ કરવો ટાળ્યો છે. પૃથ્વીના અંત સમયે ઘટિત ઘટના જેવી ઘટના વાર્તામાં છે. વાર્તાનું માળખું Fragmented માલૂમ પડે છે. અગાશીની આંખ ઊઘડી. ઘાસતેલ માથે છડકી સૂરજે દિવાસળી ચાંપી હતી. પીળો ભડકો એની આસપાસ વીંટળાવા લાગ્યો. ગલી, કૂંચીમાં ઊભેલી લાખોની મેદની ગરદન ઊંચે તાણીને, હાથ લંબાવી ઊભી હતી. સૂરજના હાથ પગ પીગળી ગયા. મેદનીમાં રીડ પડી. લોકોના ટોળાં ભાગવા લાગ્યાં. કેટલાક લોકો મકાન, બારી કે છત પરથી ભૂસકા મારવા લાગ્યા. કેટલાક ભાગી ન શકવાથી નાક વાળ તાણતા હતા. સૂરજ કોયલો થઈ ગયો. એક ખાબોચિયામાં લથડી પડ્યો. ડામરનો પ્રવાહ હતો ત્યાં જ થીજી ગયો. અહીં એક આંધળાનો પ્રવેશ થાય છે. ‘વગડો’માં અંત સુધી જેમ એક તંતુ તરીકે બુઠ્ઠો ઘડચો કામ કરતો હતો એમ અહીં આ આંધળાનું પાત્ર કામ કરે છે. આગળ વધતાં પ્રવેશે છે મોચી. તાડપત્રીના બાકોરામાંથી પ્રકાશનો સળિયો એની કમરમાં ભોંકાઈ જાય છે. એક ભૈયાને ત્યાં શેરડીના સંચામાંથી માણસની બે ટાંગ ખેંચાઈને આવે છે અને એક બેઠી દડીનો શેઠિયો એનો લાલ રસ પી રહ્યો છે. એના ટપકતા વીર્યમાંથી ઉંદર જેવા વેંતિયા ગમે તે દિશામાં છટકી જાય છે. રસ્તા પર ધુમ્મસ. અને અહીં એક નગ્ન યુવતી સાથે ટોળાનો વ્યવહાર. સિસોટી અને તાળીનો ગડગડાટ ચાલે છે. (અહીં આવતાં વર્ણનો અતિજુગુપ્સા પ્રેરક છે). અચાનક વિમાનોમાંથી પેરાશૂટ્‌સ ખરવા લાગ્યા. એમાંથી બગીચામાં બે સૈનિકો પડે છે. એમની નજર ટાંકી પાછળ લપાઈ બેઠેલી એક બાઈ પર ત્રાટકી. સૈનિકોનું એ બાઈ સાથેનું વર્તન અતિજુગુપ્સા પ્રેરક છે. ચાર જુવાનિયાની નજર પેલા આંધળા પર પડે છે. આંધળો મૃત્યુ પામે છે. પણ એ જુવાનિયાઓ દ્વારા આંધળાને જે રીતે મૃત્યુ સુધી પહોંચાડવામાં આવ્યો છે એ માટે પણ ફરી ફરી એક જ શબ્દ મદદે આવે છે ‘અતિજુગુપ્સા પ્રેરક’. ‘વગડા’નો અંત આગ વડે થાય છે તો ‘અગાશી’નો અંત પાણી વડે આવે છે. વરસાદ તૂટી પડે છે. મકાનોનાં મકાનો તણાઈ જાય છે. અગાશીની આંખ અંતે મીંચાઈ જાય છે. ‘વાયરોમાં ભેરવાયેલી લાશો વચ્ચેથી અગાશી તરતી તરતી આઘે આઘેની ક્ષિતિજની ટોચ ભણી ચાલી નીકળી.’ આ વાર્તામાં પણ વર્ણનનું પાસું પ્રધાન છે. જાણે કોઈ કુદરતી આપત્તિનું અતિવાસ્તવની ઢબે થયેલું આલેખન જેમાંથી આંશિક રીતે Mythical tone પણ આવે છે. પરંતુ એક સરેરાશ વાચકને આ વાર્તા વાંચ્યા પછી કોઈ પરિણામ પર પહોંચતાં ચોક્કસ શ્રમ થવો રહ્યો. તેથી આ વાર્તાને મૂલવતાં પહેલાં, આ વાર્તા પ્રગટ થઈ, ‘સંજ્ઞા’ના એ અંકમાં અંતિમ પૃષ્ઠ પર મૂકાયેલું Andre Malrauxનું એક અવતરણ આ વાર્તા સંદર્ભે ખૂબ મહત્ત્વનુ છે. તેઓ કહે છે, ‘Modern writers no longer consider the work as an object but rather as a ‘stake’ signalizing the fact that some restless genius has explored a new area of the human mind.’ કોઈપણ કૃતિને એક સ્થિર પદાર્થ રૂપે નહીં પણ Human psycheના કોઈ અગોચર પ્રદેશનું સંકેતોની કેડીએ દર્શન કરાવતી કૃતિ તરીકે જોવી જોઈએ. માનવીના અચેતન મનમાં પડી રહેલી, દમિત લાગણીઓનું, જીવનની અંતિમ સંધ્યાએ કઈ રીતે હિંસક પ્રગટીકરણ થાય છે એ આ વાર્તામાં અનેક પાત્રોની ક્રિયા-પ્રતિક્રિયા વડે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ‘અગાશી’ પછી ખૂબ લાંબાગાળે છેક ૧૯૯૦માં ‘ગદ્યપર્વ’ના સપ્ટેમ્બરના અંકમાં ‘ગતિ’ નામની વાર્તા પ્રગટ થાય છે. આ સમયગાળા સુધી કિરીટ દૂધાત, અજિત ઠાકોર, મોહન પરમાર વગેરે જેવા મહત્ત્વના અનુ-આધુનિક વાર્તાકારોનો પ્રવેશ થઈ ચૂક્યો હતો. આવા સમયગાળામાં તેઓ આધુનિકતાના સમયે વધુ પ્રચલિત પણ આમ શાશ્વત એવા વિષયવસ્તુને લઈને આવે છે. જયેશ ભોગયાતા કહે છે એમ, “ ‘ગતિ’ વાર્તાનું વાસ્તવ મહાનગરનું છે. મહાનગરના માણસમાં ભૌતિક ગતિનો જે નશો ફેલાયો છે, ગતિની તીક્ષ્ણતા અંદર ખૂંચી ગઈ છે એવી જીવલેણ બીમારીનું ચિત્ર અહીં પ્રગટ થયું છે.” વ્યવસાયમાં થતી સોંગઠાબાજીને કારણે પલાશ માનસિક અસ્થિરતાનો ભોગ બન્યો છે. પલાશ ઘણો સેન્સિટિવ, પ્રામાણિક અને માયાળુ છે. બઢતી માટે પોતાની જગ્યાએ દારૂવાલાની થયેલી ભલામણ તેના જ ગુરુએ કરી છે તે માનવા પલાશ તૈયાર નથી. અને આની સાથે ગૂંથાય છે મહાનગરનું જીવન. પલાશ મહાનગરમાં જીવતાં અનેક પાત્રોનો પ્રતિનિધિ છે. આ એવાં પાત્રો છે કે જેમની પાસે જીવનમાંથી ભાગી છૂટવાનો એક જ માર્ગ બચ્યો છે અને તે એટલે ‘મૃત્યુ’. પણ તેય આવવું ક્યાં સહેલું છે. પલાશના જીવનની અને તેના આસપાસના પરિવેશની આ ખંડિત ગતિ જ વાર્તાની મુખ્ય ગતિ છે. આ ગતિ, વાર્તામાં આવતા પાત્રો વચ્ચેના સંવાદોમાં પણ અનુભવી શકાય છે. નાટ્યલેખક તરીકેની પ્રતિભા અહીં લેખકને કામે લાગી છે. સમયનો લાંબોગાળો વર્ણનને ઓગાળી દે છે. અહીં મુખ્ય પ્રાધાન્ય સંવાદોનું (લાંબી એકોક્તિ પણ) છે. અહીં પણ અતિવાસ્તવ ઢબનું આલેખન ક્યાંક ક્યાંક જોવા મળે છે. ફ્રોઇડની Eros અને Thanatosની થિયરી આ વાર્તા માટે ઘણી મહત્ત્વની બની રહે છે. ફ્રોઇડ કહે છે કે માનવજીવન જીવન વૃત્તિ(Eros) અને મૃત્યુ વૃત્તિ (Thanatos) વચ્ચે સંતુલન વડે ચાલે છે. Thanatos એ માનવજીવનના મૃત્યુ અને વિનાશકારી પ્રવૃત્તિ તરફ નિર્દેશ કરે છે. આ વૃત્તિના આક્રમણને કારણે માનવી પોતાની શરૂઆતની અવસ્થા તરફ પાછા ફરવાની વધુ ને વધુ ઇચ્છા ધરાવતો થાય છે. અહીં પલાશ સાથે પણ એવું જ કંઈક બને છે. ‘...મરીશ, મરીશ? આ મર્યો, મરવાનું? હજી હમણાં તો બોલ્યો હતો, બા પછી મમ મમ, પછી ભૂ, હમણાં ડગુ ડગુ ડગલી માંડી કેડની ચાંદીની ઘૂઘરી ધમકાવી હતી, બિલોરી કાચ – બરકતી કોડી – દૂધિયા દાંત દાબડામાં એકઠા કર્યા હતા, તીડિયાની પૂંછડીએ દોરો બાંધી અને પતંગિયાની જેમ છૂટો મૂક્યો ઊંચે અદ્ધર, ચોરાંબલા ખાધા, બુઠ્ઠીના બાલ ખાધા, લૂણી લૂણીને કાકડી ખાધી, કેળની છાલ પર છાલ ઉતારી અંદરની કૂણી કૂણી ભૂંગળી આંખને પોપચે - ગાલે ફેરવી, ઠારમાં ઝબોળાયેલા વાલોડ પાપડીના ખેતરોની ગંધ લીધી,...’ વાર્તાના અંતે, પલાશ બરફની લાતી પર ચત્તોપાટ સૂતો હતો. એના કાંડામાં પીળું કાર્ડ હતું. એમાં એક નંબર થરકતો હતો સાત. પીળા કાર્ડ પર ઉંમર, જન્મસ્થળ, જાતિ, અભ્યાસ વગેરે બધી વિગતો આપી છે પણ નામ અને આપઘાતનું કારણ, તો એ જગ્યાએ માત્ર ટાઈપરાઇટરનો અવાજ ‘ખટ્‌ખટ્‌ ખટ્‌ખટ્‌ ખટ્‌ખટ્‌ખટ્‌ખટ્‌ખટ્‌ખટ્‌ ખટ્‌ ખટ્‌ ખટ્‌ ખટ્‌’. આમ, ત્રણેય વાર્તાઓમાંથી પસાર થયા પછી એક સરેરાશ વાચકના ચિત્ત પર પણ મુખ્યત્વે જે છાપ પડે છે તે વાર્તાના ગદ્યની. અનેક નવાં પ્રતીક અને કલ્પનોથી ઊભું થયેલું ક્યારેક બિહામણું વિશ્વ તો ક્યારેક અતિવાસ્તવનું વિશ્વ આપણને તાજગીનો અનુભવ કરાવડાવે છે. ગદ્યની એક આગવી છટા અહીં ચોક્કસ પામી શકાય છે. પણ એથી વિશેષ ટૂંકી વાર્તાના સ્વરૂપની દૃષ્ટિએ વિચાર કરવાનો આવે તો નિઃશંક કેટલાક પ્રશ્નો ઊભા થાય એવા છે. એકવાર ‘વાર્તા બને છે કે નથી બનતી?’ કે ‘આ તો નિબંધના સ્તરનું લખાણ છે’ જેવા પ્રશ્નો ભૂલી જઈએ છતાં વાર્તાને સમગ્ર એકમ તરીકે જોતાં, ‘વગડો’ અને ‘અગાશી’ જેવી વાર્તામાં ઘણી જગ્યાઓએ બિનજરૂરી લંબાણ, પ્રતીક કલ્પનોનું પ્રાચુર્ય વાચક માટે શ્રમ બનીને રહી જાય છે. વાર્તાઓ વાચક પર અસામાન્ય છાપ ઊભી કરે છે, વાર્તાકારનું લક્ષ્ય એટલું જ હોય તો વાર્તાકાર સફળ થયો છે એવું કહેવું પડે પણ ‘ગતિ’ જે ઢબે વાર્તાને યોગ્ય એવા એક શાશ્વત પ્રશ્નને લઈ કળાકીય ઘાટ પામી છે એવો ઘાટ અન્ય બે વાર્તાને મળ્યો નથી.

સંદર્ભ :

૧. ‘વગડો’ વાર્તા, ‘ઊહાપોહ’ સામયિક, એપ્રિલ ૧૯૭૧, અંક ૨૦
૨. ‘અગાશી’ વાર્તા, ‘સંજ્ઞા’ સામયિક, ઑક્ટોબર ૧૯૭૬, અંક ૨૧
૩. ‘ગતિ’, ‘ગદ્યપર્વ’ સામયિક, સપ્ટેમ્બર ૧૯૯૦, સળંગ અંક ૧૫
૪. ‘સંક્રાન્તિ’, સં. જયેશ ભોગાયતા
૫. જીવન અને કવનને સમ્પપૃક્ત ગણું છું - ભરત નાયક (‘ખેવના’ સામયિક, ડિસેમ્બર ૨૦૦૬, સળંગ અંક ૧૦૦)

કિશન પટેલ
કવિ, વિવેચક
આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ગુજરાતી
એન. એસ. પટેલ (ઓટોનોમસ) કૉલેજ,
આણંદ
મો. ૮૪૬૯૬ ૪૬૭૩૮
Email: pakishan૮૭@gamail.com