ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ચન્દ્રાબેન શ્રીમાળી

From Ekatra Wiki
Revision as of 03:33, 28 December 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
‘ચૂડલાકરમ’ :
ચંદ્રાબહેન શ્રીમાળી ‘ચાહના’

આકાશ રણજિતસિંહ રાઠોડ

Chandraben Shrimali.jpg


વાર્તાકારનો પરિચય :
જન્મ : ૩ ઑગસ્ટ, ૧૯૫૦ (અમદાવાદ)
અવસાન : ૧૦ ઑક્ટોબર, ૨૦૨૦ (ગાંધીનગર)

ચંદ્રાબહેન શ્રીમાળીનો જન્મ ૩-૮-૧૯૫૦ના રોજ થયો હતો. બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી એલ.એલ.બી.ના શરૂઆતના અભ્યાસમાં ગાંધીનગરમાં માર્ગ અને મકાન વિભાગની નોકરીમાં જોડાયાં હતાં. એ સમયે ૧૯૮૨માં ગુજરાત સરકાર આયોજિત એક જાહેર કાર્યક્રમમાં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી આવ્યાં હતાં. ત્યારે ચંદ્રાબહેન સ્ટેજ પર જઈને એમને મળ્યાં અને રાજકારણમાં આવવાની મહેચ્છા દાખવી. ઇન્દિરા ગાંધીએ વચન આપ્યું અને પાળ્યું પણ ખરું. ચૂંટણી લડવા માટે થઈને ચંદ્રાબહેને સરકારી નોકરી છોડવાનું સાહસ કર્યું અને સફળ થયાં. કૉંગ્રેસ પાર્ટીમાંથી ટિકિટ મેળવી ૧૯૮૫ની વિધાનસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગરના દસાડાથી ભવ્ય વિજય મેળવી ૧૯૮૫થી ૧૯૯૦ સુધી ધારાસભ્ય પદ પર રહ્યા. સામાન્ય પછાત દલિત કુટુંબથી વિધાનસભાના પદ સુધી આપબળે પહોંચેલાં ચંદ્રાબહેન પોતે નારીશક્તિ અને નારી સ્વાભિમાનનાં પ્રતીક સમા બની રહે છે. આ પ્રમુખ સૂર અવારનવાર એમની વાર્તાઓમાં પડઘાયા કરે છે. તેઓ ધારાસભ્ય પછી એક લેખક તરીકેની નવી જ ઓળખ પામે છે. ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના મુંબઈથી પ્રકાશિત થતા ‘સમકાલીન’ દૈનિક આયોજિત ૧૯૯૫ની વાર્તાસ્પર્ધામાં તેમની ‘ચણીબોર’ વાર્તાને રૂપિયા ૭૦૦૦નું પહેલું ઇનામ મળ્યું હતું. એ પછી તેઓ નિયમિત લેખન તરફ એવાં અભિમુખ થયાં કે લેખિકા – સર્જક હોવું એ તેમની મુખ્ય ઓળખ બની ગયું. રાજકારણમાં નામમાત્રના સક્રિય રહ્યાં. જુદા જુદા રાજકીય પક્ષોમાં જરૂર દાખલ થયાં, પણ પહેલો પ્રેમ શબ્દ અને સાહિત્ય સાથે જ રહ્યો. ગુજરાતી સાહિત્યની શીર્ષસ્થ સંસ્થાઓ; ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી લેખક મંડળના આજીવન સભ્ય રહ્યાં અને વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી નોંધાવી. સિત્તેર વર્ષનું આયુષ્ય ભોગવી તા. ૧૦ ઑક્ટોબર, ૨૦૨૦ના રોજ તેમણે નશ્વર દેહ છોડી ફાની દુનિયાને અલવિદા કહ્યું. સાથે જ છોડી ગયાં આ અક્ષરદેહ. તેમના સમગ્ર સાહિત્યસર્જનમાં ત્રણ વાર્તાસંગ્રહો, ત્રણ કાવ્યસંગ્રહો, બે સંપાદન સિવાય ઘણી અપ્રગટ કૃતિઓ પણ છે.

સાહિત્યસર્જન : લેખિકાની પ્રગટ કૃતિઓ :

(૧) ગોરંભો (મનીષ પરમારની ગઝલોનું સંપાદન, ૧૯૯૩)
(૨) ચણીબોર અને બીજી વાર્તાઓ (વાર્તાસંગ્રહ, ૧૯૯૮)
(૩) ઓવારણાં (કાવ્યસંગ્રહ, ૨૦૦૦)
(૪) માનો પ્રતાપ (ભક્તિરચના સંગ્રહનું સંપાદન કુ. વીણાબહેન શ્રીમાળી સાથે, ૨૦૦૦)
(૫) મિજાજ (કાવ્યસંગ્રહ, ૨૦૦૧)
(૬) ચકુનો વર (વાર્તાસંગ્રહ, ૨૦૦૩)
(૭) વલોણું (કાવ્યસંગ્રહ, ૨૦૦૭)
(૮) ‘ચૂડલાકરમ’ (વાર્તાસંગ્રહ, ૨૦૦૯)

અપ્રગટ કૃતિઓ :

– ચૈતર, વૈશાખ ને જેઠ (નવલકથા)
– મારી કથા, નારી વ્યથા (સ્વાનુભવગાથા-આત્મકથાનક)
– મારી આંખે અમરનાથ (પ્રવાસયાત્રા નિબંધ)
– બહારો ફૂલ બરસાઓ (વાર્તાસંગ્રહ)
– એમ તે ભુલાય! (રેખાચિત્રો)
– વીણા! તારાં સંભારણાં (સ્મૃતિચિત્રો)

વાર્તાકારનો યુગસંદર્ભ :

સર્જક ચંદ્રાબહેન શ્રીમાળીએ જીવનની ચાલીસી વટાવ્યા બાદ લખવાનું શરૂ કર્યું. ૧૯૯૮માં તેમણે ‘ચણીબોર અને બીજી વાર્તાઓ’ નામે વાર્તાસંગ્રહ આપી ગુજરાતી દલિત વાર્તાજગતમાં પોતાનું નામ પ્રસ્થાપિત કર્યું. ૨૦૦૩માં ‘ચકુનો વર’ અને ૨૦૦૯માં ‘ચૂડલાકરમ’ નામે ત્રીજો વાર્તાસંગ્રહ આપે છે. તેમની વાર્તાઓમાં દલિતચેતના અને ખાસ કરીને દલિત સ્ત્રીઓના પ્રશ્નો અને વ્યથાની કથા જોવા મળે છે. મધ્યમવર્ગીય દલિત કુટુંબમાં જન્મ હોવાથી જીવનના ઘણા અનુભવો જીરવી જાતમહેનતે પગભર થયાં. શ્રમિક વિસ્તારથી લઈ ધારાસભ્યની ખુરશી સુધીનું અને એથી પણ આગળનું એમનું અનુભવવિશ્વ રહ્યું હશે. પ્રસ્તુત ત્રીજો અને અંતિમ પ્રકાશિત વાર્તાસંગ્રહ એક રીતે એમની પાછલાં વર્ષોની જીવનકથા સ્વરૂપ છે. એમના પતિના અવસાન બાદ વૈધવ્યની અને વાર્ધક્યની મનમાં ઘોળાતી છબીઓને આકારિત કરવાનું કામ આ સંગ્રહમાં થયું છે. બીજી તરફ પોતે સમાજસુધારક અને લોકસેવક રહ્યાં હતાં, એની પણ સહૃદય કણિકાઓ એમની વાર્તાઓમાં ઝિલાય છે. ત્રીજું કે એમાં સ્ત્રી સશક્તિકરણનો અવાજ સંભળાય એવી પણ વાર્તાઓ સામેલ છે. આ વૈધવ્ય-વાર્ધક્ય, સમાજની કેટલાક અંધારિયા ખૂણાઓ અને નારીચેતનાના સૂર ‘ચૂડલાકરમ’ની વાર્તાઓમાં નિઃશેષ સાંભળી શકાય. એમનું લેખનકાર્ય પણ વીસમી સદીના અંતિમ દસકામાં શરૂ થાય છે એટલે યુગની આબોહવા અને વાર્તાઓમાં ઝિલાયેલા પ્રશ્નોને ધ્યાને રાખતા તેમને ‘અનુ-આધુનિક યુગના વાર્તાકાર’ કહી શકાય.

ટૂંકીવાર્તા વિશે લેખિકાની સમજ :

ગુજરાતી દલિત સાહિત્યમાં, દલિત મહિલા વાર્તાકાર તરીકે ચંદ્રાબહેન શ્રીમાળીનું નામ અગ્રસ્થાને છે. ગુજરાતી દલિત ટૂંકી વાર્તાનું ખેડાણ નોંધપાત્ર છે. ચંદ્રાબહેન પાસે દલિત સમાજજીવનનો માતબર અનુભવ છે. તેઓ રાજપુરની શ્રમજીવી ચાલીમાં રહેલાં છે. તેમ ગુજરાત વિધાનસભામાં પણ ધારાસભ્યશ્રી તરીકે બિરાજમાન રહેલાં છે. ‘ચૂડલાકરમ’ વાર્તાસંગ્રહમાં દલિત મહિલા લેખિકાની કલમે દલિત સ્ત્રીજીવનની આંતરવેદના અભિવ્યક્ત થઈ છે. તેમાં પ્રામાણિકતા, પ્રતિબદ્ધતા અને સ્વાનુભવજન્ય વાસ્તવની વાર્તા વિશેષ છે. સંગ્રહની વાર્તાઓમાં મુખ્યત્વે લેખિકાનો નારીવાદી અભિગમ છે. દલિત નારીજીવનને સ્પર્શતા વિષયો અને દલિત નારીજીવનને યાતનાનું યથાર્થ આલેખન છે. સમાજની રૂઢિઓ સામે, કુરિવાજો અને રીતિરિવાજો સામે ક્યારેક વેધક વ્યંગ્ય, ક્યારેક મર્મભેદી કટાક્ષ તો ક્યારેક ઇનકાર. દલિત સ્ત્રીની કલમે દલિતજીવનની છબી અને ખાસ તો દલિત નારીનું જીવન, સભ્યતા, શોષણ, રીતરિવાજ, બોલી, લહેકા બધું આબેહૂબ આલેખાયું છે.

‘ચૂડલાકરમ’નો પરિચય :

Chudlakarm by Chandraben Shrimali - Book Cover.jpg

૧) ‘ચૂડલાકરમ’ : ‘ચૂડલાકરમ’ એટલે પતિના અવસાન બાદ સ્ત્રી વિધવા બને છે. મરણ પછી પતિના મૃતદેહને અગ્નિદાહ માટે સ્મશાનગૃહમાં લઈ જવામાં આવે છે. આ જ સમયે વિધવા બનેલી સ્ત્રીના હાથે પહેરેલી ચૂડીઓને બે પથ્થરો વચ્ચે હાથ મુકાવીને, ચૂડીઓ તોડી નાંખવાના સામાજિક વિધિને ‘ચૂડલાકરમ’ કહેવામાં આવે છે. હિન્દુ સમાજજીવનની આ સંસ્કારવિધિઓ મહદ્‌અંશે સ્ત્રીઓને સવિશેષ સ્પર્શે છે. વાર્તામાં સમાજનાં રીતિરિવાજ, બોલી, કુરિવાજો, રૂઢિઓ વગેરનું સૂક્ષ્મ નિરીક્ષણ કુશળતાથી વ્યક્ત થાય છે. વાર્તા ઘટનાપ્રધાન છે. ‘લઘુનવલ’ની શક્યતા ધરાવતો વાર્તાનો વિષય છે. દલિત સમાજની બોલીનો ભરપૂર ઉપયોગ... વૈણાજી, વૈણ, હાંજવણ, અડબોથ, હેવાતણ, ફદિયું, થેપાડું, ઘોઘરો વગેરે... વાર્તાનાં વિષયાનુરૂપ લેખિકાનું નારીસહજ સૂક્ષ્મ અવલોકન અને અભિવ્યક્તિ વાર્તામાં ભાર વિનાની લાગે છે. ૨) ‘ટાઢિયો તાવ’  : વાર્તાનાયિકા સ્નેહના સમંદરમાં સ્મૃતિનો તરાપો લઈ ઝૂલવાનો-ઝૂરવાનો આનંદ માણે છે. જિંદગીના અઢારમા વર્ષની મુગ્ધાવસ્થાની સ્મૃતિ; જિંદગીની ઢળતી સંધ્યાએ આડત્રીસ વર્ષ પછી વેલેન્ટાઈન-ડેના દિવસે તાજી થાય છે. પ્રથમ વ્યક્તિ એકવચન કથનકેન્દ્રથી આ વાર્તા નાયિકા ખુદ કહી રહી છે. લેખિકાનું આત્મકથન વાર્તાકથન પર હાવી થાય છે ત્યારે આ વાર્તા મટીને લેખિકાની આત્મકથાનો એક ભાગ બની રહે છે. સંગ્રહની ઘણી વાર્તાઓમાં આ દોષ જોઈ શકાય છે. ૩) ‘દીકરી... એટલે...’ વાર્તામાં દીકરી ‘દિવ્યા’ વિધવા છે અને વિધવા માતાનું મૃત્યુ થાય છે. દીકરાઓની સાથે દીકરીઓ પણ માતાના મૃતદેહને અગ્નિસંસ્કાર આપે છે. અહીં જાતીય સમાનતા અને સામાજિક સુધારાવાદ તરફનો સૂર ઉજાગર થાય છે. વાર્તામાં લેખિકાને નારીવાદ અભિપ્રેત છે. ૪) ‘પારૂલનાં પગલે પગલે’ : આ વાર્તામાં શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતા ભ્રષ્ટાચારની વાત છે. લેખિકા રાજકારણની માહેર છે. આંતરબાહ્ય રાજકારણના રંગોથી સંપ્રજ્ઞ છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓથી સંવિત છે. ‘પારૂલનાં પગલે પગલે’માં લાભશંકર નામના ભ્રષ્ટ રાજકારણીની નજર શિક્ષણને પણ કેવી આભડી જાય છે, તેનું નિરૂપણ છે. ભ્રષ્ટાચાર એ સાંપ્રતયુગની પ્રમુખ સમસ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓમાં જ્ઞાનગંગા વહેતી હતી તેના બદલે આજે વ્યાપારીકરણ જોવા મળે છે. તેનું મુખ્ય કારણ શિક્ષણકારણમાં રાજકારણ ભર્યું છે જેના કારણે પારૂલબહેન જેવી પવિત્ર અને કાર્યકુશળ શિક્ષિકાઓ ભોગ બને છે. સાંપ્રતયુગની ભ્રષ્ટ આબોહવાનું ચિત્રણ જોવા મળે છે. ૫) ‘દુર્ગા’ : ઈશ્વર આધીન, નસીબને, નિયતિને આધીન મુખ્ય પાત્ર દુર્ગા લેખિકાના મિજાજનું બદલાયેલું સ્વરૂપ છે. નાયિકા દુર્ગા લેખિકાના બદલાતા જીવન ચિંતનનું, કહો કે જીવનની વિભાવનાનું પ્રતીક છે. છેલ્લાં દસ વર્ષથી વૈધવ્ય અને વધતા વાર્ધક્યની બેવડી પીડાને વેંઢારનારી, હવે સાંઠે પહોંચેલી દુર્ગા એક નખશિખ સ્વમાની નારી છે. ૬) ‘ચપટી મોરસ’ : ગરીબ ઘરની ભણેલી વહુ રાધાને એનો પતિ ચૂંટણીમાં ઉમેદવારી કરાવવા પ્રેરે છે. સાસુની મહેચ્છા છે ‘વહુને ટિકિટ મળે, વહુ ચૂંટણીમાં જીતી જાય પછી, બસ ભયો. ભયો!’ ‘વઉ જીતી જશે તો આપણી પાછલી જિંદગી સુધરી જશે.’ આ વાત પણ લેખિકાના જીવનનો એક ભાગ હોય એવું પ્રતીત થાય. ગરીબ ખાનદાનની ભણેલી વહુ રાજકારણમાં ઝંપલાવે એ વાતમાં નારીસન્માન, નારીસ્વાતંત્ર્યનો સૂર સંભળાય. લેખિકા પોતે પણ રાજકારણમાં આમ જ જોડાયેલાં. સામાજિક મનોવિજ્ઞાનને આલેખતી આ વાર્તા સામાન્ય પ્રસંગકથન બની રહે છે. ૭) ‘દિશા’ : દારૂ નામના દૈત્યના દારુણ અત્યાચારનું ચિત્રણ. દારૂ પીધેલી હાલતમાં દિશાના પતિનું અકાળે અપમૃત્યુ થાય છે. પરિણામે દિશાને ‘ચૂડલાકરમ’ કરવાં પડે છે. દારૂના કારણે (સધવા) સિધવા દિશા દુઃખી હતી, પણ વિધવા દિશા ઊજળા ભાવિ તરફ તાકી રહી છે. મક્કમ બને છે. ૮) ‘ચબરખી’ : અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીઓને સ્કોલરશિપ મળે છે, એ વાતે આખી શૈક્ષણિક સંસ્થામાં કારણ વગરની ચર્ચા કરવામાં આવે છે એટલું જ નહિ, વર્ગમાં શિક્ષક ખુદ વિદ્યાર્થીઓને વર્ગભેદ સમજાવે છે. તેમ છતાં વર્ગમાં આ અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીઓ ભણવામાં – તેજસ્વિતામાં અગ્રેસર રહે છે. અહીં દલિતવાદનો ઢોલ મુખર થઈ વાગે છે. હજી લોકોના આંતરિક માનસમાં અસ્પૃશ્યતા વસેલી હશે એ સાચું પણ એક શૈક્ષણિક સંસ્થા આમ ખુલ્લી રીતે અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપે એ વાત બનાવટી અને હાસ્યાસ્પદ નીવડે છે. આ પ્રશ્ન એટલે થાય કે વાર્તાનો સમય આજનો અત્યારનો છે. મધ્યકાળનો નથી. વાર્તાકલાના ધોરણે પણ સામાન્ય વાર્તા છે. ૯) ‘મા! તમે રડો છો...’ : નાયિકા સરિતાની પ્રપોત્રી દાદીને રડતાં જુએ ત્યારે કહે છે, ‘મા! તમે રડો છો... અને સરિતા સ્મૃતિઓમાં સરી પડે છે. અહીં આત્મકથન સાવ મૂર્તસ્વરૂપે એની ઊંચાઈ સિદ્ધ કરે છે. વાર્તામાં વિધવા સરિતા પોતાની અને પતિના સંબંધો વિશે વાત કરતા વચ્ચે પોતાની ચણીબોર વાર્તાને સમકાલીન વાર્તાસ્પર્ધામાં ૭૦૦૦ રૂપિયાનું પ્રથમ ઇનામ મળે છે એવો પણ ઉલ્લેખ છે. એટલે વાચક પારખી શકે કે આ સરિતાના પાત્રમાં લેખિકા પોતે પોતાની આત્મકથા કરી રહ્યાં છે. ૧૦) ‘બસ, હવે બહુ થયું’ : વાર્તાની નાયિકા માનસી વિધવા છે. પોતાના પતિની પુણ્યતિથિએ માનસી એક તરફ પતિનું પુણ્યસ્મરણ કરે છે અને બીજી તરફ પરિવાર પ્રત્યેની ફરજો અને સામાજિક ઉત્તરદાયિત્વ વિશે પ્રતિબદ્ધ થાય છે. માનસી જાણે છે, ‘વિધવાને એકલા રહેવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે.’ પણ હવે એ ભૂતકાળ ભૂલી આગળ વધી જિંદગીનાં જે અરમાનો સેવ્યાં હતાં એ પૂર્ણ કરવા માંગે છે. એને મનસ્વી નહીં પણ યશસ્વી થવાની ચાહના છે. ઉપરાંત પોતે એક શબ્દસાધક છે. નારીચેતનાની હિમાયતી છે. સાહિત્યજગતમાં યશસ્વીની બનવાનાં તેને અરમાન છે. માનસીને દૃઢ વિશ્વાસ હતો કે, ‘સ્ત્રી શિક્ષિત હશે તો જ ભારતીય વિધવા નારીના મનમાં જડ નાંખી ચૂકેલી વરવી માનસિકતાના જાળામાંથી મુક્તિ મેળવી શકશે.’ તેથી જ નારીજીવનના સાફલ્યને મૂર્તિમંત કરી શકાય તેવા સાહિત્યનું સર્જન કરવાનો મક્કમ નિર્ધાર કરીને બેઠી છે. આમ, આ વાર્તાનાયિકા પાછળ લેખિકાનો જ મૂર્તિમંત ચહેરો જોઈ શકાય છે. જે વાર્તાકળા સંદર્ભે દોષ છે. જાતઅનુભવ હોય પણ એ વાર્તામાં ઓગળે નહિ ત્યારે આત્મકથન પ્રમુખ થઈ જાય છે.

ચંદ્રાબહેન શ્રીમાળીની વાર્તાકળા :

વાર્તાસંગ્રહની બે વાર્તાઓમાં ‘ચૂડલાકરમ’ સામાજિક સંસ્કારવિધિ આવે છે. તેમ જ સંગ્રહની અધિકતર વાર્તાઓમાં મૃત્યુના પ્રસંગો આવે છે. ક્યાંક પતિનું મૃત્યુ, ક્યાંક પિતાનું મૃત્યુ, ક્યાંક માતાનું મૃત્યુ. જન્મતિથિ હોય કે પુણ્યતિથિ હોય પણ સ્ત્રીના વૈધવ્યજીવનથી વેદના સતત પ્રગટતી રહે છે. અલબત્ત, લેખિકા નિજી કેફિયતમાં કહે છે, ... “સાત સાત વર્ષનાં વહાણાં વાઈ ગયાં પણ એ (વૈધવ્યના) કારમા વજ્રાઘાતની કળ હજુ વળી નથી... મૃત્યુના ઓળાઓએ મારી શબ્દયાત્રા ઉપર જે ઝંઝાવાતી આઘાતો પ્રત્યાઘાતો ઝીંક્યા છે એનું શબ્દસંધાન એટલે આ મારો ત્રીજો વાર્તાસંગ્રહ ‘ચૂડલાકરમ.’ એટલે જ પ્રસ્તુત સંગ્રહની વાર્તાઓ લેખિકાની આત્મકથનાત્મક સ્મરણકથાઓ જેવી છે! લેખિકાના પાછલા જીવનનો ચિતાર અહીં અનેક વાર્તાઓમાં છે. છતાં જીવનમાં અનુભવેલો સંઘર્ષ એમની વાર્તાની નાયિકાઓમાં મૂર્ત થાય છે. પોતે જે રીતે દલિત સમાજમાં ઊછરી ભણીને પગભર થયાં અને રાજનીતિ સુધી ઝંપલાવ્યું એ જીવનની ખુમારી અને શક્તિના મૂર્તિમંત રૂપો જેવાં નારીપાત્રો પણ છે, તથા પતિના મૃત્યુ પછી વૈધવ્યની કારમી પીડામાંથી પસાર થયાં એ વૈધવ્ય જીવનની પીડા ઓઢી જીવી રહેલાં નારીપાત્રો પણ છે. લેખિકાની નિજી છબી અહીં દરેક વાર્તામાં દેખાય. એટલે જ આ બધાં પાત્રો સર્જકની કઠપૂતળી માત્ર બની રહે છે. ટૂંકી વાર્તાને જે અપેક્ષિત છે એવું જીવંત ચરિત્રનિર્માણ કરવાની તક લેખિકા ચૂકે છે. આત્મકથાનો વિષય બળજબરીથી ટૂંકી વાર્તામાં બેસાડ્યો હોય એવું ચિત્ર પ્રગટે. એક માત્ર ‘ચૂડલાકરમ’ વાર્તા, વિષય અને વાર્તાકર્મને લઈ વિશેષ ધ્યાન ખેંચે છે. એમાં રહેલી ઘટના, પાત્રો, પરિવેશ અને ઉચિત ભાષાસંયોજન અસલી વાર્તાકારનો પરિચય કરાવવા સક્ષમ છે. બાકીની તમામ નવ વાર્તાઓ અત્યંત નબળી છે. છતાં અમુક વાર્તાઓની નાયિકાઓનાં મુખે મુકાયેલા સંવાદો બે પળ થંભાવી જરૂર દે. ઉદાહરણ રૂપ ‘ચપટી મોરસ’ વાર્તાના પૂરી ડોશી કહે છે; ‘બૈરાઓએ આખી જિંદગી ભાયડાઓની ગોંડગુલામી જ કરવાની? હવે એવું નઈ ચાલ. જમાનો બદલાયો સ. જમાના પરમાણે આપણે હેંડવું જોઈએ.’

ચંદ્રાબહેન શ્રીમાળીની વાર્તાઓ વિશે વિવેચકો :

“મૃત્યુનો માહોલ અને વૈધવ્યની વેદના આ સંગ્રહની વાર્તાઓનો વિષયવિશેષ રહ્યો છે. અનેકવિધ યાતનાથી રવરવતાં દલિત નારીપાત્રો છે. લેખિકાએ તમામ વાર્તાઓમાં જિવાતા જીવનની જીવંત ક્ષણોને ઝીલી છે. તેમ છતાં વાર્તાયાત્રાના પહેલા પડાવમાં (પ્રથમ વાર્તાસંગ્રહમાં) દૃઢતા અને સજ્જતા હતી, પરંતુ ત્રીજા પડાવમાં લેખિકા ઠીક ઠીક થાક અનુભવી રહ્યાં હોય તેમ જણાય છે. નારીપાત્રોમાં આવતી વારંવાર પુનરાવૃત્ત સ્મૃતિઓ અને પ્રસંગો બાદ કરતાં વાર્તાઓ વાચકના ચિત્તને જકડી રાખે છે. એમાં જ વાર્તાકારની સફળતા રહેલી છે.” – ભી. ન. વણકર (‘ચૂડલાકરમ’ બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાંથી)

આકાશ રણજિતસિંહ રાઠોડ
(Senior Research Fellow)
ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી
Email : rathodakash4040@gmail.com
મો. : ૮૨૦૦૫ ૮૩૩૯૭, ૯૫૫૮૫ ૨૬૦૦૬