ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/બિંદુ ભટ્ટ

From Ekatra Wiki
Revision as of 04:42, 29 December 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બિંદુ ભટ્ટ
‘બાંધણી’ વાર્તાસંગ્રહ

આરતી સોલંકી

Bindu Bhatt 06.png

વાર્તાકારનો પરિચય :
પૂરું નામ : બિંદુ ગિરધરલાલ ભટ્ટ
જન્મતારીખ : ૧૮ સપ્ટેમ્બર ૧૯૫૪
જન્મસ્થળ : જોધપુર (રાજસ્થાન)
અભ્યાસ : અનુસ્નાતક અને પીએચ.ડી.
વ્યવસાય : લેખિકા, અધ્યાપક

સાહિત્યસર્જન :

બિંદુ ભટ્ટ પાસેથી ‘મીરા યાજ્ઞિકની ડાયરી’ અને ‘અખેપાતર’ નામે નવલકથા, ‘બાંધણી’ નામે વાર્તાસંગ્રહ ઉપરાંત અનેક સંપાદનો અને અનુવાદો મળી આવે છે.

વાર્તાકારનો યુગસંદર્ભ :

બિંદુ ભટ્ટ એ અનુઆધુનિક યુગનાં વાર્તાકાર છે. તેમની વાર્તાઓમાં સાંપ્રત સમયની નારીની વાસ્તવિક છબી વ્યક્ત થઈ છે.

ટૂંકીવાર્તા વિશે બિંદુ ભટ્ટની સમજ :

બિંદુ ભટ્ટ ટૂંકીવાર્તાના સ્વરૂપને સમજીને લખનારાં વાર્તાકાર છે માટે તેમની વાર્તાઓ અનેક શક્યતાઓ છોડીને ભાવકને વિચારતા કરી મૂકે છે.

બિંદુ ભટ્ટની વાર્તાકળા :

બિંદુ ભટ્ટ પાસેથી આપણને ‘બાંધણી’ નામે વાર્તાસંગ્રહ મળે છે. આ સંગ્રહમાં કુલ ૧૨ વાર્તાઓ છે. આ સંગ્રહની કેટલીક વાર્તાઓ નારીશોષણની વાત કરે છે પરંતુ અહીં નારીવાદનો પડઘો જુદી રીતે પડે છે. બાંધણી એ બિંદુ ભટ્ટનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં નારી સંવેદન કેન્દ્રમાં છે. અહીં કોઈ કુટુંબથી, સમાજથી તો કોઈ પોતાના નસીબજોગે જ પીડાય છે. અહીં આલેખાયેલા દરેક નારીપાત્રમાં કોઈ પોતપોતાની રીતે અન્યાયભરી સ્થિતિમાંથી મુક્ત થવાનો માર્ગ શોધે છે તો કોઈ એ સંઘર્ષ વેઠીને જ જીવે છે એની કથા આ સંગ્રહમાં છે.

Bandhani Cover page.jpg

આ સંગ્રહની પ્રથમ વાર્તા છે ‘દહેશત’. આ વાર્તાની નાયિકા વર્ષા પરણીને સાસરે આવે છે ત્યારે સસરાની લોલુપતા પામી જાય છે, પણ આ અંગે તે સ્પષ્ટ નથી. પરંતુ સસરાની દ્વિઅર્થી વાણી અને વર્તન તેનામાં ભય તો જન્માવે જ છે. આ કહેવાય નહિ અને સહેવાય નહિ એવી સ્થિતિમાંથી રસ્તો કેવી રીતે કરવો તે અંગે તે વિચાર કરે છે. ઘડીક મનમાં એવું પણ થાય છે કે બાપ ઠેકાણે જે સસરા છે તેના વિશે એવું કેમ વિચારી શકે? પરંતુ જ્યારે તે હનીમૂન પરથી આવે છે ત્યારે રસિકલાલની હરકતોથી તે સમસમી ઊઠે છે. અહીં શરૂઆતમાં નાયિકા મનમાં વિચારે છે કે પોતે શું કરશે? પરંતુ જ્યારે તે તેના સસરાની હકીકત જાણે છે ત્યારે કોઈની પણ શરમ રાખ્યા વિના તે સસરાને રોકડું સંભળાવી દે છે કે હું નિમેષને આ બધું જ કહી દઈશ. મારાથી હવે સહન નહિ થાય. ને રસિકલાલને દવાખાનેથી પાછા લઈને આવે છે તે દરમિયાન જ તેને લકવા થઈ જાય છે. વાર્તાનું શીર્ષક પણ અહીં સાર્થક થાય છે. અહીં અત્યાચારોને સહન કરનારી નહિ પણ અન્યાય સામે વિદ્રોહ કરનારી નાયિકા છે. ‘બાંધણી’ વાર્તામાં નાયિકા સુધા અને એનાં સાસુ નિયતિ દીધા દુઃખે સંતપ્ત છે. સાસુ પુત્રમૃત્યુની પીડાને હૃદયમાં દબાવી પુત્રવધૂના દુઃખને હળવું કરવા મથે છે. સમાજની પરવા કર્યા વિના તેઓ સુધાને રંગીન કપડાં પહેરાવે છે. સુધાને ગમતા રંગની બાંધણી પહેરવા પ્રેરે છે. પોતાનો આધાર ગુમાવી બેઠેલાં બા સુધાના ઘા ભરવાનો પ્રયત્ન કર્યા કરે છે. સુધા પણ પતિની સ્મૃતિઓથી મુક્ત થવા મથે છે. બન્ને સમદુઃખી સ્ત્રીઓ એકમેકનો આધાર બનવા પ્રયત્ન કરે છે. એક દિવસ સુધા પોતાને ગમતા રંગની બાંધણી લાવીને સાસુને બતાવે છે ત્યારે તેમને ત્યાં કામ કરતી ચંચળ બોલી ઊઠે છે, ‘હેં, બા... ભાભીને આ રંગ પેરાય?’ આ સાંભળી સુધા ત્યાંથી જતી રહે છે અને બા ચંચળને ઠપકો આપે છે. અને કહે છે : “મને ઈ કે કૈ ધણી હોય ઈ હારું કે ધણીનો પ્રેમ?” ચંચળનો વર એને ઘણું દુઃખ આપે છે પણ એને આશ્વાસન છે કે એનો વર જીવે છે તેથી પોતે સારું પહેરી-ઓઢી તો શકે છે! આ પછી ચંચળના વરે આપઘાત કર્યાની ઘટના ઘટે છે ત્યારે પહેરવા ઓઢવાની શોખીન ચંચળ વિધવાના વેશમાં કેવી લાગતી હશે એની કલ્પના સુધાને કમકમાવી મૂકે છે અને એને સાસુની હિંમત સમજાય છે. આ પછી વિધવા ચંચળ તેમને મળવા આવે છે ત્યારે એ બદલાયેલી લાગે છે. વિધવાનો વેશ હતો પણ તે શરીરે ભરાઈ હતી અને વાન પણ ઊઘડ્યો હતો. વાર્તાકારનું આવું નિરૂપણ પતિના મૃત્યુએ ચંચળને દુઃખોમાંથી મુક્ત કરી હતી એવું ઇંગિત આપે છે. બાએ ચંચળના માથે બાંધણી નાખી ત્યારે એ કંઈ બોલી શકતી નથી પણ એની આંખમાંથી આંસુ દડે છે. સમાજની રૂઢિથી પીડિત નારીની આ કથામાં અહીં વાર્તાકારે બે પાત્રોને સામસામે મૂકીને વૈધવ્યના દુઃખના ઉકેલને વ્યંજિત કર્યો છે; પણ વિધવા ચંચળને એનો રંગવિહોણો વેશ રડાવે છે. ‘મંગળસૂત્ર’ વાર્તામાં ઉત્તર ભારતના પરિવારની કથા નિમિત્તે પુષ્પાના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક સંઘર્ષની અભિવ્યક્તિ થઈ છે. પુષ્પા અને હરપાલ ચાર પુત્રીઓને લઈને ઉત્તર પ્રદેશના ગામડામાંથી અમદાવાદ કામ કરવા આવે છે. હરપાલનું પાત્ર અહંકારી છે. ઠકુરાઈના ખોટા ખ્યાલમાં રાચતા હરપાલની પત્ની પુષ્પા તેની પાડોશણ રજ્જોેની મદદથી થોડું કમાતી થઈ છે. પરંતુ તેમને મજૂરી મેળવવા માટે પણ લાંચ તો દેવી જ પડે છે તેથી છેલ્લે બચી ગયેલું એકમાત્ર મંગળસૂત્ર પણ આપી દે છે. નિમ્નવર્ગની માત્ર જીવતા રહેવાની કશમકશ અને તેમને વેઠવી પડતી હાડમારીઓનું હૃદયદ્રાવક રીતે નિરૂપણ અહીં થયું છે. અહીં પણ આ વાર્તાની નાયિકા સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. ‘પોયણા’ વાર્તા વાચકને એક નવી દુનિયામાં લઈ જાય છે. આ વાર્તાનો નાયક બાબુ છે. જે પછીથી થયેલો શિક્ષક રાજેશ છે. તે બારમા ધોરણની પરીક્ષા આપવા બહેનને ત્યાં જાય છે ત્યાંથી વાર્તા આરંભાઈ છે. મકાન માલિકની રમતિયાળ અને રૂપાળી કિશોરી પમ્મી બાબુ પ્રત્યે પ્રેમનો ઉમળકો દાખવે છે પરંતુ બાબુ તેની પોતાની જ મર્યાદાને કારણે સ્વીકારી શકતો નથી. પોતાના મિત્ર સાથે ગામના તળાવમાં પોયણા તોડવા ગયેલો ત્યારે પોતે જે ભય અને માનસિકતામાં ઘેરાઈ ગયેલો તેના કારણે પમ્મી જ્યારે તેને પામવાનો ઉત્કટતાપૂર્વક પ્રયત્ન કરે છે ત્યારે તે તેના ભયના લીધે તેના પોયણાને સ્પર્શી શકતો નથી. પોયણા શીર્ષક આ વાર્તામાં સાર્થક થાય છે. ‘આંતરસેવો’ વાર્તામાં આપણા સામાજિક પ્રશ્નો કેન્દ્રસ્થાને છે. સાસુ વહુના પરંપરાગત સંબંધો અને ‘સાસુ તો સ્નેહશૂન્ય અને કરડા સ્વભાવની જ હોય’ એવી રૂઢિગત માન્યતાને કારણે સાસુથી અંતર રાખીને વર્તતી વાર્તાની નાયિકા લત્તા વાર્તાના અંતે કેવી રીતે બદલાઈ જાય છે તેનું સરસ નિરૂપણ છે. સસરાના ગુજરી ગયા પછી લત્તા પોતાની સાસુને આગ્રહપૂર્વક પોતાની સાથે લઈ જાય છે અને પોતાની સાસુને લાગણીથી જાળવી લે છે પરંતુ તેમની વચ્ચે એક ચોક્કસ અંતર રાખે છે. સાસુના મૃત્યુ પછી વહુ તરીકે જીવેલી લત્તા તેની દીકરી બની જાય છે. તારાબહેનના બ્લાઉઝનો એક આંતરસેવો ઉકેલતી લત્તાના હૃદયનો આંતરસેવો પણ ઉકેલાઈ જાય છે. પોતાની સાસુ સાથે દીકરી જેવી આત્મીયતા ન કેળવી શકેલી લત્તા વાર્તાના અંતે પસ્તાવો અનુભવે છે. લત્તાના અચેતન મનમાં રહેલી ગ્રંથિ એને પ્રેમાળ સાસુથી કેવી રીતે અળગી રાખે છે એ વાતનું અહીં મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ આલેખન થયું છે. પોતે જ પોતાના મનમાં વિચારી લીધેલી એક વાત લત્તાને પોતાની લાગણીસભર સાસુથી અલગ પાડી દે છે. ‘અભિનંદન’ વાર્તામાં પરિણીત પુરુષને પ્રેમ કરતી નાયિકાના ગુનાહિત મનોભાવોનું આલેખન થયું છે. આ વાર્તાની નાયિકા પદ્મજા સાથે કામ કરનાર પ્રશાંત લગ્નેતર સંબંધ ધરાવે છે. છૂટાછેડાનો કેસ ચાલે છે અને કદાચ આજે ફેંસલો આવી જાય એવી ધારણાથી ઑફિસમાંથી ઉતાવળે ઘેર પહોંચવા નીકળેલી નાયિકાના મુખે આખી વાર્તા કહેવાય છે. ટ્રાફિકના અવરોધોને પાર કરી ઘરે પહોંચતી નાયિકાને ઝાંપે ઊભેલો પ્રશાંત અભિનંદન આપે છે અને એને ઓળખવાનો પ્રયત્ન કરતી નાયિકા બોલી ઊઠે છે, શેના? અને વાર્તા પૂરી થાય છે. વાર્તા વાંચ્યા પછી વાચકને પણ કદાચ આ જ પ્રશ્ન થવાનો. ‘તાવણી’ વાર્તામાં ગોર અને વજુભાના જીવનનો સંઘર્ષ સમાંતરે આલેખાયો છે. આ વાર્તાનો પરિવેશ ક્યાંક આપણને અખેપાતર નવલકથાની યાદ અપાવે છે. બટકબોલી વિજુના પ્રશ્નો, ગોરાણીના બળાપા, વેરઝેરના ઝઘડા અને દરબારી ભાણુંભાનાં અપલખણ – આવું ઘણું બીજું આ વાર્તાના પોતમાં વણાયેલું છે. બળતણ માટે ઘેઘૂર આંબલી કપાવી નાખતો નાનુ કોળી પણ સમાજનું એક ચિત્ર રચી આપે છે. ‘જાગતું પડ’ એ આ સંગ્રહની એક મહત્ત્વની વાર્તા બની રહે છે. ગોપનાથના પ્રવાસે ગયેલી ચાલીસેક વર્ષની સ્ત્રી રસ્તો ભૂલી જાય છે. ખેતરોમાં અટવાઈ પડે છે અને સાવ જુદી જ પ્રકૃતિનો દેખાતો ‘બાબભઈ’ તેને મળે છે અને તેની મદદ લીધા વિના છૂટકો નથી. તેના ઘર સુધી પહોંચતાંમાં એક સ્ત્રીને જે કંઈ વિચાર આવે તે બધા જ એને આવે છે. કોઈ સ્ત્રી પોતાની સલામતી વિશે જે કંઈ વિચાર કરે એ બધા જ આ સ્ત્રીને પણ આવે છે. પરંતુ બાબભઈ આ બધાથી સાવ જુદો જ આલેખાયો છે. કથામાં આ બંને વચ્ચે જે સંવાદો રચાયા છે તે બન્ને પાત્રોના મનોગતને પ્રગટ કરે છે. ‘નિરસન’ વાર્તાનાં નાયક નાયિકા જુદાં જુદાં સ્થળોએ અધ્યાપનનું કાર્ય કરે છે. નાયક મંત્ર તંત્રની ગૂઢ વિદ્યામાં ફસાયો છે. તેની પીએચ.ડી.ની વિદ્યાર્થિની તેને સાચવે છે અને ભગવાન માની પૂજે છે. પતિ પત્ની રજામાં ભેગાં થાય છે ત્યારે પણ જુદાં જ છે. પતિના વર્તનને કારણે નાયિકાની સ્થિતિ વિક્ષિપ્ત થયેલી છે. નાયિકા નાયક સાથે સાયુજ્ય રચવાનો પ્રયત્ન કરે છે પણ તે તેના દરેક પ્રયત્નમાં નિષ્ફળ જ જાય છે. ઢોંગ ધૂતારાની મજાક ઉડાવવાનો એક લપસણો ઢાળ અહીં હતો પણ લેખિકા તેનાથી બચીને પોતાના લક્ષ્યને બરાબર સાધે છે. લેખિકા ઇચ્છે તો આ વાર્તાને હજુ આગળ ચલાવી શક્યાં હોત. ‘આડા હાથે મુકાયેલું ગીત’ વાર્તામાં પતિની ઇચ્છાને વશ થઈને પોતાના બધા જ શોખનો ત્યાગ કરનારી નાયિકા છે. નાયિકા સુજાતાના લગ્ન પહેલાંના બધા જ શોખ મનના અગોચર ખૂણામાં ધકેલાઈ ગયા છે કેમ કે તેના પતિને એ ગમતું નથી. સુજાતાની પોતાની સખી માલતી સાથેની મુલાકાત એને ભૂતકાળમાં લઈ જાય છે અને એના પ્રિય ગીતનો દોર પકડાવે છે. અહીં સુજાતા અને માલતીના લગ્ન પછીના પરિવર્તનની જ વાત છે. લગ્ન પછી સ્ત્રી અને પુરુષ એકબીજાને અનુકૂળ થવા માટે પોતાની જાતને બદલવાનો પ્રયત્ન કરે છે પરંતુ અહીં તો માત્ર સ્ત્રીએ જ પૂરેપૂરા બદલાવાની વાત છે. ‘પગેરું’ વાર્તામાં માણસની જીદ કઈ હદ સુધીની હોય તેની વાત છે. માણસની જીદ ક્યારેક શક્ય કે સરળ ન હોય તે કરવા માટે પણ માણસને વિવશ બનાવી દે છે. આ વાર્તાની નાયિકાના વ્યાખ્યાનને સાંભળી તેને મળવા માટે એક મા-દીકરી આવે છે. મા વૃદ્ધ છે. અને પોતાની પુત્રીની તેને ચિંતા છે કેમ કે હવે તે ઘરડાઘરમાં રહેવા જવાની છે. આ પરિસ્થિતિમાં પોતાની પુત્રીને કંઈક કામ મળી રહે તે માટે વૃદ્ધા નાયિકાને વિનવે છે. નાયિકા એને સાંજના કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ આપે છે. સાંજે મા-દીકરી આવતાં નથી અને બે મહિના પછી છાપામાં કથાની જાહેરાત વાંચીને નાયિકા એમનું પગેરું શોધવા નીકળી પડે છે. નાયિકા માત્ર સમાજસેવાના આશયથી નહિ પણ કોઈ અજાણ્યાં અનુબંધથી ખેંચાતી હતી. કદાચ એ મા-દીકરીને જોઈને નાયિકાને પોતાના ભૂતકાળની ઝાંખી થતી હોય. આ વાર્તામાં ઘટનાની દૃષ્ટિએ જોઈએ તો અહીં કોઈ એવી નક્કર ઘટના નથી બનતી ને તેમ છતાં આ વાર્તા ભાવકના હૃદયમાં ઊંડે ઊંડે સુધી ઊતરી જાય એવી છે. ‘ઉંબર વચ્ચે’ વાર્તામાં લ્યુકોડર્મા થયેલી નાયિકાની પરણવાલાયક પુત્રીને કોઈ પરણવા તૈયાર નથી તેની કથા છે. લ્યુકોડર્મા થવાની શરૂઆત થઈ ત્યારથી જ નાયિકા સંસારમાંથી પોતાની જાતને ખેંચી લે છે. આ વાર્તાની નાયિકાની વેદના બમણી છે. પોતાના રોગને કારણે દેખાવ આદિની પીડા, તો પુત્રીના લગ્નની ચિંતા પણ અહીં નાયિકને પીડે છે. કોઈપણ વાંક વિના માત્ર પોતાની આ બીમારીને લીધે નાયિકા ગુનેગારના પિંજરામાં ઊભી છે. લેખિકાએ નાયિકાનાં સૂક્ષ્મ સંચલનોનું આલેખન વાસ્તવિકતાની ધારથી અને મનોવૈજ્ઞાનિક રીતિએ અસરકારકતાથી કર્યું છે. આ વાર્તાઓ અંગે લેખિકા આરંભમાં જ નોંધે છે કે : “મારી વાર્તાઓનાં પાત્રો એક સ્થળેથી બીજા સ્થળે ગતિ કરતાં કરતાં પોતાનું મનોજગત ખોલતાં જાય છે. આ યાત્રા અંદર બહાર બન્નેની છે... સ્થળના સૂક્ષ્મ વર્ણનો મને સંકેતાર્થ સુધી લઈ જાય છે.” ટૂંકમાં, પાત્રોનાં આંતરસંચલનોને લક્ષિત કરતી આ વાર્તાઓમાં લેખિકાએ વાર્તાની અનિવાર્યતા પ્રમાણે જાતિયતાનું આલેખન કરવાનું સાહસ કર્યું છે. અહીં આલેખાયેલાં નારીપાત્રોને ક્યાંક ને ક્યાંક ઝીણું દુઃખ કે તાણના અનુભવમાંથી પસાર થતાં દર્શાવાયાં છે. નારીપાત્રોના મનોવાસ્તવનાં વિવિધ પરિમાણો વ્યક્ત કરવામાં લેખિકાએ સાંકેતિક ભાષા પ્રયોજી છે. આ સંગ્રહ વિશે ઈલા નાયક નોંધે છે કે : “ટૂંકમાં, ‘બાંધણી’ની વાર્તાઓમાં સર્જકમૂલ્ય, ભાવકમૂલ્ય અને કૃતિમૂલ્ય સંયોજિત થયાં છે. અનેક કેન્દ્રોથી મૂલવવાની શક્યતાઓ વિસ્તારતી આ વાર્તાઓમાં સર્જકે સંવેદનને પ્રભાવક રીતે રજૂ કર્યું છે.”

ડૉ. આરતી સોલંકી
ગુજરાતીના પ્રાધ્યાપક,
સિહોર કૉલેજ
મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮
Email : solankiarati૯@gmail.com