ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ઉત્પલ ભાયાણી

From Ekatra Wiki
Revision as of 05:25, 28 December 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઉત્કટ પણ બળકટ નહીં
સમગ્રલક્ષી મૂલ્યાંકન :
વાર્તાકાર ઉત્પલ ભાયાણી

કિશન પટેલ

Utpal Bhayani 1.jpg

ગુજરાતી સાહિત્ય જગતમાં નાટ્ય સમીક્ષક અને રંગભૂમિના જાણતલ તરીકે ખ્યાતનામ બનેલા ઉત્પલ ભયાણી, એક અગ્રણી વાર્તાકાર, સંપાદક અને અનુવાદક પણ છે. ઉત્પલ ભાયાણીનો જન્મ ૧૦મી ઑક્ટોબર ૧૯૫૩ના રોજ કાલિકટ ખાતે થયો હતો. મૂળ વતન ભાવનગર જિલ્લાનું મહુવા ગામ. પિતા નામાંકિત ભાષાશાસ્ત્રી હરિવલ્લભ ભાયાણી અને માતા ચંદ્રકલાબહેન. બાળપણ અમદાવાદમાં વીત્યું. શાળામાં ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ શિક્ષક તેથી અનેક સાહિત્યકારોની અવરજવર થતી રહેતી. લેખકના કહેવા મુજબ એમના પર આ સમયે શરદ ગ્રંથાવલીનો ખાસ્સો પ્રભાવ પડ્યો હતો. આમ બાળપણથી જ સાહિત્યના સંસ્કારો સિંચાવા લાગેલા. પણ અનુસ્નાતક સુધીનો અભ્યાસ વાણિજ્ય શાખામાં કર્યો અને ત્યારબાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા. ૧૯૭૪માં મુંબઈ આવ્યા અને નાટ્ય કલામાં રસને કારણે ‘નવચેતન’, ‘જનશક્તિ’ અને ‘પ્રવાસી’ દૈનિકમાં નાટક વિશેની કૉલમો લખી. નટરંગ નામના દિલ્હીથી પ્રગટ થતા સામયિકમાં પણ નાટક વિશે લખ્યું. પરંતુ પહેલી વાર્તા તો ઇન્ટર કૉમર્સમાં હતા ત્યારે જ લખી નાખેલી. જે વાર્તા ‘નવચેતન’માં પ્રગટ થઈ હતી. તેનાથી તંત્રી ચાંપશીભાઈ ખાસ્સા પ્રભાવિત પણ થયા હતા. આમ ઇન્ટર કૉમર્સથી શરૂ થયેલી એમની આ વાર્તાયાત્રા જીવનના અંતિમ સમય સુધી અવિરત ચાલુ રહી. આ યાત્રાના પરિણામરૂપે ઉત્પલ ભાયાણી પાસેથી કુલ ચાર વાર્તાસંગ્રહ પ્રાપ્ત થાય છે. ૧. ‘નિમજ્જન’, પહેલી આવૃત્તિ (૧૯૭૮), ૨. ‘હલો’, પહેલી આવૃત્તિ (૧૯૮૩), ૩. ‘ખતવણી’, પહેલી આવૃત્તિ (૧૯૯૫), બીજી આવૃત્તિ (૧૯૯૭), ત્રીજી આવૃત્તિ (૨૦૦૩), ૪. ‘વહી-વટ’, પહેલી આવૃત્તિ (૨૦૦૮). ચાર વાર્તાસંગ્રહમાં કુલ સિત્તેર જેટલી વાર્તાઓ સમાવિષ્ટ છે. એ ઉપરાંત ૧૯ જેટલી અગ્રંથસ્થ વાર્તાઓ ૨૦૧૯માં ઇમેજ પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત અને કલ્યાણી ભાયાણી સંકલિત ‘ઉત્પલ ભાયાણીનું વાર્તાવિશ્વ’ નામના ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. આમ કુલ ૮૯ જેટલી વાર્તાઓ ઉત્પલ ભાયાણી પાસેથી પ્રાપ્ત થાય છે. વાર્તાકારને એમના વાર્તાસંગ્રહ ‘ખતવણી’ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. ગુજરાતી ટૂંકી વાર્તા ક્ષેત્રે જ્યારે એક તરફ સુરેશ જોષીની વાર્તાકલા વિભાવના પ્રેરિત વાર્તાઓ પરંપરાથી છેડો ફાડીને પોતાનું એક અલગ વિશ્વ રચી રહી હતી. ત્યારે જ બીજી તરફ ચંદ્રકાંત બક્ષી, રઘુવીર ચૌધરી, ઈવા ડેવ, ઘનશ્યામ દેસાઈ વગેરે વાર્તાકારોની વાર્તાઓ પરંપરાના છેડાને પકડી અને ક્યાંક ક્યાંક પ્રયોગશીલતાને પણ સાથે રાખી પોતાની નિજી મુદ્રા પ્રગટાવી રહી હતી. સાતમો-આઠમો દાયકો આવતાં સુધીમાં આ વાર્તાકારોની યાદીમાં ધીરુભાઈ ઠાકર કહે છે એમ ભૂપેશ અધ્વર્યુ, ઉત્પલ ભાયાણી, સત્યજિત શર્મા વગેરે વાર્તાકારો ઉમેરાય છે (અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસ રેખા-૫). સાતમા દાયકમાં પોતાનો પહેલો વાર્તાસંગ્રહ લઈને આવતા ઉત્પલ ભાયાણીની વાર્તાઓ અંગે વિના સંકોચે કહી શકાય કે આ વાર્તાઓ એના ક્લેવરના સંદર્ભે આંશિક રીતે જુદી દેખાઈ આવે છે. પોતાને પરંપરાનો વાર્તાકાર કહેતા ઉત્પલ ભાયાણીની વાર્તાઓ સંપૂર્ણપણે પરંપરા કે પ્રયોગ આ બંનેમાંથી એકપણ ખાનામાં મૂકી શકાય એમ નથી. અહી આધુનિક વાર્તાઓમાં જોવા મળતી ટેક્‌નિક, પ્રતીક, કલ્પન વગેરેની પ્રચુરતા નથી પણ વિષયો તો અહીં પણ તત્કાલીન આધુનિક વાર્તા જેવા જ જોવા મળે છે. નગરચેતના મધ્યે જીવતો માનવી, સ્ત્રી-પુરુષ જાતીય સંબંધો અને એને કારણે સ્ત્રી-પુરુષ સંબંધોમાં આવેલી વિષમતા વિવિધ રૂપે આ વાર્તાઓમાં જોવા મળે છે. આ (નિમજ્જન)સંગ્રહની મોટાભાગની વાર્તાઓના મૂળમાં પ્રમુખ અને ગૌણપણે સ્ત્રી-પુરુષ સંબંધમીમાંસા છે. એ ઉપરાંત નીતિ-અનીતિની ભૂંસાતી સીમાઓ, ઘણું પામવાની લાલસાએ સંબંધોમાં ઊભા થયેલા ગૂંચવાડા અને નગર જીવનને કારણે જન્મેલી આંતરિક અરાજકતા મુખ્ય છે. આ સંગ્રહની આસ્વાદ્ય કહી શકાય એવી વાર્તાઓ ‘નિરીક્ષક’, ‘ચક્ર’, ‘ભેટ’, ‘વાર્તાનો અંત’ અને ‘રંગભેદ’ છે. ‘ચક્ર’ અને ‘વાર્તાનો અંત’ સ્ત્રી-પુરુષ સંબંધમીમાંસા વિશેની પ્રતિનિધિ વાર્તાઓ છે. ‘ચક્ર’ વાર્તામાં, શેઠ પ્રિતમલાલની પહેલી પત્નીનું અવસાન થઈ ગયું છે. શેઠ અનાથાશ્રમમાંની છાયા નામની એક યુવતીને બીજી પત્ની બનાવે છે. પ્રિતમલાલની દીકરી માંદગીને કારણે પતિ અમર સાથે પિતાને ત્યાં જ રહે છે. અમર પોતાના સંબંધથી કંટાળી ગયો છે. અમર અને છાયા બંને સમદુઃખિયા છે. અમર છાયા સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે. અમર કહે છે, ‘તું જાતે આ પીઢ પુરુષને પરણી છે? તને તો મારા જેવો યુવાન પણ સ્વીકારત.’ ત્યારે છાયા કહે છે કે, ‘સ્વીકારાઈ પણ છું અને તરછોડાઈ પણ છું.’ અહીંથી છાયાના ભૂતકાળનાં દર્શન થાય છે. અને અંતે ભાવહીન બનતો જતો છાયાનો ચહેરો એના આંતરિક જીવનના ગૂંચવાડાને સારી ઢબે વ્યક્ત કરે છે. ‘વાર્તાનો અંત’ વાર્તામાં સન્નિધિકરણી પ્રયુક્તિનો સફળતાપૂર્વક પ્રયોગ થયો છે. પ્રિતમરાયને વાર્તાનો અંત મળતો નથી. પત્ની સુશિલાને અંત માટે મદદ કરવા વાર્તા વાંચવા આપી છે. અચાનક થોડાક સમય પછી પત્નીની કારમી ચીસ સંભળાય છે. અંત વગરની વાર્તા પલંગ નીચે પડી મળે છે. આમ આડકતરી રીતે સુશિલા વાર્તાનો અંત સૂચવી જાય છે. ‘અંજલિ’ નામની વાર્તામાં પણ આ પ્રયુક્તિનો ઉપયોગ થયો છે. ‘ભેટ’ વાર્તા મહાનગરના મધ્યમવર્ગી માનવની વાત કરે છે. એકવિધ જીવન જીવતો હિંમતલાલ તેના આસપાસના જીવનમાં આવેલાં પરિવર્તનો સાથે મેળ પાડી શકતો નથી. બદલાયેલી યુવાન પેઢી, નગરમાં થતું આંદોલન એને અજૂગતું લાગે છે. પણ ઑફિસ જતાં આ જ આંદોલનમાં ફસાયા પછી અચાનક એને હાથ લાગે છે સફેદ ઝભ્ભો. આ ભેટને કારણે બીજા દિવસે સવારેએ નારા બોલાવનારાઓના ટોળામાં જોવા મળે છે. એક નાની ભૌતિક વસ્તુ કોઈ વ્યક્તિ માટે આટલી મહત્ત્વની કેમ? આવું આ પહેલાં તો નહોતું. માનવજીવનમાં આવેલી અરાજકતાનું આ વાર્તા સુંદર ઉદાહરણ છે. પરંતુ ‘નિરીક્ષક’ આ સંગ્રહની સૌથી વિશિષ્ટ વાર્તા સાબિત થઈ છે. વૃદ્ધ હસમુખલાલ તેના ઘરમાં ચોરી કરવા આવેલા ચોરને માત્ર નિહાળતો રહે છે. ‘જે લીધું હોય તે આપણે શું’ પોતાની આ ફિલસૂફીથી પોતે પણ આશ્ચર્ય પામે છે. હસમુખલાલની રસવિહીનતા વાચકને વિચારતા કરી દે છે. Walter Benjamin દ્વારા યોજાયેલી સંજ્ઞા Flaneurને આધારે આ વાર્તાનો સ્વતંત્ર અભ્યાસ કરી શકાય. હસમુખલાલનું પાત્ર Flaneur પ્રકારનું પાત્ર છે. જે પોતાની આસપાસ બનતી ઘટનાનો માત્ર નિરીક્ષક છે, પણ એ ઘટનામાં એની સામેલગીરી શૂન્યમાત્ર છે. મોટાભાગની વાર્તામાં ચમત્કૃતિભરી શરૂઆત, ચોટદાર અંત અને લાઘવ કોઈપણ સામાન્ય ભાવકને તરત આકર્ષે પણ સૂક્ષ્મતાથી જોતાં આ લક્ષણો વાર્તાને ઉપકારક નીવડતાં નથી. કારણ કે, મોટાભાગની વાર્તાઓમાં જે પ્રમુખ મર્યાદા છે તે એનું ટૂંકાણ. યોગ્ય પ્રસ્તાર ન પામતાં ઘટના માત્ર સપાટીના સ્તરે રહી જાય છે. આ મર્યાદાને એમની કેફિયતના આ વિધાન સાથે સહેલાઈથી જોડી શકાય. તેઓ કહે છે કે, ‘કૉલમ લખવાની કેળવાયેલી શિસ્ત હવે કોઈપણ પ્રકારના લેખનમાં ઘૂસી ગઈ છે.’ અને આ સંગ્રહની ભાષા સિતાંશુ યશશ્ચંદ્રના કહેવા પ્રમાણે છાપાળવી માલૂમ પડે છે એ વાતનો સહજ સ્વીકાર પણ લેખક પોતાની કેફિયતમાં કરે છે. બીજો વાર્તાસંગ્રહ (‘હલો’) પાંચ વર્ષના અંતરે પ્રગટ થાય છે. અહીં પણ પ્રથમ સંગ્રહમાં ખેડાઈ ચૂકેલા વિષયો જ પ્રમુખ છે. પરંતુ આ સંગ્રહની વાર્તાઓમાં ટ્રેજી કૉમેડી પ્રકારની અને બ્લેક હ્યુમરના છાંટવાળી વાર્તાઓ નવીન પ્રકારની વાર્તાઓ છે. જેમાં ‘શહીદ’, ‘મિજબાની’ નોંધપાત્ર છે. એ ઉપરાંત ‘ઋણ અને અનુબંધ’, ‘મોક્ષ’ અને ‘દંતકથા’ જેવી વાર્તાઓમાં લેખકની વાર્તા સિદ્ધ કરવાની મથામણ નજરે ચડે છે. ‘મિજબાની’માં વૃક્ષ નીચે બેઠેલો જીવ, ચિન્નપા અને કાળિયો કૂતરો આ ત્રણેય વડે સામાજિક વાસ્તવનું કળાકીય ચિત્ર ખડું કરવામાં વાર્તાકાર સફળ થયા છે. સંવાદોની કંજુસાઈમાં માનતા વાર્તાકાર સંવાદો સાથે પ્રયોગ કરી ‘ઋણ અને અનુબંધ’ નામની વાર્તાને વિશેષ ઘાટ આપી શક્યા છે. ‘મોક્ષ’ વાર્તામાં પતિથી અસંતુષ્ટ પત્નીની, શરીરથી આકર્ષક દિયર પ્રત્યેના Fetish કહી શકાય એ પ્રકારના સંબંધની વાત છે. એક સામાન્ય લક્ષણ તરીકે ટૂંકી વાર્તામાં કોઈપણ એક જ પાત્ર મધ્યમાં હોય છે ને વાર્તાકાર જો એ પાત્રને પણ બરાબર ન્યાય ન આપી શકે તો વાર્તા પહેલા વાચને ભલે આકર્ષક લાગે પણ એનું દીર્ઘમૂલ્ય હોતું નથી. આ વાર્તાની જેમ આ સંગ્રહની મોટાભાગની વાર્તામાં આવું જ કંઈક બન્યું છે. આ સંગ્રહની ઘણી વાર્તાઓ પ્રકાશિત કરવાથી ટાળી શકાઈ હોત એવી છે. પ્રસ્તાવનામાં વાર્તાકાર જણાવે છે કે, ‘બધી જ વાર્તાઓ એટલી બળકટ નથી. કેટલીક વાર્તાઓ મેં ન છૂટકે સંરક્ષણ આપી બચાવી લીધી છે.’ આ બચાવી લેવાની પ્રક્રિયાને લેખક સર્જકતા પર તોળાતા જોખમને નિવારવા અનિવાર્ય માને છે. પણ તેમની આ પ્રક્રિયાને કારણે કોઈ નક્કર પરિણામ મળતાં નથી.’ નવમા દાયકામાં ત્રીજો સંગ્રહ (‘ખતવણી’) પ્રકાશિત થાય છે ત્યારે ગુજરાતી ટૂંકી વાર્તાનો ચહેરો ઘણો ખરો બદલાઈ ચૂક્યો હતો. ‘પરિષ્કૃતિ’ નામનું આંદોલન સક્રિય હતું. પણ આ સંગ્રહની વાર્તાઓ કોઈપણ પ્રકારના અભિનિવેશથી મુક્ત રહીને લખાયેલી વાર્તાઓ છે. આ સંગ્રહ વાર્તાકારનો બીજા સંગ્રહોની તુલનાએ વધુ નોંધપાત્ર સંગ્રહ ભલે રહ્યો હોય પણ તેઓ પોતાની ભૂતકાળની મર્યાદાઓને ઠેકી શક્યા નથી. ‘પ્રેમીઓ’, ‘કિસનલાલનો એક છબરડો’, ‘નારાયણ! નારાયણ!’, ‘ખતવણી’ જેવી વાર્તા ધ્યાનપાત્ર બની છે. ‘પ્રેમીઓ’ વાર્તામાં પ્રણયત્રિકોણ નહીં પણ એનો આભાસ રચાયો છે. સંદિગ્ધ છતાં વાર્તા વાચકને જકડી રાખે છે. ‘કિસાનલાલનો છબરડો’ વ્યંગનો સારો નમૂનો બની શકી છે. ‘કૂતરાને પ્રવેશવાની મનાઈ છે’ એમ કહી કિસાનલાલ નેતાજીના નિકટના સાથી મોતીરામને પ્રવેશવા દેતા નથી. ‘થયા કરે મોતીરામ જાહેર જીવન છે’ આવો નેતાજીનો પ્રતિભાવ મોતીરામ માટે અત્યંત આઘાતજનક નીવડે છે અને અંતે મોતીરામને સાંકેતિક રીતે કૂતરામાં વટલાઈ ગયેલો બતાવાયો છે. અહીં પાત્રનું નામ પણ સાંકેતિક બની રહે છે. ઈશ્વર પેટલીકરની લોહીની સગાઈ વાર્તાનું સ્મરણ થઈ આવે. ‘અમર દોશી શું કરે?’માં અમર દોશી પત્નીને મિત્ર સાથે શય્યાસુખ માણતા પકડી લે છે. આ દૃશ્ય જોયા પછી અમર દોશીની અવસ્થા સાવ અસહાય બની રહે છે. ઑફિસથી દોડતો જેમ ઘરે આવ્યો હતો એ જ ગતિએ પ્રતિક્રિયા વગર જ અમર ફરી ઑફિસે પહોંચી જાય છે. વાર્તાકાર વર્તમાનપત્રમાં આવેલા સમાચાર સાથે વાસ્તવિકતાનું સન્નિધિકરણ સાધે છે. સમાચારમાં તો પતિ રિવોલ્વર કાઢી શક્યો છે પણ અમર દોશી નહીં. આ પાત્ર પણ અગાઉ કહ્યું એમ પોતાની આસપાસ બનતી ઘટનાના સંદર્ભે માત્ર નિરીક્ષક બનીને રહી જાય છે. ‘નારાયણ! નારાયણ!’માં આધુનિક માનવીના વ્યસ્ત બનેલા જીવનને ભલે થોડી અતિશયોક્તિ સાથે પણ સુંદર રીતે દર્શાવી શકાયું છે. વાર્તામાં અંતે વરદાન આપવામાં નિઃસહાય ભગવાન જ્યારે મનુષ્ય અને ભગવાન વચ્ચેનો ભેદ સમજાવા માંડે છે ત્યારે રસિકલાલનાં નસકોરાં સંભળાય છે. કાલે રવિવાર પણ ન’તો એટલે ઉજાગરો પરવડે એમ ન’તો. માનવજીવનનાં આ વિડંબનને વાર્તાકાર ટ્રેજી-કૉમેડીની અસરથી રજૂ કરે છે. ‘ખતવણી’ સંગ્રહની સૌથી વિશિષ્ટ વાર્તા બની શકી છે. રસ્તામાં ભિખારણને પૈસા આપવા જતાં વાડીલાલને ભિખારણની ખુલ્લી છાતીનો સ્પર્શ થાય છે. ઘરે આવી હિસાબના ચોપડામાં નોંધતી વખતે એ રકમ કયા ખાતે ઉધારવી એ મૂંઝવણ, માનવમનની સંકુલતાનું નિરૂપણ કરે છે. આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં અગાઉના સંગ્રહમાં ન પમાયેલી એવી એક સંભાવના રહેલી છે તે આ વાર્તાની નાટ્યાત્મક ક્ષણો. તેને કારણે વાર્તાઓ દૃશ્યાત્મક બની શકી છે. ‘અમર દોશી શું કરે?’, ‘દિવાસ્વપ્ન’, ‘દ્વંદ્વ’ વગેરે એનાં ઉદાહરણ છે. આ વાર્તાઓમાં એકાંકી નાટ્યસ્વરૂપની ઘણી શક્યતાઓ ગર્ભિત પમાય છે. યાદ કરીએ તો જયંતિ દલાલને પણ એકાંકી અને ટૂંકી વાર્તા આ બંને સ્વરૂપ વચ્ચે સામ્યતા દેખાઈ છે. (‘ઉત્તરા’ની પ્રસ્તાવના) ‘નિમજ્જન’થી ‘ખતવણી’ સુધી કોઈપણ અભિનિવેશથી મુક્ત રહેલ વાર્તાકાર ૧૯૯૫માં ઘટનાને કારણે જ વાર્તા બનતી હોય એવી વાર્તાઓનો આખ્ખો એક સંગ્રહ લખવાનો સંકલ્પ કરે છે. પણ એ સંકલ્પ ત્રણ વાર્તાથી(ઘટનાપ્રધાન નવલિકા-૧, ઘટનાપ્રધાન નવલિકા-૨, ઘટનાપ્રધાન નવલિકા-૩) આગળ વધતો નથી. અને એ ત્રણેયમાંથી એકાદ જ વાર્તામાં એ સંકલ્પ ક્યાંક સફળ થયેલો માલૂમ પડે છે. આ વાર્તાઓ સાથે કુલ બાર જેટલી વાર્તાઓનો ચોથો સંગ્રહ ‘વહી-વટ’ ૨૦૦૮માં પ્રકાશિત થાય છે. ‘ઘટનાપ્રધાન નવલિકા-૧ અને ૨’ બંને વાર્તાની ગૂંથણી વાચકના મનમાં વાર્તા વાંચતાં વાંચતાં વિસ્મય જન્માવે છે. પણ આ બંને વાર્તાની ઘટના પ્રતીતિકર લાગતી નથી. એક યુવક અચાનક એક વૃદ્ધાના ઘરે આવે, હીંચકે બેસે, ચા પીવે, એક પત્રોનું બંડલ લઈ જાય. ટ્રેન અકસ્માતમાં એનું અવસાન થાય. બીજે દિવસે એની પુત્રી આવે અને કબાટ જોઈને ખબર પડે કે એ કાલે આવેલો. વાર્તાકાર વાર્તા કહેતો હોય છે. આમ ઘટના અને ભાવકની મધ્યમાં હોય છે વાર્તાકાર. પણ વાર્તાકારનો વાર્તા ચલાવ્યાનો આયાસ, એની નિશાની દેખાવી જોઈએ નહીં. આ બંને વાર્તાની સરખામણીમાં ઘટના પ્રધાન નવલિકા-૩નું દૃશ્યાત્મક ચિત્રણ વધુ સંતર્પક નીવડે છે. હરિલાલની ઘરેથી ભાગેલી દીકરી બગીચામાં એક છોકરા સાથે સંવવન કરતી હોય છે. ત્યાં કેટલાંક મવાલીઓની નજરમાં તે આવે છે. મવાલીઓ શિક્ષક હરિલાલને ઓળખી જાય છે. ત્યારે હરિલાલને એના શિક્ષક હોવાનો આટલો આનંદ આથી પહેલાં ક્યારે નહોતો આવ્યો. પણ એક જ પાત્ર હરિલાલની બે ભૂમિકા – શિક્ષક અને પિતાની. શિક્ષક(વિદ્યાર્થીઓને) અને પિતા(દીકરીને) બંને ભૂમિકામાં એ કંટ્રોલ કરવામાં નિષ્ફળ ગયો છે. આ ઉપરાંત ‘કંપની’, ‘ડર’, ‘ગેઇમ’, ‘ફુરસદ’ જેવી વાર્તાઓ આસ્વાદ્ય બની શકી છે. ‘કંપની’ વાર્તા એના પરિવેશને કારણે ચોટદાર બની છે. પરિવેશને કારણે કંપની શબ્દના અર્થમાં ઊભો થતો વિરોધાભાસ વાર્તાને વિશેષ બનાવે છે. આમ પરિવેશ અને અર્થના વિરોધાભાસને કારણે વિશેષ બનતી આ જ પ્રકારની બીજી વાર્તા છે ‘ગેઇમ’. આ બંને વાર્તાને પરિવેશ ઘટકતત્ત્વના સંદર્ભે સ્વતંત્રપણે મૂલવવી રહી. ‘ડર’માં કાંતિલાલના મનમાં જન્મેલો પોલીસનો ડર એને કારણે ઈશ્વર અને પોલીસ બંને પ્રત્યેના જન્મેલા સમાન શરણાગતિ ભાવથી આખી વાર્તા આધુનિક માનવની સત્તા પ્રત્યેની લાચારીનો ઉત્તમ નમૂનો બની છે. ‘ફુરસદ’ વાર્તામાં નિવૃત્ત વૃદ્ધ મનુભાઈ પ્રોગ્રામ કેન્સલ થતાં સાવ નવરા થઈ જાય છે. ચારે તરફ હવે ફુરસદ જ હતી. આ વાર્તાનો આ ખાલીપો આપણને સ્પર્શી જાય છે. આ સંગ્રહમાં(ખરેખર તો ચારેય સંગ્રહમાં) વાર્તાકારનું મહાનગરનાં વૃદ્ધ પાત્રો પ્રત્યેનું આકર્ષણ ‘હરિલાલ’, ‘કાન્તાબહેન’, ‘પાર્વતીબહેન’, ‘લતાબહેન’, ‘મનુભાઈ’માં દેખાઈ આવે છે. આ સિવાયની અગ્રંસ્થ વાર્તાઓમાં ‘નસીબની શિલા’ વાર્તા થોડી અલગ જણાય છે. ‘શિલા’ અને ‘શીલા’ નામની રમતને કારણે થોડી ધ્યાનપાત્ર બની છે. જોકે આ ભેદ પણ વાર્તાકાર પોતે જ અંતમાં ખોલી આપે છે. વાર્તાકાર ઉત્પલ ભાયાણીની ખતવણી કરીએ તો, સ્ત્રી-પુરુષ સંબંધ અને પરંપરાગત દાંપત્ય જીવન અંગેના માળખા સામે પડકાર, ખાસ કરીને મહાનગરના વૃદ્ધોનાં ચિત્રો, એ ઉપરાંત મધ્યમ વર્ગનો સામાન્ય માનવ જે કેટલાક અંશે પોતાના જ વર્તન અંગે અસભાન છે, આવા કેટલાંક વિશ્વો ઉત્પલ ભાયાણીની વાર્તાના વિશેષો છે. ‘નિરીક્ષક’, ‘વાર્તાનો અંત’, ‘મિજબાની’, ‘ઘટના પ્રધાન નવલિકા-૩’, ‘ગેઇમ’, ‘અમર દોશી શું કરે?’ જેવી કેટલીક વાર્તાઓની, આંશિક મર્યાદા સાથે પણ નોંધ લેવી આવશ્યક બની રહે છે. વાર્તાકાર લક્ષ્યવેધી હોય છે. પણ ચોક્કસ અંતરે ઊભા રહીને એણે લક્ષ્ય વીંધવાનું હોય છે. ઉત્પલ ભયાણી આ બીજી શરત ચૂકી જાય છે. મોહનલાલ પટેલ કહે છે, ‘...જે ઘટના માનવીના ચિત્તને ક્ષુબ્ધ કરી વિસ્તારી ન શકે એ ઘટના વાર્તા માટે નકામી.’ અહીં આવું થવાનું મુખ્ય કારણ યોગ્ય પ્રસ્તારનો અભાવ છે. વાર્તા કહેવાની વક્રતા, ટૂંકાણ અને નાટ્યાત્મકતાને કારણે વાચકને રસકીય અનુભવ તો થાય છે પણ રૂપકીય દૃષ્ટિએ તપાસીએ તો વાત અને વાર્તા વચ્ચે ભેદ પમાતો નથી. આ વાર્તાઓમાં ઉત્કટતા(passion) છે પણ બળકટતા નથી. તેથી વાર્તાની દીર્ઘમૂલ્યતા ઝાઝી નથી. વાર્તાકાર પહેલા સંગ્રહની પ્રસ્તાવનામાં કહે છે, ‘...આ અભિવ્યક્તિ પણ પછીથી ભ્રાંતિ લાગવાની શક્યતા નકારી ન શકાય.’ આમ વાર્તાકારની આ શક્યતા ઘણા અંશે સત્ય પુરવાર થઈ છે.

સંદર્ભસૂચિ :

૧. ‘ઉત્પલ ભાયાણીનું વાર્તાવિશ્વ’, સં. કલ્યાણી ભાયાણી
૨. ‘ટૂંકી વાર્તા અને હું’, સં. હર્ષદ ત્રિવેદી
૩. ‘ટૂંકી વાર્તા’, વિજય શાસ્ત્રી(સુમન શાહ સંપાદિત સાહિત્ય સ્વરૂપ પરિચય શ્રેણી)
૪. ‘ટૂંકી વાર્તા : ઘટના સંદર્ભે’ – મોહનલાલ પટેલ (‘પરબ’. ૧૯૭૮ : જુલાઈ, અંક : ૭)
૫. ‘ખતવણીની મુલવણી’ – રાજેન્દ્ર માંડલિયા(‘દસમો દાયકો’ ૧૯૯૫ : જુલાઈ-ડિસેમ્બર, અંક : ૧૯–૨૦)
૬. ‘વાચનવ્યાપાર’, લે. જયેશ ભોગાયતા

કિશન પટેલ
કવિ, વિવેચક
આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ગુજરાતી
એન. એસ. પટેલ આટ્‌ર્સ (ઓટોનોમસ) કૉલેજ,
આણંદ
મો. ૮૪૬૯૬ ૪૬૭૩૮,
E-mail : pakishan87@gmail.com