ગુજરાતી સૉનેટકાવ્યો/આમ મળવું
Jump to navigation
Jump to search
(શિખરિણી)
૧૨૮. આમ મળવું
કેશુભાઈ દેસાઈ
ઘણું સારું લાગ્યું, મન પણ થયું કૈંક હળવું;
ન’તું ધાર્યું એવું સુખદ સમણું આમ ફળવું!
ગમે-મોટા છો તે ક્વચિત કંઈ ટીકા પણ કરો :
અબોલા તો લાગે પળ પળ હિમાળે જે ગળવું!
ભલે ના હો કાંઈ મન-મગજમાં બેઉ જણના-
છતાં લોકોમાં તો લગરીક હતું કૈંક અવળું!
કશું લેવું-દેવું નહીં, નહિ કશી લાય વસમી,
છતાં વચ્ચે ઊભી અડીખમ દીવાલો ચીન સમી.
અરે, લો એ આજે પળ મહીં ખડી ગૈ પરણ-શી
અને ફૂટી કેવી અકળ સરવાણી ઝરણ-શી
સુંવાળી, હૂંફાળી, મૃદુ મખમલી લાગણી વળી-
રૂંવે રૂંવે જાગી શત શત સુહાસી શિખરિણી.....
તમારી આંખોમાં ઝળહળ નિહાળી ઝલક શું!
–મને એથી ઊંચું જરીય ખપતું ના પદ બીજું....