બાળ કાવ્ય સંપદા/પ્રથમ વરસાદે

Revision as of 06:15, 14 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પ્રથમ વરસાદે

લેખક : ઉશનસ્
(1920-2011)

આ પરથમ વ્હેલા વરસાદે વળી કોણ રહે ઘરખૂણે,
પરવતણા હિસ્સોટે પાગલ જવ વન-ડુંગર ધૂણે ?

હરતાંફરતાં ઝુમ્મર ઘુમ્મર ફરફર વરસે ફોરાં,
સૌને મારા સમ છે આજે, કોઈ રહે જો કોરાં;

માટીના ઢેફાશી પલળી પીમળે ધરતી-ગંધ,
કોણ રહે ઘર બેસી આજે શ્વાસ કરીને બંધ ?

આવો, નેવાંની નીચે જૈ જલધારા શિર ઝીલીએ,
ગંગાને ઝીલતા શંભુની બરોબરીના ખીલીએ;

આવો, અધ્ધર જીભટેરવે ઝીલી લૈએ જલબિંદુ,
ચાતક-તરસે ચાખી લૈએ ઘર-આંગણિયે સિંધુ;

જો મા આ પાણીનો રેલો નીકળ્યો આંગણ થઈને,
હુંયે એમાં વહી જાઉં; આજે રોકીશ નહીં ને ?

આઠઆઠ મહિનાથી રોકી રાખી કાગળ-હોડી,
આજ હવે મા, આ રેલામાં છુટ્ટી દઉં છું છોડી;

ચલો માવડી, છૂટી નાવડી, વધતો આગળ રેલો,
ઘરનું લંગર લીધ ઉપાડી, આવે સાગર વ્હેલો;

મેઘધનુના દરવાજે થૈ પરીને દેશ પૂગીશું,
પતંગિયાનો છોડ થઈ તવ આંખ મહીં ઊગીશું;

આ પરથમ પ્હેલા વરસાદે વળી કોણ રહે ઘરદ્વારે ?
વીજપંજે કોઈ ખોળે મા, મુજને ઘન અંધારે.