એક જ ડાળનાં પંખી
એક જ ડાળનાં પંખી,
અમે સહુ એક જ ડાળનાં પંખી.
વિહરીએ કદી આભમાં ઊંચે;
ઊડી ઊડી કદી આવીએ નીચે,
કિલ્લોલ કરતાં રહેતાં ઉમંગી. — અમે૦
સુખમાં ને દુઃખમાં સાથે જ રહીએ,
લઢીએ વઢીએ, કદી જુદાયે થઈએ,
તોયે નિરંતર રહેતાં સંપી. — અમે૦
ધરતીને ખોળે બાળ અમે સહુ,
કરીએ કુદરત ગાન અમે સહુ,
જીવન કેરા પ્રવાસનાં પંથી. — અમે૦
— શાંતિલાલ