સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/ભાષા

From Ekatra Wiki
Revision as of 02:14, 29 March 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ભાષા

ભાષાની ઉત્પત્તિ મનુષ્યોએ અમુક સંકેતવાળા શબ્દો યોજવા માંડ્યા ત્યારથી થયેલી માનીએ તો બાધ નથી. દા. મેક્ષમ્યૂલર જેવા સમર્થ પંડિતોએ ભાષાની ઉત્પત્તિ અને વૃદ્ધિ વિષે બહુ બહુ વિચારો કરેલા છે; તેના વિષે અત્ર કાંઈ પણ વક્તવ્ય નથી. ભાષા એટલે વિચારને આપેલો વેષ, કેવા કેવા વેષવાળો વિચાર કેવી અસર કરી શકશે એ વિવેકપૂર્વક યોજાયલી શબ્દરચના, એટલું નિશ્ચયપૂર્વક સમજી રાખવા માટે આપણે ભાષાની ઉત્પત્તિના પ્રકારને સ્મરણમાં લાવવો પડે છે. અને ભાષાનું આ સ્વરૂપ લક્ષમાં ન રહેવાથી બહુ બહુ પ્રકારની ભુલો થાય છે. કેટલાક એમ માને છે કે જે ભાષામાં આપણે જન્મ્યા છીએ, જે ભાષાની કેળવણી લીધી છે, તે ભાષામાં લખાયલું એવું કાંઇ ન હોઇ શકે કે જે આપણા સમજવામાં ન આ આવે. કેટલાક એમ માને છે કે ભાષાને સરલ કે કઠિન રાખી લેવાથી લેખનો હેતુ સિદ્ધ થાય છે; સરલ રાખવાની પક્ષમાં એમ કહેવાય છે કે વાચકને શબ્દના દર્શનની સાથે જ અર્થસંગતિનો બોધ થઇ જતાં લેખક વાચક ઉભયની કૃતાર્થતા થઇ રહે છેઃ કઠિન રાખવાની પક્ષમાં એમ કહેવાય છે કે ભાષા નિરંતર ઉચ્ચ વર્ગ અને ઉચ્ચ ગ્રંથોમાં હોય તેવીજ રાખવાથી પુનઃ આપણે તેવી ઉચ્ચતાના સંસ્કાર પ્રાપ્ત કરી તેવી ઉચ્ચતાએ જઈ શકીએ. આ બધા વિચારોમાં સત્યનો ઘણો અંશ રહેલો છે એમાં સંશય નથી, તથાપિ આ સંબંધનું સમગ્ર સત્ય એજ છે એમ ન કહી શકાય.

આ બધા તર્કોમાં વિચાર અને ભાષા બે જુદાં રહી શકતાં હોય એવું સ્વીકારી લેવામાં આવ્યું છે એજ ભુલ છે. વિચાર આવે અને તે પછી તેને માટેની ભાષા યોજાય એમ માનવું એ ભાષા અને વિચારના સંબંધને ન સમજવાનું પરિણામ છે. વાણી વિના વિચાર થઈ શકે કે નહિ? એ પ્રશ્ન ઘણા ઘણા તર્ક વિતર્ક અને વિવાદનો વિષય થઈ પડેલો છે; તથાપિ એટલું સ્વીકારવામાં કોઇ બાધ જણાતો નથી કે વાણી અથવા ભાષા એટલે કે અમુક અમુક વિચારને દર્શાવનારા સંકેતરૂપ સંજ્ઞા ન હોય તો વિચાર ચલાવી શકાય નહિ. ‘વિચાર કરવો’ એનો અર્થજ એ છે કે કોઇ બે સંજ્ઞા વચ્ચે શો સંબંધ છે તે જોેવું અને તે સંબંધમાંથી બીજા સંબંધો ઉપજાવવા. મોઢે બોલ્યા વિના કે કાગળ ઉપર લખ્યા વિના કેવલ મનમાં ને મનમાં પણ જે વિચાર ચાલે તે કોઈ પણ બે અથવા તેથી વધારે સંજ્ઞાઓનો સંબંધ લક્ષમાં રાખ્યા વિના ચાલી શકે નહિ. આવા અનુભવથી એમ સમજાય છે કે ભાષા વિના વિચાર થઈ શકતો નથી. વિચાર પ્રથમ કે ભાષા પ્રથમ એ તત્ત્વનિશ્વયની ગુંચવણમાં ન ઉતરતાં, પ્રકૃત પ્રસંગને અર્થે એવો સ્વીકાર કરવો ઉચિત છે કે ઉભયે સાથેજ ચાલે છે, સાથેજ ઉદ્‌ભવે છે, સાથેજ સાકાર થાય છે. સ્પષ્ટ અક્ષરાત્મક ભાષા જેમને પ્રાપ્ત નથી તે સંજ્ઞાથી અને અંગવિકારોથી વિચારવ્યાપાર દર્શાવે છે, અક્ષરાત્મક ભાષાને જાણનાર શબ્દો અને વાક્યોની યોજનાથી વિચારનો વિનિમય કરે છે. વિચાર અને ભાષાને આવો અભેદ હોવાથી વિચાર પ્રથમે આવે ને તે પછી તેને માટેની ભાષા યોજાય અને તે સરલ કે કઠિન, યથારુચિ, રાખી શકાય એમ માનવું તે, બુદ્ધિના વ્યાપારને યથાર્થ રીતે ન સમજવાનું પરિણામ છે.

વિચારને અનુકૂલ ભાષા સ્વતઃજ ઉદ્‌ભવે છે. જેવો વિચારનો વેગ, વિચારની તન્મયતા, તેવી વાણી સ્વતઃજ ઉચ્ચરાય છે. પ્રાણીઓમાં પણ એ નિયમનું સ્વરૂપ પ્રત્યક્ષ જણાય છે. જેવો તેમની પ્રેરણાનો વેગ અને પ્રકાર તેવી તેમની ભાષા આપણને સમજાય છે. મનુષ્યોમાં પણ એનું એજ જણાય છે. અશિક્ષિત એટલે જેમને લખવા વાચવાનો પરિચય નથી તેવાં મનુષ્યો, પોતાના અંતરના પ્રકાર અને વેગને અનુકૂલ ભાષા સ્વતઃજ ઉચ્ચારે છે. સાહિત્યશાસ્ત્રવાળાએ અમુક રસને અમુક પ્રકારની અક્ષરયોજના અને શબ્દરચના પોષક છે એમ કહ્યું છે ત્યાં પણ રસ ન છતાં તેવી અક્ષર યોજના બલાત્કારે લાવવાથી રસની નિષ્પત્તિ કે પુષ્ટિ થતી નથી; તે તે રસના આવેગવાળું હૃદય તેવા તેવા પ્રકારની ભાષાદ્વારાજ બહાર દર્શન દે છે એટલુંજ તાત્પર્ય છે. એટલે ભાષાને અમુક પ્રકારની કરવી કે ન કરવી એવો જે વિચાર છે તે ભ્રમમૂલક જણાય છે. લેખકો પોતાની પ્રતિભાના વેગમાં જે ભાષાદ્વારા તે વેગ પ્રદર્શિત થઈ જાય તે ભાષાદ્વારા તેને પ્રકટ કરે છે; પુનરવલોકન કરતાં મૂલના વિચારને દર્શાવવાનો કોઇ ભાષાપ્રકાર વધારે સારો લાગે તો તેટલો ફેરફાર કરી કે કરાવી લે છે; પણ વિચારનો વેગ પ્રદર્શિત કરતી વેલાએ શબ્દો સરલ રાખું કે કઠિન રાખું, સંસ્કૃત રાખું કે પ્રાકૃત રાખું એ ઉપર તેનું લેશ પણ લક્ષ હોતું નથી. લક્ષ હોતું નથી એટલુંજ નહિ, હોઈ શકે પણ નહિ, શબ્દોને વિચારતાં તેવા લેખક પોતાના વિચારની શ્રેણિનેજ બગાડી નાખે. વિચારને દર્શાવવાને સમયે જ્યારે શબ્દરચના ઉપર લક્ષ રખાયજ નહિ, તેમ પુનરવલોકનમાં એ મૂલ વિચારને દર્શાવવાની વધારે સારી રચના કરવા કરતાં બીજો ફેરફાર કરી શકાય નહિ, ત્યારે લખી રહ્યા પછી, જાણી જોઇને, આ શબ્દને સ્થાને આ શબ્દ મૂકો ને આ શબ્દને સ્થાને આ શબ્દ મૂકો, એવું કરનારને તો શબ્દશક્તિનું કે લેખકના ઉત્તમોત્તમ કર્તવ્યનું ભાનજ નથી એમ કહેવાય.

જે ઉત્તમ લેખકો પ્રતિભાને પ્રસાદ પામી પોતાના અખૂટ અને અગાધ હૃદયરસનો આખા વિશ્વ ઉપર વાણીદ્વારા વિસ્તાર કરવા ભાગ્યશાલી થાય છે તે ભાષા અને શબ્દરચનાના વિચારોમાં કદાપિ ગુંચવાતા નથી. ભવભૂતિએ કહ્યું છે તેમ,

લૌકિકાનાં હિ સાધૂનામર્થ વાગનુવર્તતે |
મુનીનાં પુનરાદ્યાના વાચમર્થોઽનુઘાવતી ||

જે પ્રતિભાપ્રસાદથી પુનિત મહાત્માઓ છે તેમની વાણી પૂઠે અર્થ સ્વતઃજ દોડતો ચાલે છે, અર્થને આણીને તેને અનુકૂલ વાણી યોજવી એ તો પ્રતિભાશૂન્ય લૌકિક, વ્યાપારીઓનું, પાકૃત કર્મ છે. પ્રત્યેક વિચાર અંતઃકરણમાં સાકાર થાય છે તે અમુક પ્રકારની શબ્દસંજ્ઞાને અવલંબેજ સાકાર થાય છે; તેવો ને તેવોજ જો એ વિચાર બહાર દર્શાવાય નહિ તો, એ વિચારના મૂલ ઉપાસકને જે આનંદ કે પ્રેમ આવીને તે વિચાર વાચકને આપવાની રુચિ થઇ તે આનંદ કે પ્રેમ કદાપિ સામાને આપી શકાય નહિ. એટલે પ્રત્યેક વિચાર, પ્રત્યેક શાસ્ત્ર, પ્રત્યેક લેખ, તેને પોત પોતાની વિશિષ્ટ વાણીનો પ્રકાર, સ્વાભાવિક રીતેજ, વળગેલો હોવો જોઈએ અને હોય છે. એમાં સરલ કઠિનનો વિવેક લેખકે કરવાનો અવકાશજ નથી.

સરલ કે કઠિન એ વાત વાસ્તવિક દૃષ્ટિએ જતાં, વાણીના પ્રસિદ્ધત્વ કે અપ્રસિદ્ધત્વ ઉપર રહેતી નથી. શ્રોતા અથવા વાચકને કોઈ એક વચનગત શબ્દમાત્ર પ્રસિદ્ધ હોય તથાપિ તે વચનમાં રહેલો અથચમત્કાર તેવી બુદ્ધિમાં ઉદય થઇ શકે એવો તેનો અધિકાર ન હોય તો એ વચન તેને રુચિકર ન થાય એમાં કાંઇ આશ્ચર્ય નથી. ભાષા ઉપર આગ્રહ કરનારે વાત બહુ લક્ષમાં લેવા જેવી છે, સરલ કઠિનનો વિવેક લેખકે કરવાનો નથી, વાચકે કરવાનો છે, કેમકે સરલ અથવા કઠિન તે વિશેષણ વાચકની બુદ્ધિને ગ્રહણ કરવાની જે શક્તિ હોય તેની અપેક્ષાએ યોજાયલું છે. લેખક પોતે તો પ્રતિભાના પ્રવાહમાં સર્વદા નિરક્ષેપ વિહરે છે, ને જે પ્રમોદ પોતાના હૃદયમાં વ્યાપે છે તે પોતાના જેવાં હૃદયોમાં ઉપજાવવા તેનો ઉચ્ચાર કરી દે છે. તેનું ગ્રહણ થવું ન થવું એ શ્રોતા કે વાચકના અધિકાર ઉપર છે.

એ પ્રશ્ન થાય કે લેખકોએ પોતાના લેખને ગ્રહણ કરનાર હૃદયો ઉપજાવવાં એ તેમનું કર્તવ્ય નથી? જે હૃદયની એવા લેખકોના હૃદયની સમાન હોય તેમને તો તેમના લેખની અપેક્ષા નથી જે હૃદયો તેમના લેખને ગ્રહણ કરવા તત્પર નથી તેમને તે લેખ નકામા છે, ત્યારે ઉભયે પ્રકારે તેમની પ્રવૃત્તિ વ્યર્થ નથી? સમાનરસવાળું હૃદય ઉપજાવવું એ તો પ્રત્યેક લેખક, વક્તા, ઉપદેશક, સર્વેનું કર્તવ્ય છે, પરંતુ અમુક લેખ અવગત થવાને અર્થે જે બુદ્ધિ જોઇએ તે પણ તેના તે લેખથીજ કે તે લેખ વિસ્તારનારના અન્ય પ્રયત્નથી આવવી જોઇએ એ તો અશક્ય છે. લેખોના પણ અનંત પ્રકાર છે, પોતાની બુદ્ધિને અનુકૂલ પ્રકારનો આશ્રય કરતે કરતે, અધિકારાનુસાર જે લેખનું હૃદય ગૃહવાની શક્તિ આવે તે ગૃહી શકાય છે. અર્થાત્‌ લેખકો પોતે પોતાના લેખને ગૃહવાનું સામર્થ્ય પણ ઉપજાવી આપે એવું કદાપિ થઇ શકતું નથી; સામર્થ્ય ઉપજાવી આપનારા લેખકો પણ હોય છે, ને તે તેમનું કાર્ય કરે છે. અને સમાનરસવાળાં હૃદયો ૫ણ પરસ્પરના રસકલ્લોલના વિનિમયથી અતિ અલૌકિક પ્રસાદને પામતાં જણાય છે. ૨સના સ્વરૂપને સીમા નથી, એકની એક વાત અનંત રીતે, અનેક હૃદયોને સ્ફુરે છે. એટલે સમાનરસવાળાં હૃદયોને પરસ્પરના રસપ્રવાહનો વિનિમય વ્યર્થ કે નિરુપયોગી હોઇ શકતો જ નથી.

એજ નિષ્કર્ષ છે કે વિચાર અને ભાષા ભિન્ન થઇ શકતાં નથી; વિચારને અનુકૂલ વાણી સ્વતઃજ ઉદ્‌ભવે છે, તેને સરલ કે કઠિન કરવાની દૃષ્ટિથી ફેરવતા રહેવી એથી વિચારમાં વિકૃતિ ઉપજી, વિરસતા થતાં : લેખનો હેતુ વ્યર્થ થાય છે. આ ફલિતાર્થ યથાર્થ હોય તો, આજ કાલ, જે એક પવન ચારે પાસા વ્યાપેલો જણાય છે તે ઉપર અરુચિ થયા વિના રહેવી જોઇએ નહિ. ગૂજરાતમાં અંગરેજી રાજ્યસત્તાને અંગે શિક્ષણપ્રકાર અને લેખનપદ્ધતિ યોજાવા લાગી ત્યારે એવો અભિપ્રાય સર્વોપરિ વર્તતો હતો કે સરલ, તલપદી, ભાષાજ લખવી, અને સર્વથી સમજાય તેવા લેખ વિસ્તારી, દેશોન્નતિનો માર્ગ કરતા જવો. આ વિચાર કેટલાક સમય સુધી સારી રીતે વિજયી થયો, તેનામાં જેટલું બલ હતું તેટલું કરી શક્યો; અક્ષરજ્ઞાન અને વાચનની રુચિ ઉપજાવી શક્યો; પરંતુ જ્યારે પારમાર્થિક વિષયો, શાસ્ત્રીય રચનાઓ, સમજવા અને સમજાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે આ વિચાર નિર્બળ થઈ મરણપ્રાય થઇ ગયો. એ સમયે સરલ ભાષાના પ્રત્યાઘાતરૂપે કઠિન ભાષાનો, સંસ્કૃતમયી વાણીને પક્ષ ઉદ્‌ભવ્યો. પારમાર્થિક અને શાસ્ત્રીય વિષયોની ચર્ચા કરવામાં સ્વાભાવિક અને અપરિચિત શબ્દો આવી જાય છે, ને તે આપણા દેશમાં સંસ્કૃત ભાષાનાજ હોય છે. અટલે સંસ્કૃતમયી કઠિન ભાષાના પક્ષને એક રીતે સંપૂર્ણ ટેકો મળવા જેવું છે. તથાપિ એ આગ્રહ મર્યાદામાં રહી શક્યો નહિ, જેમ સરલ ભાષાવાળા મહોટા ફિલસુફીનાવિષયને કે આયુર્વેદને પણ તલપદી ભાષામાં દર્શાવવાનો મિથ્યા આગ્રહ કરતા હતા, તેમ સંસ્કૃતમયી ભાષાના પક્ષવાળા પણ ‘પાણી પીવું છે’ એને સ્થાને, ‘જલપાન કરવું છે’ અને હવણાં હવણાં તો ‘જલપાન કાર્ય છે’ એટલે સુધીના આડંબરમાં ઉતરી પડ્યા. તલપદી ભાષાનો પક્ષ એમ માને છે કે વિચારની સુગમતા રહેવાથી વિચારને વિનિમય તુરત તુરત થઇ જતાં, જે સાધ્ય હોય તે તે સહજે અને સત્વર સિદ્ધ થાય છે. આમ માનવામાં બહુ તથ્ય રહેલું છે; કોઇ પણ વિષયનું તલસ્પર્શી જ્ઞાન હોવાનું એક ચિન્હ છે કે તે વિષયને સાદામાં સાદી રીતે પણ દર્શાવી શકાય. આથી ઉલટી રીતે સંસ્કૃતમયી ભાષાના પક્ષનું એમ માનવું છે કે ગૂજરાતી ભાષા સંસ્કૃતમાંથી થઇ છે, આપણા પ્રાચીન કવિઓ સંસ્કૃત શબ્દોજ પ્રયોજી ગયા છે. આપણાં શાસ્ત્રો સંસ્કૃતમાં છે, આપણાં બૈરાં અને ગ્રામ્ય ખેડુતો ઘણા સંસ્કૃત શબ્દોજ વાપરે છે, જે થોડા ઘણા ફારસી, અંગરેજી, શબ્દો પેઠા છે તે પરદેશીય સંસર્ગોથી વિકારરૂપે પેઠા છે;—માટે આપણે જો આપણી ઉન્નતિ ઇચ્છતા હોઈએ, તો સંસ્કૃત શબ્દો વિના બીજા શબ્દો પ્રયોજવા નહિ; એમજ આપણે આપણી ભાષા અને આપણા દેશ માટે સાભિમાન થઇશું, આપણાં વેદ અને શાસ્ત્રોમાંની ભાવનાઓને કોઇ કાલે પણ સ્પર્શીશું, અને પ્રાચીનતાના આશ્રયમાં પ્રાચીન મહત્તાના પુનઃ ભોકતા થઇશું. પારિભાષિક અને શાસ્ત્રીય વિષયોની ચર્ચામાં સંસ્કૃત શબ્દો વિના ચાલેજ નહિ, વિષયાનુકૂલ ભાષા થાયજ, એટલે અંશે આ પક્ષમાં પણ સંપૂર્ણ તથ્ય છે, તથાપિ છેક દેશોન્નતિ પર્યતની જે ઈમારત સંસ્કૃત શબ્દોજ વાપરવાના પાયા ઉપર ઉઠાવવામાં આવી છે, તેમાં બહુ સાર જણાતો નથી.

‘શિવાજી નહોતા તો સુનત હોત સબકી’ એવા ભવ્ય બિરુદને પ્રાપ્ત કરનાર વીરમહાત્મા એટલે સુધી દેશાભિમાની હતા કે પોતાની નોકરીમાં રાખવા પૂર્વે પ્રત્યેકની પાસેથી, પોતે રચાવેલા શબ્દકોશાનુસાર રાજકીય પરિભાષાના સંસ્કૃત શબ્દોના જ્ઞાનની અપેક્ષા કરતા. આ વાત સત્ય હશે, અને તેમનો એ કોશ અદ્યાપિ વિદ્યમાન છે, જેથી તેની સત્યતાને આધાર છે, તથાપિ દેશાભિમાન અને દેશોન્નતિનો એજ માર્ગ છે એવું લેખકોએ સ્વીકારી લેવામાં બહુ તત્ત્વ સમજાતું નથી. કેવલ ભાષા અને શબ્દો ઉપર આગ્રહ રાખી, તેમને સંસ્કૃતજ કરી નાખવા; શબ્દો સંસ્કૃત પ્રયોજવા, એટલું જ નહિ પણ પ્રત્યયો અને વિભક્તિઓ તથા વાક્યરચના પણ સંસ્કૃતપ્રાય કરવી, ક્રિયાપદો પણ સંસ્કૃત જેવાંને જેવાં વાપરી દેવાં, વિશેષણોને પણ વિશેષ્યનાં જાતિ આદિ લગાડવાં, બોધ પામ્યો, તેને સ્થાને ‘બોધને પ્રાપ્ત થયો’ એવું વચન યોજવું, એ આદિ શબ્દપાંડિત્યથી વિચારશૂન્યતાજ વ્યક્ત થાય, બીજું ક્વચિતજ સિદ્ધ થઇ શકે. કારણ વિના કઠિન કરી નાખેલી ભાષા વિચારનો વિનિમય કરવે કરાવવે બહુ સમય લે છે; જે વિચારો દર્શાવવાની સામગ્રી તૈયાર છે તેને માટે પણ નવી સામગ્રી યોજવી અને વાચનારને તે નવેથી શીખીને આવવાની ફરજ પાડવી, એમાં દેશાભિમાન કે દેશોન્નતિનો માર્ગ પ્રતીત થઈ શકતો હોય, તો તે અમોને તો જણાતો નથી. અમને તો જે તે પ્રકારે વિચારના વિનિમયમાં સર્વ પ્રકારની ઉન્નતિ દીસે છે; કેવલ ભાષાના અભિમાનમાં તો માત્ર સ્વાત્મપ્રશંસા અને મિથ્યા આડંબરનોજ મહિમા જણાય છે. દેશોન્નતિ કે આત્મોન્નતિ, કોઇ પણ પ્રકારની ઉન્નતિ, સિદ્ધ થવાને અર્થે જે વસ્તુ આવશ્યક છે તે ભાવના અને વિચાર છે; તે વિચારનો આકાર જે ભાષા તેનો આડંબર તો કેવલ ક્ષુદ્ર જાદુના પ્રયોગ જેવો છે. ગમે તે ભાષામાં દર્શાવો તો પણ આવી જે જે ઉન્નતિકારક અને ઉદ્ધારક ભાવનાઓ છે. તે સર્વ દેશમાં તેની તેજ છેઃ ત્યાં અમુક શબ્દો યોજવામાંજ ઉન્નતિનો માર્ગ ક્યાં રહ્યો! કેવલ વિચારના વિનિમયમાંજ તે માર્ગ છે. વળી, ધર્મમાં જેમ પ્રાકૃત જનોની વૃત્તિની એકાગ્રતાને અર્થે મૂર્તિ આદિનો પ્રયોગ છે, તેમ લેખમાં એ સામાન્ય વાચકોને અર્થે શબ્દરચનાની સંભાળ લેવાની આવશ્યકતા છે. પરંતુ મૂર્તિમાત્રજ જેમ ઇષ્ટને સિદ્ધ કરનાર નથી, મૂર્તિનો ત્યાગ કરીને અમૂર્ત એવી ભાવનાનો અનુભવ થવામાંજ સિદ્ધિ છે. તેમ લેખમાં એ શબ્દ અને ભાષાથી ઈષ્ટસિદ્ધિ નથી, તેનો ત્યાગ કરી તે દ્વારા વ્યક્ત થતી ભાવનાના અપરોક્ષમાં ઇષ્ટસિદ્ધિ છે. અને જ્યારે પ્રત્યેક વિચાર સ્વાનુકૂલ ભાષાને સ્વતઃજ પોતાની વ્યક્તિને અર્થે લેતો ઉપડે છે, ત્યારે સંસ્કૃતમયી ભાષા કરવાનો આગ્રહ કેવલ પાષાણમયી મૂર્તિને પૂજવામાં કલ્યાણ બતાવવાના માર્ગ કરતાં વધારે સારો કહી શકાતો નથી.

પ્રતિભાના પ્રસાદમાં વિલસતા દેશહિતૈષી સુજ્ઞ લેખકોને વર્તમાન સમયે જે વિચારવાનું છે તે આપણું ભાવિ છે. આપણા ભૂતકાલ ઉપર આપણને પ્રેમ અને ભક્તિ હોય એ સ્વાભાવિક છે, અને સુભાગ્યે તે ભૂતકાલ એવો ભવ્ય છે કે જેટલી ભક્તિ અને શ્રદ્ધા તેના ઉપર અર્પીએ તેટલી થોડી છે. તથાપિ ભૂતમાત્રજ સારુ અને ઉત્તમ છે એમ માની, ભૂતકાલની આપણી શ્રદ્ધાને આપણે એટલે સુધી તાણી જઇએ કે ભૂતકાલની વાણી વિના બીજી વાણી ન ઉચ્ચારવામાંજ ઉન્નતિ સમજીએ, તો વર્તમાનને કેવલ વીસરી જઈ, ભાવિનો માર્ગ આપણે કદાપિ કરી શકીએ નહિ. પ્રતિભાવ છે તે પૂજા કે શ્રદ્ધામાં સમાપ્ત થતી નથી, તે તો યોગ્યને યોગ્ય અર્પવા છતાં ભાવિનું દર્શન પામી, ભાવિને વર્તમાનમાં લાવવા યત્નવતી થાય છે. એજ મહાત્મા, સંત, પેગંબર, કવિ, પંડિત, સર્વના સામર્થ્યનો સાર છે. એવા ઉપદેશકો, વક્તાઓ, લેખકો, જેને ભૂતમાત્રની પૂજામાં અને ભૂતમાત્રની વાણી વિના અન્ય વાણીનો ઉચ્ચાર ન કરવામાં કૃતાર્થતા માની રહ્યા હોત તો વિશ્વમાં વૃદ્ધિ અને ઉન્નતિનો માર્ગજ બંધ પડી ગયો હોત, અને આપણે જ્યાંના ત્યાં સડ્યાંજ કરતા હોત. ભાવિનો સ્પર્શ કરતી ભવ્ય પ્રતિભાવાળા જનો ભાવિનું દર્શન પામી અન્યને તે દર્શન કરાવવા મથે છે; વાણીમાત્રને ઉપાસવામાં તેમની કૃતાર્થતા નથી. વાણી પારનો વિચાર અને ભાવનાનો વિનિમય કરવામાં તેમની કૃતકૃત્યતા છે. તો અખાભક્તની અતિ ગંભિર બાનીનો આશ્રય કરી સંસ્કૃત પ્રાકૃતના આડંબરથી દૂર થઇ, આપણે પણ એ સિદ્ધાન્તમાં વિરમવું ઉચિત છે કેઃ—

શું સંસ્કૃતથી આવી ગયું, શું પ્રાકૃતથી નાશી ગયું,
ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર,
સઘળો બાવનનો વિસ્તાર, અખા તેપનમો જાણ્યે પાર.

જાન્યુઆરી—૧૮૯૮